ઢીંગલો Niketa Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઢીંગલો

ઢીંગલો

મે ની અગિયારમી !

એજ હતી ને તારીખ આજે? ચોક્કસ એ જ !

દર વર્ષની જેમ આજે પણ શચીએ પેલું લાકડાનું કોતરણી વાળું સફેદ હાથીદાંતથી શણગારેલું બોક્સ કાઢ્યું હશે અને તાકી રહી હશે પેલી અધુરી જીજીવિષા વાળી નજરે અને છતાંય હોઠોના એક ખૂણા થી બીજા ખૂણા સુધી પ્રસરેલા હાસ્ય સાથે! અમેરિકા આવ્યા પછી ઈશાને શરૂઆત માં ઘણી કોશિશ કરી હતી એ બોક્સ વિષે જાણવાની પણ શચીએ ખુબ જ ઈમાનદારીથી જવાબ આપ્યો હતો :" ઇશાન દરેક વર્તણુકને ભૂતકાળ સાથે સાંકળવાનો પ્રયત્ન કરીશ તો આપણું આ વર્તમાન દોહોળાઈ જશે. કઈક છે કે હશે ના ડર ને કાઢી નાખ, જો આજે આ પળે હું તારી અને ફક્ત તારી સાથે ઉભી છું, તારી સાથે આજીવન રહેવાને તત્પર છુ." અને બસ, એ દિવસ થી કદી મેં એ લાકડાના બોક્સ માટે ડહોળાયેલી આતુરતા નો'તી દેખાડી. અને સાચે જ એ દિવસ પછી ભરપુર જીવ્યા હતા એ બંને. પતિ -પત્નીના સગપણને એક અનેરો ઓપ આપ્યો હતો. એક બીજાની નાના માં નાની જરૂરીયાત, ગમા - અણગમાને જાણ્યાં અને જાળવ્યા હતા. દસ વર્ષના આ મધુર દાંપત્યજીવન ના ફળ સ્વરૂપે આકાશ અને ભૂમિ ની કિલકારીઓ, બાળ સહજ હઠ, આળપંપાળ, રીસામણા મનામણા ઘરને ભરી દેતા હતા. દસ વર્ષમાં ત્રણેક વાર ઇન્ડિયાની ટ્રીપ અને શચીનું આવ્યા બાદ ત્રણેક દિવસ ગમગીન રહેવું વરસાદી સિઝનમાં રહેતા ધૂંધળા દિવસની જેમ બસ .....કદી પૂછ્યું જ નો'તું કારણ કે એના જવાબની ખબર હતી ....સગવડિયું હાસ્ય મોઢાં પર લીપી, પાંપણો ઢાળી, ડોકી ધુણાવશે .....કાંઈજ નથી એ તો મુસાફરી નો થાક! એકાદ વખત આવો જ જવાબ મળ્યો હતો ને?!

પોતાની ફૂલ ટાઈમ જોબ, શચીની અહીના ભારતીયો માટેના ઘરડાઘર સમી ગવર્નમેન્ટ તરફથી ચાલતી સંસ્થામાં વોલીયન્ટીયરની જવાબદારી, આકાશ અને ભૂમિના ભણતર અલાવા એક્સ્ટ્રા એક્ટીવીટીઝ .....આ બધામાં સમય ક્યાં પસાર થતો હતો....જાણે ખબર જ નો'તી પડતી. વચ્ચે વચ્ચે સામાજિક પ્રસંગો માં હાજરી .....શચીની ઈચ્છાનુસાર દર બે વર્ષે સત્યનારાયણની ઘરે સ્થાપના.....દર વર્ષે મિત્રોને બોલાવી ઉનાળામાં બાર્બેક્યુ ગેધરીંગ .....ક્રિસમસ, ન્યુંઈયર, બર્થડે, એનીવર્સરી, છોકરાઓ ની ઈતર પ્રવૃતિઓ, અન્ય જવાબદારીઓ ..........ઘણી વખત થોડો કંટાળો પણ આવતો હતો જ !

પણ શચી સાથે આ બધું ગમતું પણ હતું ને ! બધું જ ગમતું હતું. નાના નાના એકબીજાને જ આવરી લેતા પ્રસંગો પોતાની રીતે ઉજવવા અને માણવા ગમતા હતા. પોતાની ફૂલટાઈમ જોબ, શચીની જવાબદારી, છોકરાઓની સ્કુલ વગેરે માં સવારે ખુબ જ ભાગદોડ રહેતી તેથી સવાર ની ચા ને ટોસ્ટ બંને પોતપોતાની કારમાં જ ખાઈ લેતા. અને એટલે જ બંને એ નિયમ બનાવ્યો હતો, સાંજે એક સાથે બેસી ચાની ચુસ્કીઓ માણવાનો અને એકબીજાની આંગળીઓના અંકોડામાં ભીડી આખા દિવસના બનાવોનું સરવૈયું માંડવાનું. પછી જ શચી રાતના વાળું ની તૈયારી કરવા કિચનમાં જતી અને એ તે દિવસની મેઈલ, છોકરાનું હોમવર્ક કે એમને જો બહાર ઈતર પ્રવૃત્તિ માટે જવાનું હોય તો એમાં ધાન પરોવતો. અને સાજે રોજ ડીનર એકસાથે બેસીને જ લેવાનું. અને આજે સવારના પહોરમાં ફોનની રીંગ વાગી. અમે બનેવે એકબીજા સામે પ્રશ્નાર્થ આંખોએ જોયું ને પછી મેં ફોન ઉઠાવ્યો. સામે શચીના મમ્મી મારા સાસુજી નો અવાજ કેમ છો ઈશાનકુમાર? જરા શચીને ફોન આપજો ને . અને મેં રીસીવર શચીના હાથમાં પકડાવી ટાઈની નોટ સરખી કરતા કરતા ફરી એક વાર એની સામે જોયું. સામે છેડેથી જ એક સ્વાસે થતી વાતચીતનો ધીરો સાદ સંભળાતો હતો કારણ કે અહી આ છેડે શચી તો ....એકાક્ષરી ઉત્તર અને કપાળ પરની કરચલીઓ માં કંઈ કેટલા સવાલો લખતી અને ભૂંસતી હતી. મેં એની સામે જોઈ આંખો અને હાથના ઈશારે પૂછ્યું :" શું થયું ?" અને અને એનો મુક ડોકી ધુણાવી હાથના ઈશારે મને કહેવું કાઈ નહિ તું તારે જા. અને હું છોકરાઓ ને બસસ્ટોપ પર પણ ઉતારવાના હોઈ હાથથી બાય કહી નીકળી ગયો. ઇગ્નીશન માં ચાવી નાખતા માનસિક નોટ પણ કરી લીધી કે આજે લંચ અવર્સમાં શચીને ફોન કરી પૂછી લઈશ.

અને કર્યો ફોન, પહેલા એના મોબાઈલ પર જ્યાં અવિરત રીંગ વાગ્યાજ કરતી હતી અને પછી કંટાળીને એની જોબ પર. "She never came Mr. Patel, she called out sick." એની ચુલબુલી રિસેપ્શનીસ્ટે જવાબ આપ્યો. હું થોડો ચોંકી ગયો. શચી કદી આવું કરે જ નહિ. નક્કી કશુંક અજુગતું......... અને બોસની નારાજગી અને ચીડ સહન કરી હાફ્ડે ની પરમીશન મેળવી મારતી ગાડીએ ઘરે જવા નીકળ્યો. શું થયું હશે? શું કરતી હશે? ના સવાલો વારંવાર ઘુમરાતા હતા. અને ફરી પાછુ ધ્યાન ગયું ફોન ના ટાઈમ ની સાથે ડિસ્પ્લેમાં ઝળકતી આજની ડેટ પર .....મે ની અગિયારમી .....કદાચ આજે સાંજ ને બદલે એ અત્યારે તો પેલું બોક્સ કાઢી બેઠી નહિ હોય ને? કદાચ બેઠી જ હશે.................

જાણતો જ હતો ! કે શચી બોક્સ ખોલી બેડ ના પેલા ખૂણામાં બેઠી જ હશે અને હતી જ ....પણ આજે એની આંખ નીતરતી હતી....અનરાધાર ....ચોધાર .....એનું પેલું એક ખુણાથી શરુ થઇ હોઠના બીજા ખૂણા સુધી પ્રસરતું સ્મિત ગાયબ હતું. સસ્નેહે એને સાંત્વના આપવા મેં મારો હાથ એના ખભા ઉપર દબાવ્યો ને જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એનું આખું શરીર અક્કડ અને સાવ અચાનક કારની સામે કોઈ આવીને ઉભું રહે અને સજ્જડ બ્રેક માર્યા બાદ જે અદા થી ગાડી ઉભી રહી જાય એમ એના આંસુ પણ. બહુ પૂછ્યું પણ હમેશની જેમ જ માથું ઢાળી મૌન અને મુક આંખોથી કઈ નથી નો જવાબ આપી દીધો. યંત્રવત સઘળું કામ પતાવી રાત્રે સુવાના ટાઈમે આજે ઘણાં અરસા બાદ ઊંઘની બે ટેબ્લેટ લઇ એણે મારી સામું જોયું ને આંખોમાં રહેલ એ રીક્વેસ્ટ :" please don't disturb me today, i need my alone time." મેં વાંચી લીધો ને મુક સંમતી પણ આપી દીધી. બેડરૂમ માંથી એક પીલો અને ઓઢવાનો બ્લેન્કેટ લઇ મેં સોફા પર જમાવી. છોકરાઓ પણ કોણ જાણે કેમ જાણી ગયા હતા something is wrong તે આકાશે વગર બોલે આજે ભીંડાનું શાક વગર બોલે ખાઈ લીધું હતું અને હવે પોતાના કમરામાં વહેલા સુવા પણ જતા રહ્યાં. મન પરોવા મેં ધીમા અવાજે ટીવી ઓન કર્યું કદાચ ઊંઘ આવી જાય. અને આંખ કદાચ મીંચાઈ જ ગઈ હતી કારણ કે આમ વહેલી સવારે શચીનો પેમાળ હાથ ક્યારનો ફરતો હશે મને ખ્યાલ જ નો'તો . સ્હેજ સ્મિત કોરાયેલ હતું જાણે કહેતી હતી હું ઠીક છું અને ગઈકાલ ના સપોર્ટ માટે આભાર. મારે તો બસ તું ઠીક જોઈએ શચી બીજું કાંઈજ નથી જોઈતું .અને બસ જાણે રાબેતા મુજબનું જીવન રહે એ માટે શચી ફરી કાર્યશીલ! એ જ તો એની ખૂબી હતી . અઠવાડિયું દસ દિવસ ક્યારે પસાર થઇ ગયા ખબર જ ના પડી. હવે જાણે બધું ગોઠવાતું જતું હતું .......

આજે શનિવાર હતો શાંતિથી ઉઠ્યા બ્રેકફાસ્ટ પતાવી શચી એ સૂચન કર્યું કે આજે એ એકલી ગ્રોસરી શોપિંગ માટે જાય હું બાગકામ પતાવી દઉં અને પછી સાંજે ઘણા સમયથી મંદિરે નથી ગયા તો ત્યાં જઈ દર્શન કરી રાત્રે બહાર જ જમીને આવીશું. આકાશ એના દોસ્તને ત્યાં જવાનો હતો સ્કુલ પ્રોજેક્ટ માટે અને ભૂમિ એની દોસ્તની બર્થડે પાર્ટીમાં. બંને ને રાત્રે મોડા પીકઅપ કરવાના હતા ....હું મનમાં ને મનમાં ખુશ હતો. બધું હવે .....

બસ બાગકામ પતાવી હું સ્હેજ બેઠો જ હતો અને ફોન રણક્યો. ઇન્ડીયાથી ફરી પાછો ફોન હતો. સામે આજે મમ્મીજી ની જગ્યાએ મારી સાળી નો અવાજ સાંભળી હુયે મલક્યો . ઘણા દિવસથી એને સતાવી નથી તો આજે જરા મસ્તી કરી જ લઉં નો વિચાર આવતા મારા મોઢાં પર લુચ્ચું હાસ્ય લાપેડાઈ ગયું. કેમ છો ? સારું છે ની ઓપચારિકતા પતાવી હું કશું કહું એ પહેલા જ એણે સવાલ કર્યો દીદી કેમ છે? રડતી તો નથી ને? ખરું થયું નહિ? ............અને આજે મને લાગ્યું કે દસ વર્ષ બાદ કદાચ આજે મને ...અને મેં શિવાની ....મારી સાળી ને આખી હકીકત કહેવા વિનંતી કરી. અને એણે જે કહ્યું એ સાંભળ્યા બાદ હું સાવ જ .....હું મુક ....મૂર્તિમંત .....સોફા પર. વાત એમ હતી ....શચી ના ઘરની બાજુ માં જ શાહ પરિવાર પણ રહેતો હતો. બંને પાડોશી એકસાથે ત્યાં શિફ્ટ થયા હતા અને સ્વભાવ એવા મળી ગયા હતા કે ના પૂછો વાત. બેઉ પડોશણ લગભગ એકસાથે જ ગર્ભવતી થઇ અને પુરા સમય પટેલ ને ત્યાં બાળકી અને શાહ ને ત્યાં બાળક એટલે કે શચી અને શિવમ નો જન્મ. ત્યાર બાદ તો બંને કુટુંબોનો ઘરોબો વધવા લાગ્યો અને પરિવારજનો ની સંખ્યા પણ. બાળકો એકસાથે રમતા રમતા મોટા થતા હતા. બાળસહજ રમત માં ઘર ઘરની રમત બધાની અતિપ્રિય હતી. એમાં મોટા હોવાને કારણે શચી શિવમ પરણેતર નો પાર્ટ સહજતાથી જ સ્વીકારતા અને પછી કોક શચીના માતા પિતા તો કોક શિવમના , જેમ જેમ બાળકો રમત માં ઉમેરતા જાય એમ પાત્રો પણ કાકા, મામા, ફોઈ વગેરે .....એમાં બંને પડોશણ બજાર માંથી વરવધુ ના પોશાકમાં સજ્જ એવા ઢીગલા ઢીંગલી લઇ આવ્યા. બસ પછી તો પૂછવું જ શું? એમાં એક દિવસે રમત રમત માં શિવમે શચીના હોઠે ચુંબન ચોઢી દીધું. વાત આમ તો બાળક સહજ ઉત્સુકતાની હતી પણ એ પ્રસંગે બંને પરિવારો ને અલગ કરી દીધા. આમ જોવા જઈએ તો એમનો પણ વાંક નો'તો બાળકો દિવસે દિવસે "મોટા" થતા જતા હતા. બસ, વ્યવહાર બંધ. પણ રહે પાડોશમાં જ .

હવે તો બાળકો ઘણા મોટા થઇ ગયા હતા. ભલે મોટેરાંઓ નો વ્યવહાર બંધ હતો પણ શચી અને શિવમે પોતાની એક મૂંગી દુનિયા વસાવી હતી. મુક સંવાદો આંખો વાટે થતો નહીતો શિવાની ના માધ્યમે એકાદ નાની ચિઠ્ઠી થી. બંને જાણતા હતા કદાચ ઐક્યતા શક્ય નથી જ . આ જન્મે તો નહિ જ . બંને એ મન પણ માનવી લીધું હતું એટલે જ તો શિવમ નો વર ઢીંગલો શચી પાસે ને શચીની વધુ ઢીંગલી શિવમ પાસે હતી. અને એક દિવસ કોલેજ ની પરીક્ષા પતાવી શચી ઘરે આવી તો ઇશાન અને એનો પરિવાર એનની રાહ જોતા હતા એને "જોવા" માટે. બધું સુખરૂપ પતી ગયું હતું અને ગોળ ધાણા ની સાથે લગ્ન પણ ઉકેલાઈ ગયા હતા અને શચી ખુશીથી અહી આવી હતી . ફક્ત દિલનો એ એક ખૂણો ત્યાં મુકીને આવી હતી. મને તો એવું નથી લાગ્યું આ દસ વર્ષમાં પણ શિવાની કહેતી હતી. શિવાની બીજું કઈ પણ કહેતી હતી જે મારે નો'તું સંભાળવું :" જીજાજી દસ દિવસ પહેલા કાર એક્સિડન્ટમાં શીવમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને શબ એટલી ખરાબ હાલતમાં હતું કે અંતિમક્રિયા ......." મારા હાથમાંથી રીસીવર છટકી ગયું.

હવે સમજાયું મને શચીનું એ દિવસનું વર્તન .....એના દિલનો એ ખૂણો કાયમ માટે .....મને શચી માટે સહાનુભુતિ, પ્રેમ, માન બધું એકસાથે ઉપજી ગયું. જો એ અહી આ ક્ષણે મારી પાસે હોત તો કહી દેત :" શચી તારે તારી આ પ્રેમપૂજા દસ વર્ષ પણ એ લાકડાના બોક્સમાં રાખવાની જરૂર નો'તી. હું તને સમજુ છું જે દિવસથી તને "જોઈ" છે ત્યારથી તારી દરેક વર્તણુકને સમજી છે. આખું આયખું તે મને સમર્પ્યું તો આ એક ખૂણા માટે તે મને બાકાત ના રાખ્યો હોત તો? તારી સાથે મેં પણ કદાચ તારી એ પૂજા માં એકાદ પ્રાર્થના કરી હોત પ્રભુ પાસે." અને અચાનક એને કશુંક યાદ આવ્યું ....તે દિવસે જયારે એ સહાનુભુતિ થી શચીના ખભાને અડકવા હાથ લંબાવતો હતો અને શચી… હડબડીમાં લાકડાનું બોક્સ બંધ કરવાની ચેસ્ઠા કરી રહી હતી ત્યારે બંધ થતા એ હાથીદાંતની કોતરણી વાળા બોક્સની બહાર લાલ નહિ

સફેદ કપડાંનો નાનકડો એક બાજુનો ખૂણો ડોકિયા કરતો હતો ...............!!!!

નિકેતા વ્યાસ…USA