From the Earth to the Moon - 15 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 15

કાસ્ટિંગનો ઉત્સવ

પ્રકરણ ૧૫

આ આઠ મહિનાઓમાં કાસ્ટિંગની તૈયારી માટેનું અગત્યનું કામ એટલેકે ખોદકામ તેમજ કાસ્ટિંગ પણ સાથેસાથે જ થઇ રહ્યું હતું. કોઈ અજાણ્યો વ્યક્તિ જો અત્યારે સ્ટોન્સ હિલ પર આવી ચડે તો તેને આ અદભુત નઝારો જોઇને જરૂરથી આશ્ચર્ય થાય.

કૂવાથી ૬૦૦ યાર્ડ્ઝ દૂર ગોળાકારમાં ૧૨૦૦ અત્યંત અવાજ કરતા ઓવન ઉભા કરી દેવામાં આવ્યા જે તમામ છ ફૂટના ડાયામીટરના હતા અને તે તમામને એકબીજાથી ત્રણ ફૂટના અંતરે રાખવામાં આવ્યા હતા. આ ૧૨૦૦ ઓવનોએ લગભગ બે માઈલનો વિસ્તાર પોતાના કબ્જામાં લઇ લીધો હતો. આ તમામ ઓવનો એક જ જગ્યાએ બન્યા હતા અને તેમની ચોખુણી ચીમની માંથી આવતા અવાજો એકસરખી અસર ઉભી કરી રહી હતી.

કમિટીની ત્રીજી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોલમ્બિયાડ કાસ્ટ આયર્નની બનશે અને તે પણ સફેદ રંગની. આ ધાતુ એક દમ દ્રઢ હશે તેમ છતાં નરમ પણ હશે અને ઘડી શકાય તેવું પણ હશે અને જ્યારે જે કોઇપણ આકારમાં જરૂર પડે તેમાં તેને ઢાળી શકાય તેવી હશે, ઉપરાંત જયારે તેને પીટ કોલસા સાથે ઢાળવામાં આવશે ત્યારે તે કોઇપણ પ્રકારના ધક્કાને જેવાકે તોપગોળો, સ્ટીમ બોઈલર કે હાઈડ્રોલિક પ્રેસને સહન કરી શકનાર ઈજનેરી વિજ્ઞાનના સૌથી ઉજ્જવળ કાર્ય તરીકે બહાર આવશે.

જો કે કાસ્ટ આયર્ન માત્ર એક જ મિશ્રણ માટે કામમાં આવી શકે એમ હતું કારણકે એ કોઈક વખત જ પોતાનો ગુણધર્મ બદલી શકવા માટે સમર્થ હતું અને તેને તેના છેલ્લા કણ સુધી જો શુદ્ધ કરવામાં આવે તો જ એ શક્ય બની શકે તેમ હતું. આથી જ ટેમ્પા ટાઉનમાં લાવવા પહેલા ઘણા સમય અગાઉ જ અશુદ્ધ લોઢાને કોલ્ડસ્પ્રિંગની મોટી મોટી ભઠ્ઠીઓમાં ભારે ગરમીથી પીગળાવવામાં આવ્યું હતું અને પછી તેને કોલસા અને સ્ફટિક સાથે ઉંચા તાપમાને મિશ્રિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં કાર્બન ભેળવી તેને કાસ્ટ આયર્ન તરીકે જન્મ આપવામાં આવ્યો હતો. આ કાર્ય કર્યા બાદ તેને સ્ટોન્સ હિલ મોકલવામાં આવ્યું હતું. જો કે ૧૩૬,૦૦૦,૦૦૦ પાઉન્ડ કાસ્ટ આયર્નને રેલ્વેથી મોકલવાનો ખર્ચો ખૂબ થાય એમ હતો. આ ખર્ચો મૂળ ધાતુની કિંમતથી બે ગણો થઇ જતો એમ હતો. તેની સામે ન્યૂયોર્કથી સમુદ્રને રસ્તે લોઢાના સળિયાઓ સાથે મોકલવાનું વધારે સસ્તું પડે તેમ હતું. જો કે તેને માટે ઓછામાં ઓછા સાઈઠ જહાજ, જે દરેક ૧૦૦૦ ટન કાસ્ટ આયર્ન પોતાની સાથે લઇ જાય એવું શક્ય બને તો જ પોસાય તેમ હતું અને થયું પણ એમ જ. ત્રીજી મે એ ન્યૂયોર્કથી નીકળેલા આ જહાજો એ જ મહિનાની દસમી તારીખે ઇસ્પીરીટુ સેન્ટોના કિનારે આ તમામ કાર્ગો વગર કોઈ વધારાના ખર્ચ સાથે ઉતારી દીધો. ત્યારબાદ રેલ્વે દ્વારા ધીરેધીરે આ જંગી જથ્થાને જાન્યુઆરીના મધ્ય સુધી સ્ટોન્સ હિલ સુધી પહોંચાડી દેવામાં આવ્યો.

એ સમજી શકાય તેવી બાબત છે કે આ ૧૨૦૦ ઓવનો પણ ૬૦,૦૦૦ ટન લોઢાને ગાળવા માટે ઓછાં પડે તેમ હતા, આ ઓવનો ખુદ ૧૪૦, ૦૦૦ પાઉન્ડનું વજન ધરાવતા હતા. આ તમામ ઓવનો રોડમેન તોપના કાસ્ટિંગ બાદ બનાવવામાં આવ્યા હતા. દરેક ઓવનમાં અગ્નિથી સુરક્ષિત ઇંટો વાપરવામાં આવી હતી જેમાં પીટ કોલ બાળવામાં આવતો હતો અને તેના સપાટ તળીયે લોઢાના સળિયા મુકવામાં આવતા હતા. આ તળિયું ૨૫ અંશના ખૂણે ઢળેલું હતું જે ગળી ચૂકેલા લોઢાને એક પોલા વિસ્તારમાંથી થઈને અન્ય વાસણમાં ઠાલવવામાં મદદ કરતું હતું. આમ અહીં પણ ગાળેલા લોઢાને એકઠું કરવા માટે ૧૨૦૦ મોટા મોટા થાળાઓ દરેક ઓવનના મધ્યમાં મુકવામાં આવ્યા હતા.

કડિયાકામ અને ખોદકામ પતવાના બીજા દિવસે બાર્બીકેને મધ્યને આકાર આપવાનું નક્કી કર્યું. હવે તેમનો ઉદ્દેશ આ કૂવાના એકદમ મધ્યમાં ૯૦૦ ફૂટ ઉંચો, નવ ફૂટના ડાયામીટરવાળો અને સરખી ધરી ધરાવતો એક નળાકાર ઉભો કરવાનો હતો જે કોલમ્બિયાડના છેદમાં બરોબર બેસી જાય. આ નળાકાર માટી અને રેતીથી બનવાનો હતો જેમાં કેટલુંક સુકું ઘાસ અને તણખલા મિશ્ર થવાના હતા. આ ઢાંચા અને કડિયાકામ કરેલા સ્થાન વચ્ચેનો ભાગ ગાળેલા ધાતુથી ભરવાનો હતો જે સોળ ફૂટની જાડી દીવાલ ઉભી કરવાની હતી. સમતુલા જાળવવા માટે આ નળાકારને લોઢાની પટ્ટીઓ સાથે જોડાવાની હતી અને થોડા થોડા અંતરે તેના પર ચાપડા પણ ઠોકવામાં આવ્યા જે પથ્થર સાથે જોડાયેલા હતા. કાસ્ટિંગ કર્યા બાદ આ બધું જ ધાતુના એક મોટા ઢીમચામાં જોડી દેવામાં આવનાર હતું જેથી આમાંની કોઇપણ વસ્તુ બહારની તરફ ન ધસી આવે.

આઠમી જુલાઈએ આ તમામ કાર્ય પૂરું થયું અને લોઢું ગાળવાનો કાર્યક્રમ બીજે દિવસે શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

“કાસ્ટિંગનો આ ઉત્સવ એક ભવ્ય સમારંભ સાથે ઉજવવો જોઈએ.” જે ટી મેસ્ટ્ને પોતાના મિત્ર બાર્બીકેનને કહ્યું.

“બિલકુલ, પણ એ જાહેર ઉત્સવ નહીં હોય.” બાર્બીકેને જવાબ આપ્યો.

“શું? બહારની જનતા માટે તમે દરવાજા નહીં ખોલો?”

“મારે ખુબ કાળજી લેવી પડશે મેસ્ટ્ન. કોલમ્બિયાડનું કાસ્ટિંગ અત્યંત નાજુક હોવા છતાં ખતરનાક પણ છે અને મને લાગે છે કે તે જાહેરમાં ન કરવું જોઈએ. જ્યારે તોપનો ગોળો છોડી દેવામાં આવે ત્યારે તને ગમે તે રીતે ઉત્સવ મનાવજે પણ ત્યાં સુધી મારી સખત મનાઈ છે.”

પ્રમુખ સાચા હતા. આ કાર્યમાં અજાણ્યો ખતરો હતો અને સતત વહેતા લોકપ્રવાહને લીધે આ ખતરો તેમના મતે મોટો બની શકે તેમ હતો. આથી અવરજવરની આઝાદીને બાંધી રાખવી જરૂરી બની ગઈ હતી. અહીં કોઈને પણ આવવાની છૂટ ન હતી ફક્ત ટેમ્પા ટાઉન સુધી આવેલા ગન ક્લબના સભ્યો સિવાય. આ લોકોમાં બિલ્સ્બી, ટોમ હન્ટર, કર્નલ બ્લૂમ્સબેરી, મેજર એલ્ફીસ્ટન, જનરલ મોર્ગન અને એવા તમામ લોકો હતા જેમને માટે કોલમ્બિયાડનું કાસ્ટિંગ અંગત રસનો વિષય હતો. જે ટી મેસ્ટ્ન આ તમામ માટે ભોમિયો બની ગયો હતો. તેણે કોઇપણ વિગત છોડી નહીં એ આ તમામ લોકોને સમગ્ર દારૂગોળો, ધમધમતા વર્કશોપ અને તમામ ૧૨૦૦ ઓવનોને એક પછી એક દેખાડીને જ રહ્યો. ૧૨૦૦માં ઓવનની મુલાકાત લીધા બાદ આ તમામ લોકો ખાસ્સા થાકેલા દેખાઈ રહ્યા હતા.

કાસ્ટિંગનું કાર્ય બરોબર બપોરે બાર વાગ્યે શરુ થવાનું હતું. આગલી સાંજે તમામ ઓવનોને ૧૧૪,૦૦૦ પાઉન્ડના વજનવાળા ચોકડી આકારે મુકવામાં આવેલા લોખંડના સળિયાઓથી ગરમ કરવામાં આવી હતી જેથી ગરમ હવા તેમાં બરોબર ફરી શકે. મળસ્કે ૧૨૦૦ ચીમનીઓ પોતાનામાંથી આગ અને ધુમાડાનો મોટો જથ્થો કાઢવા લાગી હતી અને જમીન હળવા ઝટકા મહેસુસ કરી રહી હતી. જેટલા વજનનું કાસ્ટિંગ કરવાનું હતું એટલા જ વજનનો કોલસો પણ બાળવાનો હતો. આથી ૬૮,૦૦૦ ટન કોલસાએ બળીને સુરજ સામે ધુમાડાનો મોટો પડદો ઉભો કરી દીધો હતો. ગરમી હવે ઓવનોના ગોળાકારમાં સહન કરી શકાય તેવી નહોતી રહી અને તેમાંથી આવતા અવાજો એ વીજળીના કડાકાનું સ્વરૂપ લઇ લીધું હતું. વેન્ટીલેટરોમાંથી પણ સતત ધડાકાઓના અવાજ આવી રહ્યા હતા જે લોખંડની પ્લેટોમાંથી ઓક્સીજન નીકળવાને કારણે આવી રહ્યા હતા. આ કાર્યને સફળતા મળે તે માટે તેનું ઝડપથી પતી જવું અત્યંત જરૂરી હતું. તોપના ધડાકાનો સંકેત મળવાની સાથે જ તમામ ઓવનોમાંથી એમાં રહેલી ફાંટમાંથી તમામ સમાન ખાલી કરીને તેમાં ગાળેલા લોઢાને ભરી દેવાનું હતું. આ માટેની તમામ વ્યવસ્થા તૈયાર હતી અને પહેલેથી જ નક્કી કરેલી પળનો તમામ મુકાદમો અને મજૂરો અધીરાઈ અને ઉદ્વેગભરી મિશ્રિત લાગણીથી રાહ જોઈ રહ્યા હતા. જગ્યા ઉપર કોઇપણ જીવિત વ્યક્તિ હાજર ન હતો. દરેક મુકાદમે નાનકડી જગ્યામાંથી દોડીને પોતાનું સ્થાન લઇ લીધું હતું.

બાર્બીકેન અને તેમના સાથીઓ બાજુમાં આવેલી એક ઉંચી જગ્યાએ ચડી ગયા હતા તેમણે આ કાર્યમાં ત્યાંથીજ મદદ પણ કરવાની હતી. તેમની નજર સામે એક તોપગોળો હતો જે એન્જિનિયરના હુકમ થવાની રાહ જોઈ રહ્યો હતો. મધ્યાહ્ન થવાની મીનીટો અગાઉ ઓગળેલા ધાતુના પહેલા ટીપાંઓએ વહેવાનું શરુ કર્યું અને એ જગ્યા ધીરેધીરે ભરાવા લાગી અને થોડીજ વારમાં ધાતુ ગાળવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઇ. થોડો સમય તેને એમને એમ રાખવામાં આવ્યું જેથી બહારના તત્વો તેમાંથી અલગ થઇ શકે.

બરોબર બાર વાગે અચાનક જ તોપનો ગોળો છોડવામાં આવ્યો. બારસો જેટલા ઓવનોને ખોલી દેવામાં આવ્યા અને તેમાંથી બારસો જેટલા સર્પ જેવા આકારની ગાળેલી ધાતુ ધીરેધીરે સરકતી સરકતી બહાર આવવા લાગી અને મોટા મોટા વાસણોમાં ૯૦૦ ફૂટની ઉંચાઈએથી નીચે પડવાને લીધે જબરદસ્ત અવાજ પણ કરવા લાગી. આ એક અકલ્પનીય અને અદભુત દ્રશ્ય હતું. જમીન ધ્રુજી ઉઠી, જ્યારે આ ગાળેલા ધાતુના મોજાઓએ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છોડવાનું શરુ કરી દીધું, વાસણોમાંથી બહાર નીકળી રહેલા ભેજએ વરાળના વાદળો બનાવી દીધા. આ કૃત્રિમ વાદળોએ એક હજાર યાર્ડની ઉંચાઈએ જાડા ગૂંચળાઓ બનાવી દીધા. ક્ષિતિજની પેલી પાર રહેલા કોઈ જંગલીને કદાચ એમ લાગી રહ્યું હશે કે અત્યારે ફ્લોરીડામાં કોઈ ભારે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે પરંતુ વગર કોઈ વિસ્ફોટે, તોફાને, વંટોળે કે બીજી કોઈ તકલીફ વગર કુદરતે આ કમાલ કેવી રીતે કરી એમ પણ એ વિચારી રહ્યો હશે. ના, આ કુદરતે નહીં પરંતુ માનવીએ ઉભા કરેલા લાલ રંગના ગૂંચળાઓ હતા, આ જબરદસ્ત જ્વાળાઓ જ્વાળામુખી જેટલી જ મજબૂત હતી, આ અદભુત ધ્રુજારી ધરતીકંપની ગરજ સારતી હતી, આ અવાજો કોઈ વંટોળના અવાજથી ઓછા ન હતા, આ પાતાળને ખોદવામાં માનવીનો જ હાથ હતો જેમાં નાયગ્રાના પાણી જેટલું ગાળેલું લોઢું પણ સામેલ હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED