ભાવથી ભક્તિ તરફ પ્રસરતા ઉદગાર Swarsetu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

ભાવથી ભક્તિ તરફ પ્રસરતા ઉદગાર

ભાવથી ભક્તિ તરફ પ્રસરતા ઉદગાર

વિનોદ જોશી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવનપંથ ઉજાળ.

દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ;

મારો જીવનપંથ ઉજાળ.

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,

દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય;

મારે એક ડગલું બસ થાય.

આજ લાગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ન લગાર,

આપબળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ;

હવે માંગુ તુજ આધાર.

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,

વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ

મારે આજ થકી નવું પર્વ.

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,

નિશ્વે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર;

દાખવી પ્રેમળજ્યોતિની સેર.

કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,

ઘસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ;

મને પહોંચાડજે નિજ દ્વાર.

રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,

દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ;

જે મેં ખોયાં હતાં ક્ષણવાર.

-નરસિંહરાવ દિવેટિયા

જીવનના કોઈ એક તબક્કે તો ખરું અને ખોટું શું તેની પ્રતીતિ મનુષ્યને થતી હોય છે. આવી ક્ષણો કોઈના જીવનમાં ન આવે તો તેનાથી મોટી કમનસીબી બીજી કશી હોઈ શકે નહીં. સુખદુઃખનાં લેખાંજોખાં કે પામ્યા-ગુમાવ્યાના હિસાબ પ્રગટપણે નહીં તો અપ્રગટપણે પણ મંડાતા જ હોય છે. મનુષ્ય સ્વભાવની વિશેષતા એ છે કે ઉપલબ્ધિઓના આનંદ કરતાં ગુમાવવાનો અફસોસ તેમાં વધારે હોય છે. આ કારણે જ માણસ જ્યારે જીવનની સમીક્ષા કરવા બેસે છે ત્યારે જે થઇ શક્યું તેના કરતાં જે ન થઇ શકયું તેના હિસાબ જ વધારે મંડાતો હોય છે.

આ કાવ્ય કંઈક એવાં જ હિસાબનું પરિણામ છે. મેથ્યુ આર્નોલ્ડે જીવન અને કવિતા એકબીજાથી અલગ રહી શકે નહીં તેમ કહ્યું છે. અહીં જીવનને અનેક સંદર્ભોમાં જોઈ લીધા પછી સાંપડેલા સત્યની પ્રતીતિ વ્યક્ત થઇ છે. એટલું જ નહીં એ પ્રતીતિ અંધકારમય છે. તેમાં કોઈ ઉજાસ પ્રવર્તે તેવી કવિની અભિલાષા છે. અને એ અભિલાષા પ્રેમની જ્યોત પ્રગટે તો જ ફળે તેમ છે તેની કવિને જાણ છે.

કવિનું નિવેદન અહીં કંઈક એ રીતનું છે કે કોઈક પ્રેમજ્યોતિ પ્રગટાવે તો જીવનપંથમાં અજવાળું થાય. આ કોઈક, સન્મુખ પણ હોઈ શકે, કલ્પનામાં પણ હોઈ શકે. મનુષ્ય પણ હોઈ શકે, ઈશ્વર પણ હોઈ શકે.

નિજધામ શું છે તેની કવિને હવે જ ખબર પડી છે. તેની સાથે જ એ પણ સમજાયું છે કે નીજધામથી પોતે દૂર છે. એટલું જ નહીં; પોતાને ઘન અંધાર પણ ઘેરી વળ્યો છે. તેવે વખતે શીશુભાવથી કવિ પ્રાર્થના રૂપે ઉદગાર કરે છે :

માર્ગ સૂઝે નહીં ઘોર રજનિમાં,

નિજ શિશુને સંભાળ,

મારો જીવનપંથ ઉજાળ.

દૂર જવાની વાત તો પછી. પહેલાં તો જ્યાં છે ત્યાં સ્થિર ઊભા રહી શકે, ડગમગે નહીં તેવું સંતુલન આપવા કવિ વિનવે છે. એક ડગલું પણ યોગ્ય રીતે ભર્યું હોય તે, બહુ દૂર સુધી ડગમગતા જવા કરતાં ચડિયાતું છે તેવું કવિને સમજાઈ ગયું છે.

ગર્વમાં વિતાવેલો સમય હવેની પળમાં મૂઢતા તરીકે અવલોકતા કવિ પોતે જાણે નિરાધાર હોય તેવી પ્રતીતિ કરી રહે છે. ‘હવે માગું તુજ આધાર’ એમ કહેવામાં ‘હવે’ શબ્દનું મહત્વ સમજવા જેવું છે. તેની પાછળ રહેલો એક અંધકારમય ભૂતકાળ તરત ડોકિયું કરી જાય છે. તેની સાથે સાથે ભવિષ્ય માટેના સંકલ્પની બારી પણ ખૂલતી દેખાય છે.

જીવનની જે ભભક કવિએ જોઈ તે એટલી તો પ્રભાવક હતી કે તેનાથી અંજાયા વિના કવિથી રહી શકાયું નહીં પણ તેની ક્ષણીકતા કે વિફળતા એ વખતે સમજાઈ નહીં. વર્ષો વીતી ગયાં. સ્મરણોમાંથી હવે એ બધું લુપ્ત કરી દઈ કવિએ આજની ઘડીથી જ નવું પર્વ રચવાની અભિલાષા ધારણ કરી લીધી.

હવે જ કવિને સમજાયું કે આજ લગી પોતે નભી શકે તેવું બન્યું તે પોતાને કારણે નહીં, પણ અન્યને કારણે. અને આ અન્ય એટલે પ્રેમળજ્યોતિ દાખવનાર પ્રભુ કે પ્રભુસંદેશ. જે કોઈ હોય તે. કવિને શ્રદ્ધા છે કે આ ટેકણલાકડીથી પોતે ડગમગતા પગ સ્થિર કરી શકશે અને નિજધામે નિશ્ચિત રૂપે પહોંચી શકશે.

કર્દમભૂમિ અર્થાત્ કાદવ-ભરેલી ભૂમિનાં કળણ અકળ છે. તે જ રીતે દુર્ભેદ્ય એવી પર્વતમાળાઓનો ઘેરો છે. તો પ્રવાહો પણ ઘસમસતાં વેગભર્યાં છે. આ સ્થિતિમાં યાત્રા દુષ્કર છે. જીવનયાત્રાને ઉકેલતા આ રૂપકોને તપાસીએ તો ખ્યાલ આવે છે કે કવિ અંતરાયોનો એક મોટો આલેખ રચી ‘જીવવું’ કેટલું કપરું છે તેનો ખ્યાલ અહીં આપે છે. પણ તે અંતરાયો વટાવવામાં મદદ કરનાર કૃપાળુ પોતાને નિજદ્વારે પહોંચાડશે તેવી શ્રદ્ધાનો રણકો પણ કવિની વાણીમાં સંભળાય છે. કવિએ જેની કલ્પના કરી છે અને જ્યાં પહોંચવાનો મનસૂબો સેવ્યો છે તે દિવ્યલોક ભણી લઈ જવા માટે કૃપાળુનો સહયોગ સાંપડે તો શું બને તેનો હરખઘેલો ઉદગાર કવિ કાવ્યના અંત કરે છે. કવિએ કલ્પી રાખેલા દિવ્ય ગણના મનોહર વદન સ્મિત થકી પ્રફુલ્લિત થઈ ઊઠે ત્યારે જ કવિને એવું લાગે કે રજની ગઈ અને પ્રભાત ઉઘડયું. અંધારું ઓસર્યું અને ઉજાસ પ્રસર્યો. આ ઉજાસમાં હૃદયમાં ચિરકાળથી વસેલી દિવ્ય છબીઓ, જે અંધકારને કારણે દેખાતી નહોતી, તે હવે દેખાવા લાગશે. જે ક્ષણવારમાં ખોયું હોય તે ચિરકાળ માટે સાંપડે તેનાથી મોટો આનંદ બીજો કયો હોઈ શકે?

કવિતા જયારે પ્રાર્થનાનું રૂપ લે છે ત્યારે તે ભાષા મટી જઈ હૃદયની આરત બની જાય છે. ભાવસભારતા ભક્તિ સુધી વિકસે અને તેમાંથી પોતાનું અસ્તિત્વ પણ વિસરાઈ જાય તે હદે શરણભાવ પ્રગટે ત્યારે તેમાં જીવનના ખરા આશ્રયનો પરિચય થાય છે.

આ કાવ્ય પણ એક એવી આરત છે જે જીવનમાંથી નીકળી જીવન તરફ જવા માટેના ખરા માર્ગની ખોજમાંથી પ્રગટી છે.