સ્વરાની ડાયરી ભાગ ૫
સંબંધ ઋણાનુબંધ
અત્યારસુધી......
એક નાના મેગેઝીન પત્રકાર તરીકે નોકરી કરતી સ્વરાએ એક ડાયરી પણ બનાવી હતી. અને મમ્મી અનસૂયાને એની ડાયરી વાંચવી ગમતી. પછી.. લગ્ન ને બાળકમાં લખવાનું વિસરાઈ જાય છે..પિતાને સ્વીકાર્ય ન। હતો તે વા સૂરજ સાથે ના લગ્ન અને બાળક પછી લખવાનું...
એવામાં એક દિવસ અચાનક સ્વરાના ઘરે એના મમ્મી અનસૂયાબહેન આવે છે અને અમુક ઘરેણા આપે છે, સાથે જ એક વચન માંગે છે કે તું લખ, બસ તું લખજે અને એટલું કહી એ જતા રહે છે, થોડીક ક્ષણોમાં જ સ્વરાના પિતાનો ફોન આવે છે કે સ્વરાની મમ્મી ગુજરી ગઈ.. અનસૂયાબહેનના મૃત્યુના સમયે ને છેક બારમા સુધી સ્વરા અને એનું કુટુંબ જયેશભાઈના ઘરે રહે છે. જમાઈ સૂરજ જે અનાથ હતો અને એ જ કારણે જયેશભાઈ અત્યારસુધી એને અપનાવી શક્યા નહતા. એ જ જમાઈ પરિસ્થિતિને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે છે. ઊંચા, મોટી આંખોવાળા સૂરજને જોઈને જયેશભાઈ ને પસ્તાવો થાય છે કે પત્નીની વાત સાચી હતી. માણસ લોહીથી નહી, વર્તનથી ઓળખાય. જે પૌત્રને જોવા તૈયાર નહતા એ પૌત્ર ચકુ હવે જયેશભાઈના જીવન જીવવાનું કારણ બની જાય છે. જયેશભાઈની વર્ષગાંઠ પણ એ જ સમય દરમિયાન આવે છે. ચકુ, સ્વરા અને સૂરજ સાથે જયેશભાઈની વર્ષગાંઠ ઉજવાય છે. દરમિયાન જયેશભાઈને વારંવાર પત્નીની ખોટ સાલે છે અને એક દિવસ એમને એટેક આવે છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ડોક્ટર અને સૂરજના આગ્રહથી જયેશભાઈ સ્વરાના ઘરે રહે છે..
અહીં સ્વરાના ઘરે બધું ઠીક ઠાક ચાલી રહ્યું છે. સ્વરાને વારંવાર મમ્મી દેખાયા કરે છે. એ હજુ સમજી શક્તી નથી કે સાચેસાચ મમ્મીનો આત્મા એની સાથે વાત કરે છે કે એને વહેમ થયા કરે છે. સૂરજ- જે અત્યાર સુધી સરળ જીવન જીવતો હતો, એના મગજમાં એક જ વાત ઝળુમ્બ્યા કરે છે- મારી મા કોણ હશે?? સ્વરા એને સમજાવે છે . જયેશભાઈને પણ સ્વરાની સોસાયટીમાં રહેતા હમઉમ્ર લોકો સાથે મિત્રતા બંધાઈ જાય છે..
હવે આગળ...
એક દિવસ જયેશભાઈ એ કહી જ દીધું કે, ‘મારે હવે મારા ઘરે જવું જોઈએ. દીકરો દીકરી એક સમાન એ વાત બરાબર છે પણ દીકરીના ઘરે રહેવાનું આકરું પડે છે. આવતો જતો રહીશ. રોજ આવીશ પણ રાત પડે મારે ઘરે હોવું જોઈએ..’
સૂરજે અનિચ્છાએ “ભલે” એટલું કહ્યું.
દરમિયાન, જયેશભાઈને સોસાયટીના લોકો સાથે સારી એવી મિત્રતા બંધાઈ ગઈ હતી. હસમુખભાઈ, જયેશભાઈ અને જોયભાઈ ત્રણેય જણા કોઈક ને કોઈક વાતે રોજેરોજ discussion કરતા. છેલ્લા કેટલાક દિવસોમાં જયેશભાઈએ observe કર્યું કે હસમુખભાઈ કોઈક વાતે disturb હતા. એ દિવસે જોયભાઈને બેંકમાં કંઈ અરજન્ટ કામ હતું, એમનેય નિવૃતિના બસ બે મહિના બાકી હતા. હસમુખભાઈના ચહેરા પરનું નૂર ઉડી ગયુ’તું ને જોયભાઈ પણ નહતા એટલે જયેશભાઈએ વાત છેડી.. “બધું બરાબર તો છે ને?”
