તિમિર મધ્યે તેજ કિરણ - 12 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તિમિર મધ્યે તેજ કિરણ - 12

પ્રણાલીને ફોન કર્યા પછી મીનાબહેન આમથી તેમ આંટા મારી રહ્યા હતા... કોઈ દિવસ નહિને આજે પ્રની પર એમને ખુબ ગુસ્સો આવતો હતો...લાલચોળ મોઢું..અને મોઢા પર વળતો પરસેવો રૂમાલથી લુછતાં થોડી થોડીવારે ડ્રોઈંગ રૂમમાંથી બાલ્કનીમાં જઈ નીચેના ગેટ તરફ નજર કરીને ઘરમાં આવી જતા હતા... એમને પ્રની પર હમેશા વિશ્વાસ હતો... એ ક્યારેય એના પાછા ફરવાની રાહ જોતા ન હોય ... એમને હમેશા ખબર રહેતી કે એ એના ટાઇમ પર આવશે ને પ્રની પણ આવી જ જાય.. કોઈ દિવસ મોમ-ડેડને સપનામાં પણ ડાઉટ પડે એવું ક્યારેય કર્યુ જ નથી એણે. પણ આજે....આજે વાત અલગ હતી....હમેશા અનિની ફેવરમાં રહેતા મીનાબહેન આજે અનિને કારણે જ પ્રની પર ગુસ્સે હતા... એમના મનમાં HIV+નો હાઉ પેસી ગયો હતો.... અને એમના દિલો દિમાગ પર.. એમની વહાલસોઈ દીકરી માટે એક આશંકા ભરેલી ચિંતા પેસી ગઈ હતી. મનમાં ને મનમાં બબડતા હતા...આવા ભણેલા ગણેલા છોકરાઓને આવી વાતની કોઈ ચિંતા જ નહિ હોય.. એ સમજતી કેમ નથી કે અનિની હાલત એનું ભવિષ્ય અંધકારમય બનાવશે. મોટા થયા એટલે આપણો કોઈ વિચાર જ નહિ કરવાનો.આ પ્રની હજુ સુધી કેમ આવી નહિ... અત્યાર સુધી અનીલ જ એ બંનેને દુર રાખવા મથતા હતા તો આજે એને મુકવા માટે પ્રનીને સાથે કેમ મોકલી... એટલી પણ સમજ ન પડે...આવું કરવાની જરૂર શું હતી. આ પુરુષો પણ પિતા તરીકે દીકરીના વહાલમાં એવા તણાઈ જાય છે કે દીકરીની આંખે જ જોતા થઇ જાય છે.. અને પોતાની આંખે તો પુત્રીપ્રેમના પાટા જ બાંધી લેતા હોય છે.

ત્યાં ડોરબેલ વાગી. પ્રણાલી જ હોવી જોઈએ એવું મનમાં કહેતા મીનાબહેન બારણું ખોલવા ગયા, વિચાર્યું કે આવતાવેત કશું નહિ કહું,પછી શાંતિથી સમજાવીશ. દરવાજો ખોલ્યો, પ્રણાલી જ હતી. ચહેરા પર થોડા ચિંતાના અને અનિને ન છોડવાના દ્રઢ નિર્ધારની મક્કમતા વર્તાતી હતી જેને મીનાબહેન ગુસ્સામાં બેફીકરાઇ સમજ્યા,એટલે ચુપ ન રહી શક્યા, “અનિકેતને મુકવા જવાની તારે શું જરૂર હતી? અમે તને સમજાવીએ છીએ એ સમજાતું નથી તને?” પ્રણાલી મૌન રહી અને જવાબ આપ્યા વગર અંદર જતી હતી ત્યાંજ એક મા ની ચકોર નજરે નિરીક્ષણ કરી લીધું કે પ્રનીના ડ્રેસ પર ચુન્ની/ઓઢણી નથી. અને મીનાબેનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. અને બુમ જ પાડી ઉઠ્યા, “પ્રણાલી..ઈ ..ઈ , એક મિનીટ, ઉભી રહે.” સામાન્ય રીતે પ્રણાલીના આખા નામથી મીનાબહેન બોલાવતા નહિ પરંતુ આજે ગુસ્સામાં અને શંકામાં દીકરીને જાણે પારકી માની બેઠા. ક્રોધ અને વહેમ ભલભલાં સગપણમાં ઓટ લાવી શકે છે. સંબંધોના ફૂલોમાં પ્રેમ અને વિશ્વાસ, એ સંબંધોને પાંગરવામાં મદદરૂપ થાય છે, જયારે શંકા અને ભય એ સંબંધોના ફૂલોને અકાળે મુરજાવી શકે છે. મીનાબહેનને એની વહાલી પ્રનીના ડ્રેસ પર ચુન્ની ન જોઇને કૈક આશંકાઓ ઉઠી.આ છોકરી આજે શું કરી ને આવી હશે.સ્ત્રીઓની મર્યાદારૂપ ઓઢણી એ સ્ત્રીના શરીરને પુરુષની લોલુપ નજરથી બચાવતી એક હદ છે. એટલે ભય અને શંકા મિશ્રિત ગુસ્સાથી કાંપતા મીનાબહેન ફરી બોલી ઉઠ્યા, “શું કરીને આવી છો અનિકેત સાથે? તારી ઓઢણી ક્યાં છે?” અને કાંપતી આંખે ગુસ્સાથી પ્રણાલી સામે જોઈ રહ્યા. પ્રણાલી પણ ડઘાઈ ગઈ. એની આંખો ભરાઈ આવી. આ મોમ? મારી મોમ? જેને મારા પર અતુટ વિશ્વાસ છે એ માત્ર એક ઓઢણી મારી પાસે ન હોવાને કારણે શું સમજી બેઠી? અને બોલી ઉઠી,“મોમ, પ્લીઝ સ્ટોપ થીંકીંગ! બસ, અનિકેત એચઆઈવી પોઝીટીવ હોવાને કારણે તને તારી જ દીકરી, તારા જ અંશ પરથી વિશ્વાસ ઉઠી ગયો? તને શું લાગે છે કે હું અનિકેતને મારૂ તન સોપીને આવી છું? મોમ, તું આવું માની જ કેમ શકે? મને મારું પોતાનું સ્વમાન કે મર્યાદા પણ હોય કે નહિ? મને તે જ આપેલા સંસ્કાર,સંયમ, મારી ખુદની સમજ મને આવું ક્યારેય કરવા ન દે. અનિકેતને હું સાચા હ્રદયથી ચાહું છું. મને માત્ર છોકરાઓના દેહનું જ આકર્ષણ હોત તો આપણા પોતાના સર્કલમાં સ્માર્ટ,હેન્ડસમ, અને વેલએજ્યુકેટેડ છોકરાઓની ક્યાં કમી છે ? એટલે મોમ, પ્લીઝ મારા માટે એટલી હદે વિચારવાનું બંધ કર. હું એવું કરીને આવી નથી અને ક્યારેય કરીશ પણ નહિ. પરંતુ, અનિકેત મારો છે, અને મારો જ રહેશે.” એમ કહી સજળ આંખે પોતાના રૂમમાં દોડી ગઈ અને જોરથી બારણું બંધકરી દીધું. જાણે મોમના આ વર્તનથી છેડાયેલી એ હવે પછી પોતાની જિંદગીના કોઈ પ્રશ્નોના જવાબ આપવા કોઈને પણ બંધાયેલી ન હતી . મીનાબહેન પણ પોતે દીકરી પર આ શું લાંછન લગાવી બેઠા, ગુસ્સામાં શું બોલી ગયા, એનું ભાન થવાથી ત્યાજ પડેલી ખુરશી પર રડતા રડતા ફસડાઈ પડ્યા. અકારણ ગુસ્સો અંતે આંસુ વાટે વહી જાય છે. થોડીવાર રહી તેઓ શાંત થયા. અને ડો. અનીલની રાહ જોવા લાગ્યા.

મીનાબહેન આંસુઓથી પોતાનીજ વિચારધારામાં અટવાતા અટવાતા ડ્રોઈંગ રૂમમાં બેસી રહ્યા. મોડીરાતે લેચ કી થી દરવાજો ખુલતા, ઝબક્યા, ડો. જ હતા. ડો. અનિલને પણ નવાઈ લાગી. કે મીના હજુ જાગે છે. સામાન્ય રીતે ડો.ની જીંદગીમાં આવા ઈમરજન્સી કેસ આવતા જ હોય છે અને ડો.ને ખબર હતીકે મીના પણ ટેવાયેલી જ છે.એટલે એ મીનાબહેનને જાગતા જોઈ એમની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. એમને યાદ આવ્યો, બહાર નીકળતા હતા ત્યારે મીનાએ અનિકેત વિષે કરેલો પ્રશ્ન. મીનાબહેને પૂછ્યું, “કેમ છે અનિકેતને?” અને ડો. સરૈયા એમની આંખોમાં જોઈ રહ્યા.અને વિચારી રહ્યાકે મીનાના મનમાં શું છે! એક ડોકટર હોવાને નાતે પોતાના વિચારોને નકારાત્મક બનતા રોકી રહ્યા હતા...કે એમ કહો કે પ્રયત્ન કરતા હતા અને એક બીજું કારણ એ પણ હતું કે એમની ફૂલ શી નાજુક દીકરીનું હ્રદય અનિકેત પાસે હતું એથી એ સહાનુભુતીને પાત્ર પણ હતો. ડો.સરૈયા થોડી કડક ભાષામાં બોલ્યા, “મીના, આજ સુધી તે ક્યારેય મારા કોઈ પેશન્ટમાં આવો રસ દાખવ્યો નથી. અને બીજું એ કે તું અનિકેત માટે અત્યાર સુધી જાગતી રહી? તો સાંભળી લે, જો અનિકેતની તબિયત વિષે જાણવા છતાં અને કઈક અંશે તે કરેલા એની સાથેના વર્તન પરથી એવું લાગે છે કે અનિકેત હજુ નફરત તો નફરત સ્વરૂપે પણ તારા દિલમાં તો છેજ. તો જો તું જ ન ભૂલી શકતી હોય તો પ્રનીને ભૂલવા માટે કહેવું શું યોગ્ય છે? અને બહુ બહુ તો આપણે અનિને આપણા ઘરમાં પ્રવેશબંધી કરી શકીએ કે એ આવે ત્યારે દરવાજા બંધ કરી દઈએ કે ફોન કરે ત્યારે ફોન ન ઉપાડીએ પણ શું તારા, મારા અને પ્રનીના હ્રદયમાં જે એનું સ્થાન છે ત્યાંથી હાંકી શકીશું? હ્રદયનો દરવાજો એના માટે બંધ કરી શકશું?” મીનાબહેન પર અત્યારે માત્ર અને માત્ર માતા તરીકે નો રોલ જ છવાયેલો હતો એ એમની દીકરીને માટે અત્યારે સાવ છેલ્લી કક્ષાએ બેઠા હતા. એ ચિંતા, ભય અને ગુસ્સામાં કઈ પણ બાંધછોડ કરવા તૈયાર નહતા. એમણે ડો. સરૈયાને કહ્યું, “અનીલ, મારી દીકરી માટે શું સારું, શું ખરાબ એ જાણું છું. તમે એના માટે લંડન જવાના પેપર તૈયાર કરાવો. બસ બીજું કઈ હું સાંભળવા નથી માંગતી.” “અને લંડન જવા ન માંગતી હોય તો એને જલ્દીથી પરણાવી દઈએ, બીજો કોઈ છોકરો એના મનમાં ન બેસે તો અશ્ફાક છે, એ અને પ્રની સારા મિત્રો પણ છે જ, એની સાથે પરણાવી શકીએ. એમાં કોઈ વાંધો નથી કમ સે કમ એ HIV+ તો નથી. અને લખનવી તહેઝીબવાળો સંસ્કારી છોકરો છે. એમાં પ્રનીને પણ વાંધો હોઈ શકે નહિ.” એમ બોલી મીનાબહેન ડોક્ટરની આંખ સામે તાકીને જોઈ રહયા જાણે એમની દીકરી માટે એ કોઈ પણ જંગ લડી લેવા તૈયાર હોય. ડો.અનીલ પણ આજે કઈક અલગ જ મિજાજને સાથે લઈને આવ્યા હતા, એટલે બોલી ઉઠ્યા, “માઈન્ડ વેલ, મીના, મારી દીકરીથી વિરુદ્ધ હું એની જિંદગીમાં કઈ પણ નહિ કરું.એની મરજી એ મારું સર્વસ્વ છે.” એમ કહી ચેઈન્જ કરવા અને બાકી ની રાત આરામ કરવા પોતાની રૂમમાં જવા જતાં હતા ત્યાં એમને કૈક યાદ આવ્યું હોય એમ કહેવા ઉભા રહ્યા, “અને હા, બીજી વાત એ ઈમરજન્સી કેસ અનિકેતનો નહતો. એટલે વિચારોના વમળમાં પીસાવાને બદલે પ્રનીને કઈ રીતે આ સંજોગોમાં હુંફ આપવી એ વિચારવાનું ચાલુ કરો મીસીસ. સરૈયા.” અને એક તીખી નજર મીનાબહેન સામે નાખી રૂમમાં જતા રહ્યા.

લખનૌમાં સંજીદાની તબિયત અશ્ફાકના ઘરમાં સુધરી રહી હતી. અશ્ફાકના અમ્મીજાન સંજીદાનો ખુબ ખ્યાલ રાખતા હતા. પણ સંજીદા હતી કે જેનું ધ્યાન ઘરમાં નહતું. એ રાહ જોઈ રહી હતી એના બોયફ્રેન્ડ ચંદર વસીયાનીની અને એના જ ખ્યાલોમાં ખોવાયેલી રહેતી હતી. અવારનવાર એને ફોન કર્યા કરતી. અને મનોમન વિચારતી રહેતી કે, “યા અલ્લાહ કુછ્ભી કરકે એક બાર ફોન લગ જાયે ઔર વો મિલનેકો રાજી હો જાયે” મળવાનો વિચાર આવતાંજ ખુશીથી ઉછળીને બોલી ઉઠતી, “ઓ રબ્બા તેરા લખ લખ શુક્રિયા મનાવા કી મેનું મેરા યાર મિલ જાયે.” ચંદરનો મોબાઈલ ક્યારેક સ્વીચ ઓફ આવતો ક્યારેક નો રીપ્લાય. સંજીદા એમાં ને એમાં આખો દિવસ વિચારોમાં સુઈ રહેતી.. અને ચાચાજાન બરકતઅલી અને ચાચીજાન રાબીયાબાનુ એને કઈ પણ પૂછે તો જવાબ આપવામાં પણ ગાફેલ થઇ જતી. ચાચાજાન અને ચાચીજાન સંજીદા માટે ચિંતા કરતા રહેતા. ચાચીજાન ઘરમાંથી બહાર નીકળે કે તરત ચંદરને મોબાઈલ લગાવ્યા કરતી. એકવાર ચંદરે ફોન ઉઠાવ્યો,.સંજીદા ખુશીના માર્યા બોલવા લાગી કે, “આપ હો કહા, ઇતને દિનો સે?હમ આપકો લગાતાર ફોન કર રહે હૈ,ઓર એક આપ હૈ કી, બાત હી કરને કો રાજી નહિ.મુજે આપ કી બેતહાશા ફિક્ર હો રહી થી. મુજે આપસે મિલના હૈ કલ હી મિલના હૈ.. વરના મેરા નિકાહ મેરે ચચેરે અશ્ફાક સે કરવા દેંગે ઓર મૈ ચાહતી હું કી આપ ભી અશ્ફાક સે એક બાર મિલો હમારે સારે મસલે હલ કરનેમે વો મદદ કરેગા.” સામેથી કોઈ અવાજ આવ્યો નહિ સંજીદા ડૂસકાં સાથે ફરી કહેવા લાગી, “ચંદર, ખુદા કે વાસ્તે કુછ તો બોલો, આપકી ખામોશી હમસે બરદાસ્ત નહિ હોતી.” એમ કહેતી સંજીદા ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. ત્યાં ચંદરનો ધીમેં અવાજે બોલતો સંભળાયો અને સંજીદાના આંસુ પાંપણ પર આવીને અટકી ગયા. જેના માટે એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જીવને જોખમમાં નાખ્યો હતો એ ચંદર શું કહેવા માંગે છે એ સાંભળવા તલપાપડ બની. “દેખો, સંજીદા, મેરે બાબુજીને મેરા રીશ્તા ઉનકે કરીબી દોસ્ત કી બેટી સે તય કર દિયા હૈ. ઓર વો લોગ મેરી કુછભી બાત સુનને કો રાજી નહિ હૈ,ઔર દુસરી લડકી દેખને કો સાફ મના કર રહે હૈ, મેં અપને બાબુજી કી બાત કો મના નહિ કર પાઉંગા.” એમ કહીને ચંદર ચુપ થઇ ગયો. સંજીદાને આ સાંભળતા જ આંખ સામે અંધારું થતું લાગ્યુંને ત્યાં બેડ પર જ ફસડાઈ પડી.અને મોબાઈલ પણ હાથમાંથી છટકીને પડ્યો..ચાલુ મોબાઈલમાં સંજીદાના ડૂસકાં સંભળાતા હતા તો પણ પત્થર દિલ ચંદરે ફોન કટ કરી નાખ્યો. અને સંજીદા એકધારું રોતી રહી... છાનાં ડૂસકાં ભરતી રહી. “અબ મેરા ક્યાં હોગા, અબ મેં જીકે ક્યાં કરુંગી, મેરા ચંદર મુજે છોડકે ચલા ગયા, મેં હું હી બદકીસ્મત, યા ખુદા મેરે સાથ હી ઐસા કયું હોતા હૈ, મુજસે હી સારે ઇમ્તિહાન કયું? બચપનમેં માબાપકા સાયા ઉઠા લિયા તુને, જિંદગીમે પહેલી બાર ચંદર કો મિલી તો લગા કે તું મુજે કુછ દેના ચાહતા હૈ, મુજે માબાપ કા પ્યાર નસીબ ન થા ના સહી, પર ચંદરકા પ્યાર તો મિલેગા. પર વો ભી તુજે રાશ નહિ આયા, કયું? ઐસા કયું? નહિ ચાહિયે મુજે ઐસી જિંદગી તું લે લે મેરી જિંદગી વાપસ, મેં સબકો તકલીફ હી દેતી હું, ચાચાજાન ઔર ચાચીજાન કો ઓર તકલીફ મેં નહી દેખ સકતી, યા ખુદા મેં આ રહી હું, મેં આ રહી હું.” એવું બબડતી ઘરની બહાર નીકળી ગઈ કદાચ એને પણ ખબર ન હતી કે એ ક્યા જઈ રહી હતી... રાત્રીના સાડા દસ જેવું થવા આવ્યું હતું અને સંજીદા રેલ્વે ટ્રેક પાસે ઉભી હતી.. સામે થી ટ્રેન નો અવાજ આવી રહ્યો હતો... લખનો –ન્યુ દેલ્હી મેલ આવી રહ્યો હતો.. અને અચાનક સંજીદાને શું સુજ્યું કે ટ્રેન સામે દોડવા લાગી. ...... !! ધસમસતી ટ્રેન જિંદગીની અંતિમ ક્ષણોને ગળી રહી હતી ..!!!
ઉકળતી ચા અને ઉકળતું મન એ એક ઉભરો આવ્યા પછી જ ઠરે ... એવું જ કઈક ભારતી અને હરિવદનના મનમાં થઇ રહ્યું હતું. એક બાજુ ફરીથી ઉભી થઇ રહેલી સહજીવનની તક અને બીજી બાજુ એક માત્ર વહાલા દીકરા અનિકેતની તબીયતની ચિંતા. ભારતી ચા બનાવતી હતી અને હેરી ઉર્ફે હરિવદન સાથે જ ઉભો હતો. વર્ષોપછી આ ઘરમાં એક સ્ત્રીના હાથે રસોડામાં વાસણનો અવાજ આવી રહ્યો હતો જે હેરીને મધુરો લાગી રહ્યો હતો. ચા થઇ ગઈ એટલે ભારતીએ કીટલીમાં રેડી અને બે મગ ટ્રેમાં ગોઠવી અને બહાર આવી। અને એની પાછળ હરિવદન..ભારતીને યાદ આવી ગયા શરૂઆતના દિવસો જયારે હરિવદન આમ જ પાછળ પાછળ ફર્યા કરતો અને ચહેરા પર એક નવોઢા જેવું સ્મિત આવી ગયું. બંને લીવીંગ રૂમમાં આવીને બેઠા. હેરીએ પૂછ્યું,”કેમ એકલી એકલી હસે છે?” ભારતી એ કહ્યું, “કહી નહિ એમ જ.” અને હેરીના હાથમાં ચા નો મગ પકડાવી દીધો. પછી વાતને બદલતી કહેવા લાગી, “મને એમ થાય છે કે આપણા કારણે અનિએ જિંદગીમાં બચપણ થી માંડીને યુવાનીના દિવસોમાં ખુબ ખોયું છે. હવે આપણે એને સાથ આપીને હવેની જીંદગીમાં એને હુંફ અને પ્રેમ આપવાનો ભરપુર પ્રયાસ કરીશું. માબાપ નો પ્રેમ નિર્વ્યાજ હોય છે.એ ક્યારેય સરભર નથી કરી શકાતો. પરંતુ આપણે આપણી ફરજ ચુક્યા છીએ તો એ બાબતે એને વધુને વધુ હુંફ પ્રેમ આપવા પ્રયત્ન કરીશું. હવે એ લગ્ન કરવા જેટલી ઉમરનો થઇ ચુક્યો છે. અને એટલા વર્ષોથી ભારતમાં છે, તો એને કોઇ મનગમતું પાત્ર મળ્યું કે નહિ એ પણ પૂછવું પડશે.” હરિવદન સાંભળી રહ્યો. એને આ જવાબદારી સમજતા વાર લાગી. આખરે એ એક પુરુષ હતો ને!! પુરુષોને અચાનક એક યુવાન પુત્રના પિતા થઇ જવાનું થોડું અજુગતું લાગતું હશે? ભલેને એ પોતાનો પૂત્ર જ હોય. એનાથી કદાચ પોતાની ઉમર મોટી થવાનો અહેસાસ થતો હશે?પરંતુ સ્ત્રી કોઈ પણ ઉમરે મા હોય છે પોતાના સંતાનોને યુવાન થતા જોઇને એને જવાબદારીનું ભાન આપોઆપ થતું હોય છે. હરિવદન એ થોડી વાર રહીને જવાબ આપ્યો, “હજુ તો મને તું હમણાં જ મળી છે તો ક્યાં અનિકેતને પરણાવવાની વાત કહે છે.” “તમે પણ,” કહીને ભારતી મીઠું મલકાઈ. પણ એના મનમાં એના અનિ માટેની એક સ્વાભાવિક ચિંતા પેસી ગઈ હતી દુર એકલો દીકરો આ રીતે સાજો માંદો થાય અને એની પાસે પોતાનું કોઈ ન હોય!! ફરીથી એના આંગળા મોબાઈલ પર ફરવા લાગ્યા .

. “ એને આરામ કરવા દે.કાલે વાત કરીશું.” હરિવદને ચા નો ખાલી મગ ટ્રે માં મૂકતા કહ્યું .પરંતુ માનું હ્રદય ફરી દીકરા સાથે વાત કરવા મજબુર બન્યું, અને કોલ લગાવ્યો..
અનિકેતે ફોનઉઠાવ્યો. ભારતીએ કહ્યું, “બેટા મારું મન નથી માનતું, તારી સાથે વાત કર્યા વગર રહી નથી શકાતું. તારી તબિયત સારી નથી ત્યારે તારી પાસે તારું પોતાનું અંગત કહેવાય એવું કોઈ ન હોય એ વાત મને ખટકે છે.”
અનિએ જવાબ આપ્યો. “મોમ, આઈ એમ ઓકે, ડોન્ટ વરી.” કહેવું તો ઘણું હતું, મોમ, મારી પાસે પોતાનું કહેવાય એવું એક ફેમીલી છે, પ્રનીનું ફેમીલી. મારી પ્રણાલી, પણ... પણ .. હવે!! મારે એને પોતાનું હમેશ માટે કરવું કે કેમ એવી અવઢવમાં છું. તારો દીકરો કેટલું આયુષ્ય લઈને આવ્યો છે કોને ખબર! મારે મારી પ્રનીની જિંદગી ખુબસુરત બનાવવી છે,મારે કારણે એ કોઈ મુશ્કેલીમાં મુકાય અને એની જિંદગી પણ દોજખ બને એવું નથી કરવું.

મોબાઈલ ફોન પરથી અવાજ કપાતો રહ્યો . ભારતીએ અનિકેતને કહ્યું, “બેટા, તારો લેન્ડલાઈન નંબર આપજે એટલે મને નિરાતે વાત કરવાનું ફાવે.”
અનિકેત નંબર આપતા બોલ્યો “૦૨૨ 13૭૪૫ ૬13 નોટ ડાઉન મોમ. ઇટ સ્ટાર્ટસ વીથ અનલકી થર્ટીન એન્ડ એન્ડસ વીથ અનલકી થર્ટીન ” લાઈક માય લાઈફ , અનિકેત મનમાં જ બોલ્યો .

“બેટા, આવું શું બોલતો હોઈશ ?તારા ડેડ કહેતા હતા કે તે કોઈ પસંદ કરી છે. મને નહિ કહે એના વિશે ? કેવી છે? એનું ફેમીલી કેવું છે? કહે તો ખરો. તારા ડેડ કહેતા હતા પ્રણાલી નામ છે એનું.. વાત તો કર.”

., “મોમ, તું અહી આવશે જ ને? ત્યારે તને બતાવીશ. આવે ત્યારે રૂબરૂ જ મળી લેજે ને! મોમ હું તને પછી ફોન કરું મને એનો જ કોલ આવતો લાગે છે.” અનિકેતની આંખોમાં ભીનાશ તરવરી ઉઠી .

મનોમન અનિકેતે કૈક દ્રઢ નિર્ધાર કરીને એજન્ટને ફોનલગાવ્યો. આવતા વીકમાં સૌથી પહેલી જે તારીખની અવેલેબલ હોય એ તારીખની ન્યુયોર્કની ટીકીટ પોતાના નામની બુક કરાવવાનું કહી દીધું. અનિકેતના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું રહ્યું . હું જો અહી રહીશ પ્રનીની સામેને સામે તો પ્રની ક્યારેય મને છોડવા તૈયાર નહિ થાય અને મારું મન પણ વિચલિત થયા વગર નહિ રહે. મારે માટે પણ કન્ટ્રોલ કરવું અઘરું પડશે. હવે જયારે મારુજ શું થશે એ મને ખબરન હોય ત્યારે મારી વહાલી પ્રણાલીનું ભવિષ્ય નોધારું ન બને એવી મારે જોગવાઈ કરવી જ રહી. હું જો અહી હોઈશ તો એ પોતાનું મન મારા પરથી બીજે લગાવી શકશે નહિ. હું સામે નહિ હોઉ તો એ બીજો કોઈ વિચાર પણ કરી શકે. હું ને પ્રની અમે બંને એકબીજાને ગમે તેટલું ચાહતા હોઈએ પરંતુ કોઈ પણ માતાપિતા પોતાની દીકરીને જાણીજોઈને દુખના દરીયામાં ન જ ધકેલે. એમાં પણ પ્રનીના પિતા જ એક ડોક્ટર, જે જાણતા જ હોય કે મારું ભવિષ્ય શું હશે. મારા અમેરિકાથી આવ્યા પછી મને ક્યારેય મારા પેરેન્ટ્સની ખોટ એમણે પડવા દીધી નથી એવા અંકલ અને આંટી પર હું બોજ નાં જ બની શકું . મારે મારી પ્રની માટે ઇન્ડિયા છોડવું જ રહ્યું. આવું વિચારતા અનિકેત મનોમન ઇન્ડિયા કાયમ માટે છોડવાનો નિર્ધાર કરી બેઠો. પોતાના જ જિસ્મ પર છરી ચલાવવા જેવું અઘરું કામ અનિકેતે આખરે કરવું પડ્યું .અનિકેતે એજન્ટને ફોનલગાવ્યો. આવતા વીકમાં સૌથી પહેલી જે તારીખની અવેલેબલ હોય એ તારીખની ન્યુયોર્કની ટીકીટ પોતાના નામની બુક કરાવવાનું કહી દીધું...!!, બસ હવે આ શહેરમાં રહેવાના છેલ્લા થોડા દિવસો ..પ્રની ..એક ધબકતું હૃદય ..એક નાજુક સ્પર્શ ..બસ એક સ્વપ્ન ,એક કલ્પના બનીને રહી જશે ....!!!

અનિકેત હજુ આવી જ અસમંજસ અનુભવતો બેઠો હોત, જો અશ્ફાક આવ્યો ન હોત. પોતાની પ્રિય વ્યક્તિને કારણ વગર છોડીને જવાનો ગમે તેટલો દ્રઢ નિર્ધાર હોય પણ એ વ્યક્તિને છોડવી, એટલું આસાન નથી હોતું. અશ્ફાક આવ્યો અને એના જીવમાં જીવ આવ્યો. નહિ તો એની પ્રનીને છોડીને અમેરિકા જવાના નિર્ણય માત્રથી એ જીવતી લાશ બની બેઠો હતો. અશ્ફાક પણ ચિંતાતુર ચહેરે એની સામે જોઈ રહ્યો. અશ્ફાકને અનિકેતની ચિંતા હતી કે એના ભાઈ જેવા મિત્રને આ કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો? અનિકેતે અશ્ફાક્નો ચિંતાતુર ચહેરો જોઇને પોતાના ચહેરા પર ખુશ હોવાનું બનાવટી મહોરું પહેરી લીધું. “ચલ, આજ ફિર અપની દોસ્તી કે નામ એક પાર્ટી કરતે હૈ, શીશાબાર જાતે હૈ. પર્શિયન શીશાબાર."
ઓયે પાગલ હૈ તું ? ,ફિરસે ખટિયા પકડનેકા ઈરાદા હૈ ક્યા ?" ..અશ્ફાક અનિની બેપરવાહી પર ગીન્નાયો .
"
દેખ યાર , કુછ હી દિન બાકી રહે ગયે હૈ ,પઢાઈકે ..ફિર ન જાને કબ મિલના હોગા ? ,એક શોટ તો ટકીલાકા બનતા હૈ , ક્યાં બોલતા હૈ ,બીડુ ?" અનિકેતે અશ્ફાકને આખરે ફોસલાવી જ લીધો .
પરાંનું આ શીશાબાર આ બંનેનું અત્યાર સુધી માત્ર ખુશી ઉજવવા માટેનું માનીતું સ્થળ હતું. પરંતુ જ્યારથી અનિકેતની તબિયત લથડી ત્યારથી સુખદુખ-આધી-વ્યાધી અને ઉપાધી, પ્રણાલી સાથેનો પ્રેમને વાગોળવા માટે બન્ને મિત્રો અહી આવતા. થોડી પળો બધું ભૂલીને બસ અહી મોજમજા કરી લેતા. અહીની મંદ પ્રકાશ આપતી નિયોન લાઈટ, ક્લબ મ્યુઝીક, અને અલગ અલગ દેશોના ઐરફ્રેશનર બારના વાતાવરણને રંગીન બનાવતા હતા. બંને મિત્રો અનિકેત પોતાનું દુખ અને અશ્ફાક પોતાની ચિંતા દુર કરવા આજે હુક્કા પાર્ટીને બદલે એક એક ટકીલાના શોટ મારવાના મૂડમાં હતા.જેથી થોડા સમય માટે બંને પોતપોતાના દુખ-વ્યથામાંથી થોડા હળવા થઇ શકે. શીશાબારના એક કોર્નર ટેબલ પર બન્ને મિત્રો બેઠા હતા . ઈંગ્લીશ રોક મ્યુઝીક વાગી રહ્યું હતું. ટકીલા શોટ વેઈટર સર્વ કરી ગયો. અને આજે બંને પોતપોતાના ટેન્શનમાં ફટાફટ એકી શ્વાસે ગટગટાવી ગયા. અને અનિકેત પ્રનીને ભૂલવા માટે અને અશ્ફાક અનિકેતની ચિંતા માં। .એક શોટ ક્યારે બે ,બે માંથી ત્રણ ,અને વધુ , બન્ને મિત્રોને ખ્યાલ પણ નાં રહ્યો . બન્ને ને નશો ચડી ચુક્યો હતો, જીવનની છેલ્લી રાત હોય એમ બંને ઘરે જવાજ નહોતા માંગતા. રાતનાં નવ વાગી ચૂક્યા હતા . બંને ઘરે જવાના મુડમાં જ નહોતા. પણ બારનાં બોઝિલ વાતાવરણમાંથી બહાર નીકળવાની ઈચ્છા થઇ રહી હતી . બમ્બૈયા રાત હજી આળસ મરડીને બેઠી થઇ રહી હતી .બે માંથી કોઈની હાલત બાઈક ચલાવવા જેવી ન હતી . બાઈક બારના પાર્કિંગમાં જ મૂકી ,બન્ને ટેક્ષી પકડી ચોપાટી આવ્યા... બંને દરિયાની ઠંડી રેતી પર પોતાના દિલો દિમાગ પર છવાયેલી ચિંતા –ઉપાધિની ગરમીને જાણે શીતળતા આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અંને બને એ રેતી પર આડા પડી , અશ્ફાક અને અનિકેતની દોસ્તીના શરુઆતના દિવસો યાદ કરી રહ્યા. પ્રણાલી મળી એ દિવસ... યાદ કરીને ખુશ થતા રહ્યા પણ જાણતા હતા કે આ બહારની ખુશી હતી,જે અંદરના દુઃખને છુપાવવા મથી રહી હતી. જૂની વાતો યાદ કરીને અશ્ફાક અનિ ક્યાંય સુધી ખડખડાટ હસતા રહ્યા, ક્યારેક એમની આંખો આ ખરા સમંદર સામે વરસતી રહી.

અચાનક અનિકેત બોલ્યો , “મેરી જાન, મેં સોચ રહા હું કી પન્દ્રહ દિન કી છુટ્ટી આ રહી હૈ તો મેં USA હો આઉં, મોમ ઔર ડેડ સાથ રહને લાગે હૈ તો કુછ રંગ ઉનકી જિંદગી મેં ભી ભર આઉં.તો મુજે થોડા શુકુન મિલે. ઔર મેરી યે બિગડી તબિયત કો ભી થોડા ચેન્જ મિલે. મૈને મોમ ડેડકો બતાયા નહિ હૈ ક્યુંકી ઉન લોગો કો સરપ્રાઈઝ દેના ચાહતા હું.” કહેતી વખતે અનિકેતની આંખો ભીની હતી. ફરી બોલ્યો, “ઔર એક બાત મેરે દોસ્ત, મેં USA જા રહા હું વો બાત પ્રનીકો ભી મત બતાના.” અશ્ફાક કઈ પણ બોલ્યા વગર અનિકેતના હાથ પર હાથ મૂકી બેસી રહ્યો.

બંને મિત્રો પોતાની વાતોમાં મશગુલ હતા ત્યારે ... પર્શિયન શીશાબારના કોર્નર ટેબલ પર ભૂલાઈ ગયેલા અશ્ફાક્ના મોબાઈલની રીંગ વાગ્યા કરતી હતી .... ફોન પર સંજીદાનું નામ ફલેશ થતું રહ્યું.... એક પછી એક એમ અસંખ્ય કોલ કલાક અંદર મિસ્ડ થતા રહ્યા. !! કાશ આમાંનો એક પણ કોલ રીસીવ થઇ શક્યો હોત ...!! , તો આવનારી જિંદગી કાંઇક અલગ જ હોત ...!!!

જાહ્નવી અંતાણી.