પલાખાં બહારનું પર્યટન Swarsetu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલાખાં બહારનું પર્યટન

વિનોદ જોશી - કાવ્યસ્વાદ

પલાખાં બહારનું પર્યટન

નિરુદ્દેશે,

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે...

ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ,

ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ,

નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સહુ રંગ;

મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે...

નિરુદ્દેશે...

પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી,

તેજ-છાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી,

એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી;

હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે...

નિરુદ્દેશે...

- રાજેન્દ્ર શાહ

સંસ્કૃતમાં કહેવાયું છે કે પ્રયોજન વિના મંદબુદ્ધિનો માણસ પણ કશું કરતો નથી. માત્ર વ્યવહારનું જ નહીં, ચિત્તનું ગણિત પણ હેતુપૂર્વકનું જ હોય છે. કંઈક ઉપયોગમાં આવે તેવી વાત હોય તે દિશામાં જ આપણું ચિત્ત સક્રિય રહે છે. મનુષ્ય એટલો તો ઉપયોગિતાવાદી બની ગયો છે કે તેના પ્રવર્તનમાં કોઈ ન કોઈ કાર્યકારણ સંબંધ જોઈ શકાતો હોય છે. બધું આયોજનપૂર્વક થાય છે, ઉદ્દેશરહિત કશું થતું નથી. એટલે સુધી કે ઈચ્છાઓ પણ સ્વાભાવિક રીતે ઊગવાને બદલે હેતુપૂર્વક પ્રગટે છે. ચિનુ મોદીની ગઝલનો એક શે’ર છે:

'આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?

ઈચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી.'

અહીં આપણા કવિ રાજેન્દ્ર શાહ હેતુઓના બંધનને ફગાવી દે છે. કોઈ બંધન નહીં, કોઈ રોકટોક નહીં, ગણિતનાં પલાખાં પ્રમાણેના કોઈ હિસાબકિતાબ નહીં. બસ, બધું જ નિરુદ્દેશે. કવિ કહે છે તેમ એમનું આ સંસારમાં ભ્રમણ મુગ્ધતાથી સભર છે, ધૂળિયા વેશે છે. કોઈ ટાપટીપ વગરનું છે, સ્વાભાવિક્તાનો સહુથી મોટો શત્રુ બહારની દુનિયા છે. આપણે અન્યને જોઈને જીવીએ છીએ અને આપણે પરહરી શકતા નથી અને એટલે સ્વાભાવિક બનીને જીવી શકાતું નથી.

પણ અહીં તો એક બિન્દાસ્ત કવિ બોલી રહ્યો છે. એની નિસબત ગણિતબાજ માણસ સાથે નથી પણ ઉન્મુક્ત પ્રકૃતિ સાથે છે. એમને કોઈના બે હાથનું આલિંગન પૂરતું નથી. રમેશ પારેખની હાથ વિશેની એક ગઝલમાં આવો શે’ર છે :

‘આ મારા હાથને હમણાં જ ગિરફ્તાર કરો,

કે એણે તોપનાં મોં જીવતાં કરેલાં છે.’

આ કવિ તો સુગંધના આલિંગનમાં લપેટાઈ જવા ચાહે છે. એને મન પુષ્પોનો પરિમલ સર્વસ્વ છે અને એનામાં બંધાઈ જવું એટલે બંધન નહીં પણ મુક્તિ. કેવો વિરલ અનુભવ! કોકિલ કંઠનો સાદ સંભળાય અને કવિ એ પણ પ્રકૃતિ સાથેનું જ એમનું તીવ્ર અનુસંધાન! અહીં ક્યાંય માણસ નથી, કેવળ પ્રકૃતિ છે. કારણ કે પ્રકૃતિ અપ્રયોજન છે. માણસ સપ્રયોજન છે. એમ કહેવાયું છે :

‘નકશા ચલે ઈમારત, બાબા!

વૃક્ષ ચલે નિજ લીલા.’

મકાન નકશા પ્રમાણે બને છે પણ વૃક્ષ તો નિજલીલાએ વિસ્તરે છે. એને માટે કોઈ નકશો હોતો નથી. કવિની આંખો એટલે જ નિખિલના સહુ રંગ જોઈને ઘેલી ઘેલી બની જાય છે.

પણ આ બધાંમાં કેન્દ્રસ્થાને એક ચિરંતન તત્વ તો રહે જ છે. અને તે તત્વ એટલે પ્રેમ. કવિ કહે છે કે મન જ્યાં લઈ જાય ત્યાં જવું, પણ છેવટે તેનો ઉતારો પ્રેમ સિવાય અન્યત્ર ક્યાંય ન હોય. પ્રેમ રૂપે પ્રેમની સન્નિધિમાં પહોંચવું એટલે જ સાચું જીવવું. જીવનનો અનુભવ પદાર્થો નથી આપતા, પ્રેમ આપે છે. પ્રેમસ્વરૂપ બની જવાનો મહિમા કવિ બરાબર પિછાણે છે અને એટલે જ એમની નિરુદ્દેશે યાત્રામાં પ્રેમ જાણ્યેઅજાણ્યે પણ એમનો હમસફર બની જાય છે.

કવિ કોઈ પૂર્વે કંડારાયેલા માર્ગ પર ચાલતા નથી. એવો કોઈ રસ્તો લેવો એમને ફાવે તેમ પણ નથી. એ તો પોતાનો, ખુદનો માર્ગ રચીને તેના પર ચાલવા ઈચ્છે છે. મજા તો એ વાતની છે કે પોતે જ્યાં ડગલું માંડે ત્યાં રસ્તો રચાઈ જાય!

‘પંથ નહીં કોઈ લીધ,

ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી!’

એ કેડીએ ભૂલા પડી જવાનો સંભવ છે. પણ અમિત વ્યાસ એક ગઝલમાં લખે છે:

‘છે ભૂલા પડવાનો એક જ ફાયદો

કેટલા રસ્તા પરિચિત થાય છે!’

આસપાસ જે કંઈ દેખાય છે તે બધું જ એકધારું નથી. ક્યારેક તેજ છે, ક્યારેક છાયા છે. જિંદગીના તડકા છાયાને કવિ બહુ સ્વાભાવિક રીતે ગાંઠે બાંધી લે છે. મીરાંબાઈએ સઘળાં દુઃખોની ગઠરી ફેંકી દઈ ગાયેલું:

‘કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

સદા મગનમેં રહના જી!’

આ તડકા-છાંયા વીણાના પ્રસન્નતાથી ભરી દેતા પૂરવી રાગમાં કયાંય વિલીન થઈ જાય છે. સુખ:દુખ જેવું હકીકતે કશું છે જ નહીં. એ તો આપણા મનના ખ્યાલો માત્ર છે એ પ્રતીતિ કવિને છે. અને એટલે પ્રસન્નતાથી ઈતર એવું કશું એમને ખપનું નથી. આનંદસ્વરૂપ હોવું એટલે જ નિષ્ફિકર હોવું. ચિત્તની તમામ મલિન ઈચ્છાઓ નિર્મૂળ થઈ જાય અને નિર્વિકલ્પ, નિરાકાર એવું સત ચિત આનંદ સ્વરૂપ કશુંક અનુભવાવા લાગે તેવી પવિત્ર ઘટના કોઈ સદભાગીને જ સાંપડે. કવિ બહુ લાક્ષણિક રીતે પોતાનાં બંધનોની બેડી અંગે કહે છે:

‘એક આનંદના સાગરને જલ

જાય સરી મુજ બેડી...’

કશું જ બંધન હોય તે સ્થાને આંનદલોક સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. કવિ અહીં સાગરમાં બેડી સરી જવાની વાત કરે છે. આ સાગર તે ખારા પાણીથી ઘૂઘવતો દુન્યવી સાગર નહીં પણ આનંદનો સાગર, જેનાં મોજાં જોઈ શકાતાં નથી, જેનો ઘુઘવાટ સાંભળી શકાતો નથી. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ;

'નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો

વણ જિહવાએ રસ સરસ પીવો ,

આવું બને ત્યારે શું શામાં ભળે છે અને શું શામાંથી નીકળે છે તેની ખબર રહેતી નથી. કવિ કહે છે;

‘હું જ રહું વિલાસી સહુ સંગ

ને હું જ રહું અવશેષે’

દરેકની સાથે જોડાઈને પણ અકબંધ, આખ્ખેઆખ્ખા અવિશિષ્ટ રહેવું એટલે અખિલાઈનો અનુભવ કરવો. આપણે આપણા ભાગલા પાડતા રહીએ છીએ. કવિ તેનાથી જુદી જ વાત કરે છે. નિસર્ગમાં ઓગળવું, વિલીન થવું એટલે જ નૈસર્ગિકતાનું સર્જન કરવું અને આ બધું કરવું તે પણ

નિરુદ્દેશે.

જીવન જીવવાનો આમ તો આ એક આસાન એવો તરીકો લાગે છે. પણ આપણું વ્યવહારજગત આપણને એવું તો ચોતરફથી જકડી રાખે છે કે કવિની સાથે આપણે પણ નિરુદ્દેશે નીકળી પડવાનો મનસૂબો કરવા લાગીએ છીએ. એક તરફથી છૂટીએ અને બીજી તરફ બંધાઈએ તેવી આપણી જીવાતુભૂત વાસ્તવિકતાઓ વચ્ચે સંપૂર્ણ મુક્તિનો આનંદ લેવાનું ક્યાંથી શક્ય બને ? આપણામાં આ બધું ઓગાળી દઈ શકાય એટલી જગ્યા જ ક્યાં છે? કવિ રાજેન્દ્ર શુક્લની ગઝલના એક શે’રથી વાત પૂરી કરું ;

‘નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં,

હું પૂર્ણ આવકાર છું, હું સર્વનો સમાસ છું’