અને હસમુખભાઈની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી.
એમણે વાત શરુ કરી: ‘ બે દીકરા છે, બે. એકને ડોક્ટર બનાવ્યો, બીજો ભણવામાં કાચો તોય મીકેનીકલ એન્જીનીયર બન્યો. બે ય ને ધામધૂમથી પરણાવ્યા, હવે એમને અલગ થવું છે. મોટો ઘણુંય કમાય છે, નાનો ઓછું કમાય છે એટલી એની પત્ની પ્રાચી નોકરી કરે છે, કરવી જ પડે ને? નહી તો કેવી રીતે એમનું ઘર ચાલે? મોટો તો એટલો બધો સારો હતો કે જુદા થવાનો નિર્ણય લેશે એવું વિચાર્યું જ નો’તુ. એ એવું બોલ્યો જ નો’તો..પણ એણે એ કરી બતાવ્યુ. અમારી મોટી પુત્રવધૂ નિતિને એમ થઈ ગયું છે કે મારો વર વધારે કમાય ને તોય મારે ઘરનું કામ કરવાનું? એની વાતેય સાચી એટલે અમે કામવાળીને રસોઈવાળી બધુંય રાખ્યું. પણ ડાયનીંગ ટેબલ પરથી વાસણો ઉઠાવવા જેવી સામાન્ય વાતોમાંય ઝગડે છે. હસુમતી એકલી કેટલું કરે? બે વહુઓ હોય તોય એણે જ બધું કરવાનું? બે છોકરાઓ સંપીને ના રહી શકે?? હવે બે ય ને જુદા તો થવું છે, પણ ઘરમાં પૈસા નથી આપવા. બધી ગણતરીઓ પૈસાની છે ભાઈ. જ્યારે સંબંધો મા પૈસાની ગણતરીઓ થવા માંડે ત્યારે એ નિષ્પ્રાણ થવા પર છે એમ માની લેવું. હમણાં ગયા મહિને હસુને ઝાડા ઊલટી થયા તો હોસ્પિટલનું બધું બિલ મેં જ ચૂકવ્યું. મોટાની ઓળખાણથી ડિસ્કાઉન્ટ મળ્યું પણ તોયે બાકીના ૩૭હજાર મારે આપવા પડ્યા... હવે ?? અમારે એમની પાછળ ડિસ્કાઉન્ટ લેવા ફરવાનું?” હસમુખભાઈ સતત બોલી રહ્યા હતા. ગળે ડૂમો બાઝી ગયો હતો. અને જયેશભાઈ સૂમ્મ્મ મારી ગયા હતા. એમને યાદ આવ્યું : પોતાની માંદગીનો, દવાઓનો, હોસ્પિટલનો, તમામ ખર્ચો સૂરજે આપ્યો હતો. અને સૂરજને પૈસા આપવા વિશેની વાત સાવ ધ્યાન બહાર રહી ગઈ હતી, આજે જયેશભાઈ પોતાને વામણા લાગવા માંડ્યા..
ઘડીક ના મૌન પછી હસમુખભાઈ બોલ્યા, “હવે શું કરું?? મોટાએ ફ્લેટ લઈ લીધો છે, આ મકાન વેચાઈ ગયું છે. ૩૧મી એ પઝેશન આપી દેવાનું છે અને હજુ બીજું મકાન લેવાનું બાકી છે. હવે મારે આ જ દિવસો જોવાના બાકી હતા. બંને બેય જણા એ દાવ કર્યો મારી સાથે. મેં કહ્યું હતું કે ઊપર માળ લઈ લઈએ અને બાજુનું મકાન વેચાય છે એ લઈ લઈએ, તો બગીચોય મોટો થશે. પણ મને ગણકાર્યો જ નહી ને!!!
૩૧મી ની આડે હવે પંદર દિવસ રહ્યા છે. પંદર દિવસમાં નવું મકાન કેવી રીતે લેવાય?”
‘કોને વેચ્યું છે?’જયેશભાઈએ પૂછ્યું.
‘છે એક કુટુંબ.. સીંધી પરિવાર છે. એમાં એમનોય વાંક નથી ને? પેમેન્ટ આપી દીધું હોય તો કોઈ પણ વ્યક્તિ પઝેશન તો માંગે જ ને!!’
હસમુખભાઈ બોલી રહ્યા હતા. જયેશભાઈ સાંભળી રહ્યા હતા. એવામાં હસમુખભાઈના પત્નિ હસુબેન બોલાવવા આવ્યા.. “કેટલી વાર કરી? મને ચિંતા થઈ ગઈ. સવા આઠ થઈ ગયા, જમવાનું નથી? ઈન્સ્યુલિન લેવાનું બાકી છે. શું તમેય? આ થાય છે એ ઓછું છે તો મને મૂકીને જતા રહો છો??”
