timir madhye tej kiran - 9 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

timir madhye tej kiran - 9

પ્રણાલીના હાથમાં રહેલા ફોનને બીજે છેડે અશ્ફાકનો અધીરો અવાજ અફળાતો હતો પણ જાણે શબ્દો ફંગોળાઈ વિખેરાઈ જતા હોય એમ પ્રણાલી કરુણ નજરે મીનાબેન સામે જોઈ રહી. મિત્રતામાં એકબીજાને પરિસ્થિતિથી અજાણ રાખનાર મિત્ર આપોઆપ દૂર થઇ જાય છે. એણે મનથી અશ્ફાકના નામ પર ચોકડી મૂકી દીધી . મીનાબેન સતર્ક માતા હતા. પ્રણાલીના હાથમાંથી રીસીવર લઈને એમણે ફોન કાને માંડ્યો. સામેથી અશ્ફાકનો બેબાકળો અવાજ આવ્યો ... " પ્રની, મુઝે હી માલુમ હે ઇન હાલાત મેં મેં યહાં કૈસે બેઠ શકતા હું . વહા મેરી જાન જૈસા અની યે હાલાત મેં હૈ .. " અવાજ ખંખેરતા મીનાબેન દાઢમાં બોલ્યા ... " આજ આપકે ભી રીપોર્ટસ આને વાલે હૈ ... આકે દેખ લેના " અને એમણે અસાધારણ અણગમા સાથે ફોન પટકી દીધો .

ફોન કટ થવાનો અવાજ અશ્ફાકના કાન સુધી ક્યાં પહોંચવાનો હતો ? પ્રણાલીના બદલે મીનાઆંટી શું કામ ફોન પર આવ્યા ? એ આ શું બોલ્યા ?પોતે આ શું સાંભળ્યું ? આનો અર્થ શું કરવાનો ?

બે વાર માથું ઝાટકીને અશ્ફાકે મનને સ્થિર કરવા કોશિશ કરી . બારી પાસેની ખુરશી પર એ બેસી ગયો. મારો રીપોર્ટ ? શા માટે ? કેવી રીતે બનશે ? એક ઝાટકે એને ડો વિશાલે લીધેલા લોહીના સેમ્પલની યાદ આવી . અનિકેતના HIV સાથે મારા રીપોર્ટસને શું સંબંધ ? ...ધીમે ધીમે ગડ પડતી હોય એમ એ ચોંકતો ગયો ? યા અલ્લાહ ,તો એનો અર્થ એ કે ડો સરૈયાને લાગે છે કે મને પણ ...ઓહ ઓહ ...પણ એવું માનવાને કારણ શું ?

અશ્ફાક નવેસરથી સાવ ગુંચમાં પડી ગયો.

અચાનક અબ્બુની ખાંસીથી એ ઝબકી ગયો. ગઈ કાલે જ સંજીદાને દવાખાનેથી ઘરે લાવ્યા હતા. નબળાઈ ઘણી હતી પણ ભૂલમાં દવા પીવાઈ ગઈ એ વાત ઘરવાળાના મનમાં ઠસાવતા રીતસર દમ નીકળી ગયો હતો. સિંધી યુવાનની વાત તો ફક્ત એ બે જ જાણતા. જો કે દવાખાને એક પણ વાર મુલાકાત ન લેનાર એ ચંદર વસીયાની પર હવે સંજીદા કેટલો એતબાર કરી શકશે એ વિચાર એને વારે વારે આવતો હતો. અમ્મીએ પાંખમાં લીધી છે એટલે ઠીક તો જલ્દી થઇ જ જશે.પણ આ શાદીની વાત કેમ ટલ્લે ચડાવવી એ એને સમજાતું ન હતું.

આટલી જિંદગીમાં આટલા બધા ઝંઝાવાતો ઓછા હતા કે આ એક નવી મુસીબત આવી પડી .. !! પાકિસ્તાન-ભારતના ભાગલા વખતે અબ્બુના આગ્રહથી ભારત રહેવાનું કબૂલ કરનાર અમ્મી મનથી ક્યારેય ભારતના ન રહી શક્યા. ત્યાં હિજરત કરી ગયેલા અમ્મીના માયકાવાળા સગાઓ પોતાની સ્થિતિ વર્ણવતા પત્રો લખતા ...રોટી બેટીના વ્યવહારથી વંચિત ભારત તરફથી પાકિસ્તાન ગયેલા લોકો આજ સુધી મુહાજીર જ કહેવાય છે .ન પાછા ફરી શકાય છે કે ન ત્યાં દિલથી રહી શકાય છે ..આવું બધું જાણવા છતાં અમ્મીને કેમ ત્યાંનો આટલો મોહ છે એ અશ્ફાકને હજુ સમજાતું નહોતું .
લખનૌમાં બરકતઅલીનું નામ ઘણું જાણીતું હતું. આખું ખાનદાન એમની વચન અને વતન પરસ્તી માટે વખણાતું. નાના ભાઈ હસનઅલીના અવસાન પછી એમની બીબી અને બાળકી સંજીદાને પનાહ આપનાર ... સારી પરવરીશ કરનાર બરકતઅલી સમાજમાં પાંચમાં પૂછતા. એમની દરેક વાતનું વજન પડતું પણ અમ્મીના અંદર અંદર હિજરાતા આત્મા વિષે ભાગ્યે જ કોઈ જાણતું .ઘણા વખતથી બીમાર રહેતા બરકતઅલી બીવી રાબીયાબાનુને ખુશ કરવાના અનેક પ્રયત્નો કરતા રહ્યા હતા.
ફરી વાર ખાંસીનો અવાજ આવતા એ ઉભો થઇ બરકતઅલીના પલંગ પાસે ગયો. એને ખાતરી હતી કે જો અબ્બુ ઠીક હોત તો સંજીદાવાળી મુસીબત એને બોલાવ્યા વગર જ ટળી ગઈ હોત . અબ્બુની છાતી પર એનો હાથ ફરવા લાગ્યો.

" આપકો યે રિશ્તા બોજ લગતા હૈ ? જબસે આયે હો તબસે કુછ ન કુછ સોચમેં હી હો . અપને અબ્બુ સે છૂપાઓગે ? દેખો બચ્ચે , આપકા કાલિજ ઓર પઢાઈમેં દખલ ન દેને કે વાસ્તે હી હમને સોચા કી આપકો હમારી તબિયત કે બારે મેં ઈત્લા કી ન જાયે . પર અબ જબ હકીમ સાહિબને વક્ત બાંધ દિયા હૈ તો હમકો ભી સોચના હૈ .આપ હમારી બાત નહી ટાલોગે હમેં એતબાર હૈ.બચ્ચી હમારી જિમ્મેદારી હૈ . નાજોસે પાલી હૈ અબ દિલ નહી માનતા કે કિસી ઓર કે હવાલે છોડ દે. ઉનકી અમ્મીકી આંખોમેં હમે અક્સર એક ફિકર સી દિખતી હૈ ... અબ યે મસલા આપ દોનોકે નિકાહ સે હી હલ હો શકતા હૈ."

બરકતઅલી અશ્ફાક અને સંજીદાની નજદીકીને એ એક ઇતફાક ન સમજતા પણ અલ્લાહતાલાનો ઈશારો જ માનવા લાગ્યા હતા. મુંબઈમાં રહી ભણતો અશ્ફાક એમની કહેલી વાત નહી જ ટાળે એ બાબતે એ મુસ્તાક હતા.

ચુપચાપ અબ્બુની વાત સાંભળી રહેલા અશ્ફાકને અબ્બુની વાત સમજાતી હતી પણ પોતાની વાત અબ્બુને શી રીતે સમજાવવી એ એ નક્કી કરી નહોતો શકતો. લખનૌ આવ્યો ત્યારે અનિકેતની ચિંતા અને એને એકલા મુકીને આવવાની ગીલ્ટ ...અને સતત એના વિચારોમાં સંજીદા પાછળ જ વિતાવેલો સમય બીમાર અને લથડેલા લાગતા અબ્બુ તરફ ધ્યાન આપવા જેટલી ફિકર ક્યાં કરી હતી ? એના અને સંજીદાના સાચી લાગણી જાણતી હોવા છતાં અમ્મીજાન વારે વારે બોલતી રહી ' આપ અપને અબ્બુસે ઇત્મીનાનસે બાંતે જરૂર કરના... ' પણ કાલે રાતે હકીમ સાહેબ પાસેથી સચ્ચાઈ જાણી એ આઘાતમાં હતો . ફેફસાની ક્રોનિક બીમારીમાં નવા એક્યુટ ઇન્ફેકશનના કારણે અબ્બુ ધીમે ધીમે મોતની કગાર પર હતા. જુવાન થઇ ગયેલા બાળકો વડીલના આવા સમાચાર સાંભળી ફરી પાછા નાના બાળક જેવા અને ગરીબડા બની જતા હોય છે. છત્ર જર્જરિત હોય તોય થોડી છાયા તો આપતું જ રહે છે . પોતાના માથેથી અબ્બુનો છાયો હવે તૂટી રહ્યો છે એ વિચારે મજબુત અને જુવાન શરીર અંદર રહેલું નાનું બાળક અસુરક્ષિત બની ગયું હોય એમ અશ્ફાક બેબાકળો બની ગયો હતો.
એક બાજુ અનિકેતની બગડતી તબિયત , બીજી બાજુ સંજીદાનું પ્રેમ પ્રકરણ, તો ત્રીજી બાજુ અબ્બુની તબિયત ...અત્યારે સમય બિલકુલ ઠીક નથી કે મારી અને સંજીદાની શુદ્ધ લાગણી ઉપરાંત હું મારા થેલેસેમિયા અને મારા સંજીદા સાથેના લગ્ન પછી એની મારા સંતાનો પર પડનારી અસર વિષે કહી શકું . મને જે રોગ મળ્યો છે એનાથી મારા બાળકો બચી જ જશે એની કોઈ ખાતરી આ લગ્ન નહી આપી શકે ... સગા કાકાની દીકરી સાથે લગ્ન .. સંવેદનીક કજોડું અને શારીરિક સમસ્યા પણ ....ઉફ્ફ , હવે આટલું કોકડું ઓછું હતું તો અનિકેત પાછળ મારા રીપોર્ટસ પણ કરાઈ રહ્યા છે.

બરકતઅલીની છાતી પર ફરતો એનો હાથ અટકી ગયો. અહીં રહ્યા ત્યાં અનિકેત અને પ્રની પર શું વીતતી હશે એનો અંદાજ આવી જ ન શકે. મારે જવું જ પડે.

" અબ્બુજાન , આપ બેફીકર હો જાઈએ. હમારા યકીન કીજીયે આપકી ઔલાદ આપકી ખુશી ઔર ઈજ્જત કે લિયે કુછ ભી કરેગી. અબ આપ આરામ કીજીયે હમ બંબઈ મેં થોડે કામસે ફારિગ હો કર જલ્દ લૌટેંગે .બેશક આપ ઠીક હો જાઓગે. ઇત્મીનાન રાખીયે. અબ સે ચાચી જાન ઔર સંજીદા કી જીમ્મેદારી હમારી હૈ. આપને હમેં ઇતના કાબિલ તો બનાયા હૈ ના. "

બરકતઅલીએ પોતાની છાતી પર ફરતો અશ્ફાક્નો હાથ ચૂમી લીધો. ભીનાશ રૂપે વિશ્વાસ ટપકતો જોઈ અશ્ફાકને અબ્બુ પર નાઝ થઇ આવ્યો. પોતાના માબાપને પોતાના પર ફક્ર હોય એ બાબત દરેક સંતાન માટે એક એવોર્ડથી ઓછી નથી હોતી.
રૂમની બહાર નીકળી અશ્ફાકે પોતાના ટ્રાવેલ એજન્ટને ફોન લગાવી વાત કરી લીધી . " અમ્મી, દો એક રોજ કે લિયે હમ બંબઈ હોકર આતે હૈ. અબ્બુ ઓર સંજીદાકા ખ્યાલ રખિયેગા. " રાબીયાબાનું પોતાના બેફીકરા બેટાને આટલો જવાબદાર બનેલો જોઈ રાજી થઇ ગયા. ઘરના ઉછેર અને સંસ્કારને કારણે મુંબઈમાં રહેતો અશ્ફાક અહીં આવતા જ તેહજીબવાળું ઉર્દુ બોલવા લાગતો.

*********
બીમાર અનિકેતે ફાટી આંખે ફરી ફરી એ જ મેઈલ વાંચ્યા કર્યો . કેટલાક ભ્રમ તૂટે પછી હકીકત પચાવવી અત્યંત કઠીન હોય છે . જે પિતાને દેવની જેમ પૂજ્યા એમણે મને માતાના પ્રેમથી વંચિત રાખ્યો અને જે માતાને નફરત કરી એ મને જીવ ફાડીને પ્રેમ કરે છે ...!!!

લેપટોપને ચાલુ હાલતમાં જ બંધ કરી એણે આંખો મીંચી દીધી. નાનપણમાં હરવદન પંડ્યાની એને શ્લોક શીખવવાની જીદ..સૂર્યોદય પહેલા ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરાવવાની જીદ ... અને ભારતીય વસ્ત્રો માટેની હુકમ ....અનિકેતને ઝાંખું ઝાંખું યાદ આવ્યું કે બાળપણમાં એક દિવસ મોડે સુધી ઊંઘવા દેવા બદલ ભારતીને બે દિવસ જમવા નહોતું મળ્યું .

