સમ્રાટ સમુદ્રગુપ્ત Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમ્રાટ સમુદ્રગુપ્ત

સમ્રાટ સમુદ્રગુપ્ત

(ભારતવર્ષના મહાન રાજાઓ)

મૌર્ય વંશના મહાન અશોક પછી મૌર્ય રાજાઓ નબળા પડતાં ગયા. ઈસા પહેલા ૧૮૫માં મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથનાં બ્રાહ્મણ સેનાપતિ જનરલ પુષ્યમિત્ર શૃંગે એની હત્યા કરીને રાજગાદી પચાવી પાડી. આમ મહાન મૌર્ય ચંદ્રગુપ્ત અને અશોકના વંશની આણ ભારતવર્ષ પરથી કાયમી સમાપ્ત થઈ ગઈ. અશોક જેમ બૌદ્ધ ધર્મનો રખેવાળ અને પ્રચારક બનેલો તેનાથી વિરુદ્ધ પુષ્યમિત્ર બૌદ્ધ ધર્મનો સંહારક બનેલો તેવું કહેવાય છે. એણે બૌદ્ધ સાહિત્યનો, શાસ્ત્રોનો નાશ કર્યો, હજારો બૌદ્ધ સાધુઓની કતલ કરી અને કરાવી ૫૦૦ જેટલા બૌદ્ધ મઠ કાશ્મીરની આસપાસમાં જ નાશ કરી નાખ્યા એવું કહેવાય છે. એક બૌદ્ધ સાધુના મસ્તક સાટે ૧૦૦ સોનામહોરો આપવામાં આવતી તેવું પણ કહેવાય છે. અશોકના સમયમાં જે બૌદ્ધ ધર્મની ભારતમાં બોલબાલા હતી તે કાયમ માટે મટી ગઈ. ત્યાર પછી ભારતમાં ક્યારેય બૌદ્ધ ધર્મનો સૂરજ ફરી કદી ઝળહળ્યો નહિ. આજ સુધી એજ દશા છે. બૌદ્ધ ધર્મ ત્યાર પછી વાયા તિબેટ ચીન અને બીજા દેશોમાં સ્થાનાંતરિત થઈ ગયો. આજે પણ અમેરિકા અને યુરોપના ઘણાબધા લોકો બુદ્ધને ચાઇનીઝ સમજે છે, ભારતના નહિ..

શુંગ વંશનું રાજ ઈસા પૂર્વે ૭૩ સુધી ચાલેલું. ત્યાર પછી કણ્વ વંશ આવ્યો. કણ્વ વંશનો સ્થાપક વાસુદેવ કણ્વ પણ શુંગ વંશના છેલ્લા રાજા દેવભૂતિનો અમાત્ય જ હતો. વચ્ચેનો ઇતિહાસ અસ્પષ્ટ છે. પણ ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત સન ૨૪૦ થી થઇ હતી તેવું મનાય છે. ગુપ્ત વંશના સ્થાપક પહેલા રાજા શ્રી ગુપ્ત હતા. કોઈ ઇતિહાસકાર એમને અલ્હાબાદ પ્રયાગ તરફના કહે છે કોઈ અવધના તો કોઈ બંગાળના કહે છે. શ્રી ગુપ્ત પછી એનો પુત્ર ઘટોત્કચ ગાદી પર આવ્યો પણ તે બહુ જાણીતો નથી. ત્યાર પછી ગાદી ઉપર એનો પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ આવ્યો. આ ચંદ્રગુપ્ત પ્રથમનું અશોકના દાદા અને ચાણક્યના ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કન્ફ્યૂજન કરવું નહિ. લિચ્છવી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કરીને રાજકીય જોડાણ કરી એક નાનકડા રાજ્યની સીમાઓ વધારવાનું કામ આ રાજવીએ કરેલું.

ચંદ્રગુપ્ત પ્રથમનો પુત્ર હતો મહાન સમુદ્રગુપ્ત. સન ૩૩૫ થી ૩૮૦ એનો સમય કાળ. પણ ગ્રેટ મિલિટરી જનરલ એવા આ રાજાએ ગુપ્ત સામ્રાજ્યને નવી દિશાઓ આપવાનું કામ કર્યું. આજુબાજુના નાનામોટા તમામ રજવાડાઓને યુદ્ધો કરી પોતાના રાજમાં ભેળવી દીધા. ઉત્તરમાં નેપાળ પંજાબ દક્ષિણમાં પલ્લવ અને કાંચીપુરમ સુધી એનો કાબુ હતો. સમુદ્રગુપ્ત ચન્દ્રગુપ્તનો સૌથી મોટો પુત્ર નહોતો. એના મોટાભાઈઓ હતા પણ પિતા ચંદ્રગુપ્તની પસંદગીથી એ સમ્રાટ બનેલો. પિતાની પસંદગી ખોટી નહોતી. તે એક બાહુબલી રાજા હતો. એણે બહાર પાડેલા ચલણી ધાતુના સિક્કાઓમાં એનું મજબૂત સ્નાયુબદ્ધ શરીર કોતરવામાં આવેલું છે. એના શરીર પર યુદ્ધમાં સક્રિય ભાગ લેવાના કારણે સેંકડો ઘાવના નિશાન હતા. સમુદ્રગુપ્તના સમયમાં ભારતનો સુવર્ણકાળ શરુ થયો. કલા, સાહિત્ય અને સ્થાપત્યનો સુવર્ણ યુગ શરુ થયો.

