ધન તેરસ Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધન તેરસ

Varta ધન તેરસ

મારું નામ શાંતિભાઈ.સાધારણ રીતે નામ તેવા ગુણો હોતા નથી તેમ મારું નામ શાંતિભાઈ પણ સતત અશાંતિ મારી આસપાસ ભ્રમરની જેમ ગૂંજતી રહેતી! સાચું કહેવાની ટેવ પડી ગઈ.પરિણામે અળખામણો થઈ જતો મારી આસપાસનાં વર્તુળમાં.પરિણામે મારાં ઘરનાં સભ્યો મારાથી અમુક વાતો છૂપાવતાં. ચાર વાર પૂછ્યું મારા બીજા નંબરનાં છોકરાંને ત્યારે જવાબ ધીરેથી મરતાં મરતાં આપ્યો કે તે બધા વિષયોમાં નાપાસ થયો છે.

આઠમાં ધોરણમાં ભણતો, શર્ટનાં કોલર ઊભા રાખી ફરતો, રાતે જમીને મોંમા પાનનો ડૂચો નાખીને ફરતા મારા પુત્રનું નામ હતું રમેશ.એનો જવાબ સાંભળી મારું માથું ભમી ગયું.હું ગમ ખાઈ ગયો.બે શબ્દો આડાઅવળા બોલાઈ જાય, ઘરમાં કંકાસ થાય, પાડોસીઓને મનોરંજન મળે એ પહેલાં ઝભ્ભો પહેરી ઘરની બહાર નીકળી ગયો. નીચે બંધ દુકાનનાં ઓટલે શાંત મગજ રાખી જતીઆવતી અવરજવર નીરખવા લાગ્યો.

બરફની જેમ ગુસ્સો ઓગળતો ગયો.સ્વસ્થ થઈ વિચારવા લાગ્યોં કે મરવા દે જેવાં જેમનાં નસીબ.જ્યાં નસીબમાં જ વિધ્યા ન હોય તો છોકરો શું કરે! પોતે પણ ક્યાં ભણ્યાં હતાં. અને યાદ આવી ગયાં મોટાં છોકરાનાં પરાક્રમ. પ્રીન્સીપાલ સાહેબ બોલાવ્યાં છે એ વાત એમની પત્નીને કરી ત્યારે ક્ષણભર શાંતિભાઈ પોતે જ ડધાઈ ગયેલાં.જવું જ પડે એવું હતું.ગભરાતાં ગભરાતાં શાળાએ જઈ પ્રીન્સીપાલ ને મળ્યાં. શાંતિભાઈને આવકાર આપી શાંતિથી બેસાડ્યાં. " શાંતિભાઈ, તમારાં પુત્રમાં વિઘ્યાં જ નથી.દરેક વર્ગમાં બબ્બે વર્ષે પાસ થાય છે. પાસ નહીં પણ પાસ કરવો પડે છે. વર્ગમાં તોફાન કરે છે.મારામારી કરે છે.રિસેસમાં બેંચ ઊંધીચત્તી કરી નાખે છે.તમને હાથ જોડી વિનંતી કરું છું શાળામાંથી ઊઠાડી દોતો સારું."

શાંતિભાઈ પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.ભારે હૈયે આ વાત ઘરમાં કરી.મોટા પુત્ર સિવાય સૌ કોઈ દુખી હતાં.સૌથી મોટી સમસ્યા સમાજમાં સૌ શું કહેશે. શાંતિભાઈએ બધી ચિંતા છોડી પોતાનાં ધંધામાં સાથે લઈ લીધો.આજે શાંતિભાઈ ખુશ હતાં.

પોતાનો બીજો છોકરો પણ મોટા પુત્રની જેમ ભણતર પૂરું નહીં કરી શકશે એનો અંદાજ આવી જતાં ખિન્ન મને ઊભા થઈ પાનનાં ગલ્લા તરફ જઈને ઊભા રહ્યાં. શાંતિભાઈને જોતાં જ પાનવાળા એ પૂછી લીધું કે પાન એક કે બે? શાંતિભાઈએ ઈશારાથી એક પાનનો ઓર્ડર આપ્યો.અને એમનું મનપસંદ ગીત સાંભળતાં ચહેરાં પર રોનક ફરી વળી. કેમ છો કાકા એ પ્રશ્ન પૂછાતાં શાંતિભાઈ વાસ્તવિકતા પર આવ્યાં. પરેશને જોતાં જ એમનાં મન પર પ્રસન્નતા ફરી વળી.ગરીબ ઘરનો સ્વમાની છોકરો.ભણવામાં હોશિયાર અને મહેનતું. ભણતરની સાથે નાનાંમોટા કામ કરી બે પૈસા કમાઈ લેતો.એટલે જ શાંતિભાઈને એના પ્રત્યે લાગણી થતી હતી.અધૂરામાં એમનાં બંને છોકરાં ભણવામાં ઢ નીકળ્યાં.

પરેશની મા શાંતિભાઈની દૂરની બહેન પણ થતી હતી, એટલે રાખડી બાંધવાનો સબંધ હતો. એમાં છોકરાંઓ ભણવામાં હોશિયાર એટલે એમનાં પ્રત્યે લાગણી રહેતી. " મસાલા પાન ખાઈશ ને " સહજતાથી શાંતિભાઈએ પૂછ્યું. પરેશે ના પાડી. " આટલી રાત્રે ક્યાં ફરવા નીકળ્યો ? " પાન મોંમા મુકતાં પૂછ્યું. " કાકા , તમે કહ્યું હતું ને કે દીવાળીનાં.." શાંતિભાઈને આખી વાતનો તાળો મળતાં વચ્ચેથી બોલી ઊઠ્યાં " હા બરાબર , ચલ ઘરે." કહી પરેશનાં ખભે હાથ મૂકી ચાલતાં ચાલતાં ઘરનાં સભ્યોનાં ખબરઅંતર પૂછી લીધાં.

શાંતિભાઈને જોતાં ઘરનાં સભ્યોની કલબલ બંધ પડી ગઈ.પરેશ પલંગ પર બેસી ગયો." પરીક્ષાનું પરિણામ શું આવ્યું? " "પાસ થયો પાંચમા નંબરે ."

જવાબ સાંભળી પત્નીને કહ્યું," સાંભળ્યું કે? " ખરો ઈશારો તો પોતાનાં છોકરા માટેનો હતો. " ચલ આ ખુશીમાં આઈસ્ક્રીમ ખાઈ લે. મને આનંદ થયો બેટા.. " બાજુમાં બેસતા શાંતિભાઈએ વ્યતિત અવાજે કહ્યું.આઈસ્ક્રીમનાં બે કપ શાંતિભાઈની પત્ની લાવીને ઊભી.એક પરેશને આપ્યો અને બીજો શાંતિભાઈને આપ્યો.પરેશ મનમાં મુંઝાઈ રહ્યો હતો કે કાકા આડીઅવળી વાત કરે છે પણ પૈસાની વાત કેમ કરતા નથી.ઘડિયાળમાં જોયું.કલાક થઈ ગયો હતો. તે ઊભો થતાં બોલ્યો ," કાકા જાઉં છું " " કેમ,અમસ્તો જ આવ્યો હતો ને? ઘરે સૌ મજામાં છે ને?" "હા કાકી." શાંતિભાઈએ ઊભાં થઈને પૂછ્યું કે કેટલા પૈસાની જરુર છે.પરેશે થોથવાતાં થોથવાતાં કહ્યું કે હજાર રુપિયા ચાલશે. શાંતિભાઈએ મોટા પુત્ર પ્રવિણને કબાટમાંથી બેહજાર રુપિયા કાઢવાનો હુકમ કર્યો. બેહજાર રુપિયા પરેશને હાથમાં આપી ઉત્સાહથી કહ્યું કે બીજા જરુર પડે તો ઓફિસે આવીને લઈ જાય.

દિવાળીનાં દિવસો જેમજેમ નજીક આવતાં ગયાં, તેમતેમ શાંતિભાઈની દોડાદોડી વધી ગઈ.બજારનો નિયમ કે દિવાળી પહેલાં આખા વરસનો હિસાબ પતી જવો જોઈએ. શાંતિભાઈનું નામ દલાલ તરીકે ઈજ્જતભર્યું હતું. એમનો રેકોર્ડ હતો કે એમનાં દ્રારા વહેંચાયેલાં માલનો હિસાબ ક્યારેય પણ બાકી રહેતો નહીં.ઘનતેરસે તો શાંતિભાઈ કડક ઝભ્ભો,કડક સફેદ ટોપી, સફેદ બંડી, સોનેરી ફ્રેમનાં ચશ્મા અને મોઢામાં પાન એક રુઆબદાર પ્રભાવ પાડતાં.આવો વટ જળવાઈ રહે એ માટે રાતનાં મોડે સુધી બેસી હિસાબની લેતીદેતી પૂરી કરતાં.

આજે કાળી ચોદસ હતી. શાંતિભાઈ સવારથી જ વ્યસ્ત હતાં.બપોરનું ભોજન ઘરે જવાને બદલે ઓફિસમાં મંગાવી લીધું હતું. રાત્રિનાં દસ થઈ ગયાં હતાં. સાત વાગે ઘરે પહોંચતા શાંતિભાઈનાં ઘરે બેત્રણ વાર ફોન આવી ગયાં હતાં. ત્યાં જ ફોનની ઘંટડી રણકી. શાંતિભાઈને ગુસ્સો આવી ગયો. પ્રવિણને ઈશારાથી કહ્યું કે રીસીવર ઉપાડે. ફોન પરેશનો હતો. એટલે પ્રવિણે રીસીવર આપતાં કહ્યું કે પ્રવિણ છે.ફોન પર શું વાત થાય છે તે સાંભળવા પ્રવિણનાં કાન સાપોલિયાની જેમ તે તરફ સરકવા લાગ્યાં.પણ શાંતિભાઈએ ટૂંકાણમાં પતાવ્યું. શાંતિભાઈએ કહ્યું કે કાલે આવે.પૈસાની જરુર હોય તો ઘરે જઈને લઈ લે.પૈસાની જરુર નથી કહી ફોન મૂકી દીધો.પ્રવિણે આડકતર રીતે પૂછવા પ્રયત્ન કર્યો કે ફોન કેમ આવ્યો હતો.કોઈ જવાબ ના મળતાં તે વિચારોનાં વમળમાં ખેંચાવા લાગ્યો.

આખરે અગિયાર વાગે ઓફિસ વધાવી. રસ્તામાં હિસાબકિતાબની વાતો ચાલતી હતી, એટલે પ્રવિણનાં મનમાં ચાલતી ચટપટી મનમાં જ રહી ગઈ. પણ એને અનુમાન લગાવી દીધું કે પરેશને આપેલાં પૈસા પાછાં નહીં આવે. પરેશની મમ્મીને દવાખાનામાં દાખલ કરી હતી.

જમતી વખતે આડીઅવળી વાત ન કરવી એ શાંતિભાઈનો નિયમ હતો. જમ્યા પછી સોફા પર બેસી સમાચાર જોઈ રહ્યાં હતાં.શાંતિભાઈની પત્નીએ કહ્યું કે પરેશનો ફોન આવ્યો હતો.જવાબમાં શાંતિભાઈએ કહ્યું કે ઓફિસે પણ ફોન આવ્યો હતો. " શું વાત થઈ" " ખાસ કશું બોલ્યો નહીં. મને મળવા માંગતો હતો. કાલે બોલાવ્યો છે રાતે " ટી.વી. જોતાં જોતાં જ જવાબ આપ્યો. " પણ કાલે ધનતેરસ છે."

" તો શું થયું. ઘરનાં દરવાજાં બંધ છે?" અકળાઈને શાંતિભાઈએ પત્નીને પૂછ્યું.

" પપ્પા પરેશભાઈ બપોરે ઓફિસ આવ્યાં હતાં, પણ તમે મોનટેક્ષમાં હિસાબ કરવાં ગયાં હતાં."

" તો અત્યારે કહે છે "

" પણ સમય ક્યાં હતો.સાંજે આવવાનું કહ્યું હતું પણ એને હોસ્પિટલ એની મમ્મી પાસે જવાનું હતું.પૈસા માટે કહ્યું પણ તેને ના પાડી.પણ પપ્પા મને લાગે છે કે આપણાં પૈસા પાછા આવવા મુશ્કેલ છે.એની મમ્મી ને દવાખાનામાં દાખલ કરી છે એટલે .."

વચ્ચે શાંતિભાઈ બોલી ઊઠ્યાં, " તું તો અંતરયામી થઈ ગયો. કારણ વગર નાં તુક્કા ના લગાવ.."

"પપ્પા આતો અનુમાન લગાવ્યું."

" તેં એને પૂંછેલું કે? "

"ના "

"ઠીક છે."

વાતનું વતેસર થઈ જશે, અને વાત આડા પાટે જઈ રહી છે એ જોઈ શાંતિભાઈની પત્નીએ કહ્યું, " પૂજાની વસ્તુ લાવીને મૂકી છે. જરા જોઈ લેજો. પૂજા કરવા મહારાજ રાતે નવ વાગે આવવાનાં છે."

" સારું. પણ યાદ કરાવજો , નવ નાં દસ નાં વગાડે."

આજે ધનતેરસ હતી.શાંતિભાઈ ખુશ હતાં.બજારનો હિસાબ પતી ગયો હતો.કામકાજ હતું નહીં. બપોરે ચાર વાગે ઘરે આવી ગયાં હતાં.છોકરાંઓ લાઈટનાં તોરણો લગાવી રહ્યાં હતાં.ઘર ચોખ્ખું જોઈ પ્રસન્નતા તેમનાં ચહેરા પર છવાઈ ગઈ હતી.તેમની પત્નીએ ધીમેથી કહ્યું, " તમને સમય હોય તો મંદિર જતાં આવીએ. પહેલાં પરેશની મમ્મીની ખબર કાઢીને આવીએ, પછી મંદિરે.."

" ઠીક છે."

" પપ્પા હું પણ આવું છું ગાડી લઈને."

" ઠીક છે. તૈયાર થાવ ." કહી શાંતિભાઈ તૈયાર થવા ગયાં.

કાકા,કાકીને જોતાં પરેશનાં મુખ પર પ્રસન્નતાની લહેર ફરી વળી. શાંતિભાઈએ તથા તેમની પત્નીએ પરેશની મમ્મીને તબિયતનાં સમાચાર પૂછ્યાં. આડીઅવળી વાતો કરી ઊભાં થતાં શાંતિભાઈએ પરેશની મમ્મીને પૈસા આપવા હાથ લંબાવ્યો, પણ તેમને પૈસા લેવાનો ઈન્કાર કર્યો.શાંતિભાઈએ જતાં જતાં રાતે ઘરે આવી દવાનાં પૈસા લઈ જવાનું જણાવતાં કહ્યું કે, " ભલે તારી મા ના પાડે, તું આવીને લઈ જજે." પરેશે હસતાં હસતાં કહ્યું ," જોઈશ ".

પ્રવિણ દવાખાનામાં આ બધું ઉત્સાહથી જોઈ કહ્યો હતો. એને તો માની લીધું હતું કે પરેશ ખિસ્સામાંથી પૈસા કાઢીને આપશે અથવા પૂછશે કે કાકા પૈસા પાછા આપવા ક્યારે આવે? એનાં બદલે બાપાએ પૈસા લેવા ઘરે બોલાવ્યો!

રાત્રિનાં આઠ થયાં હતાં. પૂજાની તૈયારી તથા ગોઠવણીની ધમાલ ચાલી કહી હતી. શાંતિભાઈનાં બેન બનેવી તથા ભાઈભાભી તેમજ તેમનાં છોકરાંઓથી ઘરમાં ઘમાલ છવાઈ ગઈ હતી. સૌ પૂજા કરાવવા આવનાર મહારાજની રાહ જોઈ રહ્યાં હતાં.

સૌની નજર પરેશ પર પડી. " આવ પરેશ " શાંતિભાઈએ ઉમળકાથી આવકાર આપ્યો.પ્રવિણનાં પેટમાં તેલ રેડાયું. કંઈ અક્કલ જેવું છે જ નહીં .ધનતેરસનાં દિવસે પૈસા લેવા અવાતું હશે? કોઈ તો કહેવા ખાતર કહે. પણ આપણામાં વિવેક જેવું હોય કે નહીં? મનોમન બબડતાં પરેશ સામે મોં બગાડતાં જોયું.

બારણામાં ઊભેલા પરેશને જોઈ શાંતિકાકાએ કહ્યું, " કાકા જરા જલ્દી છે.કહી ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢી પાસે ઊભેલાં શાંતિભાઈને પૈસા આપતાં કહ્યું કે સાંજે પૈસા પાછા આપવા આવવાનો હતો. પણ તેઓ મંદિરે જવાનાં હોવાથી લેટ થયો. દવાખાનામાં પૈસા પાછા આપે તે સારું ના લાગે.

" અરે તારા પૈસા ક્યાં જવાનાં હતાં." કહી પરેશની પીઠ થાબડતાં પ્રવિણ સામે જોઈને કહ્યું, " પૈસા લેવાવાળાં ધણા મળ્યાં પણ પરેશ જેવાં બહું ઓછા હોય છે પાછાં આપવાવાળાં, પ્રવિણભાઈ !" કહી શાંતિભાઈ જતાં પરેશને જોઈ રહ્યાં.

પ્રફુલ્લ આર શાહ