Dairy - 3 books and stories free download online pdf in Gujarati

ડાયરી - 3

ભાગ ૩

ફુગ્ગા વગરના વર્ષો

મરણના ધુમ્મસી વાતાવરણ વચ્ચે જીવન શિસ્તબદ્ધ જીવાતું હતું. અનસૂયા બહેનની ગેરહાજરી અકળાવનારી હતી, પણ સત્ય આ જ હતું. અસ્થિકુંભ સામે જોતા જોતા દિવસો પસાર થતા હતા. અનસૂયાબહેનના મરણને દસેક દિવસ થયા હતા. બારમું પતે ત્યાં સુધી અહીં રહેજો એવા જયેશભાઈના આગ્રહે સૂરજને રોકી લીધો હતો. એ દિવસમાં એકવાર ઓફિસ જઈ આવતો. સ્વરાએ ઘરનો મોટાભાગનો કારભાર સંભાળી લીધો હતો. કામવાળીએ ય સ્વરાને પહેલી વાર જોઈ હતી, રસોઈવાળા દાદી એ સ્વરાને જોઈ હતી પહેલીવાર, પણ જાણે વર્ષોથી ઓળખતા હોય એમ વાત કરતા હતા. શાક વઘારવા સિવાયનું બધું કામ રસોઈવાળા દાદી કરતા.! અનસૂયાબહેનની વાતમાં વારંવાર સ્વરા, સ્વરા આવતું એટલે ઓળખતા હશે, એમ સ્વરા એ માન્યું. રસોઈવાળા દાદીને સ્વરામાં અનસૂયા દેખાતી. અને એ કહી દેતા: “ભાઈ, દીકરીને તો સરસ ઘડી છે ભગવાને.” સ્વરાની જયેશભાઈની સ્વરા સાથે વાત થતી - બીમારીની વાત, સુગરની વાત, કોલેસ્ટ્રોલની, એવી બધી.. ઈન્સ્યુલિન કેટલું લીધું? એક ખાખરામાં કેટલી કેલરી હોય એવી વાતો કરતી. હમણાંથી સ્મેતિંગ વધી ગયું છે પપ્પા એમ ટકોર પણ એણે કરી હતી.

સૂરજ સાથે ધીમે ધીમે પપ્પાને ભાઈબંધી જાણે ના બંધાઈ ગઈ હોય? તમે શું કરો છો? શું લખો છો? એવી વાતો પપ્પાએ જાણી હતી. માતા પિતા વિશે પૂછવાનો કોઈ સવાલ જ નહતો. માતાપિતાની વાતે જ તો જયેશભાઈને વાંધો હતો.

“એમ કંઈ સાવ અનાથને પરણાવાય? કેમ? સમાજમાં સારા છોકરાઓ મરી પરવાર્યા છે? ના મા બાપ, ના કુળ, ગોત્ર ને એમ પરણાવી દેવાય?” અનસૂયાબહેનની વાતનો જવાબ ત્યારે જયેશભાઈએ આપ્યો હતો.

“માણસ એના ચારિત્ર્ય પરથી ઓળખાય, એના મા બાપ નથી એ એનો વાંક ના કહેવાય. કેટલાય લોકો ભ્રૂણહત્યા કરાવે છે, સાવ એવું તો નહી ને?” અનસૂયાબહેન બબડી રહ્યા’તા. જેની અસર જયેશભાઈને લગીરેય નો’તી થઈ. વારતહેવારે અનેક અનાથાશ્રમમાં છોકરાઓને જમાડવા અને કપડા લઈ આપતા રૂઆબદાર જયેશભાઈનું આ બીજું વ્યક્તિત્વ હતું. એ ના તો સ્વરાને સ્વીકારવા તૈયાર હતા, ના સૂરજ ને કે ના તો સ્વરાના સંતાનને.

દરમિયાનમાં જયેશભાઈના ભાઈ હિતેશભાઈની દીકરી કોમલને એમની જ નાતના, વેલ સેટલ્ડ, રૂપાળા છોકરા સાથે ઢગલાબંધ કરિયાવર સાથે ધામધૂમથી પરણાવી. અનસૂયાબહેનનો પોતાની દીકરીને પરણાવવાના અભરખો મનમાં ને મનમાં રહી ગયો. એ દિવસે બધા ખુશ હતા, અનસુયાબહેન સિવાયના બધા જ. પોતાની એકની એક દીકરીને લગ્નમાં આમંત્રણ આપવા અંગે કુટુંબીજનોમાં ઉલ્લેખ સુદ્ધા નહતો થયો.

હજુ તો હિતેશભાઈની દીકરી કમલને પરણાવ્યો છ મહિનાય નો’તા થયા, ને કોઈક કારણસર પતિ પત્ની વચ્ચે ખૂબ ઝગડો થયો. કોમલ પોતાના પિયરમાં પાછી આવી ગઈ’તી. અનસૂયાબહેનનો ઇરાદો કોઈને દુ:ભવવાનો જરાય નો’તો. પણ અનાયાસે જ કામવાળી સાથે મોટેમોટેથી વાત કરવા લાગ્યા’તા: “ કુટુંબ ને છોકરો ને આવક ને રૂપ બંધુય જોઈને જ પરણાવી હતી, પણ સમજદારી તો હોવી જોઈએ ને? અમારી સ્વરાના લગ્નને પાંચ વરસ થયા, પણ રડતી પાછી આવી નથી.”

ઊંચા, ગોરા, ભરાવદાર પાંપણો અને પહોળા ખભા વાળા સૂરજને જોઈને જયેશભાઈના મનમાં આ ઘટના રીવાઈન્ડ થઈ ગઈ. સૂરજને ત્યારે જ અપનાવી લીધો હોત તો?

અનસૂયાબહેનની મરણની બરાબર અગિયારમી રાત્રે જયેશભાઈનું સુગર ઘટી ગયું ને તાવ ચઢ્યો હતો. અડધી રાત્રે શું કરવું? ને સૂરજે પળનોય વિલંબ કર્યા વિના કાર હંકારી સીધો સરકારી દવાખાને લઈ ગયો’તો. પાઈન લાવવાથી માંડીને એન્ટીબાયોટીક્સના ઈન્જેક્શન્સ, બ્લડ રિપોર્ટ અને એમાં ડેન્ગ્યુ ડિટેક્ટ થતા સૂરજની દોડધામ. આ કશું જ જયેશભાઈની આંખથી અજાણ્યું નહોતું. સૂરજ જે રીતે ચિંતામાં પડી ગયો હતો એ જોઈને પ્રૌઢ ડોક્ટરે જયેશભાઈને કહ્યુંય ખરું: “વડીલ, સાજા થઈ જાવ, નહી તો તમારી ફિકરમાં તમારો દીકરો માંદો પડી જશે.” એ વિચારી રહ્યા.. જે સૂરજને પોતે મળવા તૈયાર નહતા એ સૂરજ કોઈ પણ પ્રકારના વાંધાઓ અને અપમાનો ભૂલીને ઠરેલ વ્યક્તિ તરીકે જયેશભાઈની પડખે ઊભો રહ્યો હતો.

તો??

કદાચ સૂરજ પણ જયેશભાઈમાં પોતાના પિતાના અસ્તિત્વને શોધી રહ્યો હતો? સ્વરાનો હાથ ન પકડ્યો હોય તો એને ઊંઘ પણ ન આવે, આ એ જ સૂરજ લગભગ અગિયાર દિવસથી પપ્પાની બાજુના કોટ પર સૂઈ જતો.

ચકુના ખિલખિલાટ હાસ્યથી જાણે ઘર ભરાઈ ગયું હતું. ઘડીક જો ચકુ સૂઈ જાય તો ઉપરાઉપરી સિગારેટો પી લેતા. ચકુ ઊઠે એટલે બ્રશ કરીને જ ચકુ સામે જતા.. નીચે ચાલવા જાય તોય ચકુ એમની આંગળી પકડીને રાખતો. સ્વરાની જેમ introvert હતો, એટલે કોઈના સાથે દોસ્તી કરતો નહી. જબરી આત્મીયતા બંધાઈ હતી. ચકુ સાથે એ ડ્રોઈંગ કરવા બેસતા, ટોમ એન્ડ જેરી જોતા. કોઈ સગુ મળવા આવે તોય ચકુને ખોળામાંથી ખસવા દેતા નહી. તારા જેવું હસે છે, નહી??ગાલમાં ખંજન પડે છે, સીધો, ટટ્ટાર ઊભો રહે છે તારી જેમ એમ કેટલીય વાર અનસૂયાના અસ્થિકુંભ સામે ઊભા રહી મનોમન વાત કરતા.

એમને પત્નિ અનસૂયાના શબ્દો યાદ આવ્યા.

“દીકરો તો જોવા જેવો છે, પરાણે વહાલો લાગે એવો. સવિતાબેને કહ્યું’તું કે આજે એની સ્કૂલનો પહેલો દિવસ છે. Playgroup માં આજે મૂક્યો. હું તો મળી જ આવી. આપણે તો playgroup હોય કે પહેલું ધોરણ, સ્કૂલ જ કહેવાય ને. કોને ખબર એ પહેલા ધોરણમાં આવે ત્યાં સુધી આપણે હોઈએ કે નહીં?” અનસૂયાબહેનની આ વાત યાદ આવતા જાણે જયેશભાઈને છાતીમાં દુ:ખાવો ઊપડ્યો. એ તરત જ ઊભા થયા. ખોળામાં રમતા ચકુને ઉંચકી છેક અનસૂયાબહેનના અસ્થિકુંભ સામે ઊભા રહી બોલ્યા: “તારી વાત માની બસ.” અસ્થિકુંભમાંથી જાણે અનસૂયાબહેન સાંભળી રહ્યા હતા.

જયેશભાઈની ડાયાબિટીસ અને બીપીની સાથે ડેન્ગ્યુ ની સારવાર શરૂ થઈ ગઈ હતી. એક રાત્રે સૂરજે જમતી વખતે કહ્યું’તું કે હવે અમે જઈએ? ઓફિસમાં જવું પડશે.

“ઘર તો સાવ ખાલી થઈ જશે, તમે લોકો નહી હોવ, ચકુને નહીં હોય, પણ વાસ્તવિકતા, એ જ છે ને? કે હું હવે એકલો છું”, એવા પપ્પાના વાક્યથી સૂરજ ઝબક્યો; “તમે આવજો ને, અહીંજ તો રહી છીએ. સાવ વોકિંગ ડિસ્ટન્સ.”

એ દિવસે રાત સુધીમાં સૂરજ અને સ્વરાએ આખું ઘર વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. મમ્મીના ફોટો પર સુખડનો હાર લાગી ગયો હતો, બધા રુમમાં ઝાપટઝૂપટ થઈ ગઈ હતી. મમ્મીનો રુમ, જયાં એ લખતી, વાંચતી એ રુમમાં એના અને મમ્મીના ફોટાઓ અસ્તવ્યસ્ત હતા. એ બધા એણે સરખા કર્યા. એનું પરફયુમ હવામાં ઉડાડ્યું.. તિજોરીઓ બંધ કરી ચાવી પપ્પાને આપી ત્યારે પપ્પાએ કહ્યુય કે, ‘તું જ રાખ ને, જોઈશે તો માંગી લઈશ’ પરફયુમની મહેકથી આખું ઘર ભરાઈ ગયું હતું..જયેશભાઈને લાગ્યું જાણે અનસૂયા અહીં જ ક્યાંક આસપાસ છે.

રાત સુધી બધું વ્યવસ્થિત થઈ ગયું હતું. સૂરજે પપ્પાના ફોનમાં ઈમરજન્સીડાયલ નંબરો લગાવી આપ્યા હતા, ફાસ્ટ ડાયલ નંબર પણ લગાવી આપ્યા હતા. એમની મેડિકલ ફાઈલ ડ્રોઈંગરુમમાં મૂકી આપી. બધા જ રુમમાં ફોનનંબરો લખી ચોંટાડી દીધા હતા. આખી રાત કોઈ ઊંઘ્યું નહી.

સ્વરા, સ્વરા તો અસ્થિકુંભ સામે જોઈ રહી’તી. જાણે મમ્મી એને બોલાવતી ન હોય. એને એક વિચિત્ર ખેંચાણ થવા માંડ્યું ને ઊભી થઈને સીધી અસ્થિકુંભ પાસે ટેબલ ખેંચી બેસી ગઈ. મમ્મી એને કહી રહી હતી: કયા સુધી મારા ભૂતકાળ પર વિચાર્યા કરીશ? મારું મૃત્યુ તને નવી બનાવવા માટે છે, નહી કે એ જ જૂની વાતો લઈને રડયા કરતી દીકરી માટે.

અને સ્વરાએ તરત જ ડાયરી લીધી ને લખવા માંડ્યું :

“ હું જોઈ રહી છું એક તસવીર... ફોટામાં મા નિષ્પલક જોયા કરે છે. અંધારું હોય તોય આ આંખો બંધ નથી થતી. મૃત્યુ ..... ભયાનક ઘટના છે. અમરત્વના હેંગ ઓવર જ આપણે છેલ્લા શ્વાસ સુધી જીવ્યા કરીએ છીએ. માણસ જ્યારે આ હેંગ ઓવરમાંથી બહાર આવે, ત્યારે મોત દેખાતું હશે?

ઈશ્વર સિવાય બાકીના બધાને મૃત્યુનો આશીર્વાદ છે. ઈશ્વર શું છે?? શક્તિ કે વ્યક્તિ? આ પ્રશ્ન સરળ છે, જવાબ એટલો જ કઠિન. તર્ક વિતર્ક, પ્રતિતર્કના ધુમ્મસમાં આ પ્રશ્ન બાષ્પ બની ઉડી જાય છે. તર્કને અહીં અટકવું પડે, અહીં શ્રદ્ધાએ જ જનમવું પડે છે. “૨૨/૦૮/૨૦૧૬

--

સૂરજ પાછળ ઊભો હતો. એને ઓફિસમાં જવાનું હતું. જયેશભાઈની આંખોમાં ઝળઝળિયા આવતા હતા જેને એ રોકી શક્યા નહી . “નાના, તમેય ચલોને, આપણે રમીશું.” એ વાતના જવાબમાં પપ્પાએ એને ચૂમી ભરી લીધી હતી. આખરે સ્વરા, સૂરજ અને ચકુ બાઈક પર બેઠા. ચકુ “ બાય નાના, બાય નાના” કરતો જતો રહ્યો.

જયેશભાઈને જાણે ઘર ખાવા દોડતું હોય એમ લાગ્યું. એક અવાજ જે લોબીમાંથી સતત સંભળાતો હતો, એ હવે નથી સંભળાવાનો. ડાયનીંગ ટેબલ પરની એ ખુરશી હવે એમ જ રહેશે. સ્લીપરો, ઘડિયાળ, મંદિરમાં જવા માટે સફેદ ઝભ્ભો લેંઘો. કોઈ યાદ કરાવશે નહી. બેકલામાંથી હવે એકલા શબ્દ વિશેની સમજણ જયેશભાઈને પડવા માંડી. હજુ તો અડધો કલાક પણ થયો નહતો સ્વરાને ઘર છોડ્યે. બસ, હવે આ જ વાતાવરણમાં એમણે રહેવાનું છે, આ જ એકલતા, એકલી કોરી સાંજ અને એવા જ દિવસો. ભારે હૈયે જયેશભાઈ ઘરમાં પ્રવેશ્યા.

આ તરફ સૂરજ સ્વરા અને ચકુને સોસાયટીના દરવાજે મૂકી ઓફિસ જવા નીકળી ગયો. આખો દિવસ આડોશીપાડોશીઓની અવર જવર રહી. પંદરદિવસ સુધી બંધ રહેવાનો લીધે ઘરમાં ધૂળની પર્ત જામી ગઈ હતી.

રસોડામાં ગઈ ને સૌ પહેલું કામ કોફી બનાવી ડાયનીંગ ટેબલ પર બેઠી. ડાયરી ખોલીને લખવા માંડ્યું:

“ કોફી સારી હતી, કોફી સરસ જ હોય છે, એની મહેકનો નશો હોય છે. હું કોફીમાં કેસર નાખું છું, કેસરથી સ્ટેમિના રહે છે એવું પપ્પાએ કહ્યુ’તું. મમ્મી તજ નો પાવડર નાખતી. એ ય સરસ બનાવતી કોફી. એક વાર મેં મમ્મીને પૂછ્યું’તુ: તે કોફી ક્યારથી શરુ કરી? અને એનો જવાબ હતો: તું જન્મી એ દિવસથી. “કેમ?” કારણ કે તારી આંખોનો રંગ કોફી જેવો છે, જેટલી વાર કોફી પીઉં એટલી વખત તું યાદ આવે એટલે..”

૨૩/૦૮/૨૦૧૬

કામવાળી છોકરી આવી અને સ્વરા ઉભી થઈ. બંનેએ ભેગા મળી આખું ઘર સાફ કરી નાંખ્યું. પંખા અને વોર્ડરોબ, રસોડું અને બેડરુમ. સાંજે રસોઈવાળા બહેન આવ્યા, ત્યાં સુધી ઘરનું કામ ચાલ્યું. સૂરજ થોડો મોડો આવ્યો હતો. પણ નાહીને, જમીને આડો પડ્યો. ચકુ ઘસઘસાટ ઉંઘતો હતો અને સૂરજે સ્વરાનો હાથ પકડ્યો- બહુ દિવસે.. સ્વરાને શું કરવું સમજાયું નહી, અને સૂરજ જાતે જ બોલ્યો: “બે મહિના સુધી કીટ્ટા છે, મિસ કેરેજ થયું છે, ચલ, સૂઈ જા...”

રાતના લગભગ બે વાગતા હતા. સ્વરાને કેમેય કરીને ઊંઘ આવી નહી, એટલે સીધી રસોડામાં ગઈ.. ડાયરી ખોલી લખવા બેઠી.

“મમ્મીના મૃત્યુ પછી ઘણું બધું બદલાયું છે, કાશ એ અહીં હોત. એની માળા હજુય બાથરુમમાં લટકે છે. પપ્પા જ્યારે બાથરુમમાં જાય છે ત્યારે એની એ માળા પર નજર કરી લે છે. મા ચાંદલો નો’તી કરતી. કેમ નો’તી કરતી? એક દિવસ તો એણે પૂછી જ લીધું અને મા ખાલી હસી પડી હતી.

એણે કહ્યું કે, પહેલાના જમાનામાં જ્યારે સ્ત્રીના લગ્ન થાય ત્યારે સ્ત્રીના દાંત કાળા કરી દેવાતા, જેથી સામાવાળાને ખબર પડે કે એ પરણેલી છે. અને હું ભડકી ગયેલી: તો પુરુષોના દાંત પણ કાળા કરવાના. કેમ ? એ પરણેલો નથી??

અને જવાબમાં માત્ર હસી હતી. કોફીમાં મગને ચીયર્સ કરી મમ્મી એ કહ્યું હતું :”એટલે જ તો હું ચાંદલો નથી કરતી.”

મા, મારે સારું છે, એ વાતમાં કોઈ કચકચ નથી, હું આવી કોઈ વાત સૂરજ સામે કરું છું તો એ તરત જ કહે છે, તું નથી માનતી ને? તો ગામના લોહી ઉકાળા શું કામ કરે છે??

તારે મારી પાસે શું કરાવવું છે એમ વાત કર. ગળામાં તારા નામની ચેઈન પહેરી છે, હવે તું કહે તો..આપણે બે ય મંગળસૂત્ર પહેરીએ.

ગાંડો છે.. એ સાચેસાચ કરે એવો છે. મારી બધી જ વાત માનવાની કુટેવ છે એને.”

૨૪/૦૮/૨૦૧૬ ૩:૦૦ am.

અને સ્વરા ત્યાં ને ત્યાં જ સૂઈ ગઈ. સવારે સાતેક વાગ્યે સૂરજ ઊઠ્યો, ત્યારે એની આંખ ખૂલી. રોજ ની જેમ

“ખાતી નથી, પીતી નથી, ઊંઘતી નથી..” થી સૂરજ ગુડ મોર્નિગ થયું. રોજની જેમ એ ઓફિસ ગયો. રોજની જેમ ચકુ પણ સ્કૂલે ગયો. પપ્પા સાથે ફોન પર વાતો થતી. એમને રસોઈવાળા બહેનનું શાક નહોતું ફાવતું. મીઠું ઓછું નાંખે છે, તીખું બનાવે છે જેવી ફરિયાદો રહેતી. રસોઈવાળા દાદી ને કેટલાય વર્ષોથી કામે રાખ્યા હતા. અને તો યે શાક મમ્મી જ બનાવતી. પપ્પાને બીજાનું બનાવેલું શાક ફાવતું જ નહી, અમારેય એવું થાય છે, રોટલી, ભાત, ખીચડી, પરોઠા બંધુય બિંદીયાનું ચલાવી લે છે પણ શાક?? સૂરજને શાક જોઈને જ ખબર પડી જતી કે આજે બિંદીયાએ શાક બનાવ્યું છે. “

સ્વરા ને રહી રહીને યાદ આવતું કે કંઈક ભૂલાય છે..

ઓહ, પપ્પાની વર્ષગાંઠ. મમ્મી વગરની પહેલી વર્ષગાંઠ. આટ આટલા વર્ષો એણે પપ્પાની વર્ષગાંઠને યાદ રાખી જ હતી ને! મનોમન વિશ કરી લેતી. આજે કેમ ભૂલાયું? એણે લખવા માંડ્યું:

યાદ આવ્યું . યાદ ના આવવું એટલે ભૂલાયું?? કે ભૂલાયું એટલે યાદ ના આવ્યું.

જન્મદિવસ. આ જન્મદિવસ શું કામ ઉજવવો જોઈએ? મમ્મી કહેતી ‘તી - પ્રેમ , હૂંફ, ઉષ્મા શોધવાનો દિવસ.. સાયકલના ટાયરોને પણ એકબીજાની હૂંફ હોય છે, ગિટારના તાર એકબીજાથી ખાસ્સા દૂર હોય છે, પણ એક ને અડીએ તો તરત જ બીજાને અસર થાય છે .જન્મદિવસ હૂંફ પ્રેમ અને પ્રિયજનોને નજીક લાવી ક્ષણોને ઉજવવાનો દિવસ છે..પપ્પાની આ વખતે મા વગરની પ્રથમ વર્ષ ગાંઠ. અને આવી અનેક વર્ષગાંઠ હવે પપ્પાએ એકલા જ ઉજવવાની છે. પપ્પાની કચકચ છતાં મા નું કેક બનાવવું, ઝાડુવાળાને, પગીને, કામવાળીને પૈસા આપવા.. એવા દાન કર્યા કરતી..” ૨૫/૦૮/૨૦૧૬

જયેશભાઈને એકલતા કોરી ખાતી હતી. ગુલામઅલીની ગઝલો, સિગારેટના ધુમાડાઓ, પુસ્તકવાંચન અને ટીવી સાથે જીવાતું જીવન. મમ્મી સાથે બહાર ફરવા ગયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાઓ..સાથે લેટેસ્ટ ગેજેટ મોબાઈલ ફોનમાં ચકુના ફોટાઓ. હવે સ્વરાના જીવનનો એક ક્રમ બદલાયો હતો. શનિ- રવિમાં પપ્પાના ઘરે જવું. પપ્પાનો જન્મદિવસ આવ્યો ત્યારે સૂરજે જ આગ્રહ કરીને રેસ્ટોરન્ટમાં જવા માટે પપ્પાને મનાવ્યા હતા. હજુ એ જ દિવસે તો સ્વરાને ખબર પડી કે સૂરજ રોજ ઑફિસથી છૂટીને પપ્પાને મળવા જતો હતો. બંને વચ્ચેના સંવાદો સ્વરા સાંભળી રહી હતી. બહુ દિવસે પપ્પાના ચહેરા પર ખુશી હતી- “ચાલ, તને કંઈક લઈ દઊં..તને શું જોઈએ? તને શું ગમે ? ના જવાબમાં ચકુએ ફુગ્ગો લઈ આપવાની માગણી કરી હતી. - કેટલાય વર્ષો પછી પપ્પાએ કોઈને ફુગ્ગો લઈ આપ્યો હતો.

અનસૂયા બહેનના અસ્થિવિસર્જન માટેની વાત કોઈક ને કોઈક રીતે ટાળી દેવાતી. આખરે એ જ તો સધિયારો હતો- જયેશભાઈ માટે. જયેશભાઈને ઘરે ઊતારી સૂરજે ગાડી ઘર તરફ હંકારી. ઘરે જતાની સાથે સૂરજ ઘસઘસાટ સૂઈ ગયો.

આજે સ્વરાને મમ્મી યાદ આવતી હતી. એણે ડાયરી લીધી ને લખવા માંડ્યું :

“સ્ત્રી પુરુષના સંબંધો વિશે મારે લખવું જ નથી. સ્ત્રી એ આમ કરવું જોઈએ, પુરુષોએ આમ કરવું જોઈએ, એવી બધી વાતો મગજની કચરાટોપલીમાં નાખવા માટે લખાય છે, વંચાય છે. હું ફેમિનિસ્ટ નથી, ક્યારેય નહોતી, અને ક્યારેય ફેમિનિસ્ટ નહી થઉં એવી ખાતરી છે. બળવાખોર છું, ફેમિનિસ્ટ નહી.

એક સરળ વાત છે. પુરુષ પુરુષ જ છે. સ્ત્રી સ્ત્રી જ છે. પુરુષ સમોવડી શબ્દમાં બંધાવા કરતા સ્ત્રી હોવું વિશેષ લાગ્યું છે. બંને એકબીજાના પૂરક છે, હરિફ નહી ને દુશ્મન પણ નહી. સ્ત્રીના સૌંદર્યની નહીં ને પુરુષની બુદ્ધિની નહી,

મારે તો વાત માંડવી છે

મારી. મારી મા ની. મારા પપ્પાની. મેં જોયેલી દુનિયાની. કાશ્મીરના ઊંચા ઊંચા બરફ આચ્છાદિત પહાડોની. મે મહિનાની ભયાનક ગરમી માં ઊગતા ગુલાબોની. ચિનારના વૃક્ષની. મે માં લીલ્લાછમ્મ દેખાતા એ ચિનારના ઓક્ટોબરમાં કેસરી થતા પાંદડાઓની. તાજા જન્મેલા બાળકના હાસ્યની. ગુલમર્ગમાં રાત પડે સાવ નજીક દેખાતા તારાઓની. સૂરજ અને ચાંદાની ભયાનક શિસ્તની.. ઈશ્વરે દોરેલી દુનિયાની. ...”

હજુ આગળ લખે એ પહેલા સૂરજના મોટાઈલમાં ઈમરજન્સી કોલ આવ્યો, ફડક પેસી ગઈ!!!

સૂરજ પણ સફાળો ઊઠ્યો.. પપ્પાને એટેક આવ્યો હતો..... (ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED