પ્રકરણ 7
પોપટ આંબાની ડાળ પોપટ સરોવર ની પાળ
અર્ચના ભટ્ટ, પટેલ
બંને ભાઈ બહેન મોટાં થઈ રહ્યાં છે, કામીની પણ પા પા પગલી ભરતી ક્યારે ચાલતા શીખી ગઈ એની ખબર પણ પડતી નથી, દરેક ઘરમાં દીકરી મોટી થાય ત્યારે એનું સૌ પ્રથમ રમકડું પાટલી વેલણ આવતું હોય છે, એ જ રીતે કામીની માટે પણ શંકર દાદા ભાગોળે આવેલી પાટલી વેલણની દુકાનેથી રમકડાનાં નાના પાટલી વેલણ લાવ્યા છે આજે, હવે કામીની એ જોઈને લોટ રમવા માંખે છે કે શું કરે છે એ જ તો જોવાનું છે ને ? જયા બહેન લોટ બાંધે છે અને રાજુ તો ફળિયામાં ક્યાંય રમતો હશે પણ ઓચિંતો જ એ ઘરે આવે છે અને અહીં પોતાની બા કામીનીને વેલણ અને પાટલી આપી લોટ હાથમાં રમવા આપે છે એ જુએ છે, હવે પોતે મોટો હોય અને નાની બેનને કંઈક પહેલા મળે તો બાળુડા એવા રાજુથી પણ કેમનું સહન થાય ? એ તો રડવા બેઠો... જીદ્દ માંડે છે પાટલી વેલણથી રમવાની, અને એની હઠ આગળ તો ભલ ભલા દેવને પણ નમતું જોખવું પડે, અંતે સરયુ બહેન એ જ તો એક સહારો હતી જયા બહેન માટે કે બંને બાળકોની સાચવણમાં જ્યારે પણ જયા બહેનની સેન્ડવીચ થાય સરયુ બહેન વહારે ધાય, સરયુ બહેન નાની કામીનીને ચાલ મિયાંઉ બતાવું એમ કહી ને તેડીને ઘરની બહાર પરસાળમાં ચાલ્યા આવે છે, અને આ બાજુ જાણે બહુ જ મોટો જગ જીત્યો હોય એમ રસોડામાં પલાઠી વાળીને ગોઠવાય છે, ‘લાવો દોત આપો’ એમ કાલી ઘેલી ભાષામાં લોટ માંગે છે અને ગોળ ત્રિકોણ કે પછી ચોરસ જેવી આવડે એવી રોટલી બનાવવામાં લાગી જાય છે. જયા બહેન તો રાજુનાં આવા વર્તનની નવાઈ માંથી જ હજુ બહાર નથી નીકળ્યા, આસ પડોશનાં પણ ઘણાં છોકરાં મોટા થતાં જોયાં છે એમણે પણ ક્યારેય કોઈ છોકરાને રોટલી વણવાની જીદ્દ કરતાં એમણે નહોતો જોયો આ રાજુ એવો પહેલો જ નીકળ્યો... એમને ક્યાં એવી ખબર હતી કે આ રાજુ મોટો થઈને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકવાની આવડત વાળો બનવાનો છે.
આ બાજુ કામીની ને તો જોયતું હતું ને વૈદે કીધા જેવો ઘાટ હતો, એને પૂરૂં બોલતાં નહોતું આવડતું પણ રોટલી એને ક્યાં કરવી જ હતી, એને તો ઝાડ પર માળો બાંધેલાં પક્ષીઓમાં તો વળી ક્યારેક કોઈ ફૂલછોડ પર બેસવા આવતાં પતંગિયામાં રસ હતો... હજુ બોલતાં પણ નહીં શીખેલી કામીની ખરા અર્થમાં પ્રકૃતિ પ્રેમી હતી... કોઈ બાળક પોતાની બાજુમાંથી કીડી મકોડાં પસાર થાય તો કાં તો એને મારશે કાં તો કૂતુહલ વશ એને પકડીને સીધો ચાખવાનો પ્રયત્ન કરશે પરંતુ કામીની પણ જરા જુદી માટીની હતી, બાજુમાંથી કીડી મકોડો નીકડે તો કોઈને પણ તે આઘો નહીં કરવા દેતી, બલ્કે એને ખૂબ ધ્યાનથી ફરતાં જોતી અને બહુ બહુ તો પકડીને હળવેથી પોતાની બીજા હાથની હથેળીમાં મૂકી એને ચલાવતી... જ્યારે પણ એ કીડી મકોડાની રમતથી થાક લાગે ત્યારે ધીમેક રહીને તેને ઘરની પરસાળને અંતે વાવેલા તુલસી ક્યારે મૂકી દેતી, આપણને એમ થાય કે સાલું આ કીડી મકોડામાં તે વળી શું મજા હશે પરંતુ એ કીડી મકોડાની રોજિંદી ચાલને નીરખતી કામીનીને બાળપણથી જ હળવું મળવું અને પોતાનાંઓ સાથે સૌ કોઈ સહિયારું એવું વર્તન શીખતી જતી હતી. હા રાજુની વાત આવે ત્યારે રાજુનાં તોફાની વેડાથી એ પણ થોડી બાજિંદી તો બની જ ગઈ હતી પરંતુ સાથે સાથે પોતાનાંઓ માટેની ભાવના પણ એની બળવત્તર હતી.
જયા બહેન અને જ્યંતિ ભાઈનો સંસાર પણ વડીલોનાં આશિર્વાદથી સુમેળ ભર્યો જ ચાલતો હતો. કામીની કાયમ ચંચળ બા પાસે સૂવે અને રાજુ તો સરયુનો પડછાયો જ હતો જાણે.. એટલે જયા બહેન અને જ્યંતિ ભાઈ તો જાણે ગઈકાલે જ પરણ્યા હોય તેમ બંને બાળકોનાં માતા પિતા બન્યાં પછી પણ લગ્ન સુખ માણી શકતાં હતાં. પહેલાં કોઈ જાતની કોન્ટ્રાસેપ્ટીવ ટ્રીટમેન્ટ ક્યાં હતી અથવા તો હોય ચતાં પણ ક્યાં કોઈને એ વાપરવાની આવડત કે સમજણ હતી ? થોઠાં દિવસો જો પ્રેમમાં પસાર થાય તો સીધું જ સ્ત્રીનું શરીર અને તબિયત એની ચાડી ખાય જ.. હા જયા બહેનને બે બાળકો ઉપરાંત ફરી વખત દિવસો રહે છે. બે બાળકો છે એટલે હવે ત્રીજું નથી જોઈતું એવું પણ તો વલણ એ વખતે નહોતું રાખી શકાતું, પરંતુ કોઈ વડીલ ટોકશે તો ? કે હજુ કામીની સવા વરસની જ છે અને ફરી ફરી ? એ બીકમાં ને બીકમાં કે પછી ઘણું કહો તો શરમમાં જયા બહેન આ વાત સૌ કોઈથી છુપાવી રાખે છે.
સવારે વહેલાં ઊઠીને જયાબહેન પોતાનું નિત્યકર્મ પરવારવામાં જ પડેલાં છે એવામાં જ ચંચળ બા આવે છે, અને લાવો જયા આજે હું જ ચા મૂકી દઉં કહેતાં ચૂલા પાસે આવે છે. જયા બહેન ના ના બા આજે જરા વધુ આંખ લાગી ગઈ કહેતાં જ એમનાં હાથમાંથી ચા બનાવવા માટે તપેલી લઈ લે છે, ચંચળબાને એમાં ક્યાં કશો વાંધો હતો કે જયા વહુ ચા બનાવે એ તો બસ જયા સાથે વાત કરવાનો મોકો જ શોધતા હતા અને આ ચા બનાવવાને બહાને એમને એ મોકો મળી જ ગયો. પણ હવે ચંચળ બા પણ કેવી રીતે જયાને પૂછે ? ગમે તેમ તોય દિકરાની વહુ કહેવાય, આમ મર્યાદા બહારનો પ્રશ્ન પૂછીશ તો કેવું લાગશે એની જ તો વિમાસણ હતી. એ વખતે તો સ્ત્રીઓ રજસ્વલા ધર્મમાં બેસે એટલે તરત જ ખૂણો પાળવામાં આવતો હતો, આ પોણા બે મહિના થયાં છતાં પણ જયા વહુ ખૂણે નહોતાં બેઠાં, બાળક આવે એની સામે તો કોઈનેય વાંધો હતો જ નહીં પરંતુ હજુ તો રાજુ માંડ કરીને આવતા વર્ષે બાલમંદિર જશે, કામીની તો હજુ ચાલતા અને કાલુઘેલું બોલતા જ માંડ શીખી છે ત્યાં આ નવા એંધાણ હોય તો જયા વહુ બધાં છોકરિં સાચવશે કેવી રીતે એની જ બસ એમને વિમાસણ હતી, અને પોતે વિચારે છે એમાંનું જો કોઈ જ કારણ ન હોય તો પછી તબિયતનું તો કોઈ કારણ નહીં હોય ને ? એવી ચિંતા પણ ક્યાંક ઊંડે ઊંડે હતી ખરી, પરંતુ તેમ ચતાંય એમનો જીવ જરીયે બળતો નહોતો એટલે એવું કંઈ અમંગળ તો નહીં જ હોય તી ખાત્રી હતી ચંચળબાને. અંતે ચંચળ બા સીધું જ જયા બહેનને પૂછે છે,
"જયા વહુ આ વખતે તમે ખૂણે બેઠાં નથી તે કાંઈ તકલીફ જેવું તો નથી ને ? "
"ના... ના.... બા... એવું તો કંઈ જ નથી પણ... " એમ કહેતાં જ દિવાલે ઊંધા ફરી જઈને પોતાની શરમને ઓઢી લે છે..
"શું વાત કરો છો જયા... આ બે બે છોકરાં ઉપર ફરી ત્રીજું ? તમે સાચવી તો શકશો ને ? છોકરાં તો ઈશ્વરની આપેલ દેણ છે, ઝાઝાં હાથ રળિયામણાં... ભાઈ ભાંડુ વધારે હશે તો એકબીજાનું ધ્યાન રાખશે....પણ હવે હારે સારે તમે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો હોં."એટલું કહેતાં ચંચળ બા તો બહાર ખાટલે જતા રહે છે.
" લ્યો બા ચા.."કહેતાં જયા બહેન ચંચળ બા ના હાથમાં ચા ના રકાબી પાલા મૂકે છે. એટલમાં જ ચંચળ બા જયા બહેનને ઊભા રહેવાનું કહી સહેજ અવાજ ધીમો પાડતાં કાનમાં ગણગણતાં હોય તેમ કહે છે.. "હમણાં કોઈને કહેતાં નહીં, એ તો વાજતું ગાજતું બારણે આવે ત્યારે સૌ જાણશે બાકી અત્યારથી ઢંઢેરો ન પીટશો... ક્યાંક નજર લાગી જાય તો આપણે તો બાવાનાં બે ય બગડે.. આવનાર બાળક તો ઠીક આપણે આપણાં જીવનાં પણ ન રહીએ. અહીં કેટલાંય એવાં પણ ર્યે છે ગામમાં જેને છોકરાં નથી થતાં એટલે આપણે હવે બહુ બહાર નીકળવાનું અને ઢંડેરો પીટવાનું બંધ હોં.. "
જયા બહેન "હા બા" એટલો ટૂંકમાં જ જવાબ આપીને અંદર રસોડામાં જતાં રહે છે. બા જાણશે તો શું કહેશે ની વિમાસણમાંથી હવે જયા બહેન તદ્દન મુક્ત હતાં.
સાંજ પડ્યે જ્યંતિ ભાઈ ખરીએથી આવે છે અને જમી પરવારીને સૌ કોઈ પોતપોતાની રીતે બેઠાં છે.. રાજુ પરસાળમાં સરયુ સાથે બેઠો છે, સરયુ પાંચીકા રમે છે એમાં વચ્ચે વચ્ચે હાથ નાંખે છે અને મને આપો... મારા પાંચીકા લઈ લીધા.. છલીયુડી લુચ્ચી... એં...એં...એં... ચાલે છે... આ બાજુ કામીની શંકરદાદા ના ખોળામાં બેઠી બેઠી રમે છે અને ચંચળ બા પણ પરસાળમાં જ બેઠાં છે. સહેજ અંદરની બાજુએ જયા બહેન અને જ્યંતિ ભાઈ બેઠાં છે. જયા બહેન જ્યંતિ ભાઈને શરમાતાં શરમાતા કહે છે " તમે હવે જરી ધીમા પડો તો સારુ..."
"કેમ શું થયું ? મેં એવું તે કયું ઉતાવળીયું કામ કર્યું ?" જ્યંતિ ભાઈ જયા બહેનને પૂછે છે.. એમને ખબર જ નથી કે જયા બહેનનાં કહેવા પાછળનો અર્થ શું છે.
"કંઈ નહીં આ તમને તો કંઈ કહેવું પણ બેકાર છે.. તમે ક્યારે સમજશો.. આ આજે બા ને પણ ખબર પડી ગઈ કે મારા પેટમાં થમારું ત્રીજું પરાક્રમ રમે છે.." એટલું કહેતાં તો જયા બહેન શરમાઈને બેઠાં બેઠાં જ ટૂંટીયું વળી જાય છે.
જ્યંતિ ભાઈને પણ મસ્તી સૂઝે છે.. " તે તું બોલ ને તારે કોનું પરાક્રમ રમાડવું હતું હેં ? અરે પૈણીને વાજતે ગાજતે લાવ્યો છું તને, ખરા હૃદયથી પ્રેમ પણ કરું છું અને આ બધી એની જ તો નિશાનીઓ છે. તને નંઈ ગમતું હોય તો કાલથી હું રોજ ગેર આવવાનું બંધ કરીને ભાગોળે જ પડ્યો રૈશ બસ.."
" એ ના હોં... તમે ઘેર ના હોવ તો તો મને જરીકેય ન ગમે... "એમ કહેતાં જયા બહેન જરીક લાડકા થઈને બોલે છે.
" જયા, આપણે એક કામ કરીએ.. કાલથી આપણે જમી લઈએ અને તું બધું કામ પરવારી જાય પછી આપણે મહાદેવ જઈને બેસવાનું ચાલું કરીએ... આ છાના માનાં વડીલોની દેખતાં વાતો કરવાનો છોછ પણ ન રહે અને આપણે શાંતિથી ઘડી એકલાં બેસી શકાય... અને વળી મહાદેવનું નામ હશે એટલે કોઈ ના પણ નહીં જ પાડે.." જ્યંતિ ભાઈ જયા બહેન સાથે એકાંત અને તોય જાહેરમાં સાથ માણી શકાય એવો એક રસ્તો શોધી નાંખે છે.
"પણ બા બાપુજી શું કહેશે ? એમ બધાંય અહીં ફળિયામાં બેઠાં હોય અને આપણે નીકળી જઈએ તે કેવું લાગે ? તમને તો કંઈ ભાન જ નથી પડતી... " જયા બહેન પોતાની બીક વ્યક્ત કરતાં કહે છે.
"હવે તું બધી ચિંતા મૂક ને.. એ બધી વાત હું કરી લઈશ.. તારે બસ કામીની અને રાજુને જોડે લઈ લેવાનાં... હું છું તારો ઘરવાળો પછી તું ચિંતા કોની કરે છે ?" જ્યંતિભાઈ જરા મર્દાનગી બતાવતાં રોમેન્ટિક થઈને જયા બહેનને કહે છે, અને તરત જ બહાર આવીને ચંચળ ફા ને બોલાવતાં કહે છે...
" એ બા, કાલથી મેં તારી વહુને કહ્યું કે આપણે જમી લઈને પરવારયા પછી મહાદેવ બેસવા જઈશું બેઉ છોકરાંઓને લઈને તો બોલ ના પાડે છે..., હવે તો હું ય બે છોકરાંવ નો બાપ થયો એણે થોડુંક મારું ગમતું ન કરવું જોઈએ કાંઈ ? તું જ કહે એને... "
"હા તે જજો ને, એ તો સારું છોકરાઓ એ બહાને મંદિર રમવાની ટેવ વાળા થશે અને જયા નો પણ જરી પગ છૂટો થશે. જજો ને તમ તમારે... અને આમેય આ સરયુડીને પણ થોડુંક કામ શીખવાની જરૂર છે.. કાલ ઊઠીને એનાં માંગા આવશે, પરણાવવાની થશે તો કામ આવડતું હશે તો ચાલશે નહીંતર કોઈ નહીં સંઘરે...તમ તમારે જમીને તરત જ જવું એટલે કલાકેક માં પાછાં અવાય..... અને હા સરયુડી... તારે હવે કાલથી જમ્યા પછીનું રસોડાનું બધું જ કામ તારે આટોપવાનું છે સમજી ?" ચંચળ બા એમનો વટહુકમ બહાર પાડે છે.
"એ હારુ બહુ તે... હું તો કોઈને ગમતી જ નથી... મને કાઢવા માટે હવે તમે બધાં મારી પાંહે જ કામ પણ કરાવશો એમ ને ? આ મારી ભાભડી મને ચામ કરાવતીતી તે એ પણ કોઈને ન ગમ્યું... તે હવે મારી ભાભીને પણ મોકલી દો મહાદેવ... આ ભાઈ મારો પાછો એકલો પડી જાયને.." એમ કરતી સરયુ બહેન પરસાળમાંથી ઊભી થઈ રસોડામાં પગ પછાડતી અંદર જતી રહે છે.
ક્રમશઃ
શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888