એ બીગ બ્રધર હરકિસન મહેતા Swarsetu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ બીગ બ્રધર હરકિસન મહેતા

એ બીગ બ્રધર હરકિસન મહેતા

રાગમિલાપ-વિનોદ ભટ્ટ

સાહિત્યમાં લોકપ્રિયતા એક ગાળ છે. પોતાના સમયમાં કનૈયાલાલ મુનશી લોકપ્રિયતા નામની ગાળ ખાઈ ચૂક્યા હતા. જોવાની ખૂબી એ છે કે લોકો સર્જક તરીકે પ્રજામાં લોકપ્રિયતા પામી શક્યા નથી એવા લોકો જ લોકપ્રિય સર્જકોને ભાંડતા હોય છે. આનું મૂળ કારણ એ છે કે લોકચાહના તેમના સુધી પહોંચી નથી...ગુજરાતી નવલકથાકાર તરીકે લોકપ્રિયતાનું બીજું નામ હરકિસન મહેતા રહ્યું છે. રાજકોટની લેંગ લાઈબ્રેરીએ દોઢ-બે દસકા અગાઉ લોકપ્રિય લેખકોની મોજણીનો અહેવાલ પ્રગટ કર્યો હતો, આ મોજણીમાં હરકિસન મહેતાનું નામ ટોચ પર, પ્રથમ ક્રમમાં હતું. તેમને ત્રણસોમાંથી બસો અઠ્ઠયાસી માર્ક વાચકોએ આપ્યા હતા. આજે પણ તે વેચાણમાં ટોચ પર છે અને અન્ય નવલકથાઓ ઉપરાંત ડાકુઓ પરની તેમની નવલકથાઓ પણ ચપોચપ વેચાય છે. આ પરથી કહી શકાય કે આજેય વાચકોનો ડાકુપ્રેમ ઓછો થયો નથી. આપણા પોલિટિશિયનોનાં પરાક્રમો જાણવાને પરિણામે વાચકોને ડાકુઓનું આકર્ષણ વધી ગયાની શક્યતા નકારી શકાય તેમ નથી, કોઈને પણ આ પ્રકારના તુલનાત્મક અભ્યાસમાં રસ પડે એ સ્વાભાવિક છે. હરકિસન મહેતાએ તેમની શરૂઆતની નવલકથાઓમાં ડાકુઓને ગુજરાતમાં પોપ્યુલર કર્યા. ત્યાર બાદ આ ડાકુઓએ ગુજરાતમાં હરકિસન મહેતાને મબલક પ્રસિદ્ધિ અપાવી, લોકપ્રિયતા અપાવી. ડાકુઓ પણ રાખરખાવટમાં માનતા હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ નથી?

અને હરકિસનભાઈને ખબર હતી કે તે કોના માટે લખે છે. નવલકથા લખતી વેળાએ તેમની એક નહીં, બંને આંખો વાચકો પર જકડાયેલી રહેતી. વિવેચકો તેમની શું ઉપેક્ષા કરવાનાં હતા ! તે જ વિવેચકોની ઘોર ઉપેક્ષા કરતા હતા. વિવેચકો પાછળ પોતાની એક પણ નકલ તે બગાડતા નહોતા. તેમનાં પુસ્તકોના વિતરકને ચેતવણી આપતા કે એકેય નકલ વિવેચક પાછળ વેડફાય નહીં એ જોજો પુસ્તકોનું અવલોકન છપાવાથી જ તેનું વેચાણ વધે છે એ માન્યતા કેટલી બધી પોકળ છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું છે. પોતાની નવલકથામાં કોઈની પાસે પ્રસ્તાવના પણ તેમણે લખાવી નથી કે પોતાનું એક પણ પુસ્તક સાહિત્યિક સ્પર્ધામાં નહોતું મોકલ્યું. વાચકને તે રાજ્જા કે માલિક જેવા મિથ્યા સંબોધનો પણ કરતા નહીં. જે સર્જકમાં લઘુતાગ્રંથિ હોય તેણે જ આવી બધી ચાપલૂસીમાં પડવું પડે. વાચકે ખર્ચેલ નાણાંનું પૂરતું વળતર મળે એ માટે તે વાચકોનો સંતોષ એ મારો મુદ્રાલેખ છે, એવો વાણીવિલાસ કર્યા વગર તનતોડ અને માનતોડ શ્રમ કરતા. આ શ્રમને કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડતી, ડિપ્રેસ થઈ જતા, નંખાઈ જતા, પણ વેઠ ઉતારવાની સહેજપણ વૃતિ નહીં. વાચકોનો તે હ્રદયથી આદર કરતા.

આમ તો હરકિસનભાઈને ડોક્ટર થવાનું મન હતું. પણ ઈશ્વરને તે ન ગમ્યું. માણસને મારવાના તેના અબાધિત હક્ક પર એવો જ બીજો માણસ તરાપ મારે એ ઈશ્વરને કેમ ગમે ? નામમાં હર (શંકર) અને કિસન (કૃષ્ણ) જેવા બે-બે ભગવાન હોય તોય શું થઈ ગયું ! નામે નાયક તે કાંઈ થવાતું હશે? આ કારણે જેમાં નાપાસ થવું અઘરું છે એ ફર્સ્ટ ઈયર સાયન્સમાં તે નાપાસ થયા-આમ પણ અઘરાં, પડકારરૂપ કામ કરવાની તેમની પ્રકૃતિ હતી. ધારો કે તે એક સફળ ડોક્ટર થયા હોત તો ખાસ્સાં નામ અને દામ તે કમાઈ શક્યા હોત. કિન્તુ મેડિકલ સાયન્સમાં કહેવાયું છે કે ડોક્ટરની સફળતાનો આધાર તેના હાથે કેટલા દરદી મર્યા એના પર છે. એકસો દરદીઓને માર્યા હોવા છતાં એ ડોક્ટર બિનઅનુભવી ગણાય છે, પરંતુ એક હજાર માણસોને આ લોકમાંથી પરલોકમાં ટ્રાન્સફર કર્યા પછી જ તે રોગનો સ્પેશિયાલિસ્ટ ન બની શક્યા તેમ છતાં ડાકુઓ પરની તેમની નવલકથાઓમાં ડાકુઓના હાથે તે કેટલા બધા માણસોને ખતમ કરાવી શક્યા છે ! જે કામ તેમણે ડોક્ટર બનીને કર્યું હોત એ જ કામ તે ડોકટરી ભણવાનો ખોટો ખર્ચ કર્યા વગર સાવ મફતમાં કરી શક્યા, એટલું જ નહીં, અહીં તો ગ્રાહક સુરક્ષા મંડળવાળા ય તેમના વાંકડિયા વાળને સીધા કરવાની સ્થિતિમાં નહોતા.

અમુક જણ કોઈ ખાસ કારણસર જ જન્મ લે છે. હરકિસન મહેતા ‘ચિત્રલેખા’ માટે જન્મ્યા હતા. ‘ચિત્રલેખા’માં ‘ઇન્વોલ્વ’ થવા અગાઉ તેમણે ભાગીદારીમાં એક એડ. કંપની શરૂ કરી હતી જે બહારથી સારી ચાલતી હતી, પણ સાઈકલનો ધંધો કરનાર એક વેપારીએ તેમની મોટી ઉઘરાણી ડુબાડી એટલે જાહેરખબરવાળો તેમનો ધંધો ત્યાં જ અટકી પડ્યો. ‘બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઈસ’ જેવું થયું. હું તો એ વેપારીનો આભાર માનું કે જેને કારણે ‘ચિત્રલેખા’ને એક સમર્થ તંત્રી મળ્યો ને આપણને નવલકથાકાર મળ્યો.

પોતે શું કરે છે એની હરકિસનભાઈને ખબર હતી. સાહિત્ય શબ્દ ઘણો મોટો છે એની તેમને જાણ હતી. એટલે જ તે સાહિત્યસેવા કરે છે એવો ભ્રમ સેવતા નહોતા. ‘ચિત્રલેખા’માં છપાતી સામગ્રી સરળ ભાષામાં જ હોવી જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો, વાચકોને પંડિત બનાવી દેવાનો કોઈ ઉત્સાહ દાખવતા નહીં. તે જે કંઈ છાપતા એ લખાણનો અક્ષરેઅક્ષર તેમની નજર હેઠળથી પસાર થતો. કેટલીક વાર તો લખાણમાં બે લીટી વચ્ચે આવતી ‘બિટવિન ધ લાઈન્સ’ પણ પકડી લેતા. લેખક વડે કશું વિવાદાસ્પદ લખાણ લખાઈ ગયું હોય એ તે છાપ્યા પછી લેખકને કશી ફિકર રહેતી નહીં, હરકિસનભાઈ બધું સંભાળી લેતા. ‘ચિત્રલેખા’માં મારી હાસ્ય-વ્યંગની કટાર ‘નરો વા કુંજરો વા’માં નિયમિતપણે પ્રગટ થતી. આજથી વીસ વર્ષ પહેલાં તા. ૪ મે, ૧૯૯૩ના રોજ મેં ફિલ્મ અભિનેતા સંજય દત્ત પર શેર-સટ્ટાના બિગબુલ ગણાતા હર્ષદ મહેતાનો આશ્વાસનપત્ર લખ્યો હતો. જેનો એક ટુકડો.

‘પ્રિય ભાઈ સંજ્ય,

ચાલ, પહેલાં આંસુ લૂછી નાખ. અચ્છે બચ્ચે રોયા નહીં કરતે. આ રીતે વાતવાતમાં તું ધ્રુસકે ચડે છે એ બરાબર નથી કરતો. તારી ઉંમર ચાર વરસની નથી, ચોત્રીસની છે એ તારે ભૂલવું ન જોઈએ. જેનો પાલવ પકડીને પાછળ પાછળ ફર્યા કરતો’તો એ મોમ પણ હવે નથી. એક બાપ છે જે નેતા વધારે છે કે અભિનેતા એની ખબર નથી પડતી...મારા મતે તેં એક મોટી ભૂલ કરી. હનીફ કડાવાળાએ તને તારા માપની હથકડી પહેરાવડાવી, પોલીસને કહી દીધું કે તેને તને ત્રણ એકે ૫૬ રાઈફલ આપી છે. તારે પોલીસ સમક્ષ એવું કહેવું જોઈતું હતું કે ‘હનીફે મને ત્રણ નહીં, પાંચ એકે ૫૬ વેચી હતી. જેમાંથી એક મેં વડાપ્રધાનના પ્રખ્યાત પુત્ર પ્રભાકરને આપી છે, બીજી ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન અને વર્તમાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ભેટ આપી છે. એક ગૃહપ્રધાનને આપી ને એક રાહુલ (રાજીવ) ગાંધીને હાથોહાથ આપી છે...મારે મોં નહોતું ખોલવું પણ પોલીસે મારા મોંમાં આંગળાં નાખીને મને સત્ય હકીકત કહેવા મજબુર કર્યો છે. પછી સાહેબ, જુઓ મજા, કેવી દોડાદોડી થઈ જાય છે! બધા પોતપોતાના બચાવમાં પડી જશે. અને આમેય પોલિટિશિયનોની મથરાવટી મેલી હોય છે એટલે જે લોકો પેલા કડાવાળાનું કહેવું સાચું માને છે એ લોકો આવતી કાલના સુપરસ્ટાર સંજય દત્તનું કહેવું સાચું માને ? જે પ્રભાકરરાવ શેર કૌભાંડ કરી શકે એ એકે ૫૬ રાઈફલ કેમ ન રાખી શકે? ધારો કે કોઈ તને ભીસમાં લેવા પ્રયાસ કરે તો તારે પાઘડી ફેરવવાની, કહી દેવાનું કે આ લોકોને મેં સીધેસીધી રાઈફલ નથી આપી, એજન્ટ દ્વારા મોકલાવી છે. એજન્ટ સાથે સોદો કર્યો હતો. બસ, તેં આટલું જ કહ્યું હોત તો બોફોર્સની તોપની જેમ એકે ૫૬ રાઈફલ પણ હવાઈ જાત, તું હેમખેમ બચી જાત.’

લેખ છપાયો. ‘ચિત્રલેખા’નો અંક બજારમાં મુકાયો. હરકિસનભાઈ ઓફિસે પહોંચ્યા. ખુરસીમાં બેઠા. ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકી: ‘હું હર્ષદ મહેતાનો સોલિસિટર બોલું છું. તમે તમારા મેગેઝીનમાં છાપ્યો છે એવો કોઈ પત્ર મારા અસીલે તમને લખ્યો નથી. તમારા પર અમારે બદનક્ષીનો દાવો માંડવો પડશે.’ આ સાંભળી હરકિસનભાઈ હસી પડ્યા. બોલ્યા: ‘તમે ફોન મૂકી દો, હું હર્ષદભાઈ સાથે વાત કરી લઈશ.’ પેલાએ તરત જ કહ્યું: ‘હર્ષદભાઈ મારી સામે બેઠા છે એમની જોડે વાત કરો.’ હર્ષદ મેહતાએ હરકિસનભાઈને જણાવ્યું: ‘તમે છાપ્યો છે એવો કોઈ પત્ર મેં તમને મોકલ્યો નથી.’ હરકિસનભાઈએ તેને માહિતી આપી કે આ હાસ્યલેખ છે. હર્ષદે સામેથી પૂછ્યું; ‘પણ આ લેખમાં ક્યાંય લખ્યું નથી કે આ હાસ્યલેખ છે.’ હરકિસનભાઈએ તેને સમજાવ્યું કે એમ તો અમે કાર્ટૂનો પણ છાપીએ છીએ અને લખતા નથી કે આ કાર્ટૂનો હસવા માટે છે. હર્ષદે સામે કહ્યું કે તમે એક કામ કરો, ખુલાસો છાપો ને મારી ક્ષમા પણ માંગો. આ સાંભળી સહેજ સખ્ત અવાજે હરકિસનભાઈ બોલ્યા: ‘મારે માફી શાની માગવાની ?તમારે કેસ માંડવો હોય તો માંડો, એમાં ફજેતી તમારી થશે, આટલા મોટા બિઝનેસમેન ને એમ પાછા ગુજરાતી થઈને રમૂજ સમજતા નથી!’ હર્ષદ મહેતા નરમાશથી બોલ્યા: ‘હમણાં મારા પર સરકારની ધોંસ છે, સરકાર, હસવા-બસવાનું સમજશે નહીં તો મારા માટે એક નવી મુસીબત ઊભી થશે. તમે એક કામ કરો, આવતા અંકમાં ખુલાસો છાપો.’ હરકિસનભાઈએ તેને ખાતરી આપતાં કહ્યું કે આવતા અંકમાં હું ખુલાસો છાપીશ, પરંતુ માફી-બાફી માગવાની મને ટેવ નથી. નવા અંકમાં ‘ચિત્રલેખા’એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ગયા અંકમાં અમે હર્ષદ મહેતાનો સંજય દત્ત પરનો પત્ર છાપ્યો હતો. પણ એ પત્ર અમારા હાસ્યલેખક વિનોદ ભટ્ટના મગજની પેદાશ હતી. (હાસ્યલેખક માટે આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે?)

બોલતાં, ચલતાં, ઊઠતાં-બેસતાં તેમના મગજમાં ‘ચિત્રલેખા’ જ હોય. હાસ્યલેખક તારક મહેતાનું નાટક ‘દુનિયાને ઊંધા ચશ્માં’ જોઇને તેમને તારકભાઈને કહ્યું કે તમે ‘ચિત્રલેખા’ માટે કશુંક હળવું લખો. ૧૯૭૧માં ‘ચિત્રલેખા’ માટે લખવા તારકભાઈ તૈયાર થયા. કહ્યું કે ‘હરકિસનભાઈ, લખવાની ઈચ્છા તો ઘણી છે પણ દર અઠવાડિયે લખવાનો મને કોન્ફિડન્સ નથી.’

‘તમે કેમ માની લીધું કે અમે દર અઠવાડિયે તમારા લેખ છાપીશું? એ તો વાચકો નક્કી કરશે. તમે એક કામ કરો. ચાર-પાંચ લેખ લખીને મને આપો. આપણે એ છાપીએ. વાચકોનો રિસ્પોન્સ જોઇને નક્કી કરીએ કે શું કરવું.’ હરકિસન મહેતાનું આ સૂચન તારકભાઈને ગમ્યું. ત્યાં જ ટપુડો અને જેઠાલાલ તેમની મદદે આવ્યા. તેમની કૉલમ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ ખૂબ જામી. (આજે તો એના આધારે બનેલી સિરિયલ ‘તારક મહેતા ક ઊલટા ચશ્માં’ આખી દુનિયામાં ધૂમ મચાવે છે.) હાસ્યલેખક તરીકેની પ્રતિષ્ઠા તે ‘ચિત્રલેખા’ થકી પામ્યા. તારકભાઈ કહે છે કે હરકિસન મહેતાએ મને હાસ્યલેખક બનાવ્યો એવું તો ન કહેવાય, પરંતુ મારી લેખનશક્તિને એમણે પારખી અને સરસ ઉપયોગમાં લીધી...તારક મહેતાના મતે હરકિસન મહેતા બે છે. એક છે પ્રેમાળ માણસ. બીજો છે કુશાગ્ર બુદ્ધિનો કઠણ કાળજાનો તંત્રી. હોસ્પિટલમાં ખબર કાઢવા આવે ત્યારે હ.મ.બિલ ચૂકવવાની ગોઠવણ કરશે. હિંમત આપશે. હસાવશે. પછી જતાં-જતાં તંત્રી હ.મ. પૂછશે, ‘લેખનું શું કરશો? લખશો?’ એમના જીવનમાં પ્રથમ અગ્રતા ‘ચિત્રલેખા’ને, બાકી બધું પછી. લેખ સહેજે મોડો થાય તો ભડકે. લેખ સહેજે ઢીલો લખાય તો અકળાય. એ વખતે દોસ્તી-બોસ્તીની વાત નહીં.

બજારમાં બીજો ક્યા ક્યાં પ્રજાપ્રિય લેખકો છે એની પણ તે ખબર રાખતા ને ‘ચિત્રલેખા’માં લખવાનું કહેણ પણ મોકલાવતા. એક વાર તે અમદાવાદમાં હતા. મને કહે કે આપણે અશ્વિની ભટ્ટને મળવું છે. મારે ત્યાં એ સાંજે મુલાકાત ગોઠવી. ચન્દ્રકાન્ત બક્ષી, શેખાદમ આબુવાલા, અશ્વિની ભટ્ટ અને હરકિસનભાઈ. અશ્વિની ભટ્ટ આવી ગયો. હરકિસનભાઈ મને બીજા રૂમમાં લઈ ગયા. પૂછ્યું: ‘જો વિનોદ, મેં અશ્વિનીનું કશું વાંચ્યું નથી. તારો નિખાલસ મત મારે જાણવો છે, તેને ‘ચિત્રલેખા’માં શરૂ કરી શકાય?’ મેં તેમને હળવાશથી જણાવ્યું: ‘મારો પ્રમાણિક અભિપ્રાય એવો છે કે તમે એક વાર તેની વાર્તા ‘ચિત્રલેખા’માં શરૂ કરશો તો તમારી છુટ્ટી થઈ જશે. વાચકો તેને જ વાંચતા થઈ જશે.’ મારી સામે જોઈ લાક્ષણિક હાસ્ય વેરતાં તે બોલ્યા: ‘તો તો ભારે પડી જાય, પણ ‘ચિત્રલેખા’ના વાચકો ફાવી જતા હોય તો અશ્વિનીને છાપવા આપણે રાજી છીએ.’ અશ્વિની સાથે વાત કરી, પણ તેની નવલકથા ‘સંદેશ’માં ચાલતી હતી. એટલે ‘સંદેશ’ના માલિક તંત્રી ચીમનભાઈ પટેલે ના પાડી દીધી. ત્યાર બાદ અશ્વિની ‘અભિયાન’માં નવલકથા લખતો, પણ હરકિસનભાઈએ તેની સાથે છેક સુધી હૂંફાળો સંબંધ રાખેલો, તેમની દીકરી સ્વાતિનાં લગ્નમાં અમારી સાથે અશ્વિનીનેય આગ્રહ કરીને તેડાવેલો ને બધાંને એનો પરિચય આપતાં તે કહેતા કે આ અશ્વિની ભટ્ટ છે, મારો નાનો ભાઈ છે. મારા પછી નવલકથાકાર તરીકે મારી નાનો ભાઈ છે. મારા પછી નવલકથાકાર તરીકે મારી ગાદી તેણે સંભાળવાની છે.’ (નોવેલિસ્ટ લેખે પોતે નંબર વન છે એ બાબતે તેમને મનમાં લેશમાત્ર શંકા નહોતી.)

તેમનામાં એક મોટા ભાઈ સતત દેખાયા કરે-એ બિગ બ્રધર. માત્ર કહેવા ખાતર જ નહીં, મોટા ભાઈની પેઠે હૂંફ પણ આપે, કાળજી રાખે. મારા ઘરમાં ભાઈ તરીકે હું સૌથી મોટો છું એટલે નાના ભાઈ હોવાનો આનંદ કેવો હોય એ હરકિસનભાઈના સ્નેહભાવને લીધી અનુભવાતું. મારી મોટી દીકરીનાં લગ્ન વખતે સમય કાઢીને તે ખાસ આવેલા અને મને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો એની ખુશી મારા કરતાં ય વધારે હરકિસનભાઈને હતી. તેમણે રાજકોટ ખાતે મારો ભવ્ય સન્માન સમાંરભ ગોઠવેલો.

વજુભાઈ વાળા એ વખતે રાજકોટ નગરપાલિકાના મેયર હતા. બધી જ વ્યવસ્થા તેમણે બંનેએ કરી હતી. હરીન્દ્ર દવે, તારક મહેતા, હરકિસનભાઈ અને ‘ચિત્રલેખા’ના પત્રકારો સાજનમહાજન સાથે મુંબઈથી આવેલા અને સમારંભમાં મન મૂકીને બોલ્યા હતા. આખું ગામ એમને સાંભળવા માટે ઊમટ્યું હતું. મારા જીવનની એ ધન્ય ઘડી હતી.

અને હું ગુજરાતી સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો એ સમાચાર ‘ચિત્રલેખા’માં તેમણે ઊલટથી છાપ્યા હતા, પરિષદને દાન આપવા માટેની મારી અપીલ પણ તેમણે પ્રગટ કરી હતી. ને ‘ચિત્રલેખા’ની ગુડવિલને કારણે સાહિત્ય પરિષદને સારું એવું ડોનેશન પણ મળ્યું હતું.

આ ઉપરાંત તેમને મને અંગત રીતે પૂછ્યું પણ હતું કે, ‘પરિષદના પ્રમુખ તરીકે અમારી પાસે તું શું અપેક્ષા રાખે છે?’ ‘તમે સાહિત્ય પરિષદ મુંબઈમાં ભરો તો મને ગમે.’ મેં કહ્યું: ‘કેટલો ખર્ચ આવે?’ તેમણે જાણવા માગ્યું. ‘આઠથી દસ લાખ.’ મેં અંદાજ આપ્યો. ‘ડન-થઈ જશે...’ તેમણે તરત જ એનો સ્વીકાર કર્યો. પણ સાહિત્ય પરિષદ અગાઉથી અન્યત્ર ગોઠવાયેલી હોવાથી વાત ત્યાં જ અટકી પડી.

પણ પોતાનાં સ્વજનો માટે તેમના હ્રદયનો ખૂણો કેટલો ભીનો છે એનો ખ્યાલ મને ૧૯૯૫માં, મારી ગંભીર-મરણતોલ માંદગી વખતે આવ્યો. હું કર્ણાવતી હોસ્પિટલમાં જીવવા માટે તરફડિયાં મારતો હતો. મુંબઈના અખબાર ‘જન્મભૂમી-પ્રવાસી’એ તો પહેલા પાને ચોકઠું મૂક્યું હતું: ‘હાસ્યલેખક વિનોદ ભટ્ટ ગંભીર’ હરકિસનભાઈએ કર્ણાવતી હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સાથે મારી માંદગીની ગંભીરતા અંગે ચિંતાથી પૂછપરછ કરી. ડોક્ટરને કહ્યું કે ‘તમને જરૂર જણાય તો કહો, તેને મુંબઈ ખસેડીએ. મારા વિનોદને તે હતો એવો કરી દો. મારો ભાઈ બચી જવો જોઈએ.’ મારો ડોક્ટર તેમની વાર્તાઓનો ખાસ્સો પ્રશંસક હતો. ડોક્ટર એ વાતે રાજી થયા કે આટલા મોટા લેખકે તેમની સાથે વિગતે વાત કરી.

મૃત્યુ એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકાર તે વહેલો-મોડોય મેળવે જ છે, પણ મરનાર કેટલું જીવ્યો એ કરતાં કેવું જીવી ગયો એ જ વધારે મહત્વનું છે. કોઈ માણસ પથારીમાં પડ્યા પડ્યા ૧૦૨ વર્ષ સુધી, યમરાજની રાહ જોતો, મરવાના વાંકે જીવ્યા કરે એ કરતાં ૬૫થી ૭૦ વર્ષ સુધી પોતાની શરતે ભરપેટ જીવી જાય એને જ હું તો જીવી ગયો જાણું. આ અર્થમાં હરકિસનભાઈ જીવી ગયા.