નવી કુંપળ
આવી ગયું એના હાથમાં સવારની ચા પીતાં પીતાં ગુસ્સામાં ડૂચો વાળીને ઈશિતે ફેંકેલું આજના પેપરનું પાનું! સાવરણી બાજુ માં મૂકી ધડકતા દિલે ઈશાનીએ ગળીઓ ઉકેલી ને એ જે પોઝીશન માં બેઠી હતી એવા જ ઉભડક મને અક્ષરો ઉકેલવા માંડી....એકકી શ્વાસે! વાંચી ગઈ ...ફરી ફરી ને વાંચી ગઈ એ સમાચાર. બસ જાણે એ પળે ઈશિત જ સવાર થઇ ગયો એના દિલો દિમાગ પર અને એ જ લગભગ અંદાજથી પેલો ડૂચો ફરી ભીંસાઈ ગયો. ઈશાની ની મગજની જ નહિ હાડકાના એ માળામાં ગૂંગળાઈ રહી હતી એ સર્વે નસો તંગ થઇ ગઈ, એક સાથે. અને એક નિર્ણય સાથે આખું શરીર શીથીલ! "બસ!"; " હવે નહિ....આજ પછી તો નહિ જ." અને ફરી એક વખત સાચવીને ડૂચો ખોલી એક મક્કમ નજર ફેરવી....
" વિશ્વ મહિલા દિન: વિશ્વ મહિલા દિનની ઉજવણી પ્રસંગે અલગ અલગ ક્ષેત્રોના પુરુષ અતિથિવિશેષે આપેલા પ્રવચનોની ટૂંકમાં ઝલક. શ્રી મોરારિબાપુ બાપુ થી માંડી દેશના રાષ્ટ્રપતિ સુધીના મહાનુભાવોએ વ્યક્ત કરેલી વ્યથા. મહિલાઓને શારીરિક, માનસિક, અને મહ્દ અંશે આર્થિક મુસીબતો માંથી છુટકારો આપવા અપાવવા સરકાર અને અન્ય જાગૃત સંસ્થાઓ એ કસેલી કમર."
બસ, યંત્રવત કામ પતાવ્યું ઘરનું આખો દિવસ. બપોરે જરાક આડી પડી, પણ હ્રદયમાં ચાલતા ઉલ્કાપાતે આજે એને બેચેન બનાવી મૂકી હતી. આજે પહેલી વાર એ ઘડિયાળને સમયસર ચાલવા બદલ કોસતી હતી. જમના માં એ પાડેલી ત્રણ વાગ્યાની ચા ની હાંક પણ પરણીને આવ્યા બાદ, પહેલી વાર બધીરજન ને કાને આફડાઈ પાછી ફરે એમ .....ઈશાની ને પીઠે દબદબા ભરેલ પણ સંપૂર્ણ હેતે નીતરતો હાથ ફેરવી સાસુ એ ફરી પાસે આવી ચા મુકવાની વાત કરી. ઉઠી! હાથ એનું કામ કરતા રહ્યા. અને ઘડિયાળે પાંચ નો ડંકો વગાડ્યો. " વહુ બેટા, સાંજ ની રસોઈની તૈયારી કરો. શાકબાક સુધારવાનું હોય તો ચપ્પુ ને તબાખડું આપતા જજો. ને લસણની બે ચાર કળીઓ પણ લેતા આવજો. મુંઓ આ અજંપો ઠરવા નથી દેતો. ગેસ જેવું લાગે છે તો જરા રાતે વાળું પછી લગીર તેલ માં શેકી લસણ ખાવું પડશે." ફરી અથડાયા જમના માં ના શબ્દો. શું આ જ જનનીએ .... વિચારો ખંખેર્યા એણે કમને.
"બા, શાક લેવું પડશે. લારીવાળો આવે તો ...." , "હા બેટા" બહુ મોડું થઇ ગયું આજે તો! છાતીમાં ઉઠેલ કોલાહલ છેક નાભિમાં ઉતરી ધમપછાડા કરતો હતો. શું થશે જો સમયસર કામ નહિ પતે ને એ આવી જશે ... તો ....તો....એની આંખ સામેથી પરમ દિવસ ફિલ્મની રીલ માફક સરરરર ......ને અનાયાસ એનો હાથ ડાબી બાજુએ ઉભરી આવેલ લીલા ચકામા પર .....હજુયે ત્યાંથી ઉઠતી તીણી દર્દની કસક .....તસોતસ દાબી દીધી એની હથેળી, રખેને એની એ ટીશ એના ગર્ભાશય સુધી પહોંચે. ઝટપટ ભાખરી, રાઇતું, ડુંગળીની ઝીણીઝીણી સમાંતર કાતરી....ઈશિતના દુરાગ્રહ પ્રમાણે જ સઘળું તૈયાર. બસ આ શાક વાળો આવી જાય. ને પોણાં છ એ ડોકિયું કર્યું મંગળ ની લારીએ...ને એ દોડી પચાસની નોટ ને પેલા નાનકડા પર્સના નાનકડા મોઢામાંથી ખેંચતી'ક ને. એકાદ ગડથોલું પણ ખાઈ જ લીધું વળી. મંગળ નું હસવું આજે કારમું લાગ્યું એને :" કેમ લા મંગળિયા? બહુ હસવું આવે છે નહિ? કેમ મોડું થયું આજે? ટાંટિયા ની કઢી થઇ ગઈ મારા તારા વરતારા મા." "ભાભી શું કરું? ચંપા આજે પિયર ગઈ તો કરંડિયા ઉતરતા ઉતરતા વાર થઇ ગઈ." મંગળ હસતો બોલ્યો. "લે ચાલ હવે ખોટી ના કર ને તોલ સવા સેર પાપડી ને પાનસો ગ્રામ રીંગણ. અને દસ ના ધાણા-મરચાંની પળી'ય મૂકી જ દેજે જોડે." હજુ તો તોલેલું શાક થાળી માં મૂકી પૈસાની લેવડદેવડ..ને ...સ્કૂટરની ઘરરઘરાટી....ને તેલ રેડાયું ઈશાનીના પેટમાં. એની પારેવા જેવી છાતીમાં કઈ કેટલું ખલબલી ગયું બધું એક સામટું. હજુયે બાકીના પૈસા પાછા આપવા લંબાયેલા મંગળ ના મોઢા પર નિર્દોષ હાસ્ય લીપાયેલ હતું ને એના મોઢામાંથી દિયરસમ ભાવે નીકળેલા શબ્દો :" લ્યો ને ભાભી મારા ને પુરા ગણી લે જો પેલ્લા નઈ તો પાછા કેસો કાલે કે મંગડીયા ગઈ કાલે તે પચ્ચા માંથી કટ્ટી મારી'તી હોં." ને તમારી નજર સ્કુટરને એના સ્ટેન્ડ પર ચડાવતા અચાનક રોકાઈ પડેલા ઈશિત ના ચહેરે પછડાઈ .....હજુ મંગળ, જમના માં , કે ઈશિતા કાઈ સમજે એ પહેલા તો ઈશિત સાવ ઈશાની ની લગોલગ ....
