TIMIR MADHYE TEJ KIRAN - 7 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

TIMIR MADHYE TEJ KIRAN - 7

પ્રણાલી ગૂગલ સર્ચ કરતી રહી મોડે સુધી .એચ આઈ વી પોઝીટીવ વિષે .વિકિપીડિયા પર ! હ્યુમન ઈમ્યુનો ડેફીસીયંસી વાયરસ .
વિશ્વમાં લાખો લોકો આ ઇન્ફેકશન થી પીડાય છે .એમાં બાળકો પણ ખરા .બ્લડ ટ્રાન્સફ્યુઝન ,અનસેફ સેક્સ , જન્મદાતા તરફથી મળેલું વારસાગત ઇન્ફેકશન, જે હજુ સુધી લા ઈલાજ છે .છતાં ઓછામાં ઓછા પચીસ લાખ લોકો પોઝીટીવ લાઈફ જીવી રહ્યા છે .સમલિંગી સંબંધો વિષે પ્રવર્તતા ખ્યાલો ...
ઉફ્ફ .એનું દિમાગ બહેર મારી ગયું હતું . એક ક્ષણ એને અકળામણ થઇ આવી ...આ કયા ચક્કરમાં પડી ગઈ પોતે !!
ટીવી પર દેખાતી એક એડ એના મગજ માં વારંવાર ફરતી હતી . "સિર્ફ છુને સે એઇડ્સ નહીં ફૈલતા .પ્યાર ફૈલતા હે ...!"
એક ઉબકો આવીને પાછો વળી ગયો .એચ આઈ વી પોઝીટીવ એટલે એઇડ્સ નહીં . પણ દરેક રોગ સહજતાથી લાગી જાય એટલી ઓછી ઈમ્યુનીટી ...!!! શું સામે ચાલીને કોઈ રોગ નોતરે ? સંબંધ કે સહાનુભુતિ સુધી બરાબર પણ લગ્ન ...!!
એચ આઈ વી વાળા સંતાનો અથવા રિબાતું ભવિષ્ય ...!!!
એ જૂની ઘટનાઓ યાદ કરવા લાગી . આવેશની કોઈ પળે એમણે મર્યાદા નથી ઓળંગી ...!!!
એ મનોમન ઈશ્વરનો અને મમ્મીની શિખામણ નો પાડ માનવા લાગી .બાકી આગળ તો હવે અંધકાર જ દેખાતો હતો .
એની આંખો સતત બળતી રહી .આંસુ કેમ નહોતા આવતા ? રડી કેમ નહોતું શકાતું ? લેપટોપ એમનું એમ જ રાખી શૂન્યમનસ્ક બેસી જ રહી ... બેસી જ રહી ...ક્યાય સુધી ...

ડેડી કે મમ્મીની વાતનો અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નહોતું .છતાં મન આ ઘટનાને સ્વીકારવા તૈયાર નહોતું .કોલેજ જવા માટે જેમતેમ તૈયાર થતા પ્રણાલી ડ્રેસિંગ ટેબલ પાસે ચેર પર ફસડાઈ પડી .
પોતાના ચહેરા સાથે મેચિંગ થાય એવો એક ચહેરો ... અનિકેત ... એનો સ્વપ્નપુરુષ ... !!!
એ સહેજ ઝંખવાઈ ગઈ .કંઈ કેટલા સ્વપ્નો સેવ્યા હતા ...!
અચાનક બધું ધૂંધળું દેખાવા માંડ્યું .કદાચ ચક્કર આવતા હતા . "મમ્મી .... " મોટેથી બૂમ પાડતા ટેબલ પર માથું ઢાળી દીધું .આંખ સામે અંધારું ...અંધારું ... જાણેકે ઊંડી ખાઈમાં પછડાતી હોય એમ ઊંડે ઊંડે સરતી ગઈ .

કોલેજ જવા તૈયાર થતી દીકરીની કારમી ચીસ સાંભળી મીનાબેન દોડીને એની રૂમમાં ગયા .દીકરીને બેહોશ જોઈ એ પણ ચીસ પાડી ઉઠ્યા . ઘરના નોકરચાકર પણ ભેગા થઇ ગયા . "મેડમ દીદીને શું થયું ..?" મીનાબેને માંડ માંડ જાત પર કાબુ રાખી બાઈઓ ની મદદ થી પ્રણાલીને પલંગ પર સુવાડી . ડો .સરૈયા પણ ભાગીને આવ્યા . દીકરીનો સફેદ પડી ગયેલો ચહેરો અને અનસ્ટેબલ પલ્સ થી સહેજ ચિંતામાં પડી ગયા . પોતે અનિકેત વિષે દીકરીને વાત કરીને કઈ ભૂલ તો નથી કરીને !!
એમને થોડો અપરાધભાવ થઇ આવ્યો .બીમાર પેશન્ટને કડવી દવા પણ આપવી તો પડે જ .
એમણે પોતાની જાતને આશ્વાસન આપ્યું .મીનાબેનને ઈશારો કરી એમ્બ્યુલન્સ ને ફોન કરવા લાગ્યા . મીનાબેન પણ ડોકટરના પત્ની હતા .આ ઈશારાનો શું અર્થ થાય તે સમજી ચુક્યા હતા .
કમરે ચાવીઓનો ઝૂડો લટકાવી મહારાજ, માળી ,બાઈઓ, ને જરૂરી સુચના આપી પર્સ લઇ ચપ્પલ પહેર્યા .
એમ્બ્યુલન્સ માં દીકરી સાથે ગોઠવાય તે પહેલા ડો. .સરૈયા ની ગાડી કંપાઉંડ માંથી સડસડાટ હોસ્પિટલ તરફ ભાગી .
આખા રસ્તે જુનીયર સ્ટાફને
ઇન્સ્ટ્રકશન આપતા રહ્યા . હોસ્પીટલમાં દોડાદોડી મચી ગઈ હતી ...
એમ્બ્યુલન્સ આવતા જ પ્રણાલી સીધી આઈ સી યુ માં શિફ્ટ થઇ ચુકી હતી . 'નો વિઝીટર્સ'નું બોર્ડ અને સિક્યુરીટી ગોઠવાઈ ચુકી હતી .
ડો.સરૈયા અને જુનીયર સ્ટાફ ચારે બાજુ ઘેરાઈ ને ઉભો હતો ..
.
બોટલ ચાલુ હતી અને મીનાબેન ચિંતાતુર ચહેરે પાસે બેઠાં હતા ... દીકરીનો હાથ પકડીને .પણ હાથની પક્કડ માંથી આમ જોમ કેમ ઓસરી ગયું હતું ? મીનાબેન નાં પગ પાણી પાણી થતા હતા . પગ થી માથા સુધી ધ્રુજારી આવતી હતી ."હજુ બ્લડ રીપોર્ટસ આવશે પછી વાત .!" મીનાબેન જાત સાથે સંવાદ કરી રહ્યા .આટલી બધી ઇન્તેજારી અને અધીરાઈ ક્યારેય નહોતી થઇ .

ડ્રીપ ચાલુ થઇ તેને દસ મિનીટ થઇ ગઈ હતી .ઈમરજન્સી મેડીસીન્સ એની અસર દેખાડવા લાગી હતી . પ્રણાલીએ ધીમે રહીને આંખ ખોલી .
જોઈને ડૉ .સરૈયા દરવાજા તરફ વળ્યા .જાણેકે દીકરીનાં પ્રશ્નો નો સામનો ન કરવા માંગતા હોય .બાહોશ પત્ની સમજી ચુકી હતી કે બાકીની બાજી એણેજ સંભાળવાની હતી .ચતુરાઈ થી .
પ્રણાલીનું બ્લડ તપાસ કરવા માટે મોકલી દેવાયું હતું .
પિતા સહજ એક ચિંતા ડૉ સરૈયા ને કોરી ખાતી હતી .
જમાના પ્રમાણે બધું જ શક્ય હતું . પોતાની દીકરી કોઈ સીમા વળોટી ગઈ હોય કદાચ ...
આ' કદાચ' એમનો જીવ લેતો હતો .
જ્યારથી અનિકેતના બ્લડ રીપોર્ટ વિષે જાણ્યું હતું ...
મીનાબેન એમને ધરપત આપતા અને કહેતા ."મારી દીકરી એના સંસ્કાર નહીં છોડે".
પરંતુ ડોક્ટર માટે એટલા શબ્દો પૂરતા નહોતા .
જે વાત એ દીકરીને નહોતા કહી શકવાના એ ઈશ્વરે સરળ કરી આપી . "બ્લડ ના રીપોર્ટ થી બધું જ ક્લીયર થઇ જશે .પ્રણાલીને હવે અનિકેતની નજીક નથી રાખવી .એમને મનોમન મક્કમ ગાંઠ વાળી .
ડો . સરૈયા ,ઘડિયાળ સામે જોઈ અકળાતા હતા . લેબોરેટરી માં દસ ફોન કરી ચુક્યા હતા અત્યાર સુધી .કપાળે પરસેવો વળતો હતો . એ ઉભા થઇ પોતાની કેબિનમાંથી બહાર નીકળી આઈ સી યુ વોર્ડ તરફ વળ્યા .
મીનાબેન ની પાસે જતા સુધીમાં ખાસી સ્વસ્થતા કેળવી એ જ ચીર પરિચિત સ્મિત પહેરી લીધું .
મીનાબેન પતિને જોતા જ ઉભા થઇ ગયા . ડોક્ટર સરૈયા દીકરી તરફ જોઈ બોલ્યા ... "સો, યંગ લેડી .હાઉ આર યુ ફીલિંગ નાઉ .!""
ફીલિંગ બેટર ડેડ ... ઈટ વોઝ જસ્ટ ફટીગ .પ્રીપેરીંગ ફોર એક્ઝામ .રાત્રે ઉજાગરો હતો એટલે જરા ...!"
એના માથા પર હાથ ફેરવીને ડોક્ટર બોલ્યા, "નો પ્રોબ્લેમ માય ચાઈલ્ડ .નથીંગ ટુ વરી અબાઉટ . ટેક રેસ્ટ ."
પણ એમનું મન જાણતું હતું કે એ પોતે કેટલા ચિંતીત હતા .
એક એક પળ ભારે હતી જાણે એમને આવતી ક્ષણે ફાંસી લાગવાની હોય .કોઈ દિવસ નહીં ને આજે ઈશ્વર યાદ આવ્યા .
પેસેજમાંથી દેખાતા ગણપતિને મનોમન પ્રણામ કરતા હોય એમ સહેજ માથું નમાવી લીધું .

મીનાબેન પણ ચિંતાથી બધું જોઈ રહ્યા . પતિની ચિંતા એમનાથી અજાણી નહોતી .એમણે હળવેથી પતિના ખભાને સ્પર્શી લીધું . ગમે તે કન્ડીશનમાં હું તમારી સાથેજ છું ...
એમ જતાવતાં હોય .એમ ."
તમે દીકરીનું ધ્યાન રાખો .હું આવું છું ."
એમ કહી ડોક્ટર પોતાની કેબીન તરફ વળ્યા .
જતા જતા સિક્યુરીટી અને ઇન્ફર્મેશન કાઉનટર પર ગોપનીયતાની સુચના આપવાનું ભૂલ્યા નહીં ...

એ જ હોસ્પિટલ ના એક રૂમ માં અનિકેત એની એકલતા ઉપેક્ષા અને પીડા સાથે ઝઝૂમી રહ્યો હતો ...
એને એક શેર યાદ આવ્યો .."એ દિલ મુઝે એસી જગહ લે ચલ જહાં કોઈ ન હો .હમસફર કોઈ ન હો ઔર હમનવા કોઈ ન હો ...! "
એના મો માં કડવાશ ભરાઈ આવી . અત્યાર સુધી જે પોતાના હતા તે અત્યારે કેમ સાથે નથી !સત્ય આટલું વરવું અને અસહ્ય હોય ? એ એની જાત સાથે વાત કરતો રહ્યો .
આજે પ્રણાલી ના ઘરેથી નહીં પણ હોસ્પીટલનું ખાવાનું આવ્યું હતું .
નર્સ ના હાથે બે ચાર કોળિયા ખાતા ખાતા એને પ્રેમથી અને જીદ થી જમાડતી પ્રણાલી યાદ આવી ગઈ . મમતા વેરતા મીનાબેન પણ બે દિવસથી દેખાયા ન હતા .
ડૉ સરૈયા પણ ન આવ્યા કે એમને કઈ પૂછી શકાય .
એણે નિસહાય થઇ આંખ મીચી દીધી . નર્સ યંત્રવત દવા અને ઇન્જેક્શન આપી જતી રહી . સાંજના ઓળા ધીરે ધીરે બધું પોતાના કબજે કરી રહ્યા હતા .નર્સ આવીને લાઈટ કરી ગઈ . અનિકેતે કૈંક પૂછવાનો પ્રયાસ કર્યો પણ અવાજ ગળામાં જ રહી ગયો ...
નર્સના ભાવહીન ચહેરાને જોઈ .

કીડી ચટકી હોય એવી વેદના થતા પ્રણાલીએ એકદમ આંખ ખોલી .ટેકનીશીયન બ્લડ લેતો હતો . એ સહેજ રીસ થી બોલી ." હજુ કેટલા બ્લડ ટેસ્ટ બાકી છે ... સવારથી બ્લડ લે લે કરો છો ."
ટેકનીશીયન હસીને બોલ્યો ,"બસ મેડમ આ છેલ્લું જ . હવે નહીં પજવું બસ !"
અને પ્રણાલી ખીલખીલાટ હસી પડી . "સોરી બ્રો .આઈ વોઝ જસ્ટ કિડિંગ .આઈ નો ઇટ્સ યોર ડ્યુટી ." ટેકનીશીયન ગુડ નાઈટ કહી જતો રહ્યો ."
ઓહ રાત પડવા આવી ! અની મારી રાહ જોતો હશે .આ ધમાલ અને દોડાદોડમાં એનું કોણ ધ્યાન રાખતું હશે ?"એને ચિંતા થઇ આવી .
પોતાના મોબાઈલ માટે આમતેમ જોયું . મમ્મી કદાચ આમતેમ ગઈ હતી . નર્સને બોલાવી એનો મોબાઈલ માંગ્યો . ' હાય અની . એકઝામમાં બીઝી થઇ ગઈ છું . ફ્રી થાઉં એટલે મળીશું .ફોન બગડ્યો છે એટલે બીજાના ફોન થી મેસેજ કર્યો છે .ચિંતા ન કરીશ .જલ્દી સારો થઇ જા .બાય .' મેસેજ કરી આશ્વસ્ત થઇ ,આંખ બંધ કરી પડી રહી .
ડૉ સરૈયાની કેબીનમાં બેઠેલા મીનાબેન ધ્રુસકે ધ્રુસકે રડતા હતા .કેબીનમાં નોક કરી ને આવેલી નર્સ ને જોતા સ્વસ્થ થઇ પ્રશ્નાર્થ થી એની સામે જોતા મીનાબેન બોલ્યા ."કેમ બેબીને એકલી છોડીને આવ્યા ?મારી રાહ કેમ ન જોઈ ?"
નર્સ સહેજ ઉતાવળે પોતાનો મોબાઈલ મીનાબેન ના હાથમાં આપતા બોલી . "બેને મારી પાસે ફોન માંગ્યો એટલે મારાથી ના ન પડાઈ . એમણે કોઈકને મેસેજ કર્યો છે તે બતાવવા આવી છું ."
ડોકટરે એના હાથમાં થી મોબાઈલ રીતસર ઝુંટવી લીધો . મેસેજ વાંચી મીનાબેન ના હાથમાં ફોન પકડાવ્યો અને નર્સને કડકાઈ થી ફરી ફોન ન આપવા કહ્યું .અને આ નમ્બર પરથી ફોન આવે તો રીસીવ નહીં કરવાની તાકીદ કરી દીધી .
નર્સ ફોન લઇ સહેજ ગૂંચવણમાં બહાર નીકળી ગઈ પણ એના ચહેરા પર કેટલાયે પ્રશ્નો સ્પષ્ટ વંચાતા હતા . ડોક્ટર ફાઈલ જોવામાં મશગુલ થઇ ગયા .મીનાબેન એમના બોલવાની રાહ જોઈ બેસી રહ્યા .

ફાઈલમાંથી માથું ઊંચું કરી ચશ્મા માંથી ધારદાર નજરે જોતા ડોકટરે પત્નીને કહ્યું ." અત્યારે તો હજુ નસીબદાર છો કે દીકરી સેફ છે .આગળ તમારા પર છોડું છું .બાકી તમે સમઝદાર છો ." મીનાબેન ના ચહેરા પર અકળ ભાવો આવીને ચાલી ગયા .ખુરશીમાંથી ઉભા થતા પતિ પત્નીની આંખોએ ઘણી વાતો કરી લીધી ."
હું પ્રણાલી પાસે છું . જોઉં જાગી ગઈ હોય તો ." એમ કહી મીનાબેન આઈ સી યુ તરફ ગયા . પગમાં નવું જોમ આવી ગયું હતું .દીકરી પાસે જઈ માથા પર હળવું ચુંબન કરી ને વ્હાલ કરી લીધું .કાચમાંથી દેખાતા ગણપતિને પણ આંખ થી નમી લીધું .

"ચાલ બેટા .સહેજ સ્વસ્થ થા .જમવાનું આવી ગયું છે ."
પથારીમાં દીકરીને સહેજ બેઠી કરી . "જો તો ખરી હોસ્પિટલમાં કેવું જમવાનું મળે છે તે !"
આમ કરીને તેઓ દીકરીને માનસિક રીતે તૈયાર કરી રહ્યા હતા અનિકેતને ઘરેથી ટીફીન નહીં મોકલવા માટે . માતાએ દીકરીના બચાવ માટે શસ્ત્ર ઉઠાવી લીધા હતા .
પ્રણાલી સહેજ આશ્ચર્યથી બોલી ," કેમ મમ્મી અહીનું ?ઘરેથી નથી મંગાવ્યું ?"
મીનાબેન સહેજ સ્મિત કરી બોલ્યા ," ના બેટા .મહારાજ ને બહાર જવાનું થયું .હું ને તારા પપ્પા પણ આ જ જમીશું .""
તો પછી અની ?એનું શું મમ્મી ? એને અહીનું ખાવાનું નથી ભાવતું તે તને ખબર છે ને !" પ્રણાલી સહેજ અકળાઈ .
મીનાબેને એને શાંત પાડી ," જો બેટા .હું ઘરે હોત તો જાતે બનાવીને મોકલત .પણ તને છોડીને ઘરે કેવી રીતે જઈ શકું ? પપ્પા ચલાવે છે તેમ અનિકેત પણ ચલાવી લેશે .એ સમજદાર છોકરો છે ."
પ્રણાલી માની ગઈ . બાળકોને ઘણીવાર ધાક ધમકી થી નહીં પણ પ્રેમથી ધાર્યું કરાવી શકાય એ બધીજ મમ્મીઓને ખબર હોય છે . મીનાબેન પણ દીકરીના હિત માટે બધુજ કરવા તત્પર હતા .

ડૉ .સરૈયા એ હાશકારો લીધો . દીકરી ની જનરલ વિકનેસ ની ટ્રીટમેન્ટ તો ઘરે પણ થશે એમ કહી રાત્રે જ ડીસ્ચાર્જ લઇ દીકરીને કમ્પ્લીટ રેસ્ટ માટે સુચન આપી દીધું .પત્નીને હળવો ઈશારો કરી ગૂડ નાઈટ કહી રૂમની બહાર નીકળ્યા ."
હું તો હમણાં થોડા દિવસ તારી સાથે જ રહીશ બેટા ."એમ કહી મીનાબેન ફ્રેશ થઇ પાછા આવ્યા .
દીકરીના માથા પર હળવેથી હાથ ફેરવતા બેસી રહ્યા .
પ્રણાલીના મનમાં કેટલાયે પ્રશ્નો ઘુમરાતા હતા .
એણે હળવેથી મમ્મીને પૂછ્યું ." મમ્મી ,ધારોકે અનિકેત ના બદલે મને એચ આઈ વી પોઝીટીવ આવ્યું હોત તો ?"
મીનાબેન ચોંકી ગયા .એમને આવા પ્રશ્ન ની અપેક્ષા નહોતી . પ્રણાલીના હોઠ ઉપર હાથ મૂકતા એકદમ ભાવુક થઇ ગયા . "
એમ ન બોલ બેટા .હું કઈ તને ફેંકી દેવાની હતી ...!જે થાય તેનો સામનો કરત આપણે .""
અનિકેતને પોઝીટીવ રીપોર્ટ આવ્યો તો શું હું એને છોડી દઉં એકલો ? એ યોગ્ય છે મમ્મી ? મને એચ આઈ વી પોઝીટીવ હોત તો શું એ મને છોડીને જતો રહેત ? બોલને મમ્મી !"
મીનાબેન ના હોઠેથી કેટલાયે જવાબ આવીને પાછા જતા રહ્યા .
અત્યારે એ ચર્ચા યોગ્ય નહોતી .સમય આવ્યે દીકરીને જીંદગી ના ક્રૂર સત્ય થી વાકેફ કરવી જ પડશે .
એમણે મનોમન ગાંઠ પાક્કી કરી .
એચ આઈ વી તો શું ... બાળક ન થાય તો પણ પુરુષ બીજા લગ્ન કરતો હોય .
એના અફેર્સ સ્વીકાર્ય .એની ચંચળતા સ્વીકૃત ...
અને સ્ત્રી માટે ?
ડગલે ને પગલે શંકા અને અગ્નિપરીક્ષા .
પુરુષ પ્રધાન સમાજ માં સ્ત્રી નું એકે સ્ખલન ક્યાં મંજુર હોય ? ગમે તેટલા સુધરેલા કહેવાતા સમાજ માં સ્ત્રી ની હાલત એ ની એ જ . જે પાંચ હજાર વર્ષો પૂર્વે હતી ...!!!
મીનાબેને આંખ બંધ કરી સુવાનો પ્રયત્ન કર્યો પણ વિચારો અને ભયની ભુતાવળે એમને સુવા ન દીધા .બીજી બાજુ સ્ટડી રૂમ માં ડૉ સરૈયા આખીરાત રોકિંગ ચેરમાં બેસી રહ્યા .વિચારોમાં ....

સ્મિતા શાહ