વેન્ટિલેટરના શ્વાસ
અત્યાર સુધી ની ઘટના
સ્વરા- જયેશભાઈ અને અનસૂયાબહેનની એક ની એક પુત્રી, જેણે પપ્પા જયેશભાઈ વિરુદ્ધ બંડ પોકારી પોતાના મનગમતા યુવક સાથે લગ્ન કર્યા. જયેશભાઈએ દીકરીને ક્યારેય ન બોલાવવાનું ફરમાન કર્યુ હતું . મા અનસૂયા પતિથી છુપાઈને દીકરીને મળતા.. દીકરીના ઘરે પુત્ર આવ્યો, એ ખુશી પણ અનસૂયા બહેને એકલા જ અનુભવી. અને આખરે દીકરીના વિરહમાં મૃત્યુ પામ્યા. કેટલાક પ્રસંગો એ જયેશભાઈ ને દીકરી અને એન પુત્ર તરફ વાળ્યા..કમશ: સૂરજ અને જયેશભાઈ વચ્ચેની અત્મિયતા વધતી ગઈ.
હવે આગળ --
જયેશભાઈ હમેશાં વિચારતા:
કોઈ છોકરો, દીકરો, કે પુરુષ આટલો સરળ હોઈ શકે? કોઈ અહમ નહી, કોઈ જીદ નહી, ના કોઈ માગણી. મોડું ઉઠવું ને પછી છાપાઓમાં ખોવાઈ જવું, ચકુ સાથે ધીંગામસ્તી ને સમય મળે સાયકલ ચલાવવી. ખાવાનો શોખીન, એ અને ચકુ બંને ખાવાના શોખીન. સામાન્ય વાતોમાં હસવું, નાની નાની વાતો ઓફિસની કહેવી! જયેશભાઈ ને લાગતું જ નહી કે એ જમાઈના ઘરે રહે છે. ચેસ રમાતી. પોલીટીકલ ડિબેટ થતી. સૂરજની દુનિયા નાની હતી.. સ્વરા, ચકુ અને સૂરજ પોતે.. હવે એમાં જયેશભાઈ ઉમેરાયા હતા. અનાથ હોવાના કારણે જે સૂરજને એ અપનાવવા તૈયાર નહતા, એ સૂરજ આજે દીકરો બની સાથે રાખતો હતો.
સ્વરા- મા બાપ ના લાડકોડમાં અને ખોળામાં જીવાયેલું જીવન, સૂરજ- જેને માટે કોન્વેન્ટ સ્કૂલમાં દરેક ક્લાસમાં બદલાતા ફાધર્સ. બંને opposite વ્યક્તિત્વો હતા. ઘરમાં બધા એક થઈને રહેતા. પણ દરેકનો સંઘર્ષ જુદો હતો.. દરેકની કહાની જુદી હતી.
દીકરી સ્વરા દવાખાને ગઈ હતી. પૌત્ર ચકુ રમતા રમતા સૂઈ ગયો હતો અને જયેશભાઈ કોફી બનાવવા બેઠા હતા. અનસૂયા ના સતત વિચારોમાં ખોવાયેલા જયેશભાઈને વાતો યાદ આવતી હતી એક trans મા જાણે પહોંચી જતા. અચાનક ઘરનો ઝાંપો ખૂલ્યો : જયેશભાઈ સફાળા જાગ્યા:
પોલીસવાળા હતા. જયેશભાઈનું હ્દય ધબકારો ચૂકી ગયું. પોલીસ સુધી પહોંચતા અનેક વિચારો આવી ગયા: સ્વરાએ કંઈ અવળું પગલું ભર્યું હશે? એને એકલી જવા દેવાની જ નો’તી. એના મગજના ઠેકાણા નથી. બંધ ઘરમાં ચોરી થઈ હશે? હસમુખભાઈ ને કંઈ થયું હશે?
અને પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદિપસિંહ રાઠોડ જયેશભાઈને ઓળખી ગયો; એણે નમ્રતાપૂર્વક કહ્યું, ‘અંકલ, સૂરજને એક્સીડન્ટ થયો છે, પોલીસકેસ થયો છે, સૂરજનું ઓપરેશન કરવું પડશે.’
હેં?? જયેશભાઈ બેબાકળા બની ગયા. પ્રદિપસિંહે એમને અંકલ કહ્યું એ એમને સંભળાયું નહી..એક પગથિયું ચડતા જેમને હાંફ ચડી જતી એ જયેશભાઈ જાણે સ્ફૂર્તિ નો સંચાર થયો. એમણે સૂતા ચકુને ઉંચકી લીધો. યુનિફોર્મ પહેરેલા પ્રદિપસિંહ રાઠોડને જાણે એ નાનકડા બાળક પર સ્નેહ ઊભરાયો અને એણે જયેશભાઈ પાસેથી ચકુ ને લઈ લીધો ને સીધા હોસ્પિટલ પહોંચ્યા. પોલીસની ગાડીમાં ભારેખમ વાતાવરણ વચ્ચે એક એક સેકંડ જાણે મનને વલોવી નાખતી’તી. જયેશભાઈ માંડ હોસ્પિટલ પહોંચ્યા. સૂરજને એક બાઈક સાથે અકસ્માત થયો હતો. બ્રેઈન હેમરેજ થયું હતું. શહેરના ખ્યાતનામ ડોક્ટરોની ટીમ હાજર હતી પણ જવાબદાર વ્યક્તિ તરીકે જયેશભાઈએ સહી કરવાની હતી. સ્વરાને ઈન્પેક્ટર પ્રદિપ અને જયેશભાઈએ ફોન કર્યા હતા. પણ આદત મુજબ એનો ફોન silent mode પર હતો. સૂરજના જીવનનો સવાલ હતો. બ્રેઈન ડેડ થઈ જાય તો અનિશ્ચિત સમય સુધી સૂરજને વેન્ટિલેટર પર રાખવો પડે,વળી, આજીવન લકવાગ્રસ્ત થઈ જવાની શક્યતાઓ પણ હતી. આ બધી શક્યતાઓ વચ્ચે ઓપરેશન શરુ થયું. સ્વરા હાંફળી ફાંફળી હોસ્પિટલ પહોંચી. સૂરજના એક્સીડન્ટની વાતે એનો જીવ તાળવે પહોંચી ગયો હતો. એને યાદ આવ્યું : હું મરવા પડીશને ત્યારેય તારો ફોન ને તું silent mode પર જ હશો. સ્વરા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. મા ના રડવાનો અવાજ સાંભળી ચકુ જાગી ગયો ને એ ય રડવા માંડ્યો. જયેશભાઈ આંસુ રોકી શક્યા નહીં. પિતા તરીકે જો આજે એ સ્વસ્થ નહી રહે તો દીકરી અને નાનું બાળક, હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું જીવન બધું ધ્વસ્ત થઈ જશે એ વિચારે એ ચૂપ રહ્યા પણ મનોમન પૂછી રહ્યા: અનસૂયા આ બધું શું થવા બેઠું છે? તારી ગેરહાજરીમાં આ થવાનું બાકી હતું? અને ફરી મનોમન એ પોતાને કોસી રહ્યા.
પોલીસ રિપોર્ટ થઈ ગયો હતો. જે બાઈક સાથે એક્સીડન્ટ થયો હતો એ વ્યક્તિનું ઓન ધ સ્પોટ મૃત્યુ થયું હતું સરકારી procedure પતાવી પોલીસ રવાના થઈ ગઈ હતી. માત્ર ખૂણામાં ઉભેલો પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદિપસિંહ રાઠોડ એમ ને એમ જ, એ પરિવાર સાથે ઊભા રહ્યા હતો. પરિસ્થિતિને પામીને પ્રદીપ નાનકડા ચકુને લઈ એ બહાર નીકળી ગયો. ઓપરેશન લગભગ પાંચ કલાક ચાલ્યું. સ્વરા અને જયેશભાઈ પીન ડ્રોપ સાઈલેન્સ સાથે ઊંચા જીવે એકબીજાની સામે જોઈ રહ્યા હતા. મૌનની ભાષામાં ઘણું કહેવાઈ ગયું, ઘણું સમજાઈ ગયું! ઓપરેશન સમુસૂતરૂ પાર પડે એમ મનોમન પ્રાર્થના કરતા બધા મનોમન પોતાને કોસી રહ્યા હતા. સ્વરા વિચારી રહી, આજે એ નોકરી પર જવાની ના પાડતો, તો ને મેં જ પરાણે ધકેલ્યો. જયેશભાઈને થયું , આજે મારેય અપોઈન્ટમેન્ટ હતી, ડોક્ટર પાસે જવાના બહાને સૂરજને રોકી લીધો હોત તો!!
જો અને તો ની અસમંજસમાં પાંચ કલાક વીતી ગયા. આખરે ડોક્ટર બહાર આવ્યા, પ્રદિપસિંહ પણ ડોક્ટરને જોઈને રીતસર દોડ્યા ડોક્ટર હજુ કંઈક કહેવા જતા હતા, ત્યાં જ સ્વરા અને પ્રદિપ એકબીજા સામે જોઈ રહ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદિપસિંહ રાઠોડ? સ્વરા સાથે એનો સંબધ શું? પ્રદિપ અને સ્વરા એકબીજાની આંખમાં આંખ મિલાવી સ્તબ્ધ બની ગયા.
સ્વરા અને પ્રદીપની આંખો એકબીજાને મળી, ટકરાઈ, બંને એ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ ડોક્ટરે કહ્યું કે આવા એક હજાર કેસમાં એક જણ જ માંડ બચે છે. નસીબદાર છો તમે. સારા કામો કર્યા હશે એટલે ઈશ્વરે બચાવી લીધા. Out of danger છે પણ કંઈ કહેવાય નહીં. આઈસીયુ માં રાખવા પડશે.
ઈશ્વર જ્યારે ચમત્કાર કરવાનું ધારે ત્યારે ભલ ભલા સર્જનો થાપ ખાઈ જાય છે. જયેશભાઈ અને સ્વરા ને હાશ થઈ. સવાલ એ હતો કે સૂરજ સાથે કોણ રોકાય? ચકુ સ્વરા વગર રહી ન જ શકે. અને ચકુ ને સ્વરાના ભરોસે મૂક્યા પણ નહી. ગોળીઓની અસરોમાં સ્વરાને કંઈ ભાન ના હોય ! એટલે જયેશભાઈ ગૂંચવાયા.
સ્વરાએ તો કહ્યું કે હું ગોળી નહીલઉ. પણ ગોળી ન લેવાથી પરિસ્થિતિ મા સુધારો આવવો શક્ય નહતો.
આ અસમંજસમાં પ્રદિપ બોલ્યો : તમને વાંધો ના હોય તો હું રહું?
સ્વરા એ ઓળખાણ આપી; “ પપ્પા, આ પ્રદિપ. પ્રદિપસિંહ રાઠોડ. છેક કે.જી થી અમે લોકો સાથે હતા 12th સુધી. પછી એણે કોમર્સ લીધું, ને મેં literature લીધું.
હવે હું બોલું ? વચ્ચેથી વાત કાપતા પ્રદિપે કહ્યું :
અમુક સંબંધો બસ બંધાઈ જાય છે. કે. જી ના સંબંધો છેક અહીં સુધી લાવશે એવી મનેય ખબર નો’તી. સ્વરા સાથે સ્કૂલમાં આત્મિયતાના સંબંધો હતા. પણ પછી તો બધા પોતપોતની કારકિર્દી મા વ્યસ્ત જ હોય!
યાદ છે અંકલ, તમે એક વાર દસ દિવસની કોન્ફરન્સ માટે હૈદરાબાદ ગયા હતા.
તે દરમિયાન સ્વરા કોલેજથી ઘરે જતી હતી. હું બસ દારૂડિયો હતો, દારુ પી ને ગમે ત્યાં ફૂટપાથ પર પડ્યો હોઉં. કોલેજમાં એડમિશન તો લીધું.. પણ ભણવાનું?? ક્યારેય નહીં.
એક દિવસે સ્વરાએ મને જોયો ને પછી તમારા ઘરે લઈ આવી હતી. આન્ટી , અનસૂયા આન્ટી એ સતત આઠ દિવસ મારી સાથે વાત કરી’તી. તમારા જ ઘરે રહ્યો હતો.
મા તો મારે હતી નહી. પપ્પા ફરી પરણ્યા પછી તો હુંય આવારા બની ગયો હતો. નવી મા સાથે સેટ થયું જ નહી. કદાચ મારી જ ભૂલ હશે. પણ મને એની સામે ફરિયાદ નથી. અનસૂયા આન્ટી મા થી વિશેષ હતા- છે જ વળી!!
મને બરાબર યાદ છે એમણે કહેલુ, શ્રેષ્ઠ મિત્ર બનવાનું જ્યોતિષે બનાવેલી કુંડળી અપ સાઈડ ડાઉન થઈ જાય એમ જીવવાનું. પડતા રહેવાનું, ઊભા પણ થતા રહેવાનું.. ફેંકાતા રહેવાનું,પ્રવાહની સામે નહી, પ્રવાહની સાથે જ પોતાનું નોખું અસ્તિત્વ બનાવવાનું. હું યુવાવસ્થામાં પહોંચ્યો હતો. પણ યુવા ની વ્યાખ્યા સ્પષ્ટ નો’તી. અસલામતી, ભય, અને અનિશ્ચય વચ્ચે અટવાતા મારા જીવનને એમણે જ તો યોગ્ય દિશા બતાવી છે.
એકેએક વાત મને યાદ છે એમની.
ખુશમિજાજ રહેતા.. પ્રેમથી જમાડતા. ગ્રેજ્યુએશન પછી શું કરવું એ મૂંઝવણ માં પોલીસ ખાતામાં જાહેરાત આવી ત્યારે પરીક્ષા તો આપી. પાસ થઈશ કે નાપાસ એ વિશે મને ચિંતા થતી, કારકિર્દી બનાવવાની હતી. અને એમણે મને સ્વરાની ડાયરી વંચાવેલી.
મેં એ બધું મોબાઈલમાં સેવ પણ કર્યુ છે. ખબર છે સ્વરા?? તેં જ લખ્યું હતુંને??
“જિંદગીમાં બહુ દૂર સુધીનું આયોજન કરવું નહી. સંજોગો પર આપણો અંકુશ નથી. પડશે એવા દેવાશે જેવી ફિલસૂફી ઘણી વાર માણસને નિરાંતની ઉંઘ આપે છે. જે થાય છે એ સારા માટે જ થાય છે એમાં ઈશ્વરનો સંકેત હોય છે..તણાવમાં માણસ એટલો બધો ખેંચાઈ જાય છે કે સામાન્ય પરિસ્થિતિનો સામનો કરી શકતો નથી.” સ્વરાએ આવું તો ઘણું લખેલું મારી પાસે સેવ થયેલું છે.
પુત્ર ભલે હું તમારો નથી, પણ સ્વરાના મિત્ર તરીકે મારે આ ફરજ નિભાવવી જ રહી.
લગભગ રાતના દસેક વાગ્યે સ્વરા અને જયેશભાઈ ઘરે પહોંચ્યા. રાત આખી અજંપામાં વીતી. જયેશભાઈ ને ઊંઘ ન આવી. એ રહી રહી ને જીવ બાળી રહ્યા હતા!
કેવી હતી અનસૂયા..સ્વચ્છ સફેદ આંખો, ખુલ્લા લાંબા વાળ અને શાંત પ્રકૃતિ. સ્વરાના ગયા પછી એ ઘણી વખત કહેતા, ચાલો ને બહાર આંટો મારી આવીએ. અને હમેશાં એમનો એક જ જવાબ ‘ હમણાં સમય નથી ‘ એમ જ હતો. હવે સમય જ સમય હતો.
જયેશભાઈ વિચારી રહ્યા; રસોડામાં બેઠા. એ જ ડાયનીંગ ટેબલ, એ જ બારી..રાત હતી.સ્ટ્રીટ લાઈટ પર ફુદ્દાઓ ઊડીરહ્યા હતા. થોડી ઠંડી પણ હતી. એમને રુમમાં જઈ કામળ લઈ આવવાની ઈચ્છા થઈ.. પણ ખૂણામાં સ્વરાની ડાયરી હતી. એમને વાંચવાનું મન થયું ..
અનસૂયાબેન ના ગયા પછી સ્વરા એ લખ્યું હતું
“મૃત્યુ ભયાનક છે. સૂરજ બધું જાત જાતનું લખતો, ગીતા, રામાયણ તો વાંચી હતી. પણ બાઈબલ જોઈ એક ખેંચાણ થયું હતું , એમાં વાંચ્યું હતું “ અરે મરણ, તારો ડંખ ક્યાં??” આ વાત ગળે નથી ઉતરતી. બધા ડંખ અહીં જ હોય છે, સ્વર્ગ કે નર્ક જેવું કંઈ જ હોતું નથી. આ પૃથ્વી જ સ્વર્ગ ને આ જ નર્ક. જ્યારે મૃત્યુ આપણી પ્રિય વ્યક્તિને છીનવી લે પછી જ એનું મૂલ્ય સમજાય છે. એની ગેરહાજરી એક ખાલીપો આપી જાય છે. પડછાયાની જેમ સાથે રહેતી વ્યક્તિનું ન હોવું એ અનૂભુતિ ત્યારે જ સમજાય જ્યારે એ ન હોય! પણ એ વાતનું ભાન આવે એટલા માટે એ વ્યક્તિએ મરવું જરુરી છે? છૂટી ગયેલો હાથ અને તૂટી ગયેલું આખું અસ્તિત્વ ટકાવવા સિગારેટ ના કશ સાથે સાંજ ડુબાડી દેવાની?
વીતી ગયેલો સમય પાછો નથી આવતો. સંબધો માં તિરાડ પડે, પણ એ તિરાડ તૂટીને સંબંધના ટુકડે ટુકડા કરી નાંખે એ પહેલા એને સાંધવી જોઈએ. ઘણી વાર હસ્તરેખાઓ અડધે આવીને ફંટાઈ જાય છે.”
જયેશભાઈ વિચારી રહ્યા. અનસૂયાની ઉંમર મરવાની નહતી. આમ તો કોઈપણ ઉંમર મરવાની કયા હોય છે? હજુ તો એમણે અનસૂયાને બરાબર ઓળખવાનો પ્રયત્નય નો’તો કર્યો અને એ આંખ મીંચીને ચાલી ગઈ. એક આખી જિંદગી જીવાયા પહેલા જ પૂરી થઈ ગઈ.
જયેશભાઈએ ત્યાં જ ટેબલ પર માથું ઢાળી દીધું. પવન વધારે હતો.. પણ એમને ઠંડી ના લાગી.. જાણે કોઈ એ ઠંડા પવનને રોકી રહ્યું હતું. એમને અનસૂયાનો આભાસ થયો. એ પૂછી રહી: પ્રદીપ આવ્યો’તો ને? એને મેં ભણાવ્યો છે. કેટલાક કામો જઈએ એ પહેલા પૂરા કરી દેવા જોઈએ. એકલા પડો છો ને? જેને પ્રેમ કરતા હોઈએ એનો દેહાંત થાય ત્યારે આપણા સ્વ નો પણ એક ટુકડો મરી જાય છે. અને એ મૃત્યુ સ્વીકારવા માટે હજાર આંસુઓય ખૂટી પડે છે. તમે નાહક ના દુ:ખી થાઓ છો. સત્ય એ છે કે - હું નથી, હું નથી એ જ સત્ય છે. તમારી અને મારી દુનિયા જુદી થઈ ગઈ છે. પણ વેદના , યાદો, સ્મરણો જીવતા રાખે છે. જે જીવન આપે છે એ જ જીવન લઈ પણ લે છે. આ બધા સમયોમાં આપણે સાથે હોત, તો સારું જ હોત! પણ હું નથી. સ્વર નથી , ખામોશી છે. આ જ મારી ભાષા રહેશે.. આપણી એક જીંદગી હતી.. આરહ અવરોહ વિનાની.. તને એને complicated બનાવી દીધી.
યાદ છે? આપણા બગીચામાં ગુલાબ ઊગ્યું હતું ને પછી સુકાઈ ગયું. સ્વરા તોડવા ગઈ અને તને એને કહ્યુ’તુ કે ફૂલ ખરી જાય છે રંગ અદ્રશ્ય થઈ જાય છે પણ મહેક રહે છે.. લાંબો સમય. મહેકની યાદનુંય એક દર્દ હોય છે. તમને મારી આંખ દેખાય છે? એ એમ કહે છે કે હું ચાલી ગઈ છું, સાક્ષાત્ નહી થાઉં.. તમે હવે રડવાનું શીખી જાઓ!! આપણે ઈશ્વરની જેમ બહાર ઊભા રહીને એક જ નજરમાં વિશ્વ જોઈ શકતા નથી!!
એલાર્મ વાગ્યું ને સ્નૂઝ થયું , જયેશભાઈ સફાળા જાગ્યા.. જાણે કોઈ એકદમ ખસી ગયું. પવનના લીધે કામળ ખભા પરથી સરકી ગઈ, જયેશભાઈ વિચારી રહ્યા .. અનસૂયા?? ક્રમશ: