રહસ્યજાળ-(20) રાજધાની એક્સપ્રેસ Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(20) રાજધાની એક્સપ્રેસ

રાજધાની એક્સપ્રેસ !

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના રિઝર્વેશન અને કેન્સલેશન કાઉન્ટર પર બેસુમાર ભીડ હતી. લોકો ટિકિટો મેળવવા માટે રઘવાયા બનીને દોડધામ કરતા હતા. આ કાઉન્ટરો પાસે ફ્લાઈંગ સ્કવોર્ડના ચીફ ઇન્સ્પેક્ટર એમ.કે.કુરેશી સામાન્ય નાગરિકની જેમ સાદાં વસ્ત્રોમાં બંને કાઉન્ટરો પર બારીકાઈથી નજર રાખતા હતા. સહસા એમની નજર ચાર-પાંચ વખત જોન નામના એક માનવી પર પડી. એ ટિકિટ મેળવવા વલખાં મારતા જુદા-જુદા મુસાફરો પાસે જઈને પૂછપરછ કરતો હતો. કુરેશીની ચકોર નજર એની હિલચાલ પર સ્થિર થઈ ગઈ હતી. જોન ટિકિટ મેળવવામાં નિષ્ફળ નીવડેલા બે મુસાફરો પાસે જઈને એમની સાથે વાતોએ વળગ્યો. કુરેશી એની પાછળ જ હતા. જોન એ બંનેને પોતાની સાથે એક ખૂણામાં લઈ ગયો. શંકા ન આવે એમ કુરેશી પણ એમની પાછળ પહોંચીને ઊભા રહ્યા. અચાનક એમના કાને જોનનો અવાજ અથડાયો:

‘અરે સાહેબ... તમે બેફિકર રહો. એક ટિકિટના ત્રણ હજાર રૂપિયા આપો તો હું તમને વી.વી.આઈ.પી. ક્વોટામાંથી તમારા નામની રિઝર્વેશન ટિકિટ અપાવી શકું એમ છું.’

જોનના ધડાકાથી કુરેશી ચમક્યા. મિનિસ્ટ્રી ટાઈપ ક્વોટામાંથી આ માણસ કેવી રીતે ટિકિટ મેળવશે એ તેમને સમજાયું નહીં.

ઉપરોક્ત બનાવ વખતે તત્કાળ રિઝર્વેશન ટિકિટની સેવા ઉપલબ્ધ નહોતી.

જોને તેમની પાસેથી છ હજાર રૂપિયા લીધા અને બંનેને સાથે લઈને ફર્સ્ટ ક્લાસ વેઇટિંગ રૂમમાં ઇઝીચેર પર બિરાજમાન જીન્સ અને ટી-શર્ટમાં સજ્જ એક અત્યંત સુંદર યુવાન પાસે આવ્યો. બંનેના નામ-સરનામાં પૂછીને એ યુવાનને લખાવી દીધા તેમ જ છ હજાર રૂપિયા પણ સોંપી દીધા. કુરેશી નર્યા વિસ્મયથી બધો તાલ જોતા હતા. પેલો યુવાન બંને મુસાફરોને લઈને એ જ દિવસે દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના વાતાનુકૂલિત એ-૨ નંબરના કંપાર્ટમેન્ટમાં આવ્યો અને બંનેને સીટો પર બેસાડી દીધા. શ્રી કુરેશીએ દૂર જઈને ચાર્ટ પર નજર દોડાવતાં જાણવા મળ્યું કે એ ખૂબસૂરત યુવાનનું નામ રાકેશ મહાજન હતું. એની પાસે રેલવે મંત્રાલયનો, બે વ્યક્તિઓને સાથે લઈ જવાની સંમતિ આપતો કોમ્પ્લીમેન્ટરી પાસ હતો. પોતાના પાસ પર એ કોઈ પણ બે વ્યક્તિને લઈ જઈ શકતો હતો અને એના નામ પર એ જ ટ્રેનમાં ત્રણ સ્લીપર સીટનું રિઝર્વેશન હતું. (પાસ નંબર-૪૨૨૭) રાકેશ ફ્રી પાસનો સાચો ઉપયોગ કરવાને બદલે ગેરકાયદેસર બે મુસાફરો પાસેથી ડબલ કરતાંય વધુ રકમ લઈને રેલવે સાથે ઠગાઈ કરતો હતો એ વાત કુરેશી સમજી ગયા હતા. એમણે ગમે તેમ કરીને રાકેશનો ભાંડો ફોડી નાખવાનું નક્કી કરી લીધું હતું, પણ એમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી હતી. જોન તો ફક્ત દલાલ જ હતો. તેમણે સી.ટી.આઈ. ઓફિસમાં જઈને રાજધાનીના જુના રિઝર્વેશન ચાર્ટ તપાસ્યા તો તેમની શંકા સાચી ઠરી. રાકેશ સાચે જ ફ્રી પાસનો ગેરકાયદેસર વેપાર જ કરતો હતો. આ ગેરકાયદેસર કૃત્ય ગ્રાહકો શોધી આપનાર દલાલ, રેલ કર્મચારીઓ અને રેલવે મિનિસ્ટ્રીના કર્મચારીની મદદ વગર શક્ય નહોતું.

પુરાવાઓ મેળવ્યા બાદ કુરેશી વાણિજ્ય મંડળના ઉચ્ચ અધિકારી પ્રણય પ્રભાકરને મળ્યા અને તેમને સમગ્ર બનાવથી વાકેફ કર્યા. શ્રી પ્રભાકરે રાકેશ મહાજન વિરુદ્ધ પગલાં ભરવા સંમતિ આપી દીધી, પણ મોટી મુશ્કેલી એ હતી કે રાજધાની એક્સપ્રેસમાં ડિવિઝનલ ચેકિંગ સ્ટાફને ટિકિટો ચેક કરવા જવાની સખત મનાઈ હતી. શ્રી કુરેશીએ ઉપર્યુક્ત ટ્રેનમાં સ્પેશિયલ કેસ તરીકે ચેકિંગ કરવાની પરવાનગી માગી જે એમને વીસ દિવસ પછી મળી. પરવાનગી મળ્યા પછી તેઓ સી.બી.આઈ.ના એન્ટી-કરપ્શન બ્યૂરોના ઉચ્ચ અધિકારી શ્રી એસ.એન. સરવટે પાસે પહોંચ્યા. શ્રી સરવટેએ એમણે રજુ કરેલા તમામ પુરાવાઓ કાળજીથી તપાસ્યા અને પછી ઇન્સ્પેક્ટર ડી.એસ. મુગમ, સંજય ચઢ્ઢા, આર.કે. સાગવાન અને ડેપ્યુટી એસ.પી. સિંગાપુરકરની ટીમને બોલાવીને રાકેશ મહાજનને રેડહેન્ડ પકડવાનો હુકમ આપી દીધો અને એમની આ કાર્યવાહીમાં મુંબઈ સેન્ટ્રલ રેલવેના ઓફિસરોને મદદરૂપ થવા માટે પણ ફોનથી જાણ કરી દીધી.

બધી વ્યવસ્થા જડબેસલાક થઈ ગયા બાદ રાકેશ મહાજનને રેડહેન્ડ પકડવાની વિસ્તૃત જાળ પાથરી દેવાઈ. પોતાની યોજનામાં તેમણે મુંબઈની રાષ્ટ્રીયકૃત બેન્કના બે ઓફિસરોને પણ સામેલ કર્યા હતા. બંનેને અદ્રશ્ય પાવડર છાંટેલી પાંચસો રૂપિયાવાળી નોટો આપવામાં આવી હતી.

રાકેશનું હવે પછીનું રિઝર્વેશન રાજધાની એક્સપ્રેસના કોચ નંબર એ-૪ માં હતું. ૫-૫-૧૯૯૮ના દિવસે એને જાળમાં સપડાવવા માટે સવારના આઠ વાગ્યે જ સી.બી.આઈ.ની ટીમ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ. એમની સાથે ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના બે ઓફિસરો, રેલવેના ઉચ્ચ ઓફિસર શ્રી એસ.એલ. રૂનવાલ અને ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર એમ.કે. કુરેશી પણ હતા.

નિયત સમયે રાજધાની એક્સપ્રેસ આવીને પ્લેટફોર્મ નંબર પાંચ પર ઊભી રહી.

રાકેશ બે મુસાફરો સાથે બહાર નીકળ્યો અને બંનેને સ્ટેશનની બહાર સહીસલામત રવાના કરીને ફર્સ્ટ ક્લાસ વેઇટિંગ રૂમમાં ચાલ્યો ગયો.

બીજી તરફ જોન મુસાફરોના સ્વાંગમાં રહેલા બંને બેંક ઓફિસરોની જાળમાં લપેટાઈ ગયો હતો. જોન રાબેતા મુજબ તેમને વેઇટિંગરૂમમાં લઈ ગયો અને એ બંને પાસેથી મળેલ પાવડર યુક્ત નોટો તેમ જ તેઓને રાકેશને સોંપી દીધા. ત્યાર બાદ રાકેશની સુચનાથી જોન એ બંનેને કંપાર્ટમેન્ટ નંબર એ-૪માં બેસાડીને બહાર નીકળ્યો કે તરત જ તેને પકડી લેવામાં આવ્યો. સાંજ પડી ગઈ હતી. સી.બી.આઈ.ની ટીમ, અન્ય ઓફિસરો તથા કુરેશી રાજધાની એક્સપ્રેસમાં જ ગોઠવાઈ ગયા હતા. ભયથી થરથરતો જોન પણ તેમની સાથે જ હતો.

ટ્રેન સમયસર રવાના થઈ ગઈ. આઠેક વાગ્યે કુરેશી ટ્રેનમાં નિરીક્ષક શ્રી અરોરા સાથે બે અન્ય સાક્ષીઓ સાથે એ-૪ નંબરના કોચમાં પ્રવેશ્યા. ત્યાં એમની મુલાકાત કોચના ટી.ટી.ઈ. પાણિગ્રહી સાથે થઈ.

રાકેશ મહાજન ૩૧ નંબરની સીટ પર એક અન્ય માણસ સાથે બેઠો હતો. જ્યારે બંને બેંક ઓફિસરો ૩૨/૩૩ નંબરની સીટ પર બેઠા હતા. કુરેશીએ બધા સાક્ષીઓની હાજરીમાં બંને નકલી મુસાફરો (બેંક ઓફિસરો) પાસે ટિકિટ માગતાં તેઓએ પોતે રાકેશ મહાજન સાથે હોવાનું જણાવ્યું.

‘ટિકિટ પ્લીઝ...!’ કુરેશીએ નમ્ર અવાજે રાકેશ પાસે ટિકિટની માગણી કરી.

‘મારી પાસે બે કમ્પેનિયનોને સાથે લઈ જવાનો રેલવે મિનિસ્ટ્રીનો ફ્રી પાસ છે.’ રાકેશે મગરૂરીથી કહ્યું.

એની વાત પ્રત્યે લક્ષ આપ્યા વગર કુરેશીએ પાણિગ્રહીને બંને મુસાફરોના નામ પૂછીને ચાર્ટમાં લખી લેવાનું જણાવ્યું. પછી એમણે રાકેશની બાજુમાં બેઠેલા માણસ પાસે ટિકિટ માગી તો તેણે પણ પોતે રાકેશની સાથે હોવાનું જણાવ્યું. કુરેશીએ પાણિગ્રહી પાસેના ચાર્ટ પર નજર ફેરવી. પછી રાકેશને પોતાનો પરિચય આપ્યા બાદ કહ્યું, ‘મિસ્ટર રાકેશ, તમારા ફ્રી પાસ નંબર ૪૨૨૭ સહિત ત્રણ રિઝર્વેશન છે. તો પછી બાજુમાં જે મહાશય બેઠા છે એ કોણ છે...? મહેરબાની કરીને તમારો પાસ બતાવો.’

‘મિસ્ટર કુરેશી...!’ રાકેશના અવાજમાંથી રૂઆબ નીતરતો હતો, ‘હું કોઈ સામાન્ય માણસ નથી. રાજધાની એક્સપ્રેસ રેલવે બોર્ડને આધીન છે એટલે આ ટ્રેનને કોઈ પણ ડિવિઝનના ઓફિસર્સ રોક નથી કરી શકતા. આ મામલો તમારા અધિકારક્ષેત્રની બહાર હોવાથી તમને પાસ જોવાનો કોઈ હક નથી.’

‘મિસ્ટર રાકેશ...!’ કુરેશી કઠોર અવાજે બોલ્યા, ‘આ હક અને અધિકાર મને રેલવેના ઉચ્ચ અફસરોએ આપ્યા છે, સમજ્યા તમે...? હવે ચૂપચાપ બતાવો.’

‘હું કોઈ ઠગ નથી, મિસ્ટર કુરેશી...!’ આ વખતે રાકેશના અવાજમાં રૂઆબ નહોતો, ‘હું રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીનો મેમ્બર છું. રેલવે મંત્રી અને રેલ રાજ્ય મંત્રીનો હું અંગત છું. દિલ્હી સ્થિત રેલવે બિલ્ડિંગના બીજા માળ પર મારી પોતાની સ્વતંત્ર ઓફિસ રાખવાની પણ મને પરવાનગી મળી છે. આપ મારી સાથે આ જ ટ્રેનમાં દિલ્હી આવો એટલે હું કોણ છું એ પણ આપને જાણવા મળી જશે. હું મારા પાસ પર બે સાથીઓ સાથે દેશમાં ગમે ત્યાં ટ્રેનમાં મુસાફરી કરી શકું છું.’

કોમ્પ્લીમેન્ટરી પાસ સ્વાતંત્ર્ય સેનાનીઓ, નેતાઓ, મંત્રીઓ, સંસદસભ્યો, વીર પુરસ્કૃત વ્યક્તિઓ અને રેલવે બોર્ડના મેમ્બરોને (એક વધારાના કમ્પેનિયનને સાથે લઈ જવાય એવો) અપાય છે. જ્યારે રાકેશ ઝેડ.આર.યુ.સી.સી.નો એક સાધારણ મેમ્બર હોવા છતાં એનાં પાસ પર વધારાની બે વ્યક્તિઓને લઈ જવાની પરવાનગી હતી. કુરેશીએ રાકેશે રજુ કરેલો પાસ જોયો તો એ સાચે જ રેલવે મંત્રાલય તરફથી એને આપવામાં આવ્યો હતો.

‘તમારું નામ શું છે...?’ પાસ તપાસ્યા બાદ કુરેશીએ રાકેશની બાજુમાં બેઠેલા મુસાફરને પૂછ્યું.

‘જી, મારું નામ મુકેશ જૈન છે અને હું બિહાર ટ્યુબ્સ લિમીટેડમાં જનરલ મેનેજર છું. મિસ્ટર રાકેશ મને પોતાની સાથે લાવ્યા છે.’

કુરેશીએ તરત જ વગર ટિકિટે મુસાફરી કરવા બદલ દંડ સહિત રૂપિયા ૩૬૬૦ની રસીદ બનાવી. એના પર રાકેશ, મુકેશ જૈન, બે સાથીઓ, બંને નકલી મુસાફરો (બેંક ઓફિસરો) ડેપ્યુટી ટી.એસ. તથા ટી.ટી.ઈ.ની સહી કરાવીને રસીદ રાકેશના હાથમાં પકડાવી દીધી. મુકેશ જૈન પાસેથી રાકેશે તો પહેલેથી જ પૈસા લઈ લીધા હતા.

લાચારીએ રાકેશે રૂપિયા ૩૪૦૦ અને મુકેશ જૈને રૂપિયા ૨૬૦ કાઢીને કુલ રૂપિયા ૩૬૬૦ આપ્યા. એમણે એની વિગતો પણ પોતાની એ.એફ.ટી.માં નોંધી લીધી. કુરેશીના હાથમાં પૈસા આવતાં જ સી.બી.આઈ.ની ટીમ ત્યાં ધસી આવી. ટીમના આગેવાને કુરેશીના હાથમાંથી રકમ આંચકી લીધી અને તેમાંથી અદ્રશ્ય પાવડર છાંટેલી નોટને શોધવા લાગ્યા. ૧૫૦૦ રૂપિયાની નોટો મળી ગઈ. આ એ રકમ હતી કે જે સવારે નિશાની કરીને જોનને આપવામાં આવી હતી અને જોન પાસેથી મહાજને મેળવી હતી.

ધસી આવેલી ટીમનો પરિચય જાણીને રાકેશ ઢીલોઢફ થઈ ગયો. ટીમના આગેવાને જ્યારે રાકેશને બંને સાથીદારોના (બેંક ઓફિસરોના) નામ પૂછ્યા ત્યારે તે ગેંગેં ફેંફેં થઈ ગયો કારણકે એને નામ યાદ નહોતા રહ્યા. કુરેશીએ બંને નકલી મુસાફરોના નામ ટી.ટી.ઈ. પાણિગ્રહીને પહેલેથી જ ચાર્ટમાં લખાવી દીધા હતાં.

આમ રાકેશ સી.બી.આઈ.ની જાળમાં આબાદ ફસાઈ ગયો હતો. તેઓ સૌ વડોદરા ઊતરી ગયા. રાકેશ તથા એના અન્ય સામાનની તલાશી લેતાં તેની પાસેથી ૧૧૦૦૦ રૂપિયા રોકડા, ચાર ફિક્સ ડિપોઝીટની રસીદો, ચાર ક્રેડિટકાર્ડ, ત્રણ વિદેશી દારૂની બોટલ, રેલવે બોર્ડ મારફત આપવામાં આવેલા ફર્સ્ટ ક્લાસના પાંચ કોમ્પ્લીમેન્ટરી પાસ, ઉત્તર રેલ્વેની ઝેડ.યુ.આર.સી.સી.નો નંબર કાર્ડ, ભૂતપૂર્વ રેલમંત્રી સુરેશ કલમાડી સહિત સોથી વધુ ઉચ્ચ સ્તરીય લોકોના વિઝીટીંગ કાર્ડ, પંદર સંસદ સભ્યોના લેટર હેડ, તથા પ્રફુલ પટેલે લખી આપેલા પોતાના લેટરહેડ પર રાકેશ મહાજનને ઝેડ.આર.યુ.સી.સી.ની મેમ્બરશીપ આપવા માટે રેલ રાજ્ય મંત્રી શ્રી રામ નાયકના નામે ઉચ્ચ કક્ષાએ બે ભલામણપત્રો (જેના પર સાંસદોના નામ તો હતા, પણ સહીઓ નહોતી !) અને આર.આર.બી.ના ચાર પર્સનલ ઇન્ટરવ્યુ કોલ લેટર વગેરે મળી આવ્યું.

સી.બી.આઈ.એ દરેક વસ્તુનું લિસ્ટ બનાવીને જપ્ત કર્યું. જોન અને રાકેશની વિરુદ્ધ પ્રિવેન્ટીવ ઓફ કરપ્શનનો ચાર્જ મૂકીને ગિરફતાર કરવામાં આવ્યા અને બીજી ટ્રેનમાં તેમને વડોદરાથી મુંબઈ લવાયા.

મુંબઈમાં જોન અને રાકેશને વધારાના મુખ્ય ન્યાયાધીશ શ્રી એમ.વી. ધુમ્મલની કોર્ટમાં હાજર કરીને વધુ તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા. રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું કે રાકેશને કોમ્પ્લીમેન્ટરી પાસ સમાજ સેવાને કારણે નહીં, પણ ઉચ્ચ કક્ષાના રાજકીય સંબંધોના આધાર પર અપાયા હતા. નવાઈની વાત તો એ હતી કે પોતાના પાસમાં તેને બે કમ્પેનિયનને પણ લઈ જવાની સંમતિ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તે દિલ્હી-મુંબઈ-દિલ્હી વચ્ચે કોમ્પ્લીમેન્ટરી પાસ પર ગેરકાયદેસર રીતે લઈ જઈને કાળી કમાણી કરતો હતો. મિનિસ્ટ્રીમાં ઉચ્ચ લાગવગ હોવાને કારણે એને રિઝર્વેશન પણ સરળતાથી મળી જતાં હતા. પાસમાં મુસાફરોની કોઈ જ વિગતો લખેલી નથી હોતી એટલે રાકેશ શું કરે છે એની કોઈને ખબર પડે એમ નહોતું.

સી.બી.આઈ.એ ૧૮મી મે ના રોજ જોન અને રાકેશને મુંબઈની અદાલતમાં રજુ કર્યા અને ત્યાંથી તેમને જેલમાં મોકલી દેવાયા. જોકે પાછળથી તેઓ જામીન પર છૂટી ગયા હતા.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઉચ્ચ કક્ષાએ લાગવગ ધરાવતા રાકેશ મહાજન જેવા કોઈક લેભાગુ પ્લેનમાં પણ આ રીતે મુસાફરોને લઈ જતા હોવાની ઘટના ભવિષ્યમાં ઉજાગર થાય એ બનવાજોગ છે !

***

Feedback-Facebook.com/Kanu Bhagdev