The Play
Hiren Kavad
આગળ આપણે જોયુ.
મેઘ અને નવ્યા એક સાથે સમય પસાર કરે છે. બન્ને ધીરે ધીરે નજીક આવે છે. બન્નેની ફોન પર વાત થાય છે. બન્ને ડેટ માટે રાજી થાય છે. બ્રહ્મા નાટક માટેની મીટીંગ કરે છે. બધાને જરૂરી ગાઇડન્સ આપે છે. ઇન્દ્રને પ્રોજેક્ટ માંથી બાકાત કરવામાં આવે છે. ઇન્દ્રનું અભિમાન ઘવાય છે. હવે આગળ.
5. Butterfly Effect
‘બટર ફ્લાય ઇફ્ફેક્ટ છે શું?’, નંદિએ એક દમ મારીને પૂછ્યુ.
‘નંદિ આ એક સાયન્ટીફીક કન્સેપ્ટ છે. જો કોઇ સીસ્ટમની ઇનીશીયલ કંડીશનમાં નાનો અમથો પણ બદલાવ કરવામાં આવે તો એના પરીણામો સાવ અલગ જ આવે. આ પ્રકારની અસર એટલે બટરફ્લાય ઇફ્ફેક્ટ. બટ જે આપડે ઇમ્પ્લીમેન્ટ કરવાની છીએ એ ખુબ મોટું સ્વરૂપ છે. એક્ચુઅલ થિઅરી અને આ ઇમ્પ્લીમેન્ટેશન ખુબ જ અલગ છે, આ માત્ર નામ પૂરતી જ બટર ફ્લાય ઇફ્ફેક્ટ છે. એમાં ગેરસમજ ના કરતો.’, શિવે નંદીને ધ્યાનથી સમજાવતા કહ્યુ.
‘ઓહ્હ.’, નંદિ વધારે ના બોલ્યો.
‘બટ તને મજા આવશે.’, શિવે પોતાના પ્રિય નંદિની પીઠ પર થપથપાવતા કહ્યુ.
***
‘મેક ઇટ ફ્લાય.’, વિષ્નુએ પતંગિયાને નિર્દેશીને આદેશ આપ્યો.
***
પતંગીયુ ગુલાબના છોડ પર આવીને બેઠુ. ‘અવશેષ અહિં આવીજા.’, ગાર્ડનમાં રમી રહેલા અવશેષને દૂરથી જ એના મમ્મીએ સાદ પાડ્યો. અવશેષ પાંચ વર્ષની કુતુહલતાયુક્ત નજરથી જોઇ રહ્યો હતો. એની નજર નવરંગી પતંગીયા પર પડી. દરેક વસ્તુને પોતાની સમજતુ બાળક પતંગીયા તરફ દોડ્યુ. પતંગીયુ જાણે બાળકને લલચાવી રહ્યુ હોય એમ ચંચળતા બતાવી રહ્યુ હતુ. અવશેષ પોતાના ઢબુડા પગથી ઠુમક ઠુમક દોડી રહ્યો હતો. પતંગીયુ ફુલના એક છોડ પર બેઠુ. અવશેષ એ તરફ દોડ્યો અને જપટ મારવા ગયો. પતંગીયુ ઉડી ગ્યુ અને અવશેષ ગોઠણીયાભેર ફસડાઇ પડ્યો. તરત જ એણે રોવાનું શરૂ કર્યુ. અવશેષની મમ્મી ઉભી થઇ અને એની પાસે દોડી આવી.
‘કહ્યુ તુ ને ત્યાં ન જા.’, તરત જ અવશેષની મમ્મી બોલી. અવશેષ રડી રહ્યો હતો. અવશેષનો ગોઠણ થોડો છોલાઇ ગયો હતો. અવશેષની મમ્મી એને તરત જ તેડીને ઘરમાં લઇ ગઇ.
‘કાંતા ? જલદી ફર્સ્ટ એઇડ કિટ લઇ આવ.’, અવશેષની મમ્મીએ સાદ પાડ્યો. તરત જ કિચનમાંથી બે સ્ત્રી આવી. એકના હાથમાં ફર્સ્ટ એડ કિટ હતી.
‘આ કોણ છે?’, બીજી સ્ત્રીને જોઇને તરત જ અવશેષની મમ્મી બોલી.
‘મંજુ મારી પાડોશી છે, આજે મને મદદ કરવા આવી હતી.’, કાંતાએ કહ્યુ.
‘લગાવી આપુ?’, મંજુ બોલી. અવશેષ હજુ રડી જ રહ્યો હતો.
‘હમણા જ સારૂ થઇ જશે, આમ જુઓ આ ક્રિમ લગાવીશ એટલે ઠંડુ ઠંડુ લાગશે.’, મંજુએ પ્રેમથી અવશેષને સમજાવતા કહ્યુ. કાંતા મંજુની આટલી કાળજીને જોતી રહી. મંજુએ ધીમેં ધીમેં અવશેષના છોલાયેલા ગોઠણ પર ક્રિમ લગાવ્યુ. જાણે અવશેષ પોતાનું જ બાળક હોય. અવશેષને થોડુ દુખ્યુ પણ મંજુએ કાલુ કાલુ બોલીને એને હસતો કરી દીધો. અવશેષના ગોઠણ પર ક્રિમ લગાવ્યા પછી બન્નેના ચહેરા પર સ્મિત હતુ. મંજુએ અવશેષના કપાળ પર ચુમ્મી આપી. કાંતા અને મંજુ બન્ને કામ પતાવીને ઘરે જવા નીકળ્યા.
‘ભરોસો રાય્ખ, તારો ખોળો ખાલી નય રેય.’, કાંતાએ મંજુને સાંત્વના આપતા કહ્યુ.
‘ઠાકર કરે ઇ ઠીક.’, મંજુ આટલુ જ બોલી.
‘તો તારા સોકરાનું નામ ઠાકર જ રાખજે.’, કાંતા હસીને બોલી.
‘મારી સાસુ તો કેય કે ઠાકર ધણી રાખવુ સે.’, મંજુ બોલતા બોલતા હસી પડી.
‘પણ કહેવુ પડે તારા સાસુનું. ૯૫ વરહ થ્યા તોય ખડે પગે છે.’, મંજુએ વખાણ કરતા કહ્યુ.
‘એની વાતો મનેય હજુ ક્યારેક નથી સમજાતી.’, મંજુ બોલી. બન્ને પોતાની સાંકડી શેરીમાં દાખલ થયા.
‘નંદુ ડોશી, નંદુ ડોશી. ખરેખર ખુમારીવાળુ જીવી છે તારી સાસુ.’, કાંતાએ હરખાઇને કહ્યુ.
‘ઇ તો મરશે તોય ખુમારીથી જ મરશે.’, મંજુએ ગર્વથી કહ્યુ.
‘તે હાય્લ સાંજે આવજે ઘરેજ સુ.’, કાંતાએ પોતાની શેરી આવતા કહ્યુ.
‘હા’, મંજુ બોલી અને પોતાની શેરીમાં આગળ વધી. પોતાની ખડકી ખોલીને મંજુ અંદર ગઇ. ખુબ જ વૃદ્ધ ડોશી ખાટલા પર બેઠી હતી. આંય્ખે ચશ્મા હતા અને શરીર પૂરેપુરૂ વૃદ્ધ થઇ ચુક્યુ હતુ.
‘વેલી આવી ગય ને કેં’, નંદુ ડોશી બોલી.
‘આજે મારે રજા છે, કાંતા હાર્યે ગય’તી.’, મંજુ બોલી.
‘તે આઝ તો બવ હરખાય સે ને.’, નંદુ ડોશી બોલી.
‘ઇ તો આજ કાંતાની શેઠાણીના છોકરાને રમાડીને આવી. બવ પ્યારો છે.’, મંજુ બોલી.
‘આંયા આવ્ય, મારી પાહેં બેહ્ય.’, નંદુડોશીએ બાજુમાં હાથ થપથપાવતા કહ્યુ. મંજુ એની સાસુની બાજુમાં બેસી ગઇ.
‘ઝો આ ખાલી ખોળયાનો ખેલ હોતને તો તો દવાએ સોકરા પેદા થય ઝાતા હોત. તારી પીડા હું હમઝી હકુ. એટલે ટાણા વગર તોફાન નંય આવે, અને ઝ્યારે આવશે ત્યારે તુ તોબા પોકારી ઝાંહ.’, નંદુ ડોશી ધીંમે ધીંમે બોલીને હસી.
‘મેં ઘણી ડિલીવરીયુ કરાવી સે એક દિ તો હું આંય આવતી’તી ને એક સોડીને બસમાં પીડા ઉપડી. વેલી સવાર, ગાંડો વરસાદ અને ઘનઘોર ઝંગલ. ઇ ઉપરવાળો એના ખેલ બવ સારી રીતે રમી જાણે છે. એમાંય ઇ સોડીનો વર એને મુકીને પરદેસ વયો ગયેલો. ઇ તો સોડીની હિમ્મત. બાળક બાર્ય આવવાનું નામ નોં લેય અને સોડી તડપે. એના સોકરાનું નામેય અમે મેઘ પાડ્યુ તુ. વરસાદમાં આવ્યો તો ને.’, નંદુ ડોશીએ પોતાના જીવનની એક ઘટના કહેતા હસીને કહ્યુ.
‘તમારી જેવા સાસુ બધાને મળે.’, મંજુ હસીને બોલી.
‘એ હારૂ. હું આવુ આમ આંટો મારીને. મારી લાકડી અંબાવ.’, નંદુ ડોશી ઉભી થઇને બોલી. મંજુએ લાકડી અંબાવી અને નંદુ ડોશી ખડકીની બહાર નીકળી. શેરીનો ઢાળ નીચે ઉતરતા નંદુ ડોશીની નજર નાગોડીયા બાળકોના ફોટા ખેંચતી એક છોકરી પર પડી. નંદુ ડોશી જોઇ રહી કે આ ઘડીક બેસે અને ઘડીક ઉભી થઇને કંઇક કરે છે શું. નંદુ ડોશીથી રહેવાયુ નહિ.
‘એય સોડી. મારોય ફોટોં ખેંસ ને.’, ડોશીએ મોટેથી કહ્યુ. વેદાંતીની નજર તરત જ ડોશી તરફ ફરી. નંદુ ડોશીને જોઇને તરત જ એની આંખોયે કહ્યુ કે અહિં કોઇ અગોચર તત્વ છે. વેદાંતીએ પોતાનો કેમેરો નંદુ ડોશી તરફ ફેરવ્યો. નંદુ ડોશીએ પોતાની લાકડી ઉંચી કરી. વેદાંતીએ તરત જ એ પોઝ કેપ્ચર કરી લીધો.
‘તે તુ આજ કર્ય સો.’, વેદાંતી નંદુ ડોશીની નજીક આવી એટલે બોલી.
‘હા માજી. બસ બધા લોકોને આમાં કેદ કરૂ.’, વેદાંતી કેમેરા તરફ ઇશારો કરતા બોલી.
‘માણાહ સે કે બાંધેલાને સોડે, તુ તો કેદ કરવાની વાત કર્ય સો.’, નંદુ ડોશી હસીને બોલી.
‘મારો તો આ ઝ ધંધો માજી. તમે હું કરો બોલો.’, વેદાંતીના હાથમાં કેમેરો હતો જ એ સામે બેસેલી નંદુ ડોશીના ફોટાઓ ખેંચવાની ફીરાકમાં જ હતી.
‘ભાવ ભજન ને ભોંપાળા.’, નંદુ ડોશીએ પોતાના હાથ ઉંચા કરીને કહ્યુ. વેદાંતીએ આ ક્ષણને કેદ કરી લીધી.
‘અદભૂત’, ક્લિક થયેલ ફોટો જોઇને વેદાંતીના મોંમાંથી બોલાઇ ગયુ.
‘પણ આ શું ભાવ ભજનને ભોંપાળા?’, વેદાંતીને ખબર ના પડી એટલે એણે પૂછી લીધુ.
‘ઝો સોડી હવે મારી ઉંમર થય મરવાની. હું નથ થાકી પણ આ દેહ હવે થાક્યો સે. હવે લગભગ કાંય બાકી નથ રાખ્યુ. એટલે હંધાયને ભાવથી બોલાવયી, કોય આવે તો ખવરાવયી. આ ભાવ. હાંઝે હંધીય ડોશીયુ ભેગી થયને ઠાકરનું નામ લેય, એ ભજન. તુય આવજે. અને હવે અમે હું કરયી એનાથી કોયને કાંય ફરક નથ પડતો. આ ઉંમરે કોયને મારા ઝેવી ડોશીયુની પરવા નથ હોતી એટલે ઝુવાનીમાં ઝે કામા કર્યા હોય એના ભોંપાળા ખોલયી અને બધાને દાત કઢાવયી આઝ ધંધો સે.’, નંદુ ડોશી બોલી અને વેદાંતી હસી પડી.
‘વાહ માડી વાહ.’, વેદાંતીના મોંમાંથી નીકળી ગયુ.
‘કર્ય મોઝ હું તો આ હાલી.’, નંદુ ડોશીએ ઓટલેથી ઉભા થતા કહ્યુ.
‘હુંય હાલતી ઝ થાવ સુ.’, વેદાંતીએ હસીને નંદુ ડોશીના લહેકામાં કહ્યુ. વેંદાતીએ શેરીનો ઢાળ ઉતરવાનું શરૂ કર્યુ. વેદાંતીના મગજમાં આ ડોશીની વાતો ઘર કરી ગઇ હતી. કેવુ બિન્દાસ્ત જીવન. કોઇની પરવાહ નહિં. કોઇ રંજ નહિં. મન ફાવે એમ બોલવુ અને કરવુ. એ પોતાના ફ્લેટ પર પહોંચી ફ્રેશ થઇ અને પોતાનો કેમેરો લેપટોપ સાથે કનેક્ટ કર્યો. બધા ફોટોઝ કોપી કર્યા અને નંદુ ડોશીનો ફોટો ખોલ્યો.
વેદાંતી અલગારી છોકરી હતી. રસ્તા પર સામાન્ય માણસના ફોટાઓ ખેંચે તો પણ એક માણસના મૂળમાં જે ગુણો હોય એ તસ્વીરોમાં આવી જતા. એણે ફોટાને બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં એડીટ કર્યો અને સોશીયલ મિડીયા પર પોસ્ટ કર્યો.
‘ફ્રી સોલ.’, તરત જ રોનકની કમેન્ટ આવી.
‘યેહ, અનકંટ્રોલેબલ.’ વેદાંતીએ તરત જ જવાબ આપ્યો.
‘ફુલ ઓફ એસ્થેટીક્સ.’, તનુજાની બીજી કમેન્ટ આવી. રોનકે તનુજાનું પ્રોફાઇલ ચેક કર્યુ. બધી ડીટેઇલ્સ જોઇને એણે કેટલાક ફોટોઝ જોયા. નવરાત્રીના એક ગૃપ પીક્ચર પર રોનકે લાઇક કરી. તનુજાના અકાઉન્ટમાં નોટીફીકેશન આવી.
‘વંશિકા જલદી આવ.’, તનુજાએ પોતાના બેડ પર બેઠા બેઠા જ બુમ મારી. ફ્લેટના બીજા રૂમમાંથી વંશિકા આવી.
‘શું છે?’, જાણે કંટાળી હોય એમ વંશિકા બોલી.
‘એક સુપર હોટ છોકરાએ આપડો પીક લાઇક કર્યો છે.’, તનુજા ઉત્સાહમાં બોલી.
‘છોડને યાર, એ તો લાઇક કર્યા કરે.’, વંશિકા બોલી.
‘કેમ શું થયુ છે તને?’, તનુજાએ પૂછ્યુ.
‘નથીંગ, મુડ બરાબર નથી આજે.’, વંશિકા તનુજાના બેડ પર લાંબી થઇને પડી.
‘યુ વોન્ટ ટુ ગો ફોર ડ્રીંક?’,
‘સીમ્સ ગુડ, બટ આઇ ડોન્ટ નો.’, વંશિકા બોલી.
‘ગેટ રેડી આપડે જઇએ છીએ.’, તનુજાએ વંશિકાને ખેંચી.
‘યાર આઇ એમ બોર્ડ ઓફ બીઇંગ સીંગલ યાર.’, વંશિકાએ કંટાળાપૂર્વક કહ્યુ.
‘ધીઝ એજ. આપણે શું કરી શકીએ. લેટ્સ ગેટ ડ્રીંક.’, તનુજાએ વંશિકાના હાથ ઘસીને કહ્યુ. વંશિકા ઉભી થઇ. એણે નાઇટડ્રેસમાંથી જીન્સ શોર્ટ અને વ્હાઇટ ટી શર્ટ પહેર્યુ. બન્ને તૈયાર થઇને ક્લબ પર પહોંચ્યા. બાર પર જઇને બન્નેએ ડ્રિંક ઓર્ડર કર્યા. આવતા વેંત બન્નેના ડ્રિંક ગળા નીચે ઉતરી ચુક્યા હતા.
‘કેન આઇ બાય યુ અ ડ્રિંક?’, એક છોકરો વંશિકાની બાજુમાં આવીને ઉભો રહ્યો.
‘આઇ નો યુ વોન્ટ સેક્સ એન્ડ આઇ એમ નોટ ઇન્ટરેસ્ટેડ.’, વંશિકાએ તરત જ મોં પર ચોડી દીધુ.
‘ધેટ વોઝ સો મીન એન્ડ રૂડ.’, પેલા છોકરાએ કહ્યુ.
‘કામ ડાઉન બેબી.’, તનુજાએ વંશિકાને શાંત કરતા કહ્યુ.
‘આઇ એમ સોરી.’, વંશિકા બોલી.
‘ઇટ્સ ઓકે.’, પેલો છોકરો બીજી તરફ ફર્યો. એના મનમાં સતત વંશિકાનો અવાજ જ ચાલી રહ્યો.
‘તમારૂ નામ શું છે?’, તનુજા બોલી.
‘તુષાર.’, પેલો છોકરો બોલ્યો.
‘આઇ એમ તનુજા એન્ડ શી ઇઝ વંશિકા. લેટ મી બાય યુ અ ડ્રિંક.’, તનુજાએ કહ્યુ.
‘ઇટ્સ ઓકે. આઇ વિલ બાય ઇટ.’, તુષારે કહ્યુ.
‘ઇટ્સ અપોલોજી.’, વંશિકાએ સ્માઇલ સાથે કહ્યુ. ત્રણેયે એકસાથે ઘણા ડ્રિંક્સ લીધા. ઘણી બધી વાતો કરી. તનુજા અને વંશિકા બન્ને આઉટ ઓફ કંટ્રોલ હતા. બન્નેના મોંમાંથી સતત ‘વી આર હેપ્પી વી આર સો હેપ્પી’ નીકળી રહ્યુ હતુ.
‘વ્હાય ડોન્ટ યુ કમ એટ આવર પ્લેસ.’, તનુજાએ કહ્યુ.
‘આઇ ગોટ્ટા ગો.’, તુષારે કહ્યુ. તનુજા અને વંશિકાએ કંઇ રીસ્પોન્સ ના આપ્યો. તુષારે પોતાનો મોબાઇલ કાઢ્યો અને તન્મય નામના વ્યક્તિને કોલ કર્યો.
‘તન્મય આઇ એમ ડ્રંક, કેન યુ પીક મી અપ?’, તુષારે ફોન પર કહ્યુ.
‘તારા રોજના નાટક. આવુ છુ ચલ.’, તન્મયે સામેથી કહ્યુ અને ફોન કટ કર્યો.
‘ગાય્ઝ મારે જવુ પડશે.’, તન્મયે પોતાની સાથે બેસેલા ફ્રેન્ડ્સને કહ્યુ.
‘થોડીવાર તો બેસ.’, એની બાજુવાળા જ એક વ્યક્તિએ કહ્યુ.
‘કાલે મળીએને શુકનીયા. એન્ડ હું તો કહુ છું એને કહી દે.’, તન્મયે કહ્યુ અને ઉભો થયો.
‘શી ઇઝ માય એમ્પલોય ધેટ્સ અ પ્રોબ્લેમ તને તો ખબર છે.’, શુકને કહ્યુ.
‘ધેન મુવ ઓન.’, તન્મય ઉભો થઇને હસ્યો.
‘જો હિમ્મત તો કરવી જ પડશે.’, તન્મયે ઉભા ઉભા જ શુકનને સમજાવ્યો. તન્મયે ડોકુ ધુણાવ્યુ.
‘ચલો ગાય્ઝ કાલે મળીએ.’, તન્મયે બધાને બાય બાય કહ્યુ અને એ બહાર નીકળી ગયો.
શુકનના મગજમાં શું કરવુ એના વિચારો જ દોડી રહ્યા હતા. એણે પોતાનો મોબાઇલ કાઢ્યો અને નવ્યાનો નંબર કાઢ્યો. નવ્યાને ફોન કરવા માટે એના હાથ હજુ ખચકાઇ રહ્યા હતા. આખરે એણે કોલ બટન પર આંગળી ટેપ કરી.
‘હાઇ.’, શુકને કોલ રીસીવ થયો એટલે તરત જ કહ્યુ.
‘હાઇ સર.’, નવ્યાએ એના કોમળ અવાજમાં કહ્યુ.
‘તુ પહોંચી ગઇ ઘરે?’, શુકનને સમજાયુ નહિં શું બોલવુ.
‘યા સર, કંઇ કામ હતુ?’, નવ્યાએ કહ્યુ.
‘ના એમ જ કોલ કર્યો હતો.’, શુકને કહ્યુ.
‘ઓહ્કે સર. હાવ આર યુ?’, નવ્યાએ કહ્યુ.
‘આઇ એમ ગુડ. આઇ વોઝ થિંકીંગ વી શુડ ગો ફોર ડિનર સમ ડે.’, શુકને હિમ્મત કરીને કહ્યુ. નવ્યાને થોડુ અજીબ લાગ્યુ. એને ખબર નહોતી પડી રહી શું બોલવુ. આખરે એણે નક્કિ કર્યુ કે શુકન સાથે અમુક વાતો ક્લિઅર કરી નાખે.
‘સર આઇ એમ ઓલરેડી ડેટીંગ સમવન.’, નવ્યાએ હિમ્મત કરીને કહ્યુ.
‘ઓહ્હ આઇ વોઝ ટોકીંગ અબાઉટ કેઝ્યુઅલ ડિનર.’, શુકને પોતાના શબ્દો પાછા વાળતા કહ્યુ.
‘ઓહ્કે સ્યોર સર.’, નવ્યાએ પણ હળવેથી કહ્યુ.
‘ઓકે ગ્રેટ, સી યા ટુમોરો.’, શુકન ઘણો એમ્બેરેસ્ડ થયો હતો એટલે એણે વાત પૂરી કરવા કહ્યુ.
‘બાય. ગુડનાઇટ.’, નવ્યા બોલી.
‘બાય.’, નવ્યાએ કોલ કટ કર્યો.
નવ્યા થોડુ હસી. ડેટ પરથી એને તરત જ મેઘ યાદ આવ્યો હતો. એને એની આવનારી ડેટની યાદ આવી હતી. નવ્યા જ્યારથી મેઘને મળી હતી ત્યારથી એને થોડી થોડી વારે મેઘની સાથે વાત કરવાની ઇચ્છા થતી હતી. નવ્યા માટે આ ખુબ નવુ હતુ. આવી લાગણીઓ, આવી અનુભૂતીઓ પહેલીવારની હતી. આખરે એણે મેઘને કોલ લગાવ્યો.
‘અમે તમને યાદ કર્યા.’, જેવો મેઘે ફોન ઉપાડ્યો એવું નવ્યા બોલી.
‘અમે પણ તમને યાદ કરી રહ્યા હતા.’, મેઘના ચહેરા પર બ્લશીંગ હતુ.
‘કેમ ?’, નવ્યા બોલી.
‘અમે પણ એ જ પૂછીએ છીએ કેમ ?’
‘કારણ કે તમારી યાદ આવી.’
‘યાદ કેમ આવી.’, મેઘ વાતને વધુને વધુ લાંબી કરવા ઇચ્છી રહ્યો હતો એવુ લાગી રહ્યુ હતુ.
‘જવાબો એમ નહિં મળે.’, નવ્યા હસી પડી.
‘હમણા જ મમ્મી સાથે વાત કરી રહ્યો હતો.’,
‘શું?’
‘મમ્મી મને ડેટીંગ ટીપ્સ આપી રહી હતી.’, મેઘે કહ્યુ.
‘ઓહ્હ. એમ?’,
‘મારા જન્મ વખતેની ડિલીવરી એક ડોશીમાંએ કરાવેલી એ એમને આજે મળી ગઇ હતી. તો મમ્મી આખી વાર્તા માંડીને કરી રહી હતી. પછી તારી વાત નીકળી.’,
‘મારી શું વાત થઇ?’, નવ્યા વાત કરતા કરતા સતત મુસ્કુરાઇ રહી હતી.
‘કે મારી સાથે જે પણ સારૂ થાય છે એ એક્સીડેન્ટલી થાય છે.’,
‘તો હું પણ એક એક્સીડેન્ટ છું એમને?’, નવ્યા હસી પડી.
‘યસ.’, મેઘ હસતો હસતો પોતાની બાલ્કનીમાં ગયો.
‘મેઘ?’, નવ્યાએ ચીડવવાના ટોનમાં ધીમેંથી કહ્યુ.
‘નવ્યા યુ આર ઇન માય થોટ્સ કન્ટીન્યુઅસલી.’, મેઘનો અવાજ ખુબ સોફ્ટ હતો.
‘ધેન વ્હાય ટુ વેઇટ ફોર ડેટ? વ્હાય ટુ વેઇટ ફોર ટુમોરો?’, નવ્યા રોમાંચ સાથે થોડો ડર પણ અનુભવી રહી હતી.
‘આઇ એમ કમીંગ.’, મેઘે કહ્યુ.
‘આઇ એમ રેડી.’, નવ્યાએ કહ્યુ.
***
‘મોમ.’, મેઘ સીધો જ નંદિનીના રૂમમાં ગયો.
‘બોલીયે,’
‘હું નવ્યાને મળવા જાવ છું.’, મેઘે કહ્યુ.
‘અત્યારે? અગિયાર વાગ્યા છે.’
‘અમારા બન્નેની એક જ હાલત છે, વ્હાય ટુ વેઇટ?’, મેઘે હસીને કહ્યુ. એનામાં ભરપૂર એક્સાઇટમેન્ટ હતી.
‘એક વાત યાદ રાખજે. એક પણ ક્ષણને મીસ ના કરતો.’, નંદિનીએ મેઘના કપાળ પર કિસ કરી.
‘આઇ લવ યુ માય નંદુ.’, મેઘે પણ નંદિનીના કપાળ પર કિસ કરી.
‘એ તારે કહેવાની જરૂર નથી. તારી માં છું ખબર જ હોય મને.’, નંદિનીએ એના હાથથી મેઘના ગાલ પર પ્રેમની થપાટ મારી. બન્ને એકબીજાને ભેટ્યા. મેઘ પોતાની કાર લઇને બહાર નીકળ્યો.
***
ઇન્દ્ર આમથી તેમ પોતાના ભવનમાં આંટા મારી રહ્યો હતો. એનુ અભિમાન ઘવાયુ હતુ. એના ચહેરા પર ગુસ્સો જલકાઇ રહ્યો હતો. અચાકનક એના ચહેરા પર શૈતાની હાસ્ય આવ્યુ. એણે મેઘ અને નવ્યાની ચાલી રહેલી ઘટના જોઇ. ફરી એ હસ્યો.
‘નવ્યા અને મેઘ પ્રત્યે પ્રેમ છે નહિં શિવ?’, એ એકલો એકલો બબડ્યો.
‘હવે જુઓ.’, એ ફરી શૈતાની હસ્યો.
***
શું નવ્યા અને મેઘ મળી શકશે? શું હશે ઇન્દ્રની ચાલ? શું હશે ઇન્દ્રની નવી હરકત? શું એ હરકતને રોકવા માટે શિવ કંઇ કરશે? જાણવા માટે મળીશું આવતા શુક્રવારે. Please give me honest reviews and suggestions. Thank you.
હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લલેખક વિશે
ેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.
Social Media
Facebook.com/meHirenKavad
Twitter.com/@HirenKavad
Instagram.com/HirenKavad
Mobile and Email
8000501652
HirenKavad@ymail.com