એક રે કયારામાં બેઉ મ્હોરિયા Swarsetu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રે કયારામાં બેઉ મ્હોરિયા

એક રે કયારામાં બેઉ મ્હોરિયા

તુષાર શુક્લ

થોડા સમય પૂર્વે એક કાર્યક્રમમાં જવાનું થયેલું. ગુજરાતી સુગમસંગીતની મહેફિલના એ કાર્યક્રમમાં ઉપસ્થિત એક કલાકારને એક ફરમાઈશ થઇ, પણ કલાકારને એના શબ્દો યાદ નહોતા આવતા. એટલે એમણે લા...લા...લા...લા... રૂપે ગીત ગણગણીને ફરમાઈશ કરનારાને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો. અહીં સુધી તો વાત બરાબર હતી. પોતાના શ્રોતાને રાજી રાખવા એ કલાકારની જવાબદારી છે. અહીં બજારનો નિયમ લાગુ પડે જ છે-‘ગ્રાહકનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે.’ એવું લખનાર દુકાનદારની જેમ!

પણ, એમણે વિસ્મૃતિનો દોષ ઢાંકતા એક એવો તર્ક સામે ધર્યો કે જે ચર્ચાસ્પદ હતો. અને એણે જાણકારોમાં ખાસ્સો ચણભણાટ સર્જ્યો. કલાકારે અતિ ઉત્સાહમાં કહી દીધું કે, ગીતના શબ્દોનું કોઈ મહત્વ નથી હોતું. અંતે તો સ્વરાંકન જ લોકોના હોઠે સચવાય છે. એમણે આ વિધાન શું કામ કર્યું હશે એ તો એ જ જાણે. એને એક છેડે એમને યાદ ન આવતા શબ્દો ય કારણરૂપ હોઈ શકે અને એક છેડે સંગીતકાર હોવાને કારણે સંગીતનો હાથ ઉપર હોવાનો ખ્યાલ પણ જવાબદાર હોઈ શકે.

એમની આ વાતે મન વિચારે ચડ્યું.

ગવાતું ગીત યાદ ન આવતું હોય ત્યારે એનો ટ્યુન જ ગણગણાવાતો હોય છે. અને કેટલીક વાર એણે કારણે જ ગીત યાદ આવી જતું હોય છે. સ્વરની આંગળીએ શબ્દ યાદ આવે એવું બને. આપણે સહુ આ રીતે ગીતો યાદ કરતાં હોઈએ છીએ. ગવાતાં ગીતમાં સ્વરાંકનનો મહિમા મોટો હોય છે. માત્ર કાગળ પર રહેલા ગીતના શબ્દો કરતાં આ રીતે સ્વરબદ્ધ થઈને ગવાતું ગીત વધુ યાદ રહે છે. એ આપણો ય અનુભવ છે. એનો અર્થ એ કે શબ્દને ગૂંજતો રાખવાનું મહત્વનું કામ સ્વર કરે છે. ગીત એના સ્વરાંકનમાં ગૂંજે છે. આ સંદર્ભે જોઈએ તો ગીત માટે સ્વરાંકન મહત્વનું છે. ગીતની લોકપ્રિયતામાં એનું યોગદાન મોટું છે.

પણ ચર્ચાનો મુદ્દો એ બન્યો કે તો કવિતાનું શું? ગીતના શબ્દોનું મહત્વ નહીં? જ ગવાય છે તે તો ગીતના શબ્દો છે. એકલું સ્વરાંકન નથી ગવાતું... લા... લા... લા... લા... ગાઈને શો થઇ શકે? વાત ઉશ્કેરાટભરી હતી અને ઉશ્કેરાટ વધે એવી ય હતી. (કેટલાકને આવા મુદ્દામાં રસ વધુ પડે છે!)

મુદ્દો બહુ જૂનો છે. સુગમસંગીતમાં શબ્દનો મહિમા વધુ કે સ્વરાંકનનો મહિમા વધુ? કવિનું માનવું છે કે કવિતા મહિમાવંત છે. સંગીતકારોનું માનવું છે કે સંગીતનો સાથ ન હોય તો આ કલાપ્રવૃત્તિ જ શક્ય નથી. આ વિવાદ જમાના જૂનો છે. શબ્દ પહેલો કે સ્વર એ લડાઈ મરઘી અને ઈંડા જેટલી જૂની છે.

સુગમસંગીતની આવશ્યકતા છે ગીત અને સ્વરાંકન. બંને ગાવા માટે ગીત જરૂરી અને ગાઈ શકાય એ માટે સ્વરાંકન જરૂરી. અર્થાત જરૂરી તો બંને જ છે. હવે એમાં કોણ ‘વધુ જરૂરી’ એવો ઝઘડો કરનારાનો રસ એકેડેમીક ડિસ્કશનનો નથી હોતો. એમને તો વાતને વળ ચડાવેલો રાખવો હોય છે. કેટલાક તો વળી શબ્દ અને સંગીતની ટકાવારી ય કાઢે છે. ૬૦ ટકા/૪૦ ટકા મૂકીને એમાંય ઝગડે છે તો વળી કોઈક સમાધાનકારી રસ્તો કાઢતા બંનેના ૫૦ ટકા ગણે છે. કલાપ્રવૃત્તિ આ રીતે ન જ મૂલવાય.

સુગમસંગીતમાં બંને મહિમાવંત જ છે. કવિની કવિતા પહેલી આવે ને પછી સ્વરકાર સ્વરબદ્ધ કરે એ સાચું, પણ એમ તો સ્વરાંકન પહેલાં તૈયાર થાય અને ગીત એના પર લખાય(અને એ પણ લોકપ્રિય બને) એવાં ય ઘણાં ઉદાહરણ છે. આથી કોણ પહેલું અને કોણ પછી એવો વિવાદ નિર્થક છે.

સુગમસંગીતને ‘સંગીત-કાવ્ય’ અને ‘કાવ્યસંગીત’ એવાં બે નામ મળ્યાં છે. આ બંને નામોમાં પહેલાંમાં ‘સંગીત’ પ્રથમ મુકાયું છે અને બીજામાં ‘કાવ્ય’ પ્રથમ મુકાયું છે. અને આ બંને નામોમાં સુગમસંગીતની ઓળખ બાબતે પ્રવર્તતી મૂંઝવણ અભિવ્યક્ત થાય છે. ‘સંગીતકાવ્ય’ કહેનારાનાં મનમાં સ્પષ્ટ છે કે અહીં કાવ્ય સંગીતના સથવારે ગવાશે. એટલે સંગીત મહત્તવનું રહેશે અને કાવ્યસંગીત કહેનારાના મનમાં સ્પષ્ટ છે કે અહીં જે ગવાય છે તે કાવ્ય છે. ને એ જ આ કલાપ્રવૃત્તિની વિશેષતા છે.

સંગીતકાવ્ય કહો કે કાવ્યસંગીત કહો સંગીતને મહત્વ આપો કે કાવ્યને મહત્વ આપો, વાસ્તવમાં આ કલાપ્રવૃત્તિમાં કાવ્ય અને સંગીત બહુ વિશિષ્ટ હેતુસર જોડાય છે. એમનું યુગ્મ બહુ સૂચક છે. અહીં સ્વરાંકનનું કામ કાવ્યને ઉઘાડવાનું છે. કવિના શબ્દને ખોલવાનું છે. અર્થાત અહીં સ્વરાંકન કવિતાને વફાદાર છે.

કવિતાના ભાવજગતને એ ભાવજગતથી ઊફરું ન ચાલી શકે. એ ભાવજગત સાથે સંબંધ જ ન હોય એવું ન ચાલે. સ્વરાંકન કવિતાને પાંખો આપી, બહોળા ભાવક સમૂહ સુધી લઇ જાય છે. આ સાચું પણ એ કવિતા ભાવક સુધી પહોંચે એટલું જ પર્યાપ્ત નથી. ભાવક સામે ખૂલે એ જરૂરી છે અને અહીં સ્વરાંકનની જવાબદારી આવે છે. સ્વરાંકન એવું જ હોવું જોઈએ જે કવિતાનું પૂરક બને.

આવા સંજોગો જ્યાં સર્જાય, જ્યાં આવું યુગ્મ રચાય ત્યાં કવિતા સુપેરે પહોંચે છે. આમ, કવિતાને પહોંચાડવામાં સ્વરાંકન ઉપયોગી થાય છે અને એના અર્થનું ભાવક સુધી સફળ પ્રત્યાયન થાય છે. એ જ એની પૂર્વશરત છે અને સાર્થકતા છે. એ સિવાયનું સ્વરાંકન ગમે તેટલું આકર્ષક હોય, અર્થહીન છે. અને પોતાની ફરજ ચુકે છે.

આરંભમાં આલેખેલો પ્રસંગ આના પ્રકાશમાં જોઈએ. સ્વરાંકન સુંદર હતું એ સાચું, યાદ રહી ગયેલું એ ય સાચું પણ, યાદ રહ્યાનું મુખ્ય કારણ જ એ હતું કે એ સ્વરાંકન એ ગીતનું પ્રાણ હતું. ગીતનું જે ભાવજગત કવિના મનમાં હતું એ સ્વરાંકનની મદદથી ભાવકના મન હૃદય સુધી પહોંચ્યું હતું. અને ત્યાં ઘર કરી ગયું હતું. એમાં કેવળ લા...લા...લા...લા... કરવાની પ્રત્યાયનથી થતું. લા...લા...લા...લા...થી માત્ર ગીતનો મિજાજ પહોંચે છે. ગીતના શબ્દો જ એમાં રહેલ ભાવજગતને ભાવક સુધી પહોંચાડે છે. શબ્દ વગર એ બધું અધૂરું લાગે છે. સ્વરાંકન યાદ રહેવા માટે ઉપયોગી થાય એ ખરું, પણ જે યાદ રહે છે એ ગીત છે. ને ગમી જાય છે એ ગીતમાંથી પ્રગટતો ભાવ છે

શબ્દ મોટો કે સ્વર ? શબ્દ પહેલો કે સ્વર? આવા સવાલોની ચર્ચા બાલીશ છે. સ્વરાંકનો મહિમા કરવા જતા શબ્દનું મૂલ્ય ઓછું આંકવાનો અભિગમ યોગ્ય જ ન ગણાય. સુગમસંગીતમાં કવિ અને સ્વરકાર બંને સન્માનનીય છે. કવિનું ગીત, સ્વરકારનાં સ્વરાંકનમાં અને સ્વરકારનું સ્વરાંકન કવિના ગીત સથવારે શોભે છે. આ સંબંધ પરસ્પરનો પૂરક છે અને આ કલાપ્રવૃત્તિ પૂરતો અવિભાજ્ય છે.