Dairy - 4 books and stories free download online pdf in Gujarati

ડાયરી - 4

ભાગ ૪

અતીત નો પડછાયો

એટેક શબ્દ સાંભળતા સૂરજ ખળભળી ગયો, આ બધી જ પરિસ્થિતિઓ એના માટે નવી હતી. હોસ્પિટલ, સગાઓ, સંબંધો, સમાજ,માંદગી, મૃત્યુ .. પણ સૂરજે ખાસ્સી દોડધામ કરી મૂકી હતી. ICU માં સતત હાજર રહેતો. એકલતા માણસને કોરી ખાય એ વાત શબ્દશ: સાચી પડી જાણે! જયેશભાઈને સ્ટેન્ટ મૂકાવડાવ્યો હતો. લગભગ પંદર દિવસ સુધી હોસ્પિટલમાં રહીને કંટાળેલા પપ્પા ચકુ ને યાદ કર્યા કરતા. ચકુને જોયો જાણે વર્ષો થઈ ગયા હોય એમ લાગ્યું. હવે એ જ તો હતું એક કારણ- જીવવા માટેનું!!

જયેશભાઈને રજા મળી. એમનો આગ્રહ એવો હતો કે એ પોતાના ઘરે જ જાય, પણ સૂરજ અને સ્વરાની જીદ સામે એમણે નમતું જોખવું પડ્યું. એમાંય ચકુનું નિર્દોષ હાસ્ય કારણ વગર જ સ્મિત લાવી દેતું હતું. ડોક્ટરોની અને સૂરજની સમજાવટ પછી જયેશભાઈ આજે પ્રથમ વખત સ્વરાના ઘરમાં પગ મૂક્યો હતો. ટેનામેન્ટ હતું. ઘર નાનું ને જગ્યાપ્રમાણમાં વધારે. જાત જાતના છોડવાઓ, ભાત ભાતના વેલાઓ.. વેલ ઉપર થતા વિવિધ રંગી ફૂલો.. આગળ આંગણામાં અને પાછળ વરંડામાં હીંચકો. ત્રણ બેડરુમ, એક હોલ અને એક રસોડું. ઉપર માળ નહતો, જરુરય નહતી. દરેક રુમ ખુલ્લો અને દરેક રુમમાં પ્રાઈવસી મળી રહે એવું નાનું ઘર. એક બે ને સાડા ત્રણ માણસ માટે ઉપર માળ લેવાની માથાકૂટ. આમ તો સારું એવું ઈનવેસ્ટમેન્ટ કર્યું હતું સૂરજે. અને સ્વરા એ એ મકાનને ઘર બનાવ્યું હતું. જયેશભાઈ થોડાક ખટકા સાથે જીવતા’તા. ને સૂરજે એક વાર તો કહી જ દીધું: “પપ્પા શબ્દ જ નવો છે મારા માટે. જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને પપ્પાનું સંબોધન કરવું પડશે તો મગજ તૈયાર નહી હોય , એવુંય હું વિચારતો’તો. પણ તમને જોઈને એમ લાગે છે કે પપ્પા આવા જ હોય.. પપ્પાની બંધબેસતી વ્યાખ્યા માટે perfect… “

ધીરે ધીરે જીવન ગોઠવતું જતું હતું. જયેશભાઈને ડોક્ટરે સૂચના આપી હતી: સ્મોકીંગ બંધ કરો. અને પોઝીટીવ વિચારો કરો. નેગેટીવ થીંકીગ ના કરો. નેગેટીવ થોટ્સના કારણે વધુ સ્મોકિંગ થાય છે. જો કે, અહીં સ્વરાના ત્યાં સ્મોકિંગ ઓછું જ થઈ ગયું હતું. ચકુ જાય ત્યાર થી ચકુ આવે ત્યાં સુધી સિગારેટના કશ મારી લેવાતા. સાંજે જમીને સોસાયટીના કોમનપ્લોટમાં એકાદી સિગારેટ પી લેવાતી..

સ્વરા ડાયરી લખતી:

“પોઝીટીવ થીંકીંગ.... સારો શબ્દ છે- શિખામણ આપી શકાય એવો. પોઝીટીવ, નેગેટીવ. સબજેક્ટીવ અને ઓબજેક્ટીવ. સબજેક્ટીવ અને ઓબજેક્ટીવ બંનેનુ મિલન એટલે મનુષ્ય. મનુષ્ય એટલે પરિપક્વ , તટસ્થ અને અપૂર્ણ.

શ્રદ્ધા એટલે પોઝીટીવ. પોઝીટીવ એટલે ?? સત્યને સ્વીકારવું. જો વિષય હોય શ્રદ્ધાનો - તો શ્રદ્ધા સવાલો ઊત્પન્ન ના કરે. શ્રદ્ધા પર મુકાતા પ્રશ્નાર્થ ચિહ્નો એટલે નેગેટીવીટી? નેગેટીવ એટલે સત્યનો અસ્વીકાર?

ઘણા બધી વખતે તર્ક કામમાં આવતો નથી. મારા એક શ્વાસ અને ઉચ્છશ્વાસની વચ્ચે પૃથ્વી પર કેટલાય લોકો જન્મી જાય છે, કેટલાય મરણો થાય છે. જીવવા માટે વલખાં મારતી વ્યક્તિના શરીરમાંથી શ્વાસ ખેંચી લે છે. જ્યારે નાસ્તિક આપઘાત કરી લે છે. વિશ્વમાં સૌથી સુખી જીવ કયો? મારા આંગણામાં એકલું અડીખમ ઊભેલું પામ ટ્રી . એકલું ઉભું છે પામ ટ્રીને પાનખર આવતી નથી. “ સ્વરા લખવામાં મશગૂલ હતી, એને ખબરય ના પડી કે પપ્પા પાછળ ઊભા ઊભા બધું વાંચી રહ્યા છે.

અપોઈન્ટમેન્ટ પ્રમાણે ડોક્ટર પાસે જવાતું. ચકુ સ્કૂલથી ઘરે આવતો..સૂરજ ઓફિસ જતો. એક સાંજે સ્વરા એકલી જ હતી. રસોડામાંથી તપેલી પડી. “બીંદીયા, આટલા વાસણો કેમ પછાડે છે?” એમ બૂમ પાડતા યાદ આવ્યું આજે એ મોડી આવવાની છે. ઊભી થઈ, રસોડામાં ગઈ- હ્દય ધબકાર ચૂકી ગયું : મમ્મી હતી. હસતી’તી... સ્વરા ત્યાં જ બેસી ગઈ. મમ્મીના સવાલોના જવાબો આપવાના હતા. જે બની રહ્યું છે એ સ્વપ્ન છે કે વાસ્તવિકતા? ખરેખર મમ્મી હતી? કે એનો આભાસ વારે વારે થયા કરતો હતો. સ્વરા રડી રહી હતી. મમ્મીએ ક્યાંય સુધી એની પીઠ થાબડ્યા કરી. એણે કહ્યું : જોયું? હવે બધું થાળે પડતું જાય છે ને? જીવનની ઘટમાળ જ એવી છે કે તમારે એમાં ટેવાવું જ પડે. ગેરહાજર વ્યક્તિની ખોટ સાલે પણ જીવવું તો પડે. તારા પપ્પા મને કેટલીય વાર એમ કહેતા હતા, કે તારા વગર હું જીવી લઈશ, તું મારા વગર નહી જીવી શકે. જોયું ને?? હજુ મહિનોય થયો નથી ને એકલા પડી ગયા. આ લોકો હોય જ આવા. બોલવામાં પાવરધા.. તારો દીકરો બહુ રૂપાળો છે. મારેય એને ખોળામાં બેસાડી રમાડવો’તો. કેવું છે જીવન? નહી? તમે આખી જીદની જે ક્ષણ માટે તરફડતા હોવ, એ ક્ષણ જ્યારે તમારા હાથમાં હોય પણ પરપોટાની જેમ સરકી જાય. એક જ ડગલું જિંદગી આગળ દોડે છે.. એ એક ડગલું ક્ષિતિજ સુધી લાંબું હોય છે એ સમજતા આપણને કેટલી વાર લાગે છે નહી?

તમે લોકોએ ઉજવી એવી એક વર્ષગાંઠ મનેય સદેહે સાથે ઉજવવા મળી હોત તો? તો મારું જીવન ધન્ય થઈ ગયું હોત.. છોકરાઓના છોકરાઓને રમાડવાની મજા જુદી છે. મા બાપ તરીકે એક જવાબદારી સાથે તમને ઉછેરવા પડે, અને તમારા છોકરાઓ અમારા માટે આનંદની ક્ષણો હોય.. જવાબદારીની નહી. સ્વરા મા સાથે એક તાર થઈ સાંભળી રહી હતી. પપ્પાને ચીકુ એ ઘરનો દરવાજો ખોલ્યો અને “ ફરી મળીશ” એમ કહેતી મા જાણે હવામાં ઓગળી ગઈ. ચકુ સ્વરાને જોઈ બોલ્યા: “મા, કેમ આમ જેમ બેઠા છો?”

