શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું
પ્રકરણ - ૨
લક્ષ્મી ચાંલ્લો કરવા આવી
સુરતના ગોપીપુરામાં શોભારામનું બાપદાદાનું નાનું મકાન હતું. પોતાની નકલોનું બાકીનું કામકાજ, કોરા કાગળો, લેખણો, પોતાનું ઢાળિયું પોતાના ધંધાનો તમામ સામાન ગવરીશંકરને આપીને
પોતાના મકાન તરફ જવા શોભારામ નીકળ્યો.
ચાલીસ વરસની આ પોતાની અન્નપૂર્ણા,. સુરતની સદર અદાલતની બહારની પરસાળ. એ જગ્યાને શોભારામે પ્રણામ કર્યા. એના શરીર ઉપરથી જાણે દશ વર્ષની આયુનો બોજ ઉતરી ગયો.
એના જીર્ણશીર્ણ કપડામાં પણ જાણે નવી રોનક પુરાઈ.
રાવસાહેબે એને પગથિયા સુધી વિદાય આપી. બધાએ જે જે કર્યા. પટાવાળાઓએ કાકાને સલામ ભરી. દરવાજા ઉપરના હથિયારબંધ સંત્રીઓએ પણ મોઢાં ઉપર સ્મિત લાવી કાકાને જય જય
કર્યા.
અદાલત બહાર નીકળીને કાકાએ ફરી એક વાર અદાલત ને નખશિખ જોઈ.
હજાર જૂઠ, હજાર કજિયા ને હજાર તકરારોના એ ધામમાંથી એને શાંતિની રોજી મળી હતી. અન્ન મળ્યું હતું. વસ્ત્રો પણ મળ્યાં હતાં. આબરૂ-- આબરૂ પણ મળી હતી !
એ અદાલતની પરસાળમાં એ સો શબ્દના એક પૈસા લેખે અરજીઓ લખતો હતો, જ્યાં એ દરેક પટાવાળાને 'ભાઈ' કહેતો, કારકુનને સાહેબ કહેતો, રાવસાહેબની ખુશામત કરતો ને મોટા
સાહેબની અવરજવર વખતે બધાની જેમ 'ટંચન' ઉભો રહેતો. એ અદાલતમાં હવે એનો દીકરો--એનો ગૌતમ, અમલદાર તરીકે આવશે. હવે એના હાથ નીચે કારકુનો રહેશે, પટાવાળા રહેશે,
બીજા અમલદારોની જેમ એ પણ ધોડાગાડીમાં આવશે.....
....ઘોડાગાડી તો રાખવી જ. ગવરીશંકરની વાત ખોટી નહોતી. હવે પોતાનાતી બહુ ધક્કા થતા નથી ને નજીકની દુકાનેથી જ શાક વગેરે લાવવાં પડે છે, એને બદલે શાક માર્કિટમાંથી તાજાં
નવા શાક લાવી શકાય. મોટા અમલદારને વાહન તો જોઈએ જ, ને ગૌતમ રૂ. સોનો અમલદાર હતો. રાવસાહેબે વીસ વરસ નોકરી કરી તો ય એનો પગાર એંસી. ભલે રાવસાહેબ કહેવાય ને
માણસ ભારે મજાનો, છતાં છેવટે તો એ ચિટનીસને ! ચિટનીસ કારકુનોમાં ભલે મોટો હોય. પણ કાંઈ અમલદાર તો નહિ જ ને ! ગૌતમ તો વળી કાલ પરીક્ષામાં પાસ થયો. નહિ અરજી, નહિ કોઈની મિજાજપૄચ્છી, આપમેળે અમલદાર !જમાના પ્રમાણે ચાલીસ વરસની પોતાની ભલાઈનો એ બદલો ઓછો છે ? કોઈ કાળો
સાહેબ હોત તો ખુશામદ કરાવત, જોડા ફડાવત. આ તો ગોરો સાહેબ, મોઢે બોલે નહિ, પણ મનમાં રાખી બેસે. વખત આવે કરીને ઉભો રહે.
પોતાને ખબર પણ ન્હોતી કે મોટા સાહેબ પોતાની ભલાઈથી વાકેફ છે. સાચું પૂછો તો એવા મોટા માણસને એક ગરીબ અરજી લખનારની પડી યે શું હોય ? પણ ગોરો એ ગોરો. એ માણસ
જાણે. એ રાજ કરી જાણે. સમય આવ્યે એણે ગૌતમને સીધો અમલદાર જ બનાવ્યો.
હવે એને કોઈના ગરબડગોટાળા જેવા અક્ષરો વાંચવા નહિ પડે. હવે એને કોઈના અધૂરાં વાક્યો પૂરાં કરવાનાં નહિ રહે. હવે એને પારકા કજિયાની વાતો હાથેથી કાગળ ઉપર ઉતારવી નહી પડે.
ને હવે એનાથી થતું પણ નથી હો ! હવે એનો હાથ વારંવાર થથરી જાય છે. કોઈ મોટા માણસ હોય તો એમ કહેવાય કે એને 'લખ-વા' થયો છે. આ પહેલાંના મોટા સાહેબને 'લખ-વા' થયો હતો.
તે છ મહિનાની ચઢતે પગારે રજા ઉપર ઉતર્યા હતા.* ( * ઘણું લખનાર માણસને જમણે હાથે થાક લાગે એને અંગ્રેજીમાં રાઈટર્સ ક્રેમ્પ કહે છે તે.)
પોતે ગરીબ માણસ, રજા ઉપર ઊતરે તો સો શબ્દનો પૈસો આપે કોણ? પણ છોકરાએ દી વાળ્યો. છોકરો અમલદાર થયો ! ને ભગવાનના નામની માળા ફેરવતાં 'લખ-વા' આડો નથી આવતો
આજ એક જો ગંગા જીવતી હોત? એની રાંકનાં રતન જેવી ઘરરખ્ખુ ગંગા, પણ બાપડીના નસીબમાં ઘણીની ગરીબી જ હતી ! ફાટેલું છાયલ જ હતું ! વાસણની એ'ઠ ને ઘરનો કચરો જ હતો !
છોકરાંના મળ ને મૂત્ર જ હતાં.
એક દિવસ.. બસ એક જ દિવસ ગંગાએ છોકરાની સાહ્યબી જોઈ હોત ? કોટ, પાટલૂન ને માથે ટોપો ઘાલીને ઘરની ઘોડાગાડીમાં એને' હાફીસે' જતો જોયો હોત ! ખેર !
ગૌતમને કપડાં જોશે. સાહેબને મળે ત્યારે સારા કપડાંમાં સજ્જ થઈને જાય તો ફેર પડે ને ? એક નૂર આદમી, લાખ નૂર કપડાં.
ડોસાએ કાપડિયાની દુકાન જોઈ. ' આવો કાકા, શું આપું ?'
' ચાર કોટનું સારું કાપડ આપશો ? ને ચાર પાટલૂનનું કાપડ પણ આપો.' કાપડિયાએ કાપડ ફાડ્યું. ડોસાએ કાપડ બગલમાં માર્યું.
મુખ્ય રસ્તો ચાતરી ડોસા એક શેરી માં વળ્યા. શેરીમાં એક ડેલો હતો. ડેલાની વચમાં એક માણસ એક ટાંગાનું સમારકામ કરતો હતો.
'આવો કાકા !'
'અરે ગાડીધોડો જોઈએ છે, આતાભાઈ.'
'ક્યાં જવું છે ? ક્યારે મોકલું ?'
'ભાડે નહિ, વેચાતો.'
' વેચાતો આપું. જોવા છે?'
'મને આમાં સમજ ન પડે, ભાઈ. મજબૂત સિગરામ ગાડી ને સોજું ઘોડું જોઈએ. '
'ભલે એક બે દિવસમાં તમારા લાયકનું શોધીને મોક્લાવીશ, કેટલું ખરચ કરવું છે ?'
'આપણો છોકરો ગૌતમ અમલદાર થયો છે.' 'એમ ? કાકા, ત્યારે તો બહુ સારું. ભાઈને લાયક ગાડીધોડો મોકલાવીશ. કીમત સમજી લેશું પછી. ભાઈની ક્યાં નોકરી થઈ ?'
'નોકરી નહિ, અમલદારી. આંહી અદાલતમાં દફતરદાર સાહેબ તરીકે એની નિમણૂંક થઈ.'
' સારું થયું, સારું. ઘોડાગાડી માટે તમને ન કહેવું પડે, કાકા એક બે દિવસમાં આવિ જાય.'
શેરીમાંથી કાકા રસ્તા ઉપર આવ્યા. મિઠાઈવાળાને ત્યાંથી મિઠાઇ લીધી. ગંગાને અત્યારે ખબર પડતી હશે કે ? ચાર વરસનો છોકરો મૂકીને--એ તો એને એકલો મૂકીને ચાલી ગઈ. છ સાત
વરસનો ઘરસંસાર. ને સંસાર પણ કેવો ? ગરીબીનો. ગૌતમને ચાર વર્ષનો મૂકીને એ ચાલી ગઈ. પોતે ત્યારે કાંઇ ઘરડો ય ન્હોતો. પણ એને બીજી કરવાનો વિચાર ના આવ્યો. કદાચ
આવ્યો હોત તો એના જેવા ગરીબને બીજી દે પણ કોણ ? ગૌતમને એણે ઉછેર્યો. ગંગાને ખબર તો હશે જ ... મરેલાં માણસો પોતાની પાછળ જે આત્મજનો મૂકી જાય છે એના હાલ મૄત્યુ ને પેલે પારથી જોતા તો હશે જ ને ? આ સંસારની કાંઇ માયા
એમને રહેતી જ નહિ હોય ? અગર ગંગા રહી હોત ને એને બદલે પોતે ચાલ્યો ગયો હોત તો,- તો પોતે તો ભૂત થઈને ભમત. ગંગા ભૂત થઈને...ના ના. એ તો બિચારી ભોળી હતી. એના દિલ
માં પાપ પણ ન્હોતું. એ શા માટે ભૂત થાય. લોભિયા થાય. ગંગા ભૂત ના થાય. તોય....તોય...એ જોતી તો હશે જ.
એ છોકરાને મેં માની ખોટ નથી પડવા દીધી, એ એણે જોયું હશે. એ છોકરાને ભણાવવા માટેની મારી રાતદિવસની મજૂરી પણ એણે જોઈ જ હશે. આજ મારા ખિસ્સામાં આ હુકમ પડ્યો છે. ગંગા
જીવતી હોય તો એ વાંચી ન જ શકત. એને વાંચતાં આવડતું ન હતું, પરંતુ મૃત્યુ પછી તો જરૂર વાંચી શકતી હશે.
બસ ભાઈને હવે કન્યા મળવામાં શું વાર ? સારા ઘરની કન્યા મળે. ભાઈને હું પરણાવું. બસ પછી ભગવાન પાસે એટલું માંગવાનું, ભગવાન ભાઈને સલામત રાખજે. વરધોડિયાંને સલામત
રાખજે. મારો તો ઠીક, એનો સંસાર સુખી કરજે. આજ આ રસ્તા ઉપર પોતે ચાલતો જાય છે, પણ ગૌતમ તો ગાડીમાં જ ફરશે.
એની ગાડી નીકળશે ને પોલીસ એને સલામ ભરશે. ફરવા નીકળેલા કારકુનો એને સલામ ભરશે. લોકો એને સલામ ભરશે. નાતના નાનામોટા માણસો પણ એને સરકારી અમલદાર તરીકે જે
જે કરશે. કોટ, પાટલૂન ને હેટમાં એનો ગૌતમ કેવો શોભશે ? ને પોતે ? પોતે પુત્રની મહત્તાના તેજથી ઊજળો થશે. શાંતિથી ભગવદભજન કરશે. એના હાથને આરામ મળશે. એના દેહને
આરામ મળશે. એની આંખોને આરામ મળશે.
એકાએક પોતાના ઘરની ડેલી સામે જોઈને શોભારામ થોડીવાર તો અજાયબીમાં ગરક થયૉ. અરે, આ ઘર ક્યાંથી આવી ગયું ? શું ઘર ચાલીને એની સામે આવ્યું ? નહિતર રોજ અખૂટ લાગતો
પંથ આજ આટલો ટૂંકો કેમ બને ? ડેલીમાં એ પેઠો. અંદર થતી વાતોનો અવાજ એને કાન પડ્યો. સાંભળીને એ ક્ષણભર થંભી ગયો.
આ શું ! આજ એને વિચારવાયુ ઊપડ્યો છે કે શું ? બાપ ને દીકરા એના જ વસેલા ઘરમાં આ વળી કોઈ સ્ત્રીનો અવાજ કેમ સંભળાય ? ને એ અવાજ એને ગંગા જેવો કેમ લાગે છે ? આજ એના
કાનમાં ગંગાના ભણકારાં કોણે ભરી દીધા છે ? ગંગા તો ક્યાંથી હોય ? શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૄના અવાજ્ના ભણકારા સંભળાવા માંડે ત્યારે મોત નજીક આવેલું સમજવું. મોત આવે તો હવે શું વાંધો ? એની અખૂટ લાગતી મજલનો આટલે
વરસે અંત આવ્યો છે, સુખી અંત આવ્યો છે. હવે તો મોત આવે તો ગંગાને મળાય ! છોકરો જુવાન થયો છે. ભણીગણી ઊતર્યો છે, અમલદાર થયો છે, હવે ત્યાં એનું કર્તવ્ય પૂરું થાય છે.
છોકરો માન મેળવે, આબરૂ મેળવે, સુખી થાય... મોત આવે તોય હવે વાંધો નહિ !....પણ એક જો ગૌતમને એ પરણાવિ દે ત્યાં સુધી...ગંગાએ આટલી ધીરજ રાખી છે, તો થોડીક વધારે રાખે
તો ? છોકરો અમલદાર થયો એટલાથી સંતોષ માનવાને બદલે એને પરણાવી ઊતરીએ તો ?.....
શોભારામને લાગ્યું કે ગંગાએ જાણે, પોતાની આરજુ સાંભળી. એના કાનમાંથી ગંગાના અવાજના ભણકારા ઊડી ગયા. એને બદલે એટલો જ કોમળ પણ બીજા જ, જુદા જ સ્વરથી ભરેલો
અવાજ એને સંભળાવા માંડ્યો. એણે કાન માંડ્યા, અને એના ઉપર જરા ઝલક આવી ગઈ.
આ તો પાડોશના પ્રભુરામ ની મુંબઈગરી છોકરી આશા નો અવાજ હતો. સુરતના મશહૂર વેપારી આત્મારામ ભૂખણની પેઢી. જેને ત્યાં કંપની સરકારની શરાફી હતી. કંપની સરકારના નોકરોના
ખાનગી વેપારની શરાફી હતી. ફિરંગી સરકારની આડત હતી. દેશ પરદેશની ધીકતી આડત હતી. એક ગામ વસી જાય એટલો વછિયાત રોજ એને ઘેર આવતા.
પ્રભુરામ સુરતમાં આ પેઢીનો મુનીમ હતો. પ્રભુરામનો નાનો ભાઈ મુંબઈમાં આ પેઢીનો મુનીમ. બે ભાઈ સુખી. બહુ સુખી. ને બે ભાઈ બે સગી બહેનને પરણ્યા હતા. એટલે સંપ સારો. પ્રભુરામ
ને છોકરાં ઘણાં ને એના ભાઈ માયારામને કાંઈ નહિ. એટલે આશા ઘણો વખત માયારામને ત્યાં જ રહેતી. ઘણો વખત શું, કહોને બધો જ વખત. કોઈક વાર સુરત આવતી. એ પોતાના કાકા
માયારામને 'બાપુ' કહેતીને પોતાના બાપ પ્રભુરામને 'કાકા' કહેતી.
આત્મારામ શેઠની પેઢીને ગોરાઓ સાથે ઘણી નિસ્બત. ગોરા અમલદારો સાથે ઘણો વહેવાર. એટલે માયારામે દેશી ભણતરની વ્યવસ્થાથી નારાજ થઈને પોતાની લાગવગનો ઉપયોગ કરીને
આશાને પાદરીઓની અંગ્રેજી શાળામાં ભણવા મૂકેલી. ને ત્યાંથી એણે એક ભયંકર વાત કરી દીધેલી. બે ભાઈનાં મન ઊંચા થાય એવી. બે બહેનોનાં મન ઊંચાં થાય એવું એણે કરેલું. એણે આશાને કોલેજમાં ભણવા મૂકી.
'તમારા છોકરાં તમને ઠીક પડે તેમ ભણાવો. આ તો મારી છોકરી છે. હું એને મને ઠીક પડશે એમ ભણાવીશ.'માયારામે પ્રભુરામને રોકડો જવાબ આપેલો.
અને આમ આશા કોલેજમાં ભણતી થઈ હતી. જે કોલેજ માં ગૌતમ હતો એ જ કોલેજમાં એનો અભ્યાસ થતો હતો. ત્યારે આશા ગૌતમ ને અભિનંદન દેવા આવી લાગતી હતી ! શોભારામના પગ
જરા થંભી ગયા. એના મનમાં વિચાર આવ્યો કે આશા ને ગૌતમનાં લગ્ન થઈ શકે જ નહિ ?
આ જાતનો વિચાર શોભારામને કાંઇ પહેલી વાર આવ્યો ન હતો. પણ આજ પહેલાં જ્યારે જ્યારે એ વિચાર આવતો, ત્યારે ત્યારે તરત જ સરી પડતો. અરે જીતવા ! તું તે ખાલી લહિયો. ને
પ્રભુરામ તો આબરૂદાર, માલદાર. તારા ઘર સુધી એની છોકરી હોય ખરી ?
પણ આજ એ વિચાર આવ્યો--- આવીને મનમાં વસી રહ્યો. શું વાંધો પ્રભુરામને ? મારો છોકરો ભણ્યો છે, ગણ્યો છે. અમલદાર છે. એના જેવો છોકરો બીજો એને નાતમાં મળવાનો છે ક્યાંથી?
આ વિચારની મિઠાશને શોભારામ પી રહ્યો, ને એના કાનમાં વાતો સંભળાઈ.
'મને થાય છે કે હવે તમે કોઈ કવિતા લખશો કે નહિ ?' આશાએ કહ્યું ઃ' મને તમારી કવિતાઓ બહુ ગમતી.' ગૌતમે જવાબ આપ્યોઃ ' ગુજરાતના જુવાન માટે કવિતાઓ લખવાની મોસમ હોય છે. એ મોસમી પાક બનતાં સુધી કોલેજમાં પેદા થાય છે. કોલેજમાં જ ઉતરી જાય છે. ગુજરાતમાં કવિતા માટે
કોલેજ બહાર ધરતી જ નથી'
'થયું ત્યારે.'
'વાત એમ છે કે મારે હવે નોકરી કરવી પડશે.'
'નોકરીને ને કવિતાને નથી બનતું ?' 'કોણ જાણે . પણ મને લાગે છે કે નથી જ બનતું.'
'મારા 'કાકા'તો મેં કહ્યું હતું કે ગૌતમ પાસ થઈ ગયા છે, તે હવે તમે એને ક્યાંક તમારી પેઢીમાં ગોઠવી દો. મારા કાકાએ શું કહ્યું એ કહું ?'
'શું કહ્યું ?'
'મને કહે કે પેઢીમાં કવિ તરીકે નોકરી હોતી નથી. ને કવિઓ કદી નામાંઠામાં જાણતા નથી. એ તો ભણ્યો છે અંગ્રેજી. ક્યાંક કારકુની મળી જશે એને. પેઢીમાં એનું કામ નહિ.'
'તમે જોયું ને ! કવિઓ માટે બહાર કેવી ભૂમિ છે ? એટલે જો નોકરી કરવી હોય તો કવિતા લખવી મૂકી દેવાની.'
આશાને અચાનક હસવું આવ્યું.
' કેમ ?'
'ના. પણ કાકાએ મને એક ભણેલા માણસની વાત કહી તે યાદ આવી !'
'હસવાજોગ એ વાત હશે. ભૂલશો મા કે તમે પણ ભણેલાં છો, ને કોઈ ભણેલા માણસની બદનક્ષી કરે તો થોડોક કાદવ તમને પણ ચોંટશે.'
'કાકા કહે કે એમની પેઢી ઉપર એમણે એક ભણેલો માણસ રાખ્યો હતો. એકવાર ઘરાકે મુંબઈથી સુરતની જરી મંગાવી. બજારમાંથી પેઢીનો ગુમાસ્તો લાવ્યો ત્યારે પાંચ રૂપિયાભાર ને બે આની
ભાર થઈ.એનું એટલું વજન હતું ને એટલો આંકડો હતો. કાકાએ એ ભણેલાને વજનની કસોટી કરવા કહ્યું. ભણેલાએ તો મોટું ત્રાજવું લીધું ને એક બાજુ જરી મૂકી, બીજી બાજુ પાંચ રૂપિયા
નાંખ્યા. માથે બે આની ભાર. બે આની હતી નહિ એટલે બેઆનીને બદલે આઠ પૈસા નાંખ્યા, ને પછી ત્રાજવું હાથમાં પકડીને આવ્યા કાકા પાસે. ને કહ્યુંઃ ' આટલી બધી ઓછી છે વજનમાં!'
ત્યારથી મારા કાકાએ પેઢી ઉપર ભણેલા ગુમાસ્તાને નોકરીએ રાખવાના સમ ખાધા છે.' ' એમાં સમ ખાવા જેવું શું હતું ?'
'તમેય કવિ જ રહ્યા લાગો છો. પહેલાં તો જરી ત્રાજવામાં ન તોળાય. એનો તો નાનો કાંટો આવે, ને બીજું બે આની ભાર એટલે પેલી નાની બે આની આવે છે ને એટલી. એ બે આનીના પૈસા
બજરમાં ચાલે, વજનમાં ન ચાલે.' 'સમજ્યો. '
' શું સમજ્યા ?'
' કે હું પણ તમારા કાકાની પેઢીએ કામ કરવા લાયક નથી. તમે જ જોયું ને કે ભણતર માણસને કેટલું બેવકૂફ બતાવે છે. ખાલી ભણતર જ જો બેવકૂફ બનાવતું હોય તો પછી કવિતા તો શું ન
કરે ?' 'સાચે જ તમે કવિતા નહિ લખો ?'
'કવિતા કરવી ને નોકરી શોધવી, એ ભસવું ને સાથે લોટ ફાકવા જેવી વાત છે.'
'તમારી લખેલી કેટલીયે કવિતા મારી પાસે છે. કેટલી મજાની છે. !'
' મૂંઈ ભેંસના મોટા ડોળા. કવિ મરી ગયો એટલે એની કવિતા તમને પ્રિય જ લાગવાની. હવે તો જે રહ્યો છે તે કેવળ નોકરીનો ઉમેદવાર જ છે !'
શોભારામ અંદર આવ્યો. અંદર ખાટ ઉપર ગૌતમ હીંચતો હતો. આશા અરધી ઉંબર પર ને અરધી અંદર બેઠી હતી.
શોભારામને જોઈને એ ઊભી થઈ ગઈ. બે હાથ જોડીને વિનયપૂર્વક આશા બોલી ઃ 'હું રજા લઈશ. હવે.'
' જરાક ઊભી રહે, બેટા.' પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢીને શોભારામે આશાને આપ્યો ઃ ' આ જરા વાંચને બેટા !'
મોટા સાહેબે ગૌતમે રૂ. ૧૦૦ ના પગારથી દફતરદાર તરીકે નીમેલો, એ હુકમ હતો.
વાંચીને આશાએ કહ્યું ઃ' મુબારકબાદી, ગૌતમ. તમને નસીબ બરાબર ફળ્યાં. એક તો તમે પાસ થયા ને થતાં જ સીધા અમલદાર નિમાઈ પણ ગયાં.'
એણે ગૌતમને કાગળ આપ્યો. ગૌતમે એ વાંચ્યો.
આશાએ કહ્યું ઃ' હું જઉં છું. મારા કાકા આ જાણીને રાજી થશે !' આશાની વિદાય પછી ગૌતમે એના બાપને કહ્યું ઃ' બાપુ, તમે તો ભારે કરી હો !'
' મેં કાંઈ નથી કર્યું, બેટા ! મોટા સાહેબના મનમાં મારી ગરીબીને તારી લાયકાત વસ્યાં. હવે તમે એને મળી આવજો.'
'ક્યારે જાઉ ?'
' હું આ કાપડ લેતો આવ્યો છું. દરજી પાસે તરતમાં જ એક દિવસમાં જ કોટ પાટલૂન શીવડાવી લેજો, પછી જજો. તમે અમલદાર છો. જરા મોભામાં જવું જઈએ.'
'કાલ ને કાલ જ કપડાં શીવડાવું. પરમ દિવસે સાહેબને મળી આવું.'
'તરત દાન ને મહાપૂન. સાહેબને મળી યે આવો ને તરત જ નોકરીએ પણ જોડાઈ જાઓ !'
'બાપુ ! આજે તમારું મોઢું કેમ ઉદાસ લાગે છે ?' ગૌતમે પિતાજીનું મુખ કંઈક ઉદાસ જોઈ કહ્યુંઃ
'બીજું તો કાંઈ નહિ. ભગવાને મને તને આપ્યો છે તે બધું આપ્યું છે, પણ જો આજ તારી મા હૈયાત હોતને.'
ગૌતમને માતા ઝાઝી યાદ નહોતી, તેમ એને માતાની ખાસ ખોટ પણ ન્હોતી જ્ણાઈ. નાનપણમાં તો બીજા છોકરાઓને એની માતાઓ ધમકાવતી, વઢતી, મારતી, ત્યારે એને લાગતું કે એના
પિતાએ સમજીને જ પોતાની ખુશહાલી માટે જ પોતાના ઉપર માતાનું કોઈ લફરું જ રાખ્યું ન હતું. એની હાજરીમાં આજ પહેલાં પિતાએ માતાને કદી યાદ પણ નહોતી કરી.
પરંતુ આજ પિતાને એની માતાને સંભારીને ખિન્ન થતા જોઈને ગૌતમને પણ ખિન્નતા આવી. ત્યાં પ્રભુરામનો ચાકર આવ્યો.
' આપ ઘરમાં જ છો ને હમણાં ?' શોભારામને એણે કહ્યું. ' હા. કેમ ?'
પ્રભુરામ શેઠે કહાવ્યું છે કે તમને વખત હોત તો એ તમને મળવા આવે !'
'કહે એમને, ખુશીથી પધારે !' 'શોભારામનો જવાબ લઈને ચાકર ગયો.
