હેલ્લો સખીરી.. - 19 Hello Sakhiri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્લો સખીરી.. - 19

અંકઃ ૧૯, નવેમ્બર ૨૦૧૬.

હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક


અનુક્રમણિકા

૧) વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
૨) જીવ સંપદાઃ મેઘલ મજમુદાર
૩) અનુભૂતિઃ પારૂલ દેસાઈ
૪) નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
૫) આસ્વાદઃ કિર્તી ત્રાંબડિયા


વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
jahnviantani@gmail.com

પુસ્તકો:

(1) નાન્હાલાલ કાન્ત અને બ.ક. ઠાકોરની કવિતામાં છંદ., પ્રકાશક: ગુર્જર પ્રકાશન, અમદાવાદ

(૨) વ્યાકરણ વિમર્શ ગુજરાતી ભાષા. પ્રકાશક:અરુણોદય પબ્લિકેશન્સ, અમદાવાદ.

(૩) ગુજરાતી નિબંધમાળા પ્રકાશક:અરુણોદય પબ્લિકેશન્સ, અમદાવાદ

લેખિકા: ડો. નિયતિ અંતાણી.

હેલ્લો સખીઓ! નવું વર્ષ મુબારક. આપ સૌની દિવાળી ખુબ જ આનંદમાં પસાર થઇ હશે ખરુંને? આપણે સૌ આ તહેવારની આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ, કેટલી તૈયારી કરતા હોઈએ છીએ અને એ મુજબ પૂર્ણ તૈયારી સાથે દિવાળી ઉજવીએ છીએ ત્યારે એવું માનીએ છીએ કે આખું વર્ષ આ રીતે આનંદમાં જશે. જાય જ ને! ક્યાંય ચૂક ન રહે એનો કેટલો ખ્યાલ રાખતા હોઈએ છીએ. આપણે જે રીતે આપણા ઘરને દિવાળીના પર્વમાં સ્વચ્છકરીને સજાવીએ છીએ, અને ઘરમાં સમૃદ્ધી લાવીએ છીએ, એ જ રીતે કોઈપણ ભાષાના લેખકની વ્યાકરણ અને ભાષાકીય સજ્જતા સાથે પોતાના લખાણને સજાવીને ભાષાને સમૃદ્ધ રાખવી એ પહેલી ફરજ બને છે.

આપણે સૌ વાચક તરીકે ભાષાકીય રીતે સાચું ને શુદ્ધ લખાણ વાંચવાનું પસંદ કરીએ છીએ. લેખકો જો ખુબ બારીકાઈથી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય તો જ એ આવું એક લખાણ વાંચકોને પીરસી શકે.

આ વખતે એવા પુસ્તકોની ઓળખ કરાવીશ જે નવોદિત લેખકોને / કવિઓને ઉપયોગી થઈ શકે. ઈન્ટરનેટ જગતની સોશિયલ સાઈટ પર કોઈ પણ વ્યક્તિ એવું લખે જે વાંચવા દરેક વાંચક મજબુર બને. આપણી ગુજરાતી ભાષાને એ રીતે સમૃદ્ધ બનાવી શકીએ.

આજે આપણે એવા ત્રણ પુસ્તકોનો પરીચય કરીએ, જે આપણને ગદ્ય અને પદ્ય બંનેમાં ઉપયોગી નીવડે. ડો.નિયતિ અંતાણીના આ ત્રણેય પુસ્તકો તાજેતરમાં જ બહાર પડ્યા છે.

૧). નાન્હાલાલ, કાન્ત અને બ.ક. ઠાકોરની કવિતામાં છંદ.

આ પુસ્તક લેખિકાનોડોક્ટરની પદવી મેળવવા માટેનો વિષય રહ્યો છે. કોઈપણ કવિતા લખવા માટે તમારે કવિતા સમજવી જોઈએ એવું હું માનું છું. ગુજરાતી સાહિત્યના પ્રખર કવિઓ નાન્હાલાલ, કવિ, અને કવિ બ.ક. ઠાકોરની કવિતાઓ આપણે સૌ ભણ્યાં જ છીએ. ભણતી વખતે આપણે માત્ર જોડકા કે ખાલી જગ્યા માટે છંદ યાદ રાખ્યા હશે. વિચાર કરો કે, લેખિકા નિયતીએ તો આછંદપર આખું પુસ્તક બહાર પાડ્યું. ઉપરના ત્રણ કવિ મહારથીઓના કાવ્યોમાં છંદની સમજ આ પુસ્તકમાં આલેખી છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ચિનુ મોદીજીએ સરસ લખ્યું છે, ‘આજે જયારે ગઝલ અને અછાંદસ રચનાઓનો ગુજરાતી કવિતા મોટો ઉકરડો બની છે, ત્યારે લેખિકા એ કાન્ત, નાન્હાલાલ અને ઠાકોરની કવિતાઓમાં છંદ વિશે અભ્યાસ કરવાનું નક્કી કર્યું એનો હું મહિમા કરું છું. અને આ અભ્યાસ ગુજરાતીમાં અછાંદસ લખતા કવિઓ માટે વાંચન-મનન યોગ્ય છે.’’