“હે?” કહેતી સ્વરા પપ્પા સામે જોઈ રહી. એણે પપ્પા સામે કોફીનો કપ ધર્યો અને બાજુના રુમમાંથી છેલ્લે મા એ આપેલી બંગડીઓ અને ચેઈન બતાવ્યા.

જયેશભાઈએ પૂછ્યું : “ તને ક્યારે આપી ગઈ એ?”

“મમ્મી ના મરણના સમાચાર આપવા તમારો ફોન આવ્યો એના અડધા કલાક પહેલા!”

Supernatural વાતોમાં ના માનનારા જયેશભાઈ બઘવાઈ ગયા હતા. ક્યાંય સુધી એ અનસૂયાની ચેઈન ને હાથમાં લઈ બેસી રહ્યા. એમને યાદ આવ્યું :

“ આ બંગડીઓ ને આ ચેઈન.. મારી સ્વરાની. યાદ છે? એ જ્યારે બારમા ધોરણમાં પાસ થઈ ત્યારે લઈ આપી હતી. એને વળાવીશું ત્યારે આપીશું. એમ વિચાર્યું હતું. પણ એવું કંઈ થયું નહી. આવતા અઠવાડિયે સ્વરાની વર્ષગાંઠ છે અને બાબોય તે એક વર્ષનો થયો. ચાલોને, એને આપી આવીએ.”

“ના, એવું બધું કંઈ કરવાની જરુર નથી. જોઈશું. હજુ છોકરું એક વર્ષનું જ થયું છે ને? જોયું જશે.” જયેશભાઈ સખતાઈથી જવાબ આપતા હતા. અને એટલા જ ઠંડા કલેજે અનસૂયાબહેન જવાબ આપતા હતા.

“સારું, મને એક વચન આપો, કે હું નહી હોઉં ત્યારે મારા બધા ઘરેણા તમે સ્વરાને આપી દેશો.”

“એમ તું થોડી મરવાની છે? એમ કંઈ મોત રસ્તામાં છે?” અને સાચેસાચ એમની પત્ની અનસૂયા ચાલી ગઈ હતી. મરવાની વાતો તો થતી હતી, પણ એની નહી- મારી. જયેશભાઈ વિચારી રહ્યા, જબરી કહેવાય! સ્વરાને આપેલું વચન નિભાવ્યું. જયેશભાઈના મનમાં એની એ જ વાતો ઘૂમરાયા કરતી. એ જ વાતો, એ જ ક્ષણો, એ ઝગડાઓ, તહેવારોમાં અનસૂયા બહેનનું સ્વરાને યાદ કરી રડવું.. પોતે કેટલા જિદ્દી હતા એનો અફસોસ થતો હતો. એને રડાવવામાં જ આનંદ આવતો હોય અને જીવનનો એ જ એક માત્ર હેતુ ય એ રીતે અત્યારસુધી જીવ્યા’તા ને.

સ્વરાએ ડાયરી ખોલી: “ જીવનની સૌથી ભયાનક ક્ષણ કઈ? મારા મતે એકલતા. જ્યારે તમે એમ માનતા હોવ કે આટલું જ જો મળી જાય તો બધું સુખ તમારું છે. અને એ બધું જ મેળવ્યા પછી પણ તમે એકલા ને એકલા જ રહો. અને એ દિવસથી તમારે સર્જનહાર વિશે વિચારવું પડે. માણસે શીખતા રહેવું પડે છે અને પછી સ્વીકારતા રહેવું પડે છે. યુવાનાવસ્થામાં જે રંગીન દેખાતું હતું એ વૃદ્ધ થયા પછી આછું દેખાવા માંડે છે. જીવનને જોવા માટે માણસ આંખે ચશ્મા ચડાવતો રહે છે, ચશ્માનાં કાચ સાફ કર્યા કરે છે પણ એ સ્પષ્ટ દેખાતા નથી.. કારણ કે?? બીજી આંખ રાખ થઈ ગઈ છે. એ આંખ જેની સાથે વર્ષો ગાળ્યા હતા, બી પી હાઈ થઈ ગયું છે ને ડોક્ટરે દવા બદલી છે. આજે ઝાડા ઊલટી થઈ ગયા ને ડોક્ટર પાસે જવું પડે..

