Timir Madhye Tej Kiran - 8 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Timir Madhye Tej Kiran - 8

પ્રકરણ 8

આખો દિવસ નોર્મલ હોવાનો દેખાડો કરી થાકેલી પ્રણાલીએ બાજુમાં સૂતેલા મીનાબેન તરફ નજર નાખી. અચાનક માતાપિતા અને અનિકેતની વચ્ચે ઉલઝી ગઈ હોય એવું એને લાગ્યું. દરેક દિકરીના જીવનમાં આવી પળો આવતી હોય છે. પ્રેમ દરેક સંબંધને મજબુત બનાવે છે. પણ એક સંબંધ બીજા સંબંધને આપોઆપ હર્ટ કરે છે.
અનિકેત. ... કોલેજમાં નવો સવો આવેલો બકબક કર્યા કરતો છોકરો એને પહેલી નજરે બહુ ખાસ નહોતો લાગ્યો. સતત ઉછળતો કૂદતો ...મસ્તી કરતો અનિકેત અન્ય છોકરીઓને આકર્ષવા આવું કરે છે એવું માની બેઠેલી પ્રણાલીએ એક કેમ્પફાયરમાં બોલવા ઉઠેલા અનિકેતને સાંભળ્યો. " નાસમજ... બેજવાબદાર માતાપિતાની એક હી 'ભૂલ' કા પરિણામ 'અનિ ધ ગ્રેટ' .આવા બિન્દાસ જવાબથી આકર્ષાઇ વધુ જાણવાના કુતુહલથી નજીક સરકેલી પ્રણાલી અનિકેતને સમજતી થઈ ગઈ અને સમજાવતી પણ થઈ ગઈ. માબાપને અણસમજુ લાગતા બાળકો મિત્રોને બહુ બખૂબી સંભાળી લેતા હોય છે.
ઓહ , અનિકેત .... !! આંખ સામે ધૂંધળુ પડ છવાઈ ગયું. ટપકવા તત્પર આંસુઓને બે હથેળીઓ વચ્ચે મસળી નાખી જાણે એ સમસ્યાને દૂર કરવા મથી રહી. ઘડિયાળમાં ત્રણ વાગ્યા હતા.
મીનાબેન તરફ એ એકટક જોઇ રહી. માબાપ. ... અપેક્ષા અને અવલંબન. જીવનભર અવિરત ચાલતી પ્રક્રિયા. અનિ તરફ ઓળઘોળ થયા કરતા. ... આગળ પાછળ ફર્યા કરતા મીનાબેન અને પ્રતિસ્પર્ધી જેવું વર્તન કર્યા કરતા ડેડુ. ... અને એક અઘકચરા રિપોર્ટના કારણે ઉલટપુલટ થઈ ગયેલા બધા સમીકરણો.... !!!
લગ્નથી ભટકીને લંડન અભ્યાસ સુઘી પલટી ખાઈ ગયેલ વહેણ. ... દાળઢોકલીથી હોસ્પીટલના ટીફીન સુધીની અનિકેતની સફર એક પ્રેમિકા માટે અનહદ અસહ્ય બની ગઈ. આધાર બનવું સહેલું છે. બની રહેવું. અઘરુ છે.
માણસના નિર્ણયો અફર કયારેય નથી હોતા. પોતાના કોઇ અંગતને બચાવવા. ... રક્ષવા નૈતિકતા આપમેળે નેવે મુકાઈ જાય છે.' ડેડુ અને મોમ આવું કરી શકે. ... વડિલ છે એટલે કરી શકે. પણ મારાથી અનિને આ હાલતમાં કેવી રીતે તરછોડી શકાય. ? ' મન અને મગજની લડાઈ અંતહિન હોય છે.
થાકેલા મીનાબેનને ખલેલ ન પહોંચે એમ હળવેથી ઉભી થઈ એણે બાજુમાં પડેલ જગમાંથી ગ્લાસમાં પાણી રેડયુ. ગળામાં થતી ચચરાટી થોડી હળવી પડી. આછા અજવાળામાં ગ્લાસના તળિયે એને વીટી ચમકતી હોવાનો ભાસ થયો અને અનિકેતની અદા અને એના ઉમળકાભર્યા પ્રસ્તાવની યાદ મનની સપાટી પર તરવરી ઉઠી.
પાણી ... પ્રતિબિંબ ... પ્રેમ અને પરીક્ષા આ બધાની હલચલ રોકવા એણે ગ્લાસને સજજડ પકડી રાખ્યો.
*****'
પતિપત્ની માબાપ બને એ પહેલા મિત્રો બને એ વધુ જરૂરી હોય છે. માનસિક કજોડાના શારીરિક સંબંધના ફળ સ્વરૂપે જન્મેલ બાળકને પારાવાર અન્યાય થતો હોય છે. ધાર્મિક પિતા અને ઉછાંછળી માતાનો આ એક અવિચારી નિર્ણય એટલે એક વેડફાઈ જતું સંવેદન...અનિકેત. ... !!

ભારતી અને હરિવદન પંડયાનો આ ઠાવકો દીકરો વિચારે ચડયો હતો. એને એના અને પ્રણાલીના પરિપકવ સંબંધની પરવાહ થઈ આવી.

'બસ હવે આ બિમારીમાંથી ઉભો થાઉ એટલી વાર છે. પ્રણાલીને દુનિયાભરની ખુશી આપવી છે. અને પ્રસન્ન જીવન જીવવું છે. '

માબાપના જીવનમાં રહેલી ઉણપો બાળકો પોતાના જીવનમાં સભાનપણે ઉતરવા દેતા નથી લડાકુ અને અણસમજુ માબાપના સંતાનો પ્રમાણમાં વહેલા અને વધુ સમજદાર નીવડે છે.
પથારીમાં પડી રહેલો હોનહાર અનિકેત પોતાની જાતને વચનો આપતો રહ્યો. એને લાગ્યુ માબાપ ફકત જન્મ માટે નિમિત્ત બન્યા પણ જીવવાનું સાચુ કારણ તો પ્રણાલી અને અશ્ફાક જ છે.
અશ્ફાક. .. કયાં ગયો એ નવાબ. !! મારી આંખનું કણુ સહી ન શકનાર અશ્ફાક આજે મારી આ હાલતમાં મારાથી જોજનો દૂર છે. સંબંધો એટલે ૠણાનુબંધનો સરવાળો. બાકી આ હિન્દી ભાષી બંદો મારા મનના દરેક ઝોલ અને ગૂંચ કેવી આસાનીથી ઉકેલી નાખે છે. સંજીદા સાથેની ઉલઝન જલદી સુલઝાવી એ મારી પાસે આવે તો કેવું સારૂ. ...
નિર્બળ અનિકેત મજબૂત થવાના ફાંફા મારતો નિંદ્રાધીન થઈ ગયો.
***
વહેલી સવાર સુધી પડખા ફરતી પ્રણાલીની નજર સામે ગુગલ કરેલ માહિતીમાંથી બે શબ્દો આવ્યા કર્યા.
ઉઘડતી આંખો સામે હસતા ચહેરે ઉભેલા ડો સરૈયા દેખાયા. "ગૂડ મોર્નિંગ ,સ્વીટ હાર્ટ . " બોલી અનિલે દીકરી સામે મુકકો ઊછાળ્યો. રમત રમતમાં ખેલાડીઓ મુકકા ટકરાવે એવી ટેવ બાપ દીકરીને હતી. પ્રણાલીનો હાથ આપોઆપ ઉંચો થઈ ગયો. ડો સરૈયાને થોડી હાશ થઈ. અંજપાભરી રાત વિતાવ્યા પછી મન મક્કમ કરી દીકરીને અનિકેતથી યેનકેન પ્રકારેણ દૂર કરવા અનેક વિચારોથી સજજ થઈ એ આવ્યા હતા. બાકી બે પ્રેમીઓને અલગ કરનાર કિસ્સાઓ તરફ બેફામ અણગમો એ બતાવતા આવ્યા હતા. દીકરીના મિત્ર બની રહેલા બાપે દુશ્મન જેવી ભૂમિકા ભજવવાની હતી."
ડેડુ, સાથે ચા પીશુ" બોલતી પ્રણાલી બાથરૂમ તરફ ધીમેથી સરકી. બાથરૂમમાં રહેલી પ્રણાલી અને બહાર રહેલા સરૈયા લગભગ એક સરખું વિચારી રહયા હતા. પ્રિય પાત્રને ખુશ કરવા ખુશ હોવાનું નાટક કરવાની કળા આપોઆપ આત્મસાત થઈ જાય છે.
બહાર આવતા જ પથારી પર પલોઠી વાળી બેસતી પ્રણાલી તરફ જોઈ સરૈયા બોલી ઉઠયા : "તું તો મારી લડાયક અને બહાદુર દીકરી છે. મારો ગર્વ અને અભિમાન પણ..."
એક ફિકકુ સ્મિત પ્રણાલીના ચહેરા પર ફેલાઈ ગયું. પરીક્ષા કે એવા કોઇ સંજોગોમાં માનસિક સજજતા માટે સરૈયા આમ જ પૂર્વ ભૂમિકા બાંધતા."
ડેડુ , મનમાં કેટલાક સવાલો ઉભા થયા છે. જવાબ આપો ને. HIV વાઇરસથી પીડાતા બે પાત્રો લગ્ન પણ કરે છે એવું મેં વાંચ્યું. તો અનિ પણ નોર્મલ જ ગણાય ને. ...? વળી મેડિકલ ફિલ્ડમાં રોજે રોજ નીતનવા સંશોધન અને શોધખોળ થયા કરે છે. અનેક અસાધ્ય રોગોના ઇલાજ જડી આવ્યા છે. તમે તપાસ કરોને કયાંક કોઇ રસ્તો નીકળી જ આવશે. વેકસીન પણ આવશે અને અનિ નોર્મલ લાઈફ લીડ કરી શકશે. ... થોડુંક વધુ ધ્યાન રાખવું પડશે એ તો તમે અમારી સાથે છો એટલે થઈ પડશે. રહી વાત એડસની તો એ તો એને ન પણ હોય. .. ડેડુ, આ રીપોર્ટસ બદલાઇ ગયા હોય એવું ન બને. ? શકયતાઓ અપાર છે મારે એની આરપાર થવું છે. . મારે અનિને આમાંથી કાઢવો છે. એને આવી હાલતમાં છોડવા વિશે હું વિચારી જ શકતી નથી. ... પ્લીઝ ડેડુ ... " તાજી ધોયેલી આંખો ફરી પાણી પાણી થઈ ગઈ.
સવાર સવારમાં આવી પડેલા આ ધારદાર સવાલોથી સરૈયા એલર્ટ થઈ ગયા.ખોખારો ખાતા એમણે જવાબ આપ્યો " પ્રની, મારી પાસે તારા દરેક સવાલના જવાબ છે પણ પહેલા બાકીના રીપોર્ટસની રાહ જોઈએ.? "
બરાબર એ જ સમયે ચા નાસ્તાની ટ્રોલી સાથે મીનાબેન રૂમમાં પ્રવેશી ગયા. થોડીવાર પહેલા છવાયેલો ઉચાટ વિખેરવા સરૈયા ચાના વખાણે ચડી ગયા અને પતિની રગરગથી વાકેફ મીનાબેન પણ મસ્તીનો માહોલ બનાવવા મથતા રહયા.
નાસ્તા બાદ મીનાબેન બહાર ગયા. સરૈયા પણ ઉભા થતા બોલ્યા "હોસ્પિટલ જતો આવું. અશ્ફાકના રીપોર્ટસ પણ આવવામાં છે."
એક ધ્રાસકો પ્રણાલીના મનને ચીરી ગયો. સુની આંખે એ સરૈયાને જતા જોઈ રહી. જોજનો દોડીને થાકી હોય એમ આ નવા વિચારે એને ચૂર કરી દીધી. પગ લંબાવી એણે માથુ ઓશિકાને ટેકવી દીધુ.
બંધ આંખો પાછળ અનિકેત અને અશ્ફાકની મસ્તી, નીકટતા, બોડી લેંગ્વેજ, બોન્ડીગ... ફિલ્મની જેમ સરકવા લાગી.
સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિ વિજાતીય વ્યક્તિથી આકર્ષાય? અનિકેત...એની સાથે વિતાવેલ આવેશ અને આવેગમય પણ નિયંત્રિત પળો. અનિકેતના પ્રણાલી તરફનો અનુરાગ... એની આંખોમાં છલકાતી આસક્તિ. .. અટકચાળી હરકતો ... વસ્ત્રોની આરપાર શરીરને વીંધતી નજર. .. ઓહ. ..અનિકેત અને અશ્ફાકના સંબંધને માનવાને એક પણ કારણ નથી પણ નજરે જોયેલુ અને રીપોર્ટમાં છપાયેલ ન માનવાને પણ કોઇ કારણ નથી.
માથુ ફાડી નાખે તેવું દબાણ પ્રણાલીએ અનુભવ્યું.
આ સંબંધોની ચોખવટ કોની પાસે કરવી? અશ્ફાક? ઝપટ મારી બાજુમાં પડેલા લેન્ડ લાઇન પર હાથ મૂકયો અને આંખ બંધ કરી હજાર વખત ડાયલ કરેલા અશ્ફાકના નંબરને યાદ કર્યા કર્યો. ઉફફ ... મોબાઈલે બધુ કેટલું સહેલું કરી નાખ્યું છે. મથામણ પછી અડસટ્ટે એણે નંબર લગાડયો. ..સામેથી અશ્ફાકનો ગભરાટ ભર્યો અવાજ એના કાનમાં પથરાઇ ગયો... " પ્રની, અબ યે મત કહીયેગા કી વો ઠીક નહી હૈ. ..મુઝે યકીન હે કી યે મામુલી બુખાર હી હૈ... અકસર રીપોર્ટ ગલત ભી હોતી હૈ."
તો એનો અર્થ એ કે અશ્ફાકને બધી ખબર છે? પ્રણાલી સ્તબ્ધ બની સામે આવી ઉભેલા મીનાબેન તરફ જોઇ રહી.
****
રોજની જેમ ફરી એક વાર સવાર થઈ ગઈ. ... પ્રની તો પરીક્ષામાં વ્યસત છે. કંઇક અંશે પઢાકુ ગણાતો અનિકેત ભણવાની બાબતમાં બહુ સતર્ક અને સહકારી વલણ દાખવતો. યુવાનીનો કાળ ફકત મોજ મસ્તી નહી કેરિયર બનાવવામાં વિતાવવાથી બાકીની જીંદગીમાં મોજ મસ્તી ને ઘણો અવકાશ રહે છે એવું એ માનતો એટલે પ્રની ના ફોન કે મેસેજની રાહ ન હતી. તો સંજીદાનું કોકડુ સોલ્વ કરવા ગયેલા અશ્ફાકને પણ ફોન કરી હેરાન ન કરવો જોઈએ. સંબંધોમાં શ્વાસ લેવાની મોકળાશ આપી દેવાથી નિશ્વાસને અવકાશ ઓછો મળે છે.
હોસ્પિટલમાંથી રજા તો કયારે મળે એ ખબર નહોતી પણ આજે થોડુંક વધુ સ્વસ્થ અનુભવી રહેલા અનિકેતે અશ્ફાકે રુમના કબાટમાં મૂકેલ બેગ, આયા પાસે મંગાવી લીધી. દરેક કોલેજીયનની જેમ અનિકેતને પણ લેપટોપનું વળગણ હતું.
મેઇલ બોક્સમાં એક અજાણ્યા નામેથી આવેલા મેઈલને એણે ઝટપટ ઓપન કર્યો.'
હાઈ અનિકેત, હું સુધીર છું. ... ભારતી પંડયા એટલે તારી મોમનો ખાસ મિત્ર છું. '
આટલું વાંચતા જ અનિકેતના મનમાં કડવાશ પ્રસરી ગઈ. હવે આવા મેસેજ પણ રીડ કરવા પડશે. નિરૂત્સાહપણે એણે આગળ વાંચ્યા કર્યુ. આગળ વાંચતા વાંચતા જાણે વરસો જૂની ફરિયાદો ઓગળતી રહી.'
તારી તબિયત વિશે જાણી અહીં ભારતીના હાલ બેહાલ છે. તને નવાઈ લાગશે પણ સત્ય એ છે કે તને એના અમંગળ ઓછાયાથી દૂર રાખવા ભારતીએ સામે ચાલીને કૂલટા... બદચલન જેવા અનેક ઉપનામો સ્વીકારી લીધા છે. હા દોસ્ત, તારા કર્મકાંડી બાપે સતત એવું જ ઠસાવ્યા કર્યુ કે તારી કુંડલી મુજબ ભારતીનો ઓછાયો તારા માટે ઘાતક નીવડશે. આ માન્યતાને દૂર કરવા હરિવદન સાથે લડી ઝગડીને જેટલી વાર ભારતી તારી નજીક રહેતી ત્યારે ત્યારે અકળ કારણોસર તું અવશ્ય બિમાર પડતો. ધીમે ધીમે નબળી પડી રહેલી ભારતી ખુદ એ વાત માનવા લાગી અને હ્રદયના દરવાજા સજજડ બંધ કરી તારાથી પોતાની જાતને વિખુટી પાડતી ગઈ. પરદેશમાં વસેલા ઘણા લોકો માનસિક પછાતપણુ અકબંધ રાખી શકે છે. ભારતીની મજબુરીનો ભરપુર ફાયદો હરિવદને લઈ લીધો અને રોજ એક એક કરીને નફરત અને ગેરસમજણની ઈંટો મૂકાતી ગઈ. અને મોટો થઇ રહેલો તું અને ભારતી વચ્ચે કદી ન તૂટે એવી મજબુત દિવાલ ચણાતી ગઈ.
તને ખુશહાલ રાખવાના એના પ્રયત્નો એક ગંભીર બલિદાન સિવાય કશું જ નથી ... માતૃત્વનું બલિદાન. ...!
ફરિયાદ એ છે કે ભારતીથી તને વિખૂટો પાડી હરિવદને ખુદે તારી જવાબદારી ઉઠાવી નથી. પૈસાની હૂંફ બહુ જ જલદી જર્જરિત થઈ જાય છે. તને અનાથની જેમ ઉછરતો જોઇ ભારતીનો એક દિવસ પણ રડયા વગર નથી વિતતો અને અમારી પાસે આશ્વાસનના બે શબ્દ પણ નથી રહયા.
મારી વાત ન માનવાને તારી પાસે કોઈ કારણ નથી કારણ ભારતી અને હું બાળપણના મિત્રો છીએ. મારી પત્ની અને ભારતીના સખીપણાની સોગંદ ખાઇ શકાય એટલું બોન્ડ અમારી વચ્ચે રહયું છે.
આ મેઇલ પણ, એનો વલોપાત અને તને મળવાની તડપ જોવી મારા માટે અસહ્ય છે એટલે, એનાથી છાનો મોકલી રહયો છું. શકય હોય તો એને સમજવાની કોશિશ કરજે. અને ખુલ્લા મને એનો સંપર્ક કરજે.
તારો. .. તમારો શુભ ચિંતક સુધીર. '
અનિકેત ફાટી આંખે મેઇલ તરફ તાકી રહયો..
--
નીવારાજ