શોભારામને મનમાં વિમાસણ થઈ. શા માટે પ્રભુરામ કોઈ દિવસ નહિ ને આજ એને ઘેર આવતા હશે ? પ્રભુરામ પેઢીએથી ઘેર આવ્યા હશે. ચાહ પીતા હશે. ચાહ પીને ફરવા જવાનો એમનો
નિયમ. આમાં કોઈ દિવસ ફેર ન પડે ને આજ આમ કેમ? એમ બને કે આશા સવાર બપોર સાંજ ગૌતમ પાસે આવે જાય છે તે માટે શેઠ ઠપકો દેવા માગતા હોય. ને ઠપકો દે તો દેવા જોગ છે. પ્રભુરામ કોઈ જેવી તેવી આસામી નહિ તો ! આત્મારામ
ભૂખણની પેઢીના મુનીમ, મોટા ને છોટા સાહેબોને ત્યાં એની ચિઠ્ઠી પાછી ન ફરે. ને એ સાહેબોની એના ઉપરની ચિઠ્ઠી પાછી ન ફરે એવા. ગામમાં હજાર જણ ઉપર એના હજાર હાથ. એ કદાચ
પોતાની છોકરીને વારી ન શકતા હોય તો ગૌતમને વારવાના હક્ક્દાર હતા. માણસ પોતાનાં જણ્યાં પાસે લાચાર થાય, કાંઈ પારકાં જણ્યાં પાસે થોડા લાચાર થાય ? એમ જ હોવું જોઈએ.
ત્યાં પ્રભુદાસ આવ્યા ઃ ' કાં દફતરદાર છે કે ?'
' જી.' શોભારામે જવાબ દીધો.
'' જી' ગૌતમે સાથોસાથ જવાબ દીધો. પ્રભુરામ આવ્યા. ખાટે બેઠા.
'શોભારામ ! ભાઈ પાસ થયો ને. મને આશાએ ખબર આપ્યા. બહુ સારું થયું હું બહુ રાજી થયો.'
' જી, એ તો આપની દયા છે.'
' દયા ભગવાની, મહેનત ભાઈની.'
' તો ભાઈ, પાડોશી તરીકે, નાતીલા તરીકે તમે ઓથ આપી ન હોત તો છોકરો મુંબઈમાં તો શું સુરતમાંયે ક્યાં ભણી શકવાનો હતો ? મુંબઈના ખરચા, ભણતરના ખરચા મુજ ગરીબથી શે
ઊપડે ? પણ આપની પાકી ભલામણ. ને મયારામભાઈનો પૂરો ટેકો. રહેવાની સગવડ, ખાવાની સગવડ, મારાથ કેટલીયે વાર ન પહોંચાય તો ફીની સગવડ. એક નહિ, બે નહિઇ ને ચાર
ચાર વરસની સગવડ. મારી ચામડીના જોડા શીવડાવું તોય ઓછું છે.'
' એમાં શું શોભારામ કાકા. આજ અમને ભગવાને દીધું છે, તે નાતીલાનો એક છોકરો ભણી જાય છે. ભગવાન કોને કોના નસીબનું દે છે એ કોણ જાણે છે? આ વાત તમારે મનમાં લાવવી જ
નહિ. તમે તો નસીબદાર છો ભાઈ ! એકનો એક છોકરો વંઠ્યા વગર ના રહે. તમારો છોકરો લાયક છે, ને આ તો અમારે ગંગાનો છોકરો. ગંગા મારા બાપના માસાની છોકરીની છોકરી થાય
મારી બેન થાય ને આધેની પણ બેન થાય ને, એટલે ગૌતમ તો અમારા ભાણેજમાં થાય.'
'આપ સંબંધ રાખો છો એટલી આપની વડાઈ છે.'' સારું, કાલે અમારે આશા તરફથી ગૌતમને પાર્ટી આપવાની છે, રવિવાર છે. સાંજના ચારેક વાગે રાખશું, હું આમંત્રણ આપવા આવ્યો છું.'
'છોકરો આપનો છે. હું શું કહું ?'
'અમારો જ છે ને એમાં તમારાથી કંઈ ના પડાશે ? તો ભાઈ ગૌતમ ! તમે જાઓ ને આશાને કહી આવો !'
ગૌતમ ગયો. એ ડેલી બહાર નીકળ્યો ને પ્રભુરામે કહ્યું ?' શોભારામ કાકા ! વેણ નાખું તો પાછું તો ઠેલશો નહિ ને ?'
'ગરીબની મશ્કરી શું કામ કરો છો ? આપનો બોલ પાછો ઠેલનાર હું કોણ ?'
'કાકા ! હું તો મારુમ વેણ નાંખીને તમારાથી યે વધારે ગરીબ બનવાનો છું. તમને નાતમાંથી ખૂબ માગાં આવશે, પણ હક્ક મારો પહેલો હો. મેં તો આજ ચાર વરસથી ધ્યાનમાં રાખ્યું છે. હવે
તમારી હા થવી જોઈએ. આશાનું સગપણ ગૌતમ સાથે કરવું છે મારે.'
શોભારામ મૂંગો જ થઈ ગયો. એનું હૈયું ભરાઈ આવ્યું. ભગવાને આટલી બધી દયા ઉપર કેમ વરસાવવા માંડી હશે ? પ્રભુરામ ! ચોવીસ ગામની નાતનો પટેલ. સુરતના નગરશેઠનો મુનીમ.
સરકારી કચેરીઓનો ધણી રણી. આજ એની છોકરીને ચાલી ચલાવીને પોતાના પુત્રને આપવા આવે ! ' કાકા ! શું વિચારમાં પડ્યા ?' પ્રભુરામે પૂછ્યું ઃ ' મે મારા ભાઈને પૂછાવી રાખ્યું છે.
આશાને આંહી એટલા માટે જ બોલાવી છે. બેય જણ એકબીજાને ઓળખે છે. એકબીજાથી રાજી છે. તમે કાંઇ બીજી ધારણા રાખી છે ?'
શોભારામની આંખમાં આંસુ આવ્યાં. પાઘડી ઉતારીને પ્રભુરામના પગમાં એ પડી ગયો. પગ પકડીને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રોવા માંડ્યો. 'હં. હં. શોભારામ ! શોભારામ ! ' પ્રભુરામે શોભારામને ઉઠાડ્યો
. આંખો લૂછતાં શોભારામે ભારે હૈયુ કહ્યું ઃ ' માફ કરજો. હવે ઘરડો થયો ને હૈયું ભરાઈ આવ્યું. ક્યાં હું ગરીબ મુફલીસ માણસ. એક ટકાનો લહિયો. ફાટેલ તૂટેલ ગાભા પહેરીને ઉઘાડે પગે
રખડતો ભિખારી, ને ક્યાં આપ ? મારે ઘેર તો લક્ષ્મી પધાર્યા, મારા બાપ ! ગરીબનાં સોણલાં યે ગરીબ હોય મારા બાપ. આવું તો સ્વપ્નાંમાંયે નહિ જોયેલું, આજ મારે આંગણે આવીને ઉભું રહ્યું.'
'નસીબના વારાફેરા છે. મારું માનજો શોભારામ, તમે તો બડભાગી છો. તમારું મન અભિમાનથી ભરાતું નથી. ત્યારે આ વાત તમારે કબૂલ ?'
' લક્ષ્મી ચાંદલો કરવા અવે તો મોઢું ધોવા કોણ જાય ? ખાલી કબૂલ નહિ. મારા કુળની લક્ષ્મી માર આંખમાથા ઉપર.'
'તો પછી કાલે પાર્ટીમાં જાહેર થશે ને સાંજે ચાંદલા કરીએ તો કેમ ?'
' જી !'
પ્રભુરામ ઉઠ્યા. એમણે વિદાય લીધી. જતાં જતાં એમણે કહ્યું ઃ 'આશાએ મને કહ્યું ઃ તમારા દીકરા દફ્તરદાર થયા તે. બહુ સારું થયું. વરઘોડિયું સુખી થય તો આપણી આંખો ટાઢી. આપણે
ગંગા ન્હાયા.'
પ્રભુરામ ગયા.
શોભારામ મૂક અને મૂઢ જેવો બેઠો રહ્યો. હરખથી જાણે એનું હૈયું ફાટી જશે એવી બીક લાગી.
'ગંગા ! તું આજ નથી. ને હું ય હવે નથી. જ્યારે મળીએ ત્યારે કહેજે કે તારા ગયા પછી તારા છોકરાને મેં ઠીક સાચવ્યો. મારે ભરોસે મૂકી ગઈ. ને મેં પંથ કાપ્યો છે એકલાં, ઉજ્જડ, એકલો-તોય મજલ પૂરઈ કરી. મજલ પૂરી થઈ ને હું થાકી ગયો છું. હાથ પગ આંખ હવે કામ નથી કરતાં. હવે ઝાઝી વાર નથી. મળશું ત્યારે એટલું તો કહીશને કે ઃ' હું તારી વહુ સાચી ને તું મારો
વર સાચો.'
ભીની આંખે ભારે હૈયે શોભારામ ઊઠ્યો. ગૌતમ આવે ત્યારે એનું મોઢું વીલું ન જુએ એટલે એ પાણિયારે મોઢું ધોવા ગયો. ડેલી ઉઘાડી ફળિયામાં કોઇક આવ્યું.
'આશા, ઘરમાં કોઈ લાગતું નથી. બાપુજી પ્રભુરામભાઈ સાથે બહાર ગયા લાગે છે.'
' તો એમાં શું થયું ? ઘર તો મારું છે ને ?'
'તારું ઘર ?'
'હવે તો કહીશ, સાતવાર કહીશ કે હું તારી વહુ ને તું મારો વર. કેવી મજા ! કેવી મજા !'