બા તું કયાં હશે Swarsetu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બા તું કયાં હશે

બા તું કયાં હશે ?

મને હું સમજાયો છું પોક મૂકી રડવું છે બા તું કયાં છે?

તારા એ ખોળામાંથી પાછા જડવું છે બા તું કયાં છે?

ઘડપણના આરે ઊભો છું અને હવે સમજાઈ રહી તું,

તું કહેતીતી એવું આ જીવન ઘડવું છે બા તું કયાં છે?

સાવ અભણ તારી એ વાતો ખૂબ હવે મઘમીઠી લાગે,

જે દેખાયુંતું મીઠું એ તો કડવું છે બા તું કયાં છે?

અંધ છતાં પ્રગટાવી દીધો રોજ રાહ સાંજે જોતી’તી,

સવાર થઈ તારા જીવનમાં ઊઘડવું છે બા તું કયાં છે?

દોડી જોયું બધેય સઘળે સુખ વેચાતું કયાંય ન મળે,

તું બેઠી છે એ હિંમત પર ફરી ચાલવું છે પડવું છે બા તું કયાં છે?

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જીવનના એક તબક્કે, એક વળાંકે મૃત્યુ પામેલાં માતા-પિતા ખૂબ યાદ આવતા હોય છે. બાળપણ યાદ આવતું હોય છે. ઘણા એવા શબ્દો અને વાતો યાદ આવતાં હોય છે અને ત્યારે એટલી મોટી બૂમ પાડીને બોલવાનું મન થાય છે, પૂછવાનું મન થાય કે, બા તું કયાં છે? બાળપણમાં રડી પડીએ અને બા દોડતી આવે. બાનો હાથ આંસુ લૂછતો જ હોય અને બીજો હાથ બરડે ફરતો હોય. મન ખૂબ ભરાઈ ગયું હોય પણ બાને વળગીને રડી પડીએ એટલે હળવા. જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ ધીરે ધીરે આંસુ છુપાવતાં અને દબાવતાં થઈ ગયા.

ઘણી વાર આંખમાં ઝળઝળીયાં આવે, ડૂમો ભરાયો હોય અને બાનો હાથ હળવેકથી માથાને સ્પર્શ્યો જ હોય અને એક જ વાક્ય કહે હશે કંઈ વાંધો નહીં..મને થાય હું કશું બોલ્યો નથી, મેં કશું કહ્યું નથી અને તું મને કહે છે હશે...કંઈ વાંધો નહીં... બાને પૂછી બેસતો કે મારા મનમાં શું ચાલે છે એ તું સમજે છે? તને ખબર છે? અને બા હસીને એટલું કહેતી કે તું તને સમજે છે એના કરતાં હું તને વધારે સમજું છું. જે બાળકને પોતાના પેટમાં નવ માસ સુધી ઉછેર્યું હોય એ બાળકને મા ઓળખતી જ હોય છે. એટલા માટે જ પ્રત્યેક વ્યક્તિ તેના દુઃખમાં તેની માને યાદ કરે છે, પોકારે છે, એટલા માટે જ બાળક બોલતા કે સમજતા ય શીખ્યું નથી હોતું એનીય પહેલાંથી માતાના સ્પર્શને ઓળખતું હોય છે, માતાના સ્પર્શથી છાનું રહી જતું હોય છે.

પ્રત્યેક માણસને એવું થતું હોય છે કે મને કોઈ સમજતું નથી, મને કોઈ સમજ્યું નહીં. મને કોઈ તો સમજે એવી ઇરછા હોય છે. વાતવાતમાં કહેતા હોઈએ છીએ કે હું બધું સમજું છું પણ શું ખરેખર આપણે સમજતા હોઈ છીએ ખરા? બોલતાં પણ ના શીખેલા બાળકને કયારે શું જોઈએ છીએ અને કયારે કેમ રડ્યું તે બહુ જ સારી રીતે મા સમજતી હોય છે. આજે વર્ષો પછી બા યાદ આવી છે. કયારેક રડી પડતો ત્યારે કહેતી હતી કે, ‘તું મને સમજે છે ને એના કરતાં હું મને નથી સમજતો? આજે ઘણાં વર્ષો પછી હું મને ઘણો ઘણો સમજાયો છું ત્યારે થાય છે કે એણે મન આટલી બધો એમનેમ કઈ રીતે સમજી લીધો હશે?

આજે પોક મૂકીને રડી લેવાનું મન થાય છે. પણ બા નથી. કોને પૂછું? કયાં જઈને બૂમ પાડું? આટલામાં કયાંક હોત તો તો આવી જ ગઈ હોત. આજે પોક મૂકીને રડી લેવું છે. ખૂબ હળવા થઇ જવું છે. સાવ ખાલી થઇ જવું છે. સંસારમાં એવો ખોવાઈ ગયો છું કે કયાંય મળું એમ નથી. મારે મને જડવું છે. ચૂપચાપ ડૂસકાં પોકારી રહ્યાં છે કે બા, તું કયાં છે?

બા આજે જીવતી હોત તો લગભગ ૧૨૬ વર્ષની હોત અને હવે તો હું ય ઘરડો થઇ ગયો છું અને હવે બા મને સમજાઈ રહી છે. ઘણી વાર પૂછી બેસતો શા માટે આવી ચિંતાઓ કરે છે અને કહેતી કે તમે મા-બાપ બનશોને ત્યારે સમજાશે. આજે હવે પિતા બની ગયો છું. બાની બધી જ ચિંતાઓ, કાળજી, વ્હાલભરી દૃષ્ટિ, પ્રશ્નો અને સવાલોની વણજાર બધું જ સમજાઈ રહ્યું છે. આખુંય જીવન યુનિવર્સિટીની ડીગ્રીઓ મુજબ જીવી લીધું છે. હવે થાય છે કે બા કહેતી’તી એવું જીવન ઘડાયું હોત તો વધારે સારું હોત. ગમે તે મૂંઝવણમાંથી બા રસ્તો કાઢી આપતી હતી. હવે પ્રશ્ન થાય છે કે બહુ ઓછાં વર્ષો જિંદગીનાં રહ્યાં છે. મારે જીવન ફરીવાર ઘડવું છે. બા, તું કયાં છે?

સાવ દેશી, અભણ જરાય આધુનિક નહીં એવી બાની વાતો અને પ્રેમ કેવા અને કેટલા સાચા હતા એ સમજાય છે. એનો એ અવાજ, એ લ્હેકો મઘમીઠો લાગે છે. એટલું જ કહેવું છે કે બા તું ક્યાં છે? જે દુનિયા જે જગત બહુ મીઠા લાગ્યાં હતાં એ તો સાવ કડવાં નીકળ્યાં.

એ આંધળી માને મારા આંસુ દેખાતાં હતાં. એની અંધ આંખો ઓસરીએ દીવો કરીને રોજ સાંજે મારી રાહ જોતી હતી. થાકીને પાછી સૂઈ જતી હતી. આજે હવે થાય છે કે બા તું કયાં છે? કહે મારે તારા જીવનમાં સવાર થઈને ઊઘડવું છે. મારે તારા જીવનમાં હૃદયથી ઉઘડીને સૂરજ બની જવું છે પણ...

બધે જ દોડી જોયું, બુદ્ધિ અને શક્તિ મુજબ શિખરો પણ સર કરી જોયાં, દુકાને દુકાને ફરી જોશું. કયાંય સુખ વેચાતું નથી મળતું. ખરું સુખ તો બાની હાજરીમાં હતું. એની હાજરીથી હૃદયમાં હિંમત આવી જતી હતી. એ હિંમતમાં સુખ હતું.

બધા જ રસ્તાઓ ખૂંદી વળ્યા પછી ફરી ઇરછા જાગી છે કે બા ઊભી છે, મને જોઈ રહી છે. પડીશ તો હસીને ઊભો કરી દેશે. એ શ્રદ્ધા ઉપર જગતમાં ચાલવું છે, પડવું છે. પ્રશ્ન એક જ છે બા હવે તું કયાં છે? નાની-નાની દીકરીઓને રમતી જોઉં છું અને લાગે છે બા ફરી વાર આ દીકરી રૂપે જ જન્મી હશે.