શાકમાં મીઠું વધારે છે જેવી વાતો કરનારી આંખ હવે રાખ થઈ ગઈ છે.“

સૂરજ અને સ્વરા જયેશભાઈની એકલતા જોઈ શકતા હતા, સમજી શકતા હતા. ચોપડીઓમાં ખોવાઈ ગયા હતા જયેશભાઈ. એમાંય રોજ કોમનપ્લોટમાં જાય એટલે એમને જોયભાઈ સાથે મુલાકાત થઈ ગઈ.

જોયભાઈએ એમને બાઇબલ આપ્યું હતું. જયેશભાઈને યોબ નામના પ્રકરણમાં રસ પડી ગયો હતો. સિગારેટો ના કશ મારતા મારતા એ ઈન્ટરનેટ પર મૂકેલી તમામ માહિતી એકઠી કરવા માંડ્યા. જો કે બધું આમ તો સામાન્ય જ ચાલતું હતું.

સૂરજ અને જયેશભાઈનો એક બોન્ડ બંધાયો હતો. જયેશભાઈએ એકાદ વખત પૂછી પણ લીધું’તું ; કંઈ મૂંઝારો નથી ને? અને સ્વરાએ જવાબ આપ્યો’તો: ‘એ એવો જ છે. ઓછું બોલે છે.. બાકી કંઈ નહી.’

એક દિવસ ભરબપ્પોરમાં સૂરજ શૂન્યમનસ્ક બેઠો હતો. જન્માષ્ટમીની રજા હતી. કંઈક વિચારતો હતો. સ્વરાને ડાયરી લખવાનું સૂઝ્યું ..પણ એ સૂરજનો ચહેરો અને એકલતા જોઈને પાસે જઈ બેઠી.” શું થયું છે??” સ્વરા એ પૂછ્યું. “કંઈ નહી” સૂરજ ના આ “કંઈ નહીં” પાછળ કંઈક કેટલીય વેદનાઓ હશે એ સ્વરાને સમજાઈ ગયું.

સૂરજે વાતનો દોર શરુ કર્યો: લગ્ન પછી બે વ્યક્તિઓ સાથે રહે છે... વર્ષો સુધી.. પછી અચાનક એકની exit થાય તો આકરું તો પડે. મા બાપ, સંબંધો વાતચીત આવું બધું અમને શીખવાડ્યુ ના હોય. એટલે બહુ ખબર ના પડે.. અમારે તો સવારે પાંચ વાગે ઉઠવાનું અને ઘંટડીઓ વચ્ચે જીવવાનું. છ વાગે નાહવાનું ને ટાઇમ ટુ ટાઇમ ડિસીપ્લીન. તારી સાથે પરણ્યો એટલે પોતાની વ્યક્તિ વિશે સમજાયું. ચકુ જન્મ્યો પછી તો જાણે મારા હોવાપણે ને એક નવી જ દિશા મળી.

તારી ને તારા મમ્મી પપ્પાની વાતો સાંભળતા કુટુંબ ની વ્યાખ્યા સમજાતી ગઈ. મારી તો દુનિયા જ આપણે ત્રણ....

ઘણી વખત મન ખળભળી ઊઠે છે. એમ થાય છે કે ગમે ત્યાંથી મારો ભૂતકાળ શોધી નાખું.. આખરે કોણ છું, મારી મા કોણ? મારા પિતા કોણ? અને એવું તો શું થયું કે એ મને છેક અનાથાશ્રમમાં મૂકી આવવાની હિંમત કરે?? સૂરજ સતત બોલતો હતો.

સ્વરાએ નિશ્વાસ નાંખ્યો. “ જો, સૂરજ, અમુક સત્યો આપણને સમજાતા નથી, પણ એનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. તું કોણ છે ની વાત મા શું કામ પડવું? તું જે છે એ બરાબર જ છે. કબર ખોદીએ તો હાડકાં જ નીકળે. આજ - આજ જે આવી છે એ ઊજવી લઈએ. તારું ભવિષ્ય ચકુ છે.. ગઈકાલનું બધું ભૂલી જવાનું. દરેક દિવસ નવી ગોળી નવો દાવ એ રીતે ઈશ્વર આપે છે, એવું મારી મા કહેતી હતી. Human being અને being human મા ફરક હોય ને!! તું સારામાં સારો માણસ...એક સારો પતિ, એક સારામાં સારો પિતા.એથી વિશેષ શું?? “

“ના-હું શોધીશ તો ખરો કે મારી મા કોણ હતી ??”

એ જવાબ હવે મારે શોધવો જ પડશે..

બાજુના રુમમાં આડા પડેલા જયેશભાઈ સ્વરા અને સૂરજની વાતો સાંભળી રહ્યા હતા.. (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED