Speechless Words - 24 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words - 24

|| 24 ||

સૌથી પહેલા તો દરેક વાંચકમિત્રોનો હું આભાર માનું છું કારણ કે મારે આ 24મુ પ્રકરણ રજૂ કરવામાં ઘણો સમય લાગ્યો છે, આમ છતાં તમારા બધા મિત્રોના મળેલા સાથ સહકાર બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રકરણ 23 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને દિયા ઝઘડો થઈ જાય છે. દિયાનો બર્થ ડે આવી રહ્યો હોય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

દિયાનો બર્થ ડે આવી રહ્યો હતો. મારે અને દિયાને છેલ્લે જીગરનું નામ લેવાના કારણે બહુ જ મોટો ઝઘડો થયેલો હું બહુ જ મુંઝવણમાં હતો પણ મેં એવી બધી વાતો છોડીને મારા કરિયર પર કોન્સન્ટ્રેટ કરવાનું નક્કી કર્યું. મારૂ ભવિષ્યનું પ્લાનિંગ મારા મગજમાં બરાબર ઘડાય રહ્યું હતું. પરિણામે આ દિવસ બહુ દૂર નહોતો જ્યારે દિયાનો બર્થ ડે હતો. ૨૪ મી મે – ૨૦૧૪, મને આ દિવસ ખાસ યાદ રહી જાય એવો હતો કારણ કે હંમેશાની જેમ આજે પણ હું તેનો બર્થ ડે ભૂલી ગયો.

મે મહિનો હતો એટલે ગરમીનું જોર ઘણું વધારે હતું. આવા ઘોર તાપમાં રાજકોટના લોકોનું એક જ કામ બપોરે એક થી ચાર કોઈ પણ કામ હોય બંધ રાખીને સૂઈ જવાનું. હું પણ સૂતો હતો અને અચાનક મારા નોકીયા 2690 ફોનની રીંગટોન વાગી અને સ્મશાનમાંથી જાણે અચાનક મડદું બેઠું થાય એમ હું પથારીમાંથી ઊભો થયો અને લગભગ તો હું દરરોજ બપોરે ફોન સાયલેન્ટ મોડ પર જ રાખીને સુવ છું પણ આજે ભૂલથી ઓનમાં રહી ગયેલો અને પછી સારું થયું કે ઓનમાં હતો. હું ઊભો થયો અને આંખો ચોળતા ચોળતા મેં મારા મોબાઇલની સ્ક્રીન પર નામ જોયું ‘Hetvi’ અને તરત જ મેં ફોન રીસીવ કર્યો અને અમારી વાતો શરૂ થઈ.

( ફોનમાં )

આદિત્ય : હા, બોલ હેતુ

હેત્વી : આદિ, આજે કેટલી તારીખ છે ?

આદિત્ય : 24 મે, કેમ ? ?

હેત્વી : અને આજે શું છે તે તો તને ખબર જ હશે ને ?

આદિત્ય : ના કેમ શું છે આજે ?

હેત્વી : આજે દિયાનો બર્થ ડે છે એ પણ તું ભૂલી ગયો ને ?

આદિત્ય : ઓહ શીટ, તું કરને એને ફોન કરને પ્લીઝ..

હેત્વી : હું ?? ના રે ના હું કઈ નથી કરવાની

આદિત્ય : ઓય કરને પ્લીઝ

હેત્વી : ઓકે તું જ કહીદે એને હાલ આપું એને

( દિયા અને હેત્વી સાથે જ હતા )

દિયા : હલો, હમ્મ બોલો

આદિત્ય : યાર સોરી ભૂલાય ગયું મને સાવ મગજમાંથી જ નીકળી ગયું કે આજે તારો બર્થ ડે છે.

દિયા : હા સારું

આદિત્ય : હમણાં જો ફેસબુક પર મસ્ત પોસ્ટ લખું તારા માટે

દિયા : ઓકે

આદિત્ય : કેમ કઈ બોલતી નથી ?

( હું દિયાની એક આદતથી હંમેશા પરેશાન રહ્યો અને એ હતી તેનું ના બોલવાનું. ખબર નહીં કેમ પણ તે ક્યારેય કઈ જ ના બોલતી. દર વખતે હું એકલો જ બોલતો હોય. દિયા તો બસ હા ઓકે હમ્મ વાત પૂરી ગૂડ નાઈટ કહીને સૂઈ જવાનું )

દિયા : બસ એમ જ, અત્યારે છે ને મારા ઘરે પપ્પાએ બધા માટે જમવાનું રાખ્યું છે તો કેટલા બધા ગેસ્ટ આવ્યા છે અને એટલે હું થોડીક બીઝી છું.

આદિત્ય : અરે પણ વાત તો કર. મને ના બોલવાય પાર્ટીમાં ?

દિયા : અરે બોઈઝ થોડા ફ્રેન્ડસમાં અલાઉડ હોય ?

આદિત્ય : અચ્છા, હું તારા વિશે પોસ્ટમાં શું લખું ફેસબુક પર એ કે ને મને

દિયા : એ મને નથી ખબર તું મારી ફેસબુક વોલ જોઈ લે તને ખબર પડી જશે.

બસ, આટલું બોલીને દિયાએ કોલ કટ કરી નાખ્યો. મને તેની આ જ આદત બહુ જ દુ:ખ પહોંચાડતી. ખબર નહીં કેમ દિયાને મારી સાથે વાતો કરવામાં જાણે રસ ના હોય એમ જ તે વાત કરતી. આમ, છતાં પ્રેમ તો દિલમાં હતો જ આથી હું તેને ક્યારેય ગુસ્સેથી કઈ જ ના કહેતો અને તેને પણ ખબર જ છે કે આજ સુધી મેં ક્યારેય પણ તેના પર ગુસ્સો નથી કર્યો. ખેર, ત્યારબાદ મેં ફેસબુક પર પોસ્ટ લખી જે આવી હતી,

ભોળો ચહેરો છે, માસૂમ દિલ છે,

નાજુક એનું સ્મિત છે, જલપરી એનું નામ છે.

Dear My Sweet Jalpari Diya, Wish you a very happy birthday sorry for late.

આટલું લખીને હું ફરીવાર બેડ પર સૂતો પણ પછી નીંદર આવે ? મને તો બસ એના જ વિચાર આવવા લાગ્યા કે આજે તેનો બર્થ ડે છે તો તેણે શું પહેર્યું હશે ? કેવી લગતી હશે ? ક્યારેક એમ થતું કે હેત્વીને કોલ કરીને પૂછું કે દિયાએ આજે શું પહેર્યું છે કે ને પણ વિશ્વાસ તો મને હેત્વી પર પણ નહોતો. શું કરું ? કઈ સમજમાં નહોતું આવતું. સમય વિત્યો અને દિયાના ઘરની અગાસીમાં એટલે કે અમદાવાદી ભાષામાં ધાબા પર ગરબા શરૂ થયા. દિયાનું ઘર બહુ જ મોટું હતું અને હા સિંગલ ફ્લોર જ પણ છતાં ત્રણ બેડ હૉલ કિચન. આથી અગાસી મોટી હોવાથી ગરબા રમવાની મજા આવે આથી દિયાની અગાસી પર ગરબા શરૂ થયા અને હું બસ આમ જ ઊભો ઊભો જોતો હતો. હા, મારા ઘરથી તેનું ઘર ઘણું જ દૂર છે છતાં મજા આવે ભલે ને એ દેખાતી નહોતી પણ એમ થાય તો ખરા કે તે રમતી હશે એમ બસ જોયા કરતો હતો. અચાનક મને શું થયું મેં હેત્વીને કોલ કર્યો.

આદિત્ય : હેત્વી તું નીકળી ગઈ દિયાને ત્યાંથી ?

હેત્વી : હા, બસ જો હમણાં જ નીકળી ત્યાં બધા ગરબા રમે છે અને મારે મોડુ થતું હતું.

( આપણને શું એમનેમ મજા તો આવે નહીં એટલે મેં હેત્વીને પૂછ્યું )

આદિત્ય : સાંભળ ને, દિયાના સ્વિમિંગના ગ્રુપમાંથી કોઈ જિગર બિગર કોઈ આવ્યા છે કે નહીં જસ્ટ કે ને

હેત્વી : ના રે ના ખાલી હું એકલી જ ફ્રેન્ડમાં હતી યાર બાકી બધા રિલેટીવ હતા.

આદિત્ય : થેન્ક યુ સારું હાલ બાય.

તમને કોઈ બહુ જ ગમતું હોય પણ તમને તેના જ બર્થ ડે માં જવા ના મળે એટલે દુ:ખ તો થવાનું ને ? મને પણ થતું હતું બહુ જ દુ:ખ થતું હતું. પણ શું થાય ? મારાથી તો ના રહેવાયું અને એટલે જ રાત્રે ૧૧ વાગ્યે મેં દિયાને મેસેજ કર્યો.

Me : So how’s birthday party ?

Diya : Its good bov j maja aavi aaje.

Me : Great

(હજી હું આગળ કઈ જ બોલું એ પહેલા)

Diya : Saru chal bye hu bov j thaki gai chhu gn sd tc

Me : Ok bye

મૂડ એટલો સારો હતો અને અચાનક ખરાબ થઈ ગયો અને હવે આમાં હું સામે ગૂડ નાઈટ કેવી રીતે કહું ? ખાલી બાય કહીને ફોનમાંથી નેટ ઓફ કરીને ફોન મૂકી દીધો. આ સમય હતો જ્યારે મેં જૂનો સ્માર્ટ ફોન ખરીદ્યો હતો અને તે હતો XOLO Q600 આથી વોટ્સ એપ પર વાતો થતી. સમયની ગતિ વધતી જતી હતી અને પરિણામે મારો બર્થ ડે આવી ગયો પણ દિયા અને હેત્વી બંને કોઈ હેતુસર કેમ્પમાં ગયેલ હોવાથી કોઈએ મને વીશ ના કર્યું. હું થોડોક નિરાશ હતો પણ આપણે કોઈને ના તો ના પડી શકીએ ને અને સામેથી બર્થ ડે વીશ કરવાનું પણ ના કહી શકીએ. સમય વધુ પસાર થયો અને દિયાની પર્સનલ લાઈફમાં આવ્યો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અને આ એવો ટર્નિંગ પોઈન્ટ હતો જેમાં હું હીરો તરીકે હતો જ નહીં. શું થયું એવું ? એની વાત હવે શરૂ થાય છે. હવે, સ્પીચલેસ વર્ડ્સ સ્ટોરી બરાબર પોઈન્ટ પર આવીને ઊભી હતી.

દિયા અને મારા વચ્ચે કોન્ટેકટ એકદમ મર્યાદિત થઈ ગયા હતા. મોટા ભાગે અમારે વાત જ નહોતી થતી. કારણ કે તે તેના સ્વિમિંગની ઇવેન્ટ અને એન. સી. સી. ના કેમ્પસમાં વ્યસ્ત રહેતી અને હું એક અલગ દિશામાં ડગલું માંડી રહ્યો હતો. આ દિશા હતી મારા ટેલેન્ટની, એક એવી દુનિયા જ્યાં મારી જ જરૂર હતી અને પરિણામે હું મળ્યો મારા ડિપ્લોમા એન્જિનિયરીંગના સીનીયર સ્ટુડન્ટ રહી ચૂકેલા ઉમંગ પટેલને. ઉમંગ પટેલ તે સમયે નવા નવા મુંબઈથી એક ખ્યાતનામ ટીવી સીરીયલમાં ઈન્ટરનશીપ કરીને આવ્યા હતા. મને મારા પ્રોફેસર દ્વારા જાણ થતાં મેં ઉમંગનો ફેસબુક દ્વારા સંપર્ક કર્યો અને તેની પાસેથી તેના મોબાઇલ નંબર લઈને હું ઉમંગને મળવા ગયો. સ્વાભાવિક વાત છે તમે એક સ્ટ્રગલર છો તો તમને કોઈ મોટા વ્યક્તિ બહુ પ્રમાણસર માન આપે. મારી સાથે પણ આવું જ થયું. હું ઉમંગને રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર એક આઇસ્ક્રીમ પાર્લરમાં મળ્યો. અમારા વચ્ચે બહુ જ વાતો ચાલી અને પછી તેમણે મને પોતાના મુંબઈ ઈન્ટરનના ફોટોસ બતાવ્યા. હવે, તો મને મારી જૂની કળાઓ યાદ આવવા લાગી હતી. હું સ્કૂલમાં બહુ બધા ડ્રામા, સ્પીચ આપવી એવું બધુ કર્યા કરતો. આ બધુ જ મને યાદ આવવા લાગ્યું હતું અને મને બસ એક જ પ્રશ્ન થતો હતો કે યાર હું એન્જિનિયરિંગ શું કામ કરું છું ? કેમ ? હવે તો ઉમંગ સાથે એટલા બધા સારા સંબંધ કે હું મહિનામાં દસ થી બાર વખત તેને મળીને તેની પાસેથી બધુ શીખ્યા કરતો. પરિણામે એક એન્જિનિયરને હવે ડાયરેક્ટર બનવાની ધૂન ચડી હતી. નોઇડામાં આવેલી ખ્યાતનામ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં ફોર્મ ભરીને ફ્રી ઓનલાઈન એડમિશન ટેસ્ટ આપીને સીલેક્ટ પણ થઈ ગયો અને પરિણામે કોલ લેટર ઘરે આવ્યો અને પપ્પાએ વાંચ્યું બધુ.

‘આદિ, આ બધુ ફિલ્મનું શું છે ભાઈ ? શેનો લેટર છે આ ?’, પપ્પાએ મને પૂછતા કહ્યું.

‘પપ્પા, આ મેં એક ફિલ્મ ઇન્સ્ટીટ્યુટની ટેસ્ટ આપી હતી અને પપ્પા હું સીલેક્ટ થઈ ગયો બોલ’, મેં ખુશ થઈને હરખથી પપ્પાને કહ્યું.

પપ્પાએ મમ્મી સામે જોયું અને કઈ પણ બોલ્યા વગર લેટર લઈને ઘરમાં એક ખૂણામાં શાંતિથી બેસી ગયા.

‘પપ્પા, શું થયું ? પપ્પા, મારે ડાયરેક્ટર બનવું છે. આ એન્જિનિયરિંગ મારા હાથની વાત નથી. હા, હું પાસ જરૂર થઈશ પણ પછી... ?’, મેં પપ્પાને કહ્યું.

‘જો આદિ, તારું કઈ જ નક્કી નથી હોતું. તારે રેડિયોમાં જવું હતું એમાં પણ તું સફળ નથી થયો અને હવે તારે ડાયરેક્ટર બનવું છે. બેટા, આ ડાયરેક્ટર અને આર. જે. અને એ બધુ આપણે ના બની શકીએ અને આપણે એવા ખોટા સપના પણ ના જોવાય. આ બધુ બહુ પૈસાદાર લોકો હોય એ બધા કરી શકે તારું તો કામ જ નહીં.’, પપ્પાએ મને સમજાવતા કહ્યું.

‘પપ્પા, તમે મને એક વાત કહો, આ પૈસાદાર માણસ પૈસાદાર ક્યારે બને ?’, મેં મારા નિર્ણયને સાચો પાડવા માટે પપ્પાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

‘જ્યારે તેને કોઈ પણ નોકરીમાં સારો એવો પગાર મળે ત્યારે અને તે તેમાથી બચત કરે ત્યારે’, પપ્પાએ મને જવાબ આપ્યો.

‘અચ્છા હવે, નોકરી એક તરફ રાખો અને બીજી તરફ એટલે કે મારી જેમ વિચાર કરો કે તમે કોઈ એવા લેવલ પર છો જ્યાં તમારે પહોંચવું એ તમારું સપનું હતું અને હવે તમારી આવકની કલ્પના કરો’, મેં પપ્પાને થોડો મારા ટાઈપનો જવાબ આપ્યો.

‘આવક વધારે થાય પપ્પા, માત્ર સરકારી નોકરી કરનાર જ જો સારા ઘર બનાવતા હોત ને તો આટલા બધા બંગલોસ રાજકોટમાં હોત જ નહીં. હું ક્યારેય નોકરી નહીં કરું પણ છતાં પૈસા કમાઈશ.’, મેં પપ્પાને કહેલી વાતમાં ઉમેર્યું.

આમ કહીને હું કઈ પણ બોલ્યા વગર સીધો મારા રૂમમાં જતો રહ્યો. થોડો સમય વધુ વિત્યો અને સાવ બદલાય ગયો. મારૂ ધ્યાન હવે માત્ર ફિલ્મોની દુનિયામાં હતું. ક્યું નવું ફિલ્મ આવે છે ? કોણ બનાવે છે ? સ્ટોરી શું છે બધુ જ. આ સમયમાં બીજી તરફ દિયાની લાઈફ બદલી રહી હતી. દિયા બી. એસ. સી. કેમેસ્ટ્રી મુખ્ય વિષય સાથે કરી રહી હતી. આ સમય હતો જ્યારે દિયા મલ્ટી ટેલેન્ટેડ બનતી જતી હતી. સ્વિમિંગ, એન. સી. સી. અને સાથોસાથ ક્લાસિકલ મ્યુઝીકમાં સીંગીંગ અને સાથોસાથ ડાન્સમાં કથકની ટ્રેનીંગ લઈ રહી હતી. આ બધુ જ એક સાથે કેમ મેનેજ કરતી હશે એ તો મને પણ નથી ખબર તમને ક્યારેક રૂબરૂ મળે તો પૂછી શકો છો. ચાલો આગળ વધીએ.

આ સમય હતો જ્યારે દિયાની લાઈફમાં આવ્યો વિશાલ. વિશાલ એની અટક જ એક બહુ મોટી કન્ફ્યુશન હતી. વાત હવે શરૂ થાય છે. દિયા એન. સી. સી.માં હતી અને એન. સી. સી.માં અમુક ટાઇમ એવા પણ હોય જ્યારે ગર્લ્સ અને બોય્ઝ સાથે થઈ જાય પણ હા લેક્ચર્સ અલગ અલગ લેવાતા હોય. વિશાલ પણ એન. સી. સી.માં જ હતો. તમે જાણો જ છો કે આજકાલ કોઈ વ્યક્તિને જો કઈ ખરાબ જ કામ કરવું હોય તો એના માટે કોઈ મોટી વાત નથી. વિશાલે દિયાનો ફેસબુક દ્વારા કોન્ટેકટ કર્યો. કારણ કે દિયા એકદમ બ્યુટીફુલ હતી, આથી કોઈ પણ છોકરાના ધ્યાનમાં તરત જ આવી જાય. વિશાલ સાથે દિયાની ઘણી બધી વાતો થઈ. કારણ કે શરૂઆતમાં તો દિયા તેને ઓળખતી જ નહોતી. આથી વિશાલે પૂરી ઓળખાણ આપી અને અધુરામાં પૂરું એ પણ જણાવ્યુ કે વિશાલ પોતે પણ સ્વિમિંગ જાણે છે. સ્વિમિંગ તમે જાણો જ છો, દિયાને સ્વિમિંગનું નામ પડે એટલે મગજમાં ઘંટીઓ વાગવાનુ શરૂ થઈ જાય. દિયાએ વિશાલ સાથે નંબર એક્સચેન્જ પણ કર્યા અને હવે શરૂ થઈ દિયાની લાઈફની સૌથી બકવાસ લવ સ્ટોરી જેના લીધે હું દિયા પર સૌથી વધુ ગુસ્સે થયો હતો.

વિશાલ થોડો રીચ ફેમિલીનો છોકરો હતો એટલે ફેસબુક પર તેના ફોટોસ તમે જુઓ તો બહુ સારી અને મોંઘી મોંઘી કારમાં પડાવેલા હોય તો ક્યારેક રોયલ એન્ફિલ્ડ બાઈકમાં. આવા રોયલ શોખ ધરાવતો છોકરો એટલે વિશાલ.

*****

હવે, આ વિશાલની વાત આ સ્ટોરીમાં કેવી રીતે આવી ? વિશાલ કોણ છે ? શું કરે છે ? શું થશે ? શું આદિત્ય અને દિયા વચ્ચે પ્રેમપ્રકરણ ફરીવાર શરૂ થશે ? હું જાણું છું કે મારે આ પ્રકરણ તમારી સામે રજૂ કરવામાં ઘણો સમય લાગી ગયો છે જેના માટે માફ કરશો પણ હા આવતા પ્રકરણ સાથે અને આ વાત જાણવા માટે મળીએ આવતા પ્રકરણમાં આવતા સોમવારે ત્યાં સુધી આવજો.