Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 10

એક દુશ્મન વિરુદ્ધ અઢી કરોડ મિત્રો

પ્રકરણ ૧૦

અમેરિકનોએ ગન ક્લબના સાહસની નાનામાં નાની વિગતોમાં પણ ખૂબ રસ લીધો હતો. કમિટીની રોજની મીટીંગોમાં શું નક્કી કરવામાં આવ્યું તેની તમામ વિગતો તેઓ લઇ રહ્યા હતા. પ્રયોગ માટેની સરળમાં સરળ પ્રક્રિયા થી માંડીને ખર્ચની રકમ, મીકેનીકલ તકલીફોને કેમ દૂર કરવામાં આવી તેનો તમામ પ્લાન વગેરે વિગતો અમેરિકનોની ઉત્કંઠાની ચરમસીમા વટાવી ગઈ હતી.

ઘટનાનું શુદ્ધ વૈજ્ઞાનિક આકર્ષણ નીચેની ઘટના બાદ અત્યંત તીવ્ર બની ગયું હતું.

આપણે અત્યારસુધી જોયું કે બાર્બીકેનના પ્રોજેક્ટને મિત્રો અને પ્રશંસકોની આખી એક ફોજ ટેકો આપી રહી હતી. પરંતુ અમેરિકાના તમામ રાજ્યોમાંથી એક રાજ્યમાં એક વ્યક્તિ એવો હતો જે ગન ક્લબના આ પ્રયાસનો વિરોધ કરી રહ્યો હતો. અત્યારસુધીની તેને મળેલી તમામ તકોનો ઉપયોગ કરીને તેણે બાર્બીકેન પર કાયમ ઝનૂનપૂર્વક હુમલાઓ કર્યા હતા અને બાર્બીકેન પણ, જેમ મનુષ્ય સ્વભાવ છે તે મુજબ, તેમને મળેલા અભૂતપૂર્વ ટેકાને બદલે આ એક વ્યક્તિના વિરોધ પર વધારે ધ્યાન આપી રહ્યા હતા. કારણકે તેમને આ વ્યક્તિની દુશ્મનીનો અંદાજ હતો, એટલુંજ નહીં પરંતુ તે કેવી રીતે શરુ થઇ તેની પણ તેમને ખબર હતી.

બાર્બીકેનના આ દુશ્મનને ગન ક્લબે ક્યારેય જોયો ન હતો. કદાચ એમ થવું સારું જ હતું કારણકે જો આ બંનેનો મેળાપ થાય તો તેના ગંભીર પરિણામો આવી શકે તેમ હતા. આ વ્યક્તિ વિજ્ઞાનનો માણસ હતો અને બાર્બીકેનની માફક જ તેનામાં ઉત્તેજના, હિંમત અને હિંસક સ્વભાવ પણ હતો, તે એક શુદ્ધ યાન્કી હતો. આ વ્યક્તિનું નામ હતું કેપ્ટન નિકોલ અને તે ફિલાડેલ્ફીઆમાં રહેતો હતો.

ઘણાબધા લોકોને ખ્યાલ હતો કે ફેડરલ યુદ્ધ દરમિયાન તોપ ધરાવનારાઓ તેમજ લોખંડી જહાજ ધરાવનારાઓ વચ્ચે કેવું ભયંકર વિનાશચક્ર ચાલ્યું હતું. આ કારણસર યુદ્ધ બાદ બંને સ્થાનોએ નેવીની નવરચના કરવી પડી હતી. એક તરફની નેવી કદમાં વધી હતી જ્યારે બીજી તરફની નેવીમાં સંખ્યાનો વધારો કરવામાં આવ્યો હતો. મેરીમેક, મોનીટર, ટેનેસી, વિહોકેન આ તમામ જહાજો દ્વારા ખૂબ તોપમારો કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના દુશ્મનો પર યુદ્ધના એ જ સિદ્ધાંતનો પ્રયોગ કર્યો હતો જે તેઓ પોતાના પર કોઈ બીજું કરી જાય તેવું ક્યારેય ઈચ્છતા ન હતા.

બાર્બીકેન તોપગોળા બનાવવાના માસ્ટર હતા તો નિકોલ લોખંડની પ્લેટ્સ બનાવવામાં શ્રેષ્ઠ હતો. એક ઇન્સાન બાલ્ટીમોરમાં દિવસ રાત કામ કરતો હતો તો બીજો ફિલાડેલ્ફીઆમાં દિવસ રાત કામ કરતો હતો. જ્યારે જ્યારે બાર્બીકેને નવા પ્રકારનો ગોળો ઈજાદ કર્યો હતો ત્યારે ત્યારે નિકોલે નવા પ્રકારનું બખ્તર ઈજાદ કર્યું હતું. બંનેએ અત્યારસુધી એકબીજાની વિરુદ્ધના વિચારો પર જ કામ કર્યું હતું. દેશ માટે રાહતની બાબત એ હતી કે આ બંને એકબીજાથી પચાસથી સાઈઠ માઈલ દૂર રહેતા હતા અને એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. પરંતુ તાજી ઘટનાઓથી એવું લાગી રહ્યું હતું કે તોપગોળા સામે લોખંડની પ્લેટ્સ હારી જશે, પરંતુ તેમનું પરિણામ નક્કી કરવા માટે સમય આવે નિર્ણાયકો મળી જ રહેવાના હતા.

સીલીન્ડ્રો કોનીક્લ તોપગોળાના પ્રયોગ દરમિયાન બાર્બીકેન તદ્દન નિષ્ફળ રહ્યા હતા. આ સમયે નિકોલે પોતાની જાતને વિજેતા ગણી લીધી હતી પરંતુ તે પોતાના દુશ્મન સામે તિરસ્કાર યોગ્યરીતે દર્શાવી શક્યો ન હતો. પરંતુ ત્યારબાદ બાર્બીકેને જ્યારે ૬૦૦ પાઉન્ડનો એક સામાન્ય શેલ બનાવ્યો જેની ગતી મધ્યમ હતી ત્યારે ફિલાડેલ્ફીઆના આ ફોર્જરને પોતાની હાર માનવી પડી હતી, કારણકે બાર્બીકેનનો આ શેલ નિકોલના એકેએક બખ્તરને તોડી શકવા માટે સક્ષમ હતો.

અત્યારેતો શેલ દ્વારા મળેલી જીત જ આ બંને વચ્ચેની લડાઈની છેલ્લી જીત હતી. આ ઉપરાંત જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે જ નિકોલે એક નવું રોટ સ્ટીલથી બનાવેલું બખ્તર બનાવ્યું હતું. આ એક પ્રકારનું અદભૂત કાર્ય હતું અને તે ગમેતેવી ગોળીઓ કે તોપગોળાથી રક્ષણ આપી શકતું હતું. કેપ્ટન નિકોલે વોશિંગ્ટનના રક્ષા મંત્રાલય દ્વારા બાર્બીકેનને આ બખ્તરને તોડવાની ચેલેન્જ પણ આપી પરંતુ હવે શાંતિની ઘોષણા થઇ ચૂકી હોવાથી બાર્બીકેને આ ચેલેન્જ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

બાર્બીકેનના મોળા જવાબથી હવે નિકોલ અત્યંત ગુસ્સામાં હતો તેણે પોતાના બખ્તરને કોઇપણ પ્રકારના ગોળા પછી તે મજબૂત હોય, પોલો હોય, વર્તુળમાં હોય કે પછી શંકુ આકારનો હોય તોડી પાડવા માટેની ચેલેન્જ ફેંકી, પરંતુ ગન ક્લબના પ્રમુખે તેમની છેલ્લી જીતના પરિણામમાં કોઈજ ફેરફાર કરવાથી ઇનકાર કર્યો.

નિકોલ હવે બાર્બીકેનના આ દુરાગ્રહથી ચીડાયેલો હતો. તેણે બાર્બીકેનને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરી દીધા હતા. તેણે માત્ર બસો યાર્ડ્સ દૂર તેનું બખ્તર મૂકીને તેને ઉડાવી દેવાની ચેલેન્જ આપી. બાર્બીકેન હજીપણ પોતાની જીદ પર ટકી રહ્યા હતા અને કહ્યું કે નિકોલ સો કે પછી પંચોતેર યાર્ડ કહે તો પણ તેઓ આ ચેલેન્જ નહીં જ સ્વીકારે.

“ચાલો તો પચાસ રાખીએ! પચ્ચીસ યાર્ડ રાખીએ અને બખ્તરની પાછળ હું ઉભો રહીશ.” નિકોલે ન્યૂઝ પેપર્સમાં લખેલા વિવિધ પત્રો દ્વારા ત્રાડ પાડી.

જવાબમાં બાર્બીકેને માત્ર એટલુંજ કહ્યું કે નિકોલ તેની મહાનતા દેખાડવા જો બખ્તરની આગળ પણ ઉભો રહેશે તો પણ હું હવે એકપણ ગોળી છોડીશ નહીં.

નિકોલે બાદમાં બાર્બીકેનને ડરપોક ગણાવ્યા અને જણાવ્યું કે છ માઈલ દૂરથી તોપગોળા છોડનારને પણ નજીકથી ગોળી છોડવાનો કેટલોબધો ડર લાગી રહ્યો છે?

આ બધી વાતોને બાર્બીકેને કોઈજ જવાબ ન આપ્યો, કદાચ તેઓ પોતાના મહાન સાહસની ગણતરીમાં એટલા વ્યસ્ત હતા કે તેમણે નિકોલના આ ટોણાઓને સાંભળ્યા પણ ન હતા.

જ્યારે ગન ક્લબનો પ્રયોગ કરવાનો નિર્ણય નિકોલે સાંભળ્યો ત્યારે તેની ઈર્ષ્યા તમામ બંધનો તોડી ચૂકી હતી. નિકોલની ઈર્ષ્યામાં હવે ગુસ્સો અને બાર્બીકેન પ્રત્યેની દુશ્મનાવટ પણ ભળી હતી. નિકોલ સતત એવું વિચારી રહ્યો હતો કે એ બાર્બીકેનની નવસો ફૂટ લાંબી બનનારી કોલમ્બિયાડને કેવી રીતે હરાવી શકાય. ત્રીસ હજાર પાઉન્ડના ગોળાના ધક્કાને સહન કરી શકે એવું કયુ ધાતુ એ બનાવી બતાવે? ગન ક્લબના નિર્ણયથી નિકોલને લાગેલા આઘાતમાંથી તે ધીરેધીરે બહાર આવ્યો હતો પણ તેણે પોતાની દલીલો દ્વારા બાર્બીકેન પર આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

આટલું જ નહીં નિકોલે અખબારોમાં પત્રો લખીને ગન ક્લબના અન્ય સભ્યોની પણ ટીકા કરવાની શરુ કરી દીધી. નિકોલે સૌથી પહેલાંતો બાર્બીકેનને આડે હાથે લેતાં જણાવ્યું હતું કે તેઓ તોપ બનાવવાના પ્રમુખ સિદ્ધાંતને જ કેવી રીતે અવગણી શકે છે? કેપ્ટન નિકોલે એવું સ્પષ્ટરીતે જાહેર કરી દીધું કે ૧૨,૦૦૦ યાર્ડ્સની ગતિ ધરાવીને કોઈ ગોળો છોડી શકાય એ વાત જ સાવ ખોટી છે. જે પ્રકારનું ગોળાનું વજન છે તેને ધ્યાનમાં લઈએ તો તે પૃથ્વીના આકર્ષણબળને છોડીને અવકાશમાં જઈ શકે તે શક્ય જ નથી. તોપમા જે ૧૬૦૦૦૦૦ પાઉન્ડનો ગન પાઉડર વાપરવામાં આવશે તેનાથી તે કોલમ્બિયાડમાંથી ગોળો છોડવાને બદલે એ પાઉડર અતિશય ગરમીથી અંદરજ ઓગળી જશે અને જ્યારે આ ગોળો છોડવામાં આવશે ત્યારે આ ગરમાગરમ પાઉડર આસપાસ ઉભેલા તમામ લોકો તેમજ દર્શકો પર છંટાઈ જશે અને તેઓ દાઝી પણ શકે છે.

બાર્બીકેને આ તમામ આક્રમણોને નજરઅંદાજ કરીને પોતાનું કાર્ય જારી રાખ્યું.

નિકોલે ત્યારબાદ અન્ય બાબતો પર પણ ધ્યાન આપ્યું. તેણે કહ્યું કે જે પ્રકારની તોપ બનાવવામાં આવનાર છે તેનાથી જો ખરેખર ગોળો છોડવાનો પ્રયાસ કરવામાં આવશે તો આ અશક્ય ચમત્કાર જોવા આવનારા લોકો તેમજ આસપાસના ગામડાઓમાં રહેતા લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે. નિકોલને વિશ્વાસ હતો કે આ પ્રયોગ નિષ્ફળ જવાનો છે આથી જ્યારે આ ગોળો અવકાશમાં ન જતા ધરતી પર પડશે ત્યારે તે ફાટી પડશે અને તેની ફાટવાની અસર એટલીબધી તીવ્ર હશે કે તે કદાચ સમગ્ર પૃથ્વીને અસર કરી શકે તેમ છે. આમ, નિકોલનું માનવું હતું કે માત્ર એક વ્યક્તિના મનોરંજન માટે લાખો લોકોના જીવ દાવ પર ન મૂકી શકાય અને આથી જ અમેરિકન સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ.

નિકોલની આટલીબધી દલીલો છતાં તે એકલો અટૂલો જ રહ્યો. કોઈએ તેને સાંભળ્યો તો નહીં જ પરંતુ કોઈએ તેની દલીલનો જવાબ આપવાની દરકાર પણ ન કરી. નિકોલના આટલાબધા પ્રયાસો પછી પણ ગન ક્લબના પ્રમુખની લોકપ્રિયતામાં કોઈજ ફરક ન પડ્યો.

છેવટે પોતાની કોઈજ કારી ન ફાવતા નિકોલે હવે પૈસાનો ઉપયોગ કરીને પોતાની લડત આગળ ધપાવવાનું નક્કી કર્યું. તેણે રીચમંડ ઇન્કવાયરર અખબારમાં શરતોની એક આખી શ્રુંખલા શરુ કરી જેમાં દર વખતે શરતનો ભાવ નીચે દર્શાવ્યા મુજબ વધતો જતો હતો.

નંબર ૧ – એક હજાર ડોલર્સ: ગન ક્લબને આ પ્રયોગ માટે પૂરતું ફંડ નહીં મળી શકે.

નંબર ૨ – બે હજાર ડોલર્સ: ૯૦૦ ફૂટ લાંબી કોલમ્બિયાડનું કાસ્ટિંગ કરવું અવ્યવહારુ છે આથી આવી તોપ બની જ નહીં શકે.

નંબર ૩ – ત્રણ હજાર ડોલર્સ: આ કોલમ્બિયાડ બની પણ ગઈ તો પણ તેમાંથી ગોળો છૂટી નહીં શકે કારણકે તેમાં જે પેરોક્સાઈલ વપરાવાનું છે તે ખુદ જ સળગી જશે કારણકે ગોળાનું વજન ખૂબ છે.

નંબર ૪ – ચાર હજાર ડોલર્સ: કોલમ્બિયાડ પહેલા ધડાકે જ તૂટી જશે.

નંબર ૫ – પાંચ હજાર ડોલર્સ: ગોળો છ માઈલથી વધારે નહીં છૂટી શકે અને છૂટવાની અમુક સેકન્ડ્સમાં જ ધરતી પર પડશે.

આ ખૂબ મોટી રકમ કહી શકાય તેવી હતી. કેપ્ટન નિકોલની જીદ સામે તે કશુંજ ન હતી પરંતુ તેમ છતાં તેના નહીંનહીં તોપણ પંદર હજાર ડોલર્સ અત્યારે હોડમાં મૂકાઈ ચૂક્યા હતા એ પણ એક હકીકત હતી.

હવે જ્યારે આ શરતનું મહત્ત્વ અત્યંત વધી ચૂક્યું હતું ત્યારે ઓગણીસમી મે ના દિવસે કેપ્ટન નિકોલને એક સીલબંધ કવર મળ્યું જેમાં નીચે મુજબનો સૌથી શક્ય તેટલા ઓછા શબ્દોમાં લખેલો અદભુત જવાબ હતો.

“ બાલ્ટીમોર, ઓક્ટોબર ૧૯.

સ્વિકાર્ય છે.

બાર્બીકેન.”