સમુદ્રગુપ્તના ઇતિહાસનો મુખ્ય સ્ત્રોત અલ્હાબાદમાં આવેલો એક સ્તંભ છે. ભાલા, બરછી, પરશુ, તીર અને તલવાર જેવા અનેક યુદ્ધ હથિયાર વડે અનેક ઘાવ પામેલા સમુદ્રગુપ્તના આકર્ષક શરીરનું તેમાં વર્ણન છે. તે સમયે કયા પ્રદેશમાં કયા રાજાઓ હતા તેનું પણ વર્ણન છે. સમુદ્રગુપ્ત ચક્રવર્તી રાજા, રાજાધિરાજ કહેવાતો. આ ગ્રેટ મિલિટરી જનરલ રાજાએ બંગાળ, આસામ, નેપાળ, પંજાબ, રાજસ્થાન, પલ્લવ કિંગડમ કાંચીપુરમ બધા ઉપર કાબુ મેળવી લીધો હતો. ઉત્તર ભારતના 9 અને દક્ષિણના ૧૨ રાજાઓને હરાવી પોતાના સામ્રાજ્યના ભાગ બનાવી દીધેલા. કહેવાય છે તે અજેય હતો કદી એક પણ યુદ્ધ હારેલો નહિ. એની પાસે જબરદસ્ત નૌકાદળ પણ હતું.

મહત્વની વાત એ હતી કે સમુદ્રગુપ્તે જુદી જુદી જાતના સોનાના સિક્કા ચલણ તરીકે બહાર પાડેલા. એના પરની કોતરણી પરથી પણ સમુદ્રગુપ્તની મહત્તા જણાય છે. સમુદ્રગુપ્ત કલા અને સાહિત્યનો પોષક રાજા હતો. એણે કવિઓ, સંગીતકારો અને અન્ય કલાકારોનો બહુ મોટો સમૂહ એના દરબારમાં એકત્ર કરેલો. આ મહાન રાજા એક યોદ્ધો, સેનાપતિ, કવિ, સંગીતકાર અને દાનવીર હતો. એની કવિરાજ તરીકેની પણ એક ઓળખ હતી પણ કમનસીબી છે કે એની એકેય કવિતા સચવાયેલી મળતી નથી. વીણા વગાડતા સિક્કાઓમાં એ સંગીતકાર હતો તે છતું થાય છે. એ હિંદુ વૈષ્ણવ રાજા હતો પણ બીજા ધર્મો પ્રત્યે એને કોઈ દ્વેષભાવ નહોતો. વાસુબંધુ નામના બૌદ્ધ વિદ્વાનનો તે બહુ આદર કરતો તો સિલોનના રાજા મહેન્દ્રની વિનંતી ધ્યાનમાં લઈ બોધ ગયામાં બૌદ્ધ મઠ બાંધી આપેલો તે સાબિત કરે છે કે તેને બૌદ્ધ ધર્મ પ્રત્યે કોઈ દ્વેષ નહોતો.

અલ્હાબાદ ઇન્સ્ક્રીપ્શન મુજબ હારેલા રાજા અને પ્રજા પ્રત્યે અનુકંપાથી ભરેલો આ રાજા હજારો ગાયો દાનમાં આપતો. એણે અશ્વમેધ યજ્ઞ કરેલો. એણે બહાર પાડેલા સિક્કાઓ પર અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોતરેલો છે. આ રાજાઓ અનેક લગ્નો કરતા. એમાં વિલાસિતા કરતા વિદેશ નીતિ વધુ હતી. આ બહુ લગ્નો મજબૂત વિદેશનીતિનો એક ભાગ રહેતા. ગુપ્ત રાજાઓ બીજા રાજાઓ સાથે, સૌરાષ્ટ્ર કાઠીયાવાડનાં શક અને ક્ષત્રપ રાજાઓ, દક્ષિણના જુદા જુદા રાજાઓનાં રોયલ કુટુંબો સાથે લગ્ન સંબંધ બાંધી મિત્રાચારી વધારી પોતાની સ્થિતિ મજબૂત કરતા હતા.

કહેવાય છે ગુપ્ત રાજાઓ જન્મે ક્ષત્રિય નહિ પણ વૈશ્ય હતા. શૃંગ રાજાઓ જન્મે બ્રાહ્મણ હતા. તે સમયે વર્ણ વ્યવસ્થા આટલી જન્મ આધારિત સખત નહિ હોય પણ કર્મ આધારિત હશે. તકલીફ એ છે કે આપણી પાસે આ રાજાઓનો કોઈ સોલીડ ઇતિહાસ મળતો નથી. ઇતિહાસ લખવાને બદલે આપણે ફિક્શન જેવા પુરાણો જ લખે રાખ્યા છે. જે ઈતિહાસ શોધીએ છે તે શીલાલેખોના આધારે અને ચીની કે બીજા પ્રવાસીઓની નોધો પરથી શોધવો પડે છે. અથવા જે પણ લખ્યો હશે તે મુસલમાન આક્રાન્તાઓએ બાળી નાખ્યો હશે. મૌર્ય રાજાઓ અને અશોકનો ઈતિહાસ વર્ષો સુધી આપણને ખબર જ નહોતી. અશોકના શિલાલેખો અને શ્રી લંકન બૌદ્ધ ગ્રંથો પરથી ઈતિહાસ શોધવો પડ્યો છે. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં પણ પોતાની મહત્તા બતાવવા જે તે રાજાને જૈન કે બૌદ્ધ દર્શાવેલો હોય છે. જે તે સમયે લખાયેલી કવિતાઓ અને નાટકો પરથી ઇતિહાસ શોધવો પડે છે. આપણો બધો ઈતિહાસ તક્ષશિલા અને નાલંદામાં પુસ્તકો રૂપે જરૂર સચવાયેલો હશે પણ મુસલમાન આક્રમણકારોએ બધું સળગાવી માર્યું એમાં બધું નાશ પામ્યું હશે. નાલંદામાં ત્રણ માળની બહુ મોટી લાઈબ્રેરી હતી. એમાં એટલા બધા પુસ્તકો હતા કે એને મહિનાઓ સુધી તે સળગતા રહેલા.

સમુદ્રગુપ્તનો પ્રમાણિત ઇતિહાસ મળે છે તે અલ્હાબાદ સ્તંભ અશોક સ્તંભ છે. એના પર પહેલા સમ્રાટ અશોક વિષે લખેલું છે પછી સમુદ્રગુપ્ત વિષે કોતરેલું છે પછી મુઘલ બાદશાહ જહાંગીરે કોતરાવેલું છે. મૂળ જગ્યાએ થી અકબરના અલ્હાબાદ કિલ્લામાં પાછળથી ખસેડાયેલો આ સ્તંભ હાલ ભારતીય આર્મીના કબજામાં છે અને સ્પેશલ પરમીશન વગર જોવા મળતો નથી. અશોકના શિલાલેખ મુજબ આ સ્તંભ હાલના સ્થળેથી ૩૦ કિમી દૂર કોશલ રાજ્યના કોશંબી નગરીમાં હતો. મુસ્લિમ રાજકર્તાઓ દ્વારા પાછળથી તે અલ્હાબાદ ખસેડાયો હશે.

ભારતવર્ષના સુવર્ણકાળના ઇતિહાસનો આ મહત્વનો દસ્તાવેજ આ સ્તંભ ૧૩મી સદી સુધી અનેક વાર ધ્વસ્ત કરાયો અને ફરી ફરી ઉભો કરાયો. ૧૮૩૪મા તે અલ્હાબાદના કિલ્લામાં વરસાદમાં પલળતો ભાગેલો તૂટેલો ધૂળ ખાતો આડો પડી રહ્યો હતો, ત્યારે પહેલી વાર એને જોઇને એશિયાટિક સોસાયટીનાં જેમ્સ પ્રીન્સેપ નામના અંગ્રેજના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ હતી. અશોકનું વર્જન બધું બ્રાહ્મી લીપીમાં લખેલું છે જ્યારે સમુદ્રગુપ્ત વિશેનું બધું સરસ શુદ્ધ સંસ્કૃતમાં લખેલું છે. સમુદ્રગુપ્તના એક કવિ તથા મંત્રી હરીસેન દ્વારા આલેખાયેલું છે. જહાન્ગીરનું બધું પર્શિયનમાં લખેલું છે.

ખેર સમુદ્રગુપ્ત ભારતના ઇતિહાસનું અને ભારતના સુવર્ણ કાળનું મહત્વનું અમર પાત્ર હતું અને કાયમ રહેશે. સમુદ્રગુપ્ત અને તેના પુત્ર ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત જે ઊંચાઈઓ ઉપર પહોચેલું ત્યાં પછી કદી પહોંચી શક્યું નથી તે પણ એક હકીકત છે.