માધવ ખડકી Niketa Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માધવ ખડકી

માધવ ખડકી

ખડકી જોઇને સમીરતો અચંબોજ પામી ગયો. પપ્પાએ અહીં આવતા પહેલા એને જે કહ્યું હતું એવુંતો કંઈ દેખાતું જ નથી અને ઉપરથી આ તો અહીં જાણે કો’ક ઉત્સવનું ઉજવણું થવાનું હોય એમ ખડકીને શણગારી છે. બરાબર ખડકીના દરવાજે આવીને રીક્ષા ઉભી રખાવી અને રીક્ષાવાળાને ભાડું ચૂકવીને સમીર ખડકીમાં પ્રવેશ્યો.. રીકશા આવવાની ઘરેરાટી અને ખડકી પાસે આવીને ઉભા રહ્યા પછીના ખડખડ અવાજથી ખડકીમાંતો દેકારો મચી ગયો. આખી ખડકીના લોકો દરવાજે આવી પહોંચ્યા અને સમીરને વીંટળાઈ વળ્યા.. એટલામાંજ ટોળાને વીંધતાં રેવાકાકી સૌથી આગળ આવી ગયાં અને સમીરનો હાથ પકડી લીધો.. સમીર નીચે નમીને કાકી ને પગે લાગ્યો.. ઘરમાં ને ગામમાં હડધૂત થતા ઘરડા માણસને કો’ક પગે લાગે કે માન આપે તો એને જમીનથી બે વેંત અધ્ધર હોવાનો ઉમંગ થઇ આવે છે.. રેવાકાકીનેય એમજ થયું. એમનો જૂસ્સો એકદમ વધી ગયો. સમીરના માથે હાથ ફેરવ્યો અને કહ્યું “ આઈ જ્યો ભૈલા...? બૌ હારું કર્યું હોં.. જીવકોરના જીવને અવ શાતા થહ..અન ભઈ ઓંય ચ્યમ ઉભો સુ....? હેંડ કે અંદર..અલ્યા હેંડો આઘા જાવ આ સોકરો બાપડો થાચેલો આયો સ... તે હેં ભાઈ આ મોએથી પીહોટી શને વાજી ?

એક કોમ કર ભઈ.. જરીક પોરો ખા અન પશે પેલો બોમણ બધુય હમજાવશે તન... અને કોંય ચંત્યા કરેશ નઈ ભઈ.. હૌં હારુ થશે” રેવાકાકી એમ બોલતાં બોલતાં સમીરને ઉપલી મેડીએ લઇ ગયાં અને વળી પાછા જતાંજતાંય બુમ પાડીને કહ્યું “ તે કુમુદવઉ..આ ભઈ હાતર હારો કરીન ચા મેલજો ક.....અને કોંક મો-બટકીય લાવજો પાસા”

આંખની ભીનાશ રોકવામાં રેવાકાકી શબ્દોને બાઝી પડી..: “ ભઈ આ જીવકોરડોશી તો જઈ ... આ તારી દાદી તો ઉપર ભગવોનને કનડવા જઈ. ડોશી બૌ જબરી હોં કે ભઈ.. પેલા ટપાલી પોંહે કુણ જોણે ચાણેય ચાર અક્ષર પડાયા અશ ! અન પાશુ ઓશિંગા નેચે એ કાગરીયુ એક પરબીડિયામો મેલેલુ.. અન ભઈ એણે તો મઈ કાગરમો ચોખ્ખુ લખ્યુ શ, અન તારા બાપને તો કેવાની ધરાર ના જ પાડી શ .. પાશુ ફોડ પાડીને લખ્યુ સ ક મારા કીરીયાકરમ તો મારું વીયાજ જ કરશે..તારા નોમની તો જોણે હાચું કૌ ન તો ડોશીએ અઠ જ પકડી સ.. ભઈલા..! એટલા હાતર તો તન આલ ને આલ ઓંય લગણ દોડાયો. “ રેવાકાકી એકધાર્યું બોલતા સહેજ હાંફવા માડ્યાં અને જરા ઉંચા અવાજે બોલ્યાં“ કૌશુઉ... વઉઊઉ... શું થયું આ ભઈના ચાનું... ? બૌ વાર થેઈ..”

કુમુદવહુ પાણી અને ચા અને એક તાંબાના છાલીયામાં થોડાક વઘારેલા મમરા અને એક પિત્તળના છીબામાં શેકેલું સારેવડું અને સુખડીનો ટુકડો અને એક ઢેબરુ લઈને ઉપર આવ્યા. રેવાકાકી એ પાણી પીધું અને પાછા બોલવા માંડ્યા. “ જીવકોરે તો ભારે કરીસે ભઈ.. બધુય લશીને જઈ, કે એની પાશળ બધાએ હુ કરવુ અન હુ ના કરવુ. મુઈએ રડવા કકરવા પરેય નીશેદ માર્યો શ..અન પાશુ બધુય રંગેચંગે પાર પાડવાનું લગન-મરણ ની જેમ અને એનો ઉજવણો કરવાના. અરે ભઈલા લે તું તારે આ ફફડતો ચા પી લે અન સે’જ હરવો થા. અરે મારા ભગવોન હુંય મૂઈ ચ્યો પંચાત કરવા બેહી જઈ.. જો તું છ ન શેજ આડે પડખે થવુ હોય તો થા પશ હું તન એ જીવકોર ડોહલીના બીજોં કારસ્તાનેય કૌ સુ.”

હજુ સમીરને ધરપત થતી નથી, એ તો દાદીને જોવા અધીરીઓ થઇ રહ્યો છે..

“આ હાત અન ઉપર થોડા સુટ્ટI મોનોને એટલા...તે એટલા દહકા થી જીવકોર ડોશીએ આ માધવ ખડકી કબજે કરી ‘તી. વે’તી ઉંમરે સફેદી વીંટરઈ પડી’તી. પેટનાં જણ્યાને શુય ચૂંક પડીતી તે શે’રમોં આડાઅવરી ધંધા કરતો’તો. ડોશીએ એકલીએ ટોપલા જન્મારો આખો વેંઢાર્યો તે લાગણીએ હાવ શપાટ છાતીની થઇ જઇ ‘તી..જો કે હાચ્ચુ કઉ ન, તો હાવ એવુય નો’તું..! ખડકીમો કોક વૌઆરુ જો હુવાણે હોય તો રિંગણાનો ઓરો અન ખીર અન મેથીયુ ઢોંકી આઈજ હોય ડોશી....! અલ્યા ભૈશાબ આ મોણહની ચ્યો વાત કરો સો, ગોમની કુતરી વીયોણી હોય ન તો એનાય ધોમા જીવકોરને ઓંગણેજ હોય.”

રેવાકાકી બહુ બોલ્યા એટલે સહેજ શ્વાસ ચડ્યો.. ઘડીક પોરો ખાધો અને બાજુમાં પડેલા ગ્લાસમાંથી એક ઘૂંટો પાણી પીધું..બ્લાઉઝમાં હાથ નાંખી ને છીકણીની ડબ્બી કાઢી અને એમાંથી એક-એક ચપટી છીકણી બંને નસકોરામાં ચડાવી દીધી.

“ભઈ... આ તારી ડોશીનો તો જબરો કરપ અતો હોં કે.. ખડકીમોં જો ભૂલેચૂકેય કોઈ બારહાખેથી ઘરની વઉઆરુને ધમકાવતો કો’ક ભાઈડાનો ઘોંટો હોંભરી જાય, તો ડોશી ફડાક કરતી એજ ઘડીએ એ બાયણે જઈ ધમકી હમજો. જીવકોર ડોશી કો’કને આલવામોં જેટલી ઉદાર એટલીજ કશુક વો’રવા જઈ હોય તો એક રાતી પઈ ના શોડે. બકાલાવારા પોહેથી ધોણા-મર્ચો ને લેમડાની ડારખી લીધા વગર રે’ નઈ. જીવકોર રોજ બપોરે આડે પડખે થાય..અને એના હૂવાની વખતે ભૂલથીએ કો’ક દા’ડો જો કો’ક ફેરિયો ખડકીમોં પેઠો, તો પસ એના હાલ એની ઝોરીમોંનાં ભંગાર જેવા કરી નોંખે. અન ભઈ આ વોનરશેના છ ન જો હોંજે પોંચ વાજ્યા પે’લા રમવા મોંડી તો એ બધ્ધાયનું આઈ બન્યુ હમજો.. એમને મુઆઓને તો એક પંગતમોં ઉભા કરી ન ઉઠબેશ કરાવે પણ એમની માયોનેય ભોંડવોમાં બાકી ના મેલે.ખડકીમોં જીવકોરની આ’જરી હોયને ભઇ તો ચકલાનેય ફરકવું ઓય તો વચાર કરવો પડ અને એમોંય કો’ક એકાદી વઉઆરુએ એનો ઘોઘરો મોટો કર્યો તો એના પીયેરીયાઓ હુધી જીવકોરની ગાર્યો જાય..અને એમોંય રખેને કો’કનો ઘરવારો એનું ઉપરોણુ લઈને બૈરીની વા’રે આયોતો પત્યુ..ડોશીનો પિત્તો હાતમાં આકાશે.. જૂઓ આ રોંડવો..આ બૈરીઘેલો, આ બાયલો, આ માટીપગો જે મનમો આવે એ ગાર્યોથી એને ભોંડે.. ડોશીનો તાપ જીરવવો બઉ અઘરો હોં કે ભઈ. એણે ઓંગણું વાર્યું હોય અને પસે જોરથી વાયરો વાય અન પાડોશીનો કચરો જો આ કોરા આયો તો પત્યુ..ઠેઠ એ પૈણીન આઈ તારના હાચવી રાખેલા હાવૈણાના ઠુંઠાથી એનું ઓંગણું વારવું પડ.. ભઈ બઉ માથાફરેલી અ’તી જીવકોર...” રેવાકાકીની સ્મૃતિમાં જીવકોરનું આખું વ્યક્તિત્વ તાદ્રશ્ય થઇ ગયું..એમનો અવાજ ઢીલો પડી ગયો, આંખો ભીંજાવા માંડી અને એક ડૂસકું નીકળી ગયું.. “ ભઈ જીવકોરમાડી જતી રઈ..

અવ કુણ થશ રણીધણી આ માધવ ખડકીનું ..?” વાતાવરણ એકદમ ગમગીન થઇ ગયું. કોઈ કશુંજ બોલતું ન હતું.

થોડીવાર પછી રેવાકાકી સહેજ સ્વસ્થ થયા એટલે બોલ્યાં “ જીવકોર જઈ...જતી રઈ.. અવાજ ઢીલો થઇ ગયો હતો.. શેલ્લા થોડા દા’ડાથી પંડ્યને હખ નો’તુ..પણ કોણ જોણે આ પેલા ટપાલીને રોજ ધરમોં ઘાલે અન ચોંય હુધી મઇ ગુટુરપુટુર થાય અન પશી પેલો મારો વા’લો નેચીમુડીએ સાઈકલ નહાડી મેલે. એક દા’ડો ખાસ્સી વાર પશ ટપાલી બા’ર નેકળ્યો... આથમોં બગલાની પોંશ્ય જેવુ પરબીડિયુ અન એની ઓંશ્યોય લાલઘૂમ અ’તી.. એતો જતો રયો.. બીજા દા’ડે બપોર ચડ્યા તો હુધી ડોશી ઢુંકઈ નઈ તે પશ મું તો ઈમ્મત કરીન કમાડ આડુ કરી ન મ’ઈ જઈ... અને બાપ મારાથીતો રાડ્ય પડઈ જઈ. ડોશી શત્તીપાટ હુતી’તી.. ઓંશ્યો બંદ અતી અન મો’માથી ફેણ નેકરતુ’તુ. મે તો રાડ્યો પાડી ન બધાયને બોલાયા અન જોતજોતામોંતો આખુ ગોમ ભેગુ થઇ જ્યુ.. જીવતો હારી રીતે જયો અશ.. જીવકોરે કોઈના આથે પવાલુ પોણીએ ના પીધુ.. બઉ શમોની અતિ હોં કે ભઈ.. પશ તો એને નવરાવા-ધોવારાવા લઇ જ્યા તાણ એના ઓશીંગા નેચેથી એક પરબીડિયુ મલ્યુ.. તે પશ ગોમની નેહારના માસ્તરને બોલાઈન એની પોહે ગોમના આગેવાનોની આ’જરીમોં વંચાયુ..: “ હું, જીવકોર, આથી જણાવું છું કે મારી પાશર કોઈએ રોકકર કરવી નઈ અન કોઈએ જીવ બારવો નઈ અન મારા મૈણાનું ઉજવણુ કરજો, મારા જણ્યાને મારુ મોઢુય બતાવશો નઈ..અને મારા કીરીયાકરમ મારા વીયાજ, મારા શમીરીયા પોહે કરાવજો.. મારી મિલકત હરખે ભાગે ખડકીમોં ઘરદીઠ વે’ચી મારજો. જો કોઈ આનાકોની કરે કે આડુ ફાટે કે પશ અંચઈ કરશે તો આ જીવકોર શરગ-નરગના મારગ મેલી પાશી આવશે.. લીખીતણ જીવકોર..!”

નિકેતા વ્યાસ

યુએસએ