આ પુસ્તિકામાં ચાર પ્રકરણ છે. પહેલું પ્રકરણ છંદનું મહત્વ, પ્રાચીન છંદ, અર્વાચીન યુગનું પિંગલ સાહિત્ય, વૈદિક છંદ, લૌકિક છંદ, સંસ્કૃત વૃત્તોની સમજ આપી છે.છંદનું મહત્વ કાવ્ય અને ગઝલમાં કઈ રીતે મહત્વ છે આ ત્રણેય કવિઓની રચનાઓમાં છવાયું છે એ લેખિકા એ સરસ રીતે છણાવટ કરી છે.

બીજામાં નાન્હાલાલની છંદસૃષ્ટિનુંદર્શન કરાવ્યું છે. તેમાં અનુષ્ટુપ અને અન્ય છંદોનો જે ઉપયોગ પોતાના કાવ્યોમા કર્યો છે એ દર્શાવ્યું છે.

ત્રીજુ પ્રકરણ કાન્ત અને તેમના છંદો વિષે છે. તેમાં કવિના ઊર્મિકાવ્યોમાં, ખંડકાવ્યોમાં પ્રયોજેલા છંદની સમજણ આપી છે. સાથે સાથે છંદોના અપવાદો, કવિશ્રીએ રચેલા મંદાક્રાંતા અને અનુષ્ટુપ છંદમાં રચેલા કાવ્યો વિષે આલેખ્યું છે.

ચોથું પ્રકરણ બ.ક. ઠાકોરની કવિતા વિષે છે.

આમ એકંદરે પોતાની ભાવનાઓને પદ્યમાં વ્યક્ત કરવા ઈચ્છતા ભાવુકો માટે આ પુસ્તક એક લેશનની ગરજ સારે છે.

૨.) લેખિકા નિયતિનું બીજું પુસ્તક વ્યાકરણ વિષે છે.

આપણે સૌ વ્યાકરણ સ્કુલમાં શીખીને પરીક્ષા પુરતું યાદ રાખીએ છીએ. પરંતુ જયારે કૈક લખીએ છીએ ત્યારે જો વ્યાકરણ બરોબર ન હોય તો વાક્ય વાંચવું ગમશે? નહિ જ ગમે. તો જયારે આપણે સાહિત્યકાર ન હોઈએ તો પણ કઈક લખીએ તો વ્યાકરણની રીતે સાચું લખવાનો પયત્ન કરવો જોઈએ. આ વાત માત્ર લેખકો પૂરતી સીમિત નથી. આજે જયારે સોશિયલ વેબસાઈટ પર ગુજરાતી આંગળીના ટેરવે લખીએ છીએ ત્યારે આપણી ભાષા સાચી લખવી એ સૌની જવાબદારી બને છે. કેમ કે સોશિયલ વેબસાઈટ એ દેશ-વિદેશમાં ફેલાયેલી હોય છે તો ત્યાં સુધી આપણી ભાષા સાચી પહોંચે એ આપણું કર્તવ્ય બને છે. સાચું ને?

લેખિકા ડો. નિયતીએ આ પુસ્તકમાં જોડણી, સમાર્નાથી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દસમૂહ, કહેવતો, રૂઢીપ્રયોગ, વિરામચિહ્ન, સ્વરવ્યંજન, સમાસ અલંકાર સંધી અને ગુજરાતી પદ રચના વિષે સમજ આપી છે. તમે માનશો? આ પછીનું એક પ્રકરણ છે જે મને સૌથી વધુ ગમ્યું એ એ છેકે ‘ભાષામાં થતી કેટલીક સામાન્ય ભૂલો’. આ પ્રકરણ આપણી નહિ દેખાયેલી ભૂલો દર્શાવીને આપણી જ ભાષાને સમૃદ્ધ કરે છે. જાણ્યે અજાણ્યે આપણા લખાણની આવી ભૂલોને નજર અંદાજ કરતા હોઈએ છીએ. એ કઈ કઈ હોય છે એ દર્શાવી છે.

૩). ત્રીજું પુસ્તક ડો. નિયતિનું છે ગુજરાતી નિબંધમાળાઃ

જે શાળાથી લઈને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવું છે. જેમાં દરેક પ્રકારના નિબંધ છે. ડોક્ટર લેખિકા કહે છે, નિબંધ એ એમનો ગમતો સાહિત્યનો પ્રકાર છે, શાળાથી માંડીને કોલેજ, અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિબંધ તૈયાર કરતા કરતા નિબંધપ્રત્યે એમને ગાઢ પ્રેમ થઇ ગયો.’ કેટલી સુંદર ગમતી વાત.

ડો. નિયતિ અંતાણી ગુજરાત કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપિકા છે.

એમની એક વાત જે પુસ્તકમાં ટાંકી છે, મને બહુ ગમી છે, એ છે એમનું એક ક્વોટ.

“You can not build a tree, you can plant it, and wait for it to mature in its due time.”

તો,

સખીઓ, આજ પછી તમે તમારા માટે, તમારા બાળકો માટે આ પુસ્તક વાંચશો તો ચોક્કસ એક ભાષાકીય સજ્જતા કેળવી શકશો. આપણી માતૃભાષા, આપણા સંસ્કારોને આ રીતે જાળવી શકીએ એવી નવા વરસની શુભેચ્છા સહ...વિરમું છું.


જીવ સંપદાઃ મેઘલ મજમુદાર
meghal.dm2014@gmail.com

યાયાવર પક્ષી કુંજ

કુદરતનો ખોળો ખૂંદીએ તો અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય. જરૂર છે એ તરફ દ્રષ્ટિ કરવાની. ઈશ્વરની નજીક જવાનાં અનેક રસ્તાઓ પૈકી સૌથી સરળ રસ્તો છે પ્રાકૃતિક સંપદાના સાનિધ્યમાં રહેવું. વૃક્ષોનું જતન કરવું. પક્ષીઓને ચણ આપવું કે પ્રાણીઓને બલકારવા. એવા અનેક પ્રવૃત્ત લોકોનો એક સમુદાય દિવસેને દિવસે વધતો જાય છે જે આજની હાડમારી ભરેલ જીવનમાં સાતા મેળવવા કુદરતી વતાવરણ તરફ ઢળ્યાં છે. જે એક રીતે નવી ક્રાંતિ જ કહી શકાય.

સૌ કોઈ જંગલોમાં જઈને કેમ્પ યોજી નથી શકતાં. કે પછી ભોમિયા વિનાં ડુંગરા ભમી નથી શકતાં પણ વન્ય જીવનની માહિતી લેવી અને ઈશ્વરીય વરદાન સમી કુદરત સંપદા વિશે જાણવા અને માણવા ઈચ્છે છે. અલભ્ય અને લુપ્ત થતી એવી કેટલીય વનસ્પતિ અને પ્રાણીજન્ય નસલો છે જેનાં વિશે વાંચવું ચોક્કસ ગમશે.

કૂંજ પક્ષી - આજે આપણે ભારતમા આવતા યાયાવર પક્ષી "કૂંજ કે કૂંજડાથી શરૂઆત કરશુ.

આમતો કૂંજના ૧૫ પ્રકાર હોય છે, પરંતુ ભારતમાં મુખ્યત્વે ૩ પ્રકારના કુંજ જોવા મળે છે.
૧. કોમન કૂંજ (Common Crane)
૨. કરકરો કૂંજ ( demoiselle Crane )
૩. સારસ કૂંજ (Sarus Crane)

તેઓ એન્ટાર્ટકા અને સાઉથ અમેરીકા સીવાય બધે જોવા મળે છે.તેઓને શિયાળાની રૂતુમા વધુ પડતી બરફવર્ષા અને ખોરાકની અછતના કારણે સ્થાળાંતર કરી એશીયા ખંડના જુદા જુદા દેશમા આવે છે.તેઓ પોતાની ગરદન બહાર કાઢીને અંગ્રેજીમા V આકારમાં ઉડે છે, જેથી પાછળ ઉડનારા પક્ષીઓને તેમની ફેકેલી હવા અવરોધે નહી. કૂંજ પક્ષીમા એક નેતા હોય છે જે સુર્યમંડળ,તારામંડળ, ચ્રહો, ઉપગ્રહો પવનની દિશાને ચિન્હ તરીકે ઉપયોગ કરી એક માર્ગ દર્શક પથ નક્કી કરે છે.

કૂંજનો મુખ્ય ખોરાક ઉંદર, ગરોળી, દેડકા જે પર્યાવરણ માટે અને ખેતરના ઉભા પાકને નુક્શાનકર્તા છે તેનું ભક્ષણ કરે છે, ઉપરાંત તેઓ પ્રર્વતમાન આબોહવા પ્રમાણે પોતાના શરીરના પોષકતત્વોની જરૂરીયાત અનુસાર ખોરાક બદલે છે. નાની માછલી, જીવજંતુની સાથે અનાજ, રસાળ ફળો અને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

તેઓ છીછરા પાણીમાં એક ઉંચાણવાળી જગ્યા બનાવી પોતાનો માળો તૈયાર કરે છે. એક સમયે બે ઇંડા જ મુકીને સેવે છે. માતા અને પિતા ફરી સંવનનકાળ ન આવે ત્યા સુધી બાળકનો ઉછેર સાથે કરે છે.

કૂંજ દુનિયાનું સૌથી વધારે ઉંચાઇ ધરાવતુ ઉડતું પક્ષી છે. સામાન્ય કૂંજનિ લંબાઈ ૧૦૦ થી ૧૩૦વસે.મિ., કરકરા કૂંજની ઉંચાઈ ૯૦ સે.મિ., સારસ કકૂંજની ઉંચાઈ ૧૭૬ સે.મિ. હોય છે. તેઓ ૩ થી ૬ વર્ષની ઉંમરે પૂખ્ત બને છે અને સરેરાશ ૩૫ થી ૪૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

કૂંજ પક્ષીમાનું સારસ હંમેશા બેલડીમાં જ જોવા મળે છે.તેમનું સંવનનકાળનુ નૃત્ય દર્શનિય હોય છે. તેમના આ આર્કષક દેખાવને કારણે તેમને શિકારનો ભોગ બનતા અટકાવવા અને તેમનો અવૈધ્ય વેપાર અટકાવવા સંરજ્ક્ષણ ધારા અધિનિયમ અંર્તગત સુરક્ષા વ્યવસ્થા અસ્તિત્વમાં છે.

ભારતના ઘણા પ્રદેશમાં આ પક્ષી જોવા મળે છે. રાજસ્થાનના બિશ્નોઇ જાતિના લોકો કૂંજને પવિત્ર માને છે. તેમની સ્ત્રીઓ ઘાયલ અથવા ન પરત ફરેલા પક્ષીનું આખું વર્ષ ભરણ પોષણ કરે છે.

જલ, પૃથ્વી, અગ્નિ આકાશ, વાયુનુ વન્ય જીવન સંપદા અને વન્ય જીવ સૃષ્ટિ સાથેના તાદાત્મથી નિષ્પન્ન વાતાવરણને સ્વસ્થ પર્યાવરણ ગણીએતો કુદરત નિર્મિત લલિત કલા એકાદમીના નાના થી વિશાળકાય વન્યજીવન સૃષ્ટીનું જતન અને સંર્વધન એટલે સ્વસ્થ પર્યાવરણનું જતન...


અનુભૂતિઃ પારૂલ દેસાઈ
parujdesai@gmail.com

કળાનું મહત્વઃ

ઇશ્વરે મનુષ્યનું સર્જન કર્યુ છે અને આ માનવીને પણ સર્જનાત્મક બનાવ્યો છે. આ સર્જનાત્મકતાની અભિવ્યક્તિ તે કળા, કસબ, હુન્નર. કલ્પના અને અંગત આવડત દ્વારા કઈક નવું સર્જન કરવાની આત્મસુજ એટલે કળા. આમ તો કળા શબ્દનો અર્થ કોઇ એક ક્ષેત્ર પૂરતો મર્યાદિત નથી હોતો. રવીન્દ્રનાથ ટાગોર કહેતા, “ કલામા મનુષ્ય પોતાના ભાવની અભિવ્યક્તિ કરે છે.” તો પ્લેટો કહે છે “ कला सत्य की अनुकृति की अनुकृति है ।“

દરેક વ્યક્તિમાં જન્મજાત રહેલી કળા રહેલી છે. કળા દ્વારા વ્યક્તિનો માનસિક વિકાસ સુદ્રઢ બને છે. નિશ્ણાતો કહે છે કે કળા અન્ય કોઇ રોંજિદા કાર્ય માં રસ અને એકાગ્રતા વધારે છે. પોતાનામા રહેલુ કૌશલ્ય દર્શાવતા તેઓની નિર્ણય શક્તિ મજબૂત બને છે. બાળકનું મગજ જેટલું વધારે સક્રિય બને તેટલા તેના જ્ઞાનતંતુ કોશના જોડાણો વધુ જટિલ બને છે. તેના કારણે યાદશક્તિ વધે છે. કળાથી દરેક બાબતને નવી રીતે જોવાની તેમજ નવી શોધ કરવાનું પ્રેરક બળ કળા આપે છે. વળી પરફેક્શન ન આવે ત્યા સુધી ફરી ફરીને એ જ કાર્ય કરતા રહેવાની આદત પડે છે.

કળા પોતાની કલ્પના સાકાર કરવાની સ્વતંત્રતા આપે છે. સાથે જ જીવનના એકધારા કાર્યોમા નવિનતા બક્ષે છે. પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો મોકો મળતા માનસિક તણાવ દુર થાય છે. માટે જ કળાને બહાર લાવવા બાળપણથી જ ખીલવવા ના પ્રયત્નોરુપે વિવિધ ક્લાસિજ કે ઘરમા જ પ્રોત્સાહન આપવું જરૂરી છે. ક્યારેક ચિત્ર, હેંડી ક્રાફ્ટ ના પ્રદર્શન જોવા લઈ જાઓ. તેનામા રહેલા કૌશલ્યને જીવંત કરી તેના જીવનને ઉમંગથી ભરી દો. તેના દ્વારા બનાવેલી કલાકૃતિને ઘરમા સજાવીને રાખો. આ રીતે કદર થતા તેનો આત્મવિશ્વાસ વધશે. સાથે જ પોતાનુ કરેલ કાર્યને વધુ સારુ બનાવવા પ્રેરાશે. શક્ય છે કે ભવિષ્યમાં પોતાની આ કળાને જ વ્યવસાયમા ફેરવી સફળતા મેળવી શકશે.

કળાની વાત કરીએ ત્યારે સૌથી પહેલું તો ગુજરાત નું કચ્છ જ યાદ આવે. ‘અસાંજો કચ્છડો બારેમાસ” મા અગાઉ તો વર્ષાનો અભાવ, ઉજ્જડ જમીન એટલે આજિવિકાનું મુખ્ય સાધન જ હસ્તકળા.

વર્ષો પહેલા કાઠીઓ ભરતકામની કળા લાવ્યા. કચ્છના કણે કણમાં કળા તો હતી જ વળી ત્યા મુંદ્રા અને કંડલા જેવા દરિયાઇ વેપારના કેન્દ્રો હોવાથી પર્શિયન અને મુગલ કળાની અસર પણ રહી. સૂતરાઉ, રેશમી, ઉની કાપડ પર નાજુક મોતીકામની ગુંથણી, આભલા સાથે દોરા કે ઉન નું ભરતકામ કરવામા આવે. એ જ રીતે ભાવનગર અને કાઠીયાવામાં દેશી ભરત અને મોતીના ચાકળા, ટોડલિયા મા મોર, પોપટ, હાથી, ઊંટ, ઘોડાની ડીજાઇન જોવા મળે. આવુ તો આખા ભારત દેશમાં ઘણું છે. પ્રાચીનમા સમયની માંગ અનુસાર થોડા ફેરફાર કરી કળામા વૈવિધ્ય આવ્યું. અમુક નવી જ કળાનો જન્મ પણ થયો એમ કહી શકાય.

હાલ એની ઉપરાંત લામાસા, મડ્મિરર, ક્વિંલિંગ, ભરત કામ, માટીકામ, ગોટા પટ્ટીના પર્સ, બંગડી, આભુષણો, મોતીના પેચ, દોરી વર્ક, ગ્લાસ પેઈંટિંગ, એક્રેલિક રંગોલી, નાની મોટી કંકાવટી, તોરણ, લેમ્પ, ઘર સુશોભનની અઢળક વેરાયટી જોવા મળે છે. ઇંટરનેટના માધ્યમ થકી નવા નમુના જોવા મળે તે શીખી શકાય. સાથે સોશ્યલ મીડિયાને કારણે માર્કેટ પણ સહેલાઇથી મળી રહે છે.

રાજકોટના આત્મજા વ્રુંદે બહેનોની કળાને ઉજાગર કરવા અને તેઓને રોજગારી આપવાના હેતુથી હસ્ત કલા પ્રદર્શનનું આયોજન પણ કરેલ. જેના દ્વારા નામ અને દામની કમાણી કરવાની તક મળી.

દરેક વ્યક્તિ કલાકાર છે. કોઇ તેને ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે અને એ જ કળાને કેરિયર બનાવી આર્થિક ઉપાર્જન પણ કરે છે. જેના થકી નામ-દામ બંને કમાય છે. તો કોઇ મનમાં જ વિચારીને મનમાં જ ધરબી રાખે છે. તો કેટલીકવાર પોતાની કળાની અભિવ્યક્તિ કરતા કરતા વ્યક્તિ ની ઓળખ જ બની જાય એવું બને. શાણપણ દ્વારા કળાનો સદ્પયોગ કરી કમાણી કરી શકાય. સાંસ્કૃતિક નૃત્ય, સંગીત, નાટક, પરંપરાગત ભરત કામ, શિલ્પ કામ, હસ્ત કલા, માટી કામ જેવી અનેક કળા મા પારંગત બની તેમાં જ કેરિયર બનાવી શકાય. ઘર સુશોભનની વસ્તુઓ ભારતમાં અને વિદેશમાં આ બધી વસ્તુઓ ઊંચા દામ પર ખરીદે છે. તો સંગીત, ગાયન અને નૃત્યનાં શોઝ દેશ વિદેશમાં કરી માન-સન્માન સાથે આજિવિકા મેળવવાની તક મળે છે.

આજે જો આપણી સંસ્ક્રુતિના પ્રતિક એવી વિવિધ કળાને જાળવવા પ્રયત્નો કરવામાં આવે તો દેશનો સામાજિક વિકાસ સાથે આર્થિક વિકાસ પણ ચોક્ક્સ થઈ શકે.નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
kunjkalrav@gmail.com

મીઠો ઝઘડોઃ

સ્કુલ બેગ પછાડતી નિનિ ઘરમાં પ્રવેશી.

નિનિઃ મમ્મી, હું આજ પછી ઓલી મિનીનું મોં નહિં જોવું..
નિનિનાં મમ્મીઃ અલી, પણ થયું શું એ તો કહે?

નિનિએ છણકો કર્યો અને એનાં કમરામાં ઘૂસી ગઈ. દીકરીનું આવું ગેરવર્તન જોઈને એનાં મમ્મી સમજી જ ગયાં કે ચોક્કસ કંઈક એને અણગમતું શાળામાં બન્યું છે. પણ અત્યારે જ જો પૂછ પૂછ કરીશ તો એનો પિત્તો જાશે અને ઘર માથે લેશે. જમી પરવારીને માને ઘરે જઈને નિનિ જોડે વાત કરીશ એવું વિચારીને એવો રસોડામાં વ્યસ્ત થયાં. જમતી વખતે પણ નિનિ બેધ્યાન હોય એવું અનુભવ્યું પણ એને કારણ ન પૂછ્યું. “રાતે પપ્પા ઘરે આવે એ પહેલાં ચાલ, નાનીને મળી આવીએ. તું આવીશને?” “બાપોરે ટ્યુશનથી વળતે જઈ આવશું.” એવું નિનિ અને એનાં મમ્મીએ નક્કી કર્યું.

નિનિનાં મમ્મી ક્યારેક જાતે જ ગાડી ચલાવીને એને ટ્યુશન, તો ક્યારે બીજી ઈત્તર પ્રવૃત્તિઓનાં વર્ગમાં લેવા – મૂકવા જઈ આવતાં. આજે રસ્તામાં લાગ જોતાં નિનિનાં મમ્મીએ વાત ઉખેડી.

નિનિનાં મમ્મીઃ આઈસ્કીમ ખાઈશ?
નિનિઃ કેમ? ઓચિંતું સામેથી પૂછ્યું?
નિનિનાં મમ્મીઃ આ તો નિન્કુ બેનનો મિજાજ જરા ટઢો થાયને એટલે..

નિનિએ ફરી મોં મચકોડ્યું અને ચૂપ થઈ ગઈ. નાનીનું ઘર હજુ આવવાને પાંચેક મિનિટની વાર હતી. એ ચૂપચાપ બેસી રહી અને અચાનક એણે ભેંકડો તાણ્યો. તૃટક સ્વરે એ બબડવા લાગી. “મારો શું વાંક.. હું ખાલી સહેજ જોરથી બોલી….. હું એને ખીજાણી નથી મમ્મી….. એને…. કેમ સમજાવું?” નાનીબાનું ઘર પાસે આવતાં તો એ રીતસર ધ્રુસ્કે ને ધુસ્કે રડી પડી. ગાડી પાર્ક કરીને નિનિનાં મમ્મીએ તેને માથે હાથ મૂક્યો અને શાંત થવા કહ્યું.

નિનિનાં મમ્મીઃ આમ રડતે અવાજે બોલીશ તો કેમ સમજાશે? ચાલ, અંદર નાનીબા સાથે બેસીને જ વાત કરીએ.

નાનીબા એમનાં આંગણાંમાં જ હિંચકે બેઠાં હતાં ત્યાં એનાં મમ્મી ખુરશી લઈને બેઠાં અને નિનિ નાનીબાની પડખે જુલા પર જ ગોઠવાઈ. એનો રડમસ ચહેરો એની ઉદાસીની ચાડી ખાતો હતો. નાનીબાએ નિનિનાં મમ્મીને આંખોનાં ઈશારાથી કારણ પૂછ્યું. આંખ પાસે આંગળી રાખી એનાં મમ્મીએ એ રડે છે એવું નિર્દેશ કર્યું. અને નાનીબાએ નિનિનાં મમ્મીને પાણી લઈ આવવાનું કહ્યું. નિનિ અને નાનીબા હિંચકે એકલાં પડ્યાં.

નાનીબાઃ હવે મને કહે શું થયું?

નિનિ નાનીબાને વળગી પડી. ડૂંસકાં રોકીને રડવાનું બંધ કરી તે બોલવા લાગી. “સ્કુલમાં વિજ્ઞાનમેળો હતો… મિનીએ નામ લખાવ્યું પણ મને સાઈન્સ ન ગમે એટલે મેં ન લખાવ્યું.” નાનીબા હ્મ્મકાર આપીને નિનિને સાંભળતાં રહ્યાં. “એનો પ્રોજેક્ટ લાસ્ટ ડેટ સુધી પૂરો ન થયો એટલે એણે મને હેલ્પ કરવા કહ્યું. મને એમ ન આવડે કંઈ, એટલે બીજા ક્લાસની પિંકીને કહ્યું કે મિનીને હેલ્પ કર. પિંકી પણ મારી ફ્રેન્ડ એટલે એ રેડી થઈ પ્રોજેક્ટમાં કામ કરવા. બંન્ને સાથે મેં પણ થોડી હેલ્પ કરી… એન્ડ ગેસ વ્હોટ નાનીબા.. અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયો..! આટલું કહેતાં નિનિનો સ્વર ઉત્સાહિત થયો. “વાહ! તો પછી શું થયું?”

નિનિઃ એજ તો નાનીબા.. અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થયા પછી અમને રોકડ ઈનામ મળ્યું. મેં કહ્યું મિનીને કે ઈનામમાં તારો અને પિંકીનો હક્ક થાય મને એમાં કંઈ ન જોઈએ.
નાનીબાઃ હા, બરાબર છે. પછી?
નિનિઃ પછી શું? નાનીબા.. મિની પિંકીને કહી આવી કે આપણે નિનિને પણ ભાગ આપીએ. તો વળી રિસેસમાં પિંકી મારા પાસે આવીને કહે કે તનેય ભાગ આપવાનો છે, બોલ કેટલો આપું?
નાનીબાઃ હ્મ્મ તો તે શું કહ્યું, નિન્કું?
નિનિઃ મે કહ્યું કંઈ મોટી હેલ્પ નથી કરી મેં, મને નથી જોઈતું તમે બેય જ રાખો. એવું કહીને હું મિની પાસે દોડતી જતી રહી.. મારા મનમાં થયું કે આ શું કરે છે મિની.. મેં એકવાર તો ના પાડી તો કેમ વારે વારે ભાગ આપવાની વાત કરે છે! મને ભાગ નથી જોઈતો પાર્ટી આપજે એવું પણ મેં કહ્યું હતું એને… મને અંદરથી ખરાબ લાગ્યું કે મને પૈસા નથી જોઈતા… બેનપણીને હેલ્પ જ કરીને…
નાનીબાઃ હા, તે હેલ્પ જ કરી. તે કોઈ અપેક્ષા ન રાખી એ સારું કર્યું. પણ એણે તનેય પુરસ્કારમાંથી ભાગ આપવાનું વિચાર્યું એમાં શું વાંધો?
નિનિઃ મને ખરાબ એમ ફિલ થયું કે એ કેમ મારું માની નહિ ને પિંકીને કહી આવી… એટલે મારાથી કહેવાઈ ગયું એને…
નાનીબાઃ તે એને શું કહ્યું? એ તો કહે..
નિનિઃ મે દોડતે જઈને મિનીને કહ્યું, શું મારા નામનાં રાયતા ફેલાવશ? તો એણે મારી સામે ન જોયું અને રિસાઈ ગઈ. એણે કહ્યું કે તું મને બધાં વચ્ચે આમ બોલી જ કેમ?

નાનીબા પહેલાં તો હસ્યાં, અને પાણીનો ગ્લાસ લઈ આવેલ નિનિનાં મમ્મીને કહ્યું કે આ તો નિન્કુ બેન મીઠો ઝઘડો કરી આવ્યાં છે.

નિનિઃ નાનીબા એ મારી સાથે નહિં બોલે તો?
નાનીબાઃ તું મનાવીશ તો બોલશે જ ચોક્કસ જો જે.. બે દિવસની રાહ જો.
નિનિનાં મમ્મીઃ હું વાત કરું મિનીનાં મમ્મીને?
નિનિઃ કેમ? તમે વાત કરશો? એ રીસાણી મારાથી છે ને? તો મનાવીશ પણ હું જ. એ પણ મારી જેમ દુઃખી થઈને રડતી જ હશે ને?
નાનીબાઃ અલી કહે તો ખરી કે ઈનામમાં કેટલા આનાં મળ્યા હતા?
નિનિઃ પૂરા પાંચસો એક રૂપિયા.
નાનીબાઃ ઓહ.. વોય.. એમાં આટલું લોહી બાળ્યું બધી છોરીયુંએ…..

નાનીબાએ નિનિનાં ઓવારણાં લીધાં અને બહેનપણાં વચ્ચે મતાભેદ થાય પણ મનભેદ ક્યારેય ન થાય એની તકેદારી રાખવા કહ્યું.

ગાડીમાં વળતે નિનિ અને એનાં મમ્મી ખુબ વાતો કરી. નિનિનાં મમ્મીએ એમનાં નાનપણનો એક પ્રસંગ પણ કહ્યો કે તેઓ એમની એક પ્રિય સખી પર અતિ ગુસ્સે થઈ હતી. કેમ કે એ એમની એક અણમાનીતી બહેનપણીનાં ભાઈનાં લગ્નમાં જઈ આવી. “તું મોનાનાં ભાઈનાં લગ્નમાં ગઈ જ કેમ?” એ ઉંચા સાદે પૂછેલો પ્રશ્ન આજેય નિનિનાં મમ્મીને ગાડી ચલાવતે સાંભરી આવ્યો.

“એ સખી આજે હયાત નથી દુનિયામાં. એને ક્યારેય મળી નહીં શકે પણ તું તારી બહેનપણીને મનાવી લેજે વહેલી તકે.” એવું નિનિને સમજાવીને પોતાનાં ઘર તરફ હળવા મને ગાડી હંકારી ગયાં.


અસ્વાદઃ કિર્તી ત્રાંબડીયા
kirtipatel.saraswati@gmail.com

પવિત્રપ્રેમ

ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહેવાય છે કે એમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. માફ કરશો, હતી કહેવું ઠીક રહેશે નહી પરંતુ છે કહેવું વધારે ઠીક રહેશે, કારણકે આપણે ભગવાન શ્રીકૃષ્ણ હાલમાં પણ જીવંત માનીયે છીએ... આપના વિશ્વાસમાં આપના શ્વાસમાં બરાબર વાત કહી ને?

મુદાની વાત પર આવીએ.... સોળ હજાર એક સો આઠ પત્નીઓ એટલે નરકાસુર બંદીગ્રહમા કેદ હજારો રાજકુમારીઓને જયારે શ્રીકૃષ્ણ મુક્ત કરાવી ત્યારે હજારો રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા હતા. શ્રીકૃષ્ણએ પણ તેમને પોતાની ૫ત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. આવી જ પ્રેમ, પવિત્રતા, લાગણી, માન અને મોભાથી પણ ઉપર પ્રેમ વિષે થોડી વાત કરીએ.....

રાધાજી અને કૃષ્ણનો સંબંધ એટલે પ્રેમની પરાકાષ્ઠા. એટલા માટે જ શ્રીકૃષ્ણ સાથે હંમેશા રાધાજીનું નામ બોલાય છે. કૃષ્ણ ભગવાનને અનેક ગોપીઓ પ્રેમ કરતી તેમની પત્નીઓ પણ કૃષ્ણને અપાર પ્રેમ કરતી, પરંતુ તેમ છતાં કૃષ્ણના હૃદયમાં રાધાજીનો જ વાસ રહેતો. આ વાતનું કારણ રૂક્ષ્મણીજીએ પણ એકવાર પુછ્યું હતું કૃષ્ણને. ત્યારે શ્રીકૃષ્ણએ કંઈ આવો જવાબ આપ્યો હતો.

એક દિવસ શ્રીકૃષ્ણને ભોજન કરાવ્યા બાદ રૂક્ષ્મણીજીએ તેમને દૂધ પીવા આપ્યું. ભગવાને દૂધનો પ્યાલો મોઢે માંડ્યો તો તેમને દૂધ અત્યંત ગરમ લાગ્યું અને તેમના મુખમાંથી શબ્દો નીકળી ગયા; “હે રાધે.” આ વાત સાંભળી રૂક્ષ્મણીજીએ ભગવાનને પુછ્યું કે, “એવું તો શું છે રાધામાં કે આજે પણ તમારા મુખમાં તેનું જ નામ આવે છે. હું પણ તમને અનહદ પ્રેમ કરું છું, તો મારું નામ કેમ તમારા મુખમાં નથી આવતું?”

ભગવાને ચહેરા પર સ્મિત સાથે તેમને ઉત્તર આપ્યો કે, “દેવી તમે ક્યારેય રાધાને મળ્યા છો?” આ વાત સાંભળી રૂક્ષ્મણીજીએ રાધાને મળવા જવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે તેઓ રાધાને મળવા તેના મહેલ પહોંચી ગયા. મહેલના એક કક્ષ બહાર એક અત્યંત સુંદર સ્ત્રી તેમને જોવા મળી, રૂક્ષ્મણીજીને તે સ્ત્રી રાધા હશે તેમ માની તેની નજીક ગયા તો તે સ્ત્રીએ તેમને જણાવ્યું કે તે તો રાધાની દાસી છે. રાધારાણી સાત દ્વાર પછી મળશે. રૂક્ષ્મણીજી જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ એકથી એક સુંદર દાસીઓ તેને સામે મળી.

રૂક્ષ્મણીજી જ્યારે સાત દ્વાર પાર કરીને રાધાજીના કક્ષમાં પહોંચ્યા તો તેમને જોતાં જ રહી ગયા. રાધાજી અત્યંત સ્વરૂપવાન અને તેજસ્વી હતા. તેમનું મુખ સૂર્યના તેજની જેમ ચમકતું હતું. રૂક્ષ્મણીજી સહજ રીતે જ તેમને પગે લાગવા આગલ વધી ગયા. રાધાજીની નજીક જઈને જોયું તો તેમના શરીર પર ચાંદા જોવા મળ્યા. આ જોઈ રૂક્ષ્મણીજીએ તેમને પુછ્યું કે તેમને શું થયું છે?

રાધાજીએ તેમને જણાવ્યું કે, “દેવી કાલે રાત્રે તમે કૃષ્ણને જે દૂધ આપ્યું હતું તે ખૂબ ગરમ હતું. તેની દાઝ પ્રભુના હૃદય સુધી પહોંચી હતી અને તેમના હૃદયમાં મારો વાસ છે તેથી એ દૂધના ચાંદા મારા શરીર પર પડ્યા!”

વાહ.....વાહ..... પ્રેમણી પવિત્રતા અને તેમના પવિત્ર પ્રેમણી ઉડાઈને માપવા માટે તો આપણી મીટરપટ્ટી પણ પહોચાડવી અશક્ય છે. પવિત્રતા એક મીશાલ છે. નિર્મળ પ્રેમ એટલે રાધા-કૃષ્ણ જેવો પ્રેમ. રાધા કૃષ્ણનો પ્રેમ એટલે અમર આત્માનો પ્રેમ. રાધાને કાનાનો વિરહ રડાવે છે, છતાં નથી કહી શકતા કે નથી સહન કરી શકતાં પ્રેમ નીત નવો વધતો જતો હોય આવા પ્રેમને રાધા-કૃષ્ણનાં પ્રેમ જેવો કહે છે. દ્વાપર યુગના આ પ્રેમને આજે પણ લોકો યાદ કરે છે. આ પ્રેમ અમર છે.

નમન છે એ લોકોને હે સતયુગ જન્મય અને શ્રીકૃષ્ણની લીલાનો લાહવો લીધો. ગોપીઓ સંગ રાસલીલાનું રસપાન કર્યું. સાક્ષાત શ્રીકૃષ્ણના દર્શનનો લાભ એક સેકન્ડ માટે આંખોને બંધ કરીને વિચારો જોઈએ એ પળને ફક્ત મહેસુસ કરો જોઈએ... ખરેખર મારા તો એક એક રૂવાળા ઉભાં થઈ ગયાં. એ પવિત્ર પ્રેમને તે ઘડીને નજરે નીહાળનારને સત સત નમન......Top of Form

Bottom of Form