ચૌલાનું નૃત્ય Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચૌલાનું નૃત્ય

ચૌલાનું નૃત્ય

વિજયના ઉલ્લાસમાં જ્યારે વાયુમંડલનું અણુએ અણુ ઉત્સાહ ઝીલી રહ્યું હોય. ત્યારે કોઈપણ નર્તિકા, પગે બાંધેલી કેવળ સોનેરી ઘૂઘરીઓના નર્તન વડે પણ, લોકહૃદયને આનંદથી ભરી દઈ શકે. ત્યારે હવામાં જ આનંદ રેલાતો હોય છે.

પણ જ્યારે પરાજ્ય ને પરાભવ ઘરઆંગણે આવીને બેઠાં હોય, જ્યારે હવામાં ભયંકર નિરાશાના પડઘા ઊઠતા હોય, જ્યારે ઉલ્લાસની એક નાની સુરખી પણ ક્યાંય દેખાતી ન હોય, ત્યારે આ આશાનો સંદેશો આણવો, એ જેવી તેવી વાત નથી. એવો સંદેશો કેવળ મહાન કલાકાર જ આપી શકે. માણસો ત્યારે નાચવા નાચવા માટે તૈયાર હોતા નથી. એમને નચાવવાં, એમની સામે આશાની ગુલાબી હવા ઊભી કરી દેવી, એમના દિલમાં ફરીને ઉત્સાહ ભરી દેવો, જીવનસિદ્ધિની એ જેવી તેવી કલા નથી. સમસ્ત પ્રજાને માણસ મૂરખ બનાવી શકે, એ સહેલું છે, એમાં કેવળ ઘેટાં માનસનું જ કામ છે. પણ જ્યાં નિરાશા સિવાય બીજું કાં દેખાતું ન હોય, ત્યાં આશાના અંકુરોની મોહક સૃષ્ટિને ઊભી કરવી, એ કામ કેવળ મહાન કલા જેને વરી હોય તે જ કરી શકે.

ચૌલાએ નૃત્યારંભે પગનો પહેલો જ ઠેકો લીધો અને એક આગામી વિજ્યારંભનું જાણે એ પહેલું જ દૃઢ સ્થિર પગલું હોય એવી સમર્થ શક્તિની હવા એમાંથી ઊભી થતી દામોદરે અનુભવી. એને આનંદ આનંદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે હજારો રણશિંગાં ફૂંકાય છતાં જે ુત્સાહ પ્રજાહૃદયમાંથી પ્રગટ ન થઈ શકે, તે ઉત્સાહ આ દેવનર્તિકા ચૌલાના એક એક પગલામાંથી ઊભો થાય છે ! એ સાચી દેવનર્તિકા છે. દેવનર્તિકાએ આટલાં વર્ષોમાં કેવી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એને ખ્યાલ એને હવે આવ્યો. એ મનમાં ને મનમાં એની આ કલાસિદ્ધિને નમી રહ્યો.

મૃૃદંગે બોલ માંડ્યા. તંતુવાદ્યોએ હવાને વાણી આપી, આકાશી વાયુએ પડઘા ઊભા કર્યા. ચૌલાના એક પછી એક લેવાતા ગતિમય તાલબદ્ધ પગલામાંથી, વીરરસ ઊભો થવા માંડ્યો. અને પળ બે પળમાં તો જાણે પૃથ્વીની આખી હવા જ ફરી ગઈ ! રાશિજી, દામોદર, મહારાજ પંડિત, ધૂર્જટિજી, ધ્રુબાંગ, ધિજ્જટ અને અનેક સાધુ બાવા, પૂજારી, જંગલરક્ષક ભીલો - બધા જ જોઈ રહ્યા. ચૌલા આ પ્રમાણે દર શિવરાત્રિએ નૃત્ય કરવા આવે છે, આ વાતને જાણનારા કેટલાક નાના નાના સરદાર - સામંતો પણ આસપાસમાંથી આવી ગયા હતા. એક માનવમેળો થઈ ગયો હતો. પણ ખૂબી આ હતી. બધા ભૂલી ગયા હતા કે ભગવાન સોમનાથના ભગ્નમંદિરના અવશેષ ખંડેરોમાં એ મળ્યા છે. એ પરાજિત થયા છે, એમને માથે હજી યુદ્ધનોબત ગાજે છે, એમણે સર્વસ્વ ખોયું છે - એ બધું જ એ ભૂલી ગયા હતા. નૃત્ય આગળ વધ્યું. પગની વાણીને, હાથની વાણીનો સાથ મળ્યો. હાથના અભિનયે હવાનાં મોજાંમાંથી વિવિધ રત્નદીપો આણ્યા. અને તમામના અંતઃકરણમાં એક નવી આશા ઊભી થઈ ગઈ. જીવન ન્યોછાવરી કરવાનો મહાન વિજય તો હજી આપણો જ છે, બીજા કોઈનો એ નથી, એવી મહાન આશા ત્યાં પ્રગટી ! આપણે હજી સ્વરસ્વ ગુમાવ્યું નથી, આપણામાં આપણાપણું છે, ત્યાં સુધી આપણે જીવંત છીએ, એવી હવા પ્રગટી !

દેવનર્તિકાના નૃત્યના એક એક પગલે, એના હાથની એક એક મુદ્રાએ, એની આંખના એક એક ભાવે, માણસના રૂંવેરૂંવામાંથી જાણે આશા ઊભી થતી હતી. મહાન નિરાશાના સમુદ્રમાં આશાની લહરીઓ આવતી હતી. દામોદરના આનંદનો પાર ન રહ્યો. એને આ જોઈતું હતું.

એણે અનુભવ્યું હતું કે મહાશક્તિશાળી મહારાજ ભીમદેવ જેવો સમર્થ રણજોદ્ધો પણ હજી અંધારામાં આંટા મારતો હોય તેમ, કોઈ નિશ્ચયાત્મક પગલા વિષે આશાસ્પદ બની શકતો ન હતો. ઘડીમાં એને પોતાના દળ સાથે ગર્જનક ઉપર તૂટી પડવાનું મન થઈ આવતું હતું. તો ઘડીમાં રા’ની સાથે ગર્જનકની પૂંઠ પકડવામાં નાક જળવાતું જણાતું હતું. વળી ગઢ બીટલી પહોંચવામાં વિજય રહ્યો છે, એમ પ્રતીતિ થતી હતી. છેલ્લે છેલ્લે તો ધૂર્જટિ પંડિતની સાથે રણરેતસાગરમાં નામશેષ પાળિયા થઈ જવાની એની સમર્પણકથા દામોદરે હમણાં જ સાંભળી હતી. પોતાના રાજાને એક મહાન વિજયી ભવિષ્ય માટે તૈયાર કરવા એ મથી રહ્યો હતો. એમાં આ બદલાતી ધૂનો ભયંકર હતી. એણે તો વિજયની કેડી પાડવાની હતી.

આજે ચૌલાનું નૃત્ય, કોઈ મહાન વિજયના પંથ તરફ ચાલી રહેલા વીરનરના પ્રતીક સમું આવી રહ્યું હતું. પરાજયના પડઘામાં રહેલો વિજ્યનો એક અખંડ સૂર એમાંથી આવતો હતો. બધાં જ વાદ્યો જ્યારે નિરાશાના સૂર વગાડી રહ્યાં હતાં, હાથપગ અને મુખાકૃતિ પણ નિરાશાને બતાવી રહ્યાં હતાં, ત્યારે જેમ ઘનાન્ધકારે વિદ્યુત ચમકે, રાત્રિને અંતે પ્રભાત પ્રગટે, એમ એની આંખોમાં તે આશાની જ્યોત પ્રગટી રહી હતી - અનેક તંતુવાદ્યોની વચ્ચે એક અખંડ મધુર બંસીસ્વર, કોણ જાણે ક્યાંથી આવી રહ્યો હોય તેમ, આશાનો સંદેશો આપતો એ વહી રહ્યો હતો કે, હું હજી છું, હું હજી જીવંત છું ! હું આશા.

દામોદર આ નૃત્ય જોતાં ડોલી ગયો. એ મહારાજ તરફ જોઈ રહ્યો બધાના દિલમાં આશાનાં કિરણ પ્રગટી રહેલાં એણે જોયાં, બધાને લાગ્યું કે હજી આશા જીવંત છે. હજી બાજી આપણી છે. હજી સૃષ્ટિ રસાતળ ગઈ નથી. હજી તો આપણે ઘણું કરવા જેવું છે. આપણું આપણાપણું જ આપણને દોરી રહેશે.

અને નૃત્ય જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ એ તો નર્તિકાની પોતાની જ ગૌરવ ગાથામાંથી, દેશમાંથી આગામી ઊભા થનારા વિજયના મહાકાવ્ય સમું બનતું ગયું. ચૌલા બોલતી ન હતી., એક શબ્દ પણ, પરંતુ એની મુદ્રાઓ, એની ત્વરિત ગતિઓ, પળે પળે પ્રગટતી એની આંખની મોહિનીઓ, એના મોં ઉપર આવી જતી કાવ્યપંક્તિઓ, એના રોમ રોમમાં ફરતી લલિત શક્તિઓ, બધાં જાણે મૌન ભરેલી મહાવાણીમાં બોલી રહ્યાં હતાં કે : ‘તમે ભક્ત છો, પૂજારી છો, તમે આ સ્થાનમાં આવીને ભગવાન શંકરની અદ્વિતીય આરાધના કરી રહ્યા છો, પણ હું, હું તો અનંતકાલથી ભગવાનની લીલાનું એક મોજું છું, હું એના વિના રહી શકું નહિ. એ મારા વિના રહી શકે નહિ. તમે પૂજા કરી છે. પણ મેં તો પૂજા અનુભવી છે. તમે સૌએ ભગવાન શંકરની ભક્તિ કરી છે, મેં તો એની સાથે પ્રેમગોષ્ઠિ માણી છે !’

અને નૃત્ય કરતાં કરતાં અચાનક એ ેક સ્થળે ઊભી રહી ગઈ. તમામ વાદ્યો બંધ થઈ ગયાં. સ્વરો શાંત થઈ ગયા. પગલાં થંભી ગયાં. કેવળ એની એક ભૂર્ભગની છટા સર્વવિજયી બનીને ત્યાં પ્રકાશમાં વિદ્યુતરેખા સમી શોભી રહી.

એના એ ભ્રૂભંગની ત્રિભુવનમોહક છટા કોઈ સમજી શક્યું કે નહિ, તે કોણ જાણે, કેવળ એ છટાને જોતાં મઠપતિજી ત્રિલોકરાશિ ઊંચાનીચા થતા લાગ્યા. એ સમજી ગયા. એ છટામાં આહ્‌વાન હતું. એ ભ્રૂભંગ જાણે બોલી રહ્યો હતો :

‘મઠપતિજી ! તમને શી ખબર પડે કે નારીની પાસે કેટલું મહાન હૃદય હોય છે ! કેટલું મહાન કામ હોય છે ? જેમ સમુદ્રમાં લક્ષ્મીજી બેઠાં છે, વડવાનળ છે, વિષનાં સરોવર છે, રત્નોના ભંડાર છે, કામદૂધા છે, ચંદ્ર છે. તેમ મારે ત્યાં અનેક વાતો છે. એમાં નૃત્ય છે, ભક્તિ છે, કલ્પના છે, કૈલાસી હવા છે, કવિતા છે, ભગવાન શંકરની લીલા છે. એમાં એક ખૂણે રાજા ભીમદેવ પણ છે. તેથી શું થયું ? હું તો દેવની છું. દેવનર્તિકા છું. દેવની જ રહેવાની છું. પણ હું એક જ જાણું છું કે મારે રાજા ભીમદેવને દેવગણ સમો બનાવવો છે. એ આ યુગનો દેવગણ છે. એ દેવપ્રેરિત થવાનું બળ ધરાવે છે. એ ભીમદેવ માટેની હું ભગવાન શંકરપ્રેરિત પ્રેરણા છું. એ આંહીં કનકવિભૂષિત દેવમંદિર રચશે. પાટણના વિજયી સેનને એ રણની પાર દોરશે, એ મહા ગુજરાત રચશે. એ વિજય મેળવશે. ત્યારે હું દેવનર્તિકા, આંહીં ભગવાન સોમનાથને ચરણે મારું છેલ્લું નૃત્ય અર્પી દઈશ. એ છેલ્લું હશે. પછી દેવનર્તિકા ભગવાન શંકરમાં વિલીન થઈ જશે - અને ચૌલા, ભીમદેવના પ્રેમમાં વહી જશે... મઠપતિજી ! તમને જોગીલોકોને નારીમાં રહેલા આ અદ્‌ભુત દ્વિનારી તત્ત્વની શી ઝાંખી હોઈ શકે ? નારી કેટલીક વખત નારી હોતી નથી. એ પ્રજાની ભાગ્યવિધાતા હોય છે. સંદેશો લાવનારી દેવશક્તિ હોય છે. એ દેવનર્તિકા હોય છે. એમ જાણનારા ખાખમાં રમનારા આમાં શું સમજે ? ત્રિભુવનની આ મોહક છટાને એ શું જાણે ?

‘અને મઠપતિજી ! દેવનર્તિકા, ભગવાન સોમનાથની છે. ચૌલા, રાજા ભીમદેવની છે. એમાં મીનમેખ નથી. અત્યારે હું ચૌલા નથી. હું દેવનર્તિકા છું. ભગવાન સોમનાથ દેવ મને પ્રેર છે, તું ભગવાનના ગણોને પ્રેરણા આપ.’

અને એક જ પળમાં પાછો તંતુવાદ્યોનો ઝંકાર ઊપડ્યો. મૃદંગ બોલ્યું, ઢોલક બજ્યું. ધીન ધા, ધીન ધા, ધીન ધાની વાણી સંભળાણી. પેલી અનુપમ અખંડ બંસી ચાલતી થઈ.

ચૌલો નૃત્ય શરૂ કર્યું. સૌ જોઈ રહ્યા.

ચૌલા પોતાના અભિનય વડે જે જે ભ્રમો ઊભા કરતી હતી તે તે મહાન સત્યો બની જતાં હતાં અને દુનિયાનાં મહાન સત્યો એની પડખે એક કોડીનાં થઈ જતાં હતાં. કલાકારની ભ્રમદુનિયા, મહાન વિજયધ્વનિ કરતી, ડાહ્યલાઓનાં સત્યોને ઝાંખાં પડી રહી હતી. એણે પહેલાં ભગવાન રુદ્રની સંહારલીલા ઊભી કરી.

જળમોજાં આવ્યાં. ડુંગર ડુંગર જેવડાં, શસ્ત્રાઘાતો પ્રગટ્યા. આંસુઓ ઊભાં ગયાં. માતાઓનાં ડૂસકાં સંભળાયાં. પત્નીઓનાં રુદન આવ્યાં. પિતાઓની છાતીફાટ વેદના ઊભી થઈ. પુત્રોની આંખોમાં નીર જોવામાં આ તો ભગવાન રુદ્રની સંહારલીલા હતી. સેંકડોનો કોઈ હિસાબ ન હતો. હજારોની કોઈ ગણના ન હતી. મંદિરોના પથ્થરો આકાશમાં ઊડ્યા. ગજરાજો કપાઈ ગયા. સાંઢણીઓ ભાગી ગઈ. ઘોડાં ત્રાસી ગયાં. જળનાં મોજાં રાક્ષસી બન્યાં, શાંત સોમનાથી સમુદ્ર માણસોને ભરખનારો રાક્ષસ થઈ ગયો.

ભગવાન રુદ્રે રૂપ ફેરવ્યું હતું, તેણે ધરતીમાંથી માણસોને તણખલાની જેમ ઉડાડ્યાં હતાં. એને કહેવું હતું કે જગતજનો ! જીવન કાંઈ નથી, જીવન કાંઈ નથી, ઘાસ જેટલું પણ કીંમતી નથી, તણખલાની તોલે પણ નથી, ખરતાં પાન જેટલું પણ મહત્ત્વનું નથી. ભગવાનરુદ્રની ચરણરજમાં ચૌલાએ ગતિ લીધી. અને સંહારની એની રુદ્રલીલાએ એક ઘડીભર તો જાણે બધાને જ આ સંસાર ભુલાવી દીધો. સૌને થઈ ગયું કે સગી માતા, તો મૃત્યુ છે. જીવન તો અપર મા છે. પંડિત ધૂર્જટિના ચહેરા ઉપર ભગવાન રુદ્રની અગ્નિરેખાનો તેજઅંબાર આવી ગયો. બધાનાં મનમાંથી મૃત્યુના મહાન મહોત્સવનું એક અમર કાવ્ય ઊભું થતું હતું.

એટલામાં તો સેંકડોને સંહારતા, બારમા રુદ્ર સમા, સમશેર, સાંગ અને સારંગ*ને શોભાવતા, મહારાજ ભીમદેવ જાણે જુદ્ધ કરતા દેખાયા. ચૌલા બાણ છોડતી હતી. ઘા વાળતી હતી. સમશેર ઝીકતી હતી. સમશેર ઝીલતી હતી, સંહારની ભયંકર લીલા પ્રગટી અને પછી પળભરમાં એ શમી ગઈ.

દૃશ્ય બદલાયું.

હવામાં બધે નિરાશા હતી. પરાભવની ગ્લાનિ જ્યાં ત્યાં દેખાતી હતી. પરાજય ને વિષાદ ચૌલાના અંગઅંગમાંથી પ્રગટતો હતો. હાથમાં એ હતો. આંગળીઓમાં એ બેઠો હતો. મોં ઉપર એની ઘેરી છાયા હતી. ગતિમાં એનું રુદન હતું. એવામાં કોણ જાણે ક્યાંથી, અદૃશ્ય ાકાશમાંથી, માનવના અંતરમાંથી, ભક્તિની છોળોમાંથી, શ્રદ્ધાની જ્યોતમાંથી, કોણ જાણે ક્યાંથી, સમુદ્રમાં લહરી ઊઠે તેમ કૈલાસની હવાનો આનંદ આવતો જણાયો. ચૌલાના ચહેરામાં ઉત્સાહ પ્રગટ્યો. આંખમાં ઉલ્લાસની રેખા આવી. ભ્રૂકુટિ આનંદથી લોલવિલ્લો થઈ રહી. નિરાશા જાણે અદૃશ્ય થઈ ગઈ.

દૂર દૂરથી આવતી કૈલાસની મનોમન હવાને પ્રગટ કરતા, એના બંને હાથના ગતિ અભિનયને, બધા જોઈ જ રહ્યા. એ જાણે હાથ ન હતા. હવાનાં મોજાં હતાં. એવી સુંદર ગતિથી એના બંને હસ્તની અંગુલિઓ નર્તન કરી રહી હતી કે વહેતી હવાના તરંગો એમાંથી ઊભા થતા સ્પષ્ટ જોઈ શકાતા હતા.

----------

*ધનુષ

મંત્રમુગ્ધ બનીને આ જીવનદાયિની કૈલાસી હવાને બધા અનુભવી રહ્યા.

એટલામાં દૃશ્ય ફર્યું. સરોદ બદલાયા. સ્વરો જુદા થયા. હવા બદલાઈ ગઈ. ચરણગતિએ નવો વેગ લીધો. જાતસમર્પણ કરનારા જુવાનો ગુજરાતમાં ઊભા થતા જણાયા. શૃંખ ફૂંકાયા. રણશિંગાં વાગ્યાં. ઢોલ ત્રાંસા ભેરીનાદ ગાજ્યાં. ઘંટ વાગ્યો. રણગીતોની પંક્તિઓ ગાજી રહી. આછા અંધારામાં વહેલી પ્રભાતે ચાલ્યા જતાં, ત્રણ જુવાનોની આછી પ્રતિમાઓની ઝાંખી જાણે ત્યાં આવી ગઈ.

દેવગણ સમા એ ત્રણ જણા ચાલ્યા જતા હતા. સામે રેતીનાં અફાટ રણમેદાન દેખાતાં હતાં. ઠેકાણે ઠેકાણે પરદેશી સૈનિકોનાં ટોળેટોળાં હતાં. એમાંથી કોઈ ચહેરો એમના માટે લેશ પણ લાગણી વ્યક્ત કરે તેમ ન હતો.

લાગણીનો ધોધ, રેતીના કણોમાં વહેતો હતો. પ્રેમ, સુક્કી ગરમ હવામાંથી આવતો હતો. કૌટુંબિક જીવન, એમણે એકબીજાનો આધાર લેવા, ખભે મૂકેલા હાથમાં આવી ગયું હતું. સઘળે નીરવતા હતી. શબ્દશૂન્યતા હતી. રેતીના સમુદ્રનું નિષ્ઠુર હાસ્ય હતું. અને એ ત્રણે વીરો ત્યાં ચાલવા જતા હતા. માતાવિહોણા, પિતાવિહોણા, ભાઈ, ભગિની ને સ્વજનવિહોણા. કેવળ દૂર - દૂર - દૂર કૈલાસ દેખાતો હતો. આઘે આઘે કોણ જાણે કેટલે આઘે ભગવાન સોમનાથની ગરવી ધજા ફરફરતી હતી.

અને એ ત્રણે જણા ત્યાં ચાલ્યા જતા હતા.

ચૌલાએ દિશાના દેવોને અપાનારું નમનનૃત્ય શરૂ કર્યું. નૃત્યમાં એ પહેલું આવે. આજે એણે એ છેલ્લું આણ્યું.

પૂર્વના સ્વામી ઇન્દ્રદેવને એણે નમન કર્યું. પણ એ નમન અપાયું હતું પેલા ત્રણ વીરોને. એ ઇન્દ્ર સમા હતા. દક્ષિણના સ્વામી યમદેવને નમન અપાયું, પણ યમનો ભય જીતનારા, પેલા ત્રણ વીરોને જ એ ઉદ્દેશીને જ હતું, એ યમરાજ સમા હતા. એ જ કુબેર હતા. એ પાણી પાણી ઝંખવાના હતા. એ જ અમર યશ સમી સમૃદ્ધિના સ્વામી હતા.

ત્રણ વીરોની અપૂર્વ યશગાથા ગાતા મંજુલ તંતુવાદ્યોના મધુર સરોદ હવામાં રેલાઈ રહ્યા. મૃદુ ધીરા કરે શિશુને જેમ માતા ધરતી પોતાને ખોળે લેતી હોય તેમ, એક પછી એક સ્વરો હવે વિદાય લેવા મંડ્યા. વાદ્યો એક પછી એક શમતાં ગયાં. મૃદુંગના બોલ ધીમા પડતા વિલીન થવા મંડ્યા. ગતિ વિરમવા માંડી. નૃત્યનાં ધીમાં ધીમાં શાંત પગલાં મૂળ સ્થાન ભણી વળી રહ્યાં.

નૃત્ય પુરું થયું ત્યારે જ, પોતે જે અદ્‌ભુત દૃશ્ય જોઈ રહ્યા હતા તે કેવળ દૃશ્ય હતું, એ જાગ્રતિ સૌને આવી. એ સાચી સૃષ્ટિ ન હતી. માયા હતી, ભ્રમણા હતી, એ ખબર ત્યારે પડી. કલાકારે ઊભી કરેલી ભ્રમણા સાચી સૃષ્ટિને ક્યાંયની ક્યાંય પાછી પાડી દેતી હતી !

નૃત્ય પૂરું થયું ત્યારે જ એમને એક નવીન અનુભવ થયો. એમણે જોયું કે હવે ચૌલા એક ન હતી. સારી હવા ચૌલામય બની ગઈ હતી. હવામાં નાની નાની અનંત ચૌલાઓ નૃત્ય કરતી હતી. ચૌલા સિવાય બીજું કોઈ જ જાણે ન હતું. ત્રિલોકરાશિ, રાજા ભીમદેવ, પંડિત ધૂર્જટિ, બધા આ અનુભવે ડોલી ઊઠ્યા.

સુંદરતામાંથી ત્યાં અનેક સુંદરતાઓ ઊભી થઈ ગઈ હતી.

ત્યાં હવે ચૌલા ન હતી. નૃત્ય પૂરું થતાં જ એ તો ધીમે ધીમે જ પાછળ અદૃશ્ય થઈ ગઈ હતી.

ચૌલાએ કેવળ પોતાની જ જે વાણી હતી, તે વાણી દ્વારા મહારાજ ભીમદેવને, મઠપતિજીને, બધાને જવાબ આપી દીધો હોય તેમ લાગતું હતું.

પણ હવે ત્યાં એક નહિ, અનેક ચૌલાઓ દેખાતી હતી. દામોદર, ખડક ઉપરની ચૌલાની વાણીને સંભારી રહ્યો. ખરેખર એ દેવપ્રેરિત હોવી જોઈએ.

આ નવીન અનુભવે ડોલી ગયા હોય તેમ સૌ અનિમેષ નયને આ જોઈ જ રહ્યા.

અનંત પ્રવાહ આવી રહ્યો હતો. અનંત ચૌલાઓ આવી રહી હતી. અનંતના સાન્નિધ્યમાં એ સૌ પોતપોતાને અનંતના સંતાન તરીકે જોતા હતા.

સૌ આ અનંત લીલામાં વહી રહ્યા હતા.