પ્રિય હૂંફ.. Rajul Bhanushali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય હૂંફ..

પ્રિય હુંફ,

કેટલો સીધો સાદો હતો હું તારા આવવાથી પહેલા! સાવ ખપ પુરતો હતો. ફક્ત મારા કામથી કામ રાખતો. ન સુખ હતું કે ન દુઃખ હતું. ગમો નહોતો તો અણગમો પણ નહોતો. કોઈ કામના નહોતી..! સમય અને હું સમાંતરે વહ્યા જતાં હતાં. ના એને ક્યાંય પહોંચવાની ઉતાવળ હતી કે ના મને. કોઈ ઝંખના એ ક્યાં હતી? હું જાણે કે સમયની રેતશીશી માં એકચિત્તે સરકતી રહેતી રેતી જેવો હતો. જેને પવનની એકાદ આછી લ્હેરખીની એ ના તો આસક્તિ હતી ન તો ડર. લ્હેરખી ઈચ્છે તોય મારું કશું ક્યાં બગાડી શકવાની હતી? હું સુરક્ષિત હતો. મારા પારદર્શક કોચલાની અંદર. જાણે કે એ રેતશીશીનું સુરક્ષિત બંધીયારપણું મને માફક આવી ગયું હતું. એમાં હું જરાય ગુંગળામણ અનુભવતો નહીં. સાવ નચિંત, નફકરો થઈ પડ્યો રહેતો.

અને ..

એક દિવસ નહિં ધારેલા વરસાદની જેમ અચાનક તુ વરસી પડી. જાણે માટીના ઢેંફા પર જળની એક બુંદ પડી અને સુગંધને નવું સરનામું મળ્યું. જરાક અમથી ઝરમર આવે ને પર્ણોમાં છુપાયેલી લિલાશ કોક પરીની માફક આળસ મરડીને બેઠી થઈ જાય એમ લાગણીઓ મારી અંદર બેઠી થઈ ગઈ. તારા તરંગો અને મારા સ્પંદનો એકરસ થયા અને મને તુ ગમવા લાગી. હું તારો સહવાસ ઝંખવા લાગ્યો. તને આવકારવા લાગ્યો. સાથ ઈચ્છવા લાગ્યો અને સાથ અર્પવા પણ લાગ્યો.

ધીમે ધીમે તેં મારી અંદર છેક સુધી પગપેસારો કર્યો અને હું પુરેપુરો લીલોછમ્મ થઈ ગયો. જાણે, વહેલી સવારે પડેલી ઝાકળના સ્પર્શથી મ્હોંરી ઉઠેલી કોઈ કોમળ કુંપળ.

તારા સ્પર્શ પછી મારી અંદર થીજી ગયેલી સંવેદનાઓ ધોધમાર વહી નીકળી. અને એમાં હું પણ ખેંચાતો ગયો, તણાતો ગયો. આજ સુધી મને ખુદને જાણ જ નહોતી કે મારી અંદર એક ઝરણું છે અને...અને...એ ઝરણું ખળખળ વહે છે. તારા આવ્યા પછીજ મને એ ઝરણાંનું કલનિનાદ કરતું મધુર સંગીત સાંભળાયું. ટેરવેથી જ્યારે તુ વરસતી ત્યારે ઝરણાના પટ પર રેતીમાં લખાયેલું નામ જીવંત થઈ જતું. અંકોડા ભેરવેલી આંગળીઓનાં ટેરવા એકમેકથી ઘસાતાં ને હથેળીઓ ઉષ્માથી ભરાઈ જતી અને મૌન બોલકું થઈ જતું. ચોમાસું તો તુ નહોતી ત્યારે પણ દર વર્ષે આવતું, પણ તારા સહવાસ પછી હું તરબોળ થતાં સીખ્યો. સરાબોર થતાં શીખ્યો. સપનાં જોતાં સીખ્યો. ઈચ્છાઓ સેવતાં સીખ્યો. હવે વર્ષાનો દરેક છાંટો મારા રુંવાડાને સ્પર્શતો થયો. એ વરસતો અને મારો વધતો જતો તલસાટ જોતો. ન જાણે એને શું તાન ચડતું કે એ મન મૂકી વરસતો. એનું વરસવું અને મારું તરસવું. મારા એ તલસાટને તે ઘટ ઘટ પીધો છે. એ વરસાદને તે ઘટ ઘટ પીધો છે. એ તરસમાં પણ પારાવાર તૃપ્તિ હતી. કારણ હતું તારું હોવાપણું.

પણ, ન જાણે શા કારણસર ધીમે ધીમે તુ તારી માયા સંકેલવા લાગી! હજુ કશું સમજાય એ પહેલાં તો એક દિવસ સ્પર્શમાંથી તે સમુળગી વિદાય લઈ લીધી. એ અવાવરુ પડેલા સ્પર્શમાં સવાલો રોપાયા અને ધીમે ધીમે ત્યાં અંધાધુંધ ઝાડી ઉગતી ગઈ. એ કાંટાળી ઝાડીમાં હું ઘેરાઈ ગયો. કાંટાઓએ મારી ચોતરફ ભરડો લીધો. ક્યાંક ઉઝરડા પડ્યા ને ક્યાંક ટશરો પણ ફૂટી. મને ખબર છે કાંટાની વચ્ચે પનપવું એ તારી તાસીરમાં નથી. એટલે સ્પર્શમાં તુ ફરી જિવિત થઈશ એવી શક્યતા નહીંવત છે..!પણ હું તારી રાહ જોઈશ, સદૈવ. કદાચ ક્યારેક ફરી કોઈ વાદળ ભુલું પડી જાય અને એ બહાને તુ વરસી પડે મારા ઉપર!

પહેલા હું તને પત્ર લખતો ને ત્યારે પત્રમાં સક્ષાત કવિતા છલકતી. આજે ઉદાસી છલકાય છે. તુ નથી તો દિવસો જાણે ખાલીખમ્મ છે. દૂરથી આકાશ મને બોલાવે છે, હું ત્યાં જઉં છું..પણ એમાં વસતાં પંખીઓનો કલરવ મને સંભળાતો નથી! ધબકારા એમજ લયબદ્ધ ચાલે છે, પણ એમાંની ધબક લુપ્ત થઈ ગઈ છે.. ક્યારેક એ લયબદ્ધતામાં દરાર પડે છે અને એકાદ ધબકારો જીવન ચૂકી જાય છે.

એવું લાગે છે જાણે, રેતીના સળ વહેતા હોય એવી નદીનો પુલ થઈ ગયો છું ! મને અંદેશો છે કે એ રેતી પોતાની સાથે મને પણ તાણી જશે કે શું? એ સળમાં હું ઓગળી જઈશ કે શું? જો એવું થયું તો જે આ થોડીઘણી શક્યતાઓ બાકી છે એમનું શું એ બધી કકડભૂસ થઈને ભાંગી પડશે? ના.. હું એવું નહિ થવા દઉં. સંબંધોની ભીંતમાં તિરાડો પડવી કોઈ મોટી વાત નથી પણ એ તિરાડોમાં ફસાઈને તને તરફડિયા ખાતી હું જોઈ શકતો નથી. તારા નામે કોઈક મને બોલાવે છે ને ત્યારે થોડીકવાર માટે 'હું' 'તું' બની જઉં છું અને ક્ષણેક ફરી જીવી ઉઠું છું..! પણ, તુ ક્યાં છે? તુ નથી! ને હવે હું પણ નથી.

પણ એક વાત કહું? તુ હજુય ક્યારેક..કોઈક..એકાદી ક્ષણમાં આબાદ ઝડપાઈ જાય છે અને ત્યારે એ જિવંત થઈ ઉઠેલી ક્ષણ બીજી ક્ષણોને ચોંટી પડવા રીતસર દોટ મુકે છે. સાવ નિરર્થક. પ્રિયે, તને ખબર છે? તારા હોવાપણાની એ સુગંધને મેં મારી હથેળીની રેખાઓમાં કેદ કરી લીધી છે. હવે જ્યારે જ્યારે પવન મારી હથેળીને અડકે છે. તુ મુજમાં મ્હેકી ઉઠે છે..

બે હથેળીઓ વચ્ચે તુ કેટલી જીવંત હતી. એ હથેળીઓમાં જ્યારે ટેરવાં ફરતાં ત્યારે કોઈ અજબ શીતળતા એ રસ્તે થઈને સીધી હ્રદય સુધી પહોંચી જતી અને ક્યારેક આંખોની કોરેથી તો ક્યારેક હોઠોની કિનારીથી છલકાઈ જતી. સાચું કહેજે, હવે એક જ હથેળીના વ્યાપમાં એકલા એકલા અરવડતાં તુ થાકી નથી જતી? ખાલીપો મારા ભાગે આવ્યો છે પણ એમાં પડઘાતી વેદના તારા અસ્તિત્વને પણ ક્ષીણ ચોક્કસ કરતી હશે.

હમણાં થોડાક દિવસ પહેલા એક ઘરની વ્રુદ્ધ થઈ ગયેલી દિવાલે ખુંપેલી, એક એકલવાઈ ખીલીએ લટકતી ફ્રેમમાં મેં તને ઘબકતી જોઈ અને હું ફરી થોડો ભીંજાયો. મારા હ્રદયમાં ફરી આશાનો સંચાર થયો. શ્વાસ પૂરા થઈ ગયાં પછી, સંપર્ક તૂટી ગયાં પછી પણ હું એ રીતે ટકી ગયો છું. મૃત્યુથી માત્ર સંપર્ક તૂટે છે. સંબંધ નહી. અને અહી તો તુ મને જીવતેજીવત છોડીને ચાલી ગઈ છે.

પ્રિય, તારી આ વધતી ઓછી થતી માત્રા મારી જિવંતતાને ભરખી જાય છે. હું તને જ ઝંખુ છું. સતત. ક્યારેક તારા હોવાપણાને ચકાસવો હોયને, તો આંસુના આવરણને ઉકેલીને મારી આંખોના કોઈક ખુણે ડોકિયું કરી લેજે એ તલસાટ હજુ એવો ને એવો જ છે.

આજે ફરી વાદળો ઘેરાયા છે પણ પવને અબોલા લઈ લીધા છે. એ હવે મારી હથેળી સુધી આવવા રાજી નથી!

હું સંબંધ છું..સાચું લગાડવું, ખોટું લગાડવું, રિસાઈ જવું, રોવું , હસવું, ભીંજાવું, અને ભીંજવવું એ મારી પ્રકૃતિ છે. પરંતુ તુ એટલું જાણી લે કે લાગણી સીંચેલો સંબંધ વિખૂટો જરુર પડી શકે પણ જડમૂળથી ઉખડી શકે નહિં. હુંફએ ગુંથેલા તાણાવાણા ગમે એ પરિસ્થિતિમાં અકબંધ સાચવવા એ મારી આવડત અને હું મારી એ આવડત પર હજુ મુસ્તાક છું. માઈલોના માઈલો આપણે સાથે પ્રવાસ કર્યો છે, એ રસ્તે અંકિત થયેલી તારી નાજુક પગલીઓની છાપ મેં જતનથી જાળવી રાખી છે. ક્યારેક જો તને પાછા ફરવાની ઈચ્છા થાય ને તો નિસંકોચ એ જ રસ્તે થઈને પરત ચાલી આવજે. તને નવી કેડી કંડારવાની એ જરુર નહિં પડે.

————————————–લિ. તારા વગર સુકોભઠ્ઠ થઈ ગયેલો એક સંબંધ..

~~ રાજુલ

Top of Form

Like

Love

Haha

Wow

Sad

Bottom of Form