કાલ્પનિક વાસ્તવિકતા - ૧૪ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૪

કાલ્પનિક વાસ્તવિકતા – ૧૪

ભાર્ગવ પટેલ

“બસ હવે બહુ થઇ ગયું.. હું કંઈ બોલતી નથી એટલે આ સાલાને બમણું જોર ચઢ્યું છે”, અમી દાંત ભીસીને બોલી. એણે તરત પોતાના પર્સમાંથી ફોન કાઢ્યો અને સૃજલને લગાડ્યો.

રીંગ વાગે છે, પહેલી રીંગ પૂરી થઇ, પણ એણે ફોન ઉપાડ્યો નહિ. અમીનો ગુસ્સો આસમાને હતો. એણે ફરીથી ફોન કર્યો.

“બોલો મેડમ, આજે તો કંઈ સામેથી ફોન કર્યો ને!”, સૃજલે ફોન ઉઠાવીને તરત કહ્યું.

“તને શું લાગે છે? આ બધા બુકે અને કાર્ડ મોકલાવીને તું મને ડરાવી શકીશ એમ?”, અમીએ લડવાનું શરુ કર્યું, “તાકાત હોય તો અહી મારી સામે આવીને વાત કર”

“શું? કયા કાર્ડ અને કયા બુકેની વાત કરે છે?”, સૃજલને કશો ખ્યાલ ના આવ્યો કે અમી શેના વિષે વાત કરે છે.

“હવે ભોળો ના બનીશ નપાવટ! મને ખબર છે કે આ બધું તારું જ કારસ્તાન છે”

“જો અમી હવે તું હદ બહાર બોલે છે”, સૃજલ પણ પોતાના પર લગાડવામાં આવેલા બેબુનિયાદ આરોપથી ધુઆપુઆ હતો.

“હદ બહારનું કામ તે કર્યું છે.. આ ગેટ વેલ સુન ને એ બધું શું છે?”

“જો અમી મને બિલકુલ ખબર નથી પડતી કે તું કઈ વાત કરે છે!? પ્લીઝ મને સમજાવ”

“આ મારા ઘરે બે વાર ફૂલોનું બુકે અને એમાં મારા માટે ગેટ વેલ સુનનું કાર્ડ કેમ મોકલાવ્યું? તને ખબર છે કે હવે મને તારામાં કોઈ રસ નથી કે હું જાળવવા પણ નથી માગતી! શું કામ ખાલી ખોટો મારો અને તારો સમય બરબાદ કરે છે? તું તારું કામ કર અને મને મારા સંકેત સાથે ખુશીથી રહેવા દે પ્લીઝ”, અમી રડમસ અવાજે બોલી. એનાથી હવે સહન નહતું થતું એ વાત સ્પષ્ટ હતી. છોકરીઓ પોતાના ગુસ્સાને છોકરાઓની જેમ લાંબા સમય સુધી જાળવી શકતી નથી એ વાત હકીકત છે. એમનામાં લાગણીનું પ્રમાણ ક્યાંય વધારે હોય છે. સહન કરવાની ક્ષમતા અને જતું કરવાની આવડત જ એને સ્ત્રી બનાવે છે.

“અમી, હું સીરીયસલી એવું કશું જ નથી કરતો, તું મારો વિશ્વાસ કર. હા મેં તને જ્યારે મારી ઓફીસમાં સંકેતની પત્ની તરીકે જોઈ ત્યારે ઈર્ષ્યા જરૂર આવી હતી પણ પછી તે જોબ છોડી દીધી એ જાણીને મને અહેસાસ થયો કે હવે ફરીથી તું કોઈ કાળે મારી થઇ શકીશ નહિ, અને હું ખુશ છું કે તું એની સાથે ખુશ છે. હું ખરેખર મારા ધંધાના સમ ખાઈને કહું છું કે મેં તારા ઘરે એવું કશું જ મોકલાવ્યું નથી”, સૃજલ ગંભીર બન્યો.

“તો બીજું કોણ આવું કરી શકે?”, અમીએ ગૂંચવાઈને પૂછ્યું.

“મને કશી ખબર નથી યાર! પણ હું તો નથી જ કરતો, મારા પર આવો આરોપ ના મુક”

“ઠીક છે”

“કેવી છે તબિયત હવે સંકેતની?”

“સારી છે! મુકું છું ફોન બાય”

“ઓકે”

ફોન મુકાયો. સંકેતને પણ ખબર પડી કે આ બધું સૃજલે નથી કરાવડાવ્યું.

“તો પછી કોણ હોય આની પાછળ?”, અમીને કશો ખ્યાલ નહતો આવી રહ્યો.

“હવે મારે જ કાલે કંઈક કરવું પડશે”, કહીને સંકેતે એ બુકે કચરાપેટીમાં ફેંક્યું. અને પેલો એનજીઓ તરફથી મળેલો ચેક ખોલીને જોવા લાગ્યો. એ ચેક બચપન એનજીઓ તરફથી હતો. એન્વેલોપ ખોલતા એમાંથી એક પત્ર અને ચેક નીકળ્યો. જે પત્રમાં કંઈક આવું લખેલું હતું,

‘સંકેતભાઈ, તમે અમારી એનજીઓની કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરી તે બદલ આપણો ખૂબ ખુબ આભાર! અમને ખેદ છે કે એ કામાર્થે જતા તમારો અકસ્માત થયો. અમારાથી તમારી સારવાર માટે જેટલું થયું એટલું તમને આ સહાયરૂપે મોકલીએ છીએ. એનો સ્વીકાર કરજો’

વાંચતા વાંચતા સંકેતની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. માણસાઈના આવા ઉદાહરણે એની મદદ કરવાની ભાવનાને વધારે ખીલવી. અમીને પણ આ જાણીને આનંદ થયો,

“તમારી કંપની વાળાને તો ફોન કરીને પૂછવાનોય સમય નથી, અને આ લોકો જો.. હજી માણસાઈ મરી નથી પરવારી”

બંને હજી ઘરની બહાર જ હતા. અમીએ લોક ખોલ્યું. સંકેત આખા દિવસના થાકના લીધે અને પગમાં થોડા દુખાવાના લીધે સીધો જ બેડ પર આડો પડ્યો.

“ચા બનાવી દઉં છું હું! નાસ્તામાં શું બનાવું?”

“પૌંઆ બનાવી દે! બીજું કઈ બનાવીશ નહિ બપોરે આમેય ભારે ખોરાક લેવાઈ ગયો અને તું પણ થાકી હોઈશ”

“હમ્મ્મ્મ”, અમીએ કહ્યું, “આ યામિનીનો સ્વભાવ સરસ છે નહિ?”

“અરે એ તો છે જ ને! અમે પાક્કા કહી શકાય એવા મિત્રો છીએ, આમ અચાનક મળી જવાયું એટલે મજા આવી”

“એની કંપનીની એજન્સી મળી જાય તો એનો સપોર્ટ દરેક જગ્યાએ મળી જાય”

“હા! હું પણ એ જ વિચારું છું”

અમીએ ચા અને નાસ્તો બનાવ્યો. બંનેએ ખાધું અને સવારની વાટ જોતા બંને નિંદ્રાના ખોળામાં સારી પડ્યા.

સવાર થઇ. પોતાના મમ્મી પપ્પાને આ વાતનો ખુલાસો કરવાની ખેવના ધરાવતા, બિઝનેસ ચાલુ કેવી રીતે થશે એની મથામણમાં પરોવાયેલા, પોતાને એક સ્તર પરથી ઊંચેરા સ્તર પર લઇ જવા પ્રયત્નશીલ એવા અમી અને સંકેત યામિનીના ફોનની આજ સવારના દસ વાગ્યાથી જ રાહ જોઈ રહ્યા હતા. બંનેએ નક્કી કર્યું હતું કે જો આજે બધું ધાર્યા અનુસાર થાય તો સાંજ સુધીમાં બંનેના માવતરને આ આખી વાતની જાણ કરી દેવી.

લગભગ સાડા અગિયારના સુમારે યામિનીનો ફોન આવ્યો.

“શું કરો છો સંકેત સાહેબ?”, સંકેતે ફોન ઉઠાવતાવેંત યામીનીએ પૂછ્યું.

“બસ, આ કોઈના ફોનની સવારથી રાહ જોતા હતા, ઘણી રાહ જોવડાવી ને કઈ!”

“અરે દોઢ કલાક તો લાગે ને બધું નક્કી કરતા કે નહિ?”

“હા હા બરાબર! શું નક્કી થયું પછી?”

“એક્ચ્યુલી એક પ્રોબ્લેમ હતો!”

“શું?”, ફોન સ્પીકર પર હતો એટલે અમી પણ આ સાંભળતાવેંત બોલી ઉઠી.

“શું વાત છે?”, સંકેતે પૂછ્યું.

“બરોડા એરિયામાં એજન્સી માટે તારા સિવાયની બીજી ત્રણ પાર્ટી સાથે કંપનીની વાત ચાલતી હતી”

“તો હવે?”, સંકેતથી અનાયાસે નિસાસો નંખાઈ ગયો.

“પણ નામ ફાઈનલ કરવા માટે મારો મત પણ એટલો જ જરૂરી હતો જેટલો બાકી બધાનો, અને મેં સારા એવા કારણો દર્શાવી તારા જ નામની દરખાસ્ત મૂકી”

“છેલ્લે શું નક્કી થયું?”

“નક્કી શું થવાનું હતું? એ જ કે અમરી કંપની તને બરોડા એરિયાની એજન્સી આપવા માટે તૈયાર છે”

“ઓહ! એકદમ સારા સમાચાર આપ્યા તે! તારા વગર આ પોસીબલ નહતું, થેન્ક યુ સો મચ.. મને ખબર નથી પડતી કે હું કેવી રીતે તારો આભાર માની શકું.. તને ખબર નથી તે મારા માટે કેટલું મોટું કામ કરી આપ્યું છે!!”, ઉત્સાહમાં આવી ગયેલો, વાગેલું હતું એ પગ સીધો રાખીને પલંગ પર આડો પડેલો અને પોતાનું એક મહત્વનું કામ પાર પડ્યાની જાણ એના પપ્પાને કરશે તો એમને કેવો આનંદ થશે એ અનુભૂતિ મનમાં લાવીને સંકેત કોઈ અલૌકિક શક્તિએ જાણે એનામાં ઉર્જાનો સંચાર કર્યો હોય એમ સફાળો બેઠો થઇ ગયો. એને થતું દર્દ પળવાર માટે જાણે કે સંપૂર્ણપણે ક્ષય પામ્યું.

“બસ! હું બરોડા આવું ત્યારે એક પિઝ્ઝા પાર્ટી આપીને સ્તો!”, પોતે કોઈના જીવનમાં સાક્ષાત દૈવીશક્તિની ગરજ સાર્યાની હકીકતથી અજાણ એવી યામિની એના રોજબરોજના મૂડમાં જ હતી.

“ચોક્કસ! ક્યારે આવે છે ફરી?”, આ સવાલ અમીએ પૂછ્યો. એ પણ એટલી જ ખુશ હતી કે જેટલો સંકેત હતો. પોતાનો અર્ધાંગ હવે કોઈની રજામંદીનો મોહતાજ નહિ રહે અને પોતે પણ કોઈ ખાનગી કંપનીમાં આજીવિકા માટે આજીજી નહિ કરવી પડે એવી લહેરખી અમીના મનમાં પણ હતી.

“બસ આ સંકેત પાસે બધા ડોક્યુમેન્ટ સાઈન કરાવવા માટે અને ફાઈનલ હેન્ડ ઓવર માટે મારે કદાચ બે ચાર દિવસમાં જ દીપક સર સાથે બરોડા આવવાનું થશે”

“સારું રો વહેલી તકે આવ અને આ વખતેમારા ઘરે આવ્યા સિવાય જવા નહિ દઉં”, સંકેતે કહ્યું.

“ઓકે! ચાલો ત્યારે બંને જણ.. એન્જોય ધ ડે ! જલ્દી જ મળીશું, બાય એન્ડ કોન્ગ્રેચ્યુલેશન્સ”

“થેન્ક યુ! બાય”, ફોન બંધ થયો અને અહી સંકેતના ભાડાના ઘરમાં ઉજાણી જેવો માહોલ થયો.

“સંકેત! હજી બાર જ વાગે છે! એક કામ કરીએ તો?”

“આપણા બંનેના મમ્મી પપ્પાને અહી આપણી સફળતાનો ભાગ બનાવવા બોલાવી લઈએ તો કેવું સારું? એમ જ ને?”

“હા હા એ જ કહું છું! એ લોકોને ઘણી જ ખુશી થશે! પણ હા! આ બધી વાત એમને અહી બોલાવ્યા પછી જ કરીશું, લાઈક અ સરપ્રાઈઝ”

“ગુડ આઈડિયા! અને ભરૂચથી કાકા અને કાકીને પણ બોલાવી લઉં! એ લોકોને પણ ખાસા સમયથી મળાયું નથી”

“હા! સાચી વાત કહી! મસ્ત એક ફેમીલી ગેટ ટુગેધર કરીએ. જલ્દી ફોન કર”

સંકેતે કોઈના કોઈ બહાને બધાને બરોડા આવવા માટે તૈયાર કર્યા. એ લોકો આવે ત્યાં સુધી અમીએ એક પરફેક્ટ ગુજરાતી થાળી બનાવવાની શરૂઆત કરી દીધી. આખરે આ પહેલી વાર હતું જ્યારે એના મમ્મી પપ્પા, સાસુ સસરા અને કાકાજીનો આંખો પરિવાર એના હાથનું જમવાનું સાથે બેસીને જમશે. એણે દરેક વાતનું ખાસ ધ્યાન રાખ્યું. દરેકને ગમતી એકએક વાનગીની માહિતી સંકેત પાસેથી લીધી અને એ મુજબ મેનુ બનાવ્યું.

કાકા અને કાકીને ભરૂચથી આવતા વાર ન લાગી. આવીને તરત એમણે સંકેતની તબિયત પૂછી અને પછી આ રીતે અચાનક બોલાવવાનું કારણ પણ પૂછ્યું. પણ સંકેતે બધાની હાજરીમાં જ એ જણાવવાનું કહ્યું. મુકેશભાઈ, અસ્મીતાબેન, કનુભાઈ, સુમિત્રાબેન અને વિશાલ બધાય થોડા સમય પછી આવ્યા અને આ જ કારણ પૂછ્યું એટલે સંકેતે સૃજલ સિવાયની તમામ હકીકત બધાને જણાવી કે કેવી રીતે પોતાનો બિઝનેસ ચાલુ કરવાનો વિચાર આવ્યો, કેવી રીએત સારી કંપની શોધી, યામિની તરફથી મળેલી મદદ અને સહકાર આ બધામાં મુખ્ય હતા.

“પણ તમે લોકોએ આ બધી યોજના બનાવતી વખતે અમને કેમ કંઈ કહ્યું નહિ?”, બધાનો એક જ સવાલ હતો.

“રખેને કદાચ અમે વિચારતા હતા એમ ના થાત તો પછી તમને બધાને અમે દેખાડેલા સપનાઓ તૂટવાનો ડર હતો એટલે”

મુકેશભાઈ અને અસ્મિતાબેન આવો દીકરો-વહુ અને કનુભાઈ-સુમિત્રાબેન આવી દીકરી-જમાઈ પામીને, એ બંનેની આપબળે મુઠી ઊંચેરા થવાની નિર્ભેળ ખેવના જોઇને તથા કાકા અને કાકી પોતીકું સંતાન ન હોઈ ભત્રીજાની સિદ્ધિથી સંતોષ પામીને ગદગદિત હતા. બધાની આંખોના ખૂણા થોડેઘણે અંશે ભીના હતા.

જમવાનું પીરસાયું. બધા નિરાંતે જમ્યા અને પછી સંકેત-અમીને તબિયતનું ધ્યાન રાખવાનું કહીને રવાના થયા. વિશાલ મનમાં હરખાતો હતો. એને જાણે કે એક શોર્ટ કટ મળી ગયાનો અહેસાસ થઇ ગયો હતો. એ એની રાહમાં હતો કે જેવો જીજાજીનો બિઝનેસ સારો સેટ થાય ત્યારે હું એમને જોઈન કરી લઈશ એટલે કોઈ પણ જાતની પળોજણ વગર સીધો જ નફો હાથમાં આવે! પણ જો કે એણે હજી આ વાત કોઈનેય કરી નહતી. એના મનની હજી મનમાં જ હતી.

******

વિષ્ણુભાઈ સાથે રેન્ટ પર જે ઓફીસની વાત થઇ હતી એ ઓફીસમાં સંકેતે પોતાનું કામકાજ શરુ કર્યું. પહેલાનો એકાદ મહિનો તો એજન્સીના નામની જાહેરાતોમાં, આસપાસમાં પોતાની કંપનીના મશીનો જ્યાં કાર્યરત હોય એવી ઇન્ડસ્ટ્રીઝ શોધવા, પોટેન્શિયલ કસ્ટમર્સને ટાર્ગેટ કરવામાં અને એમને પોતાની એજન્સીના કામ પર વિશ્વાસ અપાવવામાં નીકળી ગયો. સંકેતના પગની હાલતમાં સુધાર જણાતા ડોકટરના કહેવા મુજબ પાટો પણ આ મહીને છૂટી જવાનો હતો. બીજા મહીનેથી ઓર્ડર્સ મળવાના શરુ થયા. એટલે અમીનું કામકાજ પણ ખાસું એવું વધવા લાગ્યું. અત્યાર સુધી ઓફીસની સાફસફાઈ અને બાકી પરચુરણ કામ અમી અને સંકેત જ કરી લેતા હતા પણ હવે એક સારો મહેનતુ નોકર રાખવાની ફરજ પડી. એટલે પહેલા કોઈ કંપનીમાં કામ કરી ચુકેલા એક જયમલ નામના માણસને એ બંનેએ ઓફીસમાં પહેલી ત્રીજી વ્યક્તિ તરીકે કામે રાખ્યો. આ એમના માટે એક અજીબ વાત હતી. પોતે રોજગારી શોધતા હવે અન્યોને રોજગારી આપે એ વાત અજીબ જ તો કહેવાય!!

અમી રોજ સાંજે સંકેત કરતા વહેલી ઘરે જતી અને જમવાનું બનાવતી જેથી સંકેત તરત આવીને જમવા બેસી શકે. ગેટ વેલ સુનના કાર્ડ હવે માત્ર અમી માટે જ આવતા હતા એનો મતલબ કે એ બંને પર સતત કોઈ નજર રાખી રહ્યું હતું અપન કોઈ હાનિ ન જણાતા અમી સંકેતને આ વિષે જણાવ્યા વિના એ બધું સંકેતને નજરમાં ના આવે તેમ ડસ્ટબિનમાં ફેંકી દેતી કારણ કે અત્યારે આ સમયે સંકેતનું પૂરું ધ્યાન બિઝનેસમાં જ રહે તેમ અમી ઈચ્છતી હતી.

ત્રીજા મહિના સુધી કામ થયા બાદ યામિનીની કંપનીનું એક ઓડીટ જેવું થયું. એમાં સંકેતની એજન્સીનો ગ્રોથ ગ્રાફ એમના ધાર્યા કરતા સારા પ્રમાણમાં ઉંચો હતો. આથી હવે સંકેત, આસપાસના કોઈ નવી બનતી ઇન્ડસ્ટ્રીના ગ્રીન ફિલ્ડમાં જો એમની કંપનીનું મશીન નવેસરથી કમિશન કરવાનું હોય એવા પ્રોજેક્ટ લેવા માટે પણ રજામંદ હતો. હવે કામ વધતું જતું હતું, એકલા સંકેતથી પહોચી વળવું મુશ્કેલ હોઈ સર્વિસ માટે બે ટેકનીશીયન રાખવાની તાતી જરૂર ઉભી થઇ. સંકેતે પેપરમાં જાહેરાત આપી અને ઇન્ટરવ્યુ પછી સદભાગ્યે બે સારા અને અનુભવી ટેકનીશીયન મળી ગયા. પ્રોફિટનો આલેખ સીધા ચઢાણમાં હતો. સંકેતને આ કામમાં વધારે ને વધારે ફાવટ આવતી ગઈ. પ્રમાણિકતા અને ચોખ્ખા હિસાબના લીધે આસપાસના કસ્ટમર્સમાં પણ એ માનીતો બન્યો. એમના પ્રોબ્લેમ્સ એક જ વિઝીટમાં સોલ્વ થવા લાગ્યા આથી માર્કેટમાં ટેકનીકલી પણ પોતાનો સિક્કો જમાવવામાં સંકેત કામિયાબ રહ્યો. ‘ફાસ્ટ એન્ડ રીલાયેબલ સર્વિસ’ જાણે કે એજન્સીની ટેગ લાઈન હતી. છએક મહિનામાં મહેનત અને લગનથી સારી રીતે ધંધો સેટ કર્યા પછી એમનું પહેલું સપનું વડોદરામાં પોતાનું આગવું ઘર રાખવાનું હતું. બેંક પાસેથી હોમલોન લઈને અલકાપુરી જેવા પોર્શ ગણાતા વિસ્તારમાં અમીએ અને સંકેતે પોતાનું સપનાનું ઘર લીધું.

સંકેત હવે મુકેશભાઈ અને અસ્મિતાબેનને ઘરે ઢોરઢાંખર અને ખેતીના કામમાંથી કાયમ માટે મુક્ત કરાવીને અહી એમની પાસે બરોડા જ લઇ આવવા માંગતો હતો. બે પાંદડે થવાથી હવે પોતે ચાર જણનો ખર્ચ ઉઠાવી શકે એટલો સશક્ત હતો. અસ્મિતાબેન અને મુકેશભાઈએ પોતાના ગામડે દર પંદર દિવસે આવવાની શરતે સંકેતની આ વાત માની અને ઢોરઢાંખર તો નહિ પણ મોસમી ખેતી તો કરવાની જ છે એવી ટેક લઈને મુકેશભાઈ પણ પત્ની સહીત, ગામ અને ઘર છોડવાના દુખ સાથે, અને દર પંદર દિવસે પાછા આવવાના વિચારથી રાહત અનુભવી દીકરાના ઉજ્જવળ સંસારમાં સહભાગી થવા માટે બરોડા આવી પહોચ્યા. આ સમયગાળો સંકેત અને અમી માટે અત્યાર સુધીના જીવનનો સુવર્ણકાળ કહી શકાય એટલો સારો હતો. બંને પોતાના વિશલીસ્ટના તમામ સપનાઓ પુરા કરી શકવાની ખાસી એવી મજલ પાર કરી ચુક્યા હતા. આ બધું આમ ને આમ જ સરસ રીતે ચાલત જો એ દિવસે સાંજે અમીને વિશાલનો ફોન ના આવ્યો હોત.....

(ક્રમશઃ)