દીકરી મારી દોસ્ત
..
પીઠી ચોળી લાડકડી.....
” લીલેરું પર્ણ...કૂંપળની તાજગી,..સુગંધી શ્વાસ ”
બેટા ઝિલ,
“ અષાઢી મેઘ અને થોડી શી વીજળી.
લઇને બેઠેલ હશે બ્રહ્મા, ભૂલકણા દેવ, તમે પંખીડું વિસરી ઘડી કેમ માનવીની કન્યા ? ” બ્રહ્માએ પંખી ઘડતા ઘડતા ભૂલથી દીકરીનું સર્જન કરી નાખ્યું. સાચ્ચે જ કવિની દ્રષ્ટિ ને દાદ દેવી જ રહી ને ? પંખીની જેમ પાંખ તો આપી..બીજાના આકાશમાં ઉડવા માટે. પણ...ઉડી જવા સર્જાયેલ દીકરીઓને ઉડવા માટે અસીમ આકાશ મળી રહેશે ને ? નવી ક્ષિતિજો એને સાંપડી શક્શે ને ? એની પાંખો કપાઇ તો નહીં જાય ને ? ફકત પાંખો ફફડાવી ને તો નહીં રહી જવું પડે ને ? એને પિંજર તો નહીં મળે ને ? દરેક મા ના અંતરમાં વ્યકત કે અવ્યકત રીતે કયારેક તો આ પ્રશ્ન ઉઠતો જ હશે .હે ભૂલકણા દેવ, પાંખો આપી તો હવે દરેક દીકરી ને ઉડ્ડ્યન માટે આકાશ આપવાની તારી ફરજ ન ચૂકીશ હોં..!
મનમાં ઉઠતા વિચારોને અંદર જ શમાવી ગોરમહારાજની એક બૂમે હું સતર્ક થઇ દોડુ છું.આજે ગોર મહારાજ પણ પૂરા રાજાપાઠમાં છે. અને કેમ ન હોય ? આજે એની દરેક આજ્ઞાનું પાલન થવાનું છે.. એની એને જાણ છે. પ્રસંગની પૂર્ણાહૂતિ સુધી એનું સામ્રાજય ચાલવાનું છે. અને આજે છેલ્લો દિવસ છે....આજે..આજે આ ક્ષણે તો મહેફિલ માંડી છે. દીકરીને વળાવવાની. આજે સવારે મંડપ મૂર્હત.
“ અવસર ઉગ્યા ઝળહળ એવા,
લાભ શુભ ચોઘડિયા, પડઘમ અઢળક બાજે મિતવા
કંકુ ચોખા લખિયા .” ગોર મહારાજના સ્વસ્તિ વચનો સંભળાઇ રહ્યા છે. એની સૂચનાઓનં પાલન થતું રહે છે. અને વિધિઓ ચાલતી રહે છે. વચ્ચે હાસ્યના ફુવારાઓ ઉડતા રહે છે.કોઇ મીઠી કોમેન્ટો કરતું રહે છે. હોંશીલા ફૈબા ફરીથી માથે કાચનું કૂંડુ ઉપાડી ને નાચે છે ને સૌને નચાવે છે. ફટાણા ગાવામાં તો એનો જોટો ન જડે. આવા સમયે આવી એકાદ ઉત્સાહી વ્યક્તિ પણ વાતાવરણને જીવંત રાખે છે. અને બધા એમાં જોડાય છે.પીઠીની થાળી આવે છે અને મારા મનમાં કવિ બાલમુકુન્દ દવેની આ સુંદર પંક્તિ ઉભરાય છે. ” પીઠી ચોળી લાડકડી,ચૂંદડી ઓઢી લાડકડી, ચૂંદડીએ ધબકારા ઢાંકયા,ને કરમાં સોંપ્યા લાડકડી; મીઠી આવો લાડકડી.! કેમ કહું જાઓ લાડકડી. તું શાની સાપનો ભારો ? તું તો તુલસીનો કયારો લાડકડી.” પીઠી ચોળાય છે. બધા તને ભરી મૂકે છે હોંશથી. તારા ગાલ, હાથ, પગ અને મન પણ પીઠીના રંગે રંગાય છે. તારી આંખમાં પીઠીનો ઉજાસ ઉઘડે છે. હસી ખુશી થી વાતાવરણ મલકી રહે છે. ફોટોગ્રાફરની બૂમો પડતી રહે છે..પ્લીઝ...આ સાઇડ...આ સાઇડ...એને બધી ક્ષણોને કેમેરામાં કેદ કરવાની છે. તારા કોરા વાળમાં તેલ સીંચાય છે. તારા પીઠીવર્ણા અંગ આગળ.... એ ચહેરા આગળ આજે ચાંદ સૂર્ય પણ ફિક્કા લાગે છે. રોશની બધી ઝાંખી લાગે છે. હસી રહે છે ફકત માટીના કોડિયાની પ્રકાશતી નાનકડી દીવેટ.! કેવો પવિત્ર લાગે છે..આ દીવો.! અને ટાગોરની પ્રસિધ્ધ પંક્તિ અનાયાસે યાદ આવે છે. ”who will take up my work ?
Asks the setting sun
None has an answer
In the whole silent world
An earthen lamp says, humbly
From a corner ;
I will , my Lord,
As best as I can. ”
માટીની કોડિયાની એ તાજગીએ , દીવાની એ પવિત્રતાએ બધી રંગીન રોશનીને કેવી ફિક્કી ફસ પાડી દીધી હતી. બેટા, તારા શરૂ થતા નવજીવનમાં આ નાનકડા દીવાની જેમ પ્રકાશતી રહે. અને એ પવિત્ર પ્રકાશથી અન્યનું જીવન પણ તું ઝળહળાવી શકે તેવી શક્તિ તને પરમકૃપાળુ ઇશ્વર અર્પી રહે અને અંતરની અમીરાતથી જીવનપથ ઉજ્જ્વળ બની રહે. આજે નયનમાંથી છલકાતા નીરને રોકવા નથી...આજે ભલે એ નિ:સંકોચ વહેતા.
“ નૈનના નીરના એક એ કિરણમાં
ઉજળું હ્રદય આખું યે થાતું .”
હું ભરેલ નયને તારી સામે જોઇ રહું છું..તારી ચળકતી કીકીઓમાં ઉઘડતા જતા એક નવા ઉજાસને હું સ્પષ્ટ રીતે અનુભવી શકુ છું. દરેક મા આ ક્ષણે અનુભવી શકતી હશે જ.
ત્યાં ‘ કાકા..મામા બેનને પાટેથી ઉઠાડવા આવો..’ ગોરમહારાજની બૂમ પડી. અને કાકા, મામા તો રાહ જોઇને જ ઉભા હતા ને ? બંને એ હસતા હસતા દસ રૂપિયા કાઢયા. બધા તને કહેતા હતા કે ઝિલ, આજે મોકો છે હોં.! ચૂકતી નહીં. અને કાકા અને મામા બંને ખમતીધર છે. બરાબર લહાવો લેજે..એ પહેલા ઉભી ન થતી હોં !
આવો રિવાજ કયાંથી આવ્યો હશે ? શા માટે આવ્યો હશે..એ તો મને કયાં ખબર હતી ? પણ લાગે છે ..કદાચ બધાને પ્રસંગમાં સામેલ કરવા આવા રિવાજોની શરૂઆત કોઇ ડાહ્યા માણસે કરાવી હશે. સામાન્ય રીતે આ વ્યસ્ત સમયમાં જલ્દીથી એકત્રિત ન થતાં સ્નેહીઓ આવા કોઇ પ્રસંગે એકઠા થઇ અને આનંદ માણી શકે છે. અને ત્યારે આવી કોઇ વિધિઓમાં સામેલ થવાથી લગ્નમાં આવનાર દરેકને મહત્વ મળી રહે છે. અને કુટુંબમેળાની પુનિત ક્ષણો બધા થોડીવાર માણી શકે છે. આમે ય સગા સ્નેહીઓ વિનાના અવસર થોડા શોભે ? માંડવો તો સ્નેહીઓના કિલકિલાટથી જ ગૂંજી શકે ને ? એકલાં ઉજવાય..એને પ્રસંગ થોડો કહેવાય ?
કાકા, મામા, ફૈબા, ભાઇ, ભાભી, મામી, બહેન, બનેવી દરેકને કોઇ ને કોઇ મહત્વ આપીને બધાને પ્રસંગમાં આપમેળે સામેલ કરી દીધા. આપણા વડવાઓએ દરેક વિધિ ની પાછળ કોઇ ચોક્કસ કારણ જરૂર વિચાર્યું હશે. અને કોઇ પણ વાત તમે ધર્મ સાથે જોડી દો..એટલે પૂરુ..! એનું પાલન થવાનું જ. કેમકે માણસ સ્વભાવે ધર્મભીરુ છે. હા, એ સમયના સંજોગો પ્રમાણે આ બધા રિવાજો ઘડાયેલ હોય..અને આજે સંજોગો ..સમય બદલાતા એમાં પણ સુધારાને અવકાશ હોઇ શકે... જે હોય તે..પણ આજે તો બધા રંગમાં આવી ગયા હતા. કાકા, મામા નું પાણી માપવાના રંગમાં.. ફૈબા તો તાનમાં આવી ને ઉંચા, નરવા સાદે આવું કંઇક ગાઇ રહ્યા હતા. ડોકટર મામા ને સંભળાવી રહ્યા હતાં.
”હોસ્પીટલના નાણા કાઢજો રે.. ટાણા નવ ચૂકજો રે , મામા ” કાકા. મામા, પણ ધીમે ધીમે આગળ વધતા હતા. પ્રસંગની મજા વધારવા. બંને તને વિનવતા હતા, ’ નાની હતી ત્યારે કેવી ડાહી હતી..! કેવી માની જતી.! પાંચ રૂપિયામાં પટાઇ જતી. ’ તું તો ખડખડાટ હસતી હતી. નાની બાળકીની જેમ તને મજા પડી ગઇ હતી. આ કોઇ રમત હોય તેમ તું માણતી હતી.. અને તને પાનો ચડાવવાળા કયાં ઓછા હતા ? તારા એ મુકત હાસ્યમાં ખોવાઇને હું એક તરફ ઉભી ઉભી મલકાતી હતી. ધીમે ધીમે આગળ વધતાં બંને એ પાંચસો પાંચસો રૂપિયા કાઢયા. પણ બધાએ તને એટલામાં માનવાની ચોખ્ખી ના પાડી દીધી. અને એમ અંતે મજાક મસ્તી વચ્ચે મામલો કયાં સેટલ થયો એ મને તો સમજાયું નહીં.
દરેક જગ્યાએ..રિવાજોમાં થોડા ફેરફારો હોય છે. પણ દરેક પાછળની ભાવના તો એક જ રહે છે. બધા સાથે મળી પ્રસંગને માણી, આનંદ કિલ્લોલ કરી પુત્રીવિદાયની વસમી પળોને હળવી બનાવવી. આવા રિવાજો વાતાવરણ ને હળવું અને રંગીન બનાવી દે છે. એ હકીકતનો ઇન્કાર થઇ શકે ખરો ? સગા સ્નેહીઓ વચ્ચે આવા રિવાજો આત્મીયતા નો અહેસાસ કરાવી શકે છે. આપણી સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે. એ સંસ્કારને વિધિપૂર્વક સંપન્ન કરાય છે. જેથી પ્રસંગ નું ગૌરવ જળવાઇ રહે. લગ્નની પવિત્ર ભાવનાનો પરિચય પામી શકાય. અને ધીમેથી તને પાટેથી ઉઠાડવામાં આવી.
હવે તો સમયને પણ જાણે ઉતાવળ આવી હોય તેમ દોડયે જતો હતો.
“ હમણાં તો નિત નવા રંગો, નિત નવા ઉમંગો અને દૂરથી આવતો પિયુની વાંસળીનો સૂરીલો સાદ. ”
હવે સાંજે...સાંજે... એ સૂરીલો સાદ...લગ્નની ગૂંજતી શરણાઇ નો નાદ. અને..
“ બેટા, તારું કોલેજનું શિક્ષણ તો પૂરુ થયું છે. એમાં તો તું હમેશા નંબર લાવી છે.પણ જીવનનું સાચુ શિક્ષણ હવે શરૂ થશે. અને મને પૂરો વિશ્વાસ છે.. મારી દીકરી એમાં પણ નંબર લાવશે જ. જીવનમાં આશા કે નિરાશા તો વ્યાપતા રહેવાના જ. નિરાશાના અંધકારમાં પણ યાદ રાખજે કે ગમે તેવી ઘનઘોર રાત્રિ પછી પણ સૂર્ય ઉગવાનો જ છે. જેમ કુદરત માટે આ નિયમ સાચો છે તેમ જીવન માટે પણ એ એટલો જ સાચો છે. માટે નિરાશાને કયારેય તારા પર હાવી થવા દઇશ નહીં. કાકા કાલેલકર ની એક વાત આજે અહીં ટાંકવાનો લોભ જતો નથી કરે શકતી. બેટા,આ સુવર્ણવાત તારા અંતરમાં કોતરી રાખજે. ” મને જે કામ સહેલું લાગતું હોય તે કરું ? કે જે કામ મને ગમતું હોય તે કરું ? કે જે કામ હું ઉત્તમ રીતે કરી શકું તે કરું ? કે પછી જે કામ કરવાનું મારું અટળ કર્તવ્ય છે તે કરું ? અથવા...જે મારું કર્તવ્ય છે ...તે જ કરવાનું મને સાધ્ય અને પ્રિય થાય એવું કરું ? ” અને આ કર્તવ્ય માટે શ્રી ટાગોરે કહ્યું છે તેમ “ઠંડા પહોરે જો આગળ નહીં વધો તો તડકા વખતે હેરાન થશો ” બસ..ઠંડા પહોરે જીવનપથ પર આગળ વધતી રહે....”