મનના વિશ્લેષ્ણ ગજબ હોય છે . કાલ સુધી ઢગલો ફરિયાદ કર્યા કરતું મન આજે ભારતીની તકલીફો , એની માનસિક સ્થિતિ વિષે યાદ કરવા લાગ્યું. ખોતરી ખોતરીને એવા પ્રસંગો યાદ કરવા માંડ્યું કે જે ભારતીને નિર્દોષ સાબિત કરી શકે. હરિવદનની સ્ત્રી મિત્રો અને સ્ત્રી ભક્તો એને ક્યારેય ગમી નહોતી એ પણ એને યાદ આવ્યું . જમાઉધારના પાસા ફરી ગયા હોય એમ પાત્રોની ફેરબદલ થઇ ગઈ ... પીડકના સ્થાને પિતા અને પીડિતના સ્થાને માતા ગોઠવાઈ ગઈ. શાણો અને સમજદાર અનિકેત લાડકોડથી ઉછેરનાર પિતાને પણ દોષી કરાર કરી ન શક્યો એક હાથે ચિબુક પકડી બીજા હાથે વાળ ઓળતા પપ્પાનો ચહેરો એની નજરે તરવર્યો . તો સ્કુલ બહાર હાથમાં છત્રી લઇ ઉભેલા પપ્પા અને દોડીને ઊંચકી લેતા પપ્પા એને દેખાઈ આવ્યા . અને અંતે એમના વર્તન માટે જે તે સમય અને સંજોગોને જવાબદાર સમજવા લાગ્યો . બાળક હર સમય બાળક જ રહે છે ...થોડી લાગણી મળતા થોડી વાર પહેલાની શિક્ષા ભૂલી જાય છે. જો કે અનિકેતના મનમાં ભારતી અને હરિવદનને એક સાથે જોવાની તડપ હવે વધુને વધુ જાગવા લાગી.

નિર્બળ તન અને નિર્બળ મન ... અસંખ્ય વિચારોનો મારો ... પ્રની અને અશ્ફાકની ગેરહાજરી અને આ મુંઝવણ ..અચાનક છાતી પર ભીંસ થઇ આવી અને અનિકેત રીતસર હાંફવા લાગ્યો. એના ચહેરા પર પડેલ ચાસ અને અનુભવાતા ત્રાસને જોઈ આયા દોડી આવી અને આખો સ્ટાફ હરકતમાં આવી ગયો.એની હાલત તપાસી બહાર દોડી જતી નર્સને જોઈ અનિકેતને પોતાને કોઈ મોટી બીમારી હોવાની દહેશત થઇ આવી અને એણે જોર દઈ આંખો બંધ કરી દીધી.

********
એરપોર્ટથી સીધા અશ્ફાક ડો સરૈયાની હોસ્પિટલ પહોંચી ગયો. આખા રસ્તે અનિકેતના HIV સાથેનો પોતાનો સંબંધ જોડવા મથતો રહ્યો. હસતો ગાતો મસ્તી કરતો અશ્ફાક જાણે જોજનો દૂરથી મુસાફરી કરીને આવ્યો હોય એમ નિચોવાઈ ગયો . મન વિખાયેલું હોય તો બાહ્ય વાતાવરણ પણ વિખાયેલું લાગે છે .

ઉતાવળા પગે એ ડો સરૈયાના રૂમ તરફ વળી ગયો .અનિકેતને મળતા પહેલા આ ઉલઝન દૂર કરવી જરૂરી હતી. દરવાજે ટકોરા મારી એ બે પળ ઉભો રહી ગયો. અંદરથી રુઆબદાર ઘેરો અવાજ આવ્યો ' કમ ઇન ' સામે અશ્ફાકને જોઈ ડો સરૈયા બે મિનીટ હબકી ગયા. સવારથી આ છોકરાના રીપોર્ટસની રાહમાં છું . આ એક જ શસ્ત્ર છે જેનાથી હું પ્રણાલીને અનિકેતથી એક ઝાટકે દૂર કરી શકીશ .

" અંકલ, ક્યા મેં બૈઠ શકતા હું ? " બોલતો ટેબલ સામેની ખુરશી આગળ આવી ઉભો રહ્યો. મનમાં આવી રહેલા વિચારો એ વાંચી તો નહી લે એ અવઢવમાં એમનું ડોકું હકારમાં નમી ગયું .ડોકટરના હાવભાવ પરથી અશ્ફાક અડધી વાત સમજી ગયો પણ થાકેલા અવાજે એણે સીધું પૂછી લીધું . " આજ સુબહ ફોન પર આંટીજી ને બોલા મેરા કુછ રીપોર્ટ હુઆ હૈ ..વો ક્યા હૈ ? અનિકેત કી ભી બડી ચિંતા હૈ મુજે ."

"દેખો, અશ્ફાક મૈ આજ સીધી બાત કરના ચાહૂંગા . અનિકેત મેરે લિયે કોઈ આમ ઇન્સાન યા દર્દી નહી હૈ . વો મેરી બેટીકા પ્યાર હૈ. અબ જબ યે સચ્ચાઈ સામને આઇ હૈ તો મુજે ઉસકો ઔર સચ્ચાઈ ભી બતાની હોગી .પ્રની કે જીવન કા સવાલ હૈ .""
કોન સી સચ્ચાઈ અંકલ ?" બેસબ્રીથી અશ્ફાક બોલી ઉઠ્યો.

" તુમ યંગસ્ટર્સ તુમકો દી ગઈ આઝાદી કો બદતમીઝી મેં બદલ દેતે હો . અબ જબ તુમ્હારે ઓર અનિકેત કે રિશ્તો કે બારે મેં મેં જાનતા હું તો તુમ્હારા રીપોર્ટ ભી કરવાના હી પડા મુજે "
અશ્ફાકે અનીલની વાત અડધેથી કાપતા ઉતાવળે પૂછ્યું " અનિ ઓર મેરે કૈસે રિશ્તે ? "
ડો. સરૈયાને વાતને વાક્યોમાં બદલતા જરાક વાર લાગી ગઈ .સવાલ બહુ નાજુક હતો પણ જવાબ બહુ કઠોર આપવો પડે એમ હતો. એમને ખબર હતી કે અશ્ફાકને HIV વિષે ખબર છે પણ આઘાત એ હતો કે એ જાણ્યા પછી પણ અશ્ફાક પોતાના રીપોર્ટસ માટે આટલો કેઝ્યુઅલ હતો .

"યંગ મેન , હોસ્ટેલ યા રૂમ શેર કરનેવાલે ઓર પોર્ન વિડીયો દેખને કે શોકીન લોગ અક્સર ઐસી ગલતીયા કર બેઠતે હૈ . મૈને તુમ્હે ઔર અનિકેત કો અક્સર કોમ્પ્રોમાંઈઝીંગ હાલતમે દેખા હૈ. ઉસ રાત જબ તુમ દોનો બેશરમ હો કર રસ્તે પે એક દુસરે કો ચુમ્મા ચાટી કર રહે થે તબ મેં તુમ દોનોકો ઐસે હાલત મેં દેખ કર ભોચક્કા રેહ ગયા થા . તુમ્હારા ઔર અનિકેતક ક્યાં રિશ્તા થા ઉસસે મૂજે કોઈ પરવાહ ન થી ,ના મૂજે ઇસ બાતસે કોઈ વાસ્તા હૈ . મુજે અબ પ્રની કી સુરક્ષા કે સિવા કુછ નહી દેખના. "
બરાબર એ જ વખતે વોર્ડ બોય હાથમાં પરબીડિયું લઇ દાખલ થયો. ડો સરૈયાની આંખમાં એક ચમક આવી ગઈ .ઝપટ મારીને પરબીડિયું હાથમાં લઇ ખોલી નાખ્યું અને એમની આંખો સીધી રીપોર્ટની છેલ્લી લાઈન પર અટકી ગઈ ....

HIV નેગેટીવ .... !!!

એમની નજર સામે હુક્કા બારમાંથી એકબીજાના ખભે હાથ ટેકવી બહાર નીકળતા અશ્ફાક અને અનિકેત દેખાઈ આવ્યા . એમને પોતાની પરિપક્વ સમજ પર શરમ આવી ગઈ . મનને જે જોવું હોય એ જ દેખાય છે એ અનેક વાર સાબિત થયું હતું આજે ફરી સાબિત થઇ ગયું . એમના મનમાં ફરી વળેલા શંકાના વહેણે એમની સમજ પર લીસોટા પાડી દીધા હોય એવું એમને લાગી આવ્યું . અફસોસ શાબ્દિક ન હોય ત્યારે વધુ તેજ અને અસરકારક હોય છે .

આ બે છોકરાઓ વિષે પોતે શું નું શું વિચાર્યું હતું પણ સત્ય તો જે દેખાયું એના કરતા સાવ અલગ જ નીકળ્યું .

******
ફોન મૂકીને મીનાબેને પ્રણાલીના ખભે હાથ મૂકી રાખ્યો . પ્રણાલીને શું કહેવું એ એમને સમજાયું નહી . શૂન્યમાં તાકી રહેલી પ્રણાલી બે જીગરજાન મિત્રો અને એમનાં ગાઢ સંબંધ વિષે વિચારતી રહી ગઈ. "મોમ, થોડી વાર હું એકલી રહી શકું ? " જવાબમાં "તું આરામ કર હું હમણાં આવી" એમ બોલતા મીનાબેન બહાર નીકળી ગયા અને ડો સરૈયાને ફોન કરવા લાગ્યા. સતત પ્રયત્ન પછી પણ ફોન ન લાગ્યો .

એકાદ કલાક પછી પથારીમાંથી સફાળી બેઠી થઇ ગયેલી પ્રણાલીએ "મમ્મી" એવી ચીસ પાડી. મીનાબેન દોડતા આવી પહોંચ્યા અને હોસ્પિટલ જવાની દીકરીની જીદને વશ થઇ ડ્રાઈવરને ગાડી કાઢવા હુકમ કર્યો .

********

અશ્ફાક રીપોર્ટ જાણે ડો સરૈયાની આંખમાં વાંચી ગયો હોય એમ બોલ્યો " અંકલ , ફિર સે રીપોર્ટ કરવાઇએ . થેલેસેમિયા ટ્રેટ મિલ જાયેગા ..આપ કો કુછ તો મિલના ચાહીએ ના " ડો ને શું બોલવું એ સમજાયું નહી . આટલો મોટો ઈલ્ઝામ સાંભળીને સહેમી ગયેલા હવે અશ્ફાકનું જુવાન લોહી રીપોર્ટ સામે આવતા ખુબ જ ખોળી ઉઠ્યું અને એનો અવાજ મોટો થઇ ગયો . રૂમ બહાર આવી ઉભેલા મીનાબેન અને પ્રણાલી એમ જ થંભી ગયા."
જબ સે બટવારા હુઆ હૈ હર કોઈ હમ મુસલમાનો કો શક કી નિગાહ સે દેખતા હૈ . હમ યહાં કે હોને કે બાવજૂદ હર પલ હમકો દેશભક્તિ જતાની પડતી હૈ . ઓર ઈલ્ઝામો કી બોછારમેં આજ તો આપને હદ હી કર દી . એક બિન માબાપ કે બચ્ચે કો પરિવાર કી કિતની જરૂર હોતી હૈ વો આપ ક્યા સમજોગે . મેને અક્સર અનિકો નીંદમેં રોતે હુએ દેખા હૈ. ઉસકે અંદર કા સહેમાસા બચ્ચા થોડા અપનાપન, થોડા પ્યાર ઓર થોડા લગાવ ચાહતા હૈ. છૂને સે હંમેશા બીમારિયા હી નહી ફૈલતી પ્યાર ભી ફૈલતા હૈ . માબાપ , ભાઈ બહન કા પ્યાર ક્યા હોતા હૈ યે તો અનિ કો અહેસાસ હી નહી . . મેં તો સિર્ફ અનિ કે જીવનકી કમિયો કો પુરા કરને કી કોશિશ મેં થા..."

ડો સરૈયાની પાસે આજે આ બધું સાંભળ્યા સિવાય કોઈ રસ્તો ન હતો. ઉચાટ સાથે અજંપ અશ્ફાક આગળ બોલતો જ રહ્યો .

"હમ સચ મેં પાક મુસલમાન હૈ. જો મજહબમેં અપની બીવી કે સાથ ભી અનનેચરલ સેક્સ કો હરામ માના જાતા હૈ ...વહાં આપ મેરે ઓર અની કે બારેમે ઐસા સોચતે હો ..લાનત હૈ આપપે ઔર આપકી સોચ પે . . ઓર એક બાત .મેં એક નામવર ખાનદાન સે હું . મેરે બહોત બીમાર વાલીદ બડે ઈજ્જતનવાઝ ઇન્સાન હૈ . હમેં પૈસો કી કોઈ કમી નહી પર અની કો લગે કી ઉસકી મદદ સે મેં જી રહા હું તો વો અપને કો કિસી કામ કે કાબિલ સમજે, ખુદ કી લાઈફ કી , ખુદ કી કિંમત ઓર અહેમિયત સમજે ઇસ લિયે મેં ગરીબ હોને કા નાટક કરતા રહા. હર વક્ત ખુદ કે બારે મેં સોચને વાલે અક્સર બડે ખુદગર્જ હોતે હૈ . મેં ખુદગર્જ નહી હું . મુજે મેરે દોસ્તકી પરવાહ હૈ ...ઓહ , અંકલ અબ જબ થોડી ખુશિયાં પ્રણાલી બનકે ઉસકી લાઈફમેં આયી થી તબ આપને ઉસ બેચારે પે યે સિતમ ઢાને કા તય કિયા હૈ ..અબ આપ પ્રણાલી કો ઉસસે દૂર કરોંગે ? એક છોટી સી જાન પે ગજબ કા કહર બરસા હૈ ...અલ્લાહ ."

બે હથેલી વચ્ચે મોં સંતાડી અશ્ફાક પોતાના આંસુઓ છૂપાવવા મથ્યો પણ એનું ડૂસકું છૂટી ગયું .

સાવ અવશપણે ડો સરૈયાએ ઉભા થઈને એના માથે હાથ મૂકી દીધો . માણસાઈ ઘણી વાર માથું ઉંચકીને બહાર આવી જ જાય છે . સાથે સાથે પ્રનીને હવે કેવી રીતે સમજાવીશ એ ચિંતામાં એ ડૂબવા લાગ્યા.

બરાબર એ જ વખતે ટેબલ પર પડેલો ફોન રણકી ઉઠ્યો ... વાત સાંભળી અશ્ફાકનો હાથ ઝાલી ડો સરૈયા રૂમ બહાર નીકળ્યા ..સામે જ મીનાબેન અને પ્રણાલીને ઉભેલા જોઈ કોઈ ખુલાસા કોઈ ફરિયાદને કોઈ અવકાશ રહ્યો નથી એ એ સમજી ગયા . પ્રણાલી અને મીનાબેનને જોઈ ડો સરૈયાની આંખોમાં એક ફિકર ઝબકીને ઓલવાઈ ગઈ . એટલા પણ સ્વાર્થી ન બનવું એવું હમણાં જ અશ્ફાક બોલી ગયો હતો .તો પ્રણાલીએ અશ્ફાક વિષે પોતે કરેલા વિચારો બદલ બે હાથ જોડી લીધા તો બે ઘડી માન્યામાં ન આવતું હોય એમ અશ્ફાક એની સામે તાકી રહ્યો ....આંખો આંખોમાં જ જાણે બેગુનાહીનો અને માફીનો ઈઝહાર થઇ ગયો . "ક્વિક ..મૂવ" બોલતા ડો. સરૈયા બધાને લઈને લગભગ દોડતા અનિકેતના રૂમ તરફ દોડ્યા.

***********
ઉભડક શ્વાસ લઇ રહેલા અનિકેતની આંખોમાં એક રાહત આવીને બેસી ગઈ. અશ્ફાકે રૂમમાં આવતા વેંત એને ભેટી લીધું .બંને મિત્રોની લાગણીના સાક્ષી બની રહેલા ડો અને સ્ટાફને પોતાની હરકત પર શરમ પણ આવી રહી હતી . દુનિયા આગળ નાટક કરી શકનાર પોતાની જાત સાથે એક પળ છળ કરી શકતા નથી. ડોકટરની આંખો ઉભરાઈ આવી. એક શબ્દ બોલ્યા વગર અનિકેત અને અશ્ફાક એકબીજાને વળગી રહ્યા જાણે કે એક એકલા પડ્યાની ફરિયાદ કરતો હોય અને બીજો પોતાના સંજોગો બયાન કરતો હોય. પળ બેપળમાં ગીલાશીકવા અદ્રશ્ય થઇ જાય એ આદર્શ સંબંધ હોય છે . બે પાકા ભાઈબંધો પોતાની વાચા વિહીન લાગણી વહાવી રહ્યા હતા.

અશ્ફાક અને પ્રણાલીને એક સાથે જોતાં જ અનિકેતના ચહેરા પર એક ચમક આવી ગઈ . હાંફતા અવાજે એ બોલી ઉઠયો ..." નવાબ સાહબ કે સાથ સાથ આજ હમારી હોને વાલી બેગમ કે ભી દીદાર નસીબ હુએ . સાલો , તુમ દોનો મેરી જાન હો . મેં નહી જી શકતા તુમ દોનો કે બગેર. " એકદમ અસ્વસ્થ પ્રણાલી માબાપની હાજરી વિસરી અનિકેતના ફિક્કા પડી ગયેલા ચહેરાને બે હાથમાં પકડી બોલી ઉઠી " અનિ , તને હું કાંઈ નહી થવા દઉ . તારા ઈલાજ માટે આપણે પરદેશ જઈશું દુનિયાભરના ડોક્ટરને બતાવીશું પણ હું તને નહી મરવા દઉં ... " કશુંક બોલતા બોલાઈ ગયું હોય એમ પ્રણાલીએ એક હાથ પોતાના હોઠ પર સજ્જડ દબાવી દીધો અને ચોધાર આંસુએ રડતી રહી .

છેલ્લું વાક્ય સાંભળી રૂમમાં રહેલ દરેકની દશા કફોડી બની ગઈ . કઈ જાતના ભાવ ચહેરા પર લાવવાથી માંડી ક્યા શબ્દોમાં સાંત્વન આપવું એ વિચારોમાં બધા અટવાઈ ગયા.

"એય નવાબ , તું તો બતા દે મેરેકુ હુઆ ક્યા હૈ " હરી ફરીને અનિકેતની આંખો અશ્ફાક પર રોકાઈ ગઈ અને લાલધૂમ આંખોથી એની સામે જોઈ રહ્યો . મુંઝાયેલો અશ્ફાક ફરી પાછો એને વળગી પડ્યો . ડો વિશાલ રૂમમાં પ્રવેશતા જ બોલ્યા " પેશન્ટ પાસે આટલા બધા લોકો ? અરે , અનિકેતને થોડો વધારે તાવ આવે છે અને નબળાઈ છે એનો આટલો દેકારો ડોક્ટરના કુટુંબવાળા કરે ? ચાલો , પ્રણાલી , હવે મોઢું હસતું કરી બહાર બેસો હું જરા મારા યંગ પેશન્ટને જોઈ લઉં"

ઉભા થવા જતા અશ્ફાકનો હાથ પકડી રાખી અનિકેતે ફરી પાછો એ જ સવાલ દોહરાવ્યો " બોલ ના યાર , મુજે ક્યા હુઆ હૈ ? કેન્સર હુઆ હૈ મુજે ? " જવાબમાં અશ્ફાકે જોરથી માથું ધુણાવી ના પાડી દીધી . " તો મુજે ટ્યુમર હૈ ? " એના જવાબમાં પણ અશ્ફાકે જોરથી માથું હલાવી દીધું ... " તુમ લોગો કે ચહેરો સે તો લગતા હૈ મેને કોઈ બડા રોગ પાલ રખ્ખા હૈ ....કેન્સર ભી નહી ..ટ્યુમર ભી નહી ...મુજે તો ચાર પાંચ નામ હી આતે હૈ અગર યે દો નહી તો ફિર તો પક્કા એડ્સ હી હોગા " જવાબમાં બાજુમાં ઉભેલી પ્રણાલી મીનાબેનના ખભ્ભા પર ઢળી પડી અને અશ્ફાક હાથ છોડાવી બહાર દોડી ગયો .

બેય ડોક્ટરની સામે સજ્જડ આઘાતથી જોઈ રહેલા અનિકેતની નજરનો સામનો ન કરી શકતા હોય એમ ડો સરૈયા નીચું જોઈ ગયા અને અનિકેત પાસે આવીને ઉભા રહ્યા .
બે પાંચ મિનીટની સ્તબ્ધતા પછી અનિકેત બોલ્યો . " અરે યાર , ઈશ્વર તને મારી સાથે શું પ્રોબ્લેમ છે ? પપ્પા મળ્યા તો મમ્મી નહી અને પ્રની મળી તો પપ્પા નહી ....અશ્ફાક અને પ્રની મળ્યા તો જીવન નહિ ? મારે દરેક વસ્તુ ડિસ્કાઉન્ટમાં જ લેવાની આવી. હવે ? "

અનિકેત પડખું ફરી ગયો . મીનાબેન , ડો સરૈયા અને ડો બહાર જતા રહ્યા . અશ્ફાક ફરી પાછો અંદર આવી ગયો . એ અને પ્રણાલી દીવાલને અઢેલી ચુપચાપ રડતા રહ્યા .
અચાનક પાછુ ફરી અનિકેતે પોતાનો મોબાઈલ માંગ્યો . અશ્ફાકે ધ્રુજતા હાથે ડ્રોઅર ખોલી એનો મોબાઈલ એને આપ્યો . આંસુઓને બાંયથી લૂછતાં એણે એક નમ્બર ડાયલ કર્યો ...

હવે કોઈના પડછાયાથી એને કોઈ ખતરો નથી ... !!!

ક્રમશ :

-- નીવારાજ