હેલ્લો સખીરી - 18 Hello Sakhiri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્લો સખીરી - 18

અંકઃ ૧૮, ઓક્ટોબર ૨૦૧૬.

હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક..

“સલામ સ્ત્રીઆર્થ”

અનુક્રમણીકા

૧ વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી

૨ આસ્વાદઃ રાજુલ ભાનુશાળી

૩ મોઘમ હસવુઃ પલ્લવી મિસ્ત્રી

૪ વાર્તાવૃંદઃ મેઘાવી છાયા

૫ નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા

વાંચે સખીરીઃ જાહ્નવી અંતાણી
jahnviantani@gmail.com

સલામ સ્ત્રીઆર્થ

પુસ્તકનું નામ : સ્ત્રીઆર્થ (૨) (લઘુકથા સંગ્રહ)

સંપાદન: પ્રતિભા ઠક્કર

પ્રકાશક: લેખિકા મંચ (ગુજરાતી લેખક મંડળ)

‘હેલ્લો સખી રી’.... કેમ છો? હવે તો આ વખતે આ મેગેઝીન હાથમાં આવશે ત્યારે તો નવરાત્રી ચાલુ થઇ ગઈ હશે. નવરાત્રી એટલે ‘મા શક્તિ’નો મહિમા ગાવાનો અવસર. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્ત્રી એ શક્તિનું જ પ્રતિક છે. અનાયાસે આ વખતે ‘હેલ્લો સખીરી’માં ‘વાંચે સખીરી’ વિભાગમાં મારે સ્ત્રીને લગતા પુસ્તકનો જ પરિચય કરાવવાનું આવ્યું.

‘સ્ત્રીઆર્થ’ એ શ્રીમતી પ્રતિભાબેન ઠક્કરે કરેલું લઘુક્થાઓનું સંપાદન છે. જેમાં સ્ત્રીને અવનવા રૂપે આલેખી છે.લગભગ ૩૩ લેખીકાઓએ પોતપોતાની લઘુકથા અહી પીરસી છે.

સંપાદકશ્રી પ્રતિભાબહેન એ આ પુસ્તકના અવતરણ વિશે સરસ લખ્યું છે કે, સંવેદના, સમજ,અને એની વાર્તા, કવિતા કે અભિવ્યક્તિ સોશિયલ મીડિયા થકી વધુ સરળ બની છે. એનો સદુપયોગ આ લઘુક્થાઓની લેખિકાઓને પ્રતિભાબહેને કરાવ્યો છે.‘સ્ત્રીઆર્થ ૧’ એ ફેસબુકના માધ્યમથીસંવેદના આલેખતી સ્ત્રી લેખિકાઓ થકી નિર્માયું હતું.

ત્યારબાદ વોટ્સ એપ ગ્રુપ દ્વારા ટચુકડા સ્ક્રીન પર ૩૩ લેખીકાઓએ જે માત્ર એક દેશની નથી અલગ અલગ ૩ દેશોમાં રહેતી લેખિકાઓએ, પોતાના અનુભવો, સપનાને ટચુકડા સ્ક્રીન પર આલેખી અને ગુજરાતી લેખકમંડળની શિબિરમાં યોગ્ય માર્ગદર્શન થકી ‘સ્ત્રીઆર્થ ૨’નું અવતરણ થયું.

એક સ્ત્રી પોતાની લાગણી, સંવેદના, પ્રેમ, ભાવ, દુઃખ, વ્યથા, વેદના, ખુશી, આનંદ પોતાના શબ્દોમાં વહેવડાવીને અભિવ્યક્તિકરતી થઇ એનું આ જ્વલંત ઉદાહરણ છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં મનીષી જાનીએ સરસ દર્શાવ્યું છે, કે ‘સ્ત્રીના ગુણ-અવગુણો જે જુઓ તે પુરુષકેન્દ્રી છે. ક્યાંક ને ક્યાંક એના પિતા, પતિ, સસરો, કે દીકરા મુજબજ સ્ત્રીના ગુણ-દોષ જોવામાં આવે છે, પરંતુ એક મનુષ્ય તરીકેના ગુણ –અવગુણ જોવામાં નથી આવતા. શા માટે? એ પણ એક મનુષ્ય જ છે.’ કેટલું સાચું કહ્યું, ગુણ-દોષ તો દરેક મનુષ્યમાં હોવાના. દુન્યવી જગતમાં અત્યારે સતીપ્રથા નથી, પણ એ માનસિકતા તો જરા જુદી રીતે પણ જોવા તો મળે જ છે. સમાજની માનસિકતા બદલાઈ નથી. પુસ્તકનું શીર્ષક ‘સ્ત્રીઆર્થ’ એ એક નવા જ શબ્દ તરીકે જન્મલીધો છે. સંપાદિકા શ્રી પૂછે છે, જો પુરુષાર્થ શબ્દ હોય તો સ્ત્રીઆર્થ કેમ નહિ?

અત્યારે જીવનના કોઈપણ ક્ષેત્રે સ્ત્રીઓનો ફાળો અગ્રગણ્ય રહ્યો છે. સ્ત્રી દરેક પુરુષ સમોવડી બની રહી છે. અથવા તો પુરુષના કદમથી કદમ મિલાવી રહી છે, અને ક્યાંક તો બે ડગલા આગળ પણ છે. એ ઘર બહાર બધી જગ્યાએ પોતાનો પગપેસારો કરી ચુકી છે. તો સ્ત્રીને ઉજાગર કરતો શબ્દ સ્ત્રીઆર્થ કેમ નહિ? કોઈ શબ્દ નવો હોય તો અજુગતો લાગે પણ આ શબ્દ ખબર નહિ કેમ પોતીકો લાગે છે.

આ લઘુકથાઓ લખવી એ કઈ સહેલી વાત નથી, ઘર, બહાર, બાળકો, વડીલો, અને સંસારિક જવાબદારીઓ વચ્ચેથી સમય કાઢીને અભિવ્યક્ત થયેલી આ ૩૩ વાર્તાઓ દરેકને સ્પર્શે છે. આ વાર્તાઓમાં સ્ત્રી એક શક્તિ તરીકે સાબિત થાય છે. સ્ત્રી પ્રેમ, લાગણી, સંવેદનાથી ભરપુર છે એટલે એના શબ્દો વાચકને એમના હ્રદય સુધી સ્પર્શ્યા વગર રહે નહિ. એવી આ લઘુકથાઓનું પુસ્તક ‘સ્ત્રીઆર્થ’ સખીઓ, વાંચવાનું ચૂકશો નહિ એમાં કદાચ તમને તમારી છબી દેખાઈ તો નવાઈ નહિ.

આ લઘુકથાઓની ખાસિયત એ છે કે, એમાં સ્ત્રીઓએ પોતાની લાગણીને વાચા આપી છે પરંતુ ક્યાંય પુરુષ પ્રત્યે વિરોધ કે નફરતની ભાવના જણાતી નથી.

દરેક લેખિકાએ આલેખેલી લઘુકથા વાંચવી ગમે એવી તો છે જ, કેમ કે એમાં સ્ત્રીઓની દ્રષ્ટિ સમાયેલી છે. પરંતુ સંપાદક શ્રી પ્રતિભાબહેનની લઘુકથા ‘મૈયા મોરી મૈ ને હી માખન ખાયો’ ખુબ સૂચક રીતે દંભી સામાજિક વ્યવસ્થાને ખુલ્લી પાડે છે. નાનકડો કાળિયો જાણે નજર સમક્ષ માખણ માટે ટળવળતો દ્રશ્યમાન થાય છે. ઘણી બધી કથાઓ સરસ છે. પરંતુ કોઈ એક કે બે કે ત્રણ લેખિકાને અહી સ્થાન આપવા જતાં અન્યાય થશે એથી કરીને હું આપ સૌને આ પુસ્તક વાંચવા જ ભલામણ કરીશ.

અને હા, સખીઓ, તમારામાંથી કોઈને પણ આ સ્ત્રીઆર્થ ગ્રુપમાં જોડાવું હોય તો વોટ્સ એપ ગ્રુપ પણ છે જેમાં તમે તમારી જાતને શબ્દદેહમાં ઢાળવા પ્રયત્ન કરી શકો છો.

તો ચાલો, નવલાં નોરતામાં રમીએ ‘સ્ત્રીઆર્થ’ સંગ. એ હાલો..


આસ્વાદઃ રાજુલ ભાનુશાળી
rajul.bhanushali187@gmail.com

એક ટચુકડી ફિલ્મની મસ્સ મોટી વાતઃ

ડૂડલ બગ- ક્રિસ્ટોફર નોલન

માંડ ત્રણેક મિનિટની ફિલ્મ, પણ કેટલો વિશાળ વ્યાપ!

મેં આ ફિલ્મ પહેલી વાર જોઈ ત્યાર બાદ આ લખવા લગભગ પાંચેક વખત જોઈ ત્યારે સૌપ્રથમ પહેલો વિચાર મારા દિમાગમાં આવ્યો એ આ ગીતની પંક્તિઓ હતી..

"જૈસે કો તૈસા મીલા.. કૈસા મજા આયા.."

અમુક ગુજરાતી કહેવતો જાણે આ ફિલ્મ પછી જ અસ્તિત્વમાં આવી હશે એવો વિચાર આવ્યો. જેમ કે.. 'વાવો તેવું લણો', 'ખાડો ખોદે તે પડે' વગેરે વગેરે. તમને યાદ આવે તો તમે પણ જોડી શકો છો.

એક વ્યક્તિ બારમણનો જોડો હાથમાં લઈ કોઈ શિકારની પાછળ પડી છે. ઘણી જદ્દોજહદના અંતે એ શિકાર કરવામાં સફળ થાય છે. પણ.. થોભો.. એનો નંબર પણ લાગી જ ગયો છે. કોઈ તૈયાર ઊભું છે એનો જ શિકાર કરવા. આ ત્રણેય ચહેરા એક સરખા છે. શિકાર, શિકારી અને 'મોટો' શિકારી.

આ અભિધા.

હવે ફિલ્મમાં જોઈએ તો એક દુબળોપાતળો માણસ, ફાટેલું ગંજી, એની પેલી ગંદીગોબરી બોક્સરપેન્ટ, સાવ સામાન્ય ગોડાઉન જેવું ઘર, એના કપાળ પરના સળ, એની સતત કશુંક શોધતી ચકળવકળ આંખો અને જો એ 'કશુંક' હાથ આવી જાય તો એનાં બાર વગાડી દેવા તત્પર જોડાવાળો હાથ. એ માણસનો ચહેરો લગભગ બધી જ ફ્રેમમાં સ્ક્રીન પર દેખાય છે, અને એના પલટાતા હાવભાવમાં મને ખૂબ રસ પડ્યો. સૌપ્રથમ એક છૂપો ડર અને નર્વસનેસ. હાથમાં પકડેલા બૂટને એ બેય હાથેથી વધુ કસીને પકડી લે છે. જ્યારે પેલું 'કશુંક' એને દેખાઈ જાય છે, એક ક્ષણ માટે એની આંખોમાં ચમક આવી જાય છે, એ અટેક કરે છે. અહિં એની નર્વસનેસ અને ડર નડે છે અને એ સમતુલા ગુમાવી દે છે. પરંતુ 'કશુંક' છટકી જાય છે અને એના કપાળમાં સળ પડે છે. એ ફરી તૈયાર થઈ જાય છે, બધી જ હામ અને ધ્યાન કેન્દ્રિત કરીને. ઘડિયાળની સતત ટકટક, ટેલીફોનની રિંગ, એમાંથી આવતા કર્કશ અવાજને ઇગ્નોર કરીને. હવે એના ચહેરા પરના પેલા ડર અને નર્વસનેસ ગાયબ થઈ ગયા છે. એ થોડો કોન્ફીડેન્ટ દેખાય છે. થોડોક ખૂંખાર પણ. બીજો અટેક, ફરી નિષ્ફળતા. પછી તો જાણે ઠોસ નિર્ણય કરી લીધો હોય એમ પેલા 'કશુંક'ની પાછળ પડી જાય છે અને અંતે એને હણી જ નાખે છે. તે વખતે એના ચહેરા પરનો એ ભાવ અને એનું એ અટ્ટહાસ્ય! પણ સબૂર.. પાછળ કોઈ તૈયાર ઉભું છે, એનો શિકાર કરવા.. આખરી અટ્ટહાસ્ય એનું પણ હોઈ શકે!

આ લક્ષણા.

હવે, નોલને આ ફિલ્મ એમનેમ તો નહિં જ બનાવી હોય ને?

પહેલો પ્રવાહ.

શરૂઆતમાં કહ્યું તેમ " જૈસે કો તૈસા મીલા.." વાળો સિદ્ધાંત સૌપ્રથમ દિમાગમાં આવ્યો. એટલે કે કર્મનો સિદ્ધાંત. જેવું કરશું એવું ભરશું. જેવું વાવશું એવું લણશું. કોઈને પછાડીને આગળ વધતા પહેલા વિચારજો, કોઈક તમને ય પછાડીને આગળ વધવાની તૈયારી કરતું જ હશે. બીજું કશુંક ખોટું કરતી વખતે આપણને એમ કે કોઈ જોઈ નથી રહ્યું તો એ ભ્રમ છે. એક્કેય નીશાની નથી છોડી, કોઈનેય કશી ખબર નહી પડે એમ વિચારો છો તો તમે ખાંડ ખાઓ છો. રીસીવરમાંથી આવતો સ્વર પાણીમાં ડુબાડી દીધા પછી પણ પરપોટા સ્વરૂપે બહાર આવ્યો તેમ તમારું કરેલું પણ બહાર આવશે જ.

બીજો પ્રવાહ.

બેવડું વ્યક્તિત્વ. અંદર જુદું, બહાર જુદું અને એના સમય સાથે બદલાતા સ્વરૂપો. ખુદ કરતાં નિર્બળ પર બળનો ઉપયોગ કરીને, શોષણ કરીને પોતાનો અહમ્ સંતોષતો માણસ. આ વાત કંઈ નવી કે બહુ ચોંકાવનારી નથી! આદિકાળથી આ ચાલ્યું આવે છે. મહદ્દ અંશે માણસો એકબીજાની પ્રતિકૃતિ જેવા જ હોય છે. માનવ સહજ સ્વભાવની આ લાક્ષણિકતાઓ છે. હા, સંસ્કારોથી ફરક પડી શકે.

ત્રીજો પ્રવાહ.

ઉત્ક્રાન્તિવાદનો સિદ્ધાંત. જંતુ અથવા મૂળ ભાગ ધીમેધીમે મોટું અથવા ખીલેલ સ્વરૂપ ધારણ કરે પરંતુ એનુ અસલ સ્વરૂપ એનું એ જ રહે છે.

આ થઈ વ્યંજના.

કલાનું સ્વરૂપ કોઈ પણ હોય, એનાં ગુણધર્મો અને પરિભાષા એ જ રહે છે. સૌથી પહેલા સારા વાચક બનવું, કૃતિને દરેક કોણથી તપાસી અને પોતાના નિષ્કર્ષ આપવા એટલે બન્યા ભાવક. સર્જન કરતા પહેલા સર્જનને સમજવું ઘટે. બીજાનું સમજશું ત્યારે જ પોતાનું પણ સમજાશે ને. સર્જક બનવા આ ખાસિયત કેળવવી જરૂરી. આ લખતી વખતના મનોમંથનના અંતે મને જે સમજાયું એ આ છે.

એક વર્તુળ છે જેનું કેન્દ્રબિન્દુ 'કલા' છે, અને એની દરેક ત્રિજ્યા (ટુંકી વાર્તા, માઈક્રોફિક્શન, નવલકથા, કવિતા, ફિલ્મ --> જે એકબીજાની પ્રતિકૃતિ છે) આપણે દોરવાની છે કે પછી ઉકેલવાની છે!

એક વસ્તુ ન સમજાઈ. ફટીચર માણસ, ફટીચર કપડા, ફટીચર ઘર - પણ પેલું બૂટ જે એના હાથમાં હતું એ એક્દમ ચકાચક હતું! મેં પાંચવાર આ ફિલ્મ એટલે જ જોઈ કે ક્યાંક બૂટમાં કોઈ કાણું બાણું હોય તો દેખાઈ જાય!


મોધમ હસવું : પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
pallavimistry@yahoo.com

આઈ નીડ ચેઇન્જ.

દ્રશ્ય-૧:

-રીતેષ, આમ એકલો એકલો સાવ એકદમ ઉદાસ કેમ બેઠો છે, બેટા?

-મોમ, આઈ એમ ફીલીંગ વેરી લોન્લી.

-ફીલીંગ લોન્લી? વાય? હું ધારું છું ત્યાં સુધી તો વોટ્સ એપ તારા ઘણા દોસ્ત છે, ને? આઈ થીન્ક સો એક જેટલા, કે કદાચ એથી પણ વધારે, એમ આઈ રાઈટ માય સન?

-યેસ મોમ, મોર ધેન હંડ્રેડ. વોટ્સ એપ પર મારા હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ફ્રેંડ્સ છે.

-તો એમાનો કે એમાની એક પણ ફ્રેંડ ઓનલાઈન નથી જેની સાથે ચેટ કરી શકાય?

-મોમ, ટુ અવર્સથી હું એ લોકોની સાથે ચેટીંગ જ કરતો હતો. બટ નાવ આઈ એમ ફેડઅપ વીથ ધેમ. કંટાળો આવે છે હવે.

-અચ્છા! તો ફેસબુક કેમ ઓપન નથી કરતો? ત્યાં તો તારા ઈંડીયન અને નોન ઈંડીયન ઘણા ફ્રેંડ્સ છે ને? એમની સાથે વાત કર, એમણે શેર કરેલી પોસ્ટ જો, એનાથી તને ચેઇન્જ મળશે.

-મમ્મી, વોટ્સ એપ ની સાથે સાથે ફેસબુક પણ ચાલુ જ હતું. ત્યાં પણ ઓલમોસ્ટ બધી જ પોસ્ટ જોઈ લીધી, બધા સાથે વાતો કરી લીધી.પણ એક ના એક ફોર્વર્ડ્સ અને એક ની એક પોસ્ટ, હવે બધું બોરિંગ લાગે છે.

-તો V See, Viber, Hang outs …વગેરે પર જા, કોઈ તો દોસ્ત મળી જ જશે.

-રોજ રોજ ત્યાં પણ કોણ નવરું હોય વાત કરવા? ને બધે જ બધા એના એ જ ફ્રેંડ્સ અને એની એ જ વાતો તો હોય છે.

-તો યાહુ મેસેન્જર મા જા.

-મોમ, મેં તો.. ઈવન યાહુ મેસેન્જર પર પણ વાત કરી લીધી, નથીંગ ન્યુ ધેર.

-અચ્છા! તો હવે તને કશુ નવું જોઈએ છે?

-હા મમ્મી, પણ મને સમજ નથી પડતી કે મારે શું કરવું? આટલા બધા ફ્રેન્ડસ છે તો પણ - આઈ એમ ફીલીંગ લોન્લી, મોમ.

-એમાં સમજવા જેવું કંઈ નથી. મોબાઈલ અને કોમ્પ્યુટર ને બાજુ પર રાખીને તારે તારા દોસ્તોને રૂબરૂ મળવાની જરૂર છે. જઈને એમને મળ, સ્માઈલ આપ, શેકહેંડ્સ કર, તાળી આપીને વાત કર, હગ કર, સાથે ચા કોફી પીઓ, નાસ્તો કરો, ગપ સપ કરો, આઉટ ડોર ગેમ્સ રમો, પછી જો તારી આ ‘આઈ એમ ફીલીંગ વેરી લોન્લી’ અદ્રશ્ય થઈ જાય છે કે નહીં.

-ઇઝ ઇટ સો, મોમ? ચાલ હું ટ્રાય કરું. જોઊં તો ખરો કે અત્યારે મને મળવા માટે મશીનની બહાર કોઈ નવરું એટલે કે ફ્રી છે કે કેમ.

દ્રશ્ય-૨:

મોના(પત્ની): તુ આમ તૈયાર થઈને ક્યાં જાય છે, મનિષ?

મનિષ(પતિ): લાઈટ બીલ ભરવા.

-કેમ, લેપટોપ નથી ચાલતુ? ઇન્ટરનેટ કનેક્શન નથી લાગતું?

-બધું ચાલે છે, બધું ઓકે છે.

- તો પણ તારે લાઈટબીલ ભરવા બહાર જવું છે? આવા ભર તડકામાં, ખાડા ખોદી નાંખેલા રસ્તા પર, ચાલતા કે સ્કુટર લઈને જતાં તને કંટાળો નહીં આવશે? ત્યાં લાઈનમાં ઊભા રહેલા લોકોના પરસેવાની ગંધ પ્રત્યે તને અણગમો નહીં આવે? તારો ટાઈમ વેસ્ટ નહીં થાય? કાયમ તો તારી જ આવી બધી ફરિયાદોને કારણે તું લાઈટ્બીલ, ટેલિફોન બીલ, પ્રોપર્ટી ટેક્ષ, મેન્ટેનન્સ બીલ વગેરે બધું ઓનલાઈન ભરતો હોય છે, અને આજે હવે કેમ આમ બીલ ભરવા બહાર જવું છે? સાચું કહે, તું કોઈને મળવા તો નથી જતો ને?

-સાચુ કહું તો હું કોઈને મળવા જ જાઉં છું. બહાર જઈશ તો બે ચાર નવા ચહેરા જોવા મળશે. કોઈ સાથે રૂબરુ બે ચાર વાતો થશે, તો જરા સારું લાગશે. આ ઘરમાં ને ઘરમાં રહીને મોબાઈલ, ટી.વી., વી સી આર, રેડિયો, લેપટોપ વગેરે મશીનોની સાથે કામ કરી કરીને બોર થઈ ગયો છું. સાચું કહું તો - આઈ નીડ ચેન્જ.

-એટલે જ અમે લેડિઝ લોકો કીટી પાર્ટી રાખીએ, ઘર ની બહાર ઓટલા પરિષદ ભરીએ, એક બીજા સાથે વાટકી વહેવાર કરીએ, લારી પર શાક લેવાને બહાને મળીએ, અને ઘણીવાર મોલમાં કે નાની દુકાનોમાં શોપીંગ કરવા જઇએ. દુકાનદાર સાથે વાતચીત થાય, ભાવ તાલ કરીએ તો જરા સારું લાગે, કુછ સમજે જનાબ?

-જી બિલકુલ, સમજે ઔર બહુત કુછ સમજે. તમારે એ રીતે ‘એક પંથ દો કાજ’ થાય, કામ નું કામ થાય અને સાથે સાથે મળવાનું પણ થાય, ખરું ને?

-હા, એટલે જ તો અમારે લોકોને તમારી જેમ કહેવું નથી પડતું કે – આઈ નીડ ચેન્જ.

-ઠીક છે, તો પછી કેરાલાની ટુર કેન્સલ કરૂ ને?

-અરે ના, ના. આઈ નીડ ચેન્જ.


વાર્તાવૃંદઃ મેઘાવી છાયા

megh.chhaya1993@gmail.com

સ્તવનઃ

પારણે ઝૂલતો સ્તવન આજે પાંચ વર્ષનો થઈ ગયો... શુભદ્રાને તો જાણે આ સ્વપ્ન
જ લાગ છે. સાત વર્ષ પહેલાં લગ્નની અકારણ ના પાડનારી શુભદ્રાનો પુત્ર
સ્તવન.. શુભદ્રા એક સુખદ સફર કર્યાની અનુભૂતિ કરે છે અને સાથોસાથ ભાભી
મેઘનાનો મનોમન આભાર માને છે . આ સાથે શુભદ્રા વિચારોનાં વૃન્દાવનમાં સરી
પડે છે તેની સામે સાત વર્ષ જુનો સમય યાદ આવી જાય છે.

અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારમાં રહેતું પ્રબોધભાઈ દવેનું કુટુંબ. કડક
સ્વભાવના પ્રબોધભાઈ G.E.B.(PGVCL)નાં નાણાકીય વિભાગમાં નોકરી કરતાં અને
સરળ-શાલિન સ્વભાવના તેમનાં પત્ની પ્રતિક્ષાબેન્ કુટુંબમાં મોહક નામક
પુત્ર અને શુભદ્રા નામક પુત્રી. માર્ગ અકસ્માતમાં પ્રબોધભાઈનાં આકસ્મિક
નિધન બાદ પુત્ર મોહકે B.E.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પિતાના સ્થાને
G.E.B.માં નોકરી ચાલુ કરેલી. શુભદ્રાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી M.A.
B.Ed.નો અભ્યાસ પૂર્ણ કરી નજીકની ખાનગી શાળામાં નોકરી મેળવી લીધી હતી.

પ્રબોધભાઈ સાથે મળી જોયેલાં મોહક-શુભદ્રાનાં લગ્નનાં સ્વપ્નો હવે
પ્રતિક્ષાબેને એકલા પૂરાં કરવાનાં હતાં. સમય સાથે સાનૂકુળતા સર્જાતા
મોહકનાં વેવિશાળ જ્ઞાતિની કન્યા મેઘના સાથે કરવામાં આવે છે. મેઘના
સ્વભાવે સમજુ તેમજ મિલનસાર.

મોહકના લગ્ન બાદ ઘરની જવાબદારી પુત્રવધૂ મેઘનાને સોંપી પ્રતિક્ષાબેન
ભક્તિનો માર્ગ અપનાવે છે. મેઘના અને શુભદ્રા વચ્ચે નણંદ્-ભાભી કરતાં
મિત્ર તરીકેનો વિકસિત થયેલો સંબંધ પ્રતિક્ષાબેનને મનોમન આનંદ આપે છે.

દરરોજ સવારે શાળાએ જવું, બપોરના સમયે ભાભી મેઘના સાથે અલકમલકની વાતો કરી,
સાંજના સમયે સ્વાધ્યાયી બહેનો સાથે સત્સંગ કરવું તે શુભદ્રાનો નિત્યક્રમ
જેમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો પડે તે શુભદ્રા માટે સ્વીકાર્ય ન હતું.
સ્વાધ્યાયીઓનાં મંડળ સાથે મળીને વિવિધ શિબિરોનું આયોજન, ધાર્મિક સ્થળોની
મુલાકાત, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વગેરે રોજીંદી પ્રવૃત્તિઓ
શુભદ્રાની સમય સાથે વધતી જતી હતી. દર મહિને પોતાની આવકમાંથી એક નિશ્ચિત
ભાગ રુપિયા ૩૦૦૦ શુભદ્રા સ્વાધ્યાયીઓનાં ભંડોળમાં દાન સ્વરૂપે આપતી હતી.

શુભદ્રાનો સ્વાધ્યાય મંડળી સાથેનો અકારણ લગાવ પ્રતિક્ષાબેનને પસંદ ન હતો.
તે સમયસર સારું પાત્ર શોધી શુભદ્રાનાં લગ્ન લેવાઈ જાય તેમ ઈચ્છતાં હતાં
પરંતુ આ બાબતે ક્યારેક ઘરમાં લગ્ન વિષયક વાત ઊપડે તો શુભદ્રા સિફતથી વાત
ટાળી દેવાની આવડત ધરાવતી હતી. લગ્ન નહિ કરવાનાં નિર્ણય પાછળ ક્યાંક ને
ક્યાંક ઘરનાં સભ્યો સ્વાધ્યાય મંડળીને જવાબદાર સમજતાં હતાં. સમય સાથે
પ્રતિક્ષાબેનની શુભદ્રાનાં ભવિષ્ય અંગેની ચિંતા વધતી જતી હતી. મોહક અને
મેઘનાની લાગણી કોઈ દિવસ શુભદ્રાને કાંઈ ઓછું આવવા દેતી ન હતી. પરંતુ એક
માં તરીકે પ્રતિક્ષાબેનની દિકરીનો સુખી સંસાર જોવાની તીવ્ર ઈચ્છા હતી કેમ
કે એકલવાયું જીવન પાછલી ઊંમરમાં ઘણું કઠિન હોય છે એ વાત પ્રતિક્ષાબેન ખૂબ
સારી રીતે સમજતાં.

પ્રતિક્ષાબેનની શુભદ્રા અંગેની ચિંતાને અનુલક્ષીને મોહક-મેઘના સ્વાધ્યાય
મંડળીને મળી તેમને શુભદ્રાને લગ્ન બાબતે સમજાવવા અંગે વિનંતી કરવા વિચારે
છે કેમ કે સમય સાથે સ્વાધ્યાય મંડળી સાથેનું શુભદ્રાનું ભાવનાત્મક જોડાણ
વધતું ગયું હતું. તેથી કદાચ શુભદ્રા તેમની લાગણીને લક્ષમાં રાખીને લગ્ન
બાબતે વિચારે પરંતુ અહીં જ્યારે મોહક-મેઘના સ્વાધ્યાય મંડળીને મળે છે
ત્યારે વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય છે.. મંડળીના સભ્યો ચાલાકીથી – “આ
શુભદ્રાનો અંગત પ્રશ્ન છે” એમ પ્રત્યુત્તર આપે છે. મંડળી ધ્વારા મળેલ
સ્વાર્થી જવાબ બાદ એક મિત્ર તરીકે મેઘના શુભદ્રાને સમજાવવા બીડું ઝડપે
છે.

મેઘના પ્રેમપૂર્વક શુભદ્રાને ભવિષ્યનાં સફરની વિવિધ અનિશ્ચિતતાઓથી વાકેફ
કરે છે તેમજ મંડળીનાં સભ્યોએ આપેલા જવાબ અંગે જણાવે છે. જે મંડળીનાં
સભ્યો માટે પોતે સમગ્ર ભવિષ્ય ન્યોછાવર કરવા તૈયાર છે તે જ સભ્યો તેને
પોતાનું જાણીને જીવનનાં મહત્ત્વનાં નિર્ણય માટે સમજાવવું જરુરી નથી
સમજતાં. તે બાબત પરોક્ષ રીતે ચીવટપૂર્વક મેઘના શુભદ્રાને સમજાવે છે. એક
મિત્ર તેમજ ભાભી તરીકે જીવનનાં દરેક પડાવમાં સાથે રહેવાની બાંહેધરી મેઘના
આપે છે. તે સાથે જ એક માં તરીકેની પ્રતિક્ષાબેનની લાગણી અંગે સમજાવે છે.
માત્ર ને માત્ર એક મિત્ર તરીકેની મેઘનાની લાગણીને માન આપી શુભદ્રા લગ્ન
કરવા માટે હા પાડે છે. મંડળીનાં સભ્યો સાથેની ઉઠક-બેઠક પણ તેની
સ્વાર્થવૃત્તિથી વાકેફ થયા બાદ નહિવત કરી નાખે છે. વિવિધ વિજ્ઞાપનો
ધ્વારા રાજકોટવાસી શુભમ મુનશી સાથે શુભદ્રાનાં વેવિશાળ નક્કી કર્યા બાદ
ત્રણ મહિનાનાં ટૂંકાગાળામાં ધામધૂમથી મોહક-મેઘના શુભદ્રાનું કન્યાદાન કર
છે.

સમય દોડવા લાગે છે. સારી શૈક્ષણિક લાયકાતને લીધે શુભદ્રા રાજકોટની સરકારી
શાળામાં નોકરી મેળવે છે. શુભદ્રા અને શુભમનાં સુખી સંસારમાં સ્તવન નામક
પારણું બંધાય છે.



અચાનકથી 'મમ્મી મમ્મી, આજે સાંજે કેવી કેક લાવશે પપ્પા?' શબ્દો
શુભદ્રાનાં કાને પડે છે.. લાંબી તંદ્રામાંથી શુભદ્રા સભાન થાય છે અને જુએ
છે તો બાજુમાં સ્તવન હોય છે. સહસ્મિત વ્હાલથી સ્તવનનાં માથામાં હાથ
ફેરવીને જવાબ દે છે - 'Doremon cake'.

નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
kunjkalrav@gmail.com

યુવા તાલે ઝુમે નવરાત્રીઃ

“ફ્યુઝન ગરબા ક્લબ” શહેરનું સૌથી લોકપ્રિયતા પામેલ નવરાત્રીનું ગૃપ. એમનાં ફેસબુક પેજ પર એક આકર્ષક જાહેરાત મુકાઈ. “અપલોડ ફ્રેન્ડસ ગૃપ ફોટો એન્ડ વીન ફ્રી પાસીઝ.” નિનિની ખાસમખાસ સખી મિનિએ તરત જ નિનિને ફોન કર્યો અને વિગતે વાત કરી.
નિનિઃ હું તને પછી વાત કરું મિનિ? થોડીવાર રહીને જમીને આવું.

આ આવું એટલે એનાં ઘરે જવાની વાત નહોતી. એ તો વ્હોટસેપ મેસેન્જરમાં ઓનલાઈન આવવાની વાત હતી. એ જમીપરવારીને ફોન લઈને બેઠી. ત્યાં તો જોયું કે એની ખાસ સાત બહેનપણીઓનું “સેવનસ્ટાર્સ” ગૃપ ખાસ્સું એક્ટીવ થઈ ગયું હતું.

“ગૃપ સેલ્ફી સિલેક્શન” એવું હેડિંગ પણ અપાઈ ગયું હતું. સૌનાં ફોનમાં ગૃપની બધી સખીઓએ મોકલેલ જુદાજુદા પ્રસંગોએ પાડેલ ફોટોઝનો ઢગલો પહોંચી ગયો હતો. અનરીડ મેસેઝ ચેટ મિટિંગ સેસનમાં ફેરવાઈ ગયું હતું નિનિએ પણ ચાલુ ગાડીમાં ઝંપલાવ્યું.

નિનિઃ આપણે સાનુંની બર્થડે પાર્ટીમાં પાડ્યો હતો એજ પીક બરાબર છે.
હીતુઃ હા, મનેય એજ મસ્ત લાગ્યો.
મિની પણ એમાં એક પ્રોબ્લેમ છે.
હીતુઃ શું?
મિનીઃ તનુએનાં પીક્સ એફ.બી પર અપલોડ ક્યારેય નથી કરતી. આ ફોટોમાં તનું એકદમ વીઝીબલ છે.
ત્યાં તો તનુ ટપકી. કેમ કે એટધ્રેટનું સિમ્બોલ મુકીને મીનીએ તનુનું નામ લખ્યું હતું કોમેન્ટમાં.

તનુઃ હાય ગાઈઝ, મીનીનો મને હમણાં ફોન આવ્યો. એટલે જલ્દી જલ્દી ગૃપમાં આવી.
નિનિઃ જો, અમને આ પીક ગમ્યો છે. ગૃપ સેલ્ફી માટે. પણ એમાં તું છે તો તને ચાલશે?
તનુઃ હવ ! મુકી દ્યોને.
હીતુઃ લે બોલ, તે જ ના પાડી હતી. મારા બર્થડે પીકમાં ન મૂકતી ડી.પી. હુહ્હ…
તનુઃ આ તો, જરા એટિટ્યુડ કે આપણાં પ્રોફાઈલ ફોટોમાં ટિપણી કેમ કોઈ મૂકી જાય.

આ વાંચીને ઓચિંતા સૌથી મોટાં કોલેજીયન સખી આશુ દીદીએ કોમેન્ટ કરી. “જબરો એટીટ્યુડ હો આ ટચૂકડી બેનપણીઓનો તો. હજુ સ્કુલમાં છે. પણ વાતો તો જુઓ.”

આશુદીદીનાં મેસેજનાં જવાબમાં હજુ તો બધીઓ જાત જાતનાં સ્માઈલી સિમ્બોલ્ઝ મોકલાવ્યાં. અને જિભડા કાઢીને આશુ કેહ્યું, “દીદી મત કહોનાં.” તોફાન મસ્તીની છોળ જામી હતી ત્યાં તો કાળાં ચશ્માંનાં સ્માઈલી ઈમોજીસ સાથે ટોમબોય સાનુ પ્રગટ થઈ.

સાનુઃ માતાજીઓ, પછી શું નક્કી કર્યું? કયો ફોટો ફેસબુકમાં મૂકવાનો છે?
મિનિઃ તારા બર્થડે પર પાડ્યો તો એજ.
નિનિઃ હમ્મ. એમાં આપણે મ્યુઝિકલ ઈન્સ્ટુમેન્ટસ સાથે રોકબેન્ડ મેમ્બર્સ હોઈએ એવું લાગે. એ જ બેસ્ટ છે.
તનુઃ હા નવરાત્રી કોમ્પીટીશનમાં રોકબેન્ડ જેવો વટ પડશે.
મિનિઃ ઓકે તો ડન?
ઘડીકવારમાં ગૃપ ફોટો આઈકોન બદલી ગયું. એ પણ સ્વેરફિટ કરેલ અને બીજા એક્સ્ટ્રા ઈફેક્ટસ અને ઈમોજીસનો શણગાર સજેલ ફોટો તૈયાર થઈ ગયો.
યુવીઃ અરે! નક્કીએ કરી નાખ્યું? મને તો કોઈ પૂછો.
નિનિઃ તું મામાને ઘરે ગઈ છો ને? એટલે મિનિએ ફોન કરીને ડિસ્ટર્બન ન કરી.
યુવીઃ ભલે વેલી, માફ કરી. પણ યાદ તો કરાયને.

વાંકાં મોઢાંવાળાં ઈમોજીઝ્નો ઢગલો થયો. અને બધી સખીઓએ અંતે એક ફોટો પર પસંદગી ઉતારીને છૂટી પડી. પોતપોતાની પથારીએ પડી. સવારે સ્કુલમાં મળીને ફાઈનલી સેટીગ કરશું બધું એવી જાહેરાત થઈ.

નિનિએ સૂઈ જવાની તૈયારી દેખાડી એટલે એનાં મમ્મીથી ન રહેવાયું. એમણે પૂછી જ લીધું.

નિનિનાં મમ્મીઃ શેની આવડી અગત્યની મિટિંગ હતી? તે જમી ન જમીને ફોન ઝાલી લીધો? ઢાંકોઢૂંબો કરવામાં મદદ કરવાનુંય ન સૂઝ્યું, મમ્મીને?
નિનિઃ સોરી. મમ્મા.. આ તો નવરાત્રીનાં પાસ માટેની તૈયારીની વાતો હતી.

બીજે દિવસે સ્કુલથી આવીને પણ નિનિ ભારે ઉત્સાહીત લાગતી હતી. નાનીબાએ નિનિનાં મમ્મીને આંખોનાં ઈશારે પૂછ્યું અને નિનિનાં મમ્મીએ પણ ગરબા લઈને ઈશારાથી કહ્યું, નવરાત્રી નજીક આવે છે એનો થનગનાટ છે. ત્યાં તો નિનિએ મસમોટું કાગળીયું બતાવ્યું.

નિનિઃ મમ્મી, આ લિસ્ટ જોઈ લે. જો અમારો ફોટો સિલેક્ટ થશે તો અમે સાતેય જણી અગિયારેય દિ’ એકસરખા આઉટફિટ પહેરશું.

“અગિયાર દિ’?” નાનીબાથી પૂછ્યા વિના ન રહેવાયું.

નિનિઃ હાસ્તો નાનીબા, નવરાત્રીનાં નોમનાં સેમીફાઈનલ દશેરાનાં ફાઈનલ અને અગિયારસનાં મેગાફાઈનલ.
નાનીબાઃ આ તો જબરો અવસર ઊભો કર્યો છે તમારી પેઢીએ. અમારા વખતમાં ચંદરવો બાંધેલ ચોકમાં ચાર ચક્કર મારીને બૈરાંઓ આરતી કરી, પ્રસાદી વેંચીને ઘર ભેગી થાતી.
નીનીનાં મમ્મીઃ હા, અમારા વખતથી થોડો અણસાર બદલાયો. લહાણીઓ મળતી થઈ અને ચોકમાં હવન હોય એ આઠમની રાતે આખી રાત ગરબા ગવાતા, મજા જ ઔર હતી. હેંને? બા.
નિનિઃ તો એન્જોય કેમ થાય?
નાનીબાઃ માતાજીનાં ચોખ્ખા ગરબા જેવું એન્જોય એકેય નહિં નિન્કુ.
નિનિઃ એ, ચપટી ભરી ચોખા લીધા… એવા ગરબા?

નાનીબાએ કેટલાય બેઠા ગરબા ગાઈ સંભળાવ્યા નિનિને. “…ઓચિંતી આંગણાંમાં આવી અલબેલડી અંબાનાં સ્વાગત શા શા કરું?” “માડી તારું કંકુ ખર્યુંને સુરજ ઉગ્યો..” નિનિનાં મમ્મી પણ સાથે લલકારવા લાગ્યાં. “આજ ગબ્બરથી ચંદન કોરાય રે સહિયર મને આસોનાં ભણકારા થાય…” આ ગરબો સાંભળીને તો નિનિનાં પગ થીરકવા લાગ્યા અને ઊભી થઈને ઠેંસ મારવા લાગી.

નાનીબાઃ જોયું? માતાજીનાં ગરબાનો મહિમા વર્ણવાનો ન હોય. એનું તો જોમ જ અલૌકિક છે. નિનું.
નિનિઃ હા, નાનીબા. સાચે. તમે મસ્ત ગરબા ગાયા. મનેય શીખાવજો. હો.
નિનિનાં મમ્મીઃ હાલ, તારું શોપીંગ લીસ્ટ બતાવી દે એટલે ખબર પડે કેવા ચણીયાચોળી લેવાનાં છે.
નિનિઃ મમ્મી. ચણીયાચોળી તો ભાડે જ લેશું. ફાઈનલમાં સિલેક્ટ થશું તો. હમણાં તો પ્લિટ્સવાળાં પટિયાલા અને કચ્છી ભરત ભરેલી કૂર્તિ અને કોટી લેવાની છે.

નાનીબાએ નિનિનાં મમ્મીને ચણીયાચોળી ભરી આપ્યાં હતાં એ યાદ કર્યું, અને ઉમેર્યું કે મારી દીકરીનાં બહુ નખરાં નહોતાં. હું લઈ દઉં એ પહેતી. એવી ડહાયી હતી.
નિનિનાં મમ્મીઃ ડહાયી હતી કે છે?

ત્રણેય હસી પડ્યાં. આગલી રાતે ગૃપમાં આવેલ બહેનપણીઓનાં ફોટોઝનાં ઢગલાં જોતાં હતા. નાનીબાએ કહ્યું, “મનેય મન થઈ ગયું. અમારાં સત્સંગી બહેનોને કહીશ કાલે મંદિરે જઈશ ત્યારે કે ગૃપ સેલ્ફી પાડીને પાસ માટે એપ્લાય કરીએ.

યો-યો સ્ટાઈલમાં પહેલી અને છેલ્લી આંગળી દેખાય એમ નાનીબા, નિનિનાં મમ્મી અને નિનિએ પણ સેલ્ફી લીધી, “ફેમીલી નો જનરેશન ગેપ” એવું કેપશન આપીને નિનિએ એ ફોટો પણ એફ.બીમાં અપલોડ કરી મૂક્યો.