Hunf books and stories free download online pdf in Gujarati

હુંફ

મૌની મમ્મી પપ્પાનું એક માત્ર સંતાન . પિતાના અવસાન પછી મૌનીને એક જ ફિકર હતી માતાનું કોણ ? જો સાસરાવાળા સારા નહી મળે તો મમ્મી ને કેમ સંભાળી શકીશ ? અને જો મમ્મીને સંભાળી નહિ શકું તો હું મારા લગ્ન જીવનમાં સુખી કેમ રહી શકીશ ? પપ્પાનાં અવસાન પછી મૌની એ એકદમ નિર્ણય કરી લીધો હતો કે એ લગ્ન તો નહિ જ કરે . મૌની એક કોલેજમાં પ્રોફેસર હતી . મમ્મીના અવસાનને આજે ૭ વર્ષ થવા આવ્યા . પણ ત્યારે મૌનીની ઉમંર ૩૭ ની થઇ ગઈ હતી. અને લોકોએ જ એવું નક્કી કરી લીધું હતુ કે મૌનીને લગ્ન કરવામાં રસ જ નથી . હવે એ કોઈને કહી શકે એમ પણ નહોતું કે હવે મારે લગ્ન કરવા છે . અને જો કોઈ બતાવે તો પણ બીજવર કે સંતાન વાળા જ પુરુષો બતાવતા . કે જેમને એક પત્ની નહિ પણ પોતાનાં બાળકોની માતા જોઈતી હતી . મૌનીને એ બાળકોની દયા પણ આવતી પણ એ પોતાને તૈયાર એ વાત માટે નહોતી કરી શક્તિ. ક્યારેક સગાઓ એને કહેતા પણ કે “ તને લાગે છે કે હવે આ ઉમરે તને કોઈ કુંવારો મળશે ? હવે ભૂલી જા , હવે તો કોઈ વિધુર જ મળી શકે ? જિંદગી એકલા નીકળશે નહિ. જે સારો વ્યક્તિ મળે એને પરણી જા “

આખરે એણે કંટાળીને બધાને કહી દીધું કે હવે કોઈ મને સલાહ પણ ના આપતા અને કોઈ મારી માટે માગુ લઈને પણ ન આવતા . ધીરે ધીરે લોકોએ એની સાથે આ વાત કરવાની જ બંધ કરી દીધી હતી .

મૌની ને એ દિવસ યાદ આવતો હતો જ્યારે એની મમ્મી એને કહેતી કે "મૌની પરણી જા...મારા માટે ન પરણવું એ મુર્ખામી છે..મારા ગયા સુધી તારી એટલી ઉમર થઈ જશે કે પછી તુ એકલી જીવી નહી શકે અને
તને પછી કોઈ મળશે પણ નહી.."અને આજે એ દિવસ આવ્યો હતો કે મમ્મીનાં મૃત્યુ પછી સાચ્ચે જ કોઈ નહોતુ મળતું કે જેની સાથે વાત પણ કરાય...પહેલા તો ઘરે આવવા માટે એ તલપાપડ રહેતી . મમ્મી સાથે વાતો કરવામાં , મમ્મીના હાથનું બનાવેલું જમવા માટે . અને છેલ્લા બે વર્ષ એની બીમારીમા એને સંભાળવામા. મૌની ને એ ૩૭ વર્ષ ક્યાં નીકળી ગયા એની પણ એને ખબર નહોતી પડી . અને એ પોતાનાં નિર્ણયથી ખુશ પણ હતી . પણ મમ્મીનાં અવસાનને દિવસે જ એને લાગ્યું કે જાણે એ આખી દુનિયામાં એકલી થઇ ગઈ હતી હવે એને રોજ એકલાં એકલાં જીવવામાં ભાર લાગતો હતો...પણ હવે બહુ મોડું થઇ ગયું હતું એટલે એ બાબતમાં વિચારી ને કાંઇ જ મતલબ નથી હોતો..કોલેજમાં પણ લોકોની ગુસપુસ ચાલતી હતી કે મૌની મેડમનાં લગ્ન નથી થયા ને એટલે જ આટલા ગુસ્સા વાળા છે અને બધી જ વાતમાં ચિડાય છે . આખી કોલેજમાં બીજા પ્રોફેસરો કે પછી કોઈ પણ વિદ્યાર્થી એની સામે આવવા માટે ઘભરાતા હતા .મૌનીને પોતાને પણ આ વાતનું અચરજ થાતું હતું કે એની માટે આવી છાપ ઉભી શું કામ કરી દેવામાં આવી હતી. એણે તો કદી કોઈ પર ગુસ્સો નહોતો કર્યો . હા એ પ્રોફેસરોની પાર્ટીઓ માં નહોતી જતી કે એ એમની બનાવેલી કીટી પાર્ટી માં નહોતી જતી . હા એ થોડી ચુપ થઇ ગઈ હતી. એનું હસવું પોતે જ ઓછુ થઇ ગયું હતું . અને લોકોએ પણ એનાથી થોડી દુરી બનાવી લીધી હતી . એને સામેથી કોઈ સાથ સંબંધ વધારવો ગમતો ન હતો . એ બહુ વાર વિચારતી કે કેમ કોઈ એ વિચારવાની કોશિશ નથી કરતુ કે એને પણ લોકોની કંપની ગમી શકે છે . કોઈ કેમ એને હસાવવાની કોશિશ નથી કરતુ . કેમ કોઈ એના ઘરે એની સાથે ગપ્પા મારવા નથી આવતું કે પછી પોતાનાં ઘરે કેમ કોઈ નહોતું બોલાવતું . ધીરે ધીરે એ એકલી પડતી ગઈ . અને હવે તો નવા આવવા વાળા પ્રોફેસરોને પહેલે જ દિવસે એના ગુસ્સાથી સંભાળવાનું કહી દેવામાં આવતું . એટલે કોઈ નવું વ્યક્તિ પણ એની પાસે આવતા ડરતું . ભણાવવામાં એના જેવું આખી કોલેજમાં કોઈ નહોતું ભણાવતું . વિદ્યાર્થીઓ ને જો પૂછવામાં આવે કે આખી કોલેજ માં બેસ્ટ પ્રોફેસર કોણ ? તો મૌની મેડમનાં નામનો જ જવાબ મળતો . કારણ જે વિષય મૌની ભણાવતી એ વિષય વિદ્યાર્થીઓ ક્લાસ માં જ સીખી લેતા . વિદ્યાર્થીઓ ને તેમની માટે બહુ જ માન હતું . પણ છતા કોઈ વિદ્યાર્થી એમની નજીક જવાનો વિચાર નહોતો કરી શકતો .

મૌની જ્યારે ઘરમાં એકલી બેસતી ત્યારે પુસ્તકો વાંચતી . ટીવીમાં ન્યૂસ ચેનલ જોતી . પણ ક્યારેક બહુ બેચેન થઇ જાતી . અને એમ થાતું કે બસ જે મળે એની સાથે પરણી જવું છે . એને ખબર પડતી હતી કે એકલું જીવવું કેટલું અઘરું હતું . આમને આમ એ ૪૩ વર્ષની થઇ ગઈ હતી . હવે તો એણે પોતાની જિંદગીમાં કોઈ આવશે એવું વિચારવાનું પણ બંધ કરી દીધું હતું .

પણ નસીબમાં જે લખ્યું હોય એ થઈને રહે છે . એમ જ મૌનીનાં જીવનમાં પણ ધીરે પગલે કોઈ આવવાની તૈયારીમાં હતું જેનાથી એ બિલકુલ અજાણ હતી. હવે તો એને પોતાનાં ભવિષ્યની ચિંતા હતી કે પોતે તો મમ્મી માટે લગ્ન ન કર્યા અને પોતાની ફરજ બજાવી પણ એને કોણ સંભાળશે ?

એના કોલેજમાં એક પ્રોફેસરની નિમણુક થઇ . પહેલા જ દિવસે એમને મૌની માટેની ગુસપુસ સંભળાણી . હવે એમનું ધ્યાન મૌની પર વધારે રહેવા લાગ્યું હતું. ધીરે ધીરે એમને મૌની સાથે વાત કરવાની શરુ કરી પણ વર્ષોથી સંબંધો થી દુર રહેતી મૌનીને પ્રોફેસર ગાંધી સાથે શરૂઆતમાં તો ફાવ્યું નહિ . જેટલું એ વધારે એમનાથી બચવાની કોશિશ કરતી તેટલું જ તે વધારે વાત કરવાના બહાના ગોતતા અને મૌની પાસે વગર કારણે બેસીને ગપ્પા મારતા. પહેલા મૌની માટે વાતો થતી હવે આખા કોલેજમાં વાત ફેલાઈ ગઈ બે વડીલોને પ્રેમ થઇ ગયો . મૌની આ બધી વાતો થી અજાણ હતી પણ પ્રોફેસર ગાંધીને બધી ખબર હતી પણ એ બધી વાતો ને નજરઅંદાજ કરતા . પણ પ્રોફેસર ગાંધી જાણે મૌનીની જિંદગીમાં જબરદસ્તી પોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરતા હતા અને એમાં એ સફળ પણ થઇ રહ્યા હતા . પ્રોફેસર ગાંધી એક એવું વ્યક્તિ હતા કે જેમની વાતો ગમતી પણ હતી અને હવે ઘરમાં એકલા બેસીને મૌનીને એમની માટે વિચારવા વગર ચાલતું નહોતું ...પોતે જ જાણતી હતી કે પ્રોફેસર ગાંધી એનાં મન અને મગજમાં એક અડ્ડો જમાવીને જાણે બેસી ગયા હતા . એક દિવસ કોલેજ પત્યા પછી મૌની પોતાની કારમાં ઘર તરફ જઈ રહી હતી . જેવું ઘર આવ્યું પોતે બિલ્ડીંગનાં કારપાર્કિંગમાં કાર ઉભી રાખી અને જેવી કારમાંથી નીકળી ત્યારે બિલ્ડીંગ નાં વોચમેને એને બુમ પાડી કે “ મૌની બહેન તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું છે . જુઓ એમની ગાડી ગેટ પાસે છે. તમે હા કહો તો એમને લઇ અંદર આવવા દઉં “ મૌનીએ પ્રશ્નાર્થ નજરે વોચમેન સામે જોયું અને પૂછ્યું કે “ મારે ઘરે કોણ આવે ? શું નામ છે એમનું ?” વોચમેને કહ્યું “ પ્રોફેસર ગાંધી નામ કહે છે “ મૌનીનું હૃદય જાણે થડકારો ચુકી ગયું . પોતાને સંભાળીને એણે વોચમેનને કહ્યું “ હા આવા દ્યો એમને . એ મારા જ મહેમાન છે “ વોચમેન હા પાડીને ત્યાંથી ચાલ્યો ગયો. અને બે મીનીટમાં પ્રોફેસર ગાંધીની ગાડી એની પાસે આવીને ઉભી રહી . મૌની એ હસીને એમને આવકાર આપ્યો પણ મસ્તીમાં કહ્યું “ આમ અચાનક આવવાનું કારણ ? હજી હમણાં તો છુટ્ટા પડ્યા “.

“ તમને હું પૂછત કે હું તમારા ઘરે આવું ? તો તમે હા પાડત ? “

પોતાની ચોરી જાણે પ્રોફેસરે પકડી પાડી હોય એમ એમનાથી પોતાની નજર એણે બચાવી . પ્રોફેસર મૌનીની હાલત જોઇને છુટ્ટા દિલે જોરથી હસ્યા. એમનું આ રૂપ કદી પણ મૌનીએ કોલેજમાં જોયું ન હતું . આખરે એણે પણ હસીને કહ્યું કે “ સામે વાળાનો ચહેરો વાંચતા તમને બહુ સારી રીતે આવડે છે . ચાલો હવે ઉપર જઈયે “ ગાડી પાર્ક કરીને બંને મૌની નાં ઘરે જવા માટે લીફ્ટમાં ગયા . ૧૪ મેં માળે મૌની રહેતી હતી એટલી વાર માં પણ મૌની વિચારતી હતી કે આખી કોલેજ મારાથી ગભરાય છે પણ છેલ્લાં ૪ મહિનાથી પોતે પ્રોફેસર ગાંધી થી ગભરાતી હતી...એને એક જ ડર હતો કે કોઇ જોઇ જાશે તો....કોલેજ માં જરા કડક પ્રોફેસર તરીકે ની છાપ હતી... તો બચ્ચાઓ સાથે હવે મસ્તી પણ નહોતી થઈ શક્તી..અને હવે અચાનક આ પ્રોફેસર નુ જિંદગી માં આવવું...કાંઇ ખબર નહોતી પડતી કે હવે ૪૪ વર્ષે નસીબ નું કયુ પાંદડુ ફરવાનું હતું...મી.ગાંધી ૪૭ વર્ષનાં હતા...તેઓના પણ લગ્ન થયા ન હતા..એ મોજીલા વ્યકતી હતા..બિંદાસ હસતા અને હસાવતા...અને પોતાને તો કોઇએ કદી હસતા જોઈ જ ન હતી એટલે મૌનીને હસતા પણ બીક લાગતી એ વિચારતી હતી કે ક્યારેક જિંદગીની ચારે બાજુ આપણે જ એવી કાંટાળી વાળ પાથરી નાખતા હોઈયે છે કે આપણે જ એમાં ફસાઈ જઇયે છે..ઊડવું હોય તો ઉડાતુ નથી .આપણે જ આપણી જિંદગી ને પાંજરું બનાવીયે છે આજે તો પ્રોફેસર ગાંધી એમના ઘરે જ આવી ચડ્યા હતા . છેલ્લાં ૩ મહિના થી આ જ એમનો નિત્ય ક્રમ હતો...કેટલું ધ્યાન રાખતા હતા એ..મૌની નું...એની બધી જ જરુરીયાત એ પુરી કરતા હતા...ઘરે જાય પછી પણ દિવસ માં બે વાર ફોન કરી ને એને ખૂબ હસાવતા હતા...એને ડર લાગવા મંડ્યો હતો આ સંબંધ માટે...પણ પ્રોફેસર ને જોઇને એ પાછું બધું ભૂલી ગઇ..લીફ્ટ ઉભી રહી અને બંને ઘર તરફ ચાલવા લાગ્યા . પણ હજી એનું મગજ વિચારોમાં જ ડૂબેલું હતું . એ છેલ્લે કેટલા દિવસથી પ્રોફેસર ગાંધીના કહેવાથી રોજ અડધી કલાક કોલેજ પાસે વહેલી આવતી હતી..બંને સાથે હોટેલ માં નાસ્તો કરતા.અને પછી કોલેજ માં જતા...મૌનીને પોતાને ખબર નહોતી પડતી કે એ એમનું બધું માને શું કામ છે ? કેમ કોઈ વાતની નાં નથી પાડી શક્તિ . આજે પણ એ મળ્યા ત્યારથી એનુ હસવાનું શુરુ થઈ ગયું હતુ...બંને ઘરમાં પહોચ્યા.ઘરમાં જે બહેન વર્ષોથી એમના ઘરે જ રહેતા એમને બંને માટે કોફી અને નાસ્તો બનાવવા કહ્યું

પ્રોફેસરે ગાંધીએ આખા ઘરમાં નજર ફેરવી ક્યાય ધૂળની રજકણ પણ ન હતી . બધી જ વસ્તુ વ્યવસ્થિત જગ્યા પર. મૌનીએ જોયું કે પ્રોફેસર આખું ઘર જોતા હતા . એણે એમને પૂછ્યું “ કેવું લાગ્યું ઘર” “ હજી ક્યાં આખું ઘર જોયું છે , હજી તામારો બેડરૂમ જોવાનો છે તામારું રસોડું જોવાનું છે “ એમની આટલી બિંદાસ વાત થી મૌની શરમાઈ ગઈ . એણે પણ મસ્તી કરી “ મારા બેડરૂમ અને રસોડાનું તમારે શું કામ ?

“ જોવું તો બરોબર , અધૂરું કામ મને ન ફાવે “ મૌનીએ બે હાથ જોડીને કહ્યું “ તમને ન પહોચાય સાહેબ , આવો આખું ઘર બતાવું “ મૌની પોતાનાં બેડરૂમ માં એમને લઇ ગઈ . લાઈટ બ્લુ કલર કરેલી દીવાલ . અને આખા રૂમ માં ફક્ત મમ્મી અને પપ્પાનો ફોટો . “ રસોડામાં ગયા પછી ત્યાં રહેલા માસીને પ્રોફેસરે કહ્યું “ માસી તમે તો ઘર ગજબનું સાફ રાખો છો , હવે તમારો નાસ્તો ચાખીએ “

“ બગાડવા વાળું છે જ ક્યાં કોઈ “ મૌની આટલું બોલતા બોલતા રસોડાની બહાર નીકળી ગઈ . . પ્રોફેસર એમની પાછળ પાછળ ડ્રોઈંગ રૂમમાં માં આવ્યા અને સોફા પર બેસી ગયા અને મૌની ને પૂછ્યું 'મૌની મને એક વાત કહો તમે લગ્ન ન કર્યા તમારાં મમ્મી માટે..પણ તમે મને ન પૂછ્યું કે મે શું કામ લગ્ન નથી કર્યા..." અને મૌની નુ હ્રદય ધબકાર ચુકી ગયું . પહેલીવાર કોઈએ એને એના નામ થી સંબોધન કર્યું હતું . મેડમ વગર નું મૌની સાંભળીને એ જાણે અંદર સુધી હાલી ગઈ હતી ..એને ખબર જ હતી કે આ પળ આવશે જ .
મૌની એ પોતાને સંભાળતા કહ્યું " તમે જ કહી દ્યો ને કે શું કામ ન કર્યા લગ્ન??"

ત્યારે પ્રોફેસર એ કહ્યુ "મને મારી સાથે ભણતી છોકરી સાથે પ્રેમ હતો..એનાં લગ્ન બીજે થઈ ગયાં.ને

એટલે એનાં પછી હુ બીજાં કોઇને પોતાનાં હ્રદય માં સ્થાન ન આપી શક્યોં.."મૌની એ તરત એમની સામે પ્રશ્નાર્થ નજર થી જોયું..જાણે એ પૂછતી હોય કે તો તો મને પણ નથી વસાવી ને હ્રદય માં ...અને પ્રોફેસર એ હસતા હસતા કહ્યુ..નજર થી ના પૂછ જોરથી જ પૂછ ને..."અને મૌની ની નજર નીચી થઈ ગઈ...જાણે ચોરી પકડાઈ ગઈ હોય..ત્યાં પ્રોફેસર એ એનું મોઢું હાથ થી ઉપર કર્યું...મૌની નાં શરીરમાં જાણે જણજણાટી ફેલાઈ ગૈ..પહેલી વખત કોઈ પુરુષ નો સ્પર્શ હતો ...એણે આંખો બંધ કરી દીધી...ત્યાં પ્રોફેસર એ કહ્યું "મૌની હવે
આપણને એક બીજાની હુંફ ની જરુરત છે...ચાલ લગ્ન કરી લઈયે....મે પણ પ્રેમ માટે જ લગ્ન નહોતા કર્યા અને તે પણ તારી માતા નાં પ્રેમ માટે લગ્ન નહોતા કર્યા તો આપણે પ્રેમ થી ભરપૂર છે...ચાલ હવે
એકલાં પડીયે એની પહેલાં એક થઈ જઈયે..અને મૌની એ પોતાનો હાથ પ્રોફેસર નાં હાથ પર રાખી દીધો..

દુર ઉભા ઉભા માસી એ પ્રભુનો ઉપકાર માન્યો . અને બંનેને મનોમન આશીર્વાદ આપ્યા .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED