કોફી હાઉસ - ૨૧ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - ૨૧

કોફી હાઉસ પાર્ટ – 21

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

આપણે અગાઉના પ્રકરણમાં જોયુ કે પ્રેય તેના પપ્પાની રજા મેળવી નોકરીની શોધમાં નીકળે છે ત્યાં ટાઉન હોલ પાસેની એક ચા-નાસ્તાની હોટેલમાં કામ કરતા એક નાના છોકરા પર તેને દયા આવતા તે આખો દિવસ તેને જામનગરમાં ફરવા લઇ જાય છે અને સાથે સાથે બસો રૂપિયા પણ આપે છે, પણ એ બસો રૂપિયા તે છોકરાને બહુ વસમા પડી જાય છે, બીજે દિવસે તેને હોટેલમાં ચોરીનો આક્ષેપ કરી જ્યારે હોટેલ માલિકનો છોકરો મારતો હોય છે ત્યાં પ્રેય આવી ચડે છે અને તે છોકરાને બચાવે છે અને ખુદ તે પોતે એ હોટેલમાં નોકરીએ લાગી જાય છે. હોટેલના માલિક થોડા જ સમયમાં પ્રેયની વફાદારીને આંકી લે છે અને તેને બહુ ખાસ્સી મોટી રકમ લઇ રાજકોટ મોકલે છે. રાજકોટ કુંજના ઘરે પ્રેય હોંશથી જાય છે પણ ત્યાં જઇ તેને સમાચાર મળે છે કે કુંજના ફાધરની બદલી થઇ જવાથી તેઓ આ શહેર છોડી જતા રહે છે. આ જાણી પ્રેયને ખુબ દુઃખ થાય છે. હવે માણીએ આગળ.”)

“અંકલ ચલો તમારી કહાની સ્ટાર્ટ કરો. કોની રાહ જુવો છો? હવે રાહ જોઇ શકાય તેમ નથી.” શિલ્પાએ કહ્યુ. “હાસ્તો શિલ્પા. હું બજારમાં પાણી પુરી માટે ૨૦-૨૫ મિનિટ રાહ જોઇ શકુ પણ પ્રવીણ્યાની કહાની સાંભળવા માટે તો હું પણ રાહ જોઇ શકુ તેમ નથી.” ઓઝાસાહેબે હળવુ હાસ્ય કરતા કહ્યુ. “તે દિવસે મારી હાલત ખુબ નાજુક થઇ ગઇ હતી. દાદાજી પછી મમ્મી આ બે પારિવારીક ઝાટકા ખાઇને હજુ મારુ મન ઉભર્યુ પણ ન હતુ ત્યાં આજે રૂબરૂ આવી જોયુ ત્યારે ખબર પડી કે કુંજ પણ મને-કમને છેલ્લે મને છોડી જ ગઇ , સોરી એ મને છોડીને નહી પણ હું તેને છોડીને જતો રહ્યો હતો.” “ત્યાંથી નીકળીને જવાનુ મન થતુ ન હતુ. મનમાં એમ હતુ કે કુંજ હશે ઘરમાં જ હશે. એ તો મને જોઇ લીધો હશે તો ખાલી મને હેરાન કરવા માટે જ ચોકીદારને આ રીતે કહેવાનુ કહ્યુ હશે. હું ત્યાં તેના મકાનની સામે જ બેસી ગયો. પગ ચાલવાની અને મન વિચારવાની ક્ષમતા ગુમાવી બેઠુ હતુ. પગને ઘસતો ઘસતો પરાણે હું ત્યાંથી નીકળ્યો. મનને સમજાવતો કહુ કે મનને મારતો હું પરાણે ત્યાંથી ચાલવા લાગ્યો. કાંઇ વિચાર મને આવતા જ ન હતા બસ કુંજ દૂર હોવાની જ મને વેદના સતાવતી હતી. બસ સ્ટેશન સુધી ચાલતો ચાલતો જ હું આવ્યો. પરસેવાના બિંદુઓ ચહેરા પરથી વહી રહ્યા હતા છતા પાણી પીવાનુ પણ મને ભાન ન હતુ.

“એ ભાઇ, લો પાણી પી લો. બહુ ગરમી થતી લાગે છે તમને, જરા પાણી પી લો જેથી શાંતિ મળે.” એક સજ્જન માણસે પાણીની બોટલ મારી સામે ધરતા કહ્યુ. “ના ભાઇ ના. પાણીની જરૂર નથી પણ થોડી ઠંડકની જરૂર છે.” કહેતો હું નીકળ્યો. તેને ક્યાં ખબર હતી કે હંમેશા ઘટાદાર વૃક્ષોના અતિ ગિચ જંગલોમાં રહેનારા માણસને જ્યારે શહેરની ભીડમાં મુકવામાં આવે છે ત્યારે જેવી તેને મુશ્કેલી પડે છે તેવુ જ અત્યારે મને અહી માનવ વસ્તી વચ્ચે જીવવુ અઘરૂ લાગી રહ્યુ હતુ. મારો આત્મા, મારુ શરીર ભલે નડિયાદ હતુ કે જામનગર પણ મારુ મન તો સતત કુંજરૂપી ગાઢ જંગલમાં જ ભમતુ હતુ પણ આજે એ કુંજ જ મારા મનને પણ દૂર કરીને જતી રહી છે ત્યારે પાણી પીવાથી કે હવા ખાવાથી શું વળે? અરે આગ તો દિલમાં લાગી હતી આજે. સુરજદાદાનો તાપ પણ આજે ઓછો લાગી રહ્યો હતો એવુ મારુ હ્રદય આજે સળગી રહ્યુ હતુ. જામનગરની બસ આવતા હું બેસી ગયો અને મનને કઠણ કરી અને મનને મારતો હું જામનગર જવા નીકળી ગયો. ખરેખર હું આવી સજાને જ લાયક હતો. હું એક પુરૂષ હોવા છતા પણ જો મને આટલુ દુઃખ અને વેદના થતી હતી તો જ્યારે હું અહીથી નીકળ્યો ત્યારે કુંજ પર શું વીતી હશે? હું તો ખેર ઘરે ગયો હતો જ્યાં વાતાવરણ જ આખુ ચેન્જ હતુ પણ કુંજ તો રોજ કોલેજ આવતી હશે અને કોલેજની એક એક યાદોમાં હું તેની સાથે સમાયેલો હોઉ ત્યારે તેણે કઇ રીતે તેના હ્રદયને સમજાવ્યુ હશે???” આવા અગણિત વિચારોની વચ્ચે ઘુંટાતો હું જામનગર આવી ગયો. “આવ આવ પ્રવીણ. આજે તો તે મારુ બહુ સારૂ કામ કરી દીધુ. મને બહુ ચિંતા હતી આ પેમેન્ટની. પણ તે આજે કામ કરી દીધુ. શાબાષ...” કહેતા આલોક સેઠે મારી પીઠ થપથપાવી. એ’ય ભુરા અહી બે કોફી મોકલ અમારા બન્ને માટે.

“કોફી નામ સાંભળતા જ મારા મનમાં અનેક જુની યાદો અને સ્પંદનો જાગી ગયા. આજે રાજકોટથી જ્યારે ખબર પડી કે કુંજ જતી રહી છે ત્યારે મનોમન નક્કી કરી જ લીધુ હતુ કે આજીવન કોફી ના પીવી પણ અહી આલોક શેઠે કોફી મંગાવી તો હું ના કહી ન શક્યો. “શું વાત છે પ્રવીણ? આજે ચહેરા પર થાક વર્તાય છે કે મને જ એવુ લાગે છે? આંખ પણ લાલ થઇ ઉઠી છે. બધુ બરોબર ને?” “હા સાહેબ બધુ ઓ.કે. જ છે. આ તો હમણા ઘણા ટાઇમથી બહારગામ ગયો નથી તે જરા થાક છે અને આંખમાં તો કાંઇક કણું જેવુ પડી ગયુ તે બહુ ભુંસી લીધી તે લાલ થઇ ગઇ. “ઠીક છે, હવે એક કામ કર, આજે મારે એક મિત્રને ત્યાં ભજન સંધ્યા છે ત્યાં જવુ છે અને મારો લાડકવાયો નબીરો પણ મિત્રો સાથે ખંડાલા ફરવા ગયો છે તો તુ તારે આજે કાઉન્ટર સંભાળજે. તારે આરામ પણ થઇ જશે અને મારી દુકાનનું કાઉન્ટર મારે બીજાને સોંપવુ નહી પડે.” “ઠીક છે સાહેબ. તમે જઇ આવો ભજન સંધ્યામાં. હું સંભાળી લઇશ હોટેલ.”

મનમાં સતત ઘુંટન મહેસુસ થતી હતી મને. એમ થતુ હતુ કે પાપા જેવો હ્રદયનો દુખાવો ક્યાંક મને શરૂ થઇ ન જાય. સતત બેચેની જણાતી હતી. કોઇ બોલે તો પણ કાંઇ ન ગમે. એક જગ્યાએ મનની સ્થિરતા જ રહેતી ન હતી. જેમ તેમ કરીને મે શેઠ આવ્યા ત્યાં સુધી હોટેલ સંભાળી પછી શેઠને કહીને હું ઘર જવા નીકળી ગયો.

ઘરે પહોચીને જોયુ તો ટીફીન આવી ગયુ હતુ. મને તો અન્નનો દાણો લેવાની ઇચ્છા ન હતી એટલે પાપાના રૂમમાં ગયો. જોયુ તો પાપાને ઊંઘ આવી ગઇ હતી. નજીક જઇ મે તેમને જગાવ્યા પણ સાયદ તે સાંભળ્યા નહી એટલે મે તેમને જગાવવા માટે હાથ લંબાવ્યો કે મારો હાથ ખેંચાઇ ગયો. ભઠ્ઠી બળે તેવુ તેમનુ શરીર બળતુ હતુ. મને અચરજ થઇ ગયુ કે આટલો તાવ અચાનક કેમ?” “પાપા એ પાપા, ઉઠો પાપા.” બહુ બુમો પાડી પણ નો રિપ્લાય. મને ચિંતા થઇ આવી કે પાપા સુતા જ છે કે બેભાન અવસ્થામાં છે. એટલે બહુ ટાઇમ ન બગાડતા મે બાજુમાં જ ક્લિનિક ચલાવતા ડોક્ટર ને બોલાવી લીધા. તેઓએ બધી તપાસ કરીને કહ્યુ કાંઇક ગંભીર મેટર છે. બધા ટેસ્ટ માટેના મશિન મારી પાસે ન હોય તમે જલ્દી તમારા ફાધરને હોસ્પિટલાઇઝ્ડ કરી દો એ જ બેટર રહેશે.” “દરરોજ કસરત માટે આવતા રીક્ષાચાલક રાજેશભાઇને મે ફોન કરી દીધો એટલે બિચારા તે ફટાફટ આવી પહોંચ્યા. જલ્દીથી હું પાપાને સમર્પણમાં જ લઇ ગયો અને દાખલ કરી દીધા. પાપાની હાર્ટની ફાઇલ પણ મે ડોક્ટરને આપી દીધી. હું બહાર બેઠો હતો ત્યાં દૂરથી કલ્લુએ મને જોતા તે આવ્યો મારી પાસે. “શું સાયબ તમારી તો માઠી બેઠી છે. આજે કોને લાયવા દવાખાને અત્યારે? ઘરવાળી છે?” “દાઝ્યા પર ડામ દેવા જેવુ કલ્લુ બોલી ગયો. એક તો આજે જ ખબર પડે કે કુંજ હવે મને ક્યારેય મળવાની નથી અને ઉપરથી આ ક્લ્લુ ઘરવાળીની વાત કરે છે.” “ના કલ્લુ, પાપાને બહુ તાવ આવી ગયો છે અચાનક. એટલે તેમને લાવ્યો છું.” “ઠીક છે. લ્યો ચા પીવ. આપણે બેય પીયે. તમને સંગાથ મળી રે ને મારો.”

થોડી વારમાં ડોક્ટરે આવી ગયા. “તમારા ફાધરને મનોમન કાંઇ એવુ ટેન્શન છે જેના કારણે આ બધુ થયુ છે. અત્યારે તાવ મગજમાં ચડી ગયો છે એટલે બેભાન છે. અમે ટ્રીટમેન્ટ કરવાની ચાલુ કરી દીધી છે. સવાર સુધીમાં ભાન આવી જશે.” “આભાર સાહેબ આપનો.”

આખી રાત કરવું શું? એક તો મનમાં કુંજના નામનો સમુદ્ર ઘુઘવાટ કરતો હતો ત્યાં પાપાની આ તકલિફથી હું તો રઘવાયો બની ગયો. આખા દિવસનો મુસાફરી અને હોટેલના કામનો થાક હતો અને આખા દિવસમાં અન્નનો દાણો પણ મોઢામાં ગયો ન હતો છતા ન તો અત્યારે મને ભુખ હતી કે ન મારી આંખોમાં ઊંઘ. બસ પાપાની બાજુમાં બેઠો બેઠો હું ભગવાનનુ સ્મરણ કરવા લાગ્યો. આંખ બંધ થઇ ગઇ અને ભગવાન યાદ આવી ગયા. સુખમાં ભલેને કાળિયો ઠાકોર યાદ ન આવે પણ દુઃખમાં એ સૌની પહેલા યાદ આવી જાય તેમ મને પણ ભગવાનનુ સ્મરણ થઇ આવ્યુ. વહેલી સવારે પાપાને હોંશ આવતા તેણે મને ઉઠાડ્યો ત્યારે મને એહસાસ થયો કે મને રાત્રે પાપાની બાજુમાં બેઠા બેઠા જ ઊંઘ આવી ગઇ હશે.

“પાપા આર યુ ઓલરાઇટ? હવે કેવુ મહેસુસ થાય છે?” “સારૂ છે દિકરા હવે. મારી ચિંતા ન કર. મને કાંઇ થવાનુ નથી. તારી મા સાથે કરેલા ખરાબ કરતુતોની સજા મારે અહી જ ભોગવવાની છે.” “પાપા પ્લીઝ તમે તમારી જાતને કોષવાનુ બંધ કરી દો. જે થવાનુ હતુ એ થઇ ગયુ પણ હવે તમને કાંઇ થશે તો એ મારાથી બરદાસ્ત નહી થાય.” “દિકરા મારા જેવા અભાગિયાની ચિંતા કરવા કરતા તુ કમાવવા પર ધ્યાન આપ. મારુ જે થવુ હોય તે થાય. મને મારા કર્યાની સજા ભોગવવા દે.” કહેતા પાપા મને ભેટી રડી પડ્યા. “બસ કરો પાપા પ્લીઝ તમે દુઃખી ન થાઓ.”

“એક્સકયુઝ મી મિસ્ટર.” અમે બન્ને વાતો કરતા હતા ત્યાં ડોક્ટર રાઉન્ડમાં આવતા મે તેમને ચેક અપ માટે જગ્યા આપી. પાપાના ટેસ્ટ કરી તેમણે ડિસ્ચાર્જ આપી દીધુ. હાર્ટની તપાસ કરાવી કસરત મટેનુ નેક્સ્ટ સેડ્યુઅલ મેળવી હું પાપાને ઘરે લઇ ગયો. થોડો હળવો નાસ્તો કરાવી દવા આપી હું પણ થોડી વાર આરામ કરવા બેઠો ત્યાં ફોન રણકી ઉઠ્યો. જોયુ તો આલોક શેઠનો ફોન હતો. “અરે પ્રવીણ આજે કેમ મોડો પડ્યો? જલ્દી આવે છે ને હોટેલ? આજે ઘણું કામ છે.” “શેઠ.. એમ જાણે વાત એવી છે ને કે મારા પાપાની તબિયત સારી નથી અને મારા સિવાય તેની સાર સંભાળ રાખી શકે તેવુ કોઇ છે પણ નહી તો ઘરે પાપા પાસે રહેવુ જરૂરી છે.” “ઠીક છે દિકરા. વાંધો નહી. કાંઇ કામ હોય તો કહેજે. જરાય ચિંતા કરજે નહી.” “ઠીક છે સાહેબ.” પાછળ ફરીને જોયુ તો પાપા ઉભા હતા. “અરે પાપા તમે કેમ પથારી પરથી ઉભા થયા? પ્લીઝ તમે આરામ કરો.” “જો દિકરા આરામ તો હું કરવાનો જ છું પણ મારા કારણે તુ તારી નોકરી ખોટી ન કર. તું આરામથી નોકરીએ જા. હું ઘરે આરામ કરીશ અને કાંઇ તકલિફ જણાશે તો તને ફોન કરીશ હું.” “પણ પાપા.. તમારી તબિયત.........” “અરે કહુ છું ને કે મારી ચિંતા ન કર.” “ઠીક છે. પણ કાંઇપણ તકલિફ જણાય તો મને ફોન કરી જ દેજો હો.” “હાસ્તો બેટા. હવે મારો દિકરો જા તું નોકરીએ.” “પાપાને બધી સલાહ આપી, બાજુવાળા અંકલને ભલામણ કરી હું હોટેલ જવા નીકળી ગયો. રસ્તામાં જતી વખતે બાલા હનુમાને માથુ ટેકવવાનો વિચાર આવતા હું મંદિરે દર્શન કરવા ગયો. ત્યાં દર્શન કરી હું સામે તળાવની પાળે થોડી વાર બેઠો. ત્યાં બાજુમાં જે એક કપલ બેઠુ હતુ. પ્રથમ નજરે જ તેમને જોતા મને મારી અને કુંજની જોડી યાદ આવી ગઇ પણ તે બન્નેની વાતો સાંભળતા જ મારુ હ્રદય જોરથી ધડકવા લાગ્યુ.

“તારી પાસે શું છે તે હું તારા પ્રેમનો સ્વિકાર કરું રાહુલ? તારા એક મહિનાની જેટલી સેલરી છે તેટલો મારો દરરોજનો ખર્ચ છે. હું જાણું છું કે તારા પ્રત્યે મને ઝુકાવ હતો પણ તે વખતે તારા પાપાની પ્રોપર્ટી હતી પણ આજે તારી પાસે કાંઇ નથી.”

“અંજલી તું તો જાણે છે કે પાપાને બિઝનેશમાં ભારે ખોટ ગઇ છે એટલે આજે મારે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવી પડે છે અને હું તને પ્રોમીસ આપુ છું કે મારી ટુંકી સેલરીમાં પણ હું તને ખુશ રાખીશ જ. તારી દરેક જરૂરિયાતને હું પુરી કરીશ પણ પ્લીઝ તુ આમ મને છોડીને જતી ન રહે.” “અરે યાર તુ સમજવાની કોશિષ તો કર. મારી જરૂરિયાત પુરી કરીશ તો ખાશે શું તુ અને તારો પરિવાર? તારી સેલરી કેટલી છે? દસ હજાર? વીસ હજાર? તેનાથી તો વધુ નથી જ. રાહુલ આટલા ટુંકા પગારમાં મને સાચવવી શક્ય જ નથી અને લગ્ન બાદ પછી આપણે ઝઘડા કરવા અને દૂર થવુ તેના કરતા બેટર છે આપણે એકબીજાથી અલગ થઇ જઇએ.” કહેતી તે ઉભી થઇને જતી રહી અને પેલો છોકરો પણ તેને મનાવતો પાછળ ભાગ્યો. “તારી સેલરી કેટલી છે? દસ હજાર? વીસ હજાર?” આ શબ્દો મારા કર્ણપટલને વીંધવા લાગ્યા. “મારો પગાર તો દિવસના ત્રણસો રૂપિયા છે અને તેમાથી પણ ૧૦૦ રૂપિયા હું છોટુને આપતો એટલે મહિને મારો પગાર તો મહિને છ હજાર જ હતો અને કુંજની લાઇફ સ્ટાઇલ બહું ઊંચી હતી તે મને પણ ખબર હતી. તેના પપ્પા જિલ્લા ન્યાયાધિસ હતા તો તેનુ સ્ટેટસ બહુ ઊંચુ હતુ, આવી પરિસ્થિતિમાં કુંજ જો મારા જીવનમાં આવે તો હું કોઇ કાળે તેને ખુશ રાખી શકુ તેમ છું જ નહી એ તો નિર્વિવાદ સત્ય હકિકત હતી. હું મનોમન મારી જાતને કોષવા લાગ્યો. સારૂ થયુ કે રાજકોટ ગયો ત્યારે મને કુંજ ન મળી, નહી તો શું વાત કરત તેની સાથે? એમ કહેત કે કુંજ મારો પગાર છ હજાર છે ચલ મારી સાથે લગ્ન કરી લે, હું તને આજીવન ખુશ રાખીશ.

કમ્બખ્ત હું કેમ મારી પરિસ્થિતિને ભૂલી ગયો? આજે છ મહિના બાદ કોલેજના હેન્ડસમ પ્રેય માંથી હું એક હોટેલમાં ચા-કોફી આપવાવાળો પ્રવીણ બની ગયો હતો અને જ્યારે મારી આ હાલતની ખબર કુંજને પડત તો તે ક્યારેય મારો સ્વિકાર કરત જ નહી. હે ભગવાન સારૂ થયુ મને કુંજ ન મળી. સારૂ તેના ફાધરની બદલી થઇ ગઇ નહી તો આજે મે જે જોયુ તે મારી સાથે પણ બની ગયુ હોત.

પણ કુંજ હું તને આજીવન પ્રેમ કરતો જ રહેવાનો છું. મારા દિલમાં રહેલો પ્રેમ ઉતરોતર વધતો રહેશે. તારા પ્રત્યે મને એકતરફી પ્રેમ આજીવન રહેશે અને આ પ્રેમને છીનવી લેવાનો અધિકાર ઓ હું તને પણ નહી આપુ કુંજ. રીઅલી આઇ લવ યુ સો મચ કુંજ પણ મારી પરિસ્થિતિને કારણે કદાચ તુ મને મળશે તો પણ હવે હું મારા પ્રેમનો ઇઝહાર તારી સામે કરી નહી શકુ પણ જાનુ હું તને પ્રેમ કરવાનો છું જ એ પણ આજીવન............” મારા પ્રેમને મારા જ હ્રદયમાં દફનાવી પ્રેયમાંથી વેઇટર પ્રવીણની વાસ્તવિકતાને સ્વિકારતો ભારે પગલે હોટેલ તરફ જવા નીકળી ગયો.........

To be continued