અપૂર્ણવિરામ - 11 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 11

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૧

“ગણપત પાછો ભટકાઈ ગયો હતો. એ એકલો નહોતો. સાથે મિશેલ મેડમ પણ હતાં. બન્ને મળી ગયાં લાગે છે. સુમન પર જોખમ છે... કંઈક કરો...”

જે ક્ષણે મુકતાબેનના મોઢામાંથી આ શબ્દો બહાર નીકળ્યા તે જ ક્ષણથી નક્કી થઈ ગયું હતું કે મોક્ષના ચિત્તમાં તે ચોંટી જવાના છે.

સુમન પર જોખમ?

મુકતાબેન રડીને અંદર જતાં રહૃાાં, પણ મોક્ષ જડ બેસી રહૃાો.

“કમ ઓન, ગેટ અપ!” રિતેશ કહી રહૃાો હતો, “મિશેલ અને પેલો ગણપત આટલામાં જ ક્યાંક હશે. ચાલ પકડીએ સાલાઓને...”

મોક્ષ હલ્યો નહીં.

“ઊભો થા, મોક્ષ? શું વિચારે છે?”

મોક્ષ ઊભો તો થયો, પણ બંગલાની બહાર જવાને બદલે અંદર ભાગ્યો. ઊતાવળે પગથિયાં ચડીને એ સુમનના કમરામાં આવી ગયો. સુમન દીવાલ પર જડેલાં એલએઈડી ટેલીવિઝનની સાવ પાસે ઊભી રહીને કોઈ જૂનું હિન્દી ગીત ધ્યાનથી જોઈ રહી હતી. સુમનને નાનપણથી જ મ્યુઝિક ચેનલો જોવાનું સૌથી વધારે ગમતું. તે પણ ટીવીને લગભગ ચોંટીને.

મોક્ષ દરવાજા પાસે થંભી ગયો.

“તને કેટલી વાર કહૃાું છે સુમી કે આટલા પાસે જઈને ટીવી નહીં જોવાનું? આંખો ખરાબ થઈ જશે.”

સુમન પર કશી અસર ન થઈ. કોણ જાણે કેમ, પણ મોક્ષને આ વખતે ગુસ્સો ન આવ્યો. કશું જ બદલાયું નથી. સુમન નોર્મલ છે, સલામત છે! આ ક્ષણનું આ સૌથી મોટું સત્ય છે. આ પ્રતીતિ બહુ મહત્ત્વની હતી એના માટે.

એ દરવાજેથી જ પાછો વળીને ખુદના કમરા તરફ આગળ વધ્યો. રિતેશ ટેરેસ-બાલ્કનીમાં ઉચાટથી ચક્કર લગાવી રહૃાો હતો.

“તું કમાલ કરે છે, મોક્ષ. આપણે એ લોકોને આસાનીથી પકડી શક્યા હોત, જવાબ માગી શક્યા હોત, પણ તું-”

એટલામાં માયા અને રુપાલી અંદર આવ્યાં.

“કંઈ ગરબડ છે?” માયાએ પૂછ્યું, “મુકતાબેનને કંઈ થયું છે? કિચનમાં આવીને એકદમ રડવા લાગ્યાં. પૂછ્યું તો કંઈ જવાબ ન આપ્યો.”

મોક્ષે ટૂંકમાં આખી વાત કરી.

“ઈઝન્ટ ઈટ સ્ટ્રેન્જ?” માયાએ કહૃાું, “મિશેલ ઘરમાંથી ગાયબ થઈ ગઈ એટલે આપણે સમજતાં હતાં કે એ એના ઓસ્ટ્રેલિયન દોસ્તો પાસે ગઈ હશે, પણ એ તો અહીં જ છે, આ જ એરિયામાં...ને પાછી ગણપત ટાઈપના લોકો સાથે ઉઠબેસ કરી રહી છે.”

“એનું શું કારણ હશે?” રુપાલીએ પૂછ્યું.

“ખબર નથી પડતી, યાર. ખરેખર સમજાતું નથી કે મિશેલના મનમાં શું ચાલી રહૃાું છે...” મોક્ષે અકળાઈને માથું ધૂણાવ્યું.

“પણ ગણપત સાથે મિશેલને શું લાગેવળગે?” રિતેશે સિગારેટ સળગાવી,“અને મુકતાબેન એવું કેમ બોલ્યાં કે સુમન જોખમમાં છે?”

“એવું શક્ય નથી કે મુકતાબેનથી કોઈ ગેરસમજ થઈ રહી હોય?” માયાએ સહેજ દબાઈને કહૃાું, “મિશેલ ધારો કે ગણપત સાથે દેખાઈ હોય તો પણ શું? આઈ મીન, આપણે શા માટે એનો નેગેટિવ અર્થ જ કાઢવો જોઈએ?”

“તારો પ્રોબ્લેમ શું છે, તું જાણે છે માયા?” મોક્ષનો અવાજ ખેંચાઈ ગયો, “સામેના માણસમાં કશું જ નેગેટિવ ન જોવાની તારામાં જીદ હોય છે. માણસ રાક્ષસ હોય તો પણ તું છેક સુધી એને બેનિફિટ-ઓફ-ડાઉટ આપતી રહીશ, એનામાંથી સારું સારું શોધીને જોયા કરીશ ને પછી જ્યારે બધું જ સારું ખોતરાઈ જાય ને ખરાબ સિવાય બીજું કશું જ બાકી ન રહે ત્યારે તને ધક્કો લાગશે કે ઓહ, આ માણસને મેં આવો નહોતો ધાર્યો! ગ્રો અપ, માયા! ક્યાં સુધી મિશેલને દોસ્તીનાં ચશ્માં પહેરીને જોયા કરીશ તું? તને હજુય સમજાતું નથી કે એ બાઈ શેતાન છે? કાન્ટ યુ સી?”

વાતાવરણ ભારે થઈ ગયું. સૌના ચહેરા પર ગંભીરતા થીજી ગઈ હતી. ઉકળાટ સહેજ ઓછો થયો એટલે મોક્ષ ઊખડેલા અવાજે બોલ્યો, “મિશેલ ઓસ્ટ્રેલિયાથી આવી ત્યારે લાગતું હતું કે પ્રોપર્ટી પર કબ્જો જમાવવા આર્યમાને એને મોકલી છે... પણ વાત ફકત પ્રોપર્ટીની નથી. મામલો કંઈક જુદો જ છે... અને વધારે ખતરનાક છે!”

ષ્ઠ ૦ ૦ ૦

બીજા દિવસે સાંજે રિતેશ અને રુપાલીએ વિદાય લીધી. જાણે એમની જવાની જ રાહ જોતી હોય તેમ મિશેલ રાત ઘેરાતાં ઘરે પાછી ફરી.

“એ આવી ગઈ છે...” મોક્ષની આંખો ચકળવકળ થવા લાગી, “મને વાત કરવા દે એની સાથે.”

“મોક્ષ, નો!” માયાએ એનું કાંડું પકડીને બેસાડી દીધો, “ક્યાંય નથી જવું તારે. મને ખબર છે કે તું એની સાથે વાત નહીં કરે, તું વાત વધારીશ.”

“મારે વાત વધારવી જ છે, માયા! હાથ છોડ મારો.”

“બિલકુલ નહીં. હું તને નહીં જ જવા દઉં મિશેલ પાસે. અત્યારે તો નહીં જ.”

મોક્ષ અકળાઈ ગયો.

“જો મોક્ષ, ભલે તને લાગતું હોય કે હું માણસને ઓળખી શકતી નથી, પણ હું તને ઓળખું છું... ને એટલા માટે જ કહું છું કે અત્યારે મિશેલની સામે જવું તારા માટે યોગ્ય નથી. જો તને લાગતું હોય કે કોઈએ એની પાસેથી જવાબ માગવો જોઈએ તો હું જાઉં છું એની પાસે.”

“તું શું વાત કરીશ એની સાથે?”

“એ તું મારા પર છોડી દે.”

માયા ઊભી થઈને બેડરુમની બહાર જતી રહી. મોક્ષ સમસમીને બેસી રહૃાો.

ઘરમાં આવીને મિશેલ સીધી કિચન તરફ વળી ગઈ છે તે માયાએ પગથિયાં ઊતરતાં ઊતરતાં જોયું. મુકતાબેન કિચનમાં જ હતાં. માયા કિચનની બહાર ઊભી ઊભી બન્નેની વાત સાંભળવા લાગી.

મુકતાબેન પ્લેટફોર્મ સાફ કરી રહૃાાં હતાં. મિશેલે કિચનમાં પગ મૂક્યો એ એમણે તરત ત્રાંસી નજરે જોઈ લીધું હતું, પણ કશું બોલ્યાં વગર નીચું જોઈને ચુપચાપ કામ કરતાં રહૃાાં. મિશેલે ફ્રિજ ખોલ્યું, ઠંડા પાણીની બોટલ લીધી, એક સફરજન બહાર કાઢ્યું.

“મુકતાબેન...”

હવે એની સામે જોયા વગર છૂટકો નહોતો.

“નો ફૂડ ફોર મી.... નો ડિનર, ઓકે?”

મિશેલ ઈશારાથી સમજાવવાની કોશિશ કરી રહી હતી આજે રાત્રે એ જમવાની નથી. એનો અવાજ અને ચહેરો બન્ને બિલકુલ સામાન્ય હતા. બલકે, હોઠ પર આછી મુસ્કાન પણ હતી. મુકતાબેને હકારમાં માથું હલાવ્યું ને પાછાં કામ કરવા લાગ્યાં.

તરત એક વાત માયાનાં મનમાં સ્પષ્ટ થઈ ગઈઃ મિશેલ એ વાત જાણતી નથી કે મુકતાબેન એને ગણપત સાથે જોઈ ગયાં છે... ને ગણપત સાથે એ સંપર્કમાં છે એની અમને પણ ખબર પડી ગઈ છે! ગણપતનો કશો ઉલ્લેખ જ ન થયો ને જાણે કશું બન્યું જ નથી તે રીતે બન્ને વર્ત્યા તેથી માયાને એકંદરે શાંતિ થઈ.

ફ્રિજ બંધ કરીને મિશેલ કિચનમાંથી જેવી બહાર આવી તરત થંભી ગઈ. માયા આ રીતે દરવાજા પાસે ખામોશ ઊભી હશે એવી અપેક્ષા એણે નહોતી રાખી. મિશેલે ઝાટકા સાથે એની સામે જોયું, ગોફણમાંથી સનનન કરતો પથ્થર છોડતી હોય તેમ. માયા અસ્થિર થઈ ગઈ, પણ એણે ચહેરો સૌમ્ય બનાવી રાખ્યો. ક્ષણાર્ધમાં, જાણે સબ સલામતનો ત્વરિત સંકેત મળી ગયો હોય તેમ મિશેલ સામાન્ય થઈ ગઈ.

“હાઈ, માયા!” એ બોલી, સહેજ હસીને.

આ હાસ્યમાં કેટલી સ્વાભાવિકતા હતી અને કેટલી કૃત્રિમતા તે માયાને સમજાયું નહીં. હેલો...”

“માયા, થાકેલી છું, બહારથી હમણાં જ આવી. પછી આરામથી વાત કરીએ?”

મિશેલને કેવી રીતે જાણી ગઈ કે પોતે કશીક વાત કરવા આવી છે?

“ઓલરાઈટ, માયા. પછી વાત કરીશું.”

“થેન્કસ. ગુડનાઈટ.”

“ગુડનાઈટ.”

એક હાથમાં પાણીની બોટલ અને બીજા હાથમાં સફરજન પકડીને મિશેલ ચક્રાકાર સીડીનાં પગથિયાં ચડવા લાગી.

“મિશેલ, એક મિનિટ!” માયાએ એકદમ કહૃાું, “જતાં પહેલાં આ એક સવાલનો જવાબ આપતી જા.”

મિશેલ ઊભી રહી ગઈ.

“તને અમારાં દોસ્તો સામે શો વિરોધ છે?” માયાના અવાજની ધાર તીક્ષ્ણ થવા માંડી, “તે રાત્રે તું શા માટે રિતેશ અને રુપાલીને ઘરની બહાર કાઢી મૂકવા પાગલ બની હતી?”

મિશેલ મૌન રહી. એક-બે પળ ચુપચાપ માયાને જોતી રહી. પછી આંખો ચમકાવીને, અવાજને સહેજ વળ ચડાવીને બોલી, “તમે ઓલરેડી જાણો છો આનો જવાબ, માયા! નથી જાણતા શું?”

માયા સહમી ગઈ. શું બોલવું એ તેને સમજાયું નહીં. મિશેલના પ્રતિપ્રશ્નને અવગણીને એણે બીજો સવાલ ફેંક્યો,“એક બીજી વાત. તું આજે -”

“હું બહુ થાકેલી છું, કહૃાુંને! પછી ડિસ્કસ કરીશું. ગુડનાઈટ, સ્વીટહાર્ટ!”

મિશેલ નિસ્પૃહતાથી ઉપર જતી રહી. માયા એ જ જગ્યાએ સ્તંભની જેમ ખોડાયેલી ઊભી રહી.

ષ્ઠ ૦ ૦ ૦

રાત્રિનો લગભગ દોઢ વાગ્યો હશે. મિશેલ બાથરુમમાંથી બહાર આવી. એણે ફકત સ્તનો અને નિતંબ ઢંકાય તે રીતે નાનો સફેદ ટુવાલ શરીર ફરતે દબાવીને વીંટાળી રાખ્યો હતો. છેલ્લી પોણી કલાકથી એ વાઈનનો ગ્લાસ લઈને બાથટબના ફીણ વગરના હૂંફાળા પાણીમાં મદહોશ પડી હતી એટલે એનો થાક ઓગળી ગયો હતો. હેરબ્રશ લઈને એ પૂર્ણ કદના અરીસા સામે ઊભી રહી. શરીરની ખુલ્લી સપાટી પર હજુ આછી આછી ભીનાશ હતી, જે અરીસા પર ઝળુંબતા લેમ્પના પ્રકાશમાં શાંત ચમકી રહી હતી. ધીમે ધીમે ભીનાં વાળ ઓળી લીધા પછી એ હેર-ડ્રાયર આન કર્યું. ઉશ્કેરાયેલા હેર-ડ્રાયરમાંથી ફેંકાતા ગરમાટાનો એકધારો જથ્થો વાળમાંથી આરપાર થઈને કાન, ગરદન અને ખભા પર ઘુમતો રહૃાો. વાળ ઠીક થઈ ગયા. હેર-ડ્રાયર શાંત થઈ ગયું. મિશેલ અજબ મદ અનુભવતી એકાદ-બે ક્ષણ એમ જ ઊભી રહી. પછી હળવેથી ટુવાલની ગાંઠ ઢીલી કરી. ટુવાલ સરકીને નીચે પડ્યો, એક પતિતાના આત્મસન્માનની જેમ. મિશેલ હવે સંપૂર્ણપણે અનાવૃત્ત થઈ ચુકી હતી. પોતાનાં ઘાટીલાં નગ્ન પ્રતિબિંબનેે એ ક્યાંય સુધી વાસનાથી નિરખતી રહી. પછી અંતઃવસ્ત્રોને સ્પર્શ્યા વિના એક મુલાયમ સ્લીવલેસ કપડું શરીર પર ચડાવી લીધું જે એના સાથળ સુધી પહોંચતું હતું. ડ્રેસિંગ ટેબલની લાઈટ આફ કરીને એણે અસ્તવ્યસ્ત ડબલબેડ પર પડતું મૂક્યું. સાઈડટેબલ પરથી મોબાઈલ હાથમાં લીધો. સંધાન થતાં જ એનો પ્રલાપ શરુ થઈ ગયોઃ

“આર્યમાન, ડાર્લિંગ... શું કરે છે, બેબી? એકલો જ છે? શ્યોર? તું ક્યારથી આટલો બધો સુધરી ગયો? હું પણ અહીં એકલી જ છું. હમણાં જ નહાઈને બહાર નીકળી. બિસ્તર પર આડી પડી છું... નેકેડ! આઈ નીડ યુ, આર્યમાન...”

મિશેલે રિમોટથી એરકન્ડીશનિંગ તેજ કર્યું. થોડી પળો માટે આર્યમાનની વાત સાંભળતી રહી. પછી કહૃાું, “જો, મારું કામ બરાબર આગળ વધી રહૃાું છે. એક-બે સરસ લીડ પણ મળી છે. આ ગણપત કામનો માણસ છે. તકલીફ એક જ છે. એને અંગ્રેજી બિલકુલ આવડતું નથી, મને એની ભાષા આવડતી નથી એટલે કમ્યુનિકેશન થઈ શકતું નથી. કંઈક કરવું પડશે. તું આવી જાને મુંબઈ થોડા દિવસ માટે! મારું કામ આસાન થઈ જશે... નો! તું આવ જ. આઈ વોન્ટ યુ...”

મિશેલની આંગળીઓ ખુદનાં અંગો પર નજાકતથી ફરી રહી હતી. એના અવાજમાં ઉષ્ણતા ઉમેરાવા લાગી,“તું એક વીક માટે તો ઈન્ડિયા આવી જ શકે. જલદી પ્લાન કર. તને બહુ મિસ કરી રહી છું. તને... અને તારા બ્રાઉન શરીરને! ફોન પર તારો અવાજ કેટલો સેકસી લાગે છે, આઈડિયા છે તને? આટલા બધા દિવસ માટે બ્રહ્મચારી રહેવાની મને આદત નથી, આર્યમાન!જો તું નહીં આવે તો મારે મોક્ષને પકડવો પડશે!”

મિશેલ ખિલ ખિલ કરતી હસી પડી. હાસ્ય શમ્યું ને એની લીલી નસોમાં પુનઃ નશો પ્રસરવા લાગ્યો.

“આઈ લવ એશિયન મેન! તારો ભાઈ તો તારા કરતાં પણ વધારે હોટ છે ...અને મોક્ષે મને નગ્ન જોઈ લીધી છે! બહારથી ભલે એ મારા પર ક્રોધે ભરાયો હોય એવું નાટક કરે, પણ મનમાં ને મનમાં મને ફેન્ટેસાઈઝ કરે છે એ શું હું સમજતી નથી? માયા તો બેવકૂફ છે. મારા માટે બહુ આસાન છે મોક્ષનો શિકાર કરવો, આર્યમાન! હવે બોલ, તું ઈન્ડિયા જલદી આવે છે કે પછી હું મોક્ષને...”

ષ્ઠષ્ઠ૦ ૦ ૦

બહુ વિચિત્ર લાગી રહૃાું હતું જોસેફને. મિશેલ મેડમ આ રીતે બંગલો છોડીને પોતાની સાથે કારમાં બહાર આવવાનો આગ્રહ કરશે એવું એણે ધાર્યું નહોતું. મિશેલ ચુપચાપ ડ્રાઈવ કરી રહી હતી. મિડ-ચોકી પાસેથી રાઈટ ટર્ન લઈને ગાડી ન્યુ લિન્ક રોડ પર આગળ વધી ગઈ.

“આપણે ક્યાં જઈ રહૃાાં છીએ, મેડમ?”

મિશેલે કશો જવાબ ન આપ્યો. ગોરેગાંવ પસાર થઈ ગયું. જોગેશ્વરીમાં એક જગ્યાએ કાર પાર્ક કરીને બન્ને બહાર આવ્યાં. મિશેલે એક સસ્તાં બિયર બાર તરફ ઈશારો કર્યોર્ઃ

“અહીં!”

જોસેફ નવાઈ પામી ગયો.

“આપણે આ બારમાં જવાનું છે?”

“હા.”

“આ જગ્યા બરાબર નથી, મેડમ. એના કરતાં -”

“ચુપચાપ મારી સાથે આવ.”

અંધારિયા બિયર બારમાં પગ મૂકતાં જ બીડી-સિગારેટ-દારુની મિશ્ર ગંધની એક મોટી છાલક બન્નેને લાગી. ટેબલ-ખુરસી પર બબ્બે-ચાર ચારના ગ્રુપમાં બેઠેલા મજૂર કક્ષાના મેલાઘેલા પુરુષોનું ધ્યાન તરત મિશેલ પર પડ્યું. સૌની આંખો ચમકી ઊઠી. ઉકરડા જેવી જગ્યામાં આ હુસ્ન પરી ક્યાંથી આવી ચડી? સૌની લોલુપ નજરોને અવગણીને મિશેલ આગળ વધી ગઈ. ખૂણા પરના ટેબલ પર એક માણસ બીડીના ધુમાડા છોડતો એકલો બેઠો હતો. જોસેફ ફરી આંચકો લાગ્યો.

એ ગણપત હતો!

મિશેલ મેડમ મને ગણપતને મળાવવા લાવ્યાં છે?

“આવ જોસેફ, બેસ!” ગણપત પીળા દાંત દેખાડતો હસ્યો, “બહુ મોડું કરી નાખ્યું?”

બન્ને સાંકડમોકડ બેઠાં કે તરત એક નાનો છોકરો પાણીના ગ્લાસ મૂકી ગયો. બિયર બારના માલિક જેવો લાગતો માણસ ખુદ કાઉન્ટર છોડીને થનગન થનગન થતો ઓર્ડર લેવા આવી ગયો. ગણપતે રોફથી ઓર્ડર લખાવ્યો.

“જો જોસેફ,” મિશેલ કહેવા લાગી, “હું તને અહીં શું કામ લાવી છું તે સમજાવું. આ ગણપતને ઈંગ્લિશ સહેજ પણ આવડતું નથી. મને હિન્દી-ગુજરાતી આવડતાં નથી. અમારી વચ્ચે વાતચીત શક્ય નથી. એટલે તારે હવે દુભાષિયા તરીકે કામ કરવાનું છે...”

“મેડમ, તમે આ ચલતાપૂરજામાં ક્યાં ફસાયાં?” જોસેફે ફુસફુસાઈને કહૃાું, “આ તો તદ્દન નક્કામો માણસ છે. મુકતાબેનનું જીવવું હરામ કરી નાખ્યું છે આ નાલાયકે. આપણે આની સાથે શું લેવાદેવા?”

“કયો માણસ કેટલો લાયક છે ને કેટલો કામનો છે એ હું નક્કી કરીશ, તું નહીં!” મિશેલના અવાજમાં સખ્તાઈ આવી ગઈ, “તારે ફકત દુભાષિયા તરીકે કામ કરવાનું છે, સમજ્યો?”

જોસેફ ચુપ થઈ ગયો. ગણપત મસ્તીથી બન્નેના ચહેરા તરફ વારાફરતી જોઈ રહૃાો હતો. મિશેલે કહૃાું, “જોસેફ, આને પૂછ કે એ એકલો કેમ આવ્યો છે? એ કોઈકને સાથે લઈને આવવાનો હતો. એ ક્યાં છે?”

જોસેફે સાદી સમજાય એવી ભાષામાં તરજુમો કરી આપ્યો. ગણપત કુત્સિત હસ્યો. ગ્લાસમાં બચેલો શરાબ એકઝાટકે ગળે ઉતારી ગયો. બીડીની બે ઉપરાઉપરી સટ ખેંચીને ઠૂંઠુ નીચે ફેંકી દીધું. પછી પહેલાં મિશેલ સામે જોયું અને ત્યાર બાદ જોસેફની આંખમાં આખ પરોવીઃ

“જોસેફ, બોલ તારી મેડમને, હું જે માણસને મળાવવા માગું છું એ કોઈ રેંજીપેંજી નથી. ડેન્જરસ આદમી છે એ. એક વાર મળીને ચક્કર ચાલુ કરી દેશે પછી એને અટકાવી નહીં શકાય. ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ એનાથી પીછો નહીં છોડાવી શકાય. બોલ છે તૈયાર તારી મેડમ ઝેરના પારખાં કરવા માટે?”

જોસેફ ઠંડો થઈ ગયો.