‘સત્યના પ્રયોગો’
અથવા
આત્મકથા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૯. અસત્યરૂપી ઝેર
ચાળીસ વર્ષ પૂર્વે વિલાયત જનારા પ્રમાણમાં થોડા હતા. તેમનામાં એવો રિવાજ પડી ગયો હતો કે પોતે પરણેલા હોય તોપણ કુંવારા ગણાવું. તે મુલકમાં નિશાળમાં કે કૉલેજમાં ભણનારા કોઈ પરણેલા ન હોય. વિવાહિતને વિધાર્થીજીવન ન હોય. આપણામાં તો પ્રાચીન કાળમાં વિધાર્થી બ્રહ્મચારીને નામે જ ઓળખાતો. આ જમાનામાં જ બાળવિવાહનો ચાલ પડ્યો છે. વિલાયતમાં બાળવિવાહ જેવી વસ્તુ છે જ નહીં એમ કહી શકાય. તેથી હિંદી જુવાનોને પોતે પરણેલા છે એમ કબૂલ કરતાં શરમ થાય. વિવાહ છુપાવવાનુું બીજું એક કારણ એ કે જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે ફરવાહરવા અને ગેલ કરવા ન મળે. આ ગેલ ઘણે ભાગે નિર્દોષ હોય છે. માબાપો આવી મિત્રાચારી પસંદ પણ કરે. યુવક અને યુવતીઓ વચ્ચે એવા સહવાસની ત્યાં આવશ્યકતા પણ ગણાય, કેમ કે ત્યાં તો દરેક જુવાનને પોતાની સહધર્મચારિણી શોધી લેવી પડે છે. એટલે જે સંબંધ વિલાયતમાં સ્વભાવિક ગણાય તે સંબંધ
હિંદુસ્તાનના નવયુવક વિલાયત જતાંવેંત બાંધવા મંડી જાય તો પરિણામ ભયંકર આવે જ.
કેટલીક વેળા એવાં પરિણામ આવેલાં પણ જાણ્યાં છે, છતાં આ મોહિની માયામાં આપણા જુવાનો ફસાયા હતા. અંગ્રેજોને સારુ ગમે તેવી નિર્દોષ છતાં આપણે સારુ ત્યાજ્ય સોબતને ખાતર તેઓએ અસત્યાચરણ પસંદ કર્યું. આ જાળમાં હું પણ સપડાયો. હું પણ પાંચછ વર્ષ થયાં પરણેલો હોવા છતાં અને એક દીકરાનો બાર છતાં, મને કુંવારા તરીકે ગણાવતાં ન ડર્યો! એમ ગણાવ્યાનો સ્વાદ તો મેં થોડો જ ચાખ્યો. મારાશરમાળ સ્વભાવે, મારા મૌને મને ખૂબ બચાવ્યો. હું વાત ન કરી શકું છતાં મારી સાથે વાત કરવાને કઈ છોકરી નવરી હોય ?
મારી સાથે ફરવા પણ કોઈ છોકરી ભાગ્યે નીકળે.
જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફર ને ફરવા લઈ જાય. આ વિવેકને વશ થઈ આ ઘરધણી બાઈની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઈ ગઈ. મારી ચાલ કંઈ ધીમી નહોતી. પણ તેની ચાલ મારા કરતાં પણ તેજ. એટલે
મારે તેની પાછળ ઘસડાવું રહ્યું. એ તો આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યારે
મારે મોઢેથી કોઈ વેળા ‘હા’ કે કોઈ વેળા ‘ના’ નો સૂર નીકળે. બહું બોલી નાખું તો ‘કેવું સુંદર!’ એટલો બોલ નીકળે! તે તો પવનમાં ઊડતી જાય અને હું ઘરભેળાં કયારે થવાય એ વિચાર કરું. ‘હવે પાછાં વળીએ’ એમ કહેવાની હિંમત ન ચાલે. એવામાં એક ટેકરીની ટોચે અમે આવી ઊભાં. પણ ઊતરવું કેમ? પોતાના ઊંચી એડીના બૂટ છતાં આ વીસપસીસ વર્ષની રમણી વીજળીની જેમ ઉપરથી ઊતરી ગઈ. હુંતો હજી શરમિંદો થઈ ઢોળાવ કેમ
ઊતરાય એ વાચારી રહ્યો છું. પેલી નીચે ઊભી હસે છે; મને હિંમત આપે છે; ઉપર આવી હાથ ઝાલી ઘસડી જવાનું કહે છે! હું એવો નમાલો કેમ બનું! માંડ માંડ પણ ઘસડતો, કાંઈક બેસતો ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ‘શા.....બ્બા....શ’ કહી મને શરમાયેલાને વધુ શરમાવ્યો. આવી મશ્કરીથી મને શરમાવવાનો તેને હક હતો.
પણ દરેક જગાએ હું આમ કયાંથી બચી શકું? અસત્યનું ઝેર ઈશ્વર મારામાંથી કાઢવાનો હતો. જેમ વેંટનર તેમ બ્રાઈટન પણ દરિયાકિનારે આવેલું હવા ખાવાનું મથક છે.
ત્યાં એક વેળા હું ગયો. જે હોટેલમાં ગયો ત્યાં એક સાધારણ પૈસાપાત્ર વિધવા ડોશી પણ હવા ખાવા આવેલી હતી. આ મારો પહેલા વર્ષનો સમય હતો - વેંટનર પહેલાંનો. અહીં ખાણામાં વાનીઓના ખરડામાં બધાં નામો ફ્રેંચ ભાષામાં હતાં. હું તે ન સમજું. આ ડોશી બેઠી હતી તે જ ટેબલે હું પણ હતો. ડોશીએ જોયું કે હું અજાણ્યો છું ને કંઈક ગભરાટમાં પણ છું. તેણે વાત શરૂ કરી.
‘તમે અજાણ્યા લાગો છો. તમે કાંઈક મૂંઝવણમા છો. તમે કંઈ ખાવાનું હજી નથી
મગાવ્યું!’
હું પેલો વાનીઓનો ખરડો વાંચી રહ્યો હતો ને પીરસનારને પૂછવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે મેં આ ભલી બાઈનો ઉપકાર માન્યો અને કહ્યું, ‘આ ખરડો હું સમજતો નથી ને હું અન્નાહારી હોઈ કઈ વસ્તુઓ નિર્દોષ છે એ મારે જાણવું રહ્યું.’
પેલી બાઈ બોલી, ‘ત્યારે લો તમને મદદ કરું ને ખરડો હું સમજાવું. તમારાથી ખાઈ
શકાય એવી વસ્તુઓ હું તમને બતાવી શકીશ.’
મે તેની મદદ સાભાર સ્વીકારી. અહીંથી અમારો સંબંધ થયો તે હું જયાં સુધી વિલાયતમાં રહ્યો ત્યાં સુધી અને ત્યાર બાદ પણ વરસો લગી નભ્યો. તેણે લંડનનું પોતાનું ઠેકાણું આપ્યું ને મને દર રવિવારે પોતાને ત્યાં ખાવા જવાને નોતર્યો. પોતાને ત્યાં બીજા અવસર આવે ત્યારે પણ મને બોલાવે, ચાહીને મારી શરમ સુકાવે, જુવાન સ્ત્રીઓની ઓળખાણ કરાવે ને તેમની સાથે વાતો કરવા લલચાવે. એક બાઈ તેને ત્યાં જ રહેતી. તેની સાથે બહું વાતો કરાવે. કોઈ વેળા અમને એકલાં પણ છોડે.
પ્રથમ મને આ બધું વસમું લાગ્યું. વાતો કરવાનું ન સૂઝે. વિનોદ પણ શું કરાય?
પણ પેલી બાઈ મને પાવરધો કરતી રહે. હું ઘડાવા લાગ્યો. દર રવિવારની રાહ જોઉં. પેલી બાઈની સાથે વાતો પણ ગમવા લાગી.
ડોશી પણ મને લોભાવ્યે જાય. તેને આ સોબતમાં રસ લાગ્યો. તેણે તો અમારું બન્નેનું ભલું જ ચાહ્યું હશે.
હવે હું શું કરું? મેં વિચાર્યું : ‘જો મે આ ભલી બાઈને મારા વિવાહની વાત કરી દીધી હોત તો કેવું સારું? તો તે મારા કોઈની સાથે પરણાવવાની વાત ઈચ્છત ? હજુ પણ
મોડું નથી. હું સત્ય કહી દઉં તો વધારે સંકટમાંથી ઊગરી જઈશ.’ આમ ધારી મેં તેને કાગળ
લખ્યો. મને યાદ છે તે પ્રમાણે તેનો સાર આપું છુંઃ
‘આપણે બ્રાઈટનમાં મળ્યાં ત્યારથી તમે મારા પર પ્રેમ રાખતાં આવ્યાં છો. જેમ મા પોતાના દીકરાની સંભાળ રાખે તેમ તમે મારી સંભાળ રાખો છો. તમે તો એમ પણ માનો છો કે મારે પરણવું જોઈએ અને તેથી તમે મારો પરિચય યુવતીઓની સાથે કરાવો છો.
આવો સંબંધ વધારે આગળ જાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે હું તમારા પ્રેમને
લાયક નથી. તમારે ઘેર આવતો થયો ત્યારે જ મારે તમને કહેવું જોઈતું હતું કે હું તો પરણેલો છું. હિંદુસ્તાનના વિધાર્થીઓ જે પરણેલા હોય છે તે આ દેશમાં પોતાના વિવાહની વાત પ્રગટ નથી કરતા એમ હું જાણું છું. તેથી મેં પણ એ રિવાજનું અનુકરણ કર્યું. હવે હું જોઉં છું કે મારે મારા વિવાહની વાત મુદૃલ છુપાવવી નહોતી જોઈતી. મારે તો વધારામાં ઉમેરવું જોઈએ કે હું બાળવયે પરણેલો છું અને મારે તો વધારામાં ઉમેરવું જોઈએ કે હું બાળવયે પરણેલો છું અને મારે એક છોકરો પણ છે. આ વાત તમારી પાસે ઢાંકયાને સારુ
મને હવે બહું દુઃખ થાય છે. મને તમે માફ કરશો? જે બહેનની સાથે તમે મારો પરિચય
કરાવ્યો છે તેની સાથે મેં કશી અયોગ્ય છૂટ લીધી નથી તેની ખાતરી આપું છું. મારાથી છૂટ ન જ લેવાય એનું મને સંપૂર્ણ ભાન છે. પણ તમારી ઈચ્છા તો સ્વભાવિકપણે જ મારો કોઈની સાથે સંબંધ બંધાયેલો જોવાની હોય. તમારા મનમાં આ વસ્તુ આગળ ન વધે તે ખાતર પણ મારે તમારી પાસે સત્ય પ્રગટ કરવું જોઈએ.
‘જો આ કાગળ મળ્યા પછી તમે તમારે ત્યાં આવવાન સારુ મને નાલાયક ગણશો તો મને મુદૃલ ખોટું નહીં લાગે. તમારી મમતાને સારુ હું તમારો સદાયનો ઋણી થઈ ચૂક્યો છું. જો તમે મારો ત્યાગ નહીં કરો તો હું ખુશી થઈશ એ મારે કબૂલ કરવું જોઈએ. તમારે ત્યાં આવવાને હજું મને લાયક ગણશો તો તેને તમારા પ્રેમની એક નવી નિશાની ગણીશ, અને તે પ્રેમને લાયક થવા મારો પ્રયત્ન જારી રહેશે.’
વાંચનાર સમજે કે આવો કાગળ મેં ક્ષણવારમાં નહીં ઘડયો હોય. કોણ જાણે કેટલા
મુસદૃા ઘડયા હશે. પણ આવો કાગળ મોકલીને મેં મારા ઉપરથી મહાન બોજો ઉતાર્યો.
લગભગ વળતી ટપાલે પેલી વિધવા મિત્રનો જવાબ આવ્યો. તેમાં તેણે જણાવ્યું.
‘તમારો ખુલ્લા દિલનો કાગળ મળ્યો. અમે બન્ને રાજી થયાં ને ખૂબ હસ્યાં, તમારા જેવું અસત્ય તો ક્ષંતવ્ય જ હોય. પણ તમે તમારી હકીકત જણાવી એ ઠીક જ થયું. મારું નોતરું કાયમ છે. આવતે રવિવારે તમારી રાહ અમે જોઈશું જ, ને તમારા બાળવિવાહની વાતો સાંભળશું, ને તમારા ઠઠ્ઠા કરવાનો આનંદ પણ મેળવીશું. આપણી મિત્રતા તો જેવી હતી તેવી જ રહેશે એ ખાતરી રાખજો.’
આમ મારામાં અસત્યનું ઝેેેર ભરાઈ ગયું હતું તે મેં કાઢયું અને પછી તો ક્યાંયે મારા વિવાહ વગેરેની વાતો કરતાં હું મૂંઝાયો નહીં.