હસુબેન ની સાથે હસમુખભાઈ અને જયેશભાઈ એ ઘરે જવા પગ ઉપાડ્યા. હસુબેનની વાતો જાણે અનસૂયા કહી રહી હોય એમ લાગ્યું. એ વિચારી રહ્યા: ‘પણ અનસૂયા કોઈ દિવસ આમ નો’તી બોલતી. સ્વરાના લગ્ન પછી તો જાણે સાવ બદલાઈ ગઈ’તી. સ્વરાને ભગાડી જવામાં જાણે અનસૂયાબેને active ભાગ લીધો હોય એમ એની સાથે એ પોતે વર્તન કરતા. અને એટલે જ ઘરના બીજા લોકોય એને ગણકારતા નો’તા. સીધી ને સરળ હતી, હું એને લાયક જ નો’તો.’ જયેશભાઈ પોતાની જાતને કોસી રહ્યા હતા. ઘરમાં આવતા તો સાવ જાણે ફસડાઈ પડ્યા, હાથપગ ઠંડા થઈ ગયા હતા, છાતીમાં ભયંકર દુ:ખાવો ચડ્યો હતો. એ તો વળી સૂરજ ત્યાં રિમોટ કન્ટ્રોલના સેલ બદલતો’તો. એણે તરત જ જયેશભાઈને ઝીલી લીધા ને તાત્કાલિક જીભ નીચે મૂકવાની ગોળી આપી દીધી, સ્વરા ડોક્ટરને બોલાવી આવી.. ચકુ નાનાનો હાથ પકડી રડવા માંડ્યો.. જયેશભાઈએ ચકુનો હાથ છૂટી ના જાય એમ સખ્ખત રીતે પકડી રાખ્યો.
-------
ડોક્ટરે ઈન્જેક્શન્સ આપ્યા ને ગોળીઓ લખી આપી. જયેશભાઈ અર્ધબેભાનવસ્થામાં બબડી રહ્યા હતા: ‘મેં તને બહુ અન્યાય કર્યો, તું પાછી આવ, નહીં તો મને લઈ જા...તારા વગર મારાથી જીવાશે નહી.ચકુ ને ફુગ્ગો લઈ આપીશું, એને ભાજીપાંવ બહુ ગમે છે, સ્વરાને તારા જેવા નથી આવડતા, તારે તને ગમતું હોય એ મેગેઝીન મંગાવી લેજે’ એવા બબડાટ સાથે જયેશભાઈ સૂઈ ગયા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. સૂરજ અને સ્વરાની કેટકેટલી મથામણ પછીય ચકુ નાના ના પડખામાં સૂઈ ગયો. સ્વરા અને સૂરજ બંને એકબીજાની સામે જોઈ રહ્યા. આ એક એલાર્મ હતું?? જયેશભાઈના અંત તરફનું પ્રયાણ હતું? વિચિત્ર અજંપા સાથે રાત માંડ પસાર થઈ..
સવારે જયેશભાઈ ઊઠ્યા ત્યારે ચકુ અધડૂકો થઈ એમના ટેકે સૂઈ રહ્યો હતો. ખાસ્સી વાર પછી ચકુ ઊઠ્યો ને વાંકો વળીને જયેશભાઈ સામે જોઈને સ્મિત આપ્યું . જયેશભાઈ નો છાતીનો દુ:ખાવો જાણે ગાયબ થઈ ગયો.
નાહી ધોઈને પરવાર્યા ને ચારેય જણાંએ સાથે ચા નાસ્તો કર્યો. નિરવ શાંતિ હતી, સ્વસ્થ થતા સૂરજ બોલ્યો; ‘પપ્પા, તમે હવે તમારા ઘરે જવાની વાત જવા દો. અહીં જ રહો. કાયમી સરનામું બનાવી દો. અચાનક કંઈ થઈ જાય છે તમને..’
જયેશભાઈ ધીરેથી બોલ્યા: કાયમી સરનામું કોઈ લઈને કયાં આવ્યું છે?
“પણ તમને suddenly શું થઈ ગયું?” - સ્વરાએ પૂછ્યું.
જયેશભાઈએ હસમુખભાઈ ની આખી વાત કરી.
એમને કઈ રીતે મદદ કરી શકાય એ વિશે પણ ચર્ચાઓ થઈ. જે સિંધી માણસને મકાન વેચ્યું છે એમનું નામ સરનામું સૂરજે હસમુખભાઈ ને ફોન કરી પૂછી લીધું.
“અચ્છા, રાઘવ મલુકાની?” એ તો મારો આસિસ્ટન્ટ હતો. જયેશભાઈએ કહ્યું.
સૂરજ, જયેશભાઈ અને હસમુખભાઈ ત્રણેય મલુકાનીને મળવા ગયા.. ને મલુકાની જયેશભાઈ ને જોઈ જાણે ભગવાન દીઠા હોય એવો ખુશ થઈ ગયો. આખરે મલુકાનીએ ત્રણ મહિનાની મુદત આપી. હસમુખભાઈ જયેશભાઈ ની સામે ભાવુક બની જોઈ રહ્યા..
સાંજે હસુબેન અને હસમુખભાઈ તરફથી જમવાનું આમંત્રણ અપાયું હતું. સૂરજ અને જયેશભાઈ એ ખૂબ ના પાડી પણ હસમુખભાઈ ના હઠાગ્રહ સામે નમતું જોખવું પડ્યું. એમાં સ્વરાએ હસુ આન્ટીને કેટલીય instructions આપી દીધી હતી. સાંજે હસમુખભાઈના ઘરે As usual બે માંથી એકેય છોકરાઓ હાજર નહતા. ઘણી વાતો થઈ, છેવટે હસમુખભાઈનો જવાબ એટલો જ હતો કે જેને છોકરાંવનું સુખ ના હોય એ સુખી ના કહેવાય. એક દીકરી તો હોવી જ જોઈએ, જો અમારે દીકરી હોત તો આ પરિસ્થિતિ ટાળી શકાઈ હોત..
અને જયેશભાઈના કાનમાં જાણે અનસૂયા બોલી રહી હતી: ‘મેં કહ્યું’તુ ને? એક દીકરી જ બસ છે!! વંશ ઉજાળવા છોકરો હોવો જરુરી નથી. બધું ઈશ્વરની ઇચ્છાને આધીન જ હોય! દીકરો હોય તો well and good. ના હોય તો દીકરી જ ભલે.’ જયેશભાઈ મનોમન અનસૂયાનો આભાર માની રહ્યા હતા. એમને યાદ આવ્યું કે જ્યારે જયેશભાઈ અનાથાશ્રમમાં જતા હતા ત્યારે અનસૂયાબેને ટોક્યા’તા: ‘મા બાપ વગરના છોકરાઓને પ્રેમ અને હૂંફ મળે તો એ સગા દીકરાઓ કરતાંય વધારે પ્રેમ કરી જાણે!! સગું લોહી ક્યારે દગો દઈ દે કહેવાય નહી, જીવન માત્ર ઋણાનુબંધ પર નભે છે, તમે ભલેને ના માનો.. હું તો માનું છું.’ ..એણે આડકતરી રીતે સૂરજ નો ઉલ્લેખ કરી દીધો’તો.
જયેશભાઈએ સૂરજને ના તો પ્રેમ આપ્યો હતો ના તો હૂંફ, તોયે સગા દીકરા કરતા વિશેષ પ્રેમ અને સન્માન આપતો હતો. એ વિચારી રહ્યા: સાચી હતી અનસૂયા,
“હવે હું પણ માનું છું હોં અનસૂયા ” જયેશભાઈ મનોમન બબડી રહ્યા...
રાત્રે સ્વરાને ઉંઘ આવી નહી, sleeping pillsની અસર ઓછી થતી હતી. રસોડામાં જઈ એક વધારાની ગોળી લીધી, સૂરજ પાછળ ને પાછળ ઉઠ્યો. ગુસ્સે થયો’તો..
“કેટલી ગોળીઓ ગળીશ? તું ને તારો ડોક્ટર શું ખબર શું કર્યા કરો છો? એને કંઈ કહું છું તો એ I am a failure કહી હાથ ઉંચા કરી દે છે.. તારા Memory lapses પણ વધી ગયા છે..હું શું કરું? મનેય સમજાતું નથી. હવે તો તારે મારી અને ચકુની સાથે પપ્પાને ય સંભાળવાના છે.. ડિપ્રેશનની ગોળીઓ બંધ થવી જોઈએ. તારે જ આ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે.’
સૂરજનો અવાજ થોડો ઉંચો થઈ ગયો હતો, એ અકળાયેલો હતો, જયેશભાઈની ઉંઘમાં ખલેલ પડી ને એમણે સ્વરા અને સૂરજ વચ્ચેનો સંવાદ સાંભળ્યો.
“સ્વરા??? ડીપ્રેશન???” હ્દય એક ધડકારો ચૂકી ગયું. પોતે એક નિષ્ફળ પતિ અને નિષ્ફળ પિતા સાબિત થયા હતા?? એક વાર ફરી એ વામણા પુરવાર થયા હતા?? જયેશભાઈનું મગજ ચકરાવે ચડ્યું...
ક્રમશ: