ડાયરી Hezal james દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ડાયરી

ડાયરી

કેટલાય વખતથી બસ એમજ જીવ મૂંઝાતો’તો. ગભરામણ જેવું થયા કરતું. જાણે છાતી પર કોઈએ ૧૦/૧૨ કિલોનો પત્થર ના મૂકી દીધો હોય! આખરે એક દિવસ સૂરજ ને કહ્યું- તો એણે આખી વાત મજાકમાં ઉડાવી દીધી. પણ એ દિવસે તો સાચેસાચ કામ કરતા કરતા એ ફસડાઈ પડી... જ્યારે એ ભાનમાં આવી ત્યારે હોસ્પિટલમાં હતી. બાજુમાં ચકુ હાથ પકડી ઊભો હતો. ને સૂરજ ડોક્ટર સાથે કંઈક વાતો કરતો હતો. ડોક્ટરે રિપોર્ટ્સ કરાવવાના કહ્યા હતા, દવાઓ લખી આપી હતી. ને સૂરજે કહેલું કે ઘરે જઈને દવાઓ લઈ આવીશ. ડોક્ટરે રોકડું પરખાવ્યું: તમને કંઈ સીરીયસનેસ છે? ઘરે જવા જેવી હાલત જ નથી. મિસકેરેજ શબ્દ સમજો છો?? અને સૂરજ મોઢું બગાડતો દવા લેવા ગયો હતો. જાણે મિસ કેરેજ માટે સ્વરા જવાબદાર હોય. સ્વરાને મમ્મી યાદ આવી ગઈ. આખરે ત્રણ દિવસે હોસ્પિટલમાંથી રજા અપાઈ, ડોક્ટરે કમ્પ્લીટ બેડ રેસ્ટ લખીને આપ્યું..

આજ સવારથી એને મમ્મી જ યાદ આવતી હતી.

આજે મધર્સ ડે નહતો. ફ્ર્રેન્ડશીપ ડે પણ નહતો. કંઈ નહતું. વર્ષગાંઠ પણ નો'તી. એનીય નહીં ને મમ્મીની પણ નહી. તોય આજે સવાર થી રહી રહીને કોણ જાણે કેમ , મમ્મી યાદ આવતી'તી. સૂરજે પૂછ્યું ય , "કેમ, આજે આટલી બધી લાલ છે આંખો?? Conjunctivitis તો નથી થયો ને??? જો જે ભઈ આખા ઘરને ચેપ લગાડીશ..સૂરજના આ શબ્દોની એની પર કોઈ અસર જ ના થઈ..એને કેવી રીતે સમજાવવો? આજ કાલ મારે મનમાંય ચોમાસું ચાલે છે. બધુંજ સરસ હોય, જીવન જીવવા માટે પૂરતો સામાન પણ હોય અને તોય રહી રહી ને એક ચહેરો વારેવારે દેખાયા કરે ત્યારે શું સમજવું?? કંઈક હજુય ખૂટે છે એમ જ ને??

સૂરજ ઑફિસ જવા નીકળ્યો ત્યાં સુધી ટિફિન પણ તૈયાર નો'તું કર્યું. ને ફરી એણે એને ટોકી, "આજ કાલ ધ્યાન ક્યાં રહે છે તારું? તારી જેમ ઘેર બેસીને રોટલા નથી તોડવાના મારે. ચલ, ફટાફટ ટિફિન ભર.." અને એણે ટિફિન ભરવા માડ્યું.. નાનકડો ચકુ જોઈ રહ્યો'તો - મમ્મી સામે. સૂરજનો કકળાટ ચાલુ હતો.." આમને કંઈ ગતાગમ પડતી નથી. ઘેર બેસી રહેવાનું ને મફત ખાવાનું..ટાઈમની સાથે કંઈ લેવા દેવા જ નહીં..." અને બબડતો ને બડબડતો એ ઑફિસ જવા નીકળ્યો. ચકુ એ એની કાલી ઘેલી ભાષામાં એની સાથે વાત કરી: મમ્મી, તને માથું દુ:ખે છે? બામ લગાવી આપું?? ને સ્વરા એ એને બાથમાં ભરી લીધો. અને સ્કૂલ માટે તૈયાર કર્યો. નાસ્તામાં એને પોપકાર્ન આપ્યા. ચકુ ખુશખુશાલ સ્કૂલે ગયો.

હવે? ? હવે સ્વરા એકલી હતી ઘરમાં. . અને મમ્મી આજે યાદ આવતી હતી. ઈચ્છા થઈ, ફોન કરું ..પણ પપ્પા ઉઠાવે તો?? તો બિચારી મમ્મી નું આવી જ બને. અને છે...ક ..ક..ડાયલ કરેલો ફોન મૂકી દીધો. અને એક પછી એક બધી જ ઘટનાઓ યાદ આવવા માંડી. મમ્મી એની ખાસ બહેનપણી. મમ્મીની કોફીની આદત વારસામાં જ મળી'તી. મમ્મી વાંચતી . ખૂબ વાંચતી અને પપ્પા તો સરકારી ખાતામાં માહિતીખાતામાં. એ લખતા, ખૂબ લખતા.

લખવાનું વળગણ એનેય લાગ્યું'તું. છાનીમાની ડાયરી લખતી'તી. એક વાર કોલેજથી આવી, ત્યારે મમ્મી ડાયરી લઈને બેઠી'તી. – “ લોકો ડાયરી લખે છે. લેન દેનની ડાયરી, લગ્નના ચાંદલાની ડાયરી, અમુક લોકો એકાદ બે ઘટનાઓ લખીને પછી પડતું મૂકે છે. આ મારી જિંદગી ની ડાયરી...” અને મમ્મી એને જોઈને બોલી, " હવે મોટી થઈ ગઈ છે તું.. આટલું સરસ ક્યાંથી લખે છે??"

અને એમ આત્મીયતા મમ્મી સાથે વધતી ચાલી. મમ્મી મમ્મી મટીને ક્યારે બહેનપણી એ સમજણ ના પડી. મમ્મી એની ડાયરી વાંચતી.

એનું પહેલું અફેર કુંદન સાથેનું.. એય મમ્મીને ખબર. મમ્મીએ કહ્યું'તું, "ધ્યાન રાખજે". ધ્યાન તો રાખ્યું જ હતું. એને તો પરણવું જ હતું.... પણ કુંદન માટે એ સીરીયસ અફેર નહતું. એણે લગ્નની વાત કરી ત્યારે કુંદને કહ્યું'તું કે લગ્ન?? અરે જા ભઈ જા, જીવનભરના બંધનો સાથે જીવવાનું મેં વિચાર્યું નથી. ને સ્વરાના સપનાએ હવે તેને પણ હવે બંધન સમાન લાગવા માંડ્યા અને એ તૂટી ગયેલી. મમ્મીએ એ દિવસે કોફી બનાવી'તી. એને એવા નાજુક તબક્કે સંભાળી લીધી'તી. ઈટ ઈઝ પાર્ટ ઓફ ધ ગેમ કહી મમ્મીએ એના અફેરની વાતય કરી'તી. બ્રેકઅપ શબ્દ મમ્મી બરાબર સમજતી હતી. પપ્પાએ જ્યારે એના લગ્નની વાતચલાવી ત્યારે મમ્મીએ કહ્યું’તું કે શું ઉતાવળ છે?? અને એમ લગ્નની વાત પર પૂર્ણવિરામ મૂકાતું ગયું.

પછી તો ભણવામાં મન પરોવ્યું'તું. એમ એ ને પછી બી.એડ.... ને જર્નાલિઝમ..

ઓહો હો. ખૂબ ભણી. ને એક મેગેઝીનમાં નોકરી લીધી. એની વાર્તાઓ છપાતી..એવામાં સૂરજનું એ જ મેગેઝીનમાં જોડાવું. તમે સરસ લખો છો થી વાત શરુ થઈ. મમ્મીને એ ય ખબર હતી. સૂરજ સાથે લંચ લેવું ને એના ઘરની વાતો.. બધી..જ. એને વળી સૂરજ સાથે કેવી રીતે પ્રેમ થયો એ જ ખબર ના પડી. એક દિવસ સૂરજે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.. મમ્મી ને વાંધો નહતો. પણ પપ્પા તાડૂકયા. એ દિવસે પપ્પાએ ખૂબ મારેલી. અને નોકરી પર જવાનું નહીં એવું ફરમાન બહાર પાડ્યું'તું. આખો દિવસ એ મમ્મી ના ખોળામાં માથું મૂકી રડી'તી. બે દિવસ પછી સૂરજ આવ્યો'તો. પણ પપ્પાએ એને એક થપ્પડ મારી કાઢી મૂક્યો. અને એ જ વાતે એ ખૂબ ચીડાયેલી. પપ્પા મમ્મીને ખૂબ વઢ્યા'તા. તારે એની સાઈડ લેવી હોય તો તું ઘરની બહાર નીકળી જા. બાકી મારી સાથે મારી શરતોને આધીન રહેવું પડશે.

એ જ રાત્રે એ જતી રહી. સૂરજ પાસે. જે ઘરમાં 26 વર્ષ સુધી રહી એ ઘર સાથે ..એ મા સાથે છેડો ફાડીને પોતાની દુનિયા વસાવવા નીકળી હતી. શરુ શરુ ના ત્રણ વર્ષ કયાં નીકળી ગયા એ ખબર જ ના પડી. એવામાં સૂરજનું પ્રમોશન અને એની પ્રેગનન્સી.. પછી છોકરું સાચવવાની જવાબદારી.

અને સૂરજે કહ્યું: બહુ લખ્યું અત્યાર સુધી હવે છોકરામાં ધ્યાન પરોવ. એક વાર મમ્મીનો ફોન પી સી ઓ પર થી આવ્યો’તો. એમાંય સૂરજ ને વાંધો પડ્યો અને એણે સ્પષ્ટ સંભળાવ્યું : “યાદ છે ને? તારા બાપાએ મને થપ્પડ મારી'તી. હવે પીયરીયા સાથે નો સંબંધ બંધ કર અને ઘરમાં ધ્યાન રાખ.”

પછી મમ્મી નો ફોન આવ્યો જ નહીં... એ યાદ કરતી..એને ખબર હતી કે મમ્મી એને યાદ કરતી જ હશે.

અને એટલે જ તો આજે એ બારી પાસે મમ્મી સાથે બેસતી'તી એમ જ બે કપ કોફી લઈને બેઠી'તી. ડાયરી લખવાનું ભુલાઈ ગયું હતું- ચકુની નોટબુક બાજુમાં જ પડી હતી: વર્ષો પછી જાણે લખવા બેઠી: રિયા શર્માની એક પંક્તિ ટપકાવી: - “હું જ્યારે માને યાદ કરું છું ત્યારે આંખો સજળ થઈ જાય છે. કોણ જાણે એ સમય ક્યાં ગયો? જ્યારે મા હાલરડું ગાતી એના હાથે ચૂરી બનાવીને ખવડાવતી.. જ્યારે મા નું વહાલ યાદ આવે છે ત્યારે રાત લાંબી થઈ જાય છે...”

હજુ કંઈ આગળ લખે ત્યાં તો એવામાં ઘરનો ઝાંપો ખુલ્યો..ઈસ્ત્રીવાળો હશે એમ સમજી દૂર થી જ બૂમ પાડી દીધી - ડ્રોઈંગરૂમમાંથી કપડાં લઈ જજો.

પછી નિરવ શાંતિ. એણે ઘડીક આંખો બંધ કરી ને સ્વગત બોલી રહી : મા, માથું દુ:ખે છે. દબાવી દે ને. તારા હાથમાં જાદુ છે..ને ઘડીક એની આંખ મીંચાઈ ગઈ. જાણે મમ્મી માથું ના દબાવતી હોય? અડધી ઉંઘ માં એને એની જૂની ડાયરીમાં ટપકાવેલો એક વિચાર યાદ આવ્યો : “ ઈશ્વરે કયાં એવું કહ્યું છે કે તને દુ:ખ નહીં પડવા દઉં... આ દુનિયામાં કોઈ ક્યારેય સંપૂર્ણ સુખી છે??? ક્યારેય કોઈ હતું? જો સાંભળી શકો તો ઈશ્વર એટલું કહે છે કે હું હમેશાં તારી સાથે રહીશ. તને મૂકીશ નહી અને ત્યજીશ પણ નહી...માત્ર સુખની જ અપેક્ષા એ સ્વાર્થ ના કહેવાય? હરિ માર્ગ છે શૂરાનો, નહી કાયરનું કામ...”

ઘડીએ આંખ મીંચાઈ અને માથું હલકું થઈ ગયું. જાણે મમ્મી આવીને માથું ના દબાવતી હોય!

આંખ ખોલી તો એને લાગ્યું કે એ હજુ ઉંઘમાં છે.. કે પછી આ ડોક્ટરે આપેલી દવાની અસર હશે... ટ્રાન્સમાં જાણે.... એ ટગર ટગર બાઘાની જેમ જોઈ રહી હતી. એ તો મા એ જ્યારે એના ગાલ પર હળવેકથી ટપલી મારી ત્યારે એને સમજાયું કે આ તો સાક્ષાત મા જ હતી. અને એની આંખોના બધા બંધ તૂટી ગયા.... ભયાનક રીતે તૂટી ગયેલી સ્વરા મમ્મીને વળગીને રડી, અને મા એ એને રડવા દીધી.

ઘડીક રહી એને ભાન આવ્યું, અને એણે સવાલો પૂછવા માંડ્યા : "તું અહીં કેમની આવી? તને સરનામું કોણે આપ્યું?? પપ્પાને ખબર છે કે તું અહીં આવી છે??

મમ્મીએ એને હાથ પકડી બેસાડી. એના મોઢા પર, ગાલ પર, હાથ પર અનેક ચૂમીઓ ભરી લીધી. " આ કોફી?"

"મા , તારા માટે જ છે..ખબર નહી પણ આજ સવારથી તું યાદ આવતી’તી.." ને મા એ એ જ અદાથી કોફી પીધી. પછી એણે એના હાથમાંથી સોનાની બંગડીઓ કાઢીને એના હાથમાં પહેરાવી, એની ચેઈન પણ પહેરાવી ને પોતે બચાવેલા પૈસામાંથી આખું પોટલું આપી દીધુ. એ ઘડીક જોઈ રહી: "મા, પપ્પા તારી જોડે ઝગડશે. તું અહીં આવી એ જ બસ મા. " અને મા હસવા માંડી: હવે મને કોઈ બોલે એવી તાકાત છે?

જો, સાંભળ : લગ્નજીવન બીજાને જેટલું સરળ લાગે છે એટલું નથી, અને તને લાગે છે એટલું કડવુંય નથી. એક યુનિટ છે ને??- બંને એ એકબીજાને સહન કરવા પડે, પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. શરતોને આધીન લગ્નો ચાલી તો જાય પણ સફળ ના કહેવાય. પતિ પત્ની ના સંબંધો માલિક ગુલામના ના હોઈ શકે! જો બંને એકબીજાને પ્રેમ કરતા હોય તો નબળાઈઓ સ્વીકારીને અને કોઈ પણ સંજોગોમાં નિભાવી રાખવાની તૈયારી હોવી જોઈએ. બાકી, છુટ્ટા થઈને પોતાની મરજી થી જીવવું સહેલું છે. સાથે રહેવા માટે કારણો શોધવા પડે... છૂટા પડવા માટે નહી.

અને સૂરજને એવી સમજણ ના પડતી હોય તો તારે એ સમજણ એને પાડવી પડે.. કળથી, બળથી ને જરૂર પડે દાદાગીરી કરીને. આ પુરુષો દેખાય છે એવા શક્તિશાળી નથી હોતા. સાવ બીકણ હોય છે અને સ્વાર્થી પણ. એક આખેઆખું ધબકતું જીવન નવ મહિના સુધી પોતાના અસ્તિત્વમાં ભેળવીને ફરી અસ્તિત્વથી અલગ કરીને એક નવું અને આગવું અસ્તિત્વ વિકસાવવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આ વાત પુરુષ ના મગજના ગણિતની બહારની વસ્તુ છે. સમજી?? મને લાગ્યું કે આ બધું તું ભૂલી ગઈ હોઈશ, એટલે તને યાદ કરાવવા આવી. જીવન ખુશીથી જીવજે, સૂરજ હોય કે ગમે તે બધા પોત પોતાનું સુખ શોધી જ લે છે..લખવાનું ક્યારેય બંધ ના કરીશ.

લે, તારી ડાયરી, એણે મને અત્યાર સુધી જીવતી રાખી છે. લખવાનું બંધ ના કરતી. નહીં કરે ને ? મને વચન આપ. અને એણે મા ને વળગીને વચન આપ્યું: લખીશ. મા ઝાંપાની બહાર નીકળી અને એ છેક સુધી જોઈ રહી. માના ટટ્ટાર ખભાને. ઘરમાં આવી ને બેસી પડી..માથે હાથ દઈને કલાક સુધી બેસી રહી:

સૂરજ આજે વહેલો આવ્યો. એને કંઈક અજુગતું જ લાગતું હતું. એમાંય ઓફિસમાં લંચ વખતે ઉષાએ એને ચેતવ્યો’તો : તું વધારે પડતો ત્રાસ ના આપીશ. એ એની દુનિયા છોડીને આવી છે.. ના કરે નારાયણ ને કંઈ અવળું પગલું ભરે તો કોર્ટમાં આંટા મારતો થઈ જઈશ. ને સૂરજને સાચે જ ડર લાગ્યો’તો.. હાંફ લીવ લઈ સીધો ઘર ભેગો થયો’તો.. સ્વરાએ એને વહેલા આવવાનું કારણ પૂછ્યું નહી. એ એની ડાયરી વાંચી રહી હતી..સૂરજ કોફી મૂકી ગયો: કેવું છે તને? એ સવાલ સ્વરાને સંભળાયોજ નહી.... ભારેખમ શાંતિ હતી ઘરમાં..

ઘરના ફોનની ઘંટડી વાગી.. સામેથી પપ્પાનો ફોન હતો. સૂરજે લાઉડ સ્પીકર પર ફોન રાખ્યો. આજે પહેલી વાર પપ્પાના અવાજ ભીનાશ હતી. એમણે સમાચાર આપ્યા.... “સ્વરા, તારી મમ્મી આપણને છોડીને જતી રહી. ત્રણ ચાર દિવસથી તાવ આવતો હતો. તને યાદ કરતી 'તી.”

" હેં ??? કેવી રીતે અને ?કેટલા વાગે??" સ્વરાને ફાળ પડી, જાણે ધરતી આખી પગ નીચેથી ખસી જશે.... “..બસ અડધો કલાક પહેલા..”: પપ્પાએ જવાબ આપ્યો.

રડતા રડતા તે બોલી: “હજુ હમણાંતો મારા ઘરેથી ગઈ.”

પપ્પાએ સાંભળ્યું નહી:

“તું આવી જજે, અગ્નિદાહ તારે આપવાનો છે. એવું લખીને ગઈ છે.” અને ફોન કપાઈ ગયો.

સ્વરા એ હૈયા ફાટ રુદન કર્યુ. સૂરજ કંઈ સમજ્યો નહી.. અને સ્વરા ડૂસકે ને ડૂસડે રડતાં સૂરજને કોફીના બે ખાલી કપ, મા એ આપેલી બંગડીઓ, દોરો ને પૈસા બતાવી રહી..

સૂરજ સ્તબ્ધ હતો. સ્વરા યાદ કરી રહી મમ્મીની એ વાત:" ગાંડી , એમ કંઈ નહીં મરું, છેલ્લે તારુ મોં જોઈશ પછી જ મારો જીવ શાંતિ થી જશે.. “

એ ફસડાઈ પડી'તી સોફા પર..જાણે હમણાં એનો જીવ નીકળી જશે.

(ક્રમશ:)

હેઝલ જેમ્સ