ડાયરી
ભાગ 2
હું રાખ નહી થઉં
સ્વરા મમ્મીના ઘરે જવા નીકળી, સૂરજે કહ્યું : “ તું જા. ચકુને લઈને હું તરત જ આવું છું.” સ્વરા ઘરે પહોંચી ત્યારે ભેગા થયેલા લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો..પપ્પાએ એની સામે જોયું. ગળગળા થયેલા પપ્પા રડી ના પડે એટલે એમણે નજર ફેરવી લીધી. મમ્મીના મૃતદેહને સ્વરા જ નવડાવશે અને તૈયાર કરશે એ જાહેરાત જ્યારે જયેશભાઇએ કરી ત્યારે એમની બહેન આરતી અને એમના બંને ભાઈઓને ગમ્યું નો'તું .પણ મોતનો મલાજો જાળવવા કોઈ કંઈ બોલ્યું નહીં. આરતીએ સ્વરાને મદદ કરવાની તૈયારી દર્શાવી ત્યારે જયેશભાઈના અણગમાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ આવી.:“ એ લખીને ગઈ છે.” સ્વરાની આરતીફઈને હળહળતું અપમાન લાગ્યું’તું. સૂરજ અને ચકુ બંને આવી ગયા હતા, ભારેખમ વાતાવરણ વચ્ચે સૂરજ ચકુને ઉંચકીને જયેશભાઈની પડખે ઊભો રહ્યો. ઊંચો, ગોરો અને મોટી આંખો વાળા સૂરજને પાડોશીઓ અને સગાઓ જોઈ રહ્યા.
મમ્મીને તૈયાર કરી સ્વરા બહાર લાવી.અનસૂયા બહેનના ચહેરા પર બંધ આંખો છતાંય અદભૂત શાંતિ છવાયેલી હતી. ત્યારે એ મૃતદેહ હતો કે એ સૂઈ ગઈ હતી? જયેશભાઈને લાગ્યું, ‘હમણાં ઊઠે અને ચા બનાનવવાનું પૂછે તો?? કાશ એવું થાય તો એની કેટલીય માફી માંગી લઉં, કેટલો પ્રેમ કરું છું એ જાહેર માં કહી દઉં, ભલે બધા ઊભા હોય. પણ એમને ખબર હતી, હવે એ ઉઠવાની નથી. એવામાં આરતીએ “સૌભાગ્યવતીનું માથું કોરું ના રખાય” એમ કહી જયેશભાઈને ટોક્યા. અને જયેશભાઇએ કહ્યું : “એને ચાંદલો કરવો નહતો ગમતો. જીવતેજીવત તો એણે ચાંદલો નહી જ કરું ની તલવાર તાણી’તી. પછી મૃતદેહને ચાંદલો લગાવી એના આત્માને દુ:ભવવો??!!
સ્મશાનયાત્રામાં બધા જોડાયા. સૂરજ જયેશભાઈ ની પડખે ઊભો’તો. અનસૂયાબહેનનો મૃતદેહ ઘરની બહાર લઈ જતી વખતે સૂરજ ના ખભે જયેશભાઈએ હાથ મૂકી દીધો હતો. બીજા ટેકાઓ કદાચ પપ્પાને સંભાળી શકે એટલા મજબૂત નહતા. ચકુને ઊંચકી ને સૂરજ સ્મશાનયાત્રામાં જોડાયો. શબ્દો વગર સ્પર્શથી વાતો થઈ. બે પુરુષો પણ સ્પર્શની ભાષા સમજતા હશે??
મમ્મીના શરીરને અગ્નિદાહ દેવાઈ ચૂક્યો હતો. ધીરેધીરે બધા જ સગાઓ વિખેરવા માંડ્યા હતા. પપ્પા, સૂરજ સ્વરા અને નાનકડો ચકુ- બસ, આટલા જ હતા સ્મશાન ગૃહમાં.. નાના છોકરાઓને લઈને તો જવાતું હશે? સ્વરામાં તો બુદ્ધિના હોય, પણ જયેશભાઈએ તો ધ્યાન રાખવું જોઈએ ને! લોકોના આ ગણગણાટની અસર ના તો સૂરજને થઈ, ના તો જયેશભાઈને. સ્વરા તો જાણે જીવતી લાશ ના હોય! એક પછી એક બધા ડાઘુઓ પરત થયા.. સ્વરા સાથે કંઈ પણ વાત કરવાનું વ્યાજબી ના લાગ્યું. એટલે સૂરજે ચકુને ચૂપ રહેવાનો ઇશારો કરી ચાલવા માંડ્યું. પપ્પાએ, ‘સ્વરા, ચાલ.’ એટલું કહ્યું. પણ એ તો મમ્મી સાથે એક તારે બંધાઈ ગઈ’તી. એક ધબકતું જીવન ઘડીના છઠ્ઠા ભાગમાં રાખ બની જતું હશે? ક્યાં જતા હશે આ જીવ બધા!! સ્મશાનમાં સ્મશાનવત્ શાંતિ નહોતી. દૂર એક મા બાપ રડી રહ્યાં હતા, એમની દીકરીએ આપઘાત કર્યો હતો કદાચ. સંધ્યાકાળ હતો. સૂરજ આથમી રહ્યો હતો. મમ્મીની ચિતામાંથી ધુમાડો નીકળતો હતો. એ વિચારી રહી: મમ્મી ક્યારેય પરફયુમ છાંટ્યા વગર ઘર બહાર નીકળતી નહોતી. અને આજે???? મૃત્યુને આટલી નજીકથી જોયું. આ એ જ મમ્મી હતી? જેની આંગળી પકડીને એ બગીચામાં જતી. એ, મમ્મીને પપ્પા પેલા વડ નીચે બેસી પીકનીક મનાવતા. આ એ જ મા? જેના હાથે એ દોરડા કૂદતા શીખી હતી.. ગુલાબ જાંબુ બનાવતા શીખી હતી.. કેટલો પ્રેમ કરતી’તી!! સાવ અચાનક??
ખરી છે હોં મમ્મી... વચનો આપે એ નિભાવી જાણતી. જો ને, એણે કહ્યું’તુ, એમ તને મળ્યા વિના નહી મરુ. ને એ વચન પણ નિભાવ્યું. હજુ સ્વરા એ નહોતી સમજી શકી કે, પપ્પા સાથે કેવી રીતે રહી શકી?? અને એનો જવાબ પણ મમ્મીએ આપ્યો હતો: સાથે રહેવા માટે કારણોની જરૂર પડે, છૂટા પડવા માટે નહી.
“બેટા, બેન, અંધારું થવા આવ્યું છે, તમે ઘરે જાઓ..” સ્મશાન સાચવનારા વોચમેને વાત કરી અને સ્વરા ના વિચારોની વણથંભી વણઝારને જાણે બ્રેક લાગી.
“હં?મને કંઈ કહ્યું કાકા?” સ્વરાએ પૂછ્યું.
“ હા બેટા, રાત પડે હજારો આત્માઓ ભટકતી અહીં આવતી હોય! સ્મશાન કંઇ સારી જગ્યા કહેવાય? એમાંય આજે તો અમાસ.”કાકા બોલી રહ્યા.
“થોડીવાર પછી જઉં..” કદાચ મા મળી જાય તો એકવાર જોઈ લઉં..એ મનોમન બબડી રહી.
ખાસ્સું એવું અંધારું થવા આવ્યું હતું.. આકશમાં ચાંદો નહતો એટલે તારાઓ ઝગમગી રહ્યા હતા. અને સ્વરાને અચાનક યાદ આવ્યું : પપ્પા એક દિવસ આમ જ બાલ્કનીમાંથી તારાઓ જોતા હતા અને એણે પૂછ્યું’તું. પપ્પા શું જુઓ છો? અને પપ્પાએ એ જ જૂનો જવાબ આપ્યો’તો: “મર્યા પછી માણસ તારો બની જાય છે. હું મારી મા ને શોધું છું”
અને સ્વરા વિશાળ આકાશમાં ઝીણામાં ઝીણો તારો તાકી રહી.. મા દેખાય છે? ક્યાંય??
પછી યાદ આવ્યું: રાત પડે મને ઓછું દેખાય છે ને મા! કૂતરાઓ રડી રહ્યા હતા..ચામાચીડીયાઓય હવે તો ઉડતા’તા. નજીક આવી રહેલા કૂતરાંની આંખો જોઈને બીક લાગવા માંડી, જાણે ખરેખર હજારો આત્માઓ એની આસપાસ ફરતી હોય! એને પરસેવો છૂટી ગયો.
એણે નીચે પડેલી રાખ તરફ હાથ લંબાવ્યો અને જાણે હાથમાં લઈ પોતાની સાથે બાંધી લીધી. અસ્થિ સામેથી ખસવા મન નો’તું માનતું. પણ.... હવે એક જવાબદારી વધી હતી.. પપ્પાની. એ ઊભી થઈ. પાછળ જોયા વિના મક્કમ મને નીકળી તો ખરી, પણ સ્મશાન છોડતા જાણે પગ જકડાઈ ગયા. જાણે મમ્મીને ઊંચકીને ચાલતી હોય.. એની આંખો ભરાઈ આવી, હાથ ઠંડા થઈ ગયા. એની જીગરજાન બહેનપણી અને જનેતા ને છોડીને કેમ જવું? અને એણે મમ્મીની ચિતા સામે પાછળ ફરી જોયું:
મમ્મી દેખાઈ.. હસતી હતી.. જે સાડી એની પહેલી કમાણીમાંથી લઈ આપી હતી, જે એને હમણાં પહેરાવી હતી એ સાડીમાં જેમાં એ હમણાં હતી એ જ સાડીમાં. એના ખુલ્લા વાળ સાથે. એવોજ ગોળ ચહેરો... ભ્રમ હતો?? કે ખરેખર મા નો જીવ હતો. મા જાણે છેક નજીક આવી. સ્વરાને ખરેખર મા નો અહેસાસ થયો; કાન માં આવીને કહી ગઈ: “તું મને રાખ તરીકે જોવે અને સાવ તૂટી જાય એવું મને ના ગમે. મારૂ મૃત્યુ તને નવી બનાવવા માટે છે. તૂટેલી સ્વરાને ધ્વંસ કરવાનું નહી. યાદ છે ને?? લખવાનું બંધ ના કરતી. લેખક તરીકે જીવજે. પણ જીવજે.”
ને એ દિગ્મૂઢ બની જોઈ રહી. હવે એ નવી સ્વરા બનવાની દિશા તરફ ડગલા માંડી રહી હતી. એનો ખભો ટટ્ટાર હતો.
“બેટા, બેન, રાત થઈ. હવે જાઓ.” વોચમેને એને ઢંઢોળી. અને એ સ્મશાનની બહાર નીકળી..
“બહુ મોડું કર્યું ?” અવાજ થી ધ્રૂજી ગઈ. પપ્પા હતા. એને લેવા રોકાયા હતા. એ કારમાં બેસી ગઈ. “સીટ બેલ્ટ પહેરી લે.” પપ્પાએ કહ્યું. અને એને યાદ આવ્યું : પપ્પા સાથે પહેલી વાર ઝૂ મા ગઈ હતી ત્યારેય પપ્પાએ આવું જ કહ્યું’તું.
સ્મશાનથી ઘર સુધી બાપ દીકરી વચ્ચે કોઈ વાત ના થઈ પણ મૌનમાં ઘણી વાતો કહેવાઈ ગઈ, ઘણી વાતો સમજાઈ ગઈ.
રાતના સાડા અગિયાર થયા હતા. ચકુ સૂઈ ગયો હતો, સૂરજ રાહ જોઈને નતમસ્તક બેઠો’તો.
સ્વરાને કહ્યું : જા, નાહી લે. તારા કપડા બાથરુમમાં મૂક્યા છે. પછી જમીએ. પપ્પાએ પણ કંઈ ખાધું નથી.
સ્વરા, નાહીને આવી. ત્રણેય જણા સાથે જમ્યા. ભારેખમ મૌન વચ્ચે. પપ્પાએ રોકાવા વિશે કંઈ કહ્યું નહી પણ સૂરજ જમીને સીધો જ ચકુ સાથે સૂઈ ગયો’તો. થાક્યો હતો. સ્વરાને ઊંઘ ના આવી. અને એણે ડાયરી લીધી. એ ડાયરી જેમાં મમ્મી હિસાબો લખતી’તી. આજે એણે ડાયરી લખવાનું શરુ કર્યું :
“ શું હોય છે આપણી પાસે?? બસ, એક જિંદગી. મને યાદ છે જ્વાળાઓમાં લપેટાયેલા અમદાવાદના એ રસ્તાઓ અને મૃતકોની ખામોશી..એ ખામોશીઓ એક સમયે મારા માટે જે એક ન્યુઝ સ્ટોરીથી વિશેષ કંઈ જ નહોતી . એ ખામોશીએ આજે મનને હચમચાવી દીધું. મને હમેશાં એવું લાગ્યું છે કે જે વ્યક્તિ જિંદગીને આંગળીઓના ટેરવાથી સ્પર્શ કરી શકે એ જ સાચો મનુષ્ય.. બાકી કેટલાય જીવનો જીવાય છે. વેડફાય છે. હું નસીબદાર છું જીવનને આંગળીઓથી સ્પર્શી શકું છું.. મારા એકેએક ધબકારાને માણી શકું છું. મારી શરતોએ જીવન જીવવાની આદત છે.
આજે -- જેની કૂખે જન્મ લીધો એ મા ને અગ્નિદાહ આપીને આવી છું. એક વાત સમજાઈ છે. છેલ્લો શ્વાસ ચાલતો હોય, ત્યાં સુધી મનુષ્ય ઉચ્છશ્વાસ સામે લડ્યા કરે છે. ઈશ્વરે એક માણસ બનાવ્યો છે અને એક જીવન આપ્યું છે. મારી ફિંગરપ્રિન્ટસ બીજા કરતા વિશેષ છે. બધાની આગવી જ હોય. માણસ બુદ્ધિશાળી છે. મારી મા ને હું સતત અનસૂયા તરીકે જ જોવા ચાહીશ, કોઈ અન્ય જીવ તરીકે નહી અને તો જ મારી ડાયરીના પાના એ જ અનસૂયાની હૂંફે ઉથલાવતા રહેશે.”
અને એણે ડાયરી બંધ કરી ત્યાં જ ડાયનીંગ ટેબલ પર માથું ઢાળી સૂઈ ગઈ.
સવારે પાડોશીના ઘરે થી આવેલી કોફી પપ્પાએ મૂકી ત્યારે જાગી જવાયું. સૂરજ અને ચકુ હજુ ઉંઘતા હતા.
ટેબલ પર પડેલા પપ્પાના બ્લડ રિપોર્ટ્સ વાંચ્યા. થોડી ચિંતા થઈ.. હજુ પપ્પા સાથે કંઈ વાત નો’તી થઈ. ત્યાં લોકો મળવા આવવા માંડ્યા. કોલાહલથી સૂરજ અને ચકુ બંને જાગી ગયા. ચકુને કંઈ સમજાતું નો’તું. એ સ્વરા પાસે જતો રહ્યો અને સ્વરા એને તૈયાર કરવા લાગી. સૂરજ ચા પી ને પપ્પા પાસે બેઠો. જતા આવતા લોકો સાથે વાત કરતો. અજાણ્યા ઘરમાં અજાણ્યા લોકો સાથે પણ એના સ્વભાવ વિરુદ્ધ વાત કરતો. સ્વરાને એટલું કહી ગયો કે એ હમણાં ઑફિસ નહી જાય. સૂરજ અને પપ્પા બંને નું વર્તન અચાનક બદલાયું હતું. આખો દિવસ પસાર થઈ ગયો. ત્રણ દિવસ ચૂલો ના સળગાવાય, એટલે પાડોશીઓ પૂછવા આવ્યા’તા ને પપ્પાએ એટલું કહ્યું કે આજ થી ઘરમાં રસોઈ કરીશું. આખા દિવસનો થાકેલો સૂરજ સાંજે બહાર ગયો- શાકભાજી ને દૂધને એવું બધું લાવવાનું બાકી હતું.
હવે ચકુ, સ્વરા ને પપ્પા ત્રણ ઘરમાં હતા. ચકુ એ પૂછ્યું : મા, આ કોણ છે, આપણે એમના ઘરે કેમ રહીએ છીએ? આટલા બધા લોકો કેમ મળવા આવે છે?
અને સ્વરાએ કહ્યું - “આ નાના છે.”
“નાના એટલે શું?”
“નાના એટલે મમ્મીના પપ્પા. આ મારા પપ્પા છે..”
અને ચકુ ટગર ટગર નાના સામે જોઈ રહ્યો ; પછી સીધું જ એણે પૂછ્યું: “તમે સાચુકલામાં મારા મમ્માના પપ્પા છો??" અને જયેશભાઈએ ખોળામાં બેસાડ્યો.. ચકુ મમ્મી સામે જોઈ રહ્યો..
જયેશભાઈને પત્નિના શબ્દો યાદ આવ્યા: “સ્વરાને દીકરો આવ્યો છે, ગોરો ગટાક છે.. સ્વરા જેવો જ દેખાય છે. સંબંધોને યોગ્ય દિશા આપવાનો આ અવસર છે તમે સાથે ચાલો.” તેવા અનસૂયાના શબ્દોને ત્યારે અવગણ્યા હતા એનો ડંખ જાણે જયેશભાઈને વાગ્યો : એની વાત ત્યારે માની હોત તો એ શાંતિથી જાત...હજુ એ વિચારો મગજમાં ચાલતા હતા, ત્યાં જયેશભાઈના ભાઈ હિતેશ, કેતન અને બહેન આરતી આવ્યા. અગાઉ કુટુંબ માં પ્રેમ લગ્ન કરેલી દીકરીઓ વિશે જયેશભાઇએ પ્રગટ અને અપ્રગટરીતે અણગમો વ્યક્ત કર્યો હતો. જયેશભાઈ ના વર્તનમાં આજે એ અણગમો આજે ગેરહાજર હતો. જેની નોંધ તેમના ભાઈઓ અને બહેનોએમનમાં જ લીધી. કદાચ ત્યાં હાજર રહેલા બીજા લોકો પણ આ ફેરફાર જોઈ શક્યા હતા. પત્નિ અનસૂયાની ગેરહાજરીએ જીવનના કેટલાક કડવા સત્યો જયેશભાઈને સમજાવ્યા હશે. સ્વરાની આંખોને આ દ્રશ્ય જોવાની અપેક્ષા વર્ષો સુધી રહી હતી. પણ માના મૃત્યુને કારણે સંબંધોમાં કુમાશ આવે તે સ્વીકારવાનું સહેલું નો'તું . ચકુ હજુ નાના ના ખોળામાં બેઠો બેઠો એમણે ગળામાં પહેરેલી ચેઈનથી રમતો હતો. સૂરજ, સ્વરા અને જયેશભાઈ સાથે જાણે અનસૂયાબહેનનો અસ્થિકુંભ વાત કરતો હતો.
(ક્રમશ:)