કોફી હાઉસ - 23 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - 23

કોફી હાઉસ પાર્ટ – 2૩

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે અગાઉના પ્રકરણમાં જોયુ કે પ્રવીણના માતાના અવસાન બાદ સતત બે અઢી વર્ષ સુધી તેના પિતાજી નાની મોટી બિમારીમાં સપડાયેલા જ રહે છે, હ્રદયની નળીનો બ્લોકેજ પણ સંપુર્ણ દૂર થતો નથી. અંતે પ્રવીણની ગોદમાં જ તેના પિતાજી શ્વાસ છોડી દે છે અને હંમેશાને માટે પ્રવીણને એકલો મુકીને પરલોક સિધાવી જાય છે. એક પછી એક ત્રણ મૃત્યુનો ભાર પ્રવીણ સહન કરી શકતો નથી, ચલો હવે જોઇએ આગળ......)

“આવો આવો ઓઝા સાહેબ. મોસ્ટ વેલકમ ટુ ધ કોફી હાઉસ.” પ્રવીણભાઇએ ઓઝાસાહેબને આવકાર્યા. “છોટુ સાહેબ માટે મસ્ત કોફી બનાવ. કેમ છો કાકા?” “અરે પરમ જલ્સા તો કે. આજે તારી કોફી પીવાનુ બહુ મન થઇ આવ્યુ એટલે જલ્દી આવી ગયો કોફી હાઉસ. કોફી પીને આપણે બન્ને સાથે જશુ લાખોટાએ, બરોબર ને?” “ચોક્ક્સ કાકા, એક કામ કરુ આજે તમારા માટે હું જ કોફી બનાવી આવુ.” કહેતા પ્રવીણભાઇ કોફી બનાવવા જતા રહ્યા. “મસ્ત ટનાટન કોફી હાજર છે કાકા, સાથે તમારા મનપસંદ સ્નેક્સ પણ લાવ્યો છું.” કહેતા પ્રવીણભાઇ કોફી અને સ્નેક્સ સાથે આવી ગયા. “આહાહાહા, કોફી અને ઉપરથી સ્નેક્સની લિજ્જત માણવાનો તો અનેરો આનંદ છે પ્રવીણ્યા, વારી જાઉ તારા ઉપર તો.” કહેતા ઓઝાસાહેબ તો સ્નેક્સ અને કોફીની મિજબાની માણવા લાગ્યા. “ચાલ ચાલ પ્રવીણ્યા, બહુ મોડુ થઇ ગયુ લાગે છે, હવે આપણે જલ્દી લાખોટાએ પહોંચી જઇએ નહી તો દાસળો કે પેલો હેમરાજ અહી આવી જશે તો મને વઢશે.” “હા ચાલો આપણે જઇએ અને નાહક ચિંતા ન કરો, મે તે બધા માટે પણ કોફી અને સ્નેક્સ પેક કરી સાથે લઇ લીધા છે.”

**********

“આવ... આવ.... પ્રવીણ. બેસ જલ્દી તારી જગ્યાએ. તારી જ રાહ જોવાઇ રહી છે.” હેમરાજભાઇ બોલ્યા. “એય, જોઇ લે હેમરાજ, આ ઓઝો તો પ્રવીણ સાથે આવ્યો. સાલો મને એમ કહેતો હતો કે હું મંદિરે જવાનો છું તો સીધો ત્યાં લાખોટાએ પહોંચી જઇશ. આ જુઠ્ઠો તો નક્કી પ્રવીણને ત્યાં કોફી પીવા જ ગયો હશે.” હરદાસભાઇ ઓઝા સાહેબને જોઇને બોલ્યા. “આવવા દે ઓઝા ને, આજે તો બરોબરનો પાઠ ભણાવુ તેને.” પ્રતાપભાઇ બોલી ઉઠ્યા. “શું ઓઝા, દર્શન કરી આવ્યો?” પ્રતાપભાઇ વ્યંગમાં બોલ્યા. “હા દર્શન કરીને જ આવ્યો અહી, દૂરથી પ્રવીણ્યો દેખાઇ ગયો તે તેની બાઇકમાં બેસીને જ અહી પહોંચી ગયો.” ઓઝા સાહેબે જવાબ વાળ્યો. “ઓઝા પ્રસાદ શું આપ્યો મંદિરે?” હેમરાજભાઇ બોલ્યા. “પ્રસાદમાં તો રેવડી ખાધી એકાદ મે, બસ બીજુ કાંઇ નહી.”

“તો પછી આ મોઢા પર સ્નેક્સ જેવા કાંઇક કણ ચોટ્યા છે, તે ક્યાંથી આવ્યા?” પ્રતાપભાઇએ ઓઝા સાહેબના મોઢા પર લાગેલો સ્નેક્સનો મોટો કણ તેના હાથમાં આપતા પુછ્યુ. “એય, જો તો આ ઓઝાનુ મોઢુ તો જો, કેવો મિયાનો મીંદડો બની ગયો? થપ્પો....થપ્પો....થપ્પો.... ઓઝો પકડાઇ ગયો. ઓઝો પકડાઇ ગયો.” પ્રતાપભાઇ ઓઝા સાહેબની મજાક કરવા લાગ્યા અને બધા બાળકો પણ હસવા લાગ્યા. એક ઓઝાસાહેબ મોઢુ વકાસીને બેઠા હતા.

“બસ કરો કાકા હવે. બહુ મજાક ન કરો ઓઝાકાકાની, નહી તો નારાજ થઇ જશે.ચલો આપણે કથા શ્રવણ કરવા તરફ પ્રયાણ કરીએ.” પ્રવીણભાઇએ હાથ ઉંચો કરી સાધુની છટામાં કહ્યુ.

**********

એકલા અટુલા માણસનું જીવન કેવુ હોય મિત્રો? બહુ કઠીન સમય હોય છે એ સમયને વિતાવવો. એવી જ હાલત મારી થઇ હતી જ્યારે મે પાપાને ગુમાવી દીધા હતા. ન કોઇનો આધાર હતો અને એવુ પણ કોઇ ન હતુ કે જેનો પ્યાર મારા જીવનમાં હતો. બસ સવારથી સાંજ સુધી ગાંડાની જેમ હોટેલમાં કામ કરે જતો. ઘરે આવવાનુ મન જ ન થતુ મને. આ તો રાત્રે હોટેલ બંધ થઇ જતી નહી તો મન થતુ કે રાત્રે પણ હોટેલમાં જ રહી જાઉ. ઘર મને ખાવા માટે દોડતુ. આખા ઘરમાં રહેલી વસ્તુઓ મને મમ્મી પાપાની યાદ અપાવી જતી અને વળી ફરી મન દુઃખમાં ગરકાવ થઇ જતુ. આ સ્વાર્થી દુનિયામાં કોઇને પોતાનુ કહી શકુ તેવુ મારી પાસે કોઇ ન હતુ. બસ એક છોટુ હતો મારો મિત્ર, તેની નિઃસ્વાર્થ મિત્રતા મને ખુબ ગમતી. અઠવાડિયામાં એકાદ બે વાર હું તેના ઘરે જતો અને તેની સાથે ટાઇમ પસાર કરતો. જ્યારથી મારા કારણે છોટુનુ હોટેલમાં કામ કરવાનુ બંધ થયુ હતુ ત્યારથી નિયમ મુજબ તેને દરરોજના સો રૂપિયા લેખે મહિનાના ત્રણ હજાર તેને આપી આવતો અને તે રકમમાંથી તેના મમ્મીને કહીને શાળામાં ભણવાનુ શરૂ કરાવી દીધુ હતુ.

અઠવાડિયે જ્યારે તેના ઘરે જાતો ત્યારે તે મને તેનુ બધુ લેશન અને પ્રવૃતિ વિષે જણાવતો. તેની સાથે હું મજાક મસ્તી કરતો અને તેને ફરવા પણ લઇ જતો. તેની માતા મને ભગવાન જેવો માનતી પણ હું મારી જાતને ઓળખતો હતો આથી ક્યારેય મનમાં અહમ લઇ ન આવતો. *************** “અરે પ્રવીણ, આજે તારે રાજકોટ જવાનુ છે. પાર્ટીને બહુ મોટી રકમ આપવાની છે તો મારી ઇચ્છા છે કે તુ જઇ આવ.” આલોક શેઠે મને બોલાવીને કહ્યુ. “હા ચોક્ક્સ શેઠ. હું તમારુ કામ ચોક્ક્સ કરી આપીશ. તમે નિશ્ચિંત રહો.”

“બેટા આ વખતે દ્સ લાખ લઇને જવાનુ છે હો.” “શેઠ,,, દસ લાખ???” “હા દિકરા, દ્સ લાખ. રાજકોટમાં પ્લોટ લીધો છે તેનુ પેમેન્ટ આપવાનુ છે. રોકડ રકમ આપવાની છે એટલે તુ જ જઇ આવે તો સારૂ.” “હા સાહેબ. જઇ આવીશ.” “આભાર તારો દિકરા.” “અરે શેઠ દિકરો પણ કહો છો ને અને આભાર પણ કહો છો. એ ઠીક ન કહેવાય હો.”

“હા હા તારી વાત તો સો ટકા સાચી છે હો દિકરા. હવેથી ધ્યાન રાખીશ. બેટા તને કાર ચલાવતા આવડે છે?” “હાસ્તો શેઠ, કાર તો ચલાવતા આવડે છે મને.” “વાહ સરસ, ખુબ સરસ, તો એક કામ કરજે કાલે રાજકોટ મારી કાર લઇને જ જાજે જેથી પૈસાનું કાંઇ ટેન્શન ન રહે.” “અરે પણ શેઠ હું મેનેજ કરી લઇશ. કાર લઇ જવાની જરૂર નહી. તમે નાહક ચિંતા ન કરો.” “ના મતલબ ના, કહ્યુ ને કે તારે કાર લઇને જ જવાનુ છે તો કાર જ લઇને જાજે. કાલે સવારે અહી આવી જ’જે. હું કાર અહી લેતો આવીશ પછી તુ નીકળી જજે.” “ઠીક છે શેઠ. જેમ તમે કહો. હું કાર લઇને તમારુ કામ કરી આવીશ.”

**********

“આવી ગયો તું દિકરા?” શેઠે હોટેલ આવતા જ મને પુછ્યુ. “હા શેઠ. આજે તો બહુ વહેલો આવી ગયો હું.” “એક કામ કર, આપણે બન્ને સાથે નાસ્તો કરીએ પછી તુ કાર લઇને નીકળી જા રાજકોટ જવા માટે. મનીયા ગરમા ગરમ ગાઠીયા અને જલેબી લઇ લે ફટાફટ.“ શેઠે નાસ્તાનો ઓર્ડર આપતા કહ્યુ. “શેઠજી તમે નાસ્તો કરી લ્યો. હું નીકળું રાજકોટ જવા માટે.” “બેટા સાચુ કહું, ઘરે તો દરરોજ એકલો જ નાસ્તો કરુ છું. મારો દિકરો તો બપોરે છેક ઉઠે છે અને આખો દિવસ તેના મિત્રો સાથે મોજશોખમાં જ મશગુલ રહે છે. રાત્રે પણ મારા સુઇ ગયા બાદ તે ઘરે પહોંચે છે, તને દિકરો કહું છું તો આજે એમ થયુ કે તારી સાથે બે ઘડી બેસી નાસ્તો કરુ તો મનને શાંતિ મળશે એટલે તને નાસ્તો કરવામાં સાથ આપવા કહ્યુ.” “અરે, શેઠ દુઃખી ન થાઓ. ચલો આજે હું તમને મારા હાથના ગાંઠીયા બનાવી આપુ પછી આપણે સાથે બેસી નાસ્તો કરીએ.” “વાહ, તને ગાંઠીયા બનાવતા પણ આવડી ગયા??? બહુ સરસ. ઠીક છે જા તુ જ બનાવી આપ મને ગાંઠીયા.” શેઠના ચહેરા પર ગજબની ખુશી દોડી આવી. “ચાલો શેઠ, ગાંઠીયા તૈયાર છે. ગાંઠીયા, જલેબી, સંભારો, ચટણી અને ભરેલા મરચા. સાથે ગરમા ગરમ ચા.” “વાહ, લાગે છે આજે તો નાસ્તામાં જ પેટ ભરાઇ જશે. ચાલ ચાલ તુ પણ આવી જા મારી સાથે. બન્ને સાથે બેસીને નાસ્તો કરી લઇએ.” “હા શેઠ, ચાલો હું પણ તમને સાથ આપવા આવું છું.” અમે બન્નેએ નાસ્તાને ન્યાય આપ્યો અને પછી હું પૈસાનું બેગ લઇને રાજકોટ જવા નીકળી ગયો. “વાહ બસની ધક્કાગાડી કરતા કારની આરામદાયક મુસાફરી કેટલી આનંદદાયક હોય છે. શેઠની સ્વિફ્ટ કારને વાયુવેગે હંકારતો હું રાજકોટ જવા નીકળી ગયો. રાજકોટ જતા આખા રસ્તે મને કુંજ યાદ આવી પણ નસીબમાં જે ન હોય તેને યાદ કરવાથી શું ફાયદો થશે?” આ વિચારને મનમાં ઠસાવીને હું સીધો શેઠના પૈસા જે પાર્ટીને આપવાના હતા ત્યાં પહોંચી ગયો.

એ સ્થળ મારી કોલેજથી થોડુક જ દૂર હતુ. પાર્ટીને પૈસા આપી શેઠ સાથે વાત કરાવી હું ત્યાંથી જવા નીકળ્યો. જતા જતા યાદ આવ્યુ કે કોલેજમાં જઇ પ્રોફેસર સાહેબને અને કોઇ મિત્રો મળે તો મળતો જાંઉ. કોલેજ છોડ્યાને ત્રણ વર્ષથી ઉપર થઇ ચુક્યુ હતુ પણ પ્રોફેસરને મળવાના ઇરાદે હું કોલેજ પહોંચી ગયો. કારમાંથી નિકળ્યો તો કોલેજીયન વિદ્યાર્થીઓની નજરનું આકર્ષણ હું જ હતો જાણે તે બધા મને જોઇ રહ્યા. ભલે હોટેલમાં નોકરનું કામ કરતો હતો પણ પહેરવેશ ક્યારેય નોકર જેવો ન રહેતો મારો. કોલેજની જેમ જ જીન્સ ટી-શર્ટ અથવા શર્ટ અને પેન્ટ જ પહેરતો. કારમાંથી ઉતરી મે એક સ્ટુડન્ટને બોલાવી પ્રોફેસર સિંઘલ સાહેબ અને શર્મા સર વિષે પુછતાછ કરી લીધી. તેઓ હજુ આ કોલેજમાં જ હતા. હું સીધો તેમને મળવા દોડ્યો.

“હેલ્લો સર, મે આઇ કમ ઇન?” સ્ટાફરૂમમાં બન્ને સર બેઠા હતા ત્યાં જઇને મે પરવાનગી માંગી. “યસ કમ ઇન.” સિંઘલ સર ન્યુઝપેપર વાંચતા હતા તેમણે કહ્યુ. “સર મને ઓળખ્યો? હું આપનો વિદ્યાર્થી પ્રવીણ.” સરે મારી સામે જોયુ અને એક નજરે જ મને ઓળખી ગયા. મને જોઇને બન્ને સર ખુબ ખુશ થઇ ગયા “અરે પ્રવીણ શું થઇ ગયુ હતુ તને? ક્યાં ગયો હતો કોઇને પણ જાણ કર્યા વિના? તારુ સ્ટડી કેમ અધુરૂ છોડી દીધુ તે?” એક પછી એક ઘણા પ્રશ્નો કરી દીધા સિંઘલ સર અને શર્મા સરે. મે બન્ને સરને મારી શરૂઆતથી લઇને અંત સુધીની વાત કહી સંભળાવી. બન્ને સર આ સાંભળી ખુબ દુઃખી થયા અને મારી એક હોટેલમાં કામ કરવાની વાત સાંભળી સિંઘલ સરને ખુબ વધુ લાગી આવ્યુ. “બેટા હજુ સમય ગયો નથી. તુ ધારે તો તારુ સ્ટડી ફરીથી શરૂ કરી શકે છે. અહી કોલેજમાં અથવા જામનગર કોલેજમાં પણ તું અભ્યાસ કન્ટિન્યુ કરી શકે છે. તારે કાંઇ હેલ્પ જોઇતી હોય તો મને કહેજે હું મારી બનતી કોશિષ કરી છુટીશ.” સાહેબ ભલે કઠોર હતા લેક્ચરમાં પણ આજે મને થયુ કે જેટલા સાહેબ કઠોર છે તેટલા જ લાગણીશીલ છે. “થેંક્સ સર પણ મને લાગતુ નથી કે હવે હું અભ્યાસ કરી શકું. સાચુ કહુ તો અભ્યાસ પ્રત્યેથી મને લગાવ જ ઉતરી ગયો છે. આજે શેઠને રાજકોટ પેમેન્ટ કરવાનુ હતુ એ હેતુથી હું આવ્યો હતો અને અહી નજીકમાં જ આવ્યો હતો તો થયુ કે આપ સૌને મળતો જાંઉ.” “બેટા અભ્યાસ માટે કોઇ સમય જતો રહેતો નથી. માણસ આજીવન એક યા બીજા સ્વરૂપે વિદ્યાર્થી જ રહે છે માટે મારી સલાહ એ જ છે કે તુ ભલે તારુ સ્નાતક લેવલ પુરૂ ન કરે પણ એક બહારના વિદ્યાર્થી તરીકે અંગ્રેજી ભાષા કે સામાન્ય જ્ઞાનનું કોચીંગ મેળવતો રહેજે જેથી તારા જ્ઞાનમાં વધારો થાય નહી કે એ જ્ઞાન કટાઇ જાય. આ મારા કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ જરૂર હોય ત્યારે બેજીજક મને કોલ કરજે, મારાથી બની શકે એ તમામ હેલ્પ મારા દ્વારા તને મળી રહેશે.” સરે મને તેનુ વિઝીટીંગ કાર્ડ આપતા કહ્યુ. “હા સર, તમારી આ સલાહ હું આજીવન યાદ રાખીશ અને તમારા કહ્યા મુજબ જ મારા જ્ઞાનને કટાવા નહી દઉ.” મે તેમને વિશ્વાસ આપતા કહ્યુ અને પછી બન્ને સરને પગે લાગી આશિર્વાદ મેળવી હું ત્યાંથી નીકળી ગયો.

નીચે આવી કાર અનલોક કરી જવાની તૈયારી જ કરતો હતો ત્યાં પાછળથી કોઇએ મને “પ્રેય.....ઓ પ્રેય.....” એવી બૂમ પાડી. હું પણ ચોંકી ગયો કે આ કોલેજમાં કોણે મને બૂમ મારી. મે પાછળ વળી જોયુ તો સામેથી મે ધ્વનીને આવતી જોઇ. તે હાથ ઊંચો કરી મને રોકતી દોડતી આવી રહી હતી.” “હાય પ્રેય. યાર ક્યાં નીકળી ગયો હતો તું? તને ખબર છે કે તારા જવાથી અમે બધા કેવા ગભરાઇ ગયા હતા? શું થઇ ગયુ હતુ તને કે તારે આમ ચુપચાપ ભાગવુ પડ્યુ?” ધ્વનીએ હાંફતા હાંફતા મને ઘણા પ્રશ્નો પુછી નાખ્યા.

“ચીલ ધ્વની ચીલ, કાલ્મ ડાઉન. જરા આરામથી બેસ પછી હું તને બધી વાત કરું. ચલ કારમાં બેસી જા, આપણે કોફી પીતા વાત કરીએ.” મે કારનો ડોર ખોલી તેને બેસવા કહ્યુ અને અમે બન્ને કોફી પીવા માટે મારી જુની અને જાણીતી જગ્યા કે જ્યાં હું અને કુંજ અવારનવાર મળતા ત્યાં પહોંચ્યા. એ કોફીહાઉસનો માલિક પણ મને જોઇને તરત જ ઓળખી ગયો. એ બધાને મળીને આજે બહુ આનંદ થતો હતો કે ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા પણ આજે પણ આ લોકોના દિલમાં મારી યાદ છે. “બેસ ધ્વની, શું હજુ તારુ કોલેજ પુરૂ નથી થયુ તે આ કોલેજમાં જ અટકી છે તું?” “ચુપ કર હો. કોલેજ પછી હવે માસ્ટર ડીગ્રી કરું છું હું, સમજ્યો? તારા શું હાલ છે એ તો બતાવ? આ ગાડી અને શુટ-બુટમાં આવી ગયો તુ? શું રાઝ છે આ બધો મને એ તો કહે?” “અરે નહી યાર, એવુ કાંઇ જ નથી જે તુ વિચારે છે. આ શુટ-બુટ અને ચમક દમક બધી દેખાવની છે. તને જ્યારે મારી હકિકત જાણવા મળશે ત્યારે તારા હોંશ પણ ઉડી જશે. “આમ ઉખાણાની જેમ વાત ન કર. વિસ્તારથી મને કહે કે શું થયુ?” ધ્વનીએ ઉચાટપુર્વક કહ્યુ. “ઓ.કે. બી કાલ્મ. હું કહું છું તને.” મે કોફી પીતા પીતા મારી આપવીતી કહેવાની સરૂઆત કરી. જેમ જેમ મે મારી કહાની આગળ વધારી તેમ તેમ તે કોફી પીવાનુ સુધ્ધા ભૂલી ગઇ. તેના ચહેરા પર મને મળીને અને કાર જોઇને જે ખુશી ઝલકી આવી હતી તેનું સ્થાન હવે દુઃખમાં બદલવા લાગ્યુ જે હું નરી આંખે જોઇ શકતો હતો.

“યાર બહુ ખોટુ થયુ તારી લાઇફમાં. કુદરત પણ કયારેક એવા ખેલ ખેલે છે ત્યારે આપણે ભાન થાય છે કે આપણે આ સુષ્ટિમાં સાવ વામણા જ છીએ. તેની ઇચ્છા વિના એક પગલુ આપણે સ્વઇચ્છાથી આગળ ભરી શકતા નથી.” “હા આપણે ધાર્યુ હોય તેનાથી સાવ વિપરીત જ વસ્તુ બની જાય છે. સજાવેલા સપના આંખોમાં રહી જાય છે અને હાથમાંથી રેતી સરી જાય છે. મારી લાઇફનો તો આખો વણાંક ભગવાને એક જ કોલમાં બદલાવી નાખ્યો ધ્વની.” આટલુ બોલતા જ મારી આંખનો એક ખુણો ભીનો થઇ ગયો. “પ્રેય હું તારી હાલત સારી રીતે સમજી શકુ છુ. પરંતુ પેલા હજાર હાથ વાળા ઇશ્વર સામે આપણુ કાંઇ ચાલતુ જ નથી એ તો નક્કર સત્ય છે. એક તું જ એવો નથી કે જેના જીવનમાં મરજી વિરૂધ્ધ થયુ છે. તુ જેના માટે આંસુ સારે છે અને મને મળ્યો ત્યારથી જેને શોધવા તારી નજર ચોમેર કોલેજ કેમ્પસમાં ફરે છે તેની સાથે પણ કાંઇ સારૂ થયુ નથી. કુદરતે તેની સાથે પણ બહુ કૃર ખેલ રચ્યો છે.” ધ્વનીના આ શબ્દો મને અંગારા કરતા પણ વધુ તેજ લાગ્યા. તેનો એક એક શબ્દ મારા પર ચાબખાની જેમ પડી રહ્યો હતો. ખરાબ સાંભળીને તો મારા હોંશ ઉડી ગયા. “શુ થયુ કુંજ સાથે ખરાબ ધ્વની, મને જલ્દી કે પ્લીઝ. મારી સાથે જે થયુ તે હું સહન કરી શકુ તેમ છું પણ મારી કુંજ સાથે કાંઇ અઘટિત બને તે કદાપી મારાથી સહન નહી થાય.” હજુ અમારી વાત ચાલતી જ હતી ત્યાં તેના ફોનની રીંગ વાગી એટલે “એક્સ ક્યુઝમી પ્લીઝ” કહી તે સાઇડમાં જઇ વાત કરવા લાગી. મારા માટે તેના ફોન પરની વાતનો સમય યુગ જેવો લાગતો હતો, એક એક પળ વિતાવવી ખુબ જ અઘરી બનવા લાગી હતી મારા માટે.

To be continued……………………….