મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર

મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર

વિશ્વ માતૃભાષા દિવસ પર મને મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર. વિશ્વમાં ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌએ આ દિવસને માતૃભાષા ઋણ ચુકવણીના સ્વરુપે ઉજવવો જોઇએ. આપણી બોલચાલની ભાષાઓમાં "ઉત્તમ અંગ્રેજી પણ માધ્યમ ગુજરાતી" જ હોવું જોઇએ. માતૃભાષા એટલે મા ની ભાષા આપણી ભાષા. માતૃભાષા માટે દરેક ગુજરાતી ને ગૌરવ અને માન સન્માન હોવું જ જોઈએ. આપણને આપણી માતૃભાષા ગુજરાતી હોવાનો ગર્વ હોવો જ જોઈએ . જે ભાષા બાળક સૌથી પહેલા પોતાની માતા પાસેથી શીખે તે ભાષા માતૃભાષા.

આપણે ગુજરાતી ભાષા ને માતૃભાષા, હિંદી ને રાષ્ટ્ર ભાષા અને અંગ્રેજી ને વિદેશી ભાષા તરીકે સમજવી અને વપરાશ માં લેવી જોઇએ. આપણે માત્ર ૨૧ ફેબ્રુઆરીએ જ નહિં પણ રોજબરોજ માં આપણી માતૃભાષા ગુજરાતીના પ્રચાર અને પ્રસાર માટે પ્રયત્નશીલ બનવું જ પડશે. વિશ્ર્વમાં લગભગ ૭૦૦૦ ભાષાઓ બોલચાલમાં છે, જયારે ભારતમાં લગભગ ૪૦૦ થી પણ વધુ ભાષાઓ પ્રચલિત ને બોલચાલમાં નોંધાઈ છે. બાળકને કોઈપણ વિષયનું, જ્ઞાનનું ગ્રહણ, યોગ્ય સમજણ અને વિચાર માતૃભાષામાં જ આવે છે. વિદેશી ભાષા અંગ્રેજી આપણા બાળકોનો ખરેખર માનસિક, બૌદ્ધિક વિકાસ અવરોધે છે એવું મારું માનવું છે.

આપણા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ અને આપણા દેશના ઘણા મહાનુભાવો પોત પોતાની માતૃભાષામાં જ ભણ્યા હતા અને તેમને પોત પોતાની માતૃભાષા માટે ગૌરવ પણ હતો. એ જ રીતે આપણને પણ આપણી માતૃભાષા ગુજરાતી માટે ગૌરવ હોવો જ જોઈએ. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને કેટલીક વિદેશી ભાષાઓ આવડતી હોવા છતાં તેમણે તેમની આત્મકથા સત્યના પ્રયોગ પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ લખી હતી. આઈનસ્ટાઇન, એરીસ્ટોલ, પાયથાગોરસ, કાર્લ માર્ક્સ, રસેલે પણ તેમના પોતાના વિચારો, સિન્ધાંતો પોતપોતાની માતૃભાષામાં જ રજુ કર્યા હતાં. આજના સમયે માતૃભાષા ગુજરાતીના વાચકો, ભાવકો અને ચાહકો તો છે પણ સાચવનારા ઘટતા જાય છે. ભાર વિનાનું ભણતર બનાવવું હોય તો માત્ર ને માત્ર માતૃભાષા ગુજરાતીમાં જ શક્ય બનશે.

સાડા પાંચ કરોડ થી પણ વધુ ગુજરાતીઓએ આપણી માતૃભાષાને સમૃદ્ધ અને વધુ ને વધુ પ્રસિદ્ધ બનાવા માટે સંકલ્પ કરવો જ પડશે. વિદેશી ભાષા અંગ્રેજીના મોહમાં આપણે આપણી માતૃભાષા ગુજરાતીની જે રીતે અવગણના કરીએ છીએ તે નૈતિક અપરાધ જ છે. માતૃભાષા એ મા અને માતૃભૂમિ વચ્ચેનું માધ્યમ કે સેતુ બને છે. આધુનિક માનસિકતા ધરાવનારા એવુ પણ માને છે કે, "અંગ્રેજી ભાષા શીખવાથી, બોલવાથી દિશા ફરી જશે" પણ થાય છે તેનાથી ઉલટું માતૃભાષા ને વિસરનારાઓની "દશા ફરી જાય છે.” અંગ્રેજી ભાષામાં ભણવાની ઘેલછા, લાલચ, મોહ જ્યાં સુધી આપણે ઓછો નહિ કરીએ ત્યાં સુધી આપણી માતૃભાષા સચવાશે નહિ. આપણને આપણી માતૃભાષા ગુજરાતી માટે માન અને સન્માન હોવું જ જોઇએ. આપણે જ આપણી માતૃભાષા ગુજરાતીને રોજબરોજની વપરાશમાં લાવીશું તો જ તેનું સંવર્ધન, પ્રચાર અને પ્રસાર થશે. કોઈપણ ભાષા કયારેય અવરોધ બનતી નથી .અંગ્રજી ભાષા આવડત, હોંશિયારી કે બુદ્ધિ માપવાનું માધ્યમ નથી તે આપણે સમજવું પડશે.

૧૯ મી સદીના લોકો ને માતૃભાષા ગુજરાતી માટે પ્રેમ હોવો જોઇએ પણ આપણે ૨૧ મી સદીના લોકો ને માતૃભાષા ગુજરાતી માટે ઝનુન હોવુ જોઇએ. આજે પણ આટલા વર્ષે અંગ્રેજો ગયા છતા તેમની મુકીને ગયેલી ભાષા અંગ્રેજી અંગ્રેજો હજુ ભારતમાં હોવાની હાજરી પુરાવે છે. મહારાષ્ટ્ર, બંગાળ,દક્ષિણ ભારતના લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે લગાવ અને પ્રેમ છે તેટલો જ ગુજરાતીઓ ને પોતાની માતૃભાષા ગુજરાતી પ્રત્યે સંકોચ અને શરમ છે, જે ચિંતાનો અને ચર્ચા નો વિષય છે. માતૃભાષા ગુજરાતી ને કોલેજ શિક્ષણ સુધી ફરજીયાત વિષય તરીકે બધા માધ્યમમાં ભણાવવી જોઇએ.

અંગ્રેજી ભાષા ગ્લોબલ લેંગવેજ હોવાથી ભાષા તરીકે જ તેને શીખવી જરુરી છે પણ તેના વગર ચાલે જ નહિં તેમ માનવું ખોટુ છે. અંગ્રેજી ભાષા જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી અને જાણકારી માટે જરુરી છે પણ આ વિદેશી ભાષા આપણી માતૃભાષા ગુજરાતી ના ભોગે આપણા પર હાવી ન થવી જોઇએ. આપણે આપણી પોતાની માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગંભીર બનવું પડશે. હવે તો ગુગલે પણ આપણી માતૃભાષા ગુજરાતી માટે કી બોર્ડ બનાવ્યું છે અને ગુજરાતી ભાષાને ભારતની અને વિદેશની ભાષાની જેમ તેમના પોર્ટલ પર સપોર્ટ કરે છે. આધુનિક યુગમાં આપણે ભલે શુદ્ધ ગુજરાતી ન બોલી કે લખી શકીએ પણ શુદ્ધ અંગ્રજી બોલવાનો ડહોર પણ ના જ કરવો જોઈએ.

માતૃભાષા મા પાસેથી સરળતાથી શીખવા મળતી હોવાથી તે મફતમાં મળે તેમ ગણી શકાય. આપણે ત્યાં મફતમાં મળેલનું માન નથી માટે પૈસા ખર્ચીને શીખેલ અંગ્રેજી ભાષા નું બહુમાન થાય છે. જેમ કોઇની પાસેથી ઉધાર, ઉછીનું, માંગેલુ , ઝુંટવેલુ , દયાથી કે ડરથી લીધેલું પારકું જ રહે છે અને પોતાનું એ પોતાનું જ રહે છે. આપણું સ્થાન માસીની આંગળીએ અને માના હ્રદયમાં હોય તે જ રીતે માતૃભાષા ગુજરાતી જ આપણા હૃદયનું સ્થાન પામી શકે. અંગ્રેજી ભાષા માત્ર ભણવા , લખવા , વાંચવા માટેનું જ સ્થાન લઇ શકે જયારે માતૃભાષા ગુજરાતી વિચારો વ્યક્ત કરવામાં અને બોલવામાં મદદરૂપ અને ઉપયોગી બને છે.

આપણે જેમ ગલીના નાકેના કેટલાંક મિત્રોને આંગણા કે ઘર સુધી નથી લાવતાં તેમ અંગ્રેજી ભાષા ને ગલીના નાકે જ રાખવી જોઈએ પણ આપણે તો અંગ્રેજી ભાષાને ગલીના નાકેથી આંગણે, આંગણે થી ઘર સુધી અને ઘરમાં બેઠકરૂમ સુધી લઇ આવ્યા છીએ, જયારે માતૃભાષા ગુજરાતી ને ઘરમાંથી ગલીના નાકે મૂકી આવ્યા છીએ. આજની ગુજરાતી પેઢી સંપુર્ણપણે ગુજરાતી છોડી નથી શકતી અને સંપૂર્ણપણે અંગ્રેજી અપનાવી નથી શકતી એટલે વચોવચ્ચ ગુજલીશ ભાષામાં લટકી રુંધાય છે.

આપણી માતૃભાષા ગુજરાતી વિસ્તૃત ભાષા છે, દરેક સંબધ માટે અલગ શબ્દ પ્રયોજાય છે જયારે અંગ્રેજી ભાષા વિસ્તૃત નથી. આપણી માતૃભાષા ગુજરાતીના કેટલાંક શબ્દોનું ભાષાંતર કરવામાં પણ કેટલીક વાર ગુગલ પણ ગોટાળે ચડી જાય છે.

આપણી માતૃભાષા ગુજરાતી માટે ગોંડલના રાજા શ્રી ભગવતસિંહજી મહારાજે ભગવદ્ગોમંડલ જ્ઞાનકોષ બનાવી યોગદાન આપ્યું છે જે સદાય આપણા માટે ઉપયોગી અને યાદગાર રહેશે. ભગવદ્ગોમંડલ નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં લગભગ ૨,૮૧,૦૦૦ થી વધુ શબ્દો અને તેના ૮,૦૦,૦૦૦ થી વધુ અર્થો અને ૨૮,૦૦૦ થી વધાર રૂઢિપ્રયોગોનો સંગ્રહ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવું બીજી ભાષા માટે અદ્ભુત કાર્ય થયું નથી.

આપણી માતૃભાષા ગુજરાતી માટે શ્રી રતિલાલ ચંદરયા એ ગુજરાતીલેક્સિકન નામનો વિશ્વનો સૌથી મોટો ડિજીટલ કોશગુજરાતીઓ માટે બનાવી ભાષાની સેવા કરી છે. વિશાલ મોણપરા એ આપણી માતૃભાષા ગુજરાતી માટે પ્રમુખ ટાઈપ પેડ બનાવી આપણી ભાષા માટે સરસ કાર્ય કર્યું છે.

અંગ્રજો ભારત છોડીને તો ગયા પણ આપણા માટે તેમની ભાષા અંગ્રજી મુકતા ગયા તેનું શબ્દ ભંડોળ ઓક્સફોર્ડ ડીક્ષનરીમાં આશરે ૧,૭૧,૦૦૦ થી વધુ શબ્દોનું છે જયારે આપણી માતૃભાષા ગુજરાતીનો ગ્રંથ ભગવદ્ગોમંડલ ના નવ ગ્રંથોના ૯૦૦૦થી પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૦૦૦ થી વધુ શબ્દોનું છે. આપણી ગુજરાતી ભાષામાં સમાનાર્થી શબ્દો ઘણાબધા છે, જયારે અંગ્રેજીમાં આપણા જેટલાં સમાનાર્થી શબ્દો નથી. આપણે અહી કેટલાંક શબ્દોના અર્થ અંગ્રેજીમાં અને આપણી માતૃભાષા ગુજરાતીમાં જાણીએ અને આપણી માતૃભાષાનું વિશાળ શબ્દ ભંડોળ વિશે સમજ મેળવીએ.

શરુઆત મા શબ્દ થી કરીએ મા ને અંગેજીમાં mother કહેવાય જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં મા નો સમાનાર્થી આઈ, જનેતા, બા, જનની, જી, માતા, જનયિત્રી, પ્રસૂ, માતુશ્રી, માઈ, માવડી થાય છે.

ઝગડો ને અંગેજીમાં quarrel, FIGHT કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં ઝગડો નો સમાનાર્થી બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો, કંકાસ, હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક, મારામારી, લડાઈ, બોલાબોલ, વઢવાડ, હુજ્જત

વાદળ ને અંગેજીમાં CLOUD કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં વાદળ નો સમાનાર્થી આકાશ, ગગન, આસમાન, અંભોદ, નીરદ, મેઘલ

શરીર ને અંગ્રજીમાં BODY કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં શરીર નો સમાનાર્થી દેહ, કાયા, ,ખોળિયું, તન ,બદન, પંડ, પિંડ, બદન, જીસ્મ

સાગર ને અંગ્રજીમાં ocean, SEA કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં સાગરનો સમાનાર્થી દરિયો, અંભોધી, સમુદ્ર,અંબુનિધિ,રત્નાકર, જલનિધી, જલધિ, સિંધુ, મહેરામણ, મહાસાગર

પાણી ને અંગ્રજીમાં WATER કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં પાણીનો સમાનાર્થી જળ, નીર, સલિલ, અંબુ, તોય, પય, ક્ષીર, રસ, જલ, વિષ

બુદ્ધિને અંગ્રજીમાં intelligence કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં બુદ્ધિનો સમાનાર્થી મતિ. ચેતના, અક્કલ, મનીષા, ડહાપણ, પ્રજ્ઞા, તેજ

વિદ્યાર્થીને અંગ્રજીમાં STUDENT કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં વિદ્યાર્થીનો સમાનાર્થી શિષ્ય, અભ્યાસી, છાત્ર, શિક્ષાર્થી, અધ્યેતા

અનુભવને અંગ્રજીમાં experience કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં અનુભવનો સમાનાર્થી પ્રયોગ, અખતરો, અજમાયશ,

કૌશલ્ય ને અંગ્રજીમાં TALENT, SKILL કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં કૌશલ્યનો સમાનાર્થી કુશળતા, કુનેહ, પ્રવીણતા, હુન્નર, જુગતિ, કરામત, લાઘવ, વિદ્યા, આંટ, કર્મણ્યતા

નફાને અંગ્રજીમાં PROFIT કહેવાય.

જયારે આપણી માતૃભાષા ગુજરાતીમાં નફાનો સમાનાર્થી લાભ, ફાયદો, બરકત, મળતર, ઉપજ, ફલશ્રુતિ, મળત

આવા તો કેટલાય શબ્દો, સમાનર્થી શબ્દો આપણી ભાષામાં છે જેને અંગ્રજીમાં શોધે જડે તેમ નથી.

બાળકના મનમાં વિચારોનો ઉદ્ભવ ગુજરાતી માં જ થાય તો તેને સરળતાથી અંગ્રેજીમાં સમજીને પરિવર્તિત કરી શકાય . આપણે આપણી આવનારી પેઢીને ભાષાના ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યા છીએ .કોઈ વ્યક્તિ અંગ્રેજી ભાષામાં ગમે તેટલો નિપુણ હશે પણ તેને તેના વિચાર , સ્વપ્નો , માતૃભાષામાં જ આવતા હશે. માતૃભાષા વિસરવા, લુપ્ત થવાની સાથે એક પેઢી, સંસ્કૃતિ, સમાજ, સંસ્કાર, ઐતિહાસિક વારસો પણ વિસરાઈ અને લુપ્ત થઇ જશે. આપણે આપણી માતૃભાષા ગુજરાતી ને જ નહીં પણ આપણી ઓળખાણ, આપણું આગવું સ્થાન વિસરાઈ જતા બચવાનું છે. આપણે આપણી માતૃભાષા ને ટકાવી રાખીશું, સિંચન અને ચિંતન કરીશું તો જ આપણું અસ્તિત્વ પણ ટકી રહેશે.

આધુનિક મોમ પોતાના બેબી ને વિદેશી ભાષા અંગ્રેજીમાં જ ભણાવાના મોહ માં હોવાથી અંગ્રેજી મોમ ની ભાષા અને માતૃભાષા મા ની ભાષા બની છે. આવનાર પેઢીને વારસામાં કંઈપણ આપો કે ના આપો પણ આપણી માતૃભાષા ગુજરાતી નો વારસો આપવાનું ના ચુકતા. વિદેશી ભાષાથી પ્રભાવિત થઈને આપણી માતૃભાષા ગુજરાતી થી વિમુખ થવાની સહેજ પણ જરૂર નથી .

નોંધ }

૧ આંકડાકીય માહિતી ગુગલ પરથી મેળવેલ છે.

૨ અંગ્રજી અને ગુજરાતી શબ્દોના સમાનર્થી શબ્દો માટે ઓનલાઈન ગુગલ TRANSLETAR, www.shabdkosh.com http://www.bhagwadgomandal.com ભગવદ્ગોમંડલ ની મદદ લીધેલ છે.

***