એના ગરમ ધીકતા શ્વાચ્છોશ્વાસ ઈશિતાને દઝાડતા હતા. ને સટ્ટ.....સોળ ઉપજી રહી ઈશિતા ને ગાલે, ને હજુ પોતાની જાત ને સંભાળે એ પહેલા કામકાજ ની વ્યસ્તતાને કારણે કહો કે આટલા વર્ષો માં મળેલ "ઉપહારો" થી તંગ આવી ગયેલ એના માનસિક બળવાને કારણે અસ્તવ્યસ્ત એના વાળ ઈશીતની પકડમાં આવી ગયાં ને અક્કરમી ચીસ નીકળી પડી એના ગળા માંથી. ફરી એક વાર એની છાતી પર ઈશીતનો રાક્ષસી ક્રોધ મુષ્ટિપ્રહાર કરવા લાગ્યો. એ ઝપાઝપીમાં અચાનક આંસુથી ઝાંખપ વળેલી આંખે જોયું કે હવે પ્રહાર એના પેટ તરફ.....અને હવે ઈશિતા રણચંડી બની ગઈ .....વહુ અને પત્ની મટી સાવ અચાનક એનું માતૃત્વ રણે ચડ્યું ને હાડકાના એ ખખડધજ માળામાં કોઈક નવી જ શક્તિએ જાણે પ્રવેશ કર્યો ને માવઠા પહેલા ગરજતા વાદળ ની માફક એ પણ.....:
" બસ! હવે નહિ. આજ પછી તો નહિ જ." એની આંખો માંથી આત્યાર સુધી સંઘરી રાખેલો જ્વાળામુખી વરસતો હતો અને એના મનની મક્કમતા એના શરીરને અનોખું જોમ સીંચતું હતું. :' અત્યાર સુધી હું એકલી હતી પણ હવે મારે મારા ગર્ભ ને પણ જવાબ આપવાનો છે. હવે નહિ. આજ પછી મારા શરીર પર પડતા એક પણ ઉઝરડાનો આભાસ મારા ગર્ભ ને થયો તો મારાથી ભૂંડી કોઈ નહિ મળે." ઈશિત સાવ હડબડી ગયો હતો ....એના માટે ઈશાનીનું આ નવું રૂપ ....અને સાવ અચાનક ....સટાક ......ઈશીતનો જમણો ગાલ તમતમી ગયો અને હજુ એ કઈ કરી શકે એ પહેલા તો.. સટાક....ફરીથી....અને આ વખતે એ ચમચમાટ એના કાન સુધી ઉતરી ગયો. હવે તાજ્જુબ થવાનો વારો ઈશાનીનો પણ હતો, એની નજર એની ડોકીની સાથે વળી...
જમના માં .....એમની નજર હવે ગુસ્સાથી...કઈક અંશે નફરતથી...ભભૂકતા, ધ્રુજતા જમના માં પર પડી. :" મારા રોયા...મારું દર બે દા'ડે કાળજું કપાતું'તું તારા આ ફૂલ જેવી છોકરી પર અત્યાચાર વરસાવતા હાથથી. તું જેટલી વાર એની પર હાથ ઉપાડતો હતો ને એટલી વાર હું મારી કોખ પર ગુબ્બા મારતી'તી કે કયા નક્ષત્રમાં મેં તને જણ્યો'તો. પણ હવે તે બધી હદ પાર કરી. આજ પછી તે જો આ મારી છોકરી પર આડી નજર પણ કરી તો ભૂલી જઈશ કે નવ મઈના મેં તને સીંચ્યો'તો." ને ઈશાની ની નજર ચૂઈ પડી .....આંસુ વાટે એક સબંધ વહ્યો ને બીજો સાવ સાફ દેખાણો. બંને ભેટી ને રડતાં રડતાં એક્બોજા ને આશ્વાસન આપતા હતા ....આજે સાસુ-વહુ મટી, જમનાનગર સોસાયટી ના પાંચ નબર ના ઘરમાં માં-દીકરી દાખલ થતાં હતા અને ઈશિત ..........મંગળ જેવા મંગળ ની ધિક્કાર વરસાવતી આંખોનો સામનો કરવાનો વ્યર્થ પ્રયાસ
નિકેતા વ્યાસ USA