અકબંધ રહસ્ય ભાગ - 1 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય ભાગ - 1

એકબંધ રહસ્ય

ભાગ - 1

Ganesh Sindhav (Badal)

સુરેશ ભણવામાં હોંશિયાર હતો. પોતાના ગામ રામપુરામાં ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કરીને એણે ભણવાનું છોડી દીધું. એના બાપા વિઠ્ઠલભાઈ પટેલનો એ એકનો એક દીકરો હતો એથી એણે ખેતીનું કામ સંભારવું જરૂરી હતું. સુરેશને વાંચનનો શોખ હતો. લાઈબ્રેરીનાં પુસ્તકો વાંચીને એની વાચનભૂખને એ સંતોષ આપતો, તો પણ એણે કોલેજનું શિક્ષણ મેળવવાનો અજંપો હતો.

એના મામા ચતુર પટેલ અવારનવાર રામપુરા આવતા. એમના આગ્રહથી વિઠ્ઠલભાઈએ સુરેશની સગાઈ કરી. સુરેશની મા રેવા સગાઇ થવાથી રાજી હતી. એણે સુરેશના લગ્નની ઉતાવળ હતી. ઘરમાં વહુ આવે તો ઘર ભર્યું ભર્યું લાગે. ઘરના કામમાં મદદ કરે. રેવાના મનમાં સુરેશના લગ્નની જે ઉતાવળ હતી એ ઉતાવળથી લગ્ન થયાં. ઘરમાં વહુ આવી. વહુનું નામ જયા હતું.

લગ્ન થયાની પહેલી રાતે જયાએ સુરેશને કહ્યું, “મારા પેટમાં અઢી માસનું બાળક છે. મને એ બાળક કોનાથી મળ્યું છે એ વાત હું કદીય તમને કહેવાની નથી. તમારે મને પૂછવાનું પણ નહીં. આવનાર એ બાળકના બાપ તમારે થવાનું છે. આપણાં લગ્ન થયાં છે. હું સાસરે આવી છું. તમારાથી હું મા બનું એ સ્વાભાવિક છે.” જયાની વાત સાંભળીને સુરેશ દુઃખી થયો. એણે થતું હતું કે પત્ની લગ્ન ની પ્રથમ રાતે પોતાના પતિ આગળ દિલ ખોલીને વાત કરવાનો ઇનકાર કરે છે. એનો મતલબ જયા પોતાના પ્રેમીને હજી વફાદાર છે. આખી જિંદગી એની સાથે કઈ રીતે જીવી શકાય ? જયાનું પ્રથમ આણું દસ દિવસનું હતું. એને એનો બાપ રમેશ આવીને તેડી ગયો.

જયા પ્રથમ આણે પોતાના ઉદરમાં અનૌરસ બાળક લઈને આવી છે એ વાત સુરેશ કોઈને કહી શકતો ન હતો. બીજું જયા ચતુરમામા ના સાળા રમેશ પટેલની દીકરી હોવાથી છુટાછેડા થવા મુશ્કેલ છે. કોઈને કહેવાય નહીં, મનમાં સહેવાય નહીં. એથી સુરેશ દુઃખી હતો.

સુરેશ એક દિવસ અમદાવાદ ઉપડી ગયો. એ મણિલાલને ઓળખતો હતો. એમના ઘરે એ પહોંચ્યો. મણિલાલ મિલમજૂર હતા. એમને સુરેશને મિલમાં નોકરી અપાવી. સુરેશ મિલમાં કામ કરવા લાગ્યો. એણે સસ્તા ભાડાનું મકાન રાખ્યું. એના ઘરથી પંદર મિનિટે પહોંચી શકાય એટલે દુર ગુજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય હતું. સુરેશે એ ગ્રંથાલયની મુલાકાત લીધી. અહીં એણે પુસ્તકોનો ખજાનો જોયો. અસંખ્ય પુસ્તકો જોઇને એણે તાજુબી થઈ. અહીં છાપાં અને મેગેઝિનો જોયાં. પોતાને ગમતાં પુસ્તકોનો અહીં પાર ના હતો. મિલની નોકરીમાંથી જયારે સમય મળે ત્યારે એની હાજરી ગ્રંથાલયમાં રેહતી. અહીં એણે ગાંધી સાહિત્યનું વિશેષ અધ્યયન કર્યું. એ જયારે ગામમાં ભણતો હતો ત્યારે એની હાઈસ્કૂલના આચાર્ય તુલશીભાઈના મુખેથી ગાંધીવિચારનું ભાથું એને મળ્યું હતું. આ કારણે એણે ગાંધી સાહિત્યમાં વિશેષ રૂચી હતી. એણે ખ્યાલ આવ્યો, ગાંધીજીએ જે દ્રષ્ટીએ હિન્દુસ્તાનનું દર્શન કર્યું હતું એવા દર્શનનો વિચાર આજ સુધી હિન્દુ ધર્મના કોઈ અધિષ્ઠાતા કે કોઈ ભગવાને કર્યો નથી. દેશની ગરીબી અને એની સાથે સંકળાયેલા અનેક પ્રશ્નોના ઊકેલનું ચિંતન ગાંધીજીએ પોતાની આગવી રીતે કર્યું છે. આ કારણે ગાંધીથી દેશ અને દુનિયા પ્રભાવિત છે. સુરેશને ગમતાં પુસ્તકોની યાદીમાં સૌથી વિશેષ ગાંધી સાહિત્ય હતું.

સુરેશના ઘરની સામે એક ચાલી હતી. એમાં મજુરી કરીને કમાનાર લોકો રહેતા હતા. એ ચાલીના એક ઘરમાં શંભુનું કુટુંબ રહેતું હતું. શંભુએ ધીરે ધીરે સુરેશ સાથે મિત્રતા બાંધી. શંભુ અંગુઠાછાપ હતો. તો પણ એ પોતાના ઘરે છાપું મંગાવે. પાડોશીના છોકરાં પાસે એ છાપું વંચાવે. બીડી પીતાંપીતાં એ છાપાંનાં સમાચાર સાંભળે. એક દિવસ એણે સુરેશ પાસે છાપું વંચાવ્યું. સુરેશના મોઢે છાપાંનાં સમાચાર સાંભળીને શંભુ સુરેશ પર ઓળઘોળ બન્યો. શંભુના ઘરે વિલાસ કેલકર આવતો એની સાથે એણે સુરેશનો પરિચય કરાવ્યો. કેલકર રાષ્ટ્રીય સભાનો કાર્યકર હતો. એણે સુરેશને રાષ્ટ્રીય સભાનો સભ્ય બનાવ્યો. કેલકર સુરેશના ઘરે કેટલુંક સાહિત્ય મૂકી ગયો. એણે સુરેશને કહ્યું તમારા જેવા રાષ્ટ્રવાદી યુવાનોને રાષ્ટ્રીય સભા આવકારે છે. અમારી સાથે કામ કરવાની તમને મજા આવશે. તમે પ્રશાખા પણ આવો. દુનિયાને હિન્દુની તાકાતનો પરિચય કરાવવો એ આપણી ફરજ છે.

એક દિવસ આશ્રમ રોડની કોલેજના સભાગૃહમાં પ્રો. અવંતિ આચાર્યનું ભાષણ હતું. એમાં શંભએ આગ્રહ કરીને સુરેશને સાથે લીધો. એ બંને સભાગૃહની આગળની હરોળમાં બેઠા. અવંતિજીએ ગાંધી અને નેહરુને ભરપેટ ભાંડ્યા. એમનું આખું ભાષણ કાશ્મીર સમસ્યા પર હતું. એ ભાષણ સુરેશના એક કાનેથી બીજા કાને નીકળી ગયું.

શંભુ દેશના ભાગલા સમયની વિતક વાતો સુરેશને સંભળાવતો. મને કમને સુરેશને એની વાતો સંભાળવી પડતી. શંભુનું મગજ વિકૃત હતું. વાતવાતમાં એ બગડી જતો. સામેની વ્યક્તિની વાત સંભાળવા જેટલી ધીરજ પણ એનામાં ન હતી. પોતાનો કક્કો સાચો કર્યા પછી જ એ શાંત થતો. એક દિવસ એણે સુરેશ આગળ વાત કરી.

દેશના ભાગલા પડ્યા એ સમયે હું વીસ વરસનો હતો. પાકિસ્તાનના સરગોધાના એક જમીનદારને ત્યાં મારી નોકરી હતી. ત્યાંથી ભાગીને હું કરાંચીમાં આવ્યો. એક પરિચિતના ઘરે ગયો. આ ઘરમાલિકની બે દીકરીઓને તોફાનીઓ જોહુકમીથી ઉપાડી ગયા હતા. એ ઘરમાં અનાજ નહોતું. ટીનના એક ડબ્બામાં થોડા ચોખા હતા. અમે એ રાંધીને ખાધા. અહીંની હિન્દુ વસાહતો ભડકે બળતી હતી. સ્ત્રી અને બાળકોની ચીસો સંભળાતી હતી. સળગતી વસાહત વચ્ચે પહોંચીને મેં એક બાળકને બચાવ્યું હતું. હવે ત્યાં ફરીથી જવામાં સલામતી નહોતી. ચારે બાજુ બેકાબુ ટોળાંઓ હિન્દુનાં ઘર લુંટતા હતા. હિન્દુ વસાહતો પર જોરજુલમ થતો હતો. અમે બધા ઘરના બારી બારણાં બંધ કરીને એક ખૂણે છૂપાયાં હતા. અહીં મારું કે મારા આશ્રયદાતાનું રક્ષણ થઈ શકે તેમ નહોતું. ત્યાંથી હું ભાગી છૂટ્યો. રેલ્વે સ્ટેશન પહોંચ્યો એ સમયે મડદાં સાથે મડદું થઈને સુતા સુતા એ ટ્રેનમેં હું ભારત પહોંચ્યો હતો. એ ગોઝારી ઘટનાઓ આજે પણ મારી નજર સામેથી ખસતી નથી. આ વાત કરતી વખતે શંભુની આંખોમાં કાચની કરચ જેવું ખુન્નસ ડોકાતું હતું. સુરેશ મૌન બનીને એની વાત સંભાળતો હતો.

૧૯૬૯નું વરસ એટલે ગાંધીની શતાબ્દીનું વરસ. એ મહાત્માની શતાબ્દી દેશ અને દુનિયામાં ઉજવાઈ રહી હતી. ભારતમાં અનેક નાના મોટા કાર્યક્રમો યોજીને લોકો ગાંધીને શ્રદ્ધાજલિ આપતા હતા. જન્મશતાબ્દીના એક ભાગરૂપે પાકિસ્તાનથી સરહદના ગાંધી અબ્દુલ ગફારખાન ભારત આવી રહ્યા હતા. આ સમાચારના અનુસંધાનમાં શંભુના ઘરે ગુપ્ત મિટિંગ થઈ. એમાં સાધુરામ, દયારામ વગેરે હતા. આ લોકોએ નક્કી કર્યું કે સરહદના ગાંધીના આગમન સમયે એમને શતાબ્દી જેટલા જ મુસ્લિમ નરસંહારની ભેટ ધરવી. આ કામ કઠપૂતળીને નચાવતા કુશળ રાજકારણીઓના ઈશારે ગોઠવાયું હતું. ને એ કામ શંભુ અને દયારામે યોજના મુજબ પાર પાડી દીધું. સરહદના ગાંધી દુઃખી થઈને તત્કાલ પાકિસ્તાન ચાલ્યા ગયા. દેશ કલંકિત બન્યો. દુનિયાભરના છાપાંઓએ ભારતની નિંદા કરી. આ નરસંહારને કારણે સાબરમતી વિક્ષુબ્ધ બની હતી. એના પટમાં માની ન શકાય એવી કબ્રસ્તાની ઘટના બની હતી.

નરસંહારની આ ઘટનાના ત્રીજા દિવસે રાત્રીના અગિયાર વાગ્યે શંભુ સુરેશને ઘરે આવ્યો. એના હાથમાં બે-ત્રણ દિવસના વાસી છાપાં હતાં. એણે સુરેશને કહ્યું, “આ છાપાના સમાચાર મને વાંચી સંભળાવો.” સુરેશનું ચિત્ત ઉદાસ હતું. એણે શંભુને કહ્યું, “મારી તબિયત ઠીક ન હોવાથી હાલ મારાથી છાપાં વંચાશે નહીં.” શંભુને સુરેશ પ્રત્યે નફરત થઈ. છાપાંની ગડી વચ્ચે એ એક ઘાતક હથિયાર સંતાડીને લાવ્યો હતો. સુરેશ ન જુવે તે રીતે એ હથિયાર બાજુની અલમારી પર ગોઠવેલા પુસ્તકોની પાછળ મૂકી દીધું. ઘરે જઈને એ સૂઈ ગયો. સવારે પાડોશીના છોકરાંઓ એને છાપાં વાંચી સંભળાવતા હતાં. શંભુ બેઠો બેઠો બીડીના દમ ખેંચતો જાય ને છાપાંના સમાચાર જાણતો જાય. એની હિટલરી તરકીબ સફળ બની હતી. એના નશામાં એ ચકચૂર હતો. પોલીસથી બચવા એણે ગુપ્તી સુરેશના ઘરે સંતાડી હતી.

નરસંહારની ઘટના બાદ કેટલાક દિવસો પછી શંભુએ સંતાડેલા હથિયાર સુરેશના હાથમાં આવ્યું. એ જોઇને સુરેશને શંભુની કુટનીતિનો ખ્યાલ આવી ગયો. એણે જોયું તો એ ધારદાર ગુપ્તી હતી. એની ધાર પર સૂકાયેલું રક્ત ચોંટ્યું હતું. એ જોઇને સુરેશને થયું, દાવાનળથી જંગલ ભસ્મીભૂત બને છે. ને સમયાંતરે એ જંગલ હતું એવું જ લીલુંછમ બને છે. માનવીના મનની આગ માટે એવું બનતું નથી. એ સદીઓ સુધી સળગતી રહે છે. કોને ક્યારે ભસ્મીભૂત કરશે એનું ભાવી ભાખવું કઠીન છે.