કાલ્પનિક વાસ્તવિકતા - ૧૬ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૬

કાલ્પનિક વાસ્તવિકતા – 16

ભાર્ગવ પટેલ

“આ મેથીની ભાજી કેટલા રૂપિયે કિલો ભાઈ?”, શાક માર્કેટમાં એક શાકવાળાની લારી પાસે જઈને અમીએ પૂછ્યું.

“પચાસ રૂપિયે કિલો છે બેન!”

“ઓહો! આટલો બધો ભાવ તે હોતો હશે?”

“બેન અમારે આ સીઝનમાં જ તો કમાણી થાય”

“પણ આમ થોડું ચાલે તમે તો સાવ લુંટવા જ બેઠા છો!”, અમીએ પરફેક્ટ ગુજ્જુ ગૃહિણીની માફક બાર્ગેનિંગ કરવાનું ચાલુ કર્યું.

“સારું બેન. તમે દર વખતે મારે ત્યાંથી શાક લઇ જાઓ છો એટલે પિસ્તાલીસ આપજો બસ, એનાથી ઓછા નહિ!”, શાકવાળાનું નમતાજોખું ચાલુ થયું.

“ચાલીસથી એક રૂપિયો વધારે નહિ આપું, નહિ તો આ ચાલી”, અમીએ પર્સ ખભે ભરાવતા ભરવતા બાર્ગેનિંગનું છેલ્લું શસ્ત્ર છોડ્યું.

“સારું સારું! ચાલીસ આપજો”, શાકવાળો અંતે હાર્યો.

“તમે ચાલીસમાં આપવાના જ હતા તો પછી પચાસ ભાવ કેમ કીધો પહેલા?”, અમીએ સ્વભાવગત પૂછ્યું.

“જો એમ કહેત તો તમે ત્રીસની ટીલી ચોંટાડત, હાહાહા”

અમીએ પણ એના આ વાક્યનો હસીને પ્રત્યુત્તર આપ્યો.

શાકભાજીની બધી જ થેલીઓ હાથમાં લઇ અમી પાર્ક કરેલી સ્કુટી પાસે પહોચી. અમુક સામાન ડીક્કીમાં તો અમુક ઢીંચણ પાસેના હુક પર ભરાવ્યો. પર્સની પટ્ટી લાંબી કરીને, જમણા ખભાથી કમરના ડાબા ભાગ સુધી ક્રોસમાં લટકાવી પર્સનો મુખ્ય ભાગ સ્કુટીની બેક સીટ પર રાખ્યો. લેડીઝ હેલ્મેટ અને બ્લેક શેડ્ઝ પહેરી, સેલ મારી સ્કુટી ચાલુ થઇ અને અમીએ પોતાના ઘર તરફ એના ચક્રો ગતિમાન કર્યા.

એકટીવા શાકમાર્કેટથી મેઈન રોડ પર આવી અને એની ઝડપ વધી. થોડુક અંતર કાપ્યા પછી અમીને કશોક આભાસ થયો જાણે કે કોઈ એનો પીછો કરી રહ્યું હતું. એણે જમણી બાજુના રીયર વ્યુ મિરરમાં નજર નાખી તો ટ્રાફિક દર વખતના જેવો જ સામાન્ય હતો. એની પાછળ થોડા થોડા અંતરે અનુક્રમે એના જેવી જ સ્કુટી પર એક મહિલા, એમની પાછળ આધુનિક કહી શકાય એવી ટુ વ્હીલર પર ઠંડીના લીધે રૂમાલ બાંધીને આવતા બે યુવકો હતા. બધું સામાન્ય લાગ્યું તેથી વધારે વખત મિરરમાં ન જોઈ રહેતા અમીએ ડ્રાઈવિંગ પર ધ્યાન આપ્યું.

‘એ તો હવે અમસ્તું જ મનમાં થયું હશે’, અમીએ સ્વગત વિચાર્યું.

અલકાપુરી વિસ્તાર હવે નજીક હતો. અમીએ સોસાયટી તરફ જતા રસ્તા પર મેઈન રોડ પરથી ડાબી બાજુ વળાંક લીધો. વળાંક લેતાની સાથે અમીનો હાઇવે પર થયેલો શક થોડો મજબૂત થયો. એની પાછળ એક ફ્રેંચ કટ દાઢીવાળો, કથ્થાઈ કલરનું ગ્લોસી જેકેટ પહેરેલો નવયુવાન કહી શકાય તેવો ચહેરો પોતાની ૧૫૦ સીસીવાળી પલ્સર લઈને દાખલ થયો. એના વાળ સામાન્યતઃ યુવાનોના વાળ હોય એના કરતા વધારે લાંબા હતા, લગભગ ખભા સુધી લહેરાતા હતા. બ્લેક કલરના ફૂલ ફ્રેમ ચશ્મા એના ઘઉં વર્ણ એવા ચહેરા પર અત્યંત શોભી રહ્યા હતા.

‘આ માણસ મને હાઈવે પર કેમ ના દેખાયો?’, અમીએ પોતાને જ પ્રશ્ન પૂછ્યો.

‘હા! કદાચ એ ડાબી બાજુએ મારી પાછળ હશે’, પોતે માત્ર જમણી બાજુના જ મિરરમાં નજર નાખી હોવાનું અમીને યાદ આવતા એણે ઉદભવેલા સવાલનો જાતે જ જવાબ આપ્યો.

અમી જેમ જેમ પોતાના ઘર તરફ જતી હતી તેમ તેમ એ યુવાન અમીની સ્કુટીની સ્પીડ સાથે પોતાની પલ્સરની ઝડપ સિંક્રોનાઈઝ કરીને ચાલતો હતો. અમીને ભરશિયાળે પરસેવો છૂટવાનું ચાલુ થયું પણ એણે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો. થોડી વાર પછી ઘર આવતા અમીએ હાશકારો અનુભવ્યો. કમ્પાઉન્ડમાં સ્કુટી પાર્ક કરી, ફટાફટ હેલ્મેટ, પર્સ અને શેડ્ઝ ઉતારી, હુક અને ડીક્કીમાંથી બધો સામાન લઈને અમી ફટાફટ ઘરના મુખ્ય દરવાજા તરફ આગળ વધી. હજી અમી એવી રીતે જ બિહેવ કરતી હતી જાણે એણે પેલા માણસને જોયો જ નહોતો. દરવાજો બંધ કરતી વખતે અમીએ તીરછી નજર કરી પેલા માણસને જોયો, એની ગાડીનો નંબર યાદ રાખી લીધો. પેલો યુવક થોડી વાર એમના ઘરની સામેના ઘરની બહાર ઉભો રહ્યો. એ પૂરો પ્રયત્ન કરતો હતો કે જેથી કોઈને એના પર શક ના જાય. મોબાઈલ હાથમાં રાખી, થોડી વાર ત્યાં જ ઉભા રહી સંકેતના ઘરનું તીરછી નજરે અવલોકન કર્યા પછી એણે પલ્સર ચાલુ કરી અને નીકળી ગયો. અમીએ હાશકારો અનુભવ્યો. પણ એના મનમાં એક ડર ઘર કરી ગયો.

“આવી ગઈ બેટા?”, અસ્મિતાબેને છાપું વાંચતા વાંચતા અમીને પુછયું.

“હા મમ્મી”

“કેમ આજે આટલી વહેલી શાક માર્કેટ બાજુ જી આવી?”, અસ્મિતાબેને દર વખત કરતા વહેલી માર્કેટ ગઈ હોવાથી માત્ર જાણ ખાતર જ પૂછ્યું.

“એક્ચ્યુલી મેથીની ભાજી માટે! આજે સાંજે મારે બધા માટે મેથીના ઢોકળાં બનાવવા હતા એટલે સવારે એકદમ ફ્રેશ ભાજી મળી રહે, પછી મોડા જાઓ તો ત્યાં સુધીમાં ભાજી ફ્રેશ નથી રહેતી”, અમીએ કહ્યું.

“સરસ. સારું કર્યું બેટા”, અસ્મિતાબેન આટલી સારી વહુ મળવા બદલ પોતાને ભાગ્યશાળી માની રહ્યા હતા.

“હમ્મ્મ્મ”, અમી પોતાના રોજીંદા કામ કરવા માટે રસોડા તરફ ગઈ.

***

સાંજે સંકેત ઓફીસથી ઘરે પાછા ફર્યો. ઘરમાં આવતાની સાથે મેથીના ઢોકળાની સુગંધ એના નાકને સ્પર્શી. એણે મનોમન અમીનો આભાર માન્યો, કારણ કે એ એની સૌથી પ્રિય વાનગી હતી.

ફ્રેશ થઈને બધા જમવા બેઠા. ઘરમાં એક સભ્ય ઓછો જોઇને તરત મુકેશભાઈ બોલ્યા,

“કેમ વિશાલ નથી દેખાયો હજી? એ તો તારી સાથે જ આવે છે ને સંકેત?”

“હા પપ્પા, પણ આજે એ બપોરે કોઈ કામથી વહેલો ઓફીસથી નીકળી ગયો હતો”

“અચ્છા!”

“કશું પ્રોબ્લેમ તો નથી ને?”, સંકેતે અમીને ઉદ્દેશીને પૂછ્યું.

“ના! આઈ ડોન્ટ નો! આઈ મીન મને ખ્યાલ નથી, વિશાલે મને કશું કહ્યું નથી.”, અમી થોડીક ચિંતા સહીત બોલી.

“એ તો હશે કંઈક! આમેય એ હવે કામમાં એનું મન બરાબર પરોવતો લાગે છે, કારણ કે છેલ્લા અઠવાડિયાથી એના રૂમની લાઈટ મોડે સુધી ચાલુ રહે છે. એટલે કે દિવસે નોકરી અને રાત્રે ભણવાનું, બંને કામ સારી રીતે કરી રહ્યો છે”, અસ્મિતાબેને અવલોકનોના આધારે તારણ કાઢ્યું.

“હમ્મ્મ્મ! સારી વાત છે”, મુકેશભાઈએ એ વાતને બહાલી આપી.

“ઢોકળા એકદમ ક્લાસિક બનાયા છે”, સંકેતે તર્જની અને અંગુઠા વડે પારંપરિક ઈશારો કરીને કહ્યું.

“થેન્ક યુ”, અમીએ શરમાઈને કહ્યું.

અસ્મિતાબેન અને મુકેશભાઈએ સ્મિત આપ્યું અને દીકરાના સુખી સંસાર માટે મનોમન ગર્વ અનુભવ્યું. અમી વિશાલને લઈને થોડી ચિંતિત હતી. ‘એ ક્યાં ગયો હશે?’ ‘એવું તો શું અરજન્ટ કામ હશે?’ વગેરે જેવા વિચારો એના મનમાં હતા એટલે રસોડાનું તમામ કામ નીપટાવી એણે હંમેશની જેમ બાલ્કનીમાં જઈને વિશાલને ફોન લગાવ્યો.

પહેલી રીંગ આખી પૂરી થઇ ગઈ પણ વિશાલે ફોન ના ઉપાડ્યો. અમીનું ટેન્શન વધ્યું. બીજી વાર પણ રીંગ આખી પૂરી થઇ ગઈ તેમ છતાં વિશાલે ફોન ઉપાડ્યો નહિ. અમીનું ટેન્શન હવે ડરમાં પરિવર્તિત થઇ ચુક્યું હતું અને ડર પેસતા સૌથી પહેલા તાતની તાતી જરૂર ઉભી થાય એ સાર્વત્રિક સત્ય છે એટલે એણે કનુભાઈને યાદ કર્યા. તરત જ ફોન ઘરે લગાવ્યો.

“હા બોલ બેટા”, કનુભાઈએ ફોન ઉપાડીને તરત કહ્યું.

“પપ્પા! વિશાલ ત્યાં આવ્યો છે?”, ફોર્માલીટી પતાવ્યા વિના એણે સીધો જ આ સવાલ કર્યો.

“ના બેટા, વિશુ અહી તો નથી! કેમ શું થયું?”, કનુભાઈ પણ થોડા ગંભીર બન્યા.

અમીએ આજે બનેલી વાત એમના કાને નાખી.

“એણે મને પણ ફોન કરીને કશું કહ્યું નથી બેટા!”

“સારું તો ચાલો હું અહી ગમે ત્યાં તપાસ કરી જોઉં છું”

“સારું પછી જે હોય તે મને ફોન કરજે! ક્યાં ગયો હશે આ છોકરો કોઈને કશું કહ્યા વગર?”

અમીએ ફોન મુક્યો અને કોન્ટેક્ટ લીસ્ટમાંથી વિશાલના બરોડાના ત્રણ ચાર મિત્રોને પણ ફોન કરીને તપાસ કરી પરંતુ એનો પત્તો ત્યાંથી પણ ના મળ્યો. અમી ટેન્શનમાં હતી. પોતાના રૂમમાં જઈ, બેડ પર બેસીને સતત વિશાલ વિષે વિચારતી વિચારતી સાઈડ ટેબલ પર રહેલા પેપર વેઇટને અનાયાસે ગોળ ફેરવ્યા કરતી હતી.

ઘડિયાળ સાડા દસનું રીડીંગ બતાવતી હતી અને મુખ્ય દરવાજાની ડોરબેલે અમીની તંદ્રા તોડી. એ ફટાફટ ઉભી થઈને દોડતી મુખ્ય દરવાજા બાજુ ગઈ. લેપટોપ પર કામ કરતા સંકેતને પણ એના આ વર્તનથી થોડો આચકો લાગ્યો.

દરવાજો ખોલતા સાથે એની પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલને લઈને ઉભા હતા. એ જોઇને અમી ડઘાઈ જ ગઈ. સાસુ સસરા અને સંકેતને ખબર ના પડે એટલા માટે દરવાજો બંધ કરી એ લોકો બહાર ઉભા રહ્યા.

“શું થયું વિશાલ? ઇન્સ્પેકટર સાહેબ કેમ તને આમ અત્યારે અહી ઘરે મુકવા આવ્યા?”, અમીએ દબાતા અવાજે વિશાલની આંખમાં આંખ નાખીને કડકાઈથી પૂછ્યું.

“શું થયું સાહેબ હવે તમે જ કહો”, વિશાલે કશો જવાબ ન આપતા અમીએ ઇન્સ્પેક્ટરને પુછ્યું.

“આ તમારો ભાઈ સુરસાગર તળાવની રેલીંગ પર હતો અને કુદકો મારવાની તૈયારી કરતો હતો. મારા એક કોન્સ્ટેબલે એની હરકતો ખાસ વખત જોયા પછી મને કહ્યું એટલે એને લઈને ઘરે મુકવા આવ્યા અમે. થોડી સંભાળ રાખો આની!”, ઇન્સ્પેક્ટર સાહેબ પણ ધીમા અવાજે બોલ્યા જાણે કે એમને ખ્યાલ હોય કેઘરમાં કોઈને જણાય એવું કરવાનું નથી.

“થેંક યુ સાહેબ, તમારો આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી”, અમી રડમસ અવાજે બોલી.

“આ અમારી ફરજ છે અમીબહેન”, એમણે અમીને નામથી બોલાવી.

“તમને....?”

“તમારા ભાઈએ કહ્યું”, પોતાના નામની જાણ ક્યાંથી થઇ એ વિષે પૂછવા જતાં ઇન્સ્પેકટરે અમીને વચ્ચે જ અટકાવીને કહ્યું.

“ઠીક છે”

“આને સાચવજો”

“હા, ફરી આપનો આભાર સર”

ઇન્સ્પેકટર સાહેબ રવાના થયા.અમી અને વિશાલ જાણે કશું જ નાબન્યું હોય એમ ઘરમાં નોર્મલ રહીને દાખલ થયા. સદભાગ્યે અસ્મિતાબેન અને મુકેશભાઈ આટલા સમયે સુઈ જતા હોય એટલે અમીને હાશકારો થયો. વિશાલ સામે ગુસ્સાથી જોઈ રહેલી અમી અત્યારે એને ચાહવા છતાં કશું જ કહી શકે એમ નહતી. વિશાલ પણ શરમનો માર્યો અમીથી આંખ મેળવી શકતો નહતો.

“કોણ હતું?”, સંકેતે અમીના રૂમમાં પ્રવેશતાવેંત સવાલ પૂછ્યો.

“વિશાલ”, અમીએ નોર્મલ રહીને જ જવાબ આપ્યો.

“એ ક્યાં હતો હજી સુધી?”

“એના કોઈ કોલેજના ફ્રેન્ડને ત્યાં એક્ઝામની નોટ્સ શેર કરવા ગયો હતો પછી એ લોકો એના ઘરે જ બેસી ગયા”, અમીએ નક્કર બહાનું કાઢ્યું.

“પણ એણે ફોન તો કરવો જોઈએ ને? અહી બધા કેટલા હેરાન થયા?”, સંકેતે કહ્યું.

“એની બેટરી ડેડ હતી ફોનની”, અમી મને-કમને બહાના પર બહાના બનાવતી ગઈ.

“એના ફ્રેન્ડનો તો ફોન હોય ને પણ!”, સંકેત પણ જાણે કે ઇન્ક્વાયરીના મૂડમાં હતો.

“અરે ભૂલી ગયો હશે ભઈસા’બ! શું તું પણ!”, અમીએ છણકો કર્યો.

જુઠ્ઠું બોલે એ વ્યક્તિ સાચા વ્યક્તિના સવાલોથી હંમેશા ચિડાતી જ હોય છે એ એક સાબિતી વગરની હકીકત છે.

“ના આ તો વાત છે યાર! બધાને હેરાનગતિ થાય એના કરતા મારી જેમ પહેલેથી જાણ કરીને લેટ થાય તો સારું નહિ?”

“હા પણ હવે થયું એ થયું. હવે એ આવી ગયો છે ને? બસ...”, અમીએ પૂર્ણવિરામ મુક્યું.

“ઓકે ચલ મારેય ઊંઘવું જ છે હવે.. ગૂડ નાઈટ”, સંકેતે લેપટોપ બંધ કરતા કહ્યું.

“ગૂડ નાઈટ”, અમીએ કહ્યું.

અમી એ રાત્રે ઊંઘી જ ન શકી. વિશાલ અને એની હરકત સતત એના મન પર છવાયેલી રહી.

***

“હેલ્લો, સંકેતભાઈ વાત કરો છો?”

“હા, બોલો બોલો હાર્દિકભાઈ! મેં તમારા કંટ્રોલરની તપાસ કરી દીધી છે. અહી બરોડા કે રેસ્ટ ઓફ ગુજરાતમાં ઓરીજીનલ કંટ્રોલર અરજન્ટ મળવું જરાક મુશ્કેલ કામ છે એટલે મારા બોમ્બેના કોન્ટેક્ટ સાથે મારી હમણાં જ વાત થઇ. એમણે આજ સાંજ સુધીમાં મોકલાવવા કહ્યું છે”, સંકેતે કહ્યું.

એકાદ બે દિવસ પહેલા હાર્દિક શાહ, કે જે સંકેતના કોન્ટ્રકટ હેઠળ આવતી કંપનીના ડાયરેકટર હતા એમનો સંકેતને ફોન કોલ આવ્યો હતો. જેમાં એમની કંપનીના મશીન માટે સ્પેરમાં એક ઈલેક્ટ્રોનિક કંટ્રોલરની ખરીદી માટે વાત થઇ હતી. પણ અચાનક આગલે દિવસે સાંજે જ મશીન ખોટકાઈ પડતા હાર્દિક શાહને અરજન્ટ જરૂર ઉભી થઇ હતી.

“ના ના સંકેતભાઈ! મેં તમને એટલું કહેવા માટે જ ફોન કર્યો હતો કે મશીન ચાલુ થઇ ગયું છે!”

“ઓહ સરસ! પણ કેવી રીતે? આઈ મીન અમારો માણસ તો હજી હમણાં જ નીકળ્યો છે તમારે ત્યાં આવવા માટે!!”, સંકેતે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“અરે એને પણ તમે ના કહી દો. ખોટો ધક્કો પડશે તમારે બીજે કામ હોય તો ત્યાં મોકલી શકો છો!”

“હા એ તો હું કહી દઉં છું પણ તમારું મશીન આમ અચાનક ચાલુ કેવી રીતે થઇ ગયું?”

“અરે એ તો અમારા કંપનીના ઈલેક્ટ્રીશિયને ચેક કરી અમુક સુધારા કરીને ચાલુ કરી દીધું!”, હાર્દિકભાઈએ થોથવાતા થોથવાતા ખોટું કહ્યું.

“આર યુ સ્યોર હાર્દિકભાઈ?”

“હા હા ડેમ સ્યોર”

“ઓકે બાય”

ફોન મુક્યા પછી સંકેતનો શક પાક્કો થયો કે હાર્દિકભાઈ ખોટું બોલતા હતા.

“તને ખબર છે વિવેક?”, સંકેતે સામે બેઠેલા પોતાના ટેકનીશીયનને પૂછ્યું.

“શું સર?”

“અહી ઈલેક્ટ્રોનિક કંટ્રોલર અને બીજા ક્રીટીકલ પાર્ટ આપણા કોન્ટેક્ટ સિવાય બીજું કોઈ સપ્લાય કરે છે?”

“મને નથી લાગતું સર! કારણ કે આપણે લગભગ બધા લોકલ સપ્લાયર સાથે સંબંધ છે. હા કદાચ કોઈ નવું આવ્યું હોય માર્કેટમાં તો ખ્યાલ નથી”, વિવેકે એક વાત કન્ફોર્મ કરી.

“અને બીજી વાત કે હાર્દિકભાઈની કંપનીમાં એવા હોશિયાર ઇલેક્ટ્રિક ટેકનીશીયન છે કે જે કંટ્રોલર જેવા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે?”

“ના સર, એમની તો શું, કોઈ બીજી કંપનીમાં કોઈ પણ ટેકનીશીયન આટલો હોશિયાર ના હોઈ શકે! કારણ કે તમને તો ખબર જ છે કે એ વસ્તુ એક વાર ખરાબ થઇ એટલે બદલવી જ રહી”

“બરાબર! મતલબ એ વાત પાક્કી છે કે એમનું મશીન નવું કંટ્રોલર નાખવાના કારણે જ ચાલુ થયું હોવું જોઈએ! હવે એક છેલ્લું કામ રહ્યું”

“શું?”

“આપણા બધા જ સપ્લાયરને એક પછી એક કોન્ટેક્ટ કરીને હાર્દિકભાઈની કંપનીનું નામ આપો અને પૂછો કે એમણે કોઈ પાસેથી ડાઈરેકટ ડીલ કરીને તો કંટ્રોલર નથી ખરીદ્યું ને?”

“ઓકે સર”

“આ કામ વિશાલને સોંપી દો. આ એનું રોજના કામ જેવું જ છે એટલે એ બેટર કરી શકશે”

“હા સર”, કહીને વિવેક ઉભો થઈને સ્ટોર તરફ ગયો. ત્યાં પહોચીને વિશાલને બધી વાત કરી. વિશાલે આ વાત સંભાળીને તરત વિવેક સામે બધાને ફોન કરીને પૂછ્યું. બન્યું એ જ કે જે વિવેકે કહ્યું હતું. એટલે કે કોઈ ડીલર પાસેથી ડાઈરેક્ટ ખરીદી થઇ નહતી.

સંકેત માટે આ એક ગંભીર વાત હતી. પોતે જે કંપનીની ડીલરશીપ લીધી હતી તે કંપનીના મશીનનો એસેન્શીયલ પાર્ટ બજારમાં એના પોતાના રીલાયેબલ કોન્ટેક્ટ સિવાય કોની પાસે આવ્યો? અને હાર્દિક શાહ જેવા કિંમતમાં બે ચાર હજાર રૂપિયા માટે પણ આનાકાની કરતા માણસે આમ ફટાફટ રાતોરાત કંટ્રોલર ખરીદી પણ લીધું.