કાલ્પનિક વાસ્તવિકતા - ૧૨ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૨

કાલ્પનિક વાસ્તવિકતા – ૧૨

ભાર્ગવ પટેલ

સંકેતનો ફોન વાગ્યો. એ વિષ્ણુભાઈનો હતો.

“હા વિષ્ણુભાઈ બોલો, શું થયું પછી?”, સંકેતે ફોન ઉપાડીને તરત કહ્યું.

“એ પાર્ટી ૬૫૦૦માં કહે છે! મારા કહેવાથી હજાર રૂપિયા જેટલું રેન્ટ ઓછું કરવા માટે એ તૈયાર થયા છે”

“એક મિનીટ ચાલુ રાખજો ફોન”, કહીને સંકેતે અમીને બોલાવી અને આ વિષે વાત કરી.

‘બરાબર છે! આપણા બજેટ કરતા ૫૦૦ જ વધારે છે ને? અને આર.સી.દત્ત રોડ આપણી ઓફીસ માટે એકદમ પરફેક્ટ એરિયા છે!’

“ઠીક છે વિષ્ણુભાઈ, તમે હમણાં એ ઓફીસ અમારા માટે હોલ્ડ રાખી શકો? કારણ કે અમારે કદાચ થોડા સમય પછી એની જરૂર પડશે”

“ચોક્કસ રાખી શકાય. પણ તમે પાક્કું લેવાના જ છો ઓફીસ રેન્ટ પર?”

“હા હા ચોક્કસ લેવાની જ છે, પણ અત્યારથી લઈને કામકાજ ચાલુ ન થાય ત્યાં સુધી ખોટું ભાડું આપીને શું મતલબ? તમે જ કહો”

“સાચી વાત છે! તો હું એ પાર્ટી સાથે વાત કરીને ઓફીસ તમારા માટે હોલ્ડ પર લઇ લઉં છું. ઓકે?”

“ઓકે”

ઓફીસનું ગોઠવાઈ ગયું. હવે વાત બાકી રહી હતી તો માત્ર પેલી બે કંપનીમાંથી કોઈ એકની પસંદગી કરવાની!! સંકેત આ વાતે ખાસ્સો મૂંઝવણમાં હતો, કારણ કે બંને કંપનીનું માર્કેટમાં મોટું નામ હતું. બંનેની મશીનરી અને જેન્યુઈન પાર્ટ્સ યુનિક હતા, જે પોતે કંપની સિવાય અન્ય કોઈ લોકલ માર્કેટનો ફેબ્રીકેટર બનાવી શકતો નહતો. બંને પબ્લિક લીમીટેડ કંપની હતી અને શેર માર્કેટમાં પણ બંનેનો દબદબો હતો. સંકેત પહેલા બંને કંપનીના બધા જ પહેલુ જોઈ લેવા માંગતો હતો અને પછી જ નક્કી કરવાનો હતો કે કઈ કંપનીની એજન્સી લેવી.

બધી વાતોમાં લગભગ બપોરના ત્રણ વાગી ગયા હતા. સંકેત આજે બંને કંપની તરફથી મીટીંગ માટેનો કોલ એક્સ્પેક્ટ કરી રહ્યો હતો. એટલામાં ફોને દસ્તક દીધી.

“હેલો”, સંકેતે ફોન ઉઠાવ્યો.

“હેલો ઈઝ ધીસ મિસ્ટર સંકેત ફ્રોમ બરોડા, ગુજરાત?”, સામે છેડે એક સંગીતતુલ્ય, લયબદ્ધ સ્ત્રીસ્વર હતો.

“યેસ,આઈ એમ સંકેત”, સંકેતે કહ્યું.

“તમે અમારી કંપનીની એજન્સી માટે ગઈ કાલે વાત કરી હતી”, પેલીએ પોતે પણ ગુજરાતી હોવાની સાબિતી આપી.

“હા, તો તમે એ વિશે વાત કરવા માટે ફોન કર્યો છે?”, સંકેતે એ અવાજને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલામાં એણે એક સારા સમાચાર આપ્યા,

“જી. આવતીકાલે અમારા ગુજરાતના ટેરેટરી મેનેજર અને પુણેથી હું અને મારા એક્ઝીક્યુટીવ તમને એ વિષે મળવા માંગીએ છીએ. આવતીકાલે સવારે શાર્પ અગિયાર વાગ્યે એરપોર્ટ સામેની હોટેલ એરપોર્ટમાં મળી શકાય?”

“ઉમ્મ્મ! હા સ્યોર”, સંકેતે પોતાના ઘરથી હોટેલ સુધીનું અંતર ઓછું જ છે એવી ખાતરી કરીને હા ભણી.

“ઓકે ધેન મિસ્ટર સંકેત! વી આર મીટીંગ ટુમોરો”

“ઓકે, થેન્ક્સ”

“વેલ કમ, બાય”

“બાય”

ફોન કટ થયો. એક કંપનીની મીટીંગનું અરેંજ થયું અને સંકેતને થયું કે ‘બપોરે લગભગ ત્રણેક વાગ્યા સુધીમાં આ મીટીંગ પૂરી થઇ જાય તો પછી એ જ હોટેલમાં બીજી કંપની સાથે પણ મીટીંગ ગોઠવી દઉં એટલે ખાલી ફોગટ આમતેમ આંટા મારવાની જફા નહિ’, એમ વિચારીને એણે રાહ જોયા વગર બીજી કંપનીના કોન્ટેક્ટ પર ફોન ઘુમાવ્યો અને ત્યાના એક્ઝીક્યુટીવ સાથે બપોરે ચારથી છ ના સ્લોટમાં એ જ હોટેલમાં મીટીંગ ગોઠવી દીધી.

અમી બજારમાં શાક અને થોડું કરિયાણું લેવા ગઈ હતી. મીટીંગ ગોઠવણીના ફોન પત્યા પછી તે ઘરમાં દાખલ થઇ. દાખલ થતાવેંત સંકેતે આ સારા સમાચાર અમીને સંભળાવ્યા. અમી બધો સામાન એની જગ્યાએ મુકીને હરખાતી સંકેત પાસે જઈને બેઠી. એણે સંકેતના કપાળ પર વહાલભરી કિસ કરીને બંને મીટીંગ ગોઠવાઈ એ માટે અભિનંદન આપ્યા અને એ બંને સારી રહે એ માટે ‘બેસ્ટ ઓફ લક ડાર્લિંગ’ એમ કહ્યું.

“હવે કાલની મીટીંગ માટે તૈયારી કરવાની હશે ને?”

“હા! મારી ફાઈલ તૈયાર જ છે આમ તો પણ..”, સંકેત કશુંક બોલતા અટકી ગયો.

“પણ શું?..”, અમીએ પૂછ્યું.

“પણ મલ્ટીકેમનું નામ લખું કે નહિ મારા બાયોડેટામાં? કારણ કે મારે હજી થોડો જ સમય થયો છે, અને ઉપરથી હું કંપનીનો પરમેનેન્ટ એમ્પ્લોયી પણ નથી”

“તું પરમેનેન્ટ એમ્પ્લોયી હોય કે ના હોય, પણ તારે મેન્શન તો કરવું જ જોઈએ. એટલીસ્ટ એ લોકોને એ વાતનું પ્રૂફ તો મળી રહે કે તારું ટેકનીકલ બેકગ્રાઉન્ડ છે”

“સાચી વાત છે તારી! આમેય મારી પાસે ભલે એક્સપીરીયન્સ સર્ટિ નથી પણ જોઈનીંગ લેટર તો છે જ, એટલે વાંધો નહિ આવે”

“હા, બરાબર”

બરાબર સાંજના છ વાગ્યા હતા. અમી સંકેતનું ડ્રેસિંગ પૂરું કરીને રસોઈ બનાવવા રસોડા તરફ જવા જ જઈ રહી હતી અને ઘરનું બારણું ખખડ્યું.

“આવું છું, એક મિનીટ”, કહીને અમીએ દરવાજા તરફ ડગ માંડ્યા.

અમીએ દરવાજો ખોલ્યો. સામે એક ખુબસુરત ફૂલોનું બુકે લઈને માણસ ઉભો હતો.

“તમે અમી મેડમ છો?”, એણે પૂછ્યું.

“હા! પણ તમે કોણ? અને આ બુકે કોના માટે છે?”

“બુકે તમારા અને તમારા હસબન્ડ માટે છે”

“કોણે મોકલાવ્યું છે?”, અમીએ બુકે લેતાં લેતાં પૂછ્યું.

“મોકલનારનું નામ તો અમને પણ નથી ખબર”, આપનારે કહ્યું.

“ઠીક છે”, અમીએ બુકેને બરાબર ચેક કર્યા પછી કહ્યું.

“ચાલો મેડમ હું જાઉં છું”

“ઓકે”

“કોણ હતું અમી?”, સંકેતે પૂછ્યું.

“કોઈ બુકે આપવા આવ્યું હતું!”

“કોના માટે?”

“ખબર નહિ પણ ગેટ વેલ સુન એવું લખ્યું છે કાર્ડમાં એટલે કદાચ તારા માટે હશે”

“ઓહ! મારો આટલો બધો ખ્યાલ રાખવાવાળું તારા સિવાય બીજું કોણ આવી ગયું?”

“અરે! આ શું છે? એક મિનીટ”, અમીની નજર બુકેના ફૂલોમાં છુપાયેલા એક થોડા મોટા કાર્ડ પર પડી.

“શું થયું?”

“આમાં બીજું પણ એક કાર્ડ છે!”

અમીએ કાર્ડમાં લખેલું લખાણ મનમાં વાંચ્યું. એમાં લખેલું હતું,

‘ડીયર અમી,

તને લાગતું હશે કે આ બુકે મેં સંકેત માટે મોકલાવ્યું છે, નહિ? પણ ના! આ બુકે તારા માટે છે. કદાચ તું બિમાર છે અને એટલે જ સંકેત સાથે છે. પણ મને ખબર છે કે તું જલ્દીથી સાજી થઈને મારી પાસે આવીશ. મને મારી ભૂલનો અહેસાસ છે, હું એના માટે તારી માફી માંગુ છું. પણ તને આપણા બંનેની અંતરંગ પળો યાદ હશે જ! બસ એનું માન રાખીને તું મારી પાસે જરૂર પાછી આવીશ એટલો મને વિશ્વાસ છે. મારી ઓફીસ સામેની તારી ખુરશી અને હું બંને તારી રાહમાં..’

આટલું વાંચીને અમીને ખ્યાલ આવી ગયો હતો કે આ કાર્ડ બીજા કોઈએ નહિ પણ સૃજલે જ મોકલાવ્યું હોવું જોઈએ. અમી થોડીવાર સુધી પોતાની અને સૃજલની રીલેશનશીપ પર પસ્તાવો સારી રહી હતી.

“શું વાત છે અમી? બીજું કાર્ડ શેનું છે?”

“બીજું નહિ.. આ બંને કાર્ડ પેલા લફંગાએ જ મોકલ્યા છે મારા માટે”, અમી ગુસ્સાથી લાલ હતી.

“શું બોલે છે?”, સંકેતે અસમંજસભર્યા અવાજે પૂછ્યું.

અમીએ ગુસ્સામાં બેડ પાસે જઈને કાર્ડ ગાદલા પર પછાડ્યું અને કહ્યું,

“સૃજલ...મને લાગે છે આ એનું જ કારસ્તાન છે”

“આમાં કંઈ નવાઈ ના લાગી મને!”, કાર્ડ વાંચ્યા પછી સંકેતનો અવાજ નરમ હતો પણ એની પાછળ ખાસ્સો ગુસ્સો દબાયેલો હોય એમ લાગ્યું.

“કેમ? એટલે તું શું કહેવા માંગે છે સંકેત?”

“એ જ કે એ વખતે તે ખુબ મોટી ભૂલ કરી હતી એની સાથે યુ નો...”

“બસ યાર પ્લીઝ! એ વાત વારે વારે યાદ કરાવીને પસ્તાવો કરવા મજબૂર ના કર”

“હું જે સાચું છે એ જ કહું છું! મને આ બુકે અને આ કાર્ડ બધાથી કોઈ આશ્ચર્ય નથી થતું. એ તને નહિ તારા શરીરમાત્રને ચાહતો હતો. જ્યાં તારું શરીર જોશે ત્યાં એની નજર તારો પીછો કરતી આવવાની જ છે”

“પ્લીઝ સંકેત આવું બોલીને મને વધારે શરમમાં ના મુકીશ”

“શરમમાં મુકવાનો મારો કોઈ ઈરાદો જ નથી. ભૂલ તારી છે તો છે”, સંકેત હજીયે શાંત અવાજમાં જ બોલતો હતો.

અમી બેડ પર જઈ ટેકો લઈને બેઠેલા સંકેતને ભેટીને રડી પડી. એના અશ્રુબિંદુઓથી સંકેતની એટલા ભાગની ટી-શર્ટ ભીની થઇ ગઈ ત્યાં સુધી અમી રડતી હતી. બધી જ ગ્લાની ખારાશ સ્વરૂપે વહી ગયા બાદ સંકેતે અમીના બંને ખભા પર એના હાથ રાખી એને ઉભી કરી અને આંખોમાં આંખ નાખીને કહ્યું,

“જો અમી! હું તને પ્રેમ કરું છું અને ખુબ જ કરું છું. આવા લોકો મારા તારા પ્રત્યેના પ્રેમમાં કોઈ ઉણપ લાવી શકે નહિ અને જ્યાં સુધી આ બુકેની વાત છે, કદાચ આ એની લાગણીનો ઉભરો છે. તું એને કોઈ રીપ્લાય નહિ આપે તો એ આપોઆપ શમી જશે. અને તેમ છતાં ફરી આવી કોઈ હરકત એ કરશે તો મારી પાસે એનો બરાબર સરખો ઉપાય છે. એટલે તું ચિંતા કરીશ નહિ, ડોન્ટ વરી”

“આઈ લવ યુ યાર, તું કેટલો સમજુ અને સારો છે! ભગવાને તને મારા માટે જ બનાવ્યો હશે તો પછી સૃજલ સાથે મને કેમ મળાવી હશે? કાશ! તું પહેલેથી જ મારી લાઈફમાં હોત”

“કદાચ આપણે બહુ પહેલા મળી ગયા હોત તો તને મારી કે મારી તને આટલી કદર ના હોત જેટલી અત્યારે છે”

“હમ્મ્મ્મ”

“ચલ હવે જમવાનું બનાવ, ભૂખ લાગી છે અને પછી દવા પણ લેવાની છે. ઉપરથી કાલની મીટીંગ માટે થોડા ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી લઈએ એટલે સવારે ઝંઝટ નહિ”

“ઓકે, બનાવી દઉં ફટાફટ”

જમવાનું બન્યું. બંનેએ જમીને બધું કામકાજ પૂરું કર્યું. સંકેતે બધા ડોક્યુમેન્ટ્સ ફાઈલમાં વ્યવસ્થિત રીતે ગોઠવ્યા.

***

સવાર થઇ. સંકેત આજે જલ્દી ઉઠી ગયો હતો. અમી પણ એની સાથે જ જાગી ગઈ હતી. સંકેતને પગમાં હવે પહેલાં કરતા ઓછો દુખાવો હતો. પોતે એક સ્ટુલ પર પગ મુકી ટેકો લઈને ખુરશીમાં બેસી શકે એટલો સ્વસ્થ હતો. સવારે લગભગ સાડા નવ વાગ્યે એના ફોનમાં એક મેસેજ પડ્યો.

“વી વિલ રીચ ધ એરપોર્ટ ટીલ ટેન થર્ટી”, નંબર અનનોન હતો પણ પેલી યુવતીએ જ મોકલ્યો હશે એવું સંકેતે અનુમાન લગાવ્યું. એટલે એ ફટાફટ તૈયાર થઇ ગયો અને સવા દશ વાગ્યા સુધી બધું સેટ કરીને હોટેલ જવા માટે રેડી થયો. અમી પણ એની સાથે જવા માંગતી હતી પણ એણે ઘરનું બધું કામ પતાવીને બીજી મીટીંગમાં એની સાથે રહેવાનું નક્કી કર્યું.

સંકેતને રીક્ષામાં બેસાડીને અમી પાછી ઘરે પરત આવી. હોટેલ નજીક હતી એટલે સંકેત દસ મિનીટમાં ત્યાં પહોચી ગયો. રીક્ષાવાળો ભાઈ હળવેકથી સંકેતને તકલીફ ના પડે એ રીતે ટેકો આપીને રીસેપ્શન સુધી મૂકી ગયો. સંકેતે એનો આભાર માન્યો. હમદર્દી જતાવવા માટે દરેક વખતે પૈસાથી મદદ કરવી એ જરૂરી નથી હોતું એના ઘણાં ઉદાહરણોમાનું આ એક હતું.

“હેલ્લો મેમ, હું સંકેત છું, મારી અહીં મીટીંગ છે આજે”, સંકેતે કંપનીનું નામ રીસેપ્શનિસ્ટને જણાવીને એ લોકોએ મીટીંગ માટે બૂક કરેલી જગ્યા વિષે પૂછ્યું.

“જી સર! તમારી મીટીંગ માટે નાનો હોલ બૂક થયેલો છે, હોલ નંબર ટુ”

“કયા ફ્લોર પર છે?”, સંકેતે પૂછ્યું.

“સેકન્ડ ફ્લોર પર છે! પણ તમે લીફ્ટમાં જજો, એવું હોય તો હું એક માણસને મોકલું તમારી સાથે?”, એણે સંકેતના પગ પરનો પાટો જોઇને પૂછ્યું.

“ઘોડીના ટેકે જતું રહેવાશે આમ તો વાંધો નહિ”

“ઓકે સર”

સંકેત લીફ્ટમાં સેકન્ડ ફ્લોર પર પહોચ્યો. હોલ નંબર ટુમાં ગયો. ત્યાં મીટીંગ માટેની બધી તૈયારીઓ થઇ ગઈ હતી. પ્રોજેક્ટર અને પડદો પણ તૈયાર હતા. હોલમાં આરામથી વીસ પચીસ જણ બેસી શકે એટલી ખુરશીઓ પાંચ જેટલા ટેબલની ફરતે ગોઠવેલી હતી. સામા છેડે એક સ્ટેજ કહી શકાય એટલી ઉંચી જગ્યા હતી. સંકેત એક ખુરશીમાં જઈને બેઠો. બેગ સાઈડમાં મૂકી અને અંદરથી ડોક્યુમેન્ટની ફાઈલ કાઢી. એ વિચારમાં હતો કે શું થશે એવામાં ફોર્મલ કપડાં અને ટાઈમાં સજ્જ, આશરે ૨૯-૩૦ વર્ષની ઉંમરવાળો વ્યક્તિ હોલમાં દાખલ થયો.

“યુ આર મિસ્ટર સંકેત રાઈટ?”, એણે આવતાવેંત સંકેતને જોઇને પૂછ્યું.

“યેસ સર”, સંકેતે ઉભા થવાનો પ્રયત્ન કર્યો.

“નો નો, ઇટ્સ ઓકે, મેં સમજ સકતા હુ”, એણે સંકેતની હાલત જોઇને કહ્યું.

“થેન્ક યુ, આપકા શુભ નામ જાન સકતા હુ સર?”, સંકેતે પૂછ્યું.

“જી મેં આલોક, આલોક મુંબઈકર. ગુજરાત કા ટેરેટરી મેનેજર. યહા કે સભી ઓર્ડર્સ ઔર સેલ્સ-સર્વિસ કી ડીલરશીપ વગેરા મેં હી સંભાલતા હુ”

“ઓહ! ગુડ. નાઈસ મીટીંગ યુ”

“સેમ હિયર”, કહેતા કહેતા આલોકે ફોન લગાવ્યો, “હેલો, ગુડ મોર્નિંગ મે’મ! આલોક હિયર! આપ લોગ પહોચ ગયે ક્યા?”

સામેથી જવાબ મળે એટલી વાર આલોક ચુપ રહ્યો પછી કહ્યું, “ઠીક હૈ ઠીક હૈ! આપ આઈયે, હમ લોગ યહી પે હૈ”

“વો લોગ આયે તબ તક લેપટોપ કો પ્રોજેક્ટર સે કનેક્ટ કર દેતા હુ, ક્યા હૈ કી ઉતના ટાઈમ કમ જાયેગા”, આલોકે રોજીંદા કામથી પડેલી ટેવ પ્રમાણે કહ્યું, “ઔર વો મેડમ ટાઈમ કી બડી પક્કી હૈ”, એની મેડમનો સ્વભાવ જાણતો હોવાની ચિંતા એના વર્તનમાં સાફ ઝલકતી હતી.

“હા મેરી ભી બાત હુઈ ઉનસે ફોન પે! શાર્પ ટાઈમ પે પહોચને કો બોલા થા મુજે! ઉસપે સે હી લગા”

“હા વહી”, કામમાં પરોવાયેલા આલોકે ટૂંકમાં જવાબ આપ્યો.

સંકેત જાણતો હતો કે એ મેડમ ગુજરાતી છે, એટલે વાત કરવામાં કે ડીલ વિષે દિલ ખોલીને બધી કંડીશન જાણવામાં તકલીફ નહિ પડે.

સાડા દસ ને પાંચ મિનીટ થવા આવી. સંકેતની નજર હોલના પ્રવેશદ્વાર પર મંડાયેલી હતી એ જ સમયે લગભગ આલોક જેવી જ ઢબે સજ્જ, પણ એક બ્લેઝર અને એની વધારે ઉંમરથી અલગ પડતો ચહેરો હોલમાં પ્રવેશ્યો. હોલમાં ગણીને ચાર જ જણ રહેવાના હોઈ સંકેત સમજી ગયો કે આ એ જ સાહેબ છે જે મેડમ સાથે પુણેથી આવવાના હતા. એણે સાહેબને આવકાર આપ્યો, આફ્ટરઓલ આ એ જ વ્યક્તિ હતો કે જે એના માટે દેવદૂત સાબિત થઇ શકે એમ હતો. પણ સંકેતની આંખો હજીયે પેલી મેડમના આવવાની રાહ જોઈ રહી હતી કે જેના અવાજમાં એને કોઈ પરિચિત વ્યક્તિત્વનો આભાસ થયો હતો અને વધારામાં એ ગુજરાતી હતી એટલે સંકેતનો એ આભાસ જરા વધારે મજબૂત હતો

અંતે સંકેતની ઇન્તેજારી ખતમ થઇ. એ સ્ત્રી વ્યક્તિત્વ એની કામણગારી કાયા સાથે એ હોલમાં દાખલ થયું. સંકેત એને ઓળખી ના શક્યો. એણે આંખો ઝીણી કરીને ધ્યાનથી જોયું, કદાચ એનું હૃષ્ટપુષ્ટતા ત્યજીને એક પરફેક્ટ ફિગરના બીબામાં ઢળી ગયેલું શરીર સંકેતના મનમાં રહેલા એના વર્ષો જુના શરીર સાથે મેચ થતું નહતું… પણ હા! એ દિવ્યા નહતી..

(ક્રમશઃ)