'લીલુંછમ્મ પડીકું’
રાજુલ ભાનુશાળી
rajul.bhanushali187@gmail.com
’ સાથ ‘
“ચલા ભાભી, યેતે.”“ઢોકળાનો ડબ્બો લીધોને?”
“હોય.”
એ ગઈ. એ એટલે મારી કામવાળી બાઈ. વર્ષોથી કામ કરે છે. જીવનનો હિસ્સો બની ગઈ છે.
હું હવે સાવ એકલી. છે……ક સાંજના સાત વાગ્યા સુધી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે.. પતિ નોકરીમાં, સંતાનો ભણવામાં.
હું,
નવરીધૂપ.
ઓહ આ એકલવાયી બપોર..! કાશ.. કંઈક નોકરીબોકરી કરતી હોત. પણ આપે કોણ? ભણતર ૧૨ ચોપડી..! ઘર સંભાળવા સિવાય બીજું કંઈ આવડે નહીં..!
ગઈકાલની અધૂરી નવલકથા લીધી. વાંચવામાં મન લાગ્યું નહીં.
મૂકી દીધી.
થોડીક સાફસફાઈ કરી લેવાનો વિચાર આવ્યો. મસોતું લઈને કબાટના કાચ પાસે પહોંચી. આયના પડતું પોતાનું જ પ્રતિબિંબ જોઈ શરમાઈ ગઈ. કાચ સાવ ચોખ્ખોચણાંક હતો! તોય ફરીથી ઘસીઘસીને સાફ કર્યો. સવારના ચા નાસ્તા વખતે ડાઇનીંગ ટેબલ પરથી જોયેલું ત્યારે ફ્લાવર વાઝમાં ના ફૂલો પર થોડીક ધૂળ જામી ગઈ હોય એવું લાગ્યું હતું.વાઝ પાસે પહોંચી. ત્યાંજ હવાની એક લહેરખી આવી અને બારીમાં લગાવેલા ગુલાબી ફૂલોની ભાતવાળાપરદા ઉડ્યાં. ત્યાં લટકતું ઘંટડીઓવાળું વિન્ડચાઈમ રણઝણી ઉઠ્યું. વાઝમાંનાં પ્લાસ્ટિનાક ફૂલો સહેજ કંપ્યા અને એકબાજુ નમી ગયાં. જાણે ડોકું હલાવીને કહેતાં ના હોય,”લ્યો આવી ગઈ ફરી…નવરી..!”
હું હસી પડી.
આવીને બાલ્કનીમાં ઉભી રહી.
પીપળાની એક ડાળીએ લોખંડની જાળીમાંથી છેક અંદર સુધી પગપેસારો કર્યો છે અને સતત મટકી મટકીને પોતાની હાજરી પુરાવતી રહે છે..એનાં લીલાછમ્મ કૂણા કૂણા પાન પર આંગળીઓ ફેરવી..
આહા… સુંદર અનુભૂતિ..
પર્ણો માં છુપાયેલી શીતળતા ટેરવાંથી થઈ સીધી હ્રદય સુધી પહોંચી ગઈ.
આ પીપળો અહીં રહેવા આવ્યા ત્યારે માંડ બીજા માળની બાલ્કની સુધી આવતો, હવે તો ત્રીજા માળને ય ટાંપી ગયો છે. આ જ પીપળા પર રહેતી ખિસકોલી ક્યારેક બાલ્કનીમાં ડોકિયાં કરે. એક દિવસ સફરજન સમારીને હજુ તો રુમમાં આવી ત્યાંજ ડોરબૅલ વાગી. પ્લેટ સાઈડ ટેબલ પર રાખી અને દરવાજો ખોલ્યો. કુરિયરવાળો હતો. દિકરીએ ફ્લીપકાર્ટથી ઑર્ડર કરેલું પુસ્તક આવ્યું હતું. એ લઈને એના રુમમા મુક્યું અને પાછી મારા રુમમાં આવીને જોઉં છું તો પેલાં ખિસકોલીબાઈજી બે પગ પર ઉભડક બેઠાં બેઠાં સફરજનની ચીર ગટક ગટક આરોગી રહ્યાં હતાં..!
કેવું મનોહર દ્રશ્ય..
મન થયું, દોડીને એને પકડી લઉં. પણ એમ કંઈ એ થોડી હાથમાં આવે? ત્યાંજ સ્થિર ઉભા રહીને જોયાં કર્યું, પણ બાઈજી ચકોર બહુ હો.. એને કદાચ અણસાર આવી ગયો હશે મારી હાજરીનો ને એ ઘડીમાં તો રફુચક્કર..!
જતાંજતાં સફરજનની ચીર મોઢામાં દબાવવાનું ભુલ્યા નહી હોં..
ગઈકાલે પાળી પર પૌઆં સુકવવા મુક્યા હતાં. થોડીવાર રહીને દિકરીએ બૂમ પાડી,
“મમ્મા….ચેવડો બનાવવો હોય તો અહીંથી જલ્દી પૌઆંની થાળી લઈ લેજે. નહીં તો આ ખિસકોલી બધાં ખાઈ જશે અને પછી તને ચેવડો બનાવવો જ નહીં પડે..!”
બધાં ખડખડાટ હસી પડ્યા ને એ ખચકાઈને ભાગી ગઈ, ચેવડો બન્યો.
હવે તો આ નિત્યક્રમ થઈ પડ્યો છે.. એ અચૂક દિવસમાં બે ત્રણ વાર જાળીમાં ડોકિયાં કરે. એના માટે કંઈક પાળી પર મુકેલું જ હોય. થોડુંક ખાય થોડુંક લઈને દોડી જાય. બપોરનો નાસ્તો અમે રોજ હવે સાથે જ કરીએ છીએ..!પણ સફરજન એનું સૌથી ફેવરીટ હોં..!
’બળતરા’
અને..
બરફની મસ્સમોટ્ટી પાટો લદાયેલો ટેમ્પો આઈસફેક્ટ્રીની બહાર નીકળ્યો.
-૯ ડિગ્રીમાંથી સીધું ૪૦ ડિગ્રી! ઓહ..આ તો અસ્તિત્વ પર જ ખતરો આવી ગયો..! બધીએ પડી રહી નિશ્ચલ.. એક્બીજાની હુંફમાં..
હું પણ આવનારી ક્ષણોની પ્રતિક્ષા કરવા લાગી.. ન જાણે ક્યાં ઉતારો મળશે..કોઈ ફાઈવસ્ટાર હોટેલની કૉકટેલ પાર્ટીમાં કાળાધબ્બ કડવા પીણા ભરેલા ગ્લાસમાં ઓગળવું પડશે કે.. સડકને કિનારે ઉભા રહેતા પેલા લિમ્બુ શરબતવાળાની ગંદીગોબરી પ્લાસ્ટીકની ટબમાં…કે પછી કોણ જાણે કોઇક માથે વાસમારતા માછલા ખડકશે અને ગંધાતા માંસમટનના ઢગલા કરશે..!
ગઈકાલે ફેક્ટ્રીમાં બેન્ક ઑફ બરોડાની બહાર ઉભા રહેતા પેલા પાણીપૂરીવાળાનાં તમતમતાં તીખા પાણીનાં સ્વાદની વાતો સાંભળેલી.. ત્યાં જવા મળે તો તો જલસો પડી જાય..!
અથવા..
રાધેકૃષ્ણ ગોળાવાળાને ત્યાં..! ઓહ્હ.. એ મીઠી અને રંગબેરંગી દુનિયા તો લાજવાબ છે
.. થોડીક તકલીફ થાય ત્યાં.. છીણીએ ચડવું પડે.. પણ ચાલે.. કંઈક પામવા મટે કંઈક ભોગ તો આપવો જ પડેને..!
આખરે, મને ઉતારવામાં આવી.. ફેક્ટ્રીના માણસો કોઈક મોંઘી જણસ ઉપાડતાં હોય એમ હળવેકથી લઈને ચાલ્યાં. કંઈજ ખબર પડતી નહોતી કે ક્યાં લઈ જવાય છે..ઉપર પહેલા ભુસાનો અને પછી કંતાનનો જાડો થર હતો..
એક જગ્યા એ મને મુકવામાં આવી. વાતાવરણમાં કંઈક સ્તબ્ધ કરી નાખનારી ઠંડક અને ભયંકર શાંતિ હતી.. શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું..ન જાણે કેટલીયે વાર એમ ને એમ પડી રહી.
આખરે આવરણો હટાવવમાં આવ્યા.. આંખો ચોળી.. પણ આ શું.. ધોળીધબ્બ ફર્ષ, ધોળીધબ્બ છત.. અને દોળાધબ્બ ઈસ્ત્રીટાઈટ વસ્ત્રો.! હું પોતે ભલે રંગવિહોણી દુનિયામાંથી આવતી હતી..પરંતુ આ રંગવિહિન દુનિયા મને ગમી નહીં..
જોયાં કર્યું ચારે બાજુ..
થોડીકવારે એક અત્યંત કૃશ, સાવ નિસ્તેજ ‘જણ’ને બે માણસો ટીંગાટોળી કરીને લઈ આવ્યાં. જાણે કે લોટનો અધ ભરેલો બાચકો જમીન પર પટકતા હોય એમ ‘એને’ મારા પર પટક્યો!
ઓહ્હ્હ..
તો આજે મારે આ મૃતદેહ ને સાચવવાનો છે!! હું હતાશ થઈ ગઈ.. ચાર ક્ષણોનું અસ્તિત્વ આમ આ શબ સાથે વેડફાઈ જશે !!
ઘડી બે ઘડી થઈ ન થઈ ને ક્યાંકથી અસહ્ય તાપ વરતાવા માંડ્યો. થીજાવી નાખતી ઠંડકમાં આ તાપ ક્યાંથી લાગી રહ્યો છે??
થોડીવારે સમજાયું કે આ તો મારા પર મુકવામાં આવેલા શબનું હ્રદય ધખી રહ્યું હતું..! હું, જડપભેર પીગળવા લાગી. મૃત્યુ થયા પછી સાવ ઠંડા પડી ગયેલા શરીરમાં સ્થિત હ્રદય જો અત્યારે આટલું ધખી રહ્યું છે તો એણે જીવતેજીવત ન જાણે કેવી અને કેટલી બળતરા સહી હશે..! દાહ મળ્યા પછી પણ આ હ્રદયને શાતા વળશે કે નહિં શી ખબર..!
કશુંક વિચારીને ‘હું’ શબને ચોંટી પડી..
મીઠાંની ખારાશથી જનમેલી હું.. બરફની ઠંડીગાર પાટ.. ભીતરથી લાહ્ય લાહ્ય થતી હતી. મારા રંગવિહીન અસ્તિત્વ સાથે બેચાર ટીપા ખારું પાણી ભળીને ધોળીધબ્બ ફર્શ પર રેલાઈ ગયું.
ખારું પાણી –
એ નમક નહોતું.. કોકનું ધખધખતું અશ્રુ હતું.. જેનો અણસાર સુદ્ધાં ત્યાં હાજર એક્કેય દોળાધબ્બ ઈસ્ત્રીટાઈટ વસ્ત્રને આવ્યો નહિં !
'લીલુંછમ્મ પડીકું’
એ ઓફીસની બહાર નીકળી.
નીચે આવી.
બાપરે !! પાંચ વાગે આટલો તાપ?
સેન્ટ્રલી એ.સી.ની ઠંડકમાં ગરમીની અસર જ ક્યાં વર્તાતી હતી?
એણે આકાશ તરફ મીટ માંડી. કપાળ પર હાથ ફેરવ્યો.
”આ ધધકતા સૂરજને શું ‘શીતળતા’ નામના શબ્દ નો પણ પરિચય હશે ખરો?” એણે વિચાર્યું.
ધીમે ધીમે પગ ઉપાડ્યાં, બસ સ્ટોપ તરફ…
આજે તો શાક પણ લેવાનું છે અને પૂરણપોળી બનાવવાની છે. નહીંતો એનું તોબરું પાછું ચઢી જશે !!
અચાનક જાણે થોડું વધુ થાકી જવાયું.
બસ સ્ટોપ પર પહોંચીને એ લાઈનમાં ઉભી રહી.
મોગરાની ચિરપરિચિત સુગંધે એના મનનો કબ્જો લઈ લીધો.
“આ ફૂલવાળી રોજ અહીંજ કેમ બેસતી હશે?”
મોગરાની ટગર એને ખૂબ ગમતી.. એને એટલે..
જવાદે, જે નામની યાદ માત્રથી હ્રદયમાં ટીશ ઉઠે છે એને યાદ જ નથી કરવું.
અનલસ ઉભી રહી.
ફરી એ સુગંધે ભરડો લીધો.
ન જાણે કેમ આજે અનાયસ જ એના પગ ફૂલવાળી તરફ વળ્યા.
“એક મોગરાનો ગજરો આપતો.”
“ગજરા…તો બુ..ન ખલાસ થઈ ગયા.”
“કેમ? આ છે તો ખરો એક..”
થોડીક અવઢવ.
ઘડીક અટકી એ બોલી,” લો બુન, પાંસ રુપિયા થયા.”
પૈસા ચુકાવાયાં.
લીસ્સા, સુંવાળા પાનમાં બંધાયેલ મોગરો એના હાથમાં આવ્યો.
એ લીલીછમ્મ શીતળતા જાણે આંગળા દજાડી ગઈ..
એક અછડતો નિશ્વાસ મૂકી એણે ફરી પગ ઉપાડ્યા.
હજુતો બે ડગલા માંડ્યા ત્યાં ફૂલવાળીની નાનકડી દીકરીનો રિસાયેલો સ્વર કાને પડ્યો.
“હેં મા, તું તો કેતી’તી આજ મનં માથામં તેલ નાખીનં, બે મજ્જાના ચોટલા કરી દેઈશ અને મોગરોય ઘાલી દેઈશ.. તે, હું લેવા મારો મોગરો ઓલા બુનને આલી દીધો?”
બસસ્ટોપ તરફ આગળ વધતા ઉદાસીન પગલા અટકી ગયા.
પાછું વળીને જોયું..
ફૂલવાળીએ નાનકડી દીકરીના માથે હાથ ફેરવ્યો અને લાડથી બોલી,” કાલે નાંખી દેઈશ હો બકા, આજે જો હંધાય મોગરા વેચઈ ગ્યા!! આજે તનં રોટલા હારે દાળ બનાઈ દેઈશ હોં!”
નાનકડા હાથોએ તાળીઓ પાડી.
ગોળ ગોળ આંખો ચમકી ઉઠી.
“હેં? હાચ્ચે મા? આજે દાળ રોટલા ખાસું?”
એ ઉભી રહી. સ્તબધ. મોગરાના લીલાછમ્મ પડીકાને જોતી.!!!