ઠગાઈ !
(સત્ય ઘટના પર આધારિત)
તારીખ ૨૧મી ફેબ્રુઆરી, ૧૯૭૨.
પ્રખ્યાત ફિલ્મ સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ બેલડીના લક્ષ્મીકાંત માટે આ દિવસ અત્યંત ભારે, ગમગીન અને ભયપૂર્ણ વાતાવરણનો પુરવાર થયો. એ દિવસે સવારે વણનોતર્યા મહેમાન તરીકે એમને ત્યાં સી.બી.આઈ.ના સુપ્રિન્ટેન્ડેન્ટ મિસ્ટર સેન પોતાના સહાયકો સાથે એકાએક જ આંધીની જેમ આવ્યા હતા. એમણે પોતાનો પરિચય અને ઓળખપત્રો વગેરે બતાવ્યા ત્યારે લક્ષ્મીકાંત એકદમ ગભરાઈ ઉઠ્યા હતા, છતાંય એમણે તેમને આવકાર આપીને માનપાન સાથે ડ્રોઈંગરૂમમાં બેસાડ્યા હતા. સેન સાહેબના ચહેરા પર માત્ર નરી કઠોરતા હતી અને એક પછી એક સવાલોની જડી વરસાવતા હતા. સાથે જ પોતાને લક્ષ્મીકાંત સામે કોઈ વેરભાવ નથી, પણ પોતે માત્ર ફરજ બજાવી રહ્યા છે એમ પણ વચ્ચે વચ્ચે કહેતા હતા. તેમનું કહેવું એવું હતું કે લક્ષ્મીકાંત પાસે બે નંબરની મોટી રકમ છે અને આ રકમ એમણે પોતાના ઘરમાં જ ક્યાંક છુપાવી રાખી છે, જ્યારે લક્ષ્મીકાંતનો જવાબ એવો હતો કે અમારી પાસે ઘરમાં કે બીજે ક્યાંય બે નંબરના પૈસા નથી. ત્યાર બાદ તેઓ મિસ્ટર સેનના સવાલોના જવાબ આપતા રહ્યા, પણ તેઓ સદંતર જૂઠું બોલી રહ્યા છે એમ સેનનું કહેવું થતું હતું એટલે એમણે લક્ષ્મીકાંત સામે જોઈને ધમકી આપી કે – જો તમે સાચું નહીં બોલો અને છુપાવેલી રકમ જાહેર નહીં કરો તો પછી એનું પરિણામ અત્યંત ભયંકર આવશે.
લક્ષ્મીકાંતને વિચાર આવ્યો કે જરૂર કોઈકે પોતાને ફસાવવા માટે સી.બી.આઈ.ને ખોટી બાતમી આપી છે, કારણ કે એમની પાસે આવી કોઈ બે નંબરની રકમ હતી જ નહીં. એમનો હિસાબ-કિતાબ મલ્હોત્રા નામના આસિસ્ટન્ટ કં પી.એ. પાસે હતો. એમના પત્ની જયાબેનને પણ હિસાબની કશીયે ખબર નહોતી. બંને એકદમ ડઘાઈ ગયા હતા. જોગનુજાગ આજે જ મલ્હોત્રા નહોતો આવ્યો કે એનો ક્યાંય પત્તો પણ નહોતો લાગ્યો. એમણે સેન સાહેબને સમજાવવામાં કંઈજ બાકી ન રાખ્યું, પણ સેને પોતાની હઠ પકડી રાખી અને છેવટે વાત ઘરની તલાશી લેવા સુધી પહોંચી ગઈ. તલાશીની વાતથી લક્ષ્મીકાંતને ખૂબ જ આઘાત લાગ્યો. છાપાઓમાં નાહક જ સ્કેન્ડલ ઊભું થશે, અફવાઓ જોર પકડશે...સમાજમાં નીચું જોવું પડશે...વગેરે વિચારોએ એમને એકદમ હતાશ કરી મૂક્યા ને પછી ન-છૂટકે એમણે ઘરની તલાશી લેવાની મંજુરી આપી દીધી. સેન અને એના સહકારીઓને તલાશીમાં કોઈ જ કિમતી ઝવેરાત મળ્યું નહીં. રોકડ રકમના નામ પર ફક્ત દસ હજાર રૂપિયા મળ્યા. આ રકમ ઘરમાં રીપેરીંગ કરાવવા માટે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લઈને મેળવી છે અને પોતે આ ઓવરડ્રાફ્ટ લીધો છે એ વાત પુરવાર કરવાની પણ લક્ષ્મીકાંતે તૈયારી બતાવી. પછી પુજાના સ્થળે સેનને ભગવાનની મૂર્તિ પાસેથી ચલણી નોટોનું એક નજીવી રકમનું બંડલ મળ્યું, તો શ્રીમતી જયાબહેને જણાવ્યું કે – આ રકમ અમને ફિલ્મ ‘પારસમણી’ના અત્યંત લોકપ્રિય ગીતો માટે ભેટ તરીકે મળી છે. અમારે માટે એ શુકનવંતી હોવાથી અને એને ઇષ્ટદેવના ચરણે ઘણા સમય પહેલાં મૂકી દીધી છે. – સેનનો ચહેરો ઊતરી તો ગયો પણ છતાંય તેઓ સવાલો પુછતાં જ રહ્યા. છેવટે એમણે દિલ્હી સુધી ધક્કા ખવડાવવાની ધમકી આપી. લક્ષ્મીકાંત હવે ખૂબ જ અકળાયા હતા. તેઓ આ પ્રકરણને જગબત્રીસીએ ચડાવવા નહોતા ઈચ્છતા. જોકે સેનને એમના વિશે બાતમી પણ ખોટી જ મળી હતી, કારણકે એમની પાસે આવી કોઈ બે નંબરી રકમ હતી જ નહીં, પરંતુ કોણ જાણે કેમ સી.બી.આઈ.ના આ અધિકારીને એમના પર ભરોસો નહોતો બેસતો. જોકે સવાલો પૂછી-પૂછીને હવે તેઓ પણ કંટાળ્યા હોય, થાક્યા હોય એવા હાવભાવ સાથે એમણે લક્ષ્મીકાંતને સલાહ આપી કે, દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે અને પોતાને પણ આવી અરુચિકર ફરજ ન બજાવવી પડે એટલા માટે કોઈક વચલો માર્ગ કાઢવો જોઈએ અને થોડી વાતચીત પછી સેનને આ કાર્યવાહી અહીંથી જ અટકાવી દેવા માટે દસ હજાર રૂપિયા રોકડા અને દસહજાર રૂપિયાનો સેલ્ફ બેરરનો ચેક – એમ કુલ વીસ હજાર રૂપિયા આપવા એવું નક્કી થયું.
લક્ષ્મીકાંત અને જયાબહેને કચવાતે મને એની માગણી પૂરી કરી દીધી. સેન પોતાના સહકારીઓ સાથે એમને ત્યાંથી ચાલ્યા ગયા. એમના ગયા પછી લક્ષ્મીકાંતને મળવા ‘ગ્રેટ શોમેન’ રાજકપૂર આવ્યા. લક્ષ્મીકાંતે એમને સી.બી.આઈ. વાળા વિશે વાત કરી. એ સાંભળીને રાજકપૂર વિચારમાં પડી ગયા. પછી થોડી વાર બેસીને તેઓ ચાલ્યા ગયા.
કોણ જાણે કેમ હવે લક્ષ્મીકાંતને કંઈક શંકા આવતાં એમણે ભારતકુમાર ઉર્ફે મનોજકુમારને ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરી તો એમણે કહ્યું કે, - ‘કાળું નાણું બહાર લાવવા માટેનું કાર્ય ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનું છે, સી.બી.આઈ.નું નહીં...! દિલ્હીથી સી.બી.આઈ. વાળા આવે તો સૌથી પહેલાં મુંબઈ સી.બી.આઈ.ને જાણ કરે. ખેર, તમે ચિંતા કરશો નહીં. સી.બી.આઈ.માં મારો એક મિત્ર કામ કરે છે, એની મારફત હું તપાસ કરાવું છું.’ કહીને મનોજકુમારે ફોન મૂકી દીધો.
બપોરે ત્રણ વાગ્યે લક્ષ્મીકાંતના સેક્રેટરી મલ્હોત્રાનો ફોન આવ્યો એટલે લક્ષ્મીકાંતે ફોન પર જ એનો ઉધડો લીધો અને પોતાને ત્યાં દરોડો પડ્યાની વાત જણાવી દીધી. આ સાંભળીને મલ્હોત્રા હેબતાઈ ગયો અને કહ્યું:
‘સર, મારે ત્યાં પણ સી.બી.આઈ. વાળા આવ્યા હતા. માંડમાંડ સાડાત્રણ હજાર રૂપિયા આપીને એ લોકોને મેં વિદાય કર્યા છે અને એ જ કારણસર હું સવારે ઘેર નથી આવી શક્યો.’
*
મનોજકુમારે કરેલી તપાસમાં એવી વાત બહાર આવી કે – ‘દિલ્હી સી.બી.આઈ.માં કોઈ મિસ્ટર સેન છે જ નહીં...! કોઈક ઠગટોળકીનું આ પરાક્રમ છે, માટે પોલીસ ફરિયાદ કરવી જ જોઈએ. વારુ, બંને ઓફિસરોના આઇડેન્ટિટી કાર્ડ પર લખેલાં નામ તમને યાદ છે...?’
લક્ષ્મીકાંતે જવાબ આપ્યો કે એક કાર્ડ પર સુપ્રિન્ટેન્ડેન્ટ મિસ્ટર સેન અને બીજા કાર્ડ પર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ કાપડિયા લખેલું હતું.
ત્યાર બાદ તેઓએ મુંબઈ પોલીસ કમિશ્નરને મળીને તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. છેવટે આ પ્રકરણની તપાસ છૂપી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર વસંત ખોટેને સોંપાઈ. ખોટેએ મુંબઈના ગુનેગારોના ફોટાનું આલ્બમ લક્ષ્મીકાંતને બતાવ્યું, પણ એમાં કોઈ જ સેન કે કાપડિયા નહોતો. ખોટે પાસે હવે લક્ષ્મીકાંતે અપરાધીના જણાવેલા વર્ણન સિવાય બીજો કોઈ મુદ્દો નહોતો. ખૂબ વિચાર્યા પછી એણે પોતાના આસિસ્ટંટ વિનાયકને આ તપાસમાં કામે લગાડી દીધો. વિનાયક છૂપી પોલીસમાં છે એવી અપરાધી આલમને ખબર નહોતી એટલે મુંબઈ શહેરના નામી-અનામી ગુનેગારો વચ્ચે વિનાયકની ઊઠબેસ હતી.
ખોટે પોતે પોતાની રીતે કામ કરતા રહ્યા.
બીજી તરફ સત્તર દિવસ પછી અચાનક જ અઢારમેં દિવસે ખોતેની મુલાકાત રમેશ ગુપ્તા નામના એક સફેદ ઠગ સાથે થઈ. રમેશના જણાવવા પ્રમાણે પાટોલે નામનો એનો એક જીગરી દોસ્ત હતો અને બંને લગભગ દરરોજ મળતા હતા. પાટોલેએ એક વખત શરાબના નશામાં રમેશને જણાવ્યું હતું કે – દિલ્હી સી.બી.આઈ.ના એક બહુ મોટા ઓફિસર સાથે મારે ઓળખાણ છે. એ ઓફિસર અવારનવાર મુંબઈ આવીને છાપા મારે છે તથા ચોરી અને દાણચોરીનો માલ પકડે છે. એક વખત દિલ્હીના આ ઓફિસરે એક સ્થળે છાપો મારવા માટે મારી મદદ પણ લીધી હતી.
‘આ તો ઘણું સરસ કહેવાય...!’ ખોટેએ રમેશની પીઠ થાપડતાં કહ્યું, ‘આ હિસાબે તો તારો દોસ્ત પાટોલે ખરેખર જ કોઈક વાર આપણને ઉપયોગી થઈ પડે એવું લાગે છે.’
‘અરે દોસ્ત...પાટોલે એટલે પાટોલે...! જોકે એના દોસ્તો પણ કમ નથી. એના બે ખાસ દોસ્તો સતપાલ અને નકવી છે. આ નકવીએ થોડા દિવસ પહેલાં અંધેરી રેલવેસ્ટેશન પાસેની એક હોટલમાં મારી મુલાકાત દિલ્હી સી.બી.આઈ. ઓફિસર ખાન સાથે કરાવી હતી. આ ખાન પણ ખૂબ હોશિયાર છે. નવાઈ તો એ વાતની છે કે આવડા મોટા અધિકારીને કૈલાસ પણ છેતરી ગયો હતો. પૂરા ચાલીસ હજારમાં ખાનસાહેબ શીશીમાં ઊતરી ગયા હતા. કૈલાસને શોધવા માટે નકવીએ મારી મદદ માગતા કહ્યું હતું કે જો હું કૈલાસને પકડી પાડવામાં મદદ કરું તો સી.બી.આઈ. તરફથી મને મોટું ઈનામ મળશે. બસ, સતપાલને સાથે રાખીને હું કૈલાસને શોધવા નીકળી પડ્યો. હવે કૈલાસ વિશે કહું...! તે દાણચોરીના સોનાની હેરાફેરી કરે છે. આ માણસ દાણચોર છે એવી ખબર પડતાં જ દિલ્હી સી.બી.આઈ.એ તેને રેડ હેન્ડ પકડી પાડવા માટે સૂચના આપી. ખાનસાહેબે યેનકેન પ્રકારેણ મહેનત કરીને કૈલાસને શોધી કાઢ્યો અને પોતે સોનું ખરીદનાર ગ્રાહક છે એવું એના મનમાં ઠસાવીને ચાલીસ હજાર રૂપિયા રોકડા સોનું ખરીદવા માટે આપ્યા. પણ રહીરહીને કૈલાસને એમના વ્યક્તિત્વ પર શંકા આવવાથી સોનું આપવા જવાને બદલે ચાલીસ હજાર રૂપિયા સાથે એ ક્યાંક નાસી છૂટ્યો. હવે આ રકમ કંઈ સી.બી.આઈ. તો ખાનસાહેબને આપે નહીં, એટલે એ એમને જ ભોગવવાનો સમય આવ્યો હોવાથી તેમણે અકળાઈને નકવીને સૂચના આપી કે ગમેતેમ કરીને કૈલાસને શોધી કાઢો, પણ આજ દિવસ સુધી કૈલાસ ઝડપાયો નથી.’ કહીને રમેશે પોતાની વાત ખોટે પાસે પૂરી કરી.
‘બિચારા ખાનસાહેબ તો ફરજ બજાવવા જતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા !’ ઇન્સ્પેક્ટર ખોટેએ રમેશ સામે જોઈને સહાનુભુતિ વ્યક્ત કરી અને પછી પૂછ્યું, ‘વારુ, ખાનસાહેબ દિલ્હીથી અહીં મુંબઈ આવીને ક્યાં ઉતરે છે ?’
‘એ તો હું નથી જાણતો, પણ કદાચ નકવીને ખબર હશે...!’
‘અને આ નકવી ક્યાં રહે છે ?’ ખોટેએ પૂછ્યું.
‘એનું સરનામું મારી પાસે નથી. પણ પાટોલેને ખબર છે...!’
‘તું આ બધાની મને મુલાકાત કરાવી શકીશ...?’
‘ચોક્કસ...’
અને આમ રમેશ મારફત ખોટે પાટોલે અને સતપાલ સુધી પહોંચી ગયો, પણ નકવીનો પત્તો મળ્યો નહીં. ખાનસાહેબ મુંબઈ કઈ હોટેલમાં ઊતરે છે એ તેઓ જાણતા નહોતા. નકવી જ ખાન સાથે એમની મુલાકાત હોટલમાં કરાવતો હતો. નકવી અંધેરીમાં મોહન સ્ટુડિયોની આજુબાજુમાં ક્યાંક રહેતો હતો. આ વિગતો ખોટેએ વિનાયકને જણાવી દીધી અને અંધેરી જઈ ગમેતેમ કરીને નકવીને શોધી કાઢવાની સૂચના આપી.
*
બે દિવસની સતત રઝળપાટ પછી કેટલીયે પૂછપરછ કર્યા બાદ નકવીનો પત્તો મળી ગયો. વિનાયકે તેને પોતાની સાથે લાવીને ખોટે સમક્ષ ઊભો રાખી દીધો. નકવીનો દેખાવ ખાનદાની નવાબ જેવો હતો. તે ભાષા પણ લખનવી જ બોલતો હતો. ખોટેએ હાસ્યસહ એની જ ભાષામાં કહ્યું :
‘બડી દુશ્વારીયોં સે હુએ દીદાર આપકે, અબ કહીં બીચમેં નાસમઝી કી દીવાર ન આ જાયે...!’
ત્યાર બાદ ખોટેએ તેને માન સહિત ખુરશી પર બેસાડીને ચા-નાસ્તો કરાવ્યાં અને પછી ધીમા, ગંભીર અવાજે કહ્યું, ‘સાંભળો જનાબ, કૈલાસ નામનો એક માણસ અમારી ચુંગાલમાં સપડાયો છે. શું તમે ઓળખો છો એને...? તે ઉત્તરપ્રદેશનો ભૈયો છે. એણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. હવે જાણે વાત એમ છે કે કોઈક ખાન સાહેબ પાસેથી છેતરપીંડી કરી ચાલીસ હજાર રૂપિયા લઈને તે નાસી ગયો હતો, પણ પછી તેને ખબર પડી કે ખાનસાહેબ તો સી.બી.આઈ.નો બહુ મોટો ઓફિસર છે એટલે એ ગભરાઈ ગયો છે અને હાથેપગે લાગીને તે તેમની રકમ પછી સોંપી દેવા માગે છે.’ કહીને ખોટેએ એની સામે જોયું.
‘તો સાહેબ...તમે ખાનસાહેબને જ પૂછો ને...!’ નકવીએ જવાબ આપ્યો.
‘એટલે જ તમને તકલીફ આપી છે, જનાબ...! તમે કૈલાસના વકીલને તમારી સાથે લઈ જાઓ અને ખાનસાહેબ સાથે વાત કરાવી દો તો સારું...!’
‘ભલે...’ નકવીના મોમાંથી અચાનક જ “ભલે” શબ્દ નીકળી ગયો, ‘હું વાત કરાવી દઈશ...!’
ત્યાર બાદ નકવીએ આપેલા સમયે બીજે દિવસે સવારે દસ વાગ્યે અંધેરીની એક ઈરાની હોટલ નજીક ખોટે પોતાના સાથીદારો સાથે જઈને ઊભો રહી ગયો. અંધારામાં છોડેલું તીર નિશાન પર ચોંટી ગયું હતું. ખોટે સાથે વકીલની ભૂમિકા હવાલદાર વિનાયકે ભજવી હતી. નક્કી થયા પ્રમાણે ખોટે હોટલથી થોડે દૂર અન્ય સાથીઓ સાથે ઊભો હતો, જ્યારે વિનાયક નકવીને મળવા હોટલમાં ચાલ્યો ગયો. એક કલાક પછી એણે વિનાયકને ત્રણ માણસો સાથે બહાર નીકળતો જોયો. ખોટે સામે વિનાયકે છૂપો નેત્રસંકેત કર્યો અને પછી ત્રણેય સાથે આગળ વધી ગયો.
ખોટેના કહેવાથી તેના સહકારીઓએ તેઓ ચારેયને ઘેરી લીધા. ખાન એકદમ ચમકી ગયો. કૈલાસ પાસેથી ચાલીસ હજાર રૂપિયા મેળવવાની લાલચમાં એ પોતાના બે સાથીઓ સાથે પોલીસે બિછાવેલી જાળમાં આબાદ ફસાઈ ગયો હતો. ખાનનું પૂરું નામ અનિસખાન હતું ને સી.બી.આઈ. ઓફિસર બનીને સંગીતકાર લક્ષ્મીકાંત અને જયાબહેનને ડરાવી-ધમકાવીને એણે જ વીસ હજાર રૂપિયા પડાવ્યા હતા. લક્ષ્મીકાંત અને જયાબહેને પોલીસ-સ્ટેશનમાં ખાનને જોતાંની સાથે જ સી.બી.આઈ. સુપરીન્ટેન્ડન્ટ સેન તરીકે ઓળખી કાઢ્યો. ખાનના ઘરની તલાશી લેવામાં આવી તો સી.બી.આઈ. ના નકલી આઇડેન્ટિટી કાર્ડ, વોરંટના ફોર્મ, રબ્બર-સ્ટેમ્પ, બેંકની એક પાસબુક અને દસ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા. કાપડિયા નામધારી ગુનેગારનું સાચું નામ બિંદુભૂષણ ચેટરજી હતું અને એ કલકત્તા નિવાસી હતો.
પોલીસે ખાન પર ચૌદમું રતન અજમાવતાં જ ચેટરજીનું સરનામું એણે આપી દીધું. પાછળથી મુંબઈ પોલીસે એની પણ ધરપકડ કરી.
આમ નકલી સી.બી.આઈ.ના વેશધારી ઓફિસરો ખોટેની ચુંગાલમાં આવી ગયા. કોર્ટે એ સૌને એક-એક વર્ષની સજા ફરમાવી દીધી. સબ-ઇન્સ્પેક્ટર ખોટેએ એક પણ પુરાવા વગર અપરાધીઓને પકડી પાડ્યા એ માટે એમને અભિનંદન આપતાં સંગીતકાર લક્ષ્મીકાંતે સંગીતની શબ્દાવલીમાં જ કહ્યું :
‘ખોટે સાહેબ, તમે લય, તાલનો સરસ સુમેળ સાધ્યો અને એ માટે ખરેખર હું તમને અભિનંદન આપું છું. પણ આમાં એક માત્રા તો રહી જ ગઈ છે. મારા પી.એ. મલ્હોત્રાને પણ આ લોકોએ છેતરીને સાડા ત્રણ હજાર રૂપિયા પડાવ્યા હતા, એનો તમારી તપાસમાં ક્યાંક ઉલ્લેખ નથી.’
ખોટે ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, ‘જે બનાવ બન્યો જ ન હોય એનો ઉલ્લેખ ક્યાંથી થાય...?’
‘એટલે...?’ લક્ષ્મીકાંતે ચમકીને પૂછ્યું.
‘હવે જાણે વાત એમ છે કે તમારે ઘેર જ્યારે નકલી સી.બી.આઈ. ઓફિસરોની પધરામણી થઈ હતી ત્યારે મલ્હોત્રા તમારી ડ્યુટી પર હાજર નહોતો અને જ્યારે તમે એને ફોન પર સી.બી.આઈ.ના દરોડા વિશે જણાવ્યું ત્યારે તે એકદમ ગભરાઈ ગયો અને ડ્યુટી પર હાજર ન થવા બદલ નારાજ થઈને તમે એને નોકરીમાંથી કાઢી મુકશો એવો ભય લાગતાં પોતાને ત્યાં આવો દરોડો પડ્યાનો ગપગોળો એણે ગબડાવ્યો હતો,, જેથી એની નોકરી સલામત રહે ! બોલો, હવે આમાં કઈ માત્રા ખૂટે છે...?’
‘એકેય નહીં, ખોટેસાહેબ...!’ કહીને લક્ષ્મીકાંતે સ્મિત ફરકાવ્યું.
Feedback: Facebook.com/Kanu Bhagdev