Swapneel books and stories free download online pdf in Gujarati

સ્વપ્નીલ


સંસાર અસાર છે એવું કેટલીયે વાર પ્રવચનો માં સાંભળ્યું છે પણ એ પ્રવચન દેવા વાળા સંતો જ્યારે અળધો કિલોમીટર માટે બી એમ ડબ્લ્યુ વાપરે ત્યારે એમના પ્રવચનની અસર ખતમ થઇ જતી હોય છે . એવું જ કઈક અમિતા સાથે થતું . અમીતાનાં સાસુ પણ આવા અઢળક પ્રવચનો માં જતા અને બેટી બચાવો નાં કાર્યક્રમો માં જતા પણ જ્યારે ઘર માં અમિતા ને બાળક નહોતું રહેતું ત્યારે તે આ બધી વાતો ભૂલી જતા અને મહેણાં મારતા વખતે એ ભૂલી જતા કે અમિતા પણ કોઈકની દીકરી છે અને એ સ્ત્રી પણ છે અને હૃદય પણ ધરાવે છે . અમિતા અને નીરવ ને લગ્ન નાં ઘણા વર્ષો પછી પણ બાળક રહેતું ન હતું . બંને બહુ દુ:ખી હતા. પણ ખબર નહી જેને બાળક હોય એ પણ રડતા હોય અને ન હોય એ પણ રડતા હોય..આ દુનિયા પ્રભુએ એવી બનાવી છે કે પછી માનવીનું જ સર્જન છે કે માનવી એની મોહમાયા માં થી બહાર નીકળી જ નથી શક્યો..લગ્નના આઠ વર્ષ પછી બહુ ઉપાય કરાવ્યા પછી આખરે અમીતા ને બાળક રહ્યું . અમીતા અને નીરવ બન્ને એ પ્રેમ લગ્ન કર્યા હતા. અમીતા મરાઠી હતી એટલે નીરવનાં મમ્મી પપ્પા ને પસંદ નહોતુ પડ્યૂ. તેમનો વ્યવહાર અમિતા સાથે સારો ન હતો. અમિતા કોઈ ફરિયાદ નહોતી કરતી પણ અમીતાનો ચહેરો જોઇને નીરવ બહુ જ સમજી જતો અને આખરે એણે નિર્ણય લઇ લીધો અને અલગ ઘર માં જ રહેવા જતો રહ્યો તેમના અલગ થવા પછી બહુ વખત સુધી મમ્મી પપ્પા સાથે અબોલા રહ્યા પણ ધીરે ધીરે અમિતા એ જ એ સંબંધ સારા કર્યા ..હવે
બધાં સાથે સંબંધ સારા હતા..પણ નીરવ માનતો ન હતો એને મન અમીતા ને ન અપનાવી ને એનાં મમ્મી પપ્પા એ એની પસંદ પર શંકા કરી હતી..અને એ ભૂલી શક્યો ન હતો..અને અહીંયાં મમ્મી પપ્પા ને એમ થતું હતું કે નીરવ એમને નહોતો સમજતો..અને એ ગેરસમજમાં એ લોકો
પાંચ વર્ષ એકબીજા થી દૂર રહ્યા..જ્યારે નીરવનાં પપ્પા ને એટેક આવ્યો અને
અમીતા એ ખૂબ સેવા કરી ત્યારે એમને કદર થઇ કે વહુ ભલે અલગ ધર્મ ની હતી પણ હ્રદય તો એનુ પણ નાજુક જ હતું..પછી સંબંધો સુધર્યાં પણ નીરવ સાથે રહેવા તો રાજી ન જ થયો..

આજે DR. પાસેથી સમાચાર મળ્યા હતા કે અમીતાને બાળક રહ્યું હતું..પણ DR. એ સાથે કહ્યું પણ હતું કે બહુ જ સંભાળશો કારણ ઉમર મોટી થઈ ગઈ છે અને અમીતા નું શરીર પણ ભારે હતું..ડોક્ટરની વાત થી એક મિનીટ માટે તો નીરવ બહુ જ ગભરાઈ ગયો હતો . પણ પછી મજબુત બનીને ભગવાન નો ઉપકાર માનીને બંને જણા એ હવે સંભાળવાનો નિર્ણય લીધો..નિરવે આ સમાચાર પોતાની મમ્મીને આપ્યા અને ડોકટરે જે કહ્યું હતું તે પણ કહ્યું .નીરવ નાં મમ્મી બહુ ખુશ થયા . આ વખતે એમણે સાથ આપ્યો..કઈ પણ કહ્યા વગર તેઓ નીરવનાં ઘર માં રહેવા આવી ગયાં. આમ અચાનક મમ્મીને આવેલા જોઇને નીરવ બોલ્યો “મારું બાળક શુકનિયાળ છે કે એણે આવતા પહેલા આપણને મળાવી દીધા . “નીરવ ને ખૂબ આનંદ થયો... હવે તેઓ બન્ને સાથે મળીને અમીતા ને ઊભી પણ થવા નહોતા દેતા..ક્યારેક નીરવ એને હસાવવા કહેતો કે" હે અમી કહે તો, દીકરી આવશે કે દીકરો "પણ અમી ધ્રુજી ઊઠતી એ કહેતી "નીરવ, હમણાં થી એ બધું કંઇ જ ન વિચારો ..જ્યારે જે આવશે એને માણશું.." અને નીરવના મમ્મી તો ગુસ્સે જ થઇ જતા કે “ નિરવ આ વાત પાછી નહિ બોલતો . બાળક જરૂરી છે., દીકરો કે દીકરી નહિ . “

સાસુની વાત સાંભળીને અમિતા બહુ ખુશ થાતી કે હવે પ્રવચનો અને બેટી બચાઓ કાર્ય દેખાય છે . તેને સાસુની હુંફ બહુ ગમતી હતી . રોજ તેની માટે પુસ્તિક આહાર જ બનતો . સારા માં સારું અમિતા માટે બનાવડાવતા . રોજ ફ્રુટ સુધારીને આપતા . સારી સારી ધર્મની વાર્તાઓ કહેતા . વીર સૈનિકોની ગાથા સંભળાવતા . કારણ તેઓ બહુ દ્રઢ પાને માનતા કે ગીતા માં જે અભિમન્યુની વાત કહેવામાં આવી છે એ એની જ સમાજ આપવા માટે કહેવામાં આવી છે કે ગર્ભ માં રહેલું બાળક બધું સાંભળે છે અને બધું યાદ રાખે છે. એટલે ઘર્ભાધાર્ણ કરેલી માતા એ સૌથી વધારે પોતાનાં ખોરાક અને સારું સાંભળવામાં ધ્યાન આપવું જોઈએ .

એક વાર રાતનાં અમિતા માટે દાડમનો જ્યુસ બનાવીને લઇ આવ્યા અને એની બાજુમાં બેસીને એને પીવડાવ્યું . અમિતા એ જ્યુસ પી લીધું પછી તેઓ પોતાનાં રૂમ માં જવા ઉભા થયા ત્યારે અમિતાએ એમનો હાથ પકડી લીધો અને કહ્યું “ મમ્મી એક વાત કહું “

નીરવ અને તેના મમ્મી બંને એ આશ્ચર્યથી અમિતા સામે જોયું

અમિતા બોલી “ મમ્મી , બાળકનાં આવ્યા પછી તમે પાછા તમારા ઘરે નહિ ચાલ્યા જાઓ ને. અહિયાં જ રહેશો ને . મને તમારી જરૂરત છે . હવે મને મુકીને ન જતા. આપને બધા સાથે રહીએ “

અમિતા ણી વાત સાંભળીને બંનેની આંખોમાં અશ્રુ આવી ગયા . નીરવના મમ્મી એ કહ્યું “ ના અમિતા હું ક્યાય નહિ જાઉં . હું અહિયાં જ રહીશ . તારી સાથે આટલો વખત રહીને હવે મને પસ્તાવો થાય છે કે મેં તને ક્યારેય સમજવાની કોશીશ જ ન કરી . આપને ત્રણે સાથે મળીને આ બાળકને મોટું કરીશું .અને છે ને હવે આ રડવાનું બંધ કર . બાળક વિચારશે કે મારા દાદી કેટલા ખરાબ છે કે મારી મમ્મીને રડાવે છે . આ બધી વાતો વિચારવાનું બંધ કર અને ખુશ રહે. બાળક બધું જ સાંભળતું હોય છે . તું ખુશ રહીશ તો તે પણ ખુશ રહેશે અને તું દુ:ખી રહીશ તે પણ દુ:ખી રહેશે . હમણાં નવ મહિના કોઈ ખોટી વાત મગજ માં લાવ જ નહિ “

સાસુ નો હાથ ચૂમીને પોતાનાં અશ્રુ થી એ હાથ પલાળીને અમિતાએ સાસુને હમેશ માટે પોતાનાં કરી લીધા . પોતાનાં પેટ પર હાથ ફેરવીને તેણે બાળકને પણ આ ખુશીના સમાચાર આપી દીધા. નીરવ એક બાજુ ઉભો રહીને બે સ્ત્રીઓની લાગણીને એક બીજા તરફ વરસતા જોઈ રહ્યો હતો . તે જોઈ રહ્યો હતો કે તે બંને એ મળીને એને એક બાજુ જ કરી દીધો હતો પણ તે આ વાતથી બહુ ખુશ હતો .
આમ ને આમ છ્ઠ્ઠો મહિનો બેસી ગયોં...એક દિવસ અમીતા ની તબિયત ખૂબ બગડી ..અને એને
તરત જ હોસ્પીટલ માં લઈ જવામાં આવી ત્યારે તો એને અને બાળક ને બચાવી લેવામાં આવ્યું પણ DR. એ નીરવ ને કહી દીધુ" નીરવ ભગવાન ને પ્રાર્થના કરો કે બાળક સલામત તમને મળે...નીરવ ને ચિંતા એ ઘેરી લીધુ.પણ એણે અમીતા ને કંઇ ન કહ્યું..પણ અમીતા એ નીરવ નો ચહેરો વાંચી લીધો હતો..એને ખબર પડી ગઈ હતી કે તકલીફ બહુ મોટી છે..પણ
એણે પણ નીરવ ને પૂછીને હેરાન કરવું યોગ્ય ન સમજ્યું ..એટલે એ પણ ચુપ જ રહી ગઈ..પણ નિરવે મમ્મીને બધી વાત કરી દીધી હતી . પણ તેમણે બહુ જ કડક શબ્દોમાં નીરવને કહી દીધું હતું કે “ ક્યારેય પણ અચાનક નિર્ણય લેવો પડે કે બાળક અને માતા માં થી એક ને જ બચાવવું હોય તો કોને બચાવવું તો વિચારા ન બેસતો આપને બાળક નથી જોઈતું . અમિતાને કઈ ન થવું જોઈએ “ નિરવને મમ્મીની આ વાત સાંભળી એમની માટે બહુ માન જાગ્યું . દિવસો એક પછી એક પસાર થતા હતા આમ ને આમ આઠમો મહિનો બેસી ગયો.બધાને બાળકની રાહ પણ બહુ હતી અને સાથે ડોક્ટરની વાત થી ચિંતા પણ બહુ હતી . એક સરખા જાપ બધાના મનમાં ચાલતા હતા કે બસ પ્રભુ જે કરે તે બધા માટે સારું હોય. .આઠમાં મહિના નાં પંદર દિવસ પણ ચાલ્યા ગયાં..અને બધાં હાશ કરી ને બેઠા હતા કે બસ હવે હજી બીજાં પંદર દિવસ નીકળી જાય એટલે શાંતિ..
પણ માનવ જે ઇચ્છે એ થોડી થાય છેં...બધું એની મરજી થી થાતું હોત તો કુદરતને માનત જ કોણ ? સોળમે દિવસે અમીતા ને તકલીફ શરૂ થઈ..એને તરત હોસ્પીટલ માં લઈ જવામાં આવી ...પ્રસુતી થઈ અને દીકરો આવ્યોં..હજી તો બધાં ખુશી મનાવે એની પહેલાં જ DR. એ કહ્યુ બાળક ને બાળકો ની હોસ્પીટલ માં લઈ
જવું પડશે . બાળકનાં ધબકાર બહુ ધીમાં છેં..અને બધાં ચિંતા માં ઘેરાઈ ગયાં..પણ નીરવે પોતાંને સંભાળ્યું અને કઠણ કાળજે
પોતાનાં બાળકે ને લઈને તરત બીજી હોસ્પીટલ માં ગયો ..ત્યાં એને બાળકોનાં ICU માં રાખવામાં આવ્યો.. કાંચની પેટીમાં અને કેટલી બધી ટ્યુબ લગાડીને ત્યાં સુવડાવામાં આવ્યો . અમીતા ની જીદને લીધે એની માટે પણ એક રૂમ એ જ હોસ્પીટલ માં રાખવામાં આવી જેથી એ પોતાનાં બાળક પાસે રહી શકે...એક દિવસ વિત્યોં ..મોટાં મોટાં DR. ને બોલાવવા માં આવ્યા ..બહુ ચર્ચાઓ ચાલતી હતી .. બીજો દિવસ વિત્યોં...આખરે ત્રીજા દિવસે DR. એ નીરવ અને અમીતા ને પોતાની રૂમ માં બોલાવ્યા અને કહ્યું " આ બાળક ને બચાવવા નાં બધાં પ્રયત્નો અમે કરી જોયા છે..પણ હવે કોઇ ઇલાજ બચ્યો નથી ..તમને મારી એક જ વિનંતી છે કે બાળક ને આમ મશીન નાં સહારે જીવાડી ને હેરાન કરવું એનાં કરતા એને મુક્તી આપો..

અમીતા અને નીરવ પર તો જાણે વજ્રઘાત થયો.. સાવ આવું તો નહોતું ધાર્યું . આ કેવી પરીક્ષા પ્રભુ..એક તો આટલાં વર્ષે બાળક આપ્યું અને હવે એને મારવાનો નિર્ણય પણ અમારે જ લેવાનો..અમીતા કોઈ રીતે આ વાત માનવા તૈયાર ન હતી . તેનું કહેવું હતું કે આપણે શું કામ આ વાત માટે હા પાડીએ . મશીન પર તો મશીન પર .. પણ આપણી સામે તો છે. નીરવ અને એનાં મમ્મી એ બહુ સમજાવી કે “ અમિતા , મશીન પર છે એ વાત સાચ્ચી પણ તું જો તો ખરી હથેળી જેટલા બાળકના શરીર માં કેટલી સોઈ કેટલી ટ્યુબ લગાડેલી છે . એની પીડાનો તો વિચાર કર . અને જો આ બધું કરતા પણ બાળકને સારું થવાનું હોત તો ડોક્ટર બધું જ કરી લેત. એમને બાળક જાય એ ગમતું તો ન જ હોય . પોતાની રૂમ અંદર થી બંધ કરીને અમિતા પોતાને એ વાત માટે તૈયાર કરવા લાગી. નીરવ અને તેના મમ્મી એ પણ અમિતા પર જબરદસ્તી ન કરી . એકલા રૂમ મા બેઠી ત્યારે એને જાણે ચારે તરફ થી એક બાળકનાં અવાજો સંભળાતા હતા “ મા , મને મુક્તિ આપ . મને બધું બહુ જ દુખે છે . એ અવાજો ધીરે ધીરે એની માટે અસહ્ય બનતા ગયા ત્યારે તે રૂમની બહાર દોડી આવી અને સાસુને ભેટીને રડવા લાગી અને બોલી “ એને મુક્તિ આપી દ્યો “ હોસ્પિટલ માં ઉભેલા બધાની આખો ભીની થઇ ગઈ . કે આ કેવી પરીક્ષા કે પોતાનાં બાળકને મૃત્યુ આપવાનું પોતે નક્કી કરવાનું . અમિતાને શાંત પાડીને નીરવ આ વાત DR. ને કહેવા જતો હતો..ત્યાં અમીતા એ પાછો નીરવ નો હાથ પકડી લીધો . નિરવ એની આ હાલત સહન નહોતો કરી શકતો પણ અમિતાએ એને કહ્યું "નીરવ ચાલો આપણે આપણાં બાળક નું નામ તો પાડી લઈયે જેથી એને એનાં નામ થી યાદ તો કરી શકીયે..
હવે નીરવ ભાંગી પડ્યો ..આટલી વાર થી અમીતા ને સંભાળવામાં એ પોતાને સંભાળીને બેઠો હતો...પણ અમીતા ની આ વાત સાંભળી ને એ પણ જોર થી રડી પડ્યોં.. અને બોલવા લાગ્યો “ હે પ્રભુ આના કરતા તો બાળક દેવું જ નહોતું ને .. આપીને લઇ લેવાનો શું મતલબ છે . નવ મહિના એનાં સપના દેખાડ્યા . એની રાહ માં વિતાવ્યા . અને હવે એને ખોળામાં પણ લઇ નથી શકતા . એને વ્હાલ પણ નથી કરી શકતા . આ કેવી પરીક્ષા લે છે પ્રભુ “

નીરવનાં મમ્મી પણ પોતાને જ ગુનેહગાર માનતા હતા અને એ દિવસો માટે પોતાને જ બદદ્દુઆ આપતા હતા કે પોતે અમિતાને કેટલા કેટલા મહેણાં મારતા હતા .

હવે અમીતા એ એને સંભાળ્યોં અને કહ્યું " નીરવ રડો નહી . આ તો આપણે બાળક માટે બહુ ભગવાન ને કહેતા હતા એટલે આપણું સાંભળ્યું ..પણ જો એનાં મૃત્યુ ની જીમ્મેદારી આપણાં પર રાખી..કે હવે આપણે એને કોઈ દિવસ કહીયે જ નહી કે અમને બાળક આપ..આપણાં નસીબ માં બાળક નથી નીરવ..પણ ચલ આપણે એનું નામ પાડીયે ...આપણે એનુ નામ સ્વપ્નીલ નામ રાખીયે ..એ આપણું સપનું પૂરું કરવા જ આવ્યો હતો ને...જો ચાર દિવસ માટે એણે આપણને મમ્મી પપ્પા બનાવ્યાં જ ને... દાદી અને આપણી વચ્ચેની દુરી ખતમ કરી " બાળક નું નામ સ્વપ્નીલ રાખવામાં આવ્યું .. નીરવ ઊભો થઈ ને ભારી પગલે DR. ની રુમ તરફ જવા લાગ્યો . પાછળથી એને અમીતા અને મમ્મીનુ ડુસકૂ સંભળાણુ...

નીતા કોટેચા " નિત્યા"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED