અકબંધ રહસ્ય - 12 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 12

એકબંધ રહસ્ય

ભાગ - 12

Ganesh Sindhav (Badal)

સુરેશની તબિયત સુધરી હોવાથી એને દવાખાનેથી રજા મળી. તેઓ જે મકાનમાં રહેતા હતા ત્યાં જ રહેવા લાગ્યો. રઝિયાએ જૂનાગઢની કૉલેજમાં રાજીનામું મોકલી આપ્યું. સુરેશની નોકરી ચાલુ હતી. ગામડેથી વિઠ્ઠલભાઈએ અનાજ કઠોળ વગેરે મોકલી આપ્યું હતું.

રવિવાર હતો. આ દિવસે એમના ઘરે શંભુ આવ્યો. રઝિયાએ એને પાણી આપ્યું. એ સુરેશ પાસેથી ગુપ્તી લેવા આવ્યો હતો.

એણે કહ્યું, “સુરેશભાઈ, તમે મારા ઘરની નજીક રહેતા હતા ત્યારે થયેલા તોફાનોમાં મારું નામ લુવાતું હતું. પોલીસ દ્વારા મારા ઘરની તપાસ થવાના ડરથી મેં તમારાથી છૂપી રીતે અલમારીના પૂસ્તકો પાછળ ગુપ્તી સંતાડી હતી. એ તમારી પાસે જ હશે.”

સુરેશ કહે, “મેં જ્યારે સામાન ફેરવ્યો ત્યારે અલમારીના પુસ્તકો લેતી વખતે મેં ગુપ્તી જોઈ હતી. એણે ત્યાં જ મૂકીને હું અહીં આવ્યો છું.

શંભુ કહે, “તેજ ધારવાળી એ ગુપ્તીથી મેં વેરની વસુલાત પૂરી કરી છે. મુસ્લિમોની ભરચક વસ્તી વચ્ચે સૈયદ મહોલ્લા જઈને મેં એ ગુપ્તીથી હાહાકાર ફેલાવ્યો હતો.” સુરેશ નજીક બેઠેલી રઝિયા શંભુની વાત સંભાળતી હતી. એને એ તોફાન સમયની ચીસાચીસ યાદ આવી. શંભુએ જે વિસ્તાર અને સ્થળનું વર્ણન કર્યું હતું એ સ્થળે પોતાનું બાળપણ વીત્યું હતું. એના અબ્બા અને અમ્મી જખમી થઈને એજ સ્થળે મૃત્યુ પામ્યાં હતા. એ સમયનું કરુણ અને ભયાવહ દ્રશ્ય રઝીયાની નજર સમક્ષ આવ્યું. એ રસોડામાં જઈને શંભુ માટે ચા બનાવી લાવી.

સુરેશે શંભુને કહ્યું, “લ્યો ચા પીવો.”

શંભુએ ચા પીતા પીતા પોતાની વાત આગળ લંબાવી. એણે કહ્યું, “સુરેશભાઈ, ગમે તેમ તોય તમે મારા જૂના મિત્ર છો. તમે રાષ્ટ્રીય સભાના સભ્ય પણ હતા. તમે કહેતા હો તો તમારી ઉપર હુમલો થયો એનો બદલો વાળી આપું.”

સુરેશ કહે, “બદલો લેવાની મારી ઈચ્છા નથી.”

શંભુ કહે, “ડર લાગે છે ? ડરી ડરીને જીવ્યાં કરવું એ જીવનનો શો અર્થ છે ?”

સુરેશ કહે, “ડરને એક બાજુ મૂકો. તમે વેરની વસુલાત માટે નિર્દોષની હત્યા કરીને ગૌરવ લ્યો છો એ ન્યાય સંગત છે ? બદલો લેવાની તમારી રીત આંધળાનો ગોરીબાર છે. આંધળાની બંદૂકમાંથી છૂટેલી ગોળી રસ્તે જતા કોઈ નિર્દોષની હત્યા કરે એનાથી વેરનો બદલો કઈ રીતે વળે ?”

શંભુ કહે, “અમારે દોષ કે નિર્દોષ સાથે કોઈ સંબંધ નથી. માથા સાટે માથું લેવાથી અમારું કામ પૂરું.” એણે આગળ લંબાવ્યું. “સુરેશભાઈ, તમારા મગજમાં ગાંધીની ઘેલછા હોવાથી અમારી વાતનો તમે વિરોધ કરો છો. હિન્દુ-મુસ્લિમની એકતા માટે ગાંધીએ અનેક પ્રયત્નો કર્યા હતા. એમાં એમને કોઈ સફળતા મળી હતી ? મુસલમાનોને તમે ઓળખતા નથી. એમને સખણા રાખવા માટે આંધળા થઈને ગોળીબાર કરવા પડે. મુસલમાનો ઝનુનથી હિન્દુઓની હત્યા કરે છે એમને તમે શા માટે સલાહ આપતા નથી ? હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રેમ, કરુણા અને અહિંસાના બોધથી ભરેલા છે. એથી હિન્દુઓ કાયર થઈને જીવે છે. એ બધાને હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત કરવા એ અમારું કામ છે.”

સુરેશને લાગ્યું કે શંભુ આગળ લાંબી વાતો કરવાનો કોઈ અર્થ નથી. એણે ટૂંકમાં કહ્યું, “આંધળાના ગોળીબારની વાત મેં હિન્દુ-મુસ્લિમ બંને માટે કહી છે. એજ રીતે હિન્દુ-મુસ્લિમોએ ધાર્મિક નારા બોલીને લોકોની લાગણી સાથે ચેડાં કરવા એ અધર્મ છે.”

ઘણા સમયથી શાંત બેઠેલી રઝિયાએ પોતે કંઈક કહેવા માગે છે એવો સંકેત આપ્યો. સુરેશે શંભુને કહ્યું, “આ મારી પત્ની રઝિયા કંઈક કહેવા ઈચ્છે છે. એની વાત સંભાળો.”

રઝિયા કહે, “મેં તમારા બંનેની વાત સંભાળી છે. ગાંધી શતાબ્દીની ઉજવણી થઈ રહી હતી એ દિવસોમાં સૈયદ મહોલ્લાની ચીસો સંભાળીને મારા અબ્બા અને અમ્મી બંને દોડતા રોડ પર જતા હતા. તે સમયે એકાએક તલવાર જેવી ધારદાર ગુપ્તી વડે એમના પર હુમલો થયો હતો. દવાખાને પહોંચતા પહેલાં તેઓ બંને મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટનાની સાબિતી તમારી વાત પરથી મળી રહે છે. હું એમની એકની એક દીકરી અનાથ બની. એ પછીથી મારી માસીને ઘરે રહીને હું ઉછરી છું.”

રઝિયાની વાત સંભાળીને શંભુને તાજુબી થઈ. પ્રથમ તો એને એ વાતની નવાઈ લાગી કે સુરેશની પત્ની મુસલમાન કઈ રીતે હોઈ શકે ? બીજું અચરજ એને એ લાગ્યું કે રઝિયાના મા-બાપની હત્યારો એ પોતે જ હોવાનું એ જાણતી હોવા છતાં એણે નફરતને બદલે ચા બનાવીને આપી.

શંભુને શરમની અનુભૂતિ થઈ, એના મનમાં કશીક ગડમથલ થવા લાગી. હજી એ મૂંગો હતો. એની આંખોના પોપચાં નીચે ભીનીભીની લકીરે દેખા દીધી. એણે ધીમા અવાજે કહ્યું,

“સુરેશભાઈ, તમારી પત્નીની મહાનતા આગળ મારું માથું નામે છે. મારા હાથ વડે અત્યાર સુધી જે કાંઈ થયું છે તેવું કંઈ હવેથી નહીં બને.” એ ચાલ્યો ગયો. છ મહિના બાદ સુરેશને કોઈએ સમાચાર આપ્યા એ શંભુ કેન્સરના દર્દથી પીડાઈને મૃત્યુ પામ્યો છે.

સુરેશને તમન્ના હતી, ગરીબો વચ્ચે બેસીને કામ કરવું.

એણે રઝિયાને કહ્યું, “આપણા લગ્ન પહેલાં મેં તને કહ્યું હતું કે મારા જીવનનું લક્ષ્ય ગરીબોના કલ્યાણ માટેનું છે. ગુજરાતની પૂર્વ પટ્ટીમાં પહાડો છે, જંગલો છે. ત્યાં ગરીબ અને અભણ આદિવાસીઓ વસે છે. એમની વચ્ચે યોગ્ય સ્થળની પસંદગી કરવા માટે મારે તે વિસ્તારનો પ્રવાસ કરવો જરૂરી છે. હું પરત આવું ત્યાં સુધી તું માસીને ઘરે રહેજે.”

આ રીતે રઝિયાની ગોઠવણ કરીને સુરેશ સાબરકાંઠાના આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો. એણે સ્થળની પસંદગી કરી. એ ગામનું નામ કસાણા હતું. ગામના આગેવાનોને એ મળ્યો. ગામની જમીનમાં શાળા અને છાત્રાલય શરૂ કરવાની યોજના મૂકી. સુરેશની આ યોજનાને ગામ લોકોએ વધાવી લીધી. કસાણાના યુવકોએ સક્રિય રીતે સહકાર આપવાનો ઉત્સાહ બતાવ્યો.

‘વનવાસી ઉત્કર્ષ ટ્રસ્ટ’ નામે સંસ્થાની નોંધણી થઈ. સુરેશની બચત રૂપિયા બે લાખ. રઝિયાના અબ્બાજાનનું મકાન પાંચ લાખમેં વેચાયું હતું. તે રકમ બેંકમાં રઝિયાના નામે મૂકેલી હતી. તે અને દુબઈ સ્થિત આયશાના પતિએ ત્રણ લાખ મોકલી આપ્યા. આમ દશ લાખનું ભંડોળ હતું.

જિલ્લા મથકેથી ગામની ચાલીસ એકર જમીન સંસ્થાના નામે તબદીલ થઈ. એ સાથે જ પાણીનો બોર કરાવી લીધો. શાળા અને છાત્રાલયના મકાનનું બાંધકામ ઝડપથી શરૂ થયું. બીજી તરફ શિક્ષણનું કામ શરૂ કરવાની સરકાર મંજુરી આપી. સંસ્થા સુધી પહોંચવા માટે રોડ નહોતો. ટેલિફોન નહોતો. વીજળીને આવકારવા માટે રૂપાળી ફાનસ તૈયાર હતી.

૧૩મી જૂનનો દિવસ, બફારાથી લોકો ત્રસ્ત હતા. આજે શાળા અને છાત્રાલયના ઉદ્દઘાટન પ્રસંગે શહેરમાંથી યશવંતભાઈ સાથે સુરેશના કેટલાક મિત્રો આવ્યા હતા. ગામ લોકો આવ્યા હતા. તે ઉપરાંત આજુબાજુના ગામોના લોકો પણ આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના ‘ઓમ્ તત્સત્’થી થઈ. ગરમીના કારણે કાર્યક્રમ જલદીથી પૂરો થયો.

આ પ્રસંગે બાજુના ગામેથી આવેલા લોકોમાં એવા પણ હતા કે જેમને આ સંસ્થાની સ્થાપના પસંદ નહોતી. એથી એ લોકોએ ગુપ્તરીતે પ્રચાર શરૂ કર્યો કે ‘વનવાસી ઉત્કર્ષ ટ્રસ્ટ’ને વિદેશમાંથી લાખો રૂપિયા મળે છે. ભોળા આદિવાસી બાળકોને ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપીને ખ્રિસ્તી બનાવશે. આ અપપ્રચારના કારણે છાત્રાલયના બાળકોની સંખ્યા નહિવત્ બની. શાળામાં આવતા બાળકો બંધ થયા. જિલ્લાની ઓફિસેથી નિરીક્ષક આવ્યા. બાળકોની સંખ્યા નહોતી. એમણે જે જોયું તે લખ્યું. ગ્રાન્ટ બંધ થઈ એથી કર્મચારીઓનો પગાર થઈ શકતો નહોતો. ગામડાંમાં ફરી ફરીને બાળકોની સંખ્યા વધારી. છાત્રાલયના બાળકોના ભોજનનો ખર્ચ ચાલુ હતો. વરસને અંતે ગ્રાન્ટના નામે પૈસો પણ ન મળ્યો. સુરેશને પ્રથમવાર આર્થિક સંકટનો અનુભવ થયો. એણે શાળાના પાટિયા પર એક સુવાક્ય લખ્યું,

‘ગરીબની વ્યથાનો અવાજ બહેરો અને મૂંગો હોય છે.’

ઉનાળુ વેકેશનના કારણે સંસ્થાના કર્મચારીઓ ન હતા. ગરમીનો ત્રાસ હતો. આદિવાસીનું ગામ એટલે જ્યાં ખેતર ત્યાં ઘર. રઝિયા અને આયશા બંને શહેરની સુવિધા વચ્ચે જીવેલા. એમને એકલતા સાલતી હતી.

સુરેશને અહીં એકલો છોડીને શહેરમાં જઈ શકાય તેમ નહોતું. ઘરમાં અનાજનો દાણો નથી. ચા, ખાંડ, ચોખ્ખા કે દાળ નથી. સંસ્થાની ઉત્તર દિશાએ એક ટેકરી પર વહોરાજીની દુકાન હતી. ત્યાંથી આદિવાસીઓને જોઈતી ચીજવસ્તુ રોકડેથી મળતી. અથવા અનાજના બદલામાં ખરીદી થતી. સુરેશ સવારના દશેક વાગે એ દુકાને ગયો. આરબનો દીકરો સાદીક દુકાને બેઠો હતો. એને સુરેશે કહ્યું, “શેઠ, મારે થોડી વસ્તુઓ જોઈએ છે.” સાદીક કહે, “સા’બ આ દુકાન તમારી છે. જે જોઈએ તે લઈ જાવ.” સુરેશ કહે, “ચા, ખાંડ, તેલ અને અનાજની જરૂર છે. આ બધી ચીજો મારે ઉધાર જોઈએ છે.” સાદીક કહે, “સા’બ અમે ઉધારનો ધંધો કરતા નથી.” સુરેશ અને સાદીક વચ્ચેની આ વાત બાજુના વાડામાં ઊભેલા આરબે સાંભળી. એ દુકાને આવ્યો. સુરેશે એને વાલેકુમ સલામ કહી. આરબે સલામ વાલેકુ કહ્યું. એણે સુરેશને કહ્યું, “સા’બ તમારે જે જોઈએ તે લઈ જાવ. તમને ઉધાર આપવાની ના પડાતી હશે ? આ સાદીક હજી નાનો છે. એને માણસ ઓળખતાં આવડતું નથી.” સુરેશ પાસે થેલી નહોતી. આરબે પોતાના ઘરમાંથી થેલી લાવીને એમાં વસ્તુઓ ભરી. થેલી ઊંચકીને એ સુરેશ આગળ ચાલ્યો. એણે ઘરના ટેબલ પર થેલી મૂકી. સુરેશે એને ગાદી તકિયાવાળી સેટી પર આદરથી બેસાડ્યો.

આરબ ઘરની સુંદરતા જોયા કરે. એણે રઝિયાને જોઈ. મનોમન એ બોલી ગયો, ‘અલ્લાહ કી ક્યા કમાલ હૈ!’ બાજુના રૂમમાંથી આયશાબાનુ આવી. સાઈઠની ઉંમરે પહોંચેલી આયશાનું શરીર સૌષ્ઠવ ઠસ્સાદાર હતું. એ જાજરમાન મહિલાને જોઇને આરબને અચરજ થયું. એની સામે એણે ધારી ધારીને જોયું. આખરે એણે પૂછી લીધું, “તમારું નામ આયશાબાનુ છે ?”

આયશાએ કહ્યું, “હા!” આરબે પોતાનું નામ જણાવ્યું. આયશાને પણ નવાઈ લાગી. આરબના દાદાની દુકાન ચૌટામાં મોકાની હતી. આરબનો બાપ દારૂનો નશો કરીને સૂઈ રહેતો. એનો દીકરો આરબ અઢાર વીસ વરસનો હતો. દાદાએ એને દુકાને બેસાડ્યો. દુકાનની સામેના મકાનમાં એક છોકરી રહેતી હતી. એનું નામ આયશા હતું. એ દુકાને ખરીદી કરવા રોજ આવતી. ધીરે ધીરે આયશા અને આરબ વચ્ચે પ્રેમની આપ-લે થઈ. કેટલીકવાર તેઓ બંને ચોરીછૂપીથી ફિલ્મ જોવા જતાં. આ વાતની ગંધ આરબના દાદાને આવી. એથી એમણે આરબને મોડાસામાં રહેતા પોતાના દીકરા પાસે મોકલી આપ્યો. આ વાતને ચાલીસ વરસના વહાણાં વાયાં. અચાનક આરબ અને આયશાનું મિલન થવાથી અન્યોન્યના ખબર અંતર પૂછ્યા. આયશાએ સુરેશ અને રઝિયાને કહ્યું, “આરબભાઈ સાથે અમારે જૂનો પરિચય છે.” આરબના ગયા પછી સુરેશ કહે, “ખુદા જયારે પરીક્ષા લેતો હોય ત્યારે એ ધીરજના ગુણ આપે છે.”