બે રૂપિયા પાંત્રીસ પૈસા ! Niketa Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે રૂપિયા પાંત્રીસ પૈસા !

બે રૂપિયા પાંત્રીસ પૈસા !

માલતીની નજર ક્યારેક કાંડા ઘડિયાળ તો કયારેક દીવાલ પર ટાંગેલી ન્યુમરીક અક્ષરો વાળી ઘડિયાળ પર વારંવાર દોડ્યા કરતી હતી. ક્યારે મોટો હાથો બાર અને નાનો હાથો પાંચના આંકડા પર અટકે ને એના પગ દોડે.! આજકાલ બસસ્ટોપ પર અણધારી ભીડ વધવા માંડી હતી. અને એ જો વેળાસર પગલાં નહિ માંડે તો નહિ પહોંચી વળે એ વાત પણ જાણતી હતી.

આ વખત નો ઉનાળો આકરો અને અસહ્ય હતો. સુરજે પણ જાણે માઝા મૂકી હતી. દિન પ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર બનતો જતો હતો. જાણે એનો સંઘરી રાખેલ કોઠાર વાપરી નાંખવા બદલ પૃથ્વીજનો પર કહેર જ ના વરસાવતો હોય?! ને પંખા નો તો જાણે ઉપહાસ જ કરતો હતો એ ...દરરોજ ....દરેક ક્ષણે. મહેલો માં રહેનાર તો એસી ની સ્વીચ ઓન કરી નથી ને ઠંડક અને અકળાયેલ સુરજ ને અંગુઠો બતાવી દેતા પણ આમ જનતાનો તો મરો જ હતો.

ને ....હાથા પહોંચ્યા એની મંઝીલે. ઉતાવળે માલતીએ ફાઈલો અને કાગળીયા એના ટેબલના ડ્રોઅરમાં મૂકી લોક માર્યું. પર્સમાં ચાવી મૂકી વોટરકુલર તરફ ખાલી વોટર બોટલ લઇ ડગ માર્યા. નજર પડતાં જ પેટમાં એક આમડાટ ચડી ગઈ..વોટરકુલર તળિયાઝાટક ને રામલાલ ...."આ મુઓ રામલાલ કશા કામ નો નહિ." મનમાં ને મનમાં બબળાટ કરતી ખાલી વોટર બોટલ ને તરસ્યું ગળું લઇ ખભે પર્સ લટકાવી ચાર માળ ના દાદર ઉતરવામાં માલતી બીઝી થઇ ગઈ. દાદર ઉતરતા સ્ટાફ સાથે વાતો તો કરતી હતી...નલીની, મીસીસ સિન્હા અને ત્રિવેદી જી જોડે પણ મનથી ઘરે જઈને શું જમવાનું બનાવીશ? રીતેષ નો મૂડ કેવો હશે? બા-બાપુજી આજે કયું નાટક ભજવશે? નાનકો કેમ હશે? જેવાં અનેકોનેક પ્રશ્નોની હારમાળા અને દ્વંદયુદ્ધ ચાલતું હતું. આજકાલ રીતેષ વધુ ને વધુ "સ્ટ્રીક્ટ" થતો જતો હતો. દરેક વાતનો હિસાબ ઝીણવટથી માંગતો અને રૂપિયા-પૈસા પણ પ્રમાણસર જ આપતો. એક પાઈ આઘીપાછી નહિ. એટલે જ તો એ સિટી બસ ચૂકવાની "લકઝરી" પાલવી શકે એમ નો'તી. બાકી તો એના સ્ટાફના ઘણાં બધાં જયારે જયારે બસ ચૂલી જતાં ત્યારે ભેગાં મળી રૂપિયો બે રૂપિયા વધારે આપી છકડા માં બેસી જતાં રહેતાં પણ માલતી ને ચુમાઈ ને બીજી બસ ની રાહ ની જોઇને બેસી રહેવું પડતું. કારણકે એના પર્સમાં ફક્ત બે રૂપિયા પાંત્રીસ પૈસા જ રહેતાં. ઉપરથી ઘરે મોડાં પહોંચવા બદલ ઉંબરા માં પગ મુકતાની સાથે રામાયણ - મહાભારત શરૂ થતાં તે અલગ થી.

ધડધડ ઉતાવળે એ પગલાં ભરતી દાદર ઉતરવા લાગી. એકાદ સહકાર્યકરે તો ટોકી પણ કે સાચવો બહેન પડ્યા તો છ મહિના નો ખાટલો થઇ જશે. પણ સાંભળે છે કોણ? આછું પાતળું આવજો કાલે મળીશું ની આપ લે ની ઔપચારીકતા પતાવી નલીની સાથે ઝડપભેર એ પગલાં બસસ્ટોપ તરફ ભરવા માંડી. પણ આજે અસહ્ય તાપ માથા પર હતો. સાડીનો છેડો માથે નાંખ્યો, હાથનું નેજેવું કર્યું આંખોને થોડીક રાહત મળે એ આશયે ને પગને તો જાણે વિનવણી કરી...પણ મુઆ આજે જાણે એ પણ સાથ નો'તા આપતા. વિદ્રોહી થઇ ગયાં હતાં. એના મન જેવાં જ કંઇક અંશે !! શા માટે એ આ બધું સહન કરતી હતી? ભણેલી તો એ પણ હતી, ભલે ને રીતેષની બરાબરી નો'તી કરતી, પણ બે પૈસા એ પણ ઘરમાં લાવતી તો હતી જ. આજે એના કારણે જ તો નણંદના લગ્ન વખતે જે ધુમાડાભેર ખર્ચા પુરા થયાં હતાં તે કે ભૂલી જાય છે રીતેષ? કે પછી વારે તહેવારે બા બાપુજી ના નવા કપડાં કે જરઝવેરાત ની બિનજરૂરી જોગવાઈ કઈ રીતે થાય છે?? પછી ભલે ને બાર મહિના થી માલતીએ સમ ખાવા પુરતી એક સાડી કે નાની પાતળી સોનાની એકાદ ચેઈન પણ લીધી હોય. અરે છેલ્લા બાર મહિના માં એકાદી ચંપલ પણ નથી ખરીદી. ગયાં અઠવાડિયે ત્રીજી વાર ખીલ્લી મરાવા ગઈ તો મોચી પણ ......પણ શું કરે માલતી? આજે ઘરે જઈ ને કુકર ની સીટી વાગતા વાગશે એના દિલ - દિમાગ ની સીટી અત્યારથી જ વાગવા માંડી હતી. અને એના પ્રેશરથી એના પગ બમણી ઝડપથી દોડવા લાગ્યા ને તેથી ભીડમાં નલીનીનો સાથ છૂટી ગયો. એમાંય આ કાળઝાળ તડકો અને વિચારો નો સમન્વય એના કાળજાની સાથે એના ગળાને પણ દઝાડતો હતો. કોરું કટ્ટ થઇ ગયું હતું એનું ગળું સાવ જ અને એને કઠિ રહી હતી એની ખાલી પાણી ની બોટલ. એની નજર વારેઘડીએ રસ્તાની કોરે ઉભેલી ઠંડા પાણીના પાઉચ વેચતી લારીઓ પર ફરી વળતી ને ઉના નિસાસા નાખી પછી ફરતી. હાથ એના ઘડીક માં નેજવું કરી આંખને વ્યર્થ ઠંડક પહોચાડવાનો પ્રયત્ન કરતા તો ઘડીકમાં પર્સમાં રાખેલા બે રૂપિયા પાંત્રીસ પૈસા પર ફરી વળતા..... જાણે ફરી ફરી ને અડકવાથી જીનીના લેમ્પના ચમત્કાર ની માફક નવા બીજા પૈસા નો જન્મ થવાનો હોય એમ ! રખે ને થાય તો? !!! તી એ બે રૂપિયાના ઠંડા પાણીનું પાઉચ લઇ આ તરસ તો છીપાવે....

સીટી બસ પણ જાણે આજે વધારે ને વધારે મોડું કરતી હોય એમ માલતી ને લાગતું હતું. ના જાણે કેમ આજે માલતી ને પાણી ની અખૂટ તરસ હતી અને દરેક પળે એ પ્રબળ થતી જતી હતી. પાંચ ને પાંત્રીસ ની બસ હતી, પાંચ ને ત્રીસ થયાં હતાં પણ માલતી ની નજર વળી વળી ને એ ઠંડા પાણીના ......... પણ જો એ તરસ છીપાવે તો ઘરે કઈ રીતે? પંદર મિનીટ થી એ અહી રાહ જોતી હતી અને એ પંદર મિનીટ માં માલતીએ બે થી ત્રણ વખત એ તરફ માંડેલા ડગલાં ફરી બસસ્ટોપ તરફ વાળ્યાં હતાં. પોતાનો લાઈનમાં નંબર જતો કર્યો હતો અને કેટલીયે વખત બે ચાર લોકો ની આંખોમાં પ્રશ્નાર્થ થઇ તકાઈ કઈ કેટલી વાર સુધી. લોકો જોતા હતાં કે કેમ આ વિહવળ બની આંટાફેરા કરે છે? કોને ખબર હતી કે આજે એની તરસ સરઘસે ચડી છે? ને માલતીની તરસ પાંચ ને ત્રીસે જીતી ગઈ. ના રહેવાયું આજે એનાથી. બસ મૂકી દોટ એણે સીધી એ ઠંડા પાણી ના પાઉચની લારી પાસે.

અરે, ત્યાં ઉભા રહેતાની સાથે એના રુંવાટાને આછી પાતળી તો રાહત મળી જ ગઈ. એનું ગળું અને એની જીભ એટલાં તો સુકાઈ ગયાં હતાં કે એના મોઢાં માંથી શબ્દો પણ નો'તા નીકળતાં. માંડ પર્સ ની ઝીપર ખોલી ફટાફટ બે રૂપિયા કાઢી ઇશારાથી જ લારી વાળા ને એક પાઉચ આપવાનો ઈશારો કર્યો. જેવું પાઉચ હાથમાં આવ્યું, દાંત ના ઝાટકે તોડ્યું ના તોડ્યું ને ગટક ગટક .... ગળા ની સાથે એની હ્રદય એનો આત્મા પણ જાણે ઠંડો પડતો જતો હતો. શાતા વળતાં એના મોઢાં પર એક અનોખું વિજયી સ્મિત રેલાઈ ગયું. આખું પાઉચ નીચોવી નાખ્યું એણે મોઢાં માં. હવે એને શાંતિ થઇ હતી. પાઉચનો ડૂચો વાળી બાજુ માં રાખેલ ડસ્ટબીન માં ફેંક્યું. સાડીના છેડાથી ગળા પર રેલાયેલ પાણી ના રેલા ને લુછી ફરી એક વાર તાજી છીપાયેલ તૃષા ને માણી. ત્યાં એની આંગળીઓ બાકી રહેલ પાંત્રીસ પૈસા પર ફર્યા અને એક અનોખો આતંક છવાઈ ગયો. ભુલાઈ ગઈ તાજી છીપાયેલ તરસ ની મજા. હવે??!!!! પાંચ પાંત્રીસ ની બસ તો આમ પણ જતી રહી હતી આ ઠંડા પાણી ની લ્હાય માં.... બે પાંચ મિનીટ ગડમથલ, વિચારો, કંઇક ઇરાદો, પાંત્રીસ પૈસા પર વારંવાર આંગળીઓ નું ફરવું ને માલતી નો નક્કર ઇરાદા સાથેનો ચહેરો ને એની સાથે ઘરે જવા માટે છકડા ને રોકવા એનો મક્કમ ઉઠેલો હાથ.......!!!!!

નિકેતા વ્યાસ USA