અકબંધ રહસ્ય - 17 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અકબંધ રહસ્ય - 17

એકબંધ રહસ્ય

ભાગ - 17

Ganesh Sindhav (Badal)

વિઠ્ઠલભાઈએ નાથુજીને બોલાવીને કહ્યું, “તમે મારી ખેતીનું કામ વરસોથી સંભાળ્યું છે તેથી તમારા પ્રત્યે મારો વિશ્વાસ દૃઢ બન્યો છે. હવેથી મારા બંને ખેતરો તમને સોપું છું. ખેતીના તમામ સાધનો તમે તમારા ઘરે લઈ જાવ. ખેતરમાંથી જે પાકે એના બે સરખા ભાગ પાડજો. એક તમારો ને બીજો મારો. આ બાબતે આપણી વચ્ચે કોઈ લખાણ કરવાની જરૂર નથી. તમારી અને મારી વચ્ચેના વિશ્વાસનું લખાણ પૂરતું છે.”

નાથુજી કહે, “કાકા તમે બેફિકર રહેજો. તમારા વિશ્વાસનો ભંગ મારા થકી થશે નહીં. તમે મને સગા દીકરા જેમ સાચવ્યો છે. અમારા ઘરના નાના-મોટા પ્રસંગો તમે ઊકેલી આપ્યા છે. રેવા કાકીના હાથે રાંધેલું ધાન ખાઈને હું મોટો થયો છું. તમે સુરેશભાઈની સંસ્થામાં રહેવા જાવ છો એ એમના માટે સારું હશે. પણ મારા માટે તો માવતરની ખોટ પડશે.” ખેતીની જવાબદારી નાથુજીને સોંપીને વિઠ્ઠલભાઈ હળવા થયા.

આંગણે ટ્રક આવીને ઊભી રહી. તેમાં ઘરવખરીનો સામાન ગોઠવાયો. અનાજની ગુણો મૂકી. ઘર છોડતી વખતે રેવાની આંખો ચોધાર આંસુથી વરસી રહી હતી. વિઠ્ઠલભાઈ ગંભીર હતા. ઘરને તાળા મારીને પતિ-પત્ની ટ્રકની આગળની બેઠક પર બેઠા. ગામના પાદર આગળ ખેતમજૂરોનો વાસ હતો. એ લોકોએ ટ્રકને રોકીને ‘આવજો’ના નારાથી વિદાય આપી.

ટ્રક સાબરકાંઠાના ડુંગરાળ પ્રદેશ તરફ દોડતી સંસ્થાએ પહોંચી. છાત્રાલયના બાળકો કુતૂહલભાવે ટ્રકની આગળ ઊભા હતા. વિઠ્ઠલભાઈએ બાળકો તરફ આંગળી ચીંધીને રેવાને કહ્યું, “હવે આપણે આ ગરીબ બાળકોના મા-બાપ બનીને અહીં અહેવાનું છે.” રેવા એ બાળકો સામે વિસ્મયી ભાવે જોઈ રહી. વિઠ્ઠલભાઈ અને રેવાને હવેથી હંમેશ માટે સંસ્થામાં રહેવાના છે. એ જાણી સુરેશ, રઝિયા, આયશા અને કર્મચારીઓ રાજી હતા.

સંસ્થાના ખાતે ચાલીસ એકર જમીન છે. એમાંની કેટલીક જમીન પર કાંટાળા ઝાંખરાનું બિહડ જંગલ છે. કેટલીક જમીન ઉબડ-ખાબડ છે. વિઠ્ઠલભાઈએ આ જમીનનું નિરીક્ષણ કર્યું. એમને લાગ્યું કે આ જમીનને ખેતી કરવા જેવી સપાટ બનાવી શકાય તેમ છે. એમને સૌથી પહેલાં જમીનને સમથળ બનાવવાનું નક્કી કર્યું. પોતાની મૂડી ખર્ચીને બુલડોઝર મંગાવ્યું. જોતજોતામાં આંખ ઠરે એવી સમથળ જમીન બની ગઈ. એ જમીનને તારની વાડથી રક્ષિત કરી. બોરના પાણીને છેલ્લે સુધી પહોંચાડવા માટે ઢાળિયો કરાવરાવ્યો. એનાથી જમીન પર પાણી વહેતું થયું. વિઠ્ઠલભાઈ અનુભવી ખેડૂત હતા. અહીંની જમીન ફળદ્રુપ છે. પૂરતું પાણી છે. એમના માટે તો મનભાવતું કામ મળ્યું છે. એમની યોજના મુજબ થોડા સમયમાં સંસ્થાને સ્વાવલંબી બનાવી શકાશે. ખેતીનું નિદર્શન કેન્દ્ર આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બને એવી એમની ભાવી યોજના છે.

વિઠ્ઠલભાઈએ એક વરસને અંતે સંસ્થાનું ક્લેવર બદલી નાખ્યું. વૃક્ષારોપણનો કોઈ કાર્યક્રમ રાખ્યા વિના તેઓ જાતે નર્સરીમાં જઈને ટ્રક ભરીને અનેક પ્રકારના વૃક્ષોના રોપા લઈ આવ્યા. મજૂરોનો સાથ લઈને સંસ્થામાં વૃક્ષારોપણ કર્યું. ઝાડ વિહોણી ઉજ્જડ લાગતી સંસ્થા ધીરે ધીરે લીલીછમ બનવા લાગી. સંસ્થાના આંતરિક રસ્તાની બંને બાજુ મેંદી અને ફૂલછોડ રોપ્યા. એ સાથે બાળકો માટે રમતનું મેદાન તૈયાર કર્યું.

રઝિયા મા બનવાની હતી. એ સમાચાર આયશાએ રેવાબાને આપ્યા. રેવા માટે આ સમાચાર હરખનો સમંદર હતો. એ દોડતી રઝિયા પાસે ગઈ.

એને એ કહે, “તારા સારા દા’ડાની ખબર મને આશાબુને આપી છે.” એમ બોલીને રેવાએ રઝીયાના માટે હાથ મૂકીને કેટલીક સલાહ આપી. વિઠ્ઠલભાઈ દુર ખેતરને શેઢે મજૂર પાસે બેસીને કામની વાત કરતા હતા. શાળાના બાળકો વર્ગખંડમાં હતા. ઘડીભર રેવાને થયું. આ કુમળી ડાળીઓવાળા ઝાડને રઝીયાના સારા દા’ડાની ખબર આપું. કારણ આ ઝાડવાં અને એ (એટલે વિઠ્ઠલભાઈ) જયારે જુઓ ત્યારે એકબીજા સાથે ગડમથલ કરતા હોય છે. મારી સાથે ઘરમાં બેસવાનો સમય એમને મળતો નથી. એટલામાં વિઠ્ઠલભાઈ આવ્યા. એમને પાણી આપ્યું.

રેવા કહે, “સાંભળો, રાજલને સારા દા’ડા જાય છે. ઈ વાત કરવા સારું ક્યારની તમારી રાહ જોયાં કરું છું.”

વિઠ્ઠલભાઈ કહે, “એ માટે હું તને અભીનંદન આપું છું. હવેથી તારે એની કાળજી રાખવી પડશે.” એટલામાં કાર્યાલયમાંથી સુરેશ આવ્યો. રેવાએ એને ચા-નાસ્તો આપ્યો. એણે આજે બાના મોઢા પર કંઈક હર્ષની સુરખી જોઈ. થોડીવારે એ રઝીયાના ખંડમાં ગયો.

રઝિયા કહે, “આવનાર મહેમાનની જાણ બાને થઈ છે.”

સુરેશ કહે, “ક્યા મહેમાન ?”

રઝિયાએ પોતાના ઉદર તરફ આંગળી ચીંધી. બાના મોઢા પર જોયેલી સુરખીનો ખ્યાલ એને મળી ગયો.

પુરા નવ માસે રઝિયાના પેટેથી પુત્રનો જન્મ થયો. સંસ્થાની નજીકમાં કોઈ દવાખાનું નહોતું. આયશા અને રેવા બંનેએ દાયણનું કામ કર્યું. સંસ્થાના કર્મચારીઓ અને બાળકોને પેંડા વહેંચ્યા. આરબ અને ઝરીના પણ આવ્યાં, એમનું મોં મીઠું કરાવ્યું. જંગલ વચ્ચેની આ સંસ્થામાં રહેવું એ રેવા માટે એકાંતની જેલ જેવું હતું. પૌત્રના જન્મ પછી એનામાં નવી ચેતનાનો સંચાર થયો. રામપુરાની યાદ એને જંપવા દેતી નહોતી. હવે એ યાદ લોપ બની. રેવાનો રાજીપો જોઇને વિઠ્ઠલભાઈ રેવાને કહે, “આ છાત્રાલયનાં બાળકો પણ આપણાં છે. એ ગરીબ બાળકો પ્રેમનાં ભૂખ્યાં છે. એને રાજી કરવાં એ પુણ્યનું કામ છે. એ પુણ્ય કમાવાનો અવસર આપણે માણવો જોઈએ.”

રેટ કરો અને રિવ્યુ આપો

yogesh dubal

yogesh dubal 7 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 માસ પહેલા

r patel

r patel 3 વર્ષ પહેલા

Rana Pushprajsinh

Rana Pushprajsinh 4 વર્ષ પહેલા

Nilam Viradiya

Nilam Viradiya 4 વર્ષ પહેલા