Kumarpalne Sadhava mate books and stories free download online pdf in Gujarati

કુમારપાલને સાધવા માટે

કુમારપાલને સાધવા માટે

ચૌલાના નૃત્યે ભીમદેવને નવું પ્રોત્સાહન આપ્યું હતું. એને હવે રણક્ષેત્ર જ ખેડવું હતું એણે નક્કી કરી લીધું. પાછા ફરતા ગર્જનકને, એ દિવસે તારા દેખાડવા માગતો હતો. ગર્જનક હવે આ દિશામાં પગ ન માંડે, એવું એને કરવું હતું. નીડર ભીમદેવના જેવી અણનમ જુદ્ધગીતાવલિ એને ઊભી કરવી હતી, એણે એ સંકલ્પ લઈ લીધો.

ચૌલાના નૃત્યે બધાના ઉપર અજબ મોહિની નાખી હતી. મઠપતિ જેવાને પણ દેવનર્તિકાનો સ્વીકાર કરવો પડ્યો. એને પણ લાગ્યું કે આ દેવપ્રેરિત નારી યુગ ઘડવા આવી છે. દામોદરને આ બધું બહુ જ અનુકૂળ હવા લાવનારું જણાયું. મહારાજનો જીવનપ્રભાતી પ્રેમ જાગીને અત્યારે ઘર્ષણ ઊભું કરે, એ ભય હવે રહ્યો ન હતો. ચૌલાના નૃત્યમાં એનો જવાબ સ્પષ્ટ રીતે આવી જતો હતો.

તેણે હવે ભીમદેવને કહ્યું : ‘મહારાજ ! તમે જોયું ? આ દેવનર્તિકા એ કોઈ સાધારણ સ્ત્રી નથી. એ તો દિગ્વિજયનાં સ્વપ્નાં જોનારી સ્ત્રી છે. એ ભગવાન સોમનાથની સાથે પ્રેમગોષ્ઠિ કરનારી અદ્‌ભુત રમણી છે. મહારાજ, આ ગર્જનકને હાંકી કાઢે, દિશાઓ પ્રત્યે નજર માંડે, ચક્રવર્તીપદ મેળવે, ભગવાન સોમનાથની ફરી પ્રતિષ્ઠા કરે, ત્યારે સેંકડો અને હજારો માણસની મેદની વચ્ચે આ દેવનર્તિકા એનું છેલ્લું નૃત્ય કરે.

‘અને એ છેલ્લું નૃત્ય કરે ત્યારે પોતાના દેવ સ્વામીને ચરણે પડીને, ફરીને એ દેવમાંથી માનવ થવાનો ક્રમ સ્વીકારે. ત્યારે એ મહારાજાના પ્રેમને પિછાને.

‘તે પહેલાં તો એની સાથે પ્રેમવાત પણ ન હોય. એણે મૌનમાં જ ન સમજાવ્યું કે એ તો દેવની છે ? ને દેવની જ રહેવાની છે ?’

‘પણ હું એનું મન તો જાણું દામોદર ! એને શું કહેવાનું છે ?’

નર્તિકાની વાણી નૃત્ય, મહારાજ ! એ જો આપણે ન સમજ્યા હોઈએ તો સમજ્યા નથી એમ કહેવું, એટલે ગમારમાં ખપવું, આ નર્તિકાની આંખમાં એક હજાર ભાષા રહે છે, મહારાજે એ ન જોયું ? જેને નૃત્ય વર્યું છે, તે શબ્દને મહત્ત્વ આપે ? એ કાંઈ નહિ બોલે.’

‘પણ દામોદર ! તો તો ભૈ ચૌલાને ભારે અન્યાય થાય. તેં નવઘણજીને શું કહ્યું છે ?’

‘પ્રભુ ! હવે એ વાત આપણે અત્યારે દાટી દઈ એ છીએ. મેં ભલે ગમે તે કહ્યું હોય, તમે કાંઈ કહ્યું છે ? દેવનર્તિકાને તમે કહેવા જશો. ઘટસ્ફોટ કરશો, એમાં તમે વાતનું વતેસર કરશો, એ તો પછી જોઈ લેવાશે, એમ જ રાખો. હજી તો કાર્યક્રમ ઘણો લાંબો છે. આપણે પહેલાં તો ગર્જનકને સંભાળવાનો છે. તમે શું નિર્ણય કરો છો, મહારાજ ? પહેલાં એ વાત કરો.’

‘હું ? હું ને રા’ નવઘણજી, સિંઘને રસ્તે ઊપડવાના. ત્યાં ગર્જનકના સેનના પાછલા ભાગને દબાવતા રહીશું. રા’ એ એ રસ્તો જોયો છે. જ્યાં બચ્છવ રાવળ ટોડો બાંધે, ત્યાં છેવટે અમારે પહોંચી જવું આ વસ્તુ બરાબર લાગે છે ?’

‘એ તો બરાબર છે, થયું ત્યારે, હવે આપણે જયપાલને કહેવરાવવું પડશે. આ ત્રણ જણા કયે રસ્તે એને મળે ? મઠપતિજીને પણ આપણે મળી લઈએ. એમને મઠપતિજી આશીર્વાદ આપે.’

થોડી વાર પછી દામોદર અને ભીમદેવ મહારાજ મઠપતિજીને મળવા ગયા. પોતાના ભગ્ન મંદિરમાંથી ત્રણ-ત્રણ વીરભદ્રો બહાર પડ્યા, એ વાત સાંભળીને મઠપતિજી તો ગળગળા થઈ ગયા. પછી દામોદરે જ્યારે એમની સમક્ષ ધૂર્જટિનો સંકલ્પ વર્ણવ્યો, ત્યારે તો એ સાંભળી જ રહ્યા. એમને લાગ્યું કે એ માણસ ન હતો દેવગણ હતો. ભગવાન સોમનાથે પોતે જ આ પ્રેરણા આ દેવગણને મોકલી હોવી જોઈએ.

દેવનર્તિકા પ્રત્યેનો એનો વિરોધ તો ક્યારનો શમી ગયો હતો. નવા મંદિરની પ્રતિષ્ઠા -મહોત્સવનો વખત આવ્યે, એ વિષે વધુ વિચાર થશે, એવો રસ્તો એમણે કાઢ્યો હતો.

દામોદરે ત્રણ વીર વિદાયની વાત કાઢી, જયપાલને એ મળે અથવા જયપાલ કહે તેમ આસપાસ રહે. મઠપતિજી વિદાયની વાત આવતાં ગંભીર થઈ ગયા. તે પોતે એમને વળાવા જવા તૈયાર થયા. પણ એમાં મફતની વાત ચર્ચાઈ જાય. એટલે એ વિચાર છેવટે માંડી વાળ્યો.

ત્યાં ભીમદેવ મહારાજે કહ્યું : ‘હું એમને વિદાય દેવા જઈશ, ગુરુજી ! મારો એ રસ્તો પણ છે !’

‘અત્યારે તો એ દેવનર્તિકાને મૂકવા જવા ઊપડવાના હશે, ધ્રુબાંગ અને ધિજ્જટ. એમને તૈયારીનો વખત પણ જોઈશે. એટલે આપણે આપણા થાનકે જઈને પછી પાછા આવીએ. ધિજ્જટ કહેતો હતો કે એકાદ બે દિવસમાં એ સાંઢણીની તપાસ માંડશે !’

‘દામોદર ! એમને સાંઢણી રા’ની પોતાની આપવાની. બીજી ન હોય. એમને ખેડવાનાં રણ જેવાં તેવાં નથી. રા’ની પોતાની સાંઢણી.’

‘કોણ રાણકી ? અરે મહારાજ !... રા’...

રા’ ના નહિ પાડે. આ વાત સાંભળીને એની છાતી ગજ ગજ ઊંચી આવશે. એ તો વીરોનો વીર છે. આપણે પોતે વેણ નાખીશું.’

‘ભલે તો આપણે રા’ને વાત કરીશું. ને પછી આંહીં આવીશું.

રા, ને હું દુર્લભસેન મહારાજનું પતાવવા જઈશું.’

‘પણ એમાં રા’નું કામ છે. દામોદર ?’

‘એ આપણે રસ્તામાં સમજીશું. પહેલા ધિજ્જટ - ધ્રુબાંગને મળી લઈએ.’

દામોદર ને મહારાજ મઠપતિને પ્રણમી, ધિજ્જટ - ધ્રુબાંગની શોધમાં નીકળ્યા.

એક ઝાડ પાસે એ સાંઢણી લઈને ઊભા હતા.

મહારાજને આવેલા જોઈને એ આગળ આવ્યા. મહારાજે બંનેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો.

‘ધ્રુબાંગજી ! તમે સાંઢણી ક્યાંય નજરમાં રાખી છે ?’

‘એક છે. મહારાજ !’ ધ્રુબાંગ બોલ્યો.

‘તમારે મહા રણ ખેડવાં છે, ધ્રુબાંગજી ! એક છે એમ નહિ, રા’ નવઘણની રાણકીને તોલે છે ?’

‘રાણકીને તોલે કોઈ ન આવે પ્રભુ ! પણ એ તો રા’ નવઘણજીની છે !’

‘થયું ત્યારે દામોદર ! તમે ધ્રુબાંગજી ! તપાસ કરજો. અમે પણ તપાસમાં છીએ. તમે જ્યારે હમીરના સેનને દોરતા હશો, ત્યારે અમે, હું અને રા’ નવઘણજી, પાછળના કોઈ ને કોઈ ભાગને દબાવતા રહીશું. હવે અમે પાછા આવીને તમને મળીશું, ત્યારે બધી વાત નક્કી થઈ જશે. ધિજ્જટજી તો એક શબ્દ બોલ્યા નથી...’ મહારાજે કહ્યું.

‘આમાં બોલાવાપણું શું છે, મહારાજ ? ભગવાનની આજ્ઞા થઈ છે, આપણે ઉઠાવવાની છે, અમે દેવનર્તિકાને પહોંચાડીને, ગયા નથી તેમ પાછા આંહીં આવી ગયા હોઈશું. રણપંખણી પણ એક-બે દીમાં દેખાશે.

ભીમદેવ મહારાજ કાંઈ બોલ્યા મહિ. દૂરથી આવતો સોનેરી ઘૂઘરીઓનો રણકાર સંભળાયો. અને દામોદરે મહારાજના ખભા ઉપર હાથ મૂક્યો.

મહારાજ સમજી ગયા. તરત રાજા અને મંત્રી અંધારામાં સરી ગયા.

પંડિત ધૂર્જટિને મળી થોડી વારમાં પોતે પણ ઘોડા ઉપર નીકળી ગયા. રસ્તે ચાલતાં મહારાજને પેલી દામોદરની વાત સાંભરી આવી. તેણે દામોદરને કહ્યું : ‘દામોદર ! તું શું કહેતો હતો ? રા’ ને સાથે લઈને જ દુર્લભસેન મહારાજને ત્યાં શા માટે જવાનું છે ?’

‘જુઓ મહારાજ ! સાવચેત રહેવું હોય તો માણસને અરધો જ ડાહ્યો સમજવો. એનો અરધો ભાગ તો ભાગ્યે જ ગાંડો મટે છે.’

‘એટલે ?’

‘એટલે એમ કે દુર્લભસેન મહારાજ પણ, માણસ છે. મહા વિરક્ત છે. પણ વખત છે, એમને હવે છોડેલી વસ્તુનો મોહ જાગ્યો હોય તો ? રા’ જેવો કોઈક ભેગો હોય તો સારું.’

‘કેમ ?’

‘એક તો એ મને ઉત્તેજન આપશે. બીજું દુર્લભસેન મહારાજને ખાતરી થશે કે રા’ એની સામે પડે તેમ નથી. એટલે પોતાના મોહમાં વસ્તુ પાછી લેવાનો નિર્ણય કરતાં પાછા ન હઠે. આપણે તો એમનો સ્વીકાર આમ કે તેમ જોઈએ છે, અને ત્રીજું કારણ તો તમને કહેવા જેવું નથી.’

‘ના ના, તોપણ ?’

‘ના મહારાજ ! એ વાત જવા દ્યો.’

‘ના, પણ બોલ તો ખરો. હું કાંઈ જ નહિ બોલું.’

‘મહારાજ ! તમને બે વનરાજને ભેગા રેઢા મૂકવા, એ જેવું તેવું જોખમ નથી. હજી તમે ક્યારે ક્યાં ખાબકી પડશો, એ મારે મન કોયડો જ છે. એટલે પણ રા’ મારી ભેગા સારા. વળી એ પોતે પણ આપણાં સાથમાં હોય તે સારું !’

દામોદરની દીર્ઘદૃષ્ટિ ુપર ભીમદેવ વિચાર કરી રહ્યો. એણે મનથી તો એને પોતાનો મહાઅમાત્ય બનાવી પણ દીધો.

દામોદર અને ભીમદેવ ઝડપથી આગળ વધ્યા.

એ જ્યારે પોતાને થાનકે પહોંચ્યા, ત્યારે હજી અંધારું હતું. પોતાને કોઈ ન દેખે તે પહેલાં જ એ સ્થિર થઈ જવા માગતા હતા.

દામોદર મનમાં ને મનમાં ભગવાન સોમનાથનો ઉપકાર માની રહ્યો હતો. એ જ્યારે આંહીંથી નીકળ્યો, ત્યારે પોતાની યોજના ઊંધી વળવાનો મહા ત્રાસ એને સતાવી રહ્યો હતો. પણ પાછા આવતાં આખી વાત બદલાઈ જતી હતી. હજી એના મનમાં એક વાત હતી. દુર્લભસેન મહારાજ રાજ સ્વીકારવા તૈયાર થાય, તો એ વાત સુલતાનની છાવણીમાં કહેવા કોણ જાય ?

જયપાલે કાંઈક વિશ્વાસ સંપાદન કર્યો હતો તે ખરું. એણે જ સમાચાર મોકલ્યા હતા કે ગર્જનકને હવે જવાની તાલાવેલી થઈ છે. એની છાવણીનો મતભેદ ઉગ્ર થતો જાય છે. એ તો ઇષ્ટાપત્તિ હતી. પણ એટલે જ હવે તત્કાળ, કોઈએ રાજ સ્વીકારની, અને નામના પણ ખંડિયા બનીને હમ્મીરના સર્વોપરીપણાની, એને જલ્દી ખાતરી આપી દેવી જોઈએ.

દામોદર વિચાર કરી રહ્યો : જયપાલ હતો. પણ હવે એ કામ બીજો ઉપાડે તો ઠીક. એ કામ કોને સોંપવું ? એની નજરમાં કોઈ આવતો ન હતો.

એને સાંભર્યું : ‘કુમારપાલજી એ કરે. ન કરે ?’

વૃદ્ધ કિલ્લેપતિની ખુમારી એ જાણતો હતો. પણ કોઈ અતિ અગત્યના માણસ દ્વારા વાત જાય તો જ હમીરને વધુ વિશ્વાસ બેસે. દામોદરને લાગ્યું કે આ કામને માટે કુમારપાલ જ યોગ્ય છે. તે એક વખત એને મળવા ગયો. પણ વૃદ્ધ ડોસો જે રીતે મહારાજ ભીમદેવની પડખે હજી પણ રેતરણમાં ઘૂમવા જવાની વાત કરતો હતો, તે રીત જોતાં દામોદરને લાગ્યું કે પોતે વાત પ્રગટ કરશે ને ડોસો રાતોપીળો થઈ જશે. વખતે એકલો અચાનક ઘૂમવા નીકળી પડશે.

વધારે યોગ્ય સમયની રાજ જોવામાં થોડો વખત કાઢવાનું, એને ઠીક લાગ્યું.

રા’ નવઘણના આવવાની એ રાહ જોવા લાગ્યો. તે વખતે ધિજ્જટ - ધ્રુબાંગની વાત થતાં રા’ ડોલી જશે. કુમારપાલને પણ એ વાતની અસર થયા વિના નહિ રહે. ડોસાને ત્યારે મનાવી શકાશે, એમ દામોદરને લાગ્યું.

એને તો હવે એક એક પળ જતી હતી તે વસમી લાગતી હતી.

એવામાં એક દિવસ વહેલીપ્રભાતે એને સોનેરી ઘૂઘરમાળાનો અવાજ જૂનાગઢની દિશામાંથી આવતો સંભળાયો.

એ આનંદી ઊઠ્યો. રા’ નવઘણ વચન પ્રમાણે આવી ચડ્યો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED