‘સત્યના પ્રયોગો’
અથવા
આત્મકથા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૩. પહેલો કેસ
મુંબઇમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઇનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો.
કાયદા વાંચવાનું કામ ઢીલું ચાલ્યું. ‘સિવિલ પ્રોસ્જર કોડ’ કેમે ગળે ઊતરે નહીં.
પુરાવાનો કાયદો ઠીક ચાલ્યો. વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશિયારીનું કારણ તેમનું કાયદાનું અગાધ જ્ઞાન છે. તેમને
‘એવિડન્સ ઍક્ય’ તો મોઢે જ છે. બત્રીસમી કલમ ઉપરના એકેએક કેસ તેઓ જાણે.
બદરુદીનની બાહોશી તો એવી છે કે જડજો તેમનાથી અંજાઅ જાય છે. તેમની દલીલ
કરવાની શક્તિ અદ્ભુત છે.’
જેમ જેમ આવા અડીખમોની વાતો સાંભળું તેમ તેમ હું ગભરાઉં.
‘પાંચસાત વર્ષ સુધી બારિસ્ટર કોર્ટમાં ઢેફાં ભાંગે તે નવાઇ ન ગણાય. તેથી જ મેં
સૉલિસિટર થવાનું ધાર્યું છે,ત્રણેક વર્ષ પછી તમે ખર્ચ ઉપાડો એટલું કમાઓ તો ઘણું સારું કર્યું કહેવાય.’
દર માસે ખર્ચ ચડે. બહાલ બારિસ્ટરનું પાટિયું ચોડવું ને ઘરમાં બારિસ્ટરી કરવાને સારુ તૈયારી કરવી! આ મેળ મારું મન કેમે ન મેળવી શકે. એટલે મારું વાચન વ્યાકુળ ચિત્તે
ચાલ્યું. પુરાવાના કાયદામાં કંઇક રસ પડયાનું હું કહી ગયો. મેઇનનો ‘હિંદુ લૉ’ ખૂબ રસપૂર્વક વાંચ્યો. પણ કેસ ચલાવવાની હિંમત ન આવી. મારું દુઃખ કોને કહું ? સાસરે ગયેલી નવી વહુના જેવી મારી સ્થિતિ થઇ!
એટલામાં મમીબાઇનો કેસ મારે નસીબે આવ્યો. સ્મૉલકૉઝ કોર્ટમાં જવાનું હતું.
‘દલાલને કમિશન આપવું પડશે!’ મેં ઘસીને ના પાડી.
‘પણ ફોજદારી કોર્ટમાં પંકાયેલી પેલા...મહિને ત્રણચાર હજાર પાડનાર પણ કમિશન તો આપે છે.’
‘મારે ક્યાં તેના જેવા થવું છે? મને તો દર માસે રૂ.૩૦૦ મળે તો બસ થાય.
બાપુને ક્યા વધારે મળતા હતા?’
‘પણ એ જમાનો ગયો. મુંબઇનાં ખર્ચ મોટાં. તારે વ્યવહાર વિચારવો જોઇએ.’
હું એક ટળી બે ન થયો. કમિશન ન જ આપ્યું પણ મમીબાઅનો કેસ તો મળ્યો.
કેસ સહેલો હતો. મને બ્રીફના રૂ.૩૦ મળ્યા. કેસ એક દિવસથી વધારે ચાલે તેમ નહોતો.
સ્મૉલકૉઝ કોર્ટમાંપહેલવહેલો દાખલ થયો. હું પ્રતિવાદી તરફથી હતો. એટલેમારે ઊલટતપાસ કરવાની હતી. હું ઊભો તો થયો પણ પગ ધ્રૂજે, માથું ફરે. મને લાગે કે કોર્ટ ફરે છે સવાલ પૂછવાનું સૂઝે જ નહીં. જજ હસ્યો હશે. વકીલોને તો ગમ્મત પડી જ હશે.
પણ મારી આંખને ક્યાં કંઇ જોવાપણું હતું!
હું બેઠો. દલાલને કહ્યું, ‘મારાથી આ કેસ નહીં ચલાવાય, પટેલને રોકો. મને આપેલી ફી પાછી લો.’ પટેલને તે જ દહાડાના એકાવન રૂપિયા આપી રોકયા. તેમને તો રમતવાત હતી.
હું નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હું શરમાયો. પૂરી હિંમત ન આવે ત્યાં લગી કેસ ન લેવાનો નિશ્ચય કર્યો ને દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં લગી કોર્ટમાં ન જ ગયો. આ નિશ્ચયમાં કશી કશી શક્તિ નહોતી. હારવાને સારુ પોતાનો કેસ મને આપવા નવરું હોય? એટલે નિશ્ચ વિના પણ મને કોર્ટમાં જવાની તસ્દી કોઇ આપત નહીં!
પણ હજુ એક બીજો કેસ મુંબઇમાં મળવાનો હતો ખરો. આ કેસ અરજી ઘડવાનો હતો. એક ગરીબ મુસલમાનની જમીન પોરબંદરમાં જપ્ત થઇ હતી. મારા પિતાશ્રીના નામને જાણી તેના બારિસ્ટર દીકરા પાસે તે આવેલો. મને તેનો કેસ લૂલો લાગ્યો, પણ મેં
અરજી ઘડી દેવાનું હતું. મેં અરજી ઘડી. મિત્રવર્ગને વંચાવી. તે અરજી પાસ થઇ ને મને કંઇક વિશ્વાસ બેઠો કે, હું અરજી ઘડવા જેટલો લાયક હોઇશ, - હતો પણ ખરો.
પણ મારો ઉધોગ વધતો ગયો. મફત અરજીઓ ઘડવાનો ધંધો કરું તો અરજીઓ
લખવાનું તો મળે, પણ તેથી કંઇ છોકરાં ઘૂઘરે રમે?
મેં ધાર્યું કે હું શિક્ષકનું કામ કરી શકું ખરો. અંગ્રેજીનો અભ્યાસ મેં ઠીક કર્યો હતો.
એટલે, જો કોઇ નિશાળમાં મૅટ્રિકયુલેશન કલાસમાં અંગ્રેજી શીખવાનું કામ મળે તો તે શીખવું. કંઇક ખાડો તો પુરાય!
મેં છાપામાં જાહેરખબર વાંચીઃ ‘જોઇએ છે, અંગ્રેજી શિક્ષક. દરરોજનો એક કલાક.
પગાર રૂ.૭૫.’ આ એક પ્રખ્યાત હાઇસ્કૂલ ની જાહેરખબર હતી. મેં અરજી કરી. મને રૂબરૂ
મળવાની આજ્ઞા થઇ. હું હોંશે હોંશે ગયો. પણ જયારે આચાર્યે જાણ્યું કે હું બી.એ. નથી, ત્યારે મને દિલગીરીની સાથે રજા આપી.
‘પણ મેં લંડનની મૅટ્રિકયુલેશન પાસ કરી છે. લૅટિન મારી બીજી ભાષા હતી.’
‘એ ખરું, પણ અમારે તો ગ્રૅજ્યુએટ જ જોઇએ.’
હું લાચાર થયો. મારા હાથ હેઠા પડયા. મોટાભાઇ પણ ચિંતામાં પડયાં અમે બન્નેએ વિચાર્યું કે મુંબઇમાં વધારે કાળ ગાળવો નિરર્થક છે. મારે રાજકોટમાં જ સ્થિર થવું.
પોતે નાના વકીલ હતા; મને કંઇક અરજીઓ ઘડવાનું કામ તો આપી જ શકે. વળી રાજકોટના ઘરનું ખર્ચ તો હતું જ. એટલે મુંબઇનો ખર્ચ કાઢી નાખવાથી ઘણો બચાવ થાય
એમ હતું. મને સૂચના ગમી. મુંબઇનું ઘર કુલ છએક માસના વસવાટ પછી ઉઠાવ્યું.
મુંબઇમાં રહ્યો તે દરમિયાન હાઇકોર્ટમાં હું રોજ જતો. પણ ત્યાં કંઇ શીખ્યો એમ
ન કહી શકું. શીખવા જેટલી સમજ નહોતી. કેટલીક વેળા તો કેસમાં સમજ ન પડે ને રસ ન પડે ત્યાં ઝોલાં પણ ખાતો. બીજ પણ ઝોલાં ખાનારા સાથી મળતા, તેથી મારી શરમનો બોજો હલકો થતો. છેવટે હાઇકોર્ટમાં બેઠાં ઝોલાં ખાવાં એને ફૅશન ગણવામાં બાધ નથી એમ સમજતો થયો. એટલે તો શરમનું કારણ જ ગયું.
આ યુગમાં પણ મારા જેવા બેકાર બારિસ્ટરો જો કોઇ મુંબઇમાં હોય તો તેમને સારુ એક નાનોસરખો અનુભવ અહીં ટાંકું છું.
ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચચો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણે ભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ
લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઇમાં મારા સાથીઓ
